સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૧૦ : ચાલ્યો

કોઈ પ્રતાપી સત્ત્વ પોતાની પાસેથી જતું રહેતાં મન છૂટું થાય તેમ કુમુદસુંદરી ગઈ કે સરસ્વતીચંદ્ર શાંત થયો. આ શું સ્વપ્ન થઈ ગયું? કુમુદસુંદરી આવી શી? મૂર્છા શી પામી? બોલી શું? ગઈ શું? તેની અવસ્થા કેટલી દયાપાત્ર હોવી જોઈએ? ઇત્યાદિ વિચારોના ગૂંચવાડાથી ગૂંચવાતું, સ્નેહ અને દયાથી દીન થતું મસ્તક નિદ્રાવશ થયું તે છેક પ્રાત:કાળે સાત વાગ્યે જાગ્યું. સાત વાગ્યા પહેલાં પ્રમાદધન લીલાપુરથી કાર્ય સિદ્ધ કરી પાછો આવ્યો હતો રાણાને તેની ખબર મળતાં બુદ્ધિધનને પોશાક આપવાનું તે ને તે દિવસે ઠરાવ્યું હતું અને તે બાબતની તૈયારીઓ થવા માંડી હતી. સરસ્વતીચંદ્ર જાગ્યો ત્યારે બુદ્ધિધનના ઘરમાં આ તૈયારીઓની ગરબડ મચી હતી. પ્રમાદધનની આસપાસ કચેરી ભરાઈ હતી અને ગપાટા હંકાતા હતા. દિવસ ચઢતો ગયો તેમ બારણે ઠઠ વધતી ગઈ. આખો રસ્તો વસ્તીથી ચિકાર હતો. ઘરમાં પણ એવી જ રીતે લોક આવતા હતા. નીચે ચોકમાં અને તેની આસપાસના ખંડોમાં સ્ત્રીવર્ગ ઊભરાતો હતો. તારામંડળમાં ચંદ્રલેખા શોભે તેમ સૌભાગ્યદેવી શોભતી હતી અને તારા અને ચંદ્ર સર્વને ઢાંકી નાંખનાર વીજળીની પેઠે જાજ્વલ્યમાન અલકકિશોરી ધમકભરી ગર્જતી હતી. શાંત મધુર નાની શુક્રતારા પેઠે એક પાસ કુમુદસુંદરી પ્રકાશ ધરતી હતી. લાલચોળ કુમકુમ, સુવાસિત સુશોભિત પુષ્પો, અગરબત્તીઓ, રૂપાના અને ત્રાંબાપિત્તળના થાળ, લોટા, છાબડીઓ અને બીજાં પૂજાપાત્ર – આ સર્વથી આજ બુદ્ધિધનનું ઘર નવી જાતની ધામધૂમભર્યું ભાસવા લાગ્યું. આ સર્વ ધામધૂમ વચ્ચે મેડીમાંથી છજામાં અને છજામાંથી મેડીમાં તથા ચોક પરની અગાશીમાં સરસ્વતીચંદ્ર શૂન્ય હૃદયથી આવજા કરતો હતો. કુમુદસુંદરીનો પત્ર ખીસામાં હતો તે વાંચવા પર ચિત્ત હતું, પણ એકાંત મળે તેમ ન હતું. રાત્રે ઊંઘમાં વંચાયો ન હતો. ચંદ્રકાંત આવવાનો વિચાર પણ મનમાં ઘોળાયાં કરતો હતો. બારણે ઘોડાગાડીઓની ઠઠ વધતી હતી અને ઉત્સાહનો ગરબડાટ મચી રહ્યો હતો. તેની વચ્ચે સરસ્વતીચંદ્ર આમ દેખીતો જુદો પડતો હતો. કુમુદસુંદરી જે દેશમાં હોય ત્યાં ન વસવું એ આવશ્યક લાગ્યું, પણ એને છોડવી એ જ કઠણ કામ હતું. ‘અરેરે, એક માણસની પાછળ બીજાં કેટલાં દુઃખી થાય છે? – કુમુદસુંદરી! મારો અપરાધ ક્ષમા કરજે! હું જઈશ જ – ફરી તને મૂર્છા નહીં પમાડું.’ આ ઉત્સાહ સમયે સરસ્વતીચંદ્ર એકલો જ શોકમાં ન હતો. કૃષ્ણકલિકા અને પ્રમાદધનની વાર્તા વનલીલા દ્વારા અલકકિશોરી પાસે, ત્યાંથી દેવી પાસે અને બુદ્ધિધન પાસે પહોંચી ગઈ હતી. ‘મારા પુત્રની વહુ પણ મારા ઘરમાં પરાભવ પામે છે, તો બીજા ફરિયાદીઓનું શું ઉકાળવાનો હતો? લોકમાં જણાવાય નહીં અને શિક્ષા થાય નહીં! બસ, હું ગમે તેમ કરી પ્રમાદને શિક્ષા કરીશ જ; મારી ન્યાયવૃત્તિ જગત જોશે!' આમ બુદ્ધિધન ઊંડી ચિંતામાં પડ્યો હતો. એટલામાં સરસ્વતીચંદ્ર બુદ્ધિધનની મેડીમાં આવ્યો. ‘કેમ, નવીનચંદ્ર?' બુદ્ધિધને પૂછયું. ‘ભાઈસાહેબ, કુમુદસુંદરીને લેવાને રત્નનગરથી માણસો આવી પહોંચ્યાં છે. તેમના કહેવા પરથી જણાય છે કે ચંદ્રકાંત એકબે દિવસ ભદ્રેશ્વરમાં રહેશે. મારે તેમને તરત મળવાનું કારણ છે, એટલે જવા રજા માગું છું.’ ‘પણ કાલે જજો. આજ તો દરબારમાં આવશે. બપોરે જમી – કરી રાત્રે વાહન લઈ જજો. અને એમ કરતાં એ પણ અત્રે જ આવવાના છે કની?' ‘હા જી, પણ અત્યારે જ નીકળવું આવશ્યક છે. આપે મારા ઉપર કૃપા રાખવામાં ન્યૂનતા નથી રાખી. પરંતુ અત્યારે મારી વિનંતી સ્વીકારશો તો કૃપા થશે.’ ‘તમારી ઇચ્છા, નવીનચંદ્ર!’ ‘ભાઈસાહેબ, બોલ્યુંચાલ્યું માફ કરજો; મારા પર આપની કૃપા ઘણી થઈ છે.’ કારભારે ચઢતું મસ્તક પરદેશીને વાહનનો જોગ કરી આપવાનો વિવેક ભૂલી ગયું. મૂર્ખદત્ત નિત્ય પ્રાત:કાળે આવતો હતો તેની જોડ પોતાની ગાંસડી રાજેશ્વરમાં મોકલી દઈ સરસ્વતીચંદ્ર નીચે આવ્યો અને સૌભાગ્યદેવી તથા અલકકિશોરીની રજા માગવા લાગ્યો. બુદ્ધિધનની રજાનું નામ આવ્યું એટલે સૌભાગ્યદેવી વધુ આગ્રહ ન કરી શકી; આખરે અલકકિશોરી પણ શાંત થઈ. સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીને જોતો જોતો ચાલ્યો. તેનું મોં લેવાઈ ગયું, આંખમાં આંસુ આવ્યાં, પગ ન ઊપડ્યો તે બળાત્કારે ઉપાડ્યો, અને બારણા બહાર નીકળ્યો. પોતાના કહ્યાની કાંઈ પણ અસર નથી થઈ જાણી ખિન્ન બની તેને જતો જોઈ રોવા જેવી થઈ, હવે તેને મળવાનું નથી. કલ્પી નિરાશ થઈ, હવે તેનું શું થશે એ વિશે અમંગળ તર્ક કરતી કુમુદસુંદરી નિઃશ્વાસ મૂકી પાછળ ઊભેલી એક સ્ત્રી પર ઢળી પડી. ‘કંઈ નહીં – એ તો મને પેટમાં આંકડી આવી.’ કહી સજ્જ થઈ અને શૂન્ય તો શું પણ પ્રવાસી બનેલા હૃદયથી છૂટી પડી, ઉત્સવકાર્યમાં દેહને મેળવવા લાગી. કારભારીના દ્વાર બહારની ધામધૂમ વચ્ચે છાનોમાનો સરસ્વતીચંદ્ર હૃદયને કારભારીને ઘેર મૂકી ચાલતો થયો. કુમુદસુંદરીએ ખીસામાં કાગળ મૂક્યો હતો તે વાંચવા સારુ સરસ્વતીચંદ્રે આટલી ઉતાવળ કરી. બુદ્ધિધનના ઘરમાં એ અક્ષર કોઈ જુએ તે પણ ભયંકર હતું – કુમુદસુંદરીને અનિષ્ટકર હતું. રાજેશ્વરમાં મૂર્ખદત્ત મળ્યો. સરસ્વતીચંદ્ર તેની સાથે જમ્યો. સરસ્વતીચંદ્રને ભદ્રેશ્વર જવાનું હતું જાણી મૂર્ખદત્ત બોલ્યો : ‘ભાઈ! શઠરાય તરફના બહારવટિયા આજ ચારે પાસ ભમે છે અને ભાઈસાહેબનું (બુદ્ધિધનનું) માણસ હોય તો તેને બહુ કનડે છે. કુમુદસુંદરી પણ ભદ્રેશ્વર જવાનાં છે તે જાણી હું કહી આવ્યો કે હમણાં જવાનું બંધ રાખો ને ગમે તો સાથે બહુ સારો બંદોબસ્ત રાખજો.’ ‘હશે, મારે શું બીવાનું હતું? હું વાડામાં બેસું છું. તમે કોઈ ગાડું આમ જતું હોય તો ઊભું રાખી મને બોલાવજો.' સરસ્વતીચંદ્ર વાડામાં ગયો, અને પત્ર વાંચવા લાગ્યો. જેણે આજ સુધી હૃદય ટેકવ્યું હતું તેની આંખમાંથી એકાંત અશ્રુધારા વહેવા લાગી. ‘કુમુદસુંદરી! હું તારે વાસ્તે શું કરું! ખરે! તું સતી છે. મેં તારો ત્યાગ ન કર્યો હોત તો તારાથી હું કેટલો ભાગ્યશાળી થાત! હવે તારો ત્યાગ કરવામાં જ મારું ભાગ્ય રહ્યું છે. તારો ઉપદેશ મારે માનવો? ક્ષમા કરજે – નહીં મનાય. મેં તારી આ દશા કરી તેનું પ્રાયશ્ચિત્ત મારે કરવું જોઈએ. હું અથડાઈશ, ભમીશ અને તને સ્મરીશ. મારે મોટા નથી થવું. સંસાર, વૈભવ, મોટાઈ એ સૌ કોને માટે? પિતાને વાસ્તે હું સંસારમાં રહ્યો હતો – તારી ‘માયા' મને ઉપભોગનાં ઈન્દ્રજાલ દેખાડત. હવે એ સ્વપ્ન જોવાં તે શા માટે? પ્રિય ચંદ્રકાંત! તું વળી ભદ્રેશ્વર ક્યાં ગયો? શું ત્યાં પણ મારે કુમુદસુંદરીને પાછું મળવાનું રહ્યું? સુવર્ણપુરને કાલ રાત્રિના સંસારે આમ એકદમ છોડાવ્યું એટલે અહીંયાં તો તને મળાય એમ નથી. ન અહીંયાં મળવું, ન ભદ્રેશ્વરમાં મળવું, ત્યારે ક્યાં મળું? શું તને મળ્યા વિના નહીં ચાલે? એટલો સંસાર પણ મારે શું બાકી રહ્યો? ત્યારે હું કોઈ ત્રીજે જ રસ્તે જઉં. ચંદ્રકાંત ઉપર કાગળ લખી દઈશ. એ રસ્તો શું ક્રૂર નથી? દુષ્ટ જીવ! આટલી ક્રૂરતા કરી હજી સંતોષ ન વળ્યો? પિતાની આજ કેવી સ્થિતિ હશે? તેમને મારી પાછળ દુઃખ થયું હશે? મને થયું તો એમને કેમ ન થાય? અરેરે, મેં કેટલાં માણસોને દુ:ખી કર્યા?' આમ વિચારે છે એટલામાં પ્રમાદધનનો ખાનગી સિપાઈ રામસેન વાડામાં આવ્યો. ‘નવીનચંદ્રભાઈ, આપને પાછા સુવર્ણપુર આવવું પડશે.’ ‘કેમ?' ચમકીને સરસ્વતીચંદ્ર બોલ્યો. રામસેને વિગતવાર સમાચાર કહ્યા. પદ્માની અને કૃષ્ણકલિકાની – પ્રમાદધનની બેય વાતો બુદ્ધિધન પાસે ગઈ હતી. કૃષ્ણકલિકાનો વર પ્રમાદ ઉપર ચિડાયો હતો તેને સારી પેઠે દિલાસો આપી બુદ્ધિધને પ્રમાદને શિક્ષા કરવાનું કહ્યું હતું. પ્રમાદ આથી ઘણો ખિન્ન બની ગયો. પિતાજીની ક્ષમા મંગાવવા વિચાર કર્યો અને નવીનચંદ્ર સાંભર્યો. ‘ભાઈ રામસેન, આ વખત આવ્યો છે, તેનું કારણ તું પોતે છે. માટે જા. પ્રમાદભાઈને કહેજે કે સુધરે અને પિતાના જેવા થાય.’ રામસેન ચાલ્યો ગયો. મૂર્ખદત્તે છાનામાના આ સાંભળેલું તેથી આગળ આવી બોલ્યો : ‘આમાંથી કાંઈ નવું જૂનું નક્કી થશે. આવી વાતની ભાઈસાહેબને ચીઢ છે અને ઉતાવળું કામ કરશે તો પ્રમાદભાઈ ઝેર ખાય એટલા શરમાળ છે. વારુ, નવીનચંદરભાઈ! ગાડું ઊભું રાખ્યું છે, પણ ભદ્રેશ્વર જ જશે એ નક્કી નથી. સરસ્વતીચંદ્રનો પિત્તો ઊકળ્યો હતો. રોષભર્યે સ્વરે તે બોલ્યો : ‘ભદ્રેશ્વર ઊંઘી ગયા. મારે તો ગમે ત્યાં પણ જવું એટલી જ વાત છે – ગમે ત્યાં જઈશ મારી મેળે; જ્યાં ગાડું ત્યાં હું.’ મોટા બે બળદ જોડેલું, લાંબા પાટિયાના તળિયાવાળું અને પાંજરાથી બાંધી દીધેલું ગાડું હતું. ગાડામાં એક ડોશી, એક ચાળીશેક વર્ષનો દુ:ખી દેખાતો પુરુષ અને એક વીશેક વર્ષની સ્ત્રી એટલાં હતાં. તે વણિક વર્ગનાં છે એમ લાગ્યું. ડોશી બ્રાહ્મણી હતી. ગાડું રત્નનગરી ભણી જવાનું છે એમ તપાસ કરતાં મૂર્ખદત્તને માલમ પડ્યું, એટલે બોલ્યો : ‘ચંદરભાઈ, તમારે તો ભદ્રેશ્વર જવું છે અને આ ગાડું તો રતનનગરી ભણી જાય છે. અહીંથી દશેક ગાઉ ઉપર મનોહરિયા નામનું ગામડું છે ત્યાંથી એક રસ્તો ભદ્રેશ્વર જાય અને બીજો રતનનગરી જાય છે. ‘ઠીક.’ કહી સરસ્વતીચંદ્ર એ જ ગાડામાં બેઠો. સરસ્વતીચંદ્ર આજ સુધી આવા ગાડામાં કદી બેઠો ન હતો. મૂર્ખદત્તને પાંચ રૂપિયા આપ્યા. ગાડામાં નીચે પરાળ પાથરી હતી, ઉપર એક ઓછાડ પાથર્યો હતો, તે ઉપર છેક નીચે સરસ્વતીચંદ્ર બેઠો. દસ વાગ્યા હતા અને માથે ચૈત્રનો તાપ પડતો હતો. ધ્રુવની પેઠે ભરવૈભવમાં ઊછરેલો પુત્ર આમ બહાર નીકળ્યો જોઈ સૂર્યનારાયણ કુમળા ન થયા. દુ:ખી માણસે તેના તપને ગણ્યો પણ નહીં. ઊઠતી રેતીના દળ વચ્ચે ચીલો કાપતું રગશિયું ગાડું પુરુષરત્નને પીઠ પર લઈ ચાલ્યું. ધુમ્મસ પેઠે ચારે પાસ ઊડતું ધૂળનું વાદળું ગાડાને ઘેરી લેવા લાગ્યું. ગાડાનાં પૈડાંનો કઠોર સ્વર, માથે તપતો તાપ, ચારપાસની ધૂળ, નીચે ખૂંચતી પરાળ, એ સર્વની વચ્ચે કોમળ શરીરનો સરસ્વતીચંદ્ર શોકવિચારમાં પડી પગથી માથા સુધી ધોતિયું ઓઢી સૂઈ ગયો. બળદ હાંકતા ગાડીવાનના ડચકારા, સળગતા ભડકા જેવા આકાશમાં ઊડતા સમળાઓ અને સમળીઓની લાંબી કઠોર ચીસો, સૂડીથી કપાતાં લક્કડિયાં સોપારી જેવા ઓચિંતા કાન પર ભચકાતાં કાગડાના ‘કા કા' શબ્દ, હોલા અને કાબરોના વનમાં પડઘા પામતા સ્વર, ચકલીઓના ઝીણા ચીચીકાર, કયાંક સંતાઈ રહેલા ઘુવડના ગેબી અને ભયંકર પોકાર, ઝાડ પર ખસતી કૂદતી ખિસકોલીઓના ચિત્કાર, અને ગાડામાં ઘડીએઘડીએ ભરાતાં ઝાંખરાંના ઉઝરડા : આવા આવા અવાજો કર્ણસ્વપ્નો રચવા લાગ્યા. આ સર્વ અવસ્થાની વચ્ચોવચ મસ્તક નવરું ન પડ્યું. બોલ્યા વિના કુમુદસુંદરીવાળા કાગળની કવિતા ગાઈ. ‘કુમુદસુંદરીને પાછું ભદ્રેશ્વરમાં મળવાનું થશે? હું ભદ્રેશ્વર ન જ જાઉં તો? મનોહરિયામાં રહીશ અને ચંદ્રકાંત સુવર્ણપુર જશે ત્યારે ત્યાં અટકાવી મળીશ. પિતાની ખબર એ આપશે. કારભાર કેમ મળે છે તે જોયું. પણ રાજ્યતંત્ર કેમ ચાલતાં હશે – લોકની અવસ્થા કેવી હશે? આ સર્વ જોવાનું રહ્યું. સુવર્ણપુર તો તજ્યું જ. રત્નનગરી જઈને જોઉં? આ ગાડું ત્યાં જ જાય છે તો? પ્રમાદધનને શી શિક્ષા થશે? પણ હવે મારે એ જાણીને શું કરવું છે? અરે રે! કુમુદસુંદરી!.. આ બહારવટિયાની બીક પણ ખરી.’ ગાડું એકબે ગાઉ નીકળી ગયું. ગાડાવાળાએ લલકારવા માંડ્યું. ‘મારાં ઠકરાળાં હો! તમારા દાડમની કળીશા દાંત!'

લલકાર આખે માર્ગે વ્યાપ્યો. લલકારમાં સરસ્વતીચંદ્ર લીન થયો અને કુમુદસુંદરી હૃદયના દ્વારમાં આવતી લાગી. ગાડામાં સ્ત્રી છે એવી બુદ્ધિ થતાં ગાડાવાળાએ ગાવું બંધ કર્યું. ગાડામાંની ડોશીએ ગાવા માંડ્યું :

‘જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,
મરણ સમે તારું કો નહીં, સગું ના'વે કો ઠેઠ.'—જીવ.

સૂતેલા સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ આવ્યાં. ‘મરવું-મરવું – કુમુદ-કુમુદ કરતું તેનું રોતું હૃદય તાપમાં નિદ્રાવશ થયું. ગાડાની પાછળ કેટલેક છેટે, પણ ગાડા ભણી અને તેમાં બેસનારા ઉપર અચૂક દૃષ્ટિ રાખતા, વાતો કરતા, ત્રણ ઘોડેસવારો આવતા હતા. ગાડાની સામી પાસ ઘણે જ છેટે ક્ષિતિજમાં સામી ધૂળ ઊડતી હતી ને ઢોલ અને રણશિંગા જેવા સ્વર તથા હોંકારા આવતા હતા. ધીરપુરવાળા બહારવટિયા તો ન હોય, જાણી ગાડાવાળો કંપતો હતો. ગાડામાં ડોશી લૌકિક કવિઓનાં વૈરાગ્યનાં પદ ગાતી હતી, તેમાંથી છૂટકત્રુટક કટકા સરસ્વતીચંદ્રના હૃદયમાં પેસતા હતા. સરસ્વતીચંદ્ર સ્વપ્નાવસ્થ હતો. તેને ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઈ.

બરોબર મધ્યાહ્ન થયો. ચોપાસ મચી રહેતા ગરબડાટ વચ્ચે થઈને સૂર્યનો પ્રકાશ તજી પોતે કોઈ ઊંડી ખોમાં ઊતરી પડ્યો હોય, એવું સ્વપ્ન અનુભવતો, સર્વ અંધકાર વચ્ચે માત્ર ‘કુમુદદીપ' જોવા પામતો સરસ્વતીચંદ્ર જાણે પાતાળમાં પડવા લાગ્યો. ઊંડી નિરાશનિદ્રાના કૂવામાં પોતાનો પ્રતિધ્વનિ સાંભળતો ધીમેધીમે ઊતરી પડ્યો :

મચી રહ્યો કોલાહલ આજે દશે દિશ ગાજે,
તે મધ્યે થઈ ઊતરી પડની, નીચે નીચે, જાજે!
એમ જ ચીરી આ દમ્ભ નીચે,
ઊતરી પડની, શૂર નીચે નીચે.[1]

આ માનવીના દુ:ખ નીચે ભારે મરતા હોય તેમ ધીમા ચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું અને આગળ ઊડતા-તડકાથી ચળકતા ભડકા જેવા ધૂળકોટમાં આહુતી પેઠે અદૃશ્ય બનતું, સરસ્વતીચંદ્રના પ્રારબ્ધ પેઠે – અદૃશ્ય પેઠે – ચાલ્યું.[2]



  1. કાવ્ય ટૂંકાવ્યું છે. (સં.)
  2. (સરસ્વતીચંદ્ર ભાગ ૧)