સમુડી/અઢાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અઢાર

તેજાને તો મુંબઈમાં ફાવી ગયેલું. આમેય એ ખૂબ મહેનતુ તો હતો જ. ને મુંબઈ જેવું શહેર મળ્યું. આથી એ પૈસા કમાવા પાછળ જ પડી ગયેલો. મિલની નોકરી તો ખરી જ. ઉપરાંત બાકીના સમયમાં હીરા ઘસવાના. હીરાના ધંધામાં જ્યારે મંદી હોય ત્યારે રિક્ષા ચલાવવાની. ક્યારેક એ દારૂય પીતો. તેજાએ એક ચાલીમાં નાનકડું ઘર પણ ખરીદેલું. સાવ નાનકડો એક રૂમ અને બાથરૂમ જેવડી ઓસરી. ઓસરીનો ઉપયોગ રસોડા તરીકે કરવાનો અને બાથરૂમ તરીકે પણ. મુંબઈ જેવા શહેરમાં આવડું ય પોતીકું ઘર હોય એ ક્યાંથી? સમુડીને એ હેરપીન ને શેમ્પુથી માંડીને મોંઘી મોંઘી સાડીઓ સુધીની બધી જ ચીજો અપાવતો. હૉટલમાંય અવારનવાર લઈ જતો. મખમલની જાજમ ઉપર પગ મૂકીને જવાનું ને છરી-કાંટાથી જમવાનું! સમુડીને ઉદાસ જુએ કે પિક્ચરનો પ્રોગ્રામ ઘડયો જ હોય. સમુડીય કેટલા બધા પૈસા પાડતી! એય ક્યાં સહેજે નવરી બેસતી? એની પાસે ખાસ રબારીભરત ભરાવવા માટે તો લોકો જાણે પડાપડી કરતાં. સીવવાનુંય ઘણું કામ એને મળી રહેતું. મિલમાં પોતાને રાતપાલી હોય ત્યારે સમુ લગભગ આખી રાત સીવતી. ભરતગૂંથણ કરતી. જ્યારે જ્યારે તેજો નવરો પડતો ત્યારે ત્યારે વિચારતો – સમુડીને લઈને મુંબઈ આવવાથી પોતે કેટલો સુખી છે! પણ સમુડી? – પહેલી જ વાર એક હૉટલમાં ગયેલાં ત્યારે, મખમલની લાલચટાક જાજમ જોતાં જ સમુડીએ ઊંચી એડીનાં ચંપલ કાઢી નાખ્યાં ને મખમલની પોચી પોચી લાલચટક જાજમ પર દોડાદોડ કરવાનું મન થઈ આવ્યું. પોતાના વતનમાં ચોમાસામાં લાલ મખમલ જેવાં જીવડાં થતાં ને પોતે એ જીવડાંને હથેળીમાં લેતી. એ જીવડાં બધાંય પગ કેવાં શરીરની અંદર ખેંચી દેતાં! ને હથેળીમાં મખમલનો કેવો સુંવાળો સુંવાળો સ્પર્શ થતો! આ યાદ આવતાં જ સમુડીએ ચંપલ કાઢી તો નાખ્યાં પણ… આટલા બધાં માણસોનાં દેખતાં તે કંઈ જાજમ પર દોડાદોડી થતી હશે?! ને ચંપલ પહેરી લીધાં. એ પછી જ્યારે સ્ટેનલેસ સ્ટીલની ડિશમાં ઢોંસો ને સંભાર આવ્યાં ત્યારે તો એનાં નસકોરાં સહેજ ફુલેલાં ને બેય હાથો વડે ઢોંસો આરોગવાનું શરૂ કરી દીધું ત્યાં તો – ‘સમુ,’ તેજાએ કહ્યું, ‘છરી કોંટા વના ઓંય નોં ખવાય.’ સમુડી ઊંચી એડીનાં ચંપલ પહેરતી એ ક્ષણેય એના પગને વતનની ધૂળનો સ્પર્શ સાંભરી આવતો. ખેતરોની ભીની ભીની, પોચી પોચી, સુગંધથી મઘમઘતી જમીન સાંભરી આવતી. એમાં ઉઘાડા પગે ચાલવાની કેવી તો મઝા આવતી! પગનાં આંગળાં વય્ચેથી ભીની માટી કેવી ઉપર આવતી! ખેતરની એ માટી જાણે આખેઆખી સમુડીને ચાટવા ન માગતી હોય! વગડાની જ દીકરી જેવી સમુડીને મુંબઈમાં રહેવું પડે એવો શાપ કેમ આપ્યો હશે વિધાતાએ? હા, તેજો સમુડી માટે શું શું ન’તો કરતો? પણ તે છતાંય મુંબઈના શરૂશરૂના દિવસો પછીથી તો સમુડીના હૃદયમાંથી જાણે ઉમળકો શબ્દ સુધ્ધાં ભૂંસાઈ ગયેલો. સમુડીય વિચારતી, અહીં કઈ વાતનું દુ:ખ છે? પોતાને શાનું ઓછું આવે છે? પોતાની પાસે શું નથી? છતાંય કેમ સતત એવું લાગે છે કે કશુંક ખૂટે છે? જાણે એના જીવનની ધોરી નસ જ ખૂટતી ન હોય! કશોક જબરદસ્ત અભાવ એને સતત રાત-દિવસ કેમ પીડે છે? શેનો અભાવ છે આ? કશું જ સમજાતું નહીં. પોતાના વતનથી દૂર થવાની વેદનાને કારણે જ આમ થતું હશે? પિતાના મૃત્યુના આઘાતના કારણે? કે પછી બીજુંય કશું કારણ હશે? પોતાની આવી કાયમી ઉદાસી જો છતી થઈ જાય તો તેજાને કેવું દુ:ખ થાય? તેજાએ પોતાની ખાતર શું શું નથી વેઠયું? આ વિચારે સમુ પોતાની જાતને અતિશય કામમાં પરોવેલી જ રાખતી. તેજાને એમ ન લાગે કે પોતે ઉદાસ રહે છે એટલા માટે તો એ કેવી સરસ તૈયાર થતી! ને હમેશાં તેજાની ઇચ્છા પ્રમાણે જ વર્તતી. છતાંય, તેજો સાવ મૂરખ થોડો હતો કે એને સમુડીની ઉદાસીની ખબર ન પડે? તેજો સમજતો કે પિતાના મૃત્યુનો આઘાત હજી શમ્યો નથી. વળી, ગામડાગામમાં એ રહેલી છે એટલે હજી મુંબઈમાં ફાવતું નથી. તેજો અવારનવાર સમુડીને ચોપાટી પર ફરવા લઈ જતો. દરિયો જોઈને સમુડી ગાંડી જ થઈ જતી. પહેલી જ વાર દરિયાકાંઠે ગયેલાં ત્યારે સમુડી ઘૂઘવતાં મોજાંઓ તરફ કેટલી આગળ દોડી ગઈ હતી! ને કેવા તો વેગથી ધસમસતી! તેજો તો કેવો ગભરાઈ ગયેલો? એને તો થયેલું કે ખલાસ, સમુડી હવે ડૂબી જ ગઈ. પણ એક મોટા મોજાએ સમુડીને ઊંચકીને, અધ્ધર ઉછાળીને પાછી કિનારે ફેંકી. પણ છેલ્લીવાર દરિયાકાંઠે ગયેલાં ત્યારે? – બંને દરિયાકાંઠે બેઠેલાં. સમુ દરિયો જોતી હતી ટગર… ટગર… ને હથેળીઓમાં દરિયાની રેતી રમાડતી હતી. ને વધુ ને વધુ ઉદાસ થતી જતી… ! પછી સાડી અને ચણિયો ઊંચો લઈને, જમણો પગ ઊભો રાખીને, બેઉ હાથે દરિયાની રેતીનો ઢગલો કરવા માંડી પગ ઉપર! પછી હળવેકથી જાળવીને પગ બહાર કાઢી લઈ ઘર બનાવ્યું ને પછી ઘર તોડી નાખી બેય હાથે જોરજોરથી રેતી ફેંદવા માંડી! જાણે પોતાનું ખોવાયેલું બાળપણ ન શોધતી હોય! દરિયાની રેતીમાં ભળેલી સાંજનો શીતળ સ્પર્શ સમુને ગમી ગયો. પોતાના વતનની વરસાદ પછીની ભીની ભીની માટી યાદ આવી. દરિયાની થોડીક રેતી ચપટીમાં લઈ એણે મોંમાં મૂકી. એ ખારાશ અનુભવતાં જ સમુને હર્ષદના બે હોઠોની ખારાશ યાદ આવી, ઉષ્મા યાદ આવી, ને એ ખોબલે ખોબલે દરિયાની રેતી લઈને પોતાના માથામાં ઠાલવવા લાગી! ચહેરા ઉપર નાખવા લાગી ને દરિયાની ધૂળથી આખીયે રંગાઈ ગઈ! પછી, બ્લાઉઝની ગળા પાસેની કિનાર સહેજ ખેંચી ને પછી મુઠ્ઠી ભરીને રેતી ઓરી પોતાની છાતીમાં! તેજો તો બાઘાની જેમ જોઈરહ્યો આ બધું! આજુબાજુ બેઠેલાંય આ જ જોઈ રહેલાં! આ જોઈને તેજાને ખૂબ શરમ લાગી. ‘સમુ, શું કરે છે આ? ગાંડી થઈ છે કે શું? ઊઠ, ચાલ હવે ઘરે.’ પાછા ફરતાં તેજાને થયેલું કે કોક વળગાડ જેવું લાગે છે. પોતાને ગામ હોત તો તરત ભુવાને બોલાવી લાવ્યો હોત. થોડા દિવસ ગામડે જઈ આવવા અંગેય એ વિચારવા લાગ્યો. પણ દરિયાકાંઠે એ ક્ષણોમાં જે કંઈ થયું એ પછી તો સમુડી ડાહીડમરી બની ગયેલી. જોકે, એ પછી તેઓએ દરિયાકાંઠે જવાનું બંધ કરી દીધેલું. તેજાના મનમાં એવું ઠસી ગયેલું કે એ બેઠાં હતાં એ જગ્યા જ વહેમવાળી હશે. સમુડી રહેતી તે ચાલીની નજીક જ એક ટૉકીઝ હતી. પિક્ચર જોઈને તેજો સમુ ટૉકીઝની બહાર નીકળ્યાં ત્યાં તો – સામેથી હર્ષદ આવતો હતો! સાચેસાચ હ ર્ષ દ! હર્ષદ અહીં ક્યાંથી? ક્ષણભર તો જાણે જગત થંભી ગયેલું. પણ પછી – ‘કેમ છો હરસદભૈ, અમે…’ સહેજ શરમાતાં-અચકાતાં એ બોલી, ‘અમે પિક્ચર જોવા આવેલાં.’ ‘ચાલો હવે,’ તેજો બોલ્યો, ‘આપણે ત્રણેય સાથે જ ઘરે જઈએ.’ ઘરે ગયાં. તેજો ને હર્ષદ વાતો કરતા રહ્યા. સમુડી કંઈ ખાસ બોલતી ન’તી. હર્ષદને થતું, શું થઈ ગયું છે સમુડીને? કેમ કંઈ બોલતી નથી? શાંતાફૈબા કેમ છે?’ બસ! આટલું જ પૂછવાનું હતું એની પાસે? બીજું કશુંય નહીં?! ‘સમુ,’ હર્ષદે પૂછયું, ‘ફાવી ગયું મુંબઈમાં?’ ‘ફાવી જશે.’ બસ, આટલો અમથો જ જવાબ. થોડી ક્ષણ પછી સમુએ પૂછયું, ‘નૈનાભાભી શું કરે છે?’ ‘વિવાહ તોડી નાખવાનું વિચાર્યું છે.’ હર્ષદે જવાબ આપ્યો. પણ આ સાંભળીનેય સમુડીનો ચહેરો સાવ શૂન્ય જ રહ્યો. એણે ‘કેમ?!’ એવુંયે ન પૂછયું? ભારેખમ મૌન. પછી ચા-નાસ્તો. ‘ચાલો,’ હર્ષદ ઊભો થતાં બોલ્યો, ‘ત્યારે હું જાઉં.’ ‘આવજો, હર્ષદભૈ.’ તેજો બોલ્યો. સમુ કશુંય ન બોલી, ડાબા હાથે બારણાનો ટેકો લઈને એ ઊભી રહી. પછી એનો જમણો હાથ અધ્ધર થયો. જમણા હાથ સિવાયનું, બાકીનું શરીર જાણે મીણનું પૂતળું જ જોઈ લ્યો! થોડેક આગળ ગયા પછી, વળાંક આગળ વળતાં પહેલાં હર્ષદે પાછળ જોયું. સમુ હજી બારણામાં જ ઊભી હતી, જાણે બારણાની ફ્રેમમાં જડાયેલી!