સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ-૧૮ : ધૂર્તલાલની ધૂર્તલીલા

પ્રિય પુત્રના વિયોગનું પોતે જ કારણ હતો તે જાણી વૃદ્ધ લક્ષ્મીનંદનના હૃદયમાં ઊંડો ઘા પડ્યો હતો. યુવાવસ્થામાં સ્ત્રીપુત્રાદિ વિષયે નવો ઉત્સાહ હોય છે ખરો, પણ જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઋતુનો વા વાય છે તેમ તેમ મન પોચું થાય છે. વૃદ્ધોનાં હૃદય વૃદ્ધાવસ્થાના દંડરૂપ બાળકોના ઉપર લટકે છે. સરસ્વતીચંદ્ર જેવા પ્રિય પુત્રને સંભારી સંભારી પિતા દિવસે દિવસે ક્ષીણ થતા ગયા અને પોતાનું અશેષ દ્રવ્ય તેને શોધવામાં ખરચવા તત્પર થયા. મુંબઈનગરીની પોલીસમાં, પરદેશમાં, પોતાના ઓળખીતા અમલદારો અને વ્યાપારીઓમાં પોતાના અનેક સેવકોમાં, અને એમ સૂઝ્યું ત્યાં લક્ષ્મીનંદન અત્યંત દ્રવ્ય વેરવા લાગ્યો. વ્યાપારનાં સર્વ યંત્ર પોતાના સાળા ધૂર્તલાલને સોંપી જાતે રાત્રિ-દિવસ પુત્રશોધની ચિંતામાં જ રહેવા લાગ્યો. એકલો હોય ત્યારે બેઠો બેઠો અથવા સૂતો સૂતો આંખમાંથી જળની ધારા ચાલ્યાં કરે તે લોહે પણ નહીં. જ્યારે ત્યારે આંખ આગળ પુત્રનું મુખ તરે અને કાનમાં તેના સ્વરના ભણકારા વાગે. સર્વ કોઈ એમ જ કહેવા લાગ્યા કે હવે ગમે તો શેઠ ઘેલા થઈ જશે કે ગમે તો એમનો દેહ છૂટશે. જ્યારે સર્વને શેઠની દયા આવવા લાગી ત્યારે એમના સાળા ધૂર્તલાલને નવો નવો ઉમંગ આવવા લાગ્યો. શેઠે ગુમાનને તો હવે બોલાવવી પણ બંધ કરી હતી અને ધૂર્તલાલની પાસેથી સરસ્વતીચંદ્રને શોધવાનું દ્રવ્ય માગવા સિવાય કાંઈ પણ હિસાબ પૂછવાનું છોડી દીધું હતું. વહુની રીસ તો સાસુનો સંતોષ – એ માર્ગ પકડી ધૂર્તલાલ લક્ષ્મીનંદનને અનુકૂળ થઈ ગયો. ‘દગલબાજ દહોરા નમે, ચિત્તા, ચોર, કમાન.' પુત્રશોકમાં પડેલા ધનપતિનું ધન હરી લેવામાં ધૂર્તલાલે ખૂબ બુદ્ધિ ચલાવી. દુકાનના ગુમાસ્તાઓ અને મહેતાઓની મરજી સંપાદન કરી. ફોડી, ભય બતાવી. તેમનો શેઠ થઈ બેઠો. તિજોરી, રોકડ અને દસ્તાવેજમાત્રની કૂંચી હાથમાં લીધી. મિલનો ધણીરણી થઈ પડ્યો. પણ પોતાના આ પ્રપંચથી નાતમાં માત્ર બે જણને મેળવી શક્યો નહીં. સરસ્વતીચંદ્ર સાથે તકરાર હતી ત્યાં સુધી ગુમાન ભાઈની શિખામણ પ્રમાણે વર્તી. હવે સ્વાર્થનું કેન્દ્ર એનો પુત્ર ધનનંદન એકલો રહ્યો ને લક્ષ્મીનંદનની સર્વ મિલકત ગુમાન ધનનંદનની ગણવા લાગી. આ ફેરફારનો અંધ ધૂર્તને ખ્યાલ આવ્યો નહીં અને પોતાની ચોરીમાં બહેનને સામેલ કરવા લાગ્યો. આ સર્વ ચોરી ને હાનિ પોતાના જ પુત્રના દ્રવ્યમાંથી થાય છે એનું ભાન થતાં ગુમાન પોતાના ભાઈને પોતાનો શત્રુ ગણવા લાગી. ભાઈની વાતમાંથી આવી રીતે બહેન દૂર રહી અને બીજો દૂર રહેનાર હરિદાસ નામનો ગુમાસ્તો મળ્યો. હરિદાસ જાતે કુલીન અનુભવી અને પ્રામાણિક વાણિયો હતો. એ ઘણો જૂનો નોકર હતો અને સરસ્વતીચંદ્ર ઉપર પ્રીતિ રાખતો હતો. ધૂર્તલાલ સાથે એણે દેખીતું વૈર ન કર્યું, પણ એના પેચથી ભોમિયો રહી પોતાના સ્વામીનો સ્વાર્થ જાળવવા મથતો હતો. ધૂર્તલાલ આમ નિષ્કંટક ઉદય ભોગવતો હતો; પણ આ સર્વ ચાર દિનનું ચાંદરણું છે એવું પાકું સમજતો હતો, તેથી લક્ષ્મીનંદનના દ્રવ્યકૂપને બંબા મૂકી ખાલી કરવા લાગ્યો. પોતાને ઘેર અને પારકી પેઢીઓમાં અઢળક ધન ભેગું કરવા માંડ્યું. સરસ્વતીચંદ્રની શોધમાં પણ દેખીતી રીતે લક્ષ્મીનંદનને અનુકૂળ બની, પાછળથી એ શોધ કદી સફળ ન થાય એમ કરતો. એક દિવસ પુત્રને સંભારતા સંભારતા લક્ષ્મીનંદન શેઠ સરસ્વતીચંદ્રના વાલકેશ્વરવાળા બંગલામાં ગયા. અંદર જઈ કુમુદસુંદરીની મોટી છબી આગળ ઊભા. પાસે ગુમાસ્તો હરિદાસ અને ધૂર્તલાલ હતા; શેઠ છબી જોઈ રહ્યા. આંખમાં આંસુ ઊભરાવા માંડ્યાં. ‘હરિદાસ, આ મારા ભાઈની વહુ! ભાઈ જતા રહ્યા ને વહુ બીજે ઘેર પરણી ગઈ. બે રત્ન હાથમાંથી જતા રહ્યાં. અરેરે! મેં મૂર્ખાઈ કરી ન હત તો મારે ઘેર નવનિધિ ને અષ્ટસિદ્ધિ હત. પણ મારું ભાગ્ય જ ફરી વળ્યું.’ શેઠે હરિદાસને ખભે હાથ અને માથું નાખી પોક મૂકી. ધૂર્તલાલ હાથમાં આવેલો પ્રસંગ મૂકે એમ ન હતો. તે તરત બોલી ઊઠ્યો. ‘આ ચિંતામાં આપનું ચિત્ત ખસી જશે. આવા પુત્રની પાછળ આપને જે ન થાય તે ઓછું. માટે જ આપની બુદ્ધિ ઠેકાણે છે ત્યાં સુધીમાં એક એવો દસ્તાવેજ તૈયાર કરી રાખો કે ન કરે નારાયણ અને આપનું ચિત્ત ઠેકાણે ન રહે તો આપનું કામ આપના બે વિશ્વાસુ માણસો કુલમુખત્યારીથી કરે. તેમાંનો એક મારા ભાણેજનો સ્વાર્થ જાળવે ને બીજો સરસ્વતીચંદ્રભાઈનો સ્વાર્થ ભાઈ આવતાં સુધી જાળવે.’ ધૂર્તલાલે તે માટે તાબડતોબ નામ પણ સૂચવ્યાં. ભાણાભણીથી પોતે ને સરસ્વતીચંદ્ર તરફથી હરિદાસ. બે બદામના ગુમાસ્તાનું તે શું ગજું, લક્ષ્મી દેખી ગલગલિયાં થતાં જ ચળી જશે એમ માની ધૂર્તલાલે હરિદાસને ફોડવા પાસો નાખ્યો. હરિદાસે જોયું કે બાજી બગડે નહીં તે માટે હમણાં તો હામાં હા ભણવી જ ઠીક છે; ને તેથી દેખાવ એવો કર્યો કે ધૂર્તલાલ જાણે વાણિયો તો મારું જ માણસ. એટલે એની મદદથી વશે કે પછી કવશે શેઠ પાસે દસ્તાવેજ પર સહી કરાવી લઈ, શેઠને ગાંડા ઠરાવી ઇસ્પિતાલમાં ધકેલી દેવા સુધીની ગોઠવણ ધૂર્તલાલે રાખી. પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. શેઠની સાન સાવ ગઈ ન હતી તેથી ને હરિદાસ જેવા વિશ્વાસુની કીમતી સલાહસૂચના ને સહકારથી શેઠે ધૂર્તલાલનો કાંટો કાઢ્યો. પોલીસ-બંદોબસ્ત કરાવી, દસ્તાવેજ અંગે વધુ ચોખવટ કરવા શેઠ બપોરે દુકાને ગયા ને ધૂર્તલાલને પોલીસ પાસે પકડાવ્યો. ધૂર્તલાલના દેખીતા શાગિર્દ બનેલા હરિદાસે ધૂર્તલાલના જ હાથની ચિઠ્ઠીઓ પ્રપંચના પુરાવા રૂપે પોલીસને હવાલે કરી ને પરિણામે શેઠ ઊગરી ગયા. આ બધી ઘટના વર્તમાનપત્રોમાં ઉપરાઉપર આવવા માંડી અને ધૂર્તલાલ તથા શેઠ સૌની જીભે ચઢ્યા. આની સાથે સરસ્વતીચંદ્ર નાસી ગયાની વાત તથા લક્ષ્મીનંદનના મનની દુઃખદ વ્યથાનું વર્ણન પણ બહુ ચિત્તવેધક રીતે છપાવા લાગ્યું. બલ્વરસાહેબ અંગત રસ લઈ આનો પ્રચાર કરાવવા લાગ્યા; કેમ કે એમના મનમાં એમ હતું કે સરસ્વતીચંદ્ર ગમે તેટલે દૂર ખૂણામાં પડ્યો હશે, પણ આ સમાચારથી એના પિતૃવત્સલ મર્મસ્થાન ચિરાશે ને સર્વ મમત મૂકી એ પિતા પાસે આવશે. પિતાએ સરસ્વતીચંદ્ર જ્યાં હોય ત્યાંથી આવી પહોંચે એ માટે સરસ્વતીચંદ્રની જ રચેલી ગઝલ પોતે સરસ્વતીચંદ્રને સંબોધતા હોય એ રીતે ફેરફાર કરાવી છપાવી. પિતાને એટલાથી સંતોષ ન વળ્યો એટલે ભેગું છપાવ્યું, ‘ઓ ભાઈ! આમ તે હાડ શું જાય છે? આ મારા પળિયાની જરા તો દયા આણ! હવે તો આજથી એક મહિનો તારી વાટ જોઈશ ને ત્યાં સુધીમાં જો તું નહીં આવે તો દશરથજીની પેઠે પ્રાણ કાઢીશ.’