સમુડી/સોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સોળ

સમુડીની નાતમાં વિવાહ તોડવાનું તો કદી કોઈએ કાપ્યું જ ન હોય. હા, ત્રણેક વર્ષ પહેલાં એક છોકરાએ વિવાહ તોડવાની હિંમત કરેલી. તો, પોતાને નાત બહાર મુકાવું ન પડે એટલા માટે એના બાપાએ કાઢી મૂકેલો. એટલું જ નહિ પણ કન્યાના બાપે તો દાતરડું લઈને એ છોકરાનું નાક કાપી નાખેલું. નાતના આખા ઇતિહાસમાં, બસ, માત્ર આ એક જ પ્રસંગ. એ પછી કોઈ વિવાહ તોડવાનો વિચાર સુધ્ધાં કરતું નહિ. નાક કપાયા પછી એ જુવાન પણ ગામ છોડી ગયેલો. એ પછી સમુડીએ જ પહેલ કરી. આ માટે સમુડીના બાપનેય કેટકેટલું વેઠવું પડેલું?! સમુના બાપા વેવાઈને ત્યાં ગયા ત્યારે; વળ ચડાવીને ફાળિયું માથા પર બરાબર વીંટેલું. જેથી કદાચ લાકડીઓ ઊડે તો માથાને ઈજા ન થાય. નીચું માથું કરીને, ધીમા ગંભીર સાદે એમણે વેવાઈને કહ્યું, ‘સમુડી લગન માટ ના પાડઅષ હ…’ આ સાંભળીને વેવાઈનો ગુસ્સો આસમાને. ‘વેવઈ…’ ફાટેલા અવાજે એમણે ત્રાડ નાખી, ‘આ હું બોલો સો ઈનું કોંય ભોંનબોંન હ? ભોંગબોંગ પીનં તો નહિ આયા? નાત બા’ર મેકાવું હ?’ ‘હોં કે મુકઉં મું નાત બાર… સોડી માટઅષ મું બધુંય વેઠોય…’ આ સાંભળી વેવાઈની આંખો રાતીચોળ! અને શરીર આખુંય ક્રોધથી જાણે ફાટું ફાટું! ‘વિવા જો તૂટયા તો પસ જીવતા નીં રૉ… વેવઈ…!’ સમુના બાપ મૂંગા રહ્યા તે સારું થયું તથા નસીબ પણ કંઈક સારું કે જીવલો હાજર ન હતો. આથી માત્ર બોલાબોલી ને ગાળાગાળીથી જ વાત અટકી, લાકડીઓ ના ઊડી. પછી પંચ બેઠું. સમુના બાપા નાત બહાર મુકાયા. એટલું જ નહિ પણ એવુંય નક્કી થયું કે સમુ સાથે જે પરણશે એય નાત બહાર મુકાશે. આવા ગામડાગામમાં નાત બહાર મુકાવું એટલે જાણે જીવનની બહાર મુકાવું! મરી જાઓ તો નાતલોકમાંથી કોઈ કૂટી બાળવાય ના આવે! એટલું જ નહિ, એની લાશનેય ના’તના સ્મશાનમાં પ્રવેશ ન મળે! સમુડીના બાપને તો નાત કરતાં દીકરી વધારે વહાલી હતી. પણ તેજાના બાપને? બાપની સામે થઈનેય તેજો મક્કમ રહ્યો. નાત બહાર મુકાવું ન પડે માટે તેજાના બાપે તેજાને ઘરમાંથી કાઢી મૂક્યો. ઘરબાર નોકરીધંધા વગરનો તેજો સમુને પરણીને લાવે તો એને રાખે ક્યાં? ખવડાવે શું? વિવાહ તોડવાના પ્રસંગથી ગામમાં જ નહિ, આજુબાજુના ગામોમાંય હોહા મચી ગઈ. બધાં સમુ સામે આંગળીઓ કરવા લાગ્યા ને કહેવા લાગ્યા – ‘તેજા હારે પૈણવા હાટું નોંનપણથી કરેલા વિવા તોડી નખ્યા. પણ અવઅષ હું? અમં તો તેજાનંય જો મોત વા’લું હોય તો જ એ પૈણવા આવઅષ…’ પણ તેજો એકવાર આવીને સમુને ને એના બાપને કહી ગયો, ‘મુરત જોવડાવો. મું પૈણવા આવોય.’ આ બધું બન્યા પછી એક દિવસ સમુડી વગડેથી પાછી ફરતી હતી. ઝટ ઘેર પહોંચાય માટે ‘નેળિયા’નો રસ્તો પકડેલો. પણ સહેજ આગળ જ કોકે સમુને આંતરી. સમુએ જેની સાથેના વિવાહ તોડી નાખેલા એ જ જીવલો! એનેય સમુડી ખૂબ ગમતી. કોઈપણ ભોગે એ સમુને ખોવા તૈયાર ન હતો. એને જોતાં જ સમુના હૈયામાં ફાળ પડી. ટેકરી પરથી સૂર્યાસ્ત જોઈને પાછાં ફરતાં જે કંઈ બની ગયેલું એ યાદ આવી ગયું. ક્ષણભર તો એ ડરી ગઈ. પણ પછી મનમાં ગાંઠ વાળી તો આ – ‘એ વખતે દિયોર હાથમોં કોંય હતું નૈં. પણ આલી મેર તો આ રયું દાતેડું. મનં હાથ અડાડઅષ એ ભેગો જ વાઢી નખું…’ ‘સમું,’ ઘાંટો પાડીને પેલાએ કહ્યું, ‘તારી છેડતી કરવા નહ આયો.’ ‘તો ચમ આયો હ?’ ‘તનં ચેતાબ્બા.’ ‘ચે…તા…બ્બા…!’ ચાળા પાડતી સમુ બોલી, ‘તારા જેવા પીટયા ચેટલાય જોઈ નખ્યા.’ ‘તનં પૈણવા આવહે ઈ જીવતો ગોંમ બા’ર નીં નેંકળ. અનં જૉન ચેવી ગોંમમોં આવ હ એય જોઈ લયે.’ ‘અરે હટ, જોઈ લેજે જા…’ કહી હડસેલું મારતીક સમુડી ચાલવા લાગી આગળ. ‘અનં સમુડી.,’ ઊંચા અવાજે પેલો બોલ્યો, ‘એ વાતની તનં ખબેર નોં હોય તો હોંભળી લે. સોમલાનં મારી નખીનં કૂવામોં નખનાર બીજું કોઈ ન’તું મું હતો!’ આ સાંભળી સમુડી અંદરથી ધ્રૈજી ઊઠી. છતાં સહેજ પણ અટક્યા વિના મક્કમ પગલે આગળ ચાલી. ‘સમુ…’ રાડ પાડીને પેલો ત્યાં જ ઊભો ઊભો ડાંગ પર હાથ ફેરવતો ધીરેથી બોલ્યો. ‘તારા તેજાનાય સોમલા જેવા જ હાલ થાહે.’ આ બધી વાત સમુએ શાંતાફૈબાને કરી. શાંતાફૈબાએ કહ્યું, ‘ગભરાય સ હું કરવા? હર્ષદના બાપુના એક ભઈબંધ પોલીસ એનેસપેક્ટર સ.’ જીવલો ને એના દોસ્તારો ગામમાં જાન આવે તો મારામારી કરવા માટેની બધી જ તૈયારી કરી ચૂકેલા. વળી નાતના બધા ય લોકો એના પક્ષમાં હતા ને સતત ઉશ્કેરવાનું જ કામ કરતા – ‘તેજો જો પૈણવા આવઅષ તો ઈંના નાક-કોંન કાપી નખજે.’ તો કોઈ વળી કહેતું, ‘તેજો પૈણવા આવ તો જોજે. જીવતો પાછો નોં જાય. આ તો બાપ-દાદાની આબરૂનો સવાલ હ.’ આવું બધું વાતાવરણ જોઈ સમુ બહારથી ગમે તેટલી હિંમત રાખતી પણ અંદર તો ધડકષ ધડકષ થયા કરતું. કશુંક અશુભ તો નહિ થાય?! એવી બીક પણ લાગ્યા કરતી. ગમે તેટલી હિંમતવાળી, પણ છેવટે તો અબળા જ ને! લગન હેમખેમ પાર પડે એ માટે સમુડીએ મેલડીમાની માનતાય માનેલી. પેલી બાજુ તેજોય કંઈ ગાંજ્યો જાય એમ હતો? એણેય પૂરી તૈયારી કરેલી ને મનોમન નક્કીય કરેલું – કાં સમુડી, કાં મોત. જાન એટલે તેજો અને એના થોડાક જુવાન ભાઈબંધો. બસ! બીજું તો કોણ એને સાથ દે એમ હતું? કન્યાપક્ષમાંય તે સમુ ને એનો બાપ, બસ! સમુની મોટી બહેને કાળીનેય એનાં સાસરિયાં મોકલવાનાં ન હતાં! કદાચ બહુ બહુ તો સમુની બે-ચાર બહેનપણીઓ આવે. પણ હર્ષદના બાપુ જ સમુના બાપની પડખે ઊભા રહ્યા એ જોઈ બીજાંય કેટલાક નાત સિવાયના સંબંધીઓ આવેલા. જો હર્ષદના પિતાએ સાથ ન આપ્યો હોત તો? તો લગન રહ્યું હોત લગનના ઠેકાણે ને થોડાક સ્મશાન ભેગાં થયાં હોત ને બાકીના હૉિસ્પટલ ભેગાં. પણ હર્ષદના પિતાના મિત્રની મદદથી પોલીસની પૂરતી વ્યવસ્થા થઈ શકી હતી. પણ તે છતાંય, લગ્ન પત્યાં, તેજો ને એના ભાઈબંધ સમુને લઈને વિદાય થયાં. એ પછી પોલીસ પણ ચાલી ગઈ. તેજા કે સમુને કંઈ જ કરી ન શકાયું. આથી વધુ રોષે ભરાયેલા પેલા લોકોએ પોલીસ જતાં જ સમુના બાપને મારી નાખ્યો. સમુડીના બાપની લાશ હર્ષદેય જોયેલી. મોં જેવું કંઈ રહ્યું જ ન હતું. ખોપરી જ ફાટી ગયેલી. એ બધું યાદ આવતાં હર્ષદને હજીયે રૂંવાડાં ખડાં થઈ જતાં ને પરસેવો વળી જતો. સમુનો બાપ મર્યો ત્યારે પહેલી જ વાર સ્મશાનમાં જવાનું થયેલું. કારણ કે સમુનો બાપ જ નહિ, એની લાશ પણ ન્યાત બહાર હતી! આથી પોસ્ટમૉર્ટમ પત્યા પછીની બધી જવાબદારી પણ હર્ષદના પિતા પર જ હતી. મુંબઈ જવા રવાના થયેલી સમુને ને તેજાને તો કશી ખબર પણ નહિ હોય! બાપના મોતની ખબર પણ મુંબઈ જેવા શહેરમાં સમુડીને કોણ આપે? મુંબઈ ગયા પછી સમુડીનો એક પત્ર તો આવેલો પણ એમાં મુંબઈનું સરનામું જ ન’તું લખ્યું! એ પછી તો કોઈ પત્ર જ ન હતો. હીરા ઘસનારો તેજાનો ભાઈબંધ મુંબઈથી આવ્યો ત્યારે બધા સમાચાર લાવેલો. શરૂમાં તો એણે તેજાનેય હીરા ઘસતાં શીખવી દીધેલું અને તેજો હીરા ઘસતો. પછી કોઈ મિલમાં નોકરી મળી ગયેલી ને નોકરી સિવાયના સમયમાં હીરો ઘસતો. સમુડીનેય ભરત-ગૂંથણનું, સાડી ફોલ ચોંટાડવાનું, પ્લાસ્ટીકના વાયક કે સૂતળીમાંથી બગલથેલા બનાવવાનું, વડીઓ પાપડ બનાવી આપવાનું, ને એવું બધું ખૂબ કામ મળી રહેતું. પડોશી પાસેથી એ સીવતાંય શીખી ગયેલી. ઘરમાં સીવવાનો સંચો વસાવેલો. શિયાળામાં ઊનમાંથી સ્વેટર, કોટ, ટોપી, મોજાં વગેરે ગૂંથવાનું કામ પણ મળી રહેતું ને એ બધું ગૂંથવા માટેનો સંચોય વસાવેલો. સમુડીય ખા…સ્સું કમાતી. આ બધાં કામોમાંથી એને સહેજે ફુરસદ ન’તી મળતી. આથી કપડાં-વાસણ-કચરા-પોતાં માટે તો સમુડીએય કામવાળી છોકરી રાખેલી. તેજો પણ સમુડીની ખૂબ જ સંભાળ રાખતો ને સુખેથી બેય જણનો સંસાર ચાલતો. તેજાના ભાઈબંધે સમુડીને પૂછેલું, ‘શાંતાફૈબાને કંઈ કહેવડાવવું છે?’ જવાબમાં ડબકષ ડબકષ કરતાં આંસુઓ ઊભરાઈ આવેલાં. પછી પાલવથી આંસુ લૂછતાં, નાક લૂછતાં સમુડી બોલી હતી, ‘કહેજો કે તમારી સમુડી મજામાં…’ ને ફરી ડબકષ ડબકષ કરતાં આંસુઓ ઉમટેલાં. કહે છે કે એકાદ મહિના પછી ક્યાંકથી સમુને બાપના મોતના ખબર મળેલા. પણ એ ગામમાં ન’તી આવી. હવે ગામમાં જઈને ય શું? ગામમાં આવવામાં કોઈ ડર તો ન’તો. કારણ બાપને ખતમ કરનારા બધાં જેલમાં હતાં. પણ શું બાપની થોડીઘણી મિલકત માટે ગામમાં જવું? ના, બધીય મિલકત ભલે ને એની બહેન કાળી લઈ જાય. અને સાચે જ, બધીય મિલકત કાળીનાં સાસરિયાં લઈ ગયેલાં. સમુનો બાપ નાત બા’ર હતો, એની લાશ પણ નાત બા’ર હતી; પણ મિલકત થોડી નાત બા’ર હતી?! હર્ષદ હૉસ્ટેલમાંથી જ્યારે જ્યારે ઘેર જતો ત્યારે એ શાંતાફૈબાને પૂછતો – ‘સમુડીનો કોઈ કાગળ આવ્યો’તો?’ ‘ના, એક કાગળ આયો એ આયો. પસઅષ કોંય હમાચાર નથી.’ તેજાનો ભાઈબંધ એના સમાચાર લઈને આવ્યો ત્યાં સુધી હર્ષદ સતત ચિંતા કર્યા કરતો – બાપના મોતના ખબર જાણીને સમુ ઉપર શું નહિ વીત્યું હોય? એનું લગ્નજીવન કેવું હશે? આટલી સંવેદનશીલ સમુને તેજો કેવી રીતે રાખતો હશે? સમુની લાગણીઓ જાળવતો હશે? એને મારઝૂડ તો નહિ કરતો હોય? નોકરીધંધા વિના એમ જ સમુને લઈને મુંબઈ ઊપડી ગયેલો તેજો સમુને શું ખવડાવતો હશે?’ ત્યાં સમુને લચેલી સાખ પરથી કેરીઓ તોડવા મળતી હશે? ગામની આંબાવાડી, તીકમ મા’રાજની બોઈડી, પાદરનો એ ‘વલ્લો’, તળાવ, પાદર પેલી તરફની એ ટેકરી, એ લીમડો, શાંતાફૈબા, પોતાનું ઘર, અગાસી… આ બધાં વગર એ વગડાની જ દીકરી જેવી સમુડી મુંબઈ જેવા શહેરમાં કઈ રીતે જીવી શકતી હશે? પછી તો હર્ષદ ગ્રેજ્યુએટ થઈ ગયો. એ સ્કૂલમાં ભણતો ત્યારેય એના પાસ થયાના સમાચાર સાંભળી સમુ રાજી થઈને બે હાથે તાળીઓ પાડતી કેવા કૂદતા ભરતી! નોકરી માટે હર્ષદ અરજીઓ કર્યા કરતો. પણ નોકરી કરતાંય હર્ષદને વધારે ચિંતા તો હતી નયના સાથેના વિવાહ તોડવાની. સમુડીની સરખામણીમાં હર્ષદને માટે તો વિવાહ તોડવામાં ક્યાં એવી કશીયે મુશ્કેલી હતી?