સમૂળી ક્રાન્તિ/3. ચૂંટણીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3. ચૂંટણીઓ

ચૂંટણીઓ દ્વારા આપણી ડેમોક્રસીઓ ચાલે છે, અને સરકારી નોકરો દ્વારા વહીવટ ચાલે છે. પ્રતિનિધિઓને મુકાબલે નોકરો રોજતંત્રનું વધારે સ્થિર અંગ રહે છે. પરિણામે પ્રજા પર તેમનો વધારે પ્રત્યક્ષ કાબૂ હોય છે, અને રાજકારભારનો વધારે અનુભવ પણ તેમને જ હોય છે. પ્રતિનિધિઓની તેમની ઉપર સત્તા હોય છે કરી, પણ તેઓની નિમણૂકો અસ્થાયી અને વારંવાર પલટો ખાનારી હોવાથી, તથા નોકરો જ તેમના હાથપગ તથા આંખકાન હોવાથી, પ્રતિનિધિઓના વાદો અને સિદ્ધાંતો ઘણી વાર પોતાને ઠેકાણે જ રહી જાય છે, અને પ્રત્યક્ષ કારભાર નોકરોની સલાહ અને મત મુજબ જ ચાલતો રહે છે. તેમાં વળી સૌથી નાના નોકર અને સૌથી મોટા નોકર વચ્ચે જેટલાં વધારે પગથિયાં, તેટલી સુધારણાના પ્રયત્નોની અસર પ્રજા સુધી પહોંચવી વધારે કઠણ.

આ માટે સુરાજ્ય માટે ચૂંટણી અને ભરતી બન્નેની બાબતમાં આપણી દૃષ્ટિ સાફ થવાની જરૂર છે.

ચૂંટણીઓ દ્વારા આપણે પ્રજાના પ્રતિનિધિઓ પસંદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા. પણ એ ચૂંટણી કરવાની બાબતમાં આપણું જે દૃષ્ટિબિંદુ હોય છે તે કેટલું યોગ્ય છે તેનો આપણે પૂરો વિચાર કરેલો નથી.

વિચાર કરશું તો માલૂમ પડશે કે ચૂંટણીમાં દરેક મતદાર ‘પોતાના‘ માણસને મત આપે છે. એ માણસ ‘પોતાનો‘હોવાનાં વિવિધ કારણો હોય : જેમ કે, પોતાનો આશ્રયદાતા કે તેનો નીમેલો હોય; કે પોતાની ન્યાતનો, ગામનો, પ્રાન્તનો, ધર્મનો, પક્ષનો, ધંધાનો વગેરે હોય, તેથી તે ‘પોતાનો‘ બને છે. એને મોકલવામાં મતદારની અપેક્ષા એ હોય છે કે એ સર્વ જનતાના નહીં, પણ તેના વર્ગના હિતસ્વાર્થને સંભાળવામાં વધારે દક્ષ રહેશે. અને જે કડીના યોગથી એ ‘પોતાનો‘ કહેવાય છે, તે કડીને એ તેની સર્વે વ્યક્તિઓને બીજાઓકરતાં વધારે લાભ પહોંચાડશે.

ચૂંટાવા ઇચ્છનારો પ્રતિનિધિ પણ પોતાના મતદારોને એ જ જાતની આશાઓ બંધાવે છે. ‘મને મોકલશો તો ‘આપણે‘ માટે હું અમુક લાભો મેળવવા પ્રયત્ન કરીશ. અને ‘આપણા‘ વિરોધીઓને અમુક રીતે ચીત કરીશ.’

આમ પ્રતિનિધિ તથા ચૂંટનારાઓ ‘પોતાના‘ પક્ષના સ્વાર્થનો જ વિચાર કરી સુરાજ્ય સ્થાપવાની આશા સેવે છે. બધા માણસો પોતપોતાના સ્વાર્થ સંભાળે તો બધાના સ્વાર્થ સિદ્ધ થાય, એ મધ્યકાલીન શ્રદ્ધા હજુ આપણી ચૂંટણીઓમાં કામ કરી રહી છે.

હકીકતે આ શ્રદ્ધા જ અનર્થ અને ઝઘડાઓનું મૂળ છે. ચૂંટણીની આ પ્રથા પંચ નીમવાના ધોરણને અનુસરતી નથી, પણ વકીલ નીમવાની પદ્ધતિને અનુસરે છે. ‘અ‘ અને ‘બ‘ની વચ્ચે ઝઘડો હોય તો બન્ને જણ ‘પોતાના‘વકીલો નીમે છે. તેઓ ન્યાયાધીશ આગળ પોતાના અસીલોના સ્વાર્થોને રજૂ કરે છે. એ રજૂઆત કરવામાં તેઓ વિરોધીનાં હિતોનો વિચાર કરતા નથી. બન્નેના વિરોધી સ્વાર્થનો વિચાર કરી ન્યાય તોળવાનો ભાર ન્યાયાધી પર હોય છે. એ ન્યાયાધીશ પણ ‘અ‘ અને ‘બ‘ એ જ નીમ્યો હોય તોયે તેની પાસે એવી અપેક્ષા નથી રખાતી કે તે કોઈ પણ એકના સ્વાર્થનો જ વિચાર કરશે; પણ એવી અપેક્ષા હોય છે કે તે કોઈ એકનો માણસ નહીં બને, પણ બન્નેના સ્વાર્થો અને વિરોધોનો વિચાર કરી ન્યાયનો જ વિચાર કરશે.

આમ કચેરીમાં પક્ષકારોના પોતપોતાના પ્રતિનિધિઓ હોય છે ખરા; પણ નિર્ણય આપવાનો અધિકાર એ પ્રતિનિધિઓને નથી હોતો, પણ એ બન્નેથી પર કોઈ એકનો પ્રતિનિધિ નહીં, પણ ‘સર્વને‘ માન્ય થનારો પ્રતિનિધિ હોય છે. એ સર્વને માન્ય થનારો પ્રતિનિધિ એક જ માણસ હોય કે ઘણા હોય, દરેકને વિશે નિષ્પક્ષપણાની અપેક્ષા હોય છે; કોઈના પક્ષનો હોય કે પક્ષપાત બતાવે તો તે દોષ ગણાય છે.

જો આમ થવાને બદલે એવી અદાલત કરીએ કે કોઈ દાવામાં જેટલા વાદી–પ્રતિવાદીઓ હોય, તે દરેક પોતપોતાના વકીલો નીમે, અને તે વકીલો પર પોતપોતાના અસીલોનું જ હિત તપાસવાની ફરજ હોય છતાં તેઓ બહુમતીથી જે નિર્ણય આપે તે હુકમનામું થાય, તો કેવો ન્યાય તોળાય? દેખીતું છે કે જો વાદી–પ્રતિવાદી એકેક જ હોય તો (જેમ પંજાબ અને બંગાળના ભાગલાપંચમાં બન્યું તેમ) ઘણુંખરું મડાગાંઠ જ થાય; અને જો સંખ્યા ઓછીવત્તી હોય તો જે પક્ષની સંખ્યા વધી જાય તેના હકમાં હુકમનામું થાય. મડાગાંઠા ઉકેલવા માટે કોઈ ત્રીજો રેડક્લિફને સરપંચ નીમવો પડે, અને તે ખોટું પણ કરે તોયે તેને કબૂલ કરવું પડે.

આવી ન્યાયપદ્ધતિ ખોટી જ ગણાય એમ સ્વીકારતાં વાર નહીં લાગે, પણ વિચાર કરશું તો જણાશે કે આપણી પ્રતિનિધિ સભાઓ સર્વે જુદા જુદા પક્ષકારોના વકીલોની મિજલસ હોય છે, બિનપક્ષપાતી ન્યાયાધીશોની બેઠક હોતી નથી. કારણ કે પ્રતિનિધિ મોકલનારાઓને આપણે એમ જ કહીએ છીએ કે દરેક ચૂંટનાર ‘પોતાના‘ માણસને મત આપે; એમ કહેતા નથી કે બધાં મળીને લગભગ સર્વને માન્ય થઈ શકે એવા હોય અથવા લગભગ કોઈને અમાન્ય ન હોય તેવા જ નિષ્પક્ષ, ચારિત્રવાન, વ્યવહારકુશળ માણસોને પસંદ કરે. આથી જે પ્રતિનિધિઓ ચૂંટાય છે તે એક કે બીજા પક્ષના વકીલો ચૂંટાય છે, સૌના પંચો ચૂંટાતા નથી; અને પક્ષોના નિયમો મુજબ તેમના ઉપર પોતાના પક્ષની વિરુદ્ધ કોઈ પણ નિર્ણય (મત) ન આપવાની ફરજ નાખવામાં આવી હોય છે. આવી સભા જે કાંઈ કાયદા વગેરેના નિર્ણયો કરે તે વકીલી અદાલતના હુકમનામા જેવા ગણાય, ન્યાય કચેરીના હુકમનામા જેવા નહીં, કારણ કે એ પ્રતિનિધિઓને કહેવા માત્રની પણ પોતાના પક્ષને છોડવાની સ્વતંત્રતા નથી હોતી. એ પ્રમુખ હોય કે પ્રધાન થાય તોયે પોતાના પક્ષનાં બંધનોથી છૂટો થઈ શકે નહીં.

આવી સ્થિતિમાંયે સ્થિર સુરાજ્ય કાંઈક પણ ચાલી શકે છે તેનું કારણ ‘ડેમોક્રસી‘ નથી, પણ માણસ પોતાની માણસાઈ સર્વશઃ છોડી શકતો નથી તે છે.

જેમ મોટા દાવાઓમાં જુદા જુદા પક્ષકારોને પોતપોતાના વકીલો નીમવાની ભલે સગવડ હોય, પણ નિર્ણયો આપનારા ન્યાયાધીશો જુદા જ હોય છે, અને વકીલમંડળને કોઈ અદાલત કહેતું નથી, પણ ન્યાયાધીશો જ અદાલત ગણાય છે, તેમ રાજ્યસભામાં પ્રજાના જુદા જુદા પક્ષો કે હિતોના પ્રતિનિધોની નિવેદક સભા ભલે હોય, પણ સર્વમાન્ય થઈ શકે એવી કોઈક પદ્ધતિથી નિમાયેલી નિષ્પક્ષ, વ્યવહારકુશળ અને ચારિત્રવાન માણસોની નિર્ણાયક સભા જુદી હોવી જોઈએ. ‘પોતાના‘ માણસોને ચૂંટવા ઉપરાંત મતદારોને પોતાના પક્ષની બહારના (બીજા પક્ષોના હોય તોયે અથવા કોઈ પણ પક્ષના નહીં એવા) લોકોમાંથી એમની દૃષ્ટિએ જે નિષ્પક્ષપાત, ન્યાય, વ્યવહારકુશળતા અને ચારિત્ર માટે યોગ્ય કોણ છે એ વિશે મત આપવા કહેવું જોઈએ, અને છેવટના નિર્ણયો કરવાની અને તેનો અમલ કરાવવાની સત્તા તેમના હાથમાં હોવી જોઈએ. અર્થાત્, આ સભા પહેલી કરતાં નાની જ હોય.

પક્ષોના પ્રતિનિધિઓની બહુમતીથી નહીં પણ નિષ્પક્ષ પંચોની ભારે બહુમતીથી જ સુરાજ્ય સ્થાપી શકવાનો વધારે સંભવ છે. માટે નિષ્પક્ષ પંચો નીમવાની કોઈક પ્રથા નિર્માણ કરવી જોઈએ.

પક્ષોના રાજ્યને પ્રજાનું રાજ્ય – ડેમોક્રસી કહેવું એ ‘વદતોવ્યાઘાત‘ જેવું છે. પ્રજાએ માન્ય રાખેલું પક્ષાતીત રાજ્ય ડેમોક્રસી કહેવાય કે ન કહેવાય, એ સુરાજ્ય – એટલે પ્રજાનું, પ્રજાર્થે, પ્રજાસંચાલિત – રાજ્ય થાય.

8-11-’47