સમૂળી ક્રાન્તિ/નિવેદન

નિવેદન
ખુલાસો

આ પુસ્તક મેં 9મી ઑગસ્ટ 1947ને દિવસે શરૂ કર્યું. વિચારો તો મનમાં ભરેલા હતા. કેટલાક અનેક લેખો દ્વારા સૂચવાયેલા પણ હતા પણ આ રીતે પુસ્તકરૂપે લખી નાખીશ એમ ધાર્યું નહોતું. ઑગસ્ટની પાંચમી કે છઠ્ઠી તારીખે શ્રી શંકરરાવ દેવ વર્ધા આવ્યા હતા. એમની ઇચ્છાથી દેશના અનેક રાજકીય, સામાજિક વગેરે પ્રશ્નો પર એમની જોડે ચર્ચા કરવા માટે અહીંના આગેવાન કાર્યકરોની એક બેઠક થઈ હતી. એ ચર્ચા દરમ્યાન મેં કેટલાક વિચારો એમાં રજૂ કર્યાં. પણ પંદરેક મિનિટમાં હું બધું બરાબર કહી શકું એ શક્ય નહોતું. તેથી મેં મારા વિચારો લખી નાખવાનો વિચાર કર્યો અને 9મી ઑગસ્ટથી તે શરૂ કર્યું. મેં ધાર્યું હતું કે એકાદ ફૉર્મની પુસ્તિકાથી એ વધારે લાંબું નહીં થાય, અને એકાદ અઠવાડિયામાં પૂરું કરી નાખી શકીશ. પણ કરોળિયાની જાળની જેમ એ વધતું જ ગયું, અને એક ખાસું પુસ્તક થઈ ગયું. એ રીતે એને પ્રથમ ખરડો 28મી નવેમ્બર, 1947ને દહાડે પૂરો થયો. તે વખતે એમાં કેળવણી વિશે કશું લખ્યું નહોતું. પછી આખો ખરડો ફરીથી તપાસતાં એ વિશેનાં પ્રકરણો લખવાનું સૂઝયું, અને એ રીતે ચોથો ખંડ ઉમેરાયો. એ ખંડ કેટલેક અંશે ત્રુટક જેવો છે, અને એ પૂરી ચર્ચા કરનારો નથી. તા. 30મી જાનેવારી 1948ના યાદગાર દિવસે બપોરે એનું છેલ્લું પ્રકરણ પૂરું થયું હતું. તે વખતે મને ક્યાંથી કલ્પના હોય કે ઇતિહાસના કહેવાતા જ્ઞાનથી મંડાતી મોકાણ વિશે મેં એમાં લખ્યું છે, તેની સાબિતી તે જ દિવસે મળવાની હતી! તેમ 28-11-’47ને દિવસે લખેલા ઉપસંહાર વેળાએ પણ હું ક્યાંથી જાણું કે ગાંધીજીને પં. જવાહરલાલજી પર બધો ભાર નાખી આટલી જલદી લેવી પડશે? ભાવિના ગર્ભમાં શું રહેલું છે એ તો કોણ કહી શકે? પણ આ વજ્રાપાત જેવી ઘટના છતાં જે આશા મેં ઉપસંહારને અંતે બતાવી છે તે ગઈ નથી. એટલું ખરું કે ગાંધીજીને માર્ગે બીજાઓનેય જવું પડે. જિબ્રાનું એક વચન નોંધાયું છે :

“જો તમે અને હું નર્યું સત્ય અને કેવળ સત્ય જ પાંચ મિનિટ સુધી કહીશું તો આપણા સઘળા મિત્રો આપણને છોડી જશે; જો દસ મિનિટ સુધી, તો આપણને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે; જો પંદર મિનિટ સુધી, તો આપણને ફાંસીએ ચડાવશે.”

(મિસ બારબરા યંગના ‘ધિસ મેન ફ્રોમ લેબેનોન’માંથી).

અને છતાં માનવજાતિ અને માનવતા પર મારી શ્રદ્ધા છે. તે કોઈ એક જ દેશના કે સમયના લોકો વિશે મર્યાદિત નથી. મેં ઘણી વાર કહ્યું છે તેમ પૂર્વની સંસ્કૃતિ અને મહત્ત્વના લાગતા નથી. માનવપ્રજામાં બે જ સંસ્કૃતિઓ છે : ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ. બંનેના પ્રતિનિધિઓ આખી દુનિયામાં છે. જેટલે અંશે સંત સંસ્કૃતિના ઉપાસકો નિષ્ઠાથી અને નિર્ભયતાથી વ્યવહાર કરશે તેટલે જ અંશે માનવજાતિની સુખની માત્રા વધશે.

વર્ધા, 9મી ફેબ્રુઆરી 1948

કિશોરલાલ ઘ. મશરૂવાળા