સમૂળી ક્રાન્તિ/3. લિપિનો પ્રશ્ન – ઉત્તરાર્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
3. લિપિનો પ્રશ્ન – ઉત્તરાર્ધ


લિપિની બાબતમાંયે પહેલા ખંડમાં કહી ચૂક્યો છું. અહીં કેળવણીની દૃષ્ટિએ એનો વિચાર કરવો છે.

સ્વર–વ્યંજન વગેરેની વ્યવસ્થિત ગોઠવણ (વર્ણવ્યવસ્થા અથવા વર્ણાનુક્રમ) અને વર્ણો (જુદી જુદી લિપિઓમાં તે તે ધ્વનિઓ દેખાડનારી આકૃતિઓ અને મરોડો) બંને એક વસ્તુ નથી. સંસ્કૃત ભાષાઓ ગોઠવેલો વર્ણાનુક્રમ બહુ વ્યવસ્થિત છે એ વિશે કોઈથી ના પડાશે નહીં. અલેફ – બે કે એ–બી–સીના ક્રમમાં કશો ઢંગધડો નથી, એમાંયે શંકા નથી. સ્પષ્ટ ઉચ્ચારો દર્શાવવા માટે જેટલા ઓછામાં ઓછા સ્વતંત્ર અક્ષરો જોઈએ, તેટલા એ બે લિપિઓમાં નથી એ પણ સાચું છે. તે બેની અપેક્ષાએ સંસ્કૃત વર્ણાનુક્રમવાળી લિપિઓમાં ઘણા વધારે છે.

અરબી–ફારસી લિપિનો પ્રશ્ન આથી વધારે ચર્ચવાની જરૂર નથી, કારણ કે એ લિપિને આ દેશની કે જગતની એકમાત્ર લિપિ કરવાની ક્યાંયે સૂચના નથી. એટલે પ્રશ્ન સંસ્કૃત વર્ણમાળાવાળી વિવિધ લિપિઓ અને એ–બી–સીની વચ્ચે જ છે.

અક્ષરોની સંખ્યા અને અનુક્રમવ્યવસ્થાની દૃષ્ટિએ સંસ્કૃત કુળની લિપિઓની વિશેષતા ઉપર બતાવી. પણ આકૃતિઓની તથા સ્વરવ્યંજનના યોગોની તેમ જ યુક્તાક્ષરોની સરળતા અને તેથી શીખવા તથા લખવાના સહેલાપણાની દૃષ્ટિએ વિચાર કરીએ તો એ–બી–સીના ગુણ સંસ્કૃતકુળની કોઈ પણ લિપિ કરતાં વધી જાય છે. આ વાતનો ઇન્કાર કરવો મૂઢાગ્રહ છે. આકૃતિઓની સરળતા માટે બે કસોટીઓ બસ છે. એ–બી–સીના છવ્વીસ અક્ષરો અને તે ધ્વનિ ઉપજાવનારા કોઈ પણ સંસ્કૃત કુળની લિપિના છવ્વીસ અક્ષરો એક જ માપમાં (કહો કે એક ચોરસ ઇંચના ચોકઠામાં) લખો અને પછી અંગ્રેજી અક્ષરોમાં એકંદર કેટલા ઇંચ લાંબી રેખાઓ કાઢવી પડે છે અને આપણી લિપિઓમાં કેટલી તે માપી જુઓ. માલૂમ પડશે કે અંગ્રેજી લિપિમાં વધારે કરકસર છે. આનું કારણ એ છે કે વિવિધ અક્ષરોમાં આપણી લિપિઓને મુકાબલે એ–બી–સીમાં ઓછા વાંકો–ગાંઠો વગેરે આવે છે.

બીજું પારખું, એક બાળક તથા એક નિરક્ષર પ્રૌઢને અડધો અડધો કલાક આપણી કોઈ પણ લિપિના મૂળાક્ષરો તથા અંગ્રેજી લિપિના મૂળાક્ષરોનો પરિચય કરાવવા માંડો, અને કઈ લિપિના અક્ષરોને એ વધારે ઝપાટાબંધ યાદ કરી શકે છે તે તપાસો. તે પછી તેને લખતાં શીખવો અને કયા અક્ષરોને એ જલદી લખતાં શીખી જાય છે તે જુઓ.

આપણો વર્ણાનુક્રમ તો સારો છે, પણ વર્ણના મરોડો – આકારો સહેલા નથી, અને તેને સ્વર સાથે મેળવવાની અને યુક્તાક્ષરોની પદ્ધતિ સગવડભરી નથી, અને તેને સ્વર સાથે મેળવવાની અને યુક્તાક્ષરોની પદ્ધતિ સગવડભરી નથી. આથી તેને શીખવા તથા લખવામાં વધારે શ્રમ પડે છે, અને ઝડપ ઓછી થાય છે.

છતાં, જો આપણે એટલા તીવ્ર દેશાભિમાની થઈ શકીએ કે સર્વેપ્રાન્તીય લિપિઓને સાવ છોડી દઈ દેવનાગરીમાં જ સર્વે પ્રાન્તીય ભાષાઓને લખવાનું સ્વીકારીએ, તો અંગ્રેજી લિપિનો પ્રશ્ન બાજુએ મૂકી દઈ શકાય અને ઉર્દૂ લિપિનો પ્રશ્ન પણ ઘણો ગૌણ થઈ જાય. દેવનાગરીને સુધારવી તો રહે જ, પણ જે પ્રજા પોતપોતાની પ્રાન્તીય લિપિઓ છોડા જેટલી ઊંચે ચડે, એને પછી દેવનાગરી સુધારવાની બાબતમાં સંમત થવું બહુ કઠણ નહીં પડે.

જો પ્રાન્તીય લિપિઓનો પ્રશ્ન આ રીતે સાવ નીકળી જઈ શકે તો ઉર્દૂ લિપિ લખવાવાળા પ્રાન્તોને તથા (હિંદુ–મુસલમાન જે હોય તે સૌ) જાતિઓને સમજાવી શકાય કે તમારે જોઈએ તેવી અરબી–ઉર્દૂ ઘડો, ઇચ્છો તેટલી તેને અરબી–ફારસીપ્રચુર કરો, પણ તે દેવનાગરીમાં જ લખો અને શીખો. એથી તમારી ભાષાનેયે ફાયદો છે, અને દેશની બીજી ભાષાઓને પણ ફાયદો જ થશે.

પણ જો આપણે પ્રાન્તીય અભિમાનો ન છોડી શકતા હોઈએ તો – માની લો કે કેવળ મુસલમાનો જ ઉર્દૂવાળા છે તોયે – તેઓ ઉર્દૂનો આગ્રહ ન છોડી શકે તો તેથી તેમને દોષ ન દઈ શકાય.

પણ પ્રાન્તીય લિપિઓનો આગ્રહ છૂટી શકે એ વાત આજે મુશ્કેલ જણાય છે. તો પછી કેળવણી અને રાજતંત્રની દૃષ્ટિએ શો ઉકેલ લાવવો એ જોવાનું રહે છે. અને ત્યાં રોમન લિપિ પણ પોતાની ઉમેદવારી રજૂ કરે છે. લેખન, મુદ્રણ વગેરેની દૃષ્ટિએ એની સગવડ વિશે ઉપર કહી ચૂક્યો છું. કોઈ પણ બે લિપિ જાણનારાઓની લોકસંખ્યા લઈએ, તો બીજી લિપિ તરીકે રોમન લિપિ જાણનારા સૌથી વધારે નીકળશે. દેશની કેટલીક ભાષાઓ રોમનમાં લખાય પણ છે. બધી જ ભાષાઓમાં વ્યક્તિઓ તથા સ્થાનોનાં નામો માટે, તારટપાલને માટે રોમનનો જ ઉપયોગ થાય છે. દેશની બહાર જગતમાં એ લિપિ સૌથી મહત્ત્વની છે. એની ખામીઓ થોડાક ફેરફારથી દૂર કરી શકાય એમ છે.

આ બધી બાબતોનો વિચાર કરી હું નીચેના અભિપ્રાયો પર આવ્યો છું :

1. રોમન લિપિનું પ્રાન્તની વિવિધ ભાષાઓના ઉચ્ચારોને સંપૂર્ણપણે અને ચોક્કસપણે રજૂ કરી શકે એવું સ્વરૂપ નિશ્ચિત કરવું; એને ઠરાવેલી રોમન લિપિ કહો.

2. સૌ કોઈને બે લિપિઓનું જ્ઞાન આવશ્યક હોય : પ્રાન્તીય લિપિનું અને ઠરાવેલી રોમનનું.

3. કોઈ પણ સ્વરૂપમાં હિંદુસ્તાની ભાષાને માતૃભાષા તરીકે બોલનારા માટેની બે લિપિઓ તે દેવનાગરી અને ઉર્દૂ. એટલે તેને માતૃભાષા તરીકે શીખનારા માટે દેવનાગરી તથા રોમન, અથવા ઉર્દૂ તથા રોમન લિપિઓનું જ્ઞાન આવશ્યક હોય.

4. હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા તરીકે શીખનારા તેને પોતાની પ્રાન્તીય લિપિમાં તેમ જ રોમન લિપિમાં શીખે, અને તે બે પૈકી ગમે તેનો સગવડ પ્રમાણે ઉપયોગ કરે. પ્રાન્તીય સરકાર તે બન્નેને માન્ય રાખે. પ્રાન્તની ભાષા વિશે પણ એમ જ.

5. મધ્યસ્થ સરકારમાં હિંદુસ્તાની ભાષાના ઉપયોગમાં ઠરાવેલી રોમન, દેવનાગરી તથા ઉર્દૂ ગમે તે લિપિને ઉપયોગ પ્રજા કરે. પ્રજાની જાણ માટે પ્રસિદ્ધ થતાં લખાણો વગેરેમાં રોમન તથા જ્યાં પ્રસિદ્ધ થાય ત્યાંની પ્રાન્તીય લિપિ બન્નેનો ઉપયોગ હોય.

આ વ્યવસ્થાથી દેશની ભાષા અને કમમાં કમ એક સામાન્ય લિપિ – અને તે જગદ્વ્યાપી લિપ – પ્રાપ્ત થઈ શકશે; અને રોજના અંતર્ગત વ્યવહારોમાં તથા સાહિત્યમાં પ્રાન્તીય લિપિઓ પણ રહી શકશે. કોઈ પણ ભાષા શીખવાનું સગવડભર્યું થઈ શકશે.