સમૂળી ક્રાન્તિ/7. ફુરસદવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
7. ફુરસદવાદ

છેલ્લા પ્રકરણમાં, ‘સમયની બચતને ઈનામ‘ અથવા ‘સમયના બગાડ પર દંડ‘ એવી પરિભાષામાં પદાર્થોની કિંમતના આજના ધોરણનો એક ખુલાસો વિચારાયેલો છે. પણ સાચું પૂછતાં આવી રીતે ખુલાસો આપવામાં જ વિચારની ગેરદોરવણી થાય છે. ગાંધીવાદ અને બીજા વાદો વચ્ચે આ એક બાબતમાં વિરોધ છે. તે એ કે બીજા સર્વે વાદો ફુરસદવાદી છે; માણસને વધારેમાં વધારે ફુરસદ આપવી, ફુરસદ વિદ્યા, કળા, વગેરેનું – ‘સંસ્કૃતિ‘નું કારણશરીર (મૂળ સાધન) છે, એ આજના અર્થશાસ્ત્રની પાયારૂપ શ્રદ્ધા છે એમ કહી શકાય. ગાંધીવાદ, પ્રતિક્રિયારૂપે કદાચ બીજે છેડે બેઠો છે અને તે ફુરસદને લગભગ માનવહિતની દુશ્મન લેખે છે.

હકીકત એ છે કે ફુરસદ શબ્દમાં આળસ અને વિશ્રાંતિ બન્નેનો સમાવેશ થાય છે. આ પૈકી શ્રમ પછી વિશ્રાંતિની જરૂર વિશે વિવાદ કરવો નકામો છે. એ વિશ્રાંતિ કેટલીક વાર કેવળ આરામથી – નિરાંતથી પડવા–સૂવાની અને કોઈ વાર બીજા પ્રકારનો અનાર્થિક શોખનો કે વિનોદનો શ્રમ કરવાની હોય. એમાં રમતગમત, કળાચાતુરી, કથાકીર્તન, જ્ઞાનચર્ચા વગેરેનો સમાવેશ થાય. એ શ્રમ અર્થોત્પાદક ન હોય તોયે શરીર, મન, બુદ્ધિ વગેરેને સ્વસ્થ અને ઉન્નત કરનારો હોવો જોઈએ. એમ કહેવું કે વિશ્રાંતિની જરૂર જ નથી, અથવા એક શ્રમ છોડી બીજા પ્રકારનો પણ અર્થોત્પાદક જ શ્રમ કરવો તે જ વિશ્રાંતિ – એ વૃથા પાંડિત્ય જેવું છે. અને આળસ માનવહિતનું દુશ્મન છે એમ સ્વીકારવામાં કોઈને હરકત ન હોવી જોઈએ. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે‘ એ અનુભવ–વાક્ય છે. જે ફુરસદ જુગાર, દારૂ, વ્યભિચાર, તમાશા, મલિન કળા, ગાળાગાળી તથા મારામારીમાં પરિણમે તે ફુરસદ આવી નખ્ખોદ વાળનારી ગણાય.

પણ આળસની અનિષ્ટતા સ્વીકારવા જતાં શ્રમનો બોજો વધી પડવાની ધાસ્તીથી ફુરસદવાદ પેદા થયો છે. જીવવા માટેના ‘આવશ્યક‘ શ્રમમાંથી વધારેમાં વધારે મુક્તિ પહેલી મળવા દો; ‘આવશ્યક‘ શ્રમ એ જ શ્રાંતિ (થાક) છે; એમાંથી નીકળવું તે વિશ્રાંતિ – ફુરસદ. એવી ફુરસદ થાક લાગવા માંડે તે પહેલાં જ મળે તો વળી વધારે સારું, એમ હોય તો જ બીજા પ્રકારનાં જ્ઞાનકળા વગેરેનાં ઉપાર્જન–સર્જન થઈ શકશે. થાક વિનાની ફુરસદ ગાળતાં ન આવડતું હોય તો હરકત નહીં; ‘નવરો બેઠો નખ્ખોદ વાળે‘નું જોખમ ખેડીનયે મનુષ્યોને પહેલી ફુરસદ આપવી. પછી ધીમે ધીમે ફુરસદને સારી રીતે ગાળવાની કેળવણી આપવાનું કરી શકાશે. આ ફુરસદવાદ છે.

વિચાર કરતાં જણાશે કે શ્રમ–ફુરસદનો સંબંધ ત્યાગ–ભોગ, અહિંસા–હિંસા, જેવો છે. જેમ માણસ સર્વથા ભોગ વિના રહી શકતો નથી; સર્વથા હિંસા વિના નભતો નથી; તેમ ફુરસદ કાઢયા વિના, મહેનત બચાવવાનો પ્રયત્ન કર્યા વિના રહી શકતો નથી. ભોગને મર્યાદિત કરવાનો, ઘટાડવાનો પ્રયત્ન તે જ ત્યાગ. એવો પ્રયત્ન કરતાં કરતાંયે તે કેટલોક ભોગ કરે જ છે. પણ તેથી જો એ ભોગને જ જીવનનો સિદ્ધાંત બનાવે છે તો વિનાશને જ પંથે જાય છે. તે જ પ્રમાણે હિંસાને મર્યાદિત કરવાનો–ઘટાડવાનો પ્રયત્ન તે જ અહિંસા, અહિંસાના પ્રયત્ન કરતાં કરતાંયે તે કેટલીક હિંસા કરે જ છે. પણ તેથી જો તે હિંસાને જ જીવનનો નિમય બનાવે તો યાદવાસ્થળી જ પરિણમે. એ જ વાત શ્રમ–ફુરદસની છે. ફુરસદ માણસ કાઢવાનો જ. શ્રમ કરતાં કરતાંયે ફુરસદ પર નજર રાખવાનો. પણ ફુરસદને જ જો અર્થશાસ્ત્રની કે જીવનની ફિલસૂફી, અને જ્ઞાન–કળાનું કારણશરીર સમજે તો તે અનર્થની પરંપરામાં જ પરિણમે.

એક એવી માન્યતા છે કે સંસ્કૃતિનો વિકાસ ફુરસદમાંથી થયો છે અને થાય છે. ફુરસદ હોય તો મામસ ગાતાં શીખે, નાચતાં શીખે, ચીતરતાં શીખે, કોતરતાં, રંગતાં વગેરે શીખે. શરીર–ઘર વગેરેને શણગારતાં શીખે, વાંચતાં અને મનન કરતાં શીખે, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન વિચારે. જેનો આખો દિવસ અને જન્મારો પેટનો ખાડો ભરવાની મહેનતમાં અને જીવનને જેમતેમ ટકાવી રાખવામાં જ ચાલ્યો જાય, તે એ બધી વિદ્યા–કળા–જ્ઞાન વગેરેનો શી રીતે વિકાસ કરે? આજ સુધી દુનિયામાં જે જે મહાન સંસ્કૃતિઓ પેદા થઈ છે, ભવ્ય નગરો, ઈમારતો, સાહિત્ય, સંગીત, કળા, તત્ત્વજ્ઞાન આદિ રચાયાં છે, તે ફુરસદ કાઢી શકનારા લોકોને પ્રતાપે છે. પૂંજીવાદી અર્થવ્યવસ્થામાં થોડા માણસો કોઈક પ્રકારે ખૂબ ધન મેળવી શકતા અને તેથી તેમને પોતાને ખૂબ ફુરસદ મળતી એટલું જ નહીં, પણ તેઓ બીજા પણ યોગ્ય માણસોને ફુરસદ મેળવવામાં મદદગાર થઈ શકતા. મારે શરીરશ્રમ કરી મારો નિર્વાહ ચલાવવો પડતો નથી. કેટલાક થોડી મહેનતે ઘણું કમાઈ શકનારા પુસ્તકો ખરીદવાની શક્તિ ધરાવે છે, માટે નવજીવન પ્રકાશન મંદિર પુસ્તકો છાપવાનો ધંધો ચલાવી શકે છે, અને તેથી મારા જેવા લેખકો નિરાંતે સાહિત્ય–સર્જન કરી શકે છે, અને મહાત્મા ગાંધી તથા રવીદ્રનાથ ટાગોર જેવા નરરત્નોયે ઊપજી શકે છે. એને જ લીધે શંકરાચાર્ય જેવા અનેક જ્ઞાનીઓ તત્ત્વજ્ઞાન ખેડી શક્યા છે અને સાધુસંતો ભક્તિનો પ્રચાર કરી શકે છે. એને જ કારણે પિરામિડો, તાજમહાલ, દેલવાડાનાં મંદિરો, નાલંદા, મોહન–જો–ડેરો બન્યાં. અણુમાં રહેલી અદ્ભુત અને પ્રચંડ શક્તિ, વીજળી તથા કિરણોની વૈજ્ઞાનિક ખૂબીઓ, હેરત ઉપજાવનારા પ્રચંડ ઉદ્યોગો અને પુલ વગેરેનાં બાંધકામો કરવા અર્થોત્પાદક શ્રમમાંથી ફુરસદ પામેલા લોકો જ શક્તિમાન થયા છે. ફુરસદની શક્યતા ન હોય તો વિજ્ઞાનનો વિકાસ ન હોત. અઢારમાં સૈકા સુધી મોટા ચક્રવર્તી રાજાનેયે જે સુખસગવડો નહોતાં મળી શકતાં તે આજે મુંબઈમાં રહેનાર મિલમજૂર કે મહેતાનેયે મળી શકે છે. શાહજાહાંએ જેવી ઝીણી મલમલ વાપરી હશે તેવી કે તેથીયે ઝીણી મલમલ આજનો સામાન્ય મજૂર વાપરી શકે છે, અને એની સ્ત્રી બસો વર્ષ પૂર્વના નગરશેઠની વહુએ રોજના વપરાશમાં નહીં પહેરી હોય તેવી સાડી પહેરીને વાસણ અજવાળવા બેસી શકે છે. પચાસ વર્ષ પર દીકરાનો પગ ધોઈને બ્રાહ્મણ કહે કે એના નસીબમાં ગાડીઘોડો છે, તો મા રાજી રાજી થઈ જતી. આજે પગની રેખા ગરજ વિના એક આનામાં વીજળીના વાહનમાં બેસીને માણસ અર્ધું મુંબઈ ફરી આવી શકે છે. રામ જેવાનેયે વિભીષણની મદદથી પુષ્પક વિમાનમાં બેસવાનો લહાવો મળ્યો. આજે શંકરરાવ દેવ જેવા નિષ્કિંચન સેવક પમ મહિનામાં બે વાર ઊડી શકે છે, અને હિજરત કરનાર ગરીબ કિસાનોને પણ વિમાનમાં સ્થાનાંતર કરાવાય છે. આટલો બધો વિકાસ ફુરસદને આભારી છે. એ ફુરસદ અત્યાર સુધી પૂંજીને ન વરેલી હતી. હવે એને યંત્રોદ્યોગો દ્વારા અને સમાજવાદી રચના દ્વારા સમાજવ્યાપક બનાવી શકાય એમ છે. પૂંજીવાદ સ્વાર્થી અને અલ્પવ્યાપી હોવાથી તે કાઢવા જેવો છે. પણ એનું નવનીત – ફુરસદ એ તો અવશ્ય વધારવા અને સંઘરવાની વસ્તુ છે, એવો ફુરસદનો મહિમા છે.

પણ આ વિચારોમાં એટલી બધી સાચી, અર્ધસાચી અને ભૂલભરેલી બાબતોની ભેળસેળ કરી દેવામાં આવી છે કે તેનો ઊંડા ઊતરી વિચાર કરી લેવાની જરૂર છે. પહેલાં કરતાં અનેકગણાં વધારે સુખસગવડનાં સાધનો આજે વ્યાપક રીતે જનતાને સુલભ થયાં હોવા છતાં અને સમયની બચત કરનારાં આટલાં બધાં સાધનો નિર્માણ થયાં છતાં, જે ફુરસદને માટે આપણે આટલું બધું ઝંખીએ છીએ તે આપણા પૂર્વજોને જેટલી મળતી હતી તેટલી આપણને મળતી નથી, એ કેટલું વિચિત્ર છે? જે નિરાંતના જીવથી સો વર્ષ પહેલાંનો ખેડૂત જીવન નિર્ગમન કરતો અને બહોળું કુટુંબ નિભાવતો, તે જ નિરાંત રાખીને તે આજે વર્તે તો પાયમાલ જ થઈ જાય. કાચા રસ્તાઓ પર થઈને ઝડપથી દોડનાર ઘોડો કે સાંઢણી એ જ જ્યારે માણસનું મુસાફરી કે સંદેશાનું વેગવંતું સાધન હતું ત્યારે માણસને જેટલી ફુરસદ હતી તેટલી આગગાડી મળ્યા પછી ન રહી અને આગગાડી મળ્યા પછી જે હતી તે વિમાન મળ્યા પછી નથી રહી. મહાભારતના યુદ્ધે આપણા મગજ પર પ્રાચીન કાળમાં થયેલા મોટામાં મોટાં યુદ્ધનો સંસ્કાર પાડયો છે. બે બાજુએ મળી અઢાર અક્ષૌહિણી સેનાએ – અઢાર જ દિવસમાં તે વખતની સર્વ ‘આર્ય‘ જાતિઓએ – પરસ્પર કતલ કરી. પણ એ મોટા યુદ્ધનો વિચાર કરીએ તોયે આજના પ્રમાણમાં એમાં કેટલી નિરાંત અને ફુરસદ હતી? જોશ જોવાય છે, સેનાઓ ભેગી થાય છે, વચ્ચે ગ્રહણ આવે છે માટે આંતર–પક્ષ સુલેહ જાહેર થાય છે, તે વખતે શત્રુઓ પણ એકબીજાને મળે છે અને આનંદ–પ્રમોદ કરે છે; લડાઈ દરમ્યા સાધારણ રીતે સૂર્યાસ્ત પછી લડાઈ બંધ રહે છે; ત્યારે સામા પક્ષની છાવણીઓમાં જઈ શકાય છે, રાત્રે કથાકીર્તન થાય છે, તે ‘બ્લૅકાઉટ‘ કર્યા વિના જ ચાલે છે. હોઈકોર્ટમાં જાણે ‘લાýગ કૉઝ‘ (મોટો કેસ) નોંધાવ્યો હોય તેમ ભયંકર યુદ્ધો વચ્ચેય ફુરસદ અને નિરાંત છે. પણ આજે તો બે મહિના પહેલાંથી જેની તારીખ જાહેર થઈ ચૂકી હોય તેવી કોઈ વિચારપરિષદ જ હોય, તોયે તેમાં કોઈ નિરાંતનો જીવ કરી પહોંચી શકતું નથી. વિમાનમાં ઊડીને માંડમાંડ પહોંચનારા કેટલાક તો નીકળે જ. ત્રણ દિવસમાં કરવા ધારેલા કામને બે દિવસમાં ઉકેલી નાખવા સૌ કોઈને ઉતાવળ હોય. કેટલાક તેમાંથીયે જલદી નીકળી જનારા હોય. કોઈકે પોતે આવી શકે એમ નથી એમ છેલ્લી ઘડીએ ‘તાબડતોબી ફોન‘થી સંદેશો મોકલ્યો હોય. છ–છ મહિને ટપાલ પહોંચતી તે કાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હિંદુસ્તાન જેવા છ હજાર માઈલ દૂર દેશમાં રાજ્ય સ્થાપ્યું અને ચલાવ્યું! અકબરે લગભગ આખા દેશમાં પોતાની આણ વર્તાવી. આજે ફોન–રેડિયો અને વિમાનનાં સાધનો છતાં એ ચલાવવું અશક્ય થઈ પડયું! ચોવીસ કલાકનો વિલંબ થયો હોત તો કાશ્મીરની કેવી સ્થિતિ થઈ હોત તે આપણને પં. જવાહરલાલજીએ સમજાવ્યું હતું! યાંત્રિક જમાનામાં આપણે ઝંખીએ છીએ તે ફુરસદની આવી વલે થઈ છે! આપણે વધારે ફુરસદ મેળવવા જેમ જેમ પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ તે ગધેડાના નાક આગળ બાંધેલી ડુંગળીની જેમ બે આંગળ દૂરની દૂર જ રહે છે. ગધેડાનું જેવું ડુંગળી પામવાનું તેવું જ આપણે માટે ફુરસદનું ધ્યેય છે, અને તેમાં આપણી શ્રદ્ધા છે.

ખેર, હવે આપણે ફુરસદ અને સંસ્કૃતિનો સંબંધ વિચારીએ, સંસ્કૃતિમાં આપણે ભક્તિ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, આનંદપ્રદ કળાઓ, શરીર, મન, બુદ્ધિ વગેરેની અસાધારણ શક્તિઓ, કે સુખસગવડનાં સાધનોની સુલભતા – ગમે તે લઈએ – બધાની બાબતમાં આપણે બે ભાગ પાડવા પડશે. એક તે તે પ્રકારની સંસ્કૃતિની વિશેષતાને નિર્માણ કરનારાઓનો અને બીજો તેના કદરદાનો અને ઉપભોગ કરનારાઓનો.

પોતે અને પોતાના મિત્રો મળી રજાના દિવસે (એટલે ફુરસદવેળાએ) પોતાની જ હોંશ પૂરી કરવા પોતાને હાથે રસપોળી, ઢોકળાં, કઢી, ભાત, બેચાર ચટણીઓ વગેરે તૈયાર કરી, ખાવાની જગ્યાએ ફૂલો અને ચિત્રોથી વિભૂષિત કરી, અગરબત્તી વગેરેથી સુગંધિત કરી, ગાતાં અને આનંદ કરતાં જમે, અને પછી જ્ઞાનચર્યા કરે તે પાકકળા, ચિત્રકળા, સંગીતકળા, તત્ત્વજ્ઞાન વગેરેના પોતે જ નિર્માતા, કદરદાન અને ભોક્તા છે. એમની ફુરસદ પોતાની છે, અને સર્જન પણ પોતાનું છે.

પણ પોતાને અને પોતાના મિત્રોની રજાની ફુરસદ છે, માટે સ્ત્રીને કે ભટ–ચાકર કે વીશીવાળાને હુકમ આપી તથા કોઈ ગવૈયા, નાચનારી કે હરિકીર્તનકારને રોકી, કે ગ્રામોફોન ચલાવી, આવો એક ઉજાણીનો કાર્યક્રમ યોજે તો તેમાં કળાના નિર્માણ કરનારા જુદા હોય છે, અને તેના આશ્રયદાતા અને ઉપભોગ કરનારા જુદા હોય છે. જેઓ આ કળાઓ નિર્માણ કરે છે, તેઓ પોતાની ફુરસદનો તેમાં ઉપયોગ નથી કરતા, પણ પરાધીનતા અથવા ધનની ઇચ્છાથી કરેલો સીધો જીવનનિર્વાહનો શ્રમ જ કરે છે. તેઓ તેનો ઉપભોગ પણ નથી કરતા, અથવા પોતાના આશ્રયદાતાઓનો ઉપભોગમાંથી રહેલી બચતનો જ કરી શકે છે. ભટ–ચાકર, વીશીવાળો કે ગવૈયો પોતાના કળામય વ્યવસાયને પેટ માટે વૈતરું સમજે છે; એ માટે એ વધારે ગ્રાહકો શોધે છે અને એ પણ ગ્રાહકના જ ફુરસદવાદમાં માનતો હોવાથી કેવી રીતે એ વૈતરું ઓછું કરી શકાય, અને પોતાના કળાસર્જક વ્યવસાયમાંથી ફુરસદ મેળવી શકાય તેની યુક્તિઓ શોધે છે. અને આમાં કળાની ઉપાસના નથી લાગતી. એ ફુરસદ કાઢી બીજી કળાઓની ઉપાસક બનવા માગે છે. અને તે પણ ઘણું કરીને કળાનો નિર્માતા નથી બનતો, કેવળ કોઈ બીજા ધંધાદારી કળાકારનો આશ્રયદાતા બને છે! રસોઈયો સિનેમામાં જાય છે, સિનેમાનો નટ હોટેલમાં કે વારાંગનાઓમાં પડે છે, કીર્તનકાર ‘બ્રહ્મભોજન‘ શોધે છે અને બ્રહ્મજ્ઞાની સાધુ ભાંગગાંજાની વિશ્રાંતિ લે છે! મોટે ભાગે બધા થોડાઓની મહેનતે ઘણાઓથી સામટી ભોગવી શકાય અને ઘણી ઇદ્રિયોને રીઝવી શકાય એવી સિનેમા–નાટકની, ઘોડદોડની, ક્રિકેટની કે એવી કળાના આશ્રયદાતા બને છે! હાલમાં તો ઘણીખરી કળાનું અંતિમ સ્થાન સિનેમાઘર છે. ત્યાંનો પહેરવેશ, નૃત્ય, સંગીત, રાચરચીલું, શણગાર, ચિત્રો વગેરે સમાજના કળાના આદર્શો બને છે. એમાં સર્વે કળાસર્જકોનો સહયોગ હોય છે; ચિત્રકાર, શિલ્પી, કથાલેખક, કવિ, ગાયક, વૈજ્ઞાનિક બધાને ત્યાં સ્થાન મળે છે; અને તે બધા ત્યાં કળા દ્વારા જીવનનિર્વાહ મેળવે છે, અને પૈસા આપનાર સંયોજકના હુકમો પ્રમાણે કળાને દાખવે છે!

લલિતકળાઓ એ સંસ્કૃતિનું નવનીત મનાય છે. શાળાઓ પોતાના વર્ષભરના શિક્ષણનું પ્રદર્શન નાટયપ્રયોગો દ્વારા દેખાડે છે; ઇતિહાસકારો પ્રજાની સંસ્કૃતિના નમૂનારૂપે એની ભવ્ય નગરીઓ અને ઈમારતો, તથા ઉત્કૃષ્ટ કાવ્ય, નાટક વગેરેની યાદી આપે છે; એ કળાસર્જકોના જીવનમાં ફુરસદને કેટલું સ્થાન હતું, પોતાની કળાનો કેટલો આનંદ હતો, ચિત્તમાં કેટલી પ્રસન્નતા હતી, પોતાના હમ–કળાકારો પ્રત્યે કેટલો સદ્ભાવ અને કદરબુદ્ધિ હતાં, પોતાના આશ્રયદાતાઓની ખુશામત માટે પોતાની કળાને કેટલી બગાડવી કે ઉતારવી પડતી હતી તથા પોતાની હોંશથી નહીં પણ તેમને (આશ્રયદાતાઓ) માટે પોતાની જાતને કેટલી નિચોવી નાખવી પડતી હતી, તેનું સંસ્કૃતિનું આ નવનીત ચાખનારા અને તેનાં ગુણગાન ગાનારા ભાગ્યે જ માપ કાઢે છે. ફુરસદને લીધે આ કળાઓ પોષાઈ એ સાચું, પણ ફુરસદ કોની, અને કેટલાની? કળાના સર્જકોની કે આશ્રયદાતાઓની? એ આશ્રયદાતાઓની ફુરસદ ક્યાંથી આવી?

અને ફુરસદને પૂજવાવાળી અથવા ફુરસદવાળાઓને માટે નિર્માણ થયેલી કળાઓનું સ્વરૂપ પણ કેવું બન્યું છે? સામાન્ય જીવનમાં જેવા અંગવિક્ષેપો કરવા ફાવે જ નહીં, સંગીતના સૂર અને તાલ સાથે જેનો સંબંધ ન હોય તો તે કરનારને ચિત્તભ્રમ થયો હશે અથવા જેને અંગ્રેજીમાં ‘સેન્ટ વાઈટસનો નાચ‘ કહે છે તેવો એક પ્રકારનો વાયુરોગ થયો હશે એવી શંકા ઊભી થાય; જે વેશ અને હાવભાવ અને રંગબેરંગી કિરણો અને શોભાની સજાવટ વિના ફીકા પડી જાય, એ આપણી આજની ઊંચામાં ઊંચી નૃત્યકળાનું સ્વરૂપ છે, અને એને શીખવા પાછળ બાળમંદિરથી માંડી યુનિવર્સિટીનાં તરુણતરુણીઓ સુધી બધાં તલપાપડ છે. જેવાં લાંબાં અને પાતળાં આંખ, નાક, કાન, કમ્મર, આંગળાં, નખવાળાં માણસો દુનિયામાં ક્યાંય જોવા મળે નહીં, અને દેખાય તો વિચિત્ર પ્રાણીઓ જ લાગે, તેને ચિત્રકળાના ઉત્તમ નમૂના આપણે માનતા થયા છીએ. આપણને લાગે છે કે આ નૃત્ય–ચિત્ર વગેરેમાં જે સૌંદર્ય લાગે છે તેનું કારણ તેનાં અદ્ભુત અંગવિક્ષેપો કે અસામાન્ય નાક, કાન, આંખ વગેરેની આકૃતિઓ છે. વસ્તુતઃ એની આકર્ષકતા એ સૌની ઇદ્રિયમોહન શક્તિ જ છે. કુરૂપતા બે પ્રકારની થાય : એક ધૃણા પેદા કરનારી, બિભત્સ લાગનારી, જોતાં ચીતરી ઉપજાવનારી : જેવી કે, રાક્ષસની, યમદૂતની, હીડંબાની, ભૂંડની. બીજી, નાજુક અને શણગારેલી કુરુપતા. એક કુરૂપતા એનો શણગાર ઉતારી નાખો તો દુર્બળતા, અલ્પવીર્યતા, રોગ કે વ્યંગતામાં જ ખપે. પણ નાજુક અને શણગારેલી હોવાથી કુરૂપતા છતાં તે વીર્યવાન સુરૂપતા જેવી જ ઇંદ્રિયમોહન થાય છે. આપણે વિચારીશું તો, મને લાગે છે કે આપણી ખાતરી થશે કે આજે મોટે ભાગે આપણે કળાને નામે નાજુક – શણગારેલી કુરૂપતાને જ સૌંદર્ય માનતા થયા છીએ. જેટલી અલ્પવીર્યતા વધારે તેટલા શણગાર, હાવભાવ વગેરેથી તેને ઢાંકવાનો પ્રયત્ન વધારે થાય છે, અને જોનારા તે બાહ્ય રંગમાં જ ખેંચાઈ તે પાછળ રહેલી કુરૂપતા જોતાં અટકે છે.

પણ આ થોડું વિષયાંતર થયું. મૂળ મુદ્દો ફુરસદનો છે. અને તેમાં કહેવાનું એ છે કે ફુરસદપૂજામાંથી નિર્માણ થયેલાં કળા–સાહિત્ય–કાવ્ય ઇ# ઉપરછલાં, ઇંદ્રિયમોહન, રાગદ્વેષથી ભરેલાં અને મોટે ભાગે પણ્યાંગ (બજારુ) વૃત્તિનાં હોય છે. પોતાના જીવનનાં નિત્યનૈમિત્તિક કાર્યોમાં, સંબંધોમાં, શ્રમમાં, જે કૃતાર્થતા લાગે અને પ્રસન્નતા અનુભવાય, તેને પરિણામે તે કાર્યોને શોભાડવાની, તે સંબંધોમાં ભક્તિ, મીઠાશ અને રસિકતા લાવવાની, અને તે શ્રમમાં પારંગતતા પ્રાપ્ત કરવાની તથા સુંદરતા ભરવાની જે પ્રવૃત્તિ થાય તેમાંથી નિર્માણ થયેલી કળા વગેરે જુદા જ પ્રકારનાં હોય, એની કિંમત પૈસામાં આંકી જ ન શકાય. જે કદરરૂપે આપવામાં આવે તે આપનારને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી જ લાગે, અને લેનારની આપનારના ભાવ ઉપર જ દૃષ્ટિ હોય.

માનવની ઉન્નત માટે તેને ફુરસદની જરૂર છે, એમાં ના નહીં. ખાવાની કે સૂવાનીયે નિરાંત ન મળે, સદાયે ‘વખત નથી‘ એવું જ જીવનનું ઘડિયાળ ગોઠવાય એ ઇષ્ટ સ્થિતિ નથી જ. પણ એ ફુરસદ તે થોડા કલાક દોડાદોડી કરી ભૂતની જેમ કામ કરવું, અને પછી થોડા કલાક મોજશોખના કાર્યક્રમમાં પડવું, અને પછી સૂવા માટે દવા કે દારૂ લઈ સવારના સાતઆઠ વાગ્યા સુધી ન પૂરી ઊંઘ, ન પૂરી જાગૃતિ – એવી સ્થિતિમાં પથારીમાં આળોટવું તે નહીં. ફુરસદનું જેટલું સાચું સુખ જીવનનાં બધાં કામો નિરાંતથી કરી શકાય એવી સ્થિતિમાં મળે, તેટલું કામનો વેગ વધારી ફુરસદ કાઢવાના પ્રયત્નમાંથી નહીં. સુખ બાજુએ રહ્યું. એ રીતે હજુ સુધી એ ફુરસદ જ મળવાની આશા જણાતી નથી.

ઝડપી યંત્રો દ્વારા આપણે કાળને આંટી દેવાનો પ્રયત્ન આરંભ્યો છે. ઝપાટાથી વસ્તુઓ બનાવીએ, અને ઝપાટાથી સ્થાનાંતર કરીએ એવો લગભગ ઘેલછા ગણાય એટલો આપણો વેગ માટેનો મોહ વધ્યો છે. છતાં કાળને આંટવાની સ્થિતિથી તો આપણે હજુ કેટલા દૂર પડયા છીએ? હવામાં અવાજની ગતિ સાથે હરીફાઈ કરી શકે એવાં વિમાન હજુ બન્યાં નથી; પણ તેવો પ્રયત્ન ચાલુ છે. પણ તેજ અને વીજળીની ગતિ આગળ એ વેગની કશી કિંમત નથી. આઠ કલાકમાં મુંબઈથી લંડન પહોંચાડનારાં વિમાન થશે ત્યારે આપણે માંડ માંડ અવાજની ગતિની બરાબરી કરી હશે. 1/30 સેકંડમાં પહોંચશું ત્યારે તેજની સાથે બરાબરી થશે. ક્યાં 1/30 સેકંડ અને ક્યાં આઠ કલાક! કેટલો સમયનો બગાડ! અને મનની ગતિ આગળ તો તેજની એ ગતિ પણ ઘોડા આગળ ગોકળગાય જેવી કહેવાય. સાચી ઝડપ તો મનના વેગે ધારેલે સ્થાને સદેહ પહોંચી જવાય અને વસ્તુઓ બનાવાય તે સ્થિતિએ પહોંચશું ત્યારે પામશું! પણ તે વખતે તે ફુરસદ–નિરાંત–સુખ–વિશ્રાંતિ ભોગવશું કે કેમ એ નક્કી ન કહેવાય. ઘણુંખરું તો નહીં જ; સિવાય કે જીવમાત્રના નાશને પરિણામે કયામતની રાહ જોતાં કબરમાં કે અંતરીક્ષમાં પડયા રહેવાની ફુરસદ મળી શકતી હોય તો! અથવા, બધા સત્યયુગના કહેવાતા સત્યસંકલ્પ શુદ્ધચિત્ત માનવી બનીએ તો!

એક નાનપણની વાત યાદ આવે છે. એક મુસલમાન ખેડૂતને અમારા કુટુંબ સાથે સ્નેહસંબંધ હતો. તેના જવાન દીકરાને મુંબઈ જોવું હતું. અમારા કુટુંબમાં કોઈનું લગ્ન હતું. મારા પિતાશ્રીએ વિચાર્યું કે આ નિમિત્તે ભલે એ છોકરો મુંબઈ આવે અને મુંબઈ જુએ, મુંબઈની લગ્નસરા પણ મહાલે. એને તૈયાર થઈ આવવા સૂચના મોકલી. તે પોતાને ગામથી આવી પહોંચ્યો. કઈ ગાડીમાં મુંબઈ જવાનું છે, તેની ચર્ચા ચાલતી હતી. આકોલાથી મુંબઈ જવા માટે તે દિવસોમાં બે ગાડીઓ હતી; એક પેસેન્જર, જે લગભગ અઢાર કલાકે પહોંચતી, અને ભૂસાવળ પર ગાડી બદલીને જવું પડે તેવી; બીજી મેલ, જે ચૌદ કલાકમાં અને વગર બદલ્યે પહોંચતી. પેલાએ જાણ્યું કે મેલનું ભાડું વધારે હોય છે, વચ્ચે ઘણાં સ્ટેશનો છોડી દે છે, અને બેસવાનું ઓછું મળે છે. વળી ઘણાં સ્ટેશનો રાત્રે નીકળી જાય છે. પેસેન્જરનું ભાડું ઓછું, બે ગાડીમાં બેસવા મળે, દિવસે ઊપડે તેથી એકેએક સ્ટેશન જોવાય, અને ચાર કલાક વધારે બેસવાનું, એણે એ પણ જાણ્યું કે મારા પિતાશ્રી વગેરે કેટલાક મેલમાં જનારા હતા, અને બીજા કેટલાકને પેસેન્જરમાં મોકલવાનું કર્યું હતું. એને આ વિચિત્ર લાગ્યું. લાંબો વખત ગાડીમાં બેસે, એનો વધારે ઉપયોગ કરે તેને સસ્તામાં લઈ જાય, અને ઓછો વખત બેસે તેની પાસે વધારે ભાડુ લે એ રેલવેવાળા કેવા, અને મોંઘો સોદો પસંદ કરનાર શેઠિયા પણ કેવા? મારા પિતાશ્રી ભોળા અને ભલા છે એવી તો ખ્યાતિ હતી જ, પણ એને લાગ્યું કે આ તો ભોળપણ અને ભલાઈની હદ આવી ગઈ! રેલવે પર એટલો ઉપકાર કરવાનું શું પ્રયોજન હોય?

આ ખેડૂત સ્વાભાવિક અર્થશાસ્ત્રને સમજતો હતો. આધુનિક અટપટા અર્થશાસ્ત્રમાં હજુ તેનો પ્રવેશ થયો નહોતો. સ્વાભાવિક અર્થશાસ્ત્રમાં કેવળ સમયને કે સમયની બચતને કિંમત નથી હોતી. સમય સાથે મહેનત, તથા વસ્તુની ઉપયોગિતા વગેરે કેટલાં વધે છે તેની કિંમત છે. એનું જીવન એવું ગોઠવાયેલું હતું કે ચાર કલાક વધારે ગાડીમાં બેસવું પડે તેથી એનાં કોઈ કામ બગડવાનાં નહોતાં; ઊલટી પ્રવાસની લહેજત વધતી હતી. એની દૃષ્ટિએ અમારાંયે કોઈનાં કામ બગડે એમ નહોતાં. એ સ્થિતિમાં ચાર કલાક ઓછું બેસી વધારે ભાડું આપવું એ એને નુકસાનનો સોદો હતો. એના ખડતલ શરીરને ચાર કલાક વધારે બેસવાનો કે ગાડીની ફેરબદલીનો શ્રમ કાંઈ વિસાતમાં નહોતો.

સમય, ઝડપ, સમયની બચત, ફુરસદ, શક્તિની બચત વગેરેની યોગ્ય પરિસ્થિતિઓમાં કિંમત છે એમાં ના નહીં. પણ આપણે એની નિરપેક્ષપણે સ્વતંત્ર જ કિંમત લગભગ મૂઢવત્ સમજતા થયા છીએ. બલકે, પૈસા કરતાંયે તેની વધારે કિંમત કદીક સમજીએ છીએ. આપણાં કશાં કામ બગડે એમ ન હોય, ઊલટો વખત નકામો કે દુરુપયોગમાં જ જતો હોય, શરીરમાં કામ કરવાની શક્તિયે હોય, ઊલટું કામને અભાવે શરીર ઢીલું બનતું હોય, છતાં સમય, ઝડપ ઇત્યાદિની અંધ–પૂજા કરીએ છીએ. આપણે જાણ્યું છે કે રેંટિયો કરતાં મિલથી ઘણી વધારે ઝડપથી કપડું તૈયાર થઈ શકે છે. ગાડાં કે પગ–પ્રવાસ કરતાં બસમાં વધારે ઝડપથી પહોંચાય છે; ટ્રેન કરતાં વિમાનથી. માટે ગપ્પાં મારવાં ને પત્તાં કે ચોપાટ રમવા સિવાય બીજું કશું કામ ન હોય, બેકારીને લીધે કમાણી પણ ન હોય, છતાં જો કોઈ, રેંડિયો સૂચવે તો ‘એમ ક્યારે કપડાં થાય, અને ક્યારે પહેરાય? રેંટિયાથી કેટલું સૂતર નીકળે? આજના યંત્રના જમાનામાં રેંટિયો કેમ ચાલી શકે? એમાં કેટલું વળતર મળે? એ તો કેવળ વખત અને પૈસાની બરબાદી છે. એટલા વખતમાં તો બીજું કેટલુંયે થઈ શકે,’ વગરે વગેરે દલીલો કરવામાં આવે છે. જો એમ કહીએ કે ‘તમારા ગપ્પાંના અને પત્તાંના સમયના અર્ધા ભાગમાં તમારા કપડાં તમે કરી શકો, રેંટિયો દુનિયામાં ચાલે કે નહીં, તમારી પોતાની ગરજ પૂરતો તો કામ આપી જ શકે,’ તો તે ગળે ઊતરતું નથી. એ જ રીતે ઝડપી પ્રવાસ બાબતમાં. કેમ કે, સમયની કે તેની બચતની અથવા ફુરસદની કિંમત એના ઉપયોગની રીત પર આધાર રાખે છે એમ ન સમજતાં એની નિરપેક્ષ કિંમત માનવાની આપણને ટેવ પડી છે.

જો ફુરસદ, સમયની બચત, ઝડપ વગેરે જીવનને સમૃદ્ધ કરે તથા નિરાંત અને સુખશાંતિ લાવે તો તે બધું શોભે અને લાભકારી થાય. નહીં તો તે બધાની કશી કિંમત ન અંકાવી જોઈએ. પણ આ બધું તો જ ગળે ઊતરે જો આપણને ચારિત્ર અન નીતિની સમૃદ્ધિનું મહત્ત્વ સમજાય. જ્યાં સુધી આપણી હાયવોય કેવળ બાહ્ય વૈભવ વધારવા ઉપર જ છે, મોટાં શહેરો, ગંજાવર કારખાનાં, પ્રચંડ વિમાનો, સર્વવિનાશી શસ્ત્રાો અને અસ્ત્રાો, સુખસગવડનાં એક કરતાં એક ચડિયાતાં સાધનો અને ભોગોની અતિવૃદ્ધિ જ વિજ્ઞાન અને સભ્યતાની વિજયપતાકાને લાગે છે, ત્યાં સુધી જીવનની જ નહીં, પણ પદાર્થોનીયે કિંમત આંકવાનો સાચો ગજ આપણને મળશે નહીં.