સમુડી/છ
વરસાદના કારણે તો સમુડીને એક ‘નોકરી’ ખોવી પડેલી. સમુડી શાંતાફૈબાનાં ઘરે રાણી પણ બીજે બધે તો ‘કામવાળી’ જ ને? એ પૈસાદાર ઘરનું કામ છૂટી ગયું એથી તો સમુડી ખુશ ખુશ થઈ ગયેલી! એ ઘરમાં સમુડીને હોઠ સીવીને જ કામ કરવું પડતું. ઘરના આંગણામાં જ સરસ મઝાનો હીંચોળો. ઘરેણાંથી લદાયેલી, ચરબીથી લથલથ શરીરવાળી નાની શેઠાણી રોજ સાંજે પાળેલા કૂતરાને બહાર ફેરવીને લાવ્યા પછી એ હીંચોળા પર બેસે. એકવાર સમુડીને હીંચવાનું મન થઈ ગયું ને હીંડોળે બેઠી એમાં તો બાપ કંઈ કેવોય ગુનો કરી નાખ્યો હોય એટલું સાંભળવું પડેલું. સમુને મન તો થઈ ગયેલું કે એ નાની શેઠાણીનેય ‘ઇનીં બુનનં’ બે ચોપડાવી દે. પણ શાંતાફૈબા હમેશાં એને ટોક્યા કરતાં. આમેય ગામમાં સમુડીની છાપ ‘આઝાદ છોડી’ તરીકેની. પણ એ પ્રસંગ પછી સમુ ક્યારેય હીંડોળે બેઠી નથી. હીંચવાનું મન થાય તો સીમમાં વડવાઈઓ ક્યાં ઓછી હતી? વળી હીંચકા નાખનાર હોય હર્ષદ… પછી જોઈએ જ શું? એ ‘મોટા’ ઘરનું કામ છૂટી જવાના કારણનું મૂળ જોઈએ તો – બસ, શેઠાણીના દોઢેક વરસના પપ્પુ પ્રત્યે સમુનો વાત્સલ્યભાવ! બહાર ધોધમાર વરસાદ વરસે. પપ્પુ જાળીના બેય સળિયા વય્ચે મોં નાખીને, દયામણી નજરે વરસાદમાં નહાતાં ટાબરિયાં અને સમુડી તરફ જોતો, બારીમાં ઊભેલો. એનું દયામણું મોં જોઈને સમુને મન તો ઘણુંય થઈ આવ્યું કે એ પપ્પુને તેડીને લઈ આવે વરસાદમાં. પણ આવું કરવાથી તો સમુની નોકરી જાય. આથી તો એ બિચારી શેરીના એક છાપરાના ખૂણેથી વરસાદના પાણીનો ‘ધધૂડો’ પડતો એની નીચે ચૂપચાપ ઊભી રહી પપ્પુને જોયા કરતી. કેટલાંય ટાબરિયાં ભેગાં થઈ ઝર્ ઝર્ વરસતા પાણીમાં નાના નાના પગ પછાડતાં જોરજોરથી છબછબિયાં કરે ને એકબીજા પર પાણી ઉછાળે ને કોઈ કોઈ તો ખાબોચિયામાં આળોટે! પપ્પુ બિચારો બારીમાં ઊભો ઊભો છબ્ છબ્ છબ્ કરતાં બધાના પછડાતા પગ સામે ને એથી ઊછળતા પાણી સામે જોયા કરે; ભિખારીનું ખૂબ ભૂખ્યું નાનું છોકરું કોકના હાથમાંનું બિસ્કીટનું પેકેટ જોયા કરે ને એમ! સહેજ આછેરી વાછટ આવતી એય, બારીના માથા પરના નાનકા છજાના કારણે પપ્પુ સુધી પહોંચતી નહીં. આથી પપ્પુ બારીના બે સળિયા વય્ચેથી જિરાફની જેમ ડોકું બહાર કાઢવા મથે તો ઘડીકમાં બે સળિયા વય્ચેથી એનો હાથ બહાર કાઢે ને જો વાછટનો સહેજ સ્પર્શ થાય તો ખુશ ખુશ થઈ જાય. જો વાછટનો સ્પર્શ ન થાય તો એકાદ પગ સળિયા વય્ચેથી બહાર કાઢે. પછી વરસાદનો વેગ વધ્યો. છોકરાંઓ જોરશોરથી છબછબિયાં કરવા લાગ્યાં. આ જોઈ પપ્પુ બિચારો છબછબિયાં કરતો હોય એમ બારીમાં ઊભો ઊભો બેય પગ વારાફરતી પછાડવા લાગ્યો. બહાર છબછબિયાં કરતાં ટાબરિયાંના પગ જે લયમાં પાણીમાં પછડાય એ જ લયમાં પપ્પુના પગ બારીમાંની ટાઇલ્સ પર પછડાય ને બહાર થતાં છબછબિયાંને કારણે પાણીમાં પગ પછડાવાથી જે અવાજ થાય એના તાલે તાલે પપ્પુ બોલતો જાય – છબ્ છબા છબ્ છબા છબ્….! આ દૃશ્ય જોયું હોય તો તમનેય એમ થાય કે પપ્પુ ભલેને ટાઇલ્સ પર પગ પછાડતો હોય પણ એના નાનકા પગ વરસાદનાં ફોરાંઓનો શીતળતમ સ્પર્શ અનુભવતા હશે. બધીયે ઇદ્રિયોથી વરસાદને અનુભવવાની તીવ્ર ઝંખનાવાળું બિચારું અબુધ બાળક… બારીના ટાઇલ્સ પર છબછબિયાં કરે છે…! ઘડીભર તો થઈ આવે કે બારીની ટાઇલ્સનું કેમ રૂપાંતર નથી થઈ જતું વરસાદી પાણીમાં?! બારીના લોખંડના સળિયાઓ કેમ સહેજ આઘા ખસીને આ બાળકને બહાર જવાનો માર્ગ નથી કરી દેતા?! પણ કહેવાય છે કે અત્યંત તીવ્રતાથી ઝંખેલી વસ્તુ મળે જ. એમ આ દૃશ્ય જોઈને સમુડીથી તો ‘રૅવરાયું’ જ નહિ. ‘મૂઈ નોકરી જાય તો જાય. ઑયં ચીયા ન? જોડા ભઈ ને? શેઠૉણીની નોકરીની એક બે નં તૈણ.’ એમ બબડતી સમુડી તો પપ્પુડાને છાતી સરસો ચાંપીને લઈ આવી વરસાદમાં. એ ક્ષણે પપ્પુના ચહેરા પર જે આનંદ ગરજતો ગરજતો ઊછળ્યો છે! અદ્ભુત! પછી તો સમુડી પપ્પુને પાણીના ‘ધધૂડા’ નીચે લઈ ગઈ ત્યારે તો એ ખિલ ખિલ ખિલ કરતો એવો તો ખિલખિલાટ હસ્યો કે કદાચ એને આમ આટલું બધું હસતો એની માએ પણ ક્યારેય નહિ જોયો હોય. સમુને મન થઈ આવ્યું કે પપ્પુને આટલો બધો હસતો જોવા માટે એની માને બૂમ પાડે. પણ ત્યાં તો – ‘હાય રે! બાપ રે!’ ઓ જોતાં જ પપ્પુની માએ ત્રાડ પાડી, ‘મારી એકના એક છોકરાનં મારી નાખવો સ? સાલી ડાકણ જેવી શી માલ્યમ ચ્યોંથી આઈ સે રોંડ શિકોતરી…’ ને સમુડીની એ નોકરી ગઈ. પણ સમુડીને અફસોસ એ વાતનો હતો કે પપ્પુના ચહેરા પરનું અદ્ભુત હાસ્ય જોઈને એની માને કેમ સહેજે આનંદ ન થયો?!