સરળ અલંકાર-વિવેચન/વિશેષોક્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૫) વિશેષોક્તિ :

વિભાવનામાં જેમ કારણ વિના કાર્ય થતું હોય છે, તેમ જ્યારે કારણ હોવા છતાં કાર્ય ના થાય, ત્યારે વિશેષોક્તિ અલંકાર બને છે. અલબત્ત આ કારણ-કાર્યને તર્કના કારણ-કાર્ય સાથે સંબંધ નથી; અહીં તો કવિત્વમય રીતિરૂપે જ આમ રજુઆત થતી હોય છે.

જગત જીતી તેં જેર કીધું રે, ના જીત્યા ક્રોધ ને કામ રે;
શ્યામ કેશ ઉજ્જવળ થયાઃ તોય મન રહ્યું તારું શ્યામ !

(રણયજ્ઞ)

અહીં કુંભકર્ણ રાવણને કહે છે કે-હે જગત જીતનારા ! તારા કેશ ધોળા થયા, ઘડપણ આવ્યું, છતાં તારું મન ઘરડું કેમ ન થયું?–મનમાં વૈરાગ્ય હજી કેમ આવતો નથી ?—અહીં વૃદ્ધાવસ્થાનું કારણ છતાં કાર્ય નથી થતું, માટે વિશેષોક્તિ છે. ‘શ્યામ’નો અર્થ ‘મેલુ’, ‘કપટી’ કરીએ તો આ વિશેષોક્તિ શ્લેષયુક્ત બને. રૂપકગર્ભ ને શ્લેષવાળી વિશેષોક્તિનું આ ઉદાહરણ જુઓ :– “એ અનાર્યાં (લક્ષ્મી) જેવું કોઈ અવિશ્વસનીય નથી. ગુણરૂપી પાશના દૃઢ બંધનમાં એને નિશ્ચલ કરી હોય, તો પણ એ નાસી જાય છે.”

(કાદંબરીકથા)


રૂપકગર્ભ વિશેષોક્તિની માલા પણ ઘણી ચમત્કારક અસર પાડે છે : “યુવરાજ ! સકલ શાસ્ત્રનું તમે અધ્યયન કર્યું છે એટલે ઉપદેશ તો તમને આપવાનો છે જ નહિ; પરંતુ યૌવનનો અંધકાર સ્વાભાવિક રીતે જ, સૂર્ય વડે ભેદી શકાય નહિ, રત્નપ્રભા વડે છેદી શકાય નહિ, પ્રદીપ-પ્રકાશથી દૂર કરી શકાય નહિ, એવો અતિ ગહન છે......વિષયરૂપી વિષનો મોહ એવો તો વિષમ છે કે કદી મૂળ અથવા મંત્રથી ઊતરતો નથી.”

(કાદંબરીકથા)


અહીં અંધકારને દૂર કરનાર, સૂર્ય, રત્નપ્રભા, પ્રદીપ વગેરે હોવા છતાં યૌવનરૂપી અંધકાર દૂર થતો નથી એમ કહ્યું છે માટે આ વિશેષોક્તિનું માલારૂપ ઉદાહરણ છે.