સમૂળી ક્રાન્તિ/5. ઉપસંહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
5. ઉપસંહાર

હવે આ લંબાયેલા વિવેચનને પૂરું કરવું ઘટે છે.

જગત આજે અતિશય અસ્વસ્થ છે, એ વિશે ક્યાંય મતભેદ નથી, વિજ્ઞાન અને ઉદ્યોગોમાં ઘણો ઘણો વિકાસ થયો અને દરરોજ વધતો જાય છે. માનવજાતના મંડાણથી ઈ.સ. 1800 સુધીનો બધો કાળ ભેગો કરીએ તોયે તે ન થયું હોય તેટલું અને અનંત પ્રકારનું ઉત્પાદન છેલ્લાં બસો વર્ષમાં થયું હશે. પુરાણો તથા યોગશાસ્ત્રમાં વર્ણવેલી સિદ્ધિઓ આપણે પ્રત્યક્ષ થતી જોઈએ છીએ, અને વિના–યોગ–સાધ્યે એનો ઉપભોગ કરી શકીએ છીએ. છતાં તંગીનો પાર નથી, દુઃખોનો અંત નથી, શાંતિ–સુલેહ–સંતોષનું નામ નથી. માણસ માણસને જોઈ રાજી થઈ શકતો નથી. વરુ અને સર્પ કરતાં વધારે ઘાતકી અને ઝેરી બન્યો છે. અમાનુષતામાં કોઈ દેશ કે કોઈ પ્રજા બીજી કરતાં ઊતરે એવું રહ્યું નથી. અજ્ઞાન, દરિદ્રતા કે જંગલી જીવન કરતાં વિદ્વત્તા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન કે સભ્યતા સાથે અમાનુષતા ઓછી ભળી શકે છે એમ કહી શકાય એમ નથી.

આ આપણું કઈ જગ્યાએ બગડયું છે? સુખનાં સાધનો આપણને દુઃખરૂપ – શાપ સમાં કેમ થઈ પડયાં છે? મને જે લાગે છે તે કહું છું.

બગીચાનો માળી લતાના મૂળમાં પાણી રેડે છે, ત્યાં ખરપડી ચલાવે છે, માટી ચડાવે છે, તેની નીરોગતા તપાસતો રહે છે. એના પર ફૂલોનો બહાર આવે છે, ત્યારે ક્ષણેક રાજી થાય છે, થોડાક ગુચ્છા કાઢી માલિકને આપી આવે છે. એને ફૂલો નિહાળતાં ઊભા રહેવાની બહુ ફુરસદ નથી. પણ બગીચાનો માલિક વાડીમાં ફરવા નીકળે છે, ત્યારે ફૂલો જોવામાં જ લીન થઈ જાય છે. ફૂલને ઉપજાવનાર લતાને અને તેનાં મૂળને જોવાનું તેને સૂઝતું જ નથી. દાતણ જેવાં નિસ્તેજ ફૂલપાન વિનાનાં મૂળમાં શું રસ પડે એવું હોય? એનું ચિત્ત ફૂલોના રંગો અને ગંધોમાં જ રમે છે. આમ એ આખા બગીચામાં ફરી વળે છે, પણ એની નજર ઝાડોના બાહ્ય વૈભવ ઉપર જ ફર્યા કરે છે; નીચે નમીને તેનાં મૂળ જોવા વળતી નથી. એનામાં રસિકતા છે, પણ એ કાર્યને જ સમજી શકે છે, કારણની કદર કરી શકતો નથી.

અથવા એક બીજું દૃષ્ટાંત લઈએ. શંકુ આકારનું નીચેના જેવું અતિ લાંબું એક ભૂંગળું વિચારો. એના મધ્યમાં ઊભેલો મનુષ્ય જોઈ

Samuli2 પોતાનું મોઢું રાખીને ચાલે છે, તો તેનો બધો વિકાસ અને વિસ્તાર જ દેખાય છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પ્રદેશની અનંતતા જ માલૂમ પડે છે, ક્યાંયે તેની આદિ કે અંત કે પાયો દેખાતો નથી. બધું વધતું ને વધતું અને એકબીજાથી દૂર ને દૂર જતું જ દેખાય છે. કદી છેડો આવશે એમ લાગતું જ નથી. અનંતમાં ભટક્યા કરી પોતે જ ખોવાઈ ગયા જેવું થાય છે. પણ એ જ જો ‘ક‘ – છેડા તરફ વળે તો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સંકડાશ અને સંકોચ વધતાં જાય છે. બધું નાનું નાનું અને ભીડમાં રહેતું જણાય છે. જો આગળ ચાલતો રહે તો કેવળ પોતાથી જ ભૂંગળું ભરાઈ જાય એટલો નાનો પ્રદેશ બની જાય છે. પોતાનેયે સંકડાશ લાગે. પોતા સિવાય કશું રહેતું જ નથી. ત્યાં વિવિધતા નથી, વિસ્તાર નથી, બહુપણું નથી. પણ એમાં પોતે ખોવાઈ ગયો છે, ભુલો પડી ગયો છે એમ લાગી શકતું નથી; ઊલટું પોતે જ સૌ કંઈ છે એમ સમજવા લાગે છે. બધાની સાથે પોતાનો જ સંબંધ દેખાય છે. પહેલી સ્થિતિમાં મનુષ્ય બીજું બધું જુએ છે પણ પોતાને જોતો નથી, બીજી સ્થિતિમાં એ પોતાને જુએ છે પણ બીજું બધું જોતો નથી. પહેલી દશામાં એ પોતે અનંતમાં ઊડનારી યત્કિંચિત્ રજ છે, જે અકસ્માત ઉત્પન્ન થઈ છે અને ધ્યેય વિના ભટકનારી છે એમ માને છે. બીજી દશામાં એ પોતે જ વિશ્વનું આદિકરણ અને અર્ક છે એમ માને છે. એ એમ જાણતો નથી કે એની દૃષ્ટિ, બુદ્ધિ અને ગતિ એક શંકુ આકારના ભૂંગળામાં કામ કરે છે, જે એક તરફ પહોળું થતું જાય છે અને બીજી તરફ સાંકડું થતું જાય છે.

Samuli3 ઉપલા જ દૃષ્ટાંતને સહેજ ફેરવીએ. એક મનુષ્યને બદલે અનેક મનુષ્યોનો વિચાર કરીએ. કેટલાક ‘ખ‘ તરફ જાય. કેટલાક ‘ક‘ તરફ. જેઓ ‘ખ‘ તરફ જાય છે તેઓ અનંત, અપાર, વિવિધ, સમૃદ્ધ અને સર્વવ્યાપક પ્રકૃતિ જ જુએ છે. પ્રકૃતિની જ સર્વ લીલા અને મહિમા દેખે છે. બધું ફેલાતું અને વિસ્તૃત થતું જ ભાળે છે. શરૂઆતમાં તેનો જ અંત શોધવાના પ્રયત્નમાં તેઓ આગળ ને આગળ ધસે છે. કોઈ થોડે જઈને થાકે છે, કોઈ દૂર જઈને થાકે છે. કોઈ જલદી એ નિર્ણય પર આવે છે કે આનો ક્યાંય અંત જ આવવાનો નથી; કોઈ બહુ ફરી ફરીને નિર્ણય પર આવે છે. જ્યારે થાકવા માંડે છે, ત્યારે નિરાશ થાય છે અને પાછા વળવા ઇચ્છે છે. ‘પ‘ની દિશામાં વળાંક લે છે. આમ કોઈક બહુ મોટું ચક્કર લગાવીને ફરે છે, કોઈ નાનું.

બીજી બાજુથી જે ‘ક‘ તરફ વળેલા છે તે મનની જ સર્વ વિકૃતિ અને ભ્રમણા જુએ છે. બધું મનમાં જ સમાયેલું એને લાગે છે. મનની બહાર કશાનું અસ્તિત્વ છે કે કેમ એ વિશે શંકાશીલ રહે છે. માટે એ મનને જ પકડવા મથે છે. પણ તેયે ક્યારેક થાકવા માંડે છે. એમ મનને પકડીનેયે એને પૂર્ણપણે સંતોષ લાગતો નથી. એવું મન અને શક્તિહીન, વિભૂતિહીન, કર્તૃત્વહીન, સંકુચિત થતું લાગે છે. એમાં એને વિકાસ નથી લાગતો, વિલય લાગે છે. એટલે તેવો થાકેલો મનુષ્ય પણ તે જ દિશામાં ટકવા ઇચ્છતો નથી. એ પણ પાછો ઘ્ આગળથી વળતી દિશામાં વળતા ઇચ્છા કરે છે, અને શક્તિ, વિભૂતિ, કર્તૃત્વ, વિકાસને પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થાય છે. આમાંયે કેટલાક જલદી થાકે છે, કેટલાક ‘ક‘ની બહુ નિકટ સુધી જઈ થાકે છે. પણ થોડા છેવટ સુધી થાક્યા વિના એ જ તરફ વધ્યા કરે છે. આમ કેટલાક લોકોના મોં ‘ખ‘ તરફ વળેલાં છે, કેટલાનાં ‘ક‘ તરફ. કોઈ વાર બહુ મોટો સંઘ ‘ખ‘ તરફ વળેલાં હોય છે, કોઈ વાર ‘ક‘ તરફ. બધા જ ‘ખ‘ તરફ જતા હોય કે બધા જ ‘ક‘ તરફ વળતા હોય એવું બનતું નથી.

આજે માનવજાતિના બહુ મોટા ભાગની સ્થિતિ બગીચાના પેલા માલિક જેવી અથવા ‘ખ‘ તરફ મોઢું ફેરવેલા માણસો જેવી છે. આપણે બધા ફૂલોનો બહાર જોવામાં, પ્રકૃતિની ખૂબીઓ અને વિવિધતા ખોળવામાં જ રંગાઈ ગયા છીએ. નીચા નમીને, પાછું વાળીને, કોનો આ વિસ્તાર, અને કોનો આ વિજય અને મહિમા તે જોવાની ઇચ્છા થતી નથી. જગત આપણને સ્વયંભૂ પ્રકૃતિની જ અટપટી રમત લાગે છે, એનું કોઈ મૂળ બીજ, કારણ, કે કર્તા છે કેમ, એ વિશે પણ શંકા લાગે છે. જેઓ આ બાબત વિચાર કરે છે કે તેઓ એમ વિચારે છે કે જીવસૃષ્ટિ – ચૈતન્ય પણ કાંઈક અચાનક જ નિર્માણ થઈ ગયેલી ઉત્પત્તિ છે. જેમ લતા પર ફૂલોનો બહાર આવે, તેમ પ્રકૃતિ પર જીવસૃષ્ટિનો બહાર આવેલો છે. ફૂલો ગમે તેવાં સુંદર અને સુગંધી હોય છતાં તે મૂળોનું કાર્ય છે, કારણ નથી કે તે અનાદિ પણ નથી; તેમ જીવસૃષ્ટિ પણ પ્રકૃતિનું કાર્ય છે, તે કારણ નથી કે અનાદિ પણ નથી. આથી, રસિક માણસને જેટલી ફૂલોની કિંમત હોય, તેથી વધારે આપણને જીવની કિંમત રહી નથી. એમાં રંગ અને ગંધ હોય ત્યાં સુધી એની કિંમત; પછી તે પગ તળે રગદોળાય. અને એની કિંમતનો અર્થ એ નહીં કે એને માટે કશો આદર હોય; પણ જેના પ્રત્યે આપણને આદર હોય, તેને માટે તેનું બલિદાન કરવા પૂરતી જ તેની કિંમત. આ રીતે સમગ્ર જીવસૃષ્ટિનું અને મનુષ્યોનું પણ આપણે જે કાંઈ બીજું મહત્ત્વનું સમજતાં હોઈએ તેને માટે બલિદાન કરી નાખવામાં, તેમને વીંધી, પરોવી, બાંધી રગદોળી નાખવામાં આપણને આંચકો લાગતો નથી. આપણી નજર લતાના મૂળ તરફ નહીં, પણ ઉપરનાં બહાર તરફ, ભૂંગળાનાં ‘ક‘ છેડા તરફ નહીં, પણ ‘ખ‘ છેડા તરફ વળેલી છે, તે જ આપણાં દુઃખોનું મૂળ કારણ છે. દિવસના કેવળ આપણી પૃથ્વીનો જ વિસ્તાર સ્પષ્ટ દેખાય છે પણ રાત્રે તો સમગ્ર વિશ્વની સમૃદ્ધિ નજરે પડે છે, અને જેમ રાત અંધારી તેમ વધારે સારી દેખાય છે; તેથી જેમ કોઈ દિવસને અંધક અને રાત્રિને પ્રકાશક કહે, તેમ આપણે ‘ખ‘ની દિશામાં પ્રકાશ અને વિકાસ જોઈએ છીએ, અને ‘ક‘ની દિશામાં સંકોચ અને શૂન્યતા જોઈએ છીએ.

ભક્ત અને તત્ત્વજ્ઞાનીની ભાષામાં કહીએ તો આપણે માયાની સાધનામાં ભગવાનને ભૂલ્યા છીએ, પ્રકૃતિના ધ્યાનમાં આત્માને ખોઈ બેઠા છીએ. આધુનિક સાધારણ ભાષામાં કહીએ તો આપણે મહત્તાના અને વૈભવના મોહમાં માણસાઈને છોડતા આવ્યા છીએ. જેને માટે મહેલ બાંધવાનો તે પોતે મરવા પડયો છે, છતાં તેની શુશ્રૂષા કરવાની આપણને નવરાશ નથી. પહેલાં મહેલ બાંધી લેવા દો, તેમાં એક ઇસ્પિતાલનો ઓરડો પણ રાખશું, પછી તેમાં આપણે એનો ઇલાજ કરશું એવી આપણી ગણતરી છે. એ મરશે તો એના દીકરાનો ઇલાજ કરશું, અને એને દીકરો નહીં હોય તો કોઈ બીજા માંદાને લાવીને રાખશું એ આપણો ન્યાય છે. ‘અંધેરી નગરીના ગંડુ રાજા‘નો ન્યાય એથી વધારે દોષરૂપ નહોતો. ઊલટું, એણે શૂળી સમજીને શૂળી ઊભી કરી હતી, આપણે કદાચ મહેલ સમજીને કતલખાનું ઊભું કરીએ છીએ.

તાત્પર્ય કે જે મોટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહોજલાલી કરતાં માણસાઈને સૌથી વધારે મહત્ત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવાની છે. એને અભાવે કોઈ પણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ કે ધર્મ મનુષ્યને સુખશાંતિ આપશે નહીં.

આ લખતાં મારા મનમાં માનવજાતિ વિશે નિરાશા નથી એટલું હું કહી દઉં. હિંદુસ્તાન માટે તો તેથીયે વધારે આશાવાન છું. હજુ ભલે થોડો આમતેમ અથડાય, ગોથાં ખાય, નુકસાન ખમે, પણ પાછો માનવપ્રવાહ ‘ક‘ ની દિશામાં વળવાનો જ છે, પાછો પ્રકૃતિની પૂજાને સ્થાને ભગવાનને સ્થાપવાનો જ છે, અને તે તેને વધારે શુદ્ધ સ્વરૂપમાં સમજતો થઈને કરશે, એમ મારું મન કહે છે. આ કેવળ નિરાધાર આશાવાદ નથી. છેલ્લાં પચાસ–સાઠ વર્ષમાં હિંદુસ્તાનમાં એક પછી એક ચડિયાતા નેતાઓની જે હારમાળા ઉત્પન્ન થઈ છે, તે પરથી હિંદુસ્તાનનું – અને સંભવત : તે દ્વારા માનવજાતિનું – વહાણ બરાબર દિશા તરફ રહેલું છે એમ મને જણાય છે. ગાંધીજી પછી પં. જવાહરલાલ તરફ આખું જગત આદર અને આશાની નજરે જુએ છે તે કાંઈ નિષ્કારણ નથી. એ ભગવાન શબ્દથી છેટા રહે એ કાંઈ મહત્ત્વનું નથી, પણ એમની દૃષ્ટિ સમગ્ર માનવકુળ પ્રત્યે આસ્થા અને સદ્ભાવથી ભરેલી છે અને તે જ એમની ઉચ્ચતમ આધ્યાત્મિકતા છે.

આપણે એવી ક્રાન્તિ કરીએ કે જેમાં પદે પદે, આપણી માનવતા દેખાય અને ખીલે, અને સમગ્ર માનવજાતિને પંથે વાળે. એ જ સાચી ધાર્મિકતા છે અને એ જ સાચી સમાજરચના, અર્થરચના અને રાજ્યપ્રણાલિકા છે.

શત્રુમોટામાનવમાત્રનાસમાન

ગંદકી, રોગ, દારિદ્ર, અજ્ઞાન.

આળસ, દંભ અને અસત્ય,

મદ, મદન અને મદ્ય,

આસુર અભિલાષ, અદમ્ય વિકાર.

કામ–ક્રોધ–લોભ–ગર્વના અનાચાર,

એ સૌ અધર્મ–સર્ગનો આવિષ્કાર.

ઈશ્વરસત્તાવાદ ન સાચી આસ્તિકતા;

ઈશ્વરનાસ્તિવાદ ન સાચી નાસ્તિકતા.

પિતા–પુત્ર, ભાઈ–ભાઈ, ધણી–સેવક,

પતિ–પત્ની, શાસિત અને શાસક,

વેપારી–કારીગર અને ગ્રાહક,

કળા, સૌંદર્ય કે વિજ્ઞાનના ઉપાસક,

ધન–વિષયાર્થે જ માને સંબંધ,

ઇંદ્રિયાકર્ષણને જ માને આનંદ;

આવું બન્યું હોય જીવનનું લક્ષણ,

તે જ નાસ્તિકતાનું અસલ ચિહ્ન.

જ્યાં સુધી આસુર અભિલાષોમાં શ્રદ્ધા,

ત્યાં સુધી સુખ–શાંતિ વૃદ્ધિની અશક્યતા.

વધારવા–પ્રકટાવવા ઉચ્ચ ગુણો સદૈવ,

માનવતાના ઉત્કર્ષને માની જીવનનું ધ્યેય,

સદ્ભાવે, ધર્મભાવે, કરવી જીવોની સેવા,

માનવમાત્રને હૃદયથી અપનાવવા;

જીવમાત્રને પ્રેમામૃતે નવરાવવા;

ગંદકી, રોગ, દારિદ્ર, અજ્ઞાન હઠાવવાં;

સત્ય, શૌચ, ઉદ્યોગ આદિ સદ્ગુણો ફેલાવવા,

એમાં જ આત્મજ્ઞાન અને શાંતિ પામવાં.

આ રીતે યાવજ્જીવન કરે ઉપાસના,

રાખી ઈશ્વરનિષ્ઠા અને સ્વાર્થી નઃશ્પૃહા;

ન રાખે ચિંતા, મમતા કે ભાવિની ઝંખ,

આવતાં દેહનો અંત તે છોડે નઃશંક,

એનાં સમાધાન, શાંતિ ને મોક્ષ,

રોકડાં, અકલ્પિત અને અપરોક્ષ.

28-11-’47