સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૨૮ : સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી

સાધુઓ ભિક્ષા માટે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં રહેતો અને તેની સાથે વિહારપુરી અને રાધેદાસ તથા આશ્રમ સંભાળનાર એકબે જણ રહેતા. આજ તો વિહારપુરી પણ ભિક્ષાર્થે ગયો હતો. આશ્રમ પાછળની ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો ફરતો હતો. રાધેદાસ આગલા દ્વારને ઓટલે બેઠો બેઠો વાંચતો હતો. આશ્રમ સંભાળનાર સાધુઓ રસોઈની તૈયારી કરતા હતા. સુરગ્રામનાં દર્શનને દિવસે કંઈ કંઈ નવા સંસ્કાર સરસ્વતીચંદ્રને થયા. પર્વત ઉપરથી ઊતરતાં કુમુદ મળી અને તેના અણસારે તેમ જ સાધુજનોનાં વિનોદવાક્યોએ એના તર્કને પક્ષી પેઠે ઉરાડ્યા. પર્વત નીચે મહેતાજી અને વર્તમાનપત્રોએ તો મધપૂડો જ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન આદિના કૌટુમ્બિક સમાચાર વર્તમાનપત્રમાંથી જાણતાં જ આંચકો લાગ્યો. ગઈકાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેથી તે વધારે ચમકતો હતો. ‘શું? મધુર કોમળ કાન્તિવાળી મધુરી તે કુમુદ? મધુરીની કાન્તિ કુમુદના જેવી નથી? અત્યંત દુ:ખથી તો ચિત્રની છાયા ઝાંખી થઈ છે, પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે. કાલના ગીતમાં તો નક્કી મારા ઉપર જ કટાક્ષ છે. હરિ! હરિ! હું જીવું છું ને એને વૈધવ્ય પ્રાપ્ત થયું! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય! એ જાણશે તો એને કેટલું દુ:ખ પડશે? જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુંદરીને ત્યાં પહોંચાડી આવીશ. સીતાને વનવાસમાં પહોંચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે ‘માતા, તમને આટલું દુઃખ દેનાર નફ્ફટ લક્ષ્મણ નમસ્કાર કરે છે.' હું પણ ગુણસુંદરી પાસે આમ જ નમસ્કાર કરીશ ને દુ:ખી કુમુદને તેમના હાથમાં મૂકીશ. જેમાં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરી પાસે દેખાડીશ. નિર્લજ્જ સરસ્વતીચંદ્ર! એ જ હવે તારું પ્રાયશ્ચિત્ત! પણ મધુરી તે કુમુદ ખરી? ચંદ્રકાંત! મારા કંપતા હૃદયને આધાર આપવાને તારી સાત્ત્વિક બુદ્ધિનો ખપ છે. તું મારે માટે ભટકે છે, હું તને શોધું છું, પણ હજી સુધી સંયોગ થતો નથી.’ જે સાધુ ચંદ્રકાંતને મળ્યો હતો અને રાત્રે મળવાનો સંકેત કરી મળ્યો ન હતો તે, સુંદરગિરિ ઉપર પાછો આવ્યો હતો. પોલીસ પોતાની શોધમાં છે, પોતાની અને ચંદ્રકાંતની વાતનો ને સંકેતનો પોલીસને પતો મળ્યો છે એટલું જાણતાં સાધુ સંકેત તોડી પાછો પર્વત ઉપર આવ્યો હતો, અને નવીનચંદ્રજીનું નામ અને સ્થાન પ્રકટ કર્યા વિના આ સંકેત સિદ્ધ થાય એમ નથી એવા સમાચાર સરસ્વતીચંદ્રને તેણે કહ્યા હતા. ચારપાંચ દિવસ વાત ટાઢી પાડવી ને પછી પાછી ઉપાડવી એવો માર્ગ સર્વેએ કાઢ્યો. ચંદ્રકાંતના મેળાપમાં આમ વિલંબ થયો અને એનો ખપ તો આમ તીવ્ર થયો. વિચારમાં ને વિચારમાં સરસ્વતીચંદ્ર શતપત્ર કમલના ભરેલા ઝરાના ઝીણા ગાનમાં લીન થયો. કોમળ નાના ઘાસમાં એક વસ્ત્ર ઉપર હાથનું ઓશીકું કરી સૂતો. ઉપરના વડની ડાળીઓ લટકતી હતી તેના ઉપર એની દૃષ્ટિ કરી. અંતે પાસે પડેલાં બેચાર પુસ્તકો ઉપર દૃષ્ટિ જતાં એ ઊઠ્યો ને બેઠો થયો. એના હૃદયમાં અર્વાચીન સ્થિતિને માટે શોક ઉદય પામ્યો અને ભવિષ્યને માટે ભયચિત્ર પ્રત્યક્ષ થયું. એટલામાં રાધેદાસ અંદર આવ્યો ને બોલ્યો : ‘જી મહારાજ! ચંદ્રાવલીમૈયા આપનું દર્શન ઇચ્છે છે.’ સ્ત્રીજનને મળવું આ વેષને કે દેહને ઉચિત નથી એમ માનતો સરસ્વતીચંદ્ર જરા ઘડભાંજમાં પડ્યો. પણ રાધેદાસે જણાવ્યું કે ‘આપને મળવામાં ભગવતી ચંદ્રાવલીને ગુરુજીની પણ અનુમતિ મળી ગઈ છે.’ ત્યારે સરસ્વતીચંદ્ર તુરંત તૈયાર થયો. બે જણ આશ્રમબહાર ગયા. ત્યાં ઓટલા ઉપર ચંદ્રાવલી બેઠી હતી. નવીનચંદ્રને જોઈ તે ઊભી થઈ. ચંદ્રાવલીનાં સર્વ અંગ સુંદરતા અને પતિવ્રતાના સર્વ ચમત્કારથી ચમકતાં હતાં. એના દર્શનથી જ નમ્ર અને તૃપ્ત થઈ સરસ્વતીચંદ્રે મસ્તક નમાવ્યું. રાધેદાસ, સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી નિરાંતે વાતો કરી શકે માટે એમનાથી જરા દૂર બેઠો. ચંદ્રાવલી : ‘નવીનચંદ્રજી! ઓટલે બેસું છું; તમે આ પગથિયા પર બેસો; મારે અતિ વિશ્રખ્ખની ગોષ્ઠી કરવાની છે.’ જિજ્ઞાસા, આતુરતા, લજ્જા અને કંપ અનુભવતો સરસ્વતીચંદ્ર બેઠો. ચંદ્રાવલી પણ બેઠી. ચંદ્રાવલીએ મધુરીની કેટલીક વાત કાઢી ને પછી કહ્યું : ‘મધુરીરૂપી મંદિરમાંના હૃદયની કૂંચી લઈને હું આવી છું અને તમને હું તે સોંપી દઈશ.’ સરસ્વતીચંદ્રને શંકા થઈ, ‘મધુરી કોઈ બીજું જ હોય તો?' ચંદ્રાવલી : ‘તમારી અન્યોન્યની ઓળખ સંપૂર્ણ થાય તો જ મારી–તમારી કથાઓ સત્ય ગણવી, નહીંતર સ્વપ્નવત્ ગણવી.’ સરસ્વતીચંદ્ર : ‘તો આજ્ઞા કરો.’ ચંદ્રાવલી : ‘આપને ગુરુજી જાતે જ નિરાળો એકાંતવાસ આપે તો આપે સ્વીકારવો.’ સરસ્વતીચંદ્ર : ‘ગુરુજીની ઇચ્છા તે આજ્ઞા જ છે.' ચંદ્રાવલી : ‘નવીનચંદ્રજી, તૃષિત ચકોરી ચંદ્રપ્રકાશથી જ તૃપ્ત થશે.’ સરસ્વતીચંદ્ર : ‘મૈયા, તેને ઉપદેશ કરો કે જે શમપ્રકાશ[1] ચંદ્રાવલીમૈયા વિહારપુરીજીને આપે છે તે જ પ્રકાશ ચકોરીને અનેક ચંદ્રની માળા જેવાં ચંદ્રાવલીમૈયા આપી શકશે. ચંદ્રાવલી : ‘તેમાં તમે શું કર્યું, નવીનચંદ્ર? અહો કઠોર પુરુષ! તમને શમ પ્રિય છે તે ઠીક, પણ આ તે તમારો શમ કે શમને નામે શમની વિડંબના છે? પારકા ગૃહમાં મૃગનયનીનું શું થયું હશે તે કહો તો ખરા?' સરસ્વતીચંદ્રનાં નેત્રમાં અશ્રુધારા ઊભરાઈ. ભીંત ભણી મસ્તક ટેકવી સાંભળી રહેલો સરસ્વતીચંદ્ર ઊંડા આવેશથી ધીમે ધીમે બોલવા લાગ્યો : ‘જેટલો આરોપ મૂકો તે સત્ય છે, ઉચિત છે. શકુન્તલાને ચરણે પડી, દુષ્યન્તે ક્ષમા મેળવી; પણ તે ક્ષમાને માટે દુષ્યન્તની યોગ્યતા હતી એવી મારી નથી. મને કોઈનો શાપ ન હતો, વિસ્મૃતિ ન હતી, અને મેં ફૂલની માળાને સર્પ જાણી ફેંકી દીધી નથી. ઉભય હૃદયની પ્રીતિ જાણી સર્વ પ્રત્યક્ષ છતાં, કોમળ, સુંદર અને સુગંધી પુષ્પમાળાને જાણી જોઈને ગ્રીષ્મમધ્યાહ્નમાં સૂર્યના તડકા વચ્ચોવચ બળી જાય એમ મૂકી દીધી. ક્ષમા માગવાનો પણ મારો અધિકાર નથી; છતાં આ હૃદય ક્ષમાને ઈચ્છે છે, તે મળે એટલે સંસારમાં અને બીજી વાસના નથી.’ સરસ્વતીચંદ્ર દીનમુખે ટટાર થઈ બેઠો. ચંદ્રાવલી દયાર્દ્ર થઈ. તેના નેત્રમાં જળ આવ્યું : ‘નવીનચંદ્રજી, મધુરીનો મધુર હૃદયસાગર ક્ષમાના તરંગોથી ઊભરાય છે ને ઊછળે છે. એ માટે તમે નિ:શંક રહો.' સરસ્વતીચંદ્ર : ‘એની ક્ષમા મળ્યે મારું દુ:ખ શાંત થશે.’ ચંદ્રાવલી : ‘જો તમારું દુઃખ એટલાથી શાંત થવાનું હોય તો તમે તેના શરીરના પતિના ગૃહમાં ગયા તે શા માટે? શું તમે ત્યાં એના દુ:ખની મશ્કરી કરવાને માટે ગયા હતા?' સરસ્વતીચંદ્ર : ‘તેના મનમાં હું એવો દુષ્ટ હોઉં તો તેમ ગણવું.’ ચંદ્રાવલી : ‘નવીનચંદ્રજી, જે આવેશને બળે તમે તમારા પિતાનો ત્યાગ કર્યો તે જ આવેશને બળે તમારા પ્રીતિપરિપાક[2] ની અવગણના કરી. એ જ અવગણના તમારી પવિત્ર પ્રીતિએ સ્વીકારી નહીં અને તમારી પ્રીતિએ તમને મધુરી પાસે મોકલ્યા. તમારી ઉદાત્તતા એવી છે કે આટલી વાત તો તમે તરત સ્પષ્ટ કરવાના.’ પળવાર લજ્જાથી નીચું જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો : ‘મારા હૃદયતંત્રનું પૃથક્કરણ કરવામાં તમારી પ્રજ્ઞા સફલ હોય એટલી સક્લ દુ:ખમાં ડૂબેલી મારી પ્રજ્ઞા થઈ શકે એમ નથી... ‘હરિ હરિ! હું શું કરું? મૈયા, મારું પ્રાયશ્ચિત નથી જ. શોક જશે પણ થયું પાપ નહીં ધોવાય.’ ચંદ્રાવલી : ‘ગુરુજી તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે. મારે એવી યોજના સાધવી છે કે તમારો ને મધુરીનો એકાંત સમાગમ થાય અને તમે બે પરસ્પર – અવસ્થા સાંભળી, સમજી, પરસ્પર સમાધાન કરો, અને તે પછી તમારી બેની ઇચ્છા પ્રમાણે યોગ કે વિયોગ જે ઉચિત હશે તે સાધવામાં અમે સાધનભૂત થઈશું. સરસ્વતીચંદ્ર હબક્યો. ‘મૈયા! ક્ષમા મેળવવાને એ જ માર્ગ લેવો પડે તો નવીનચંદ્ર વશે કે કવશે તેને માટે સજ્જ થાય એમ ધારો. પણ મધુરીનું પોતાનું હૃદય, એનો એના પતિ ઉપરનો પ્રેમ, અને એનો પતિવ્રતાધર્મ એ ત્રણ વાનાં શું આ માર્ગને અનુકૂળ છે?' ચંદ્રાવલી : ‘અમારા ન્યાયથી તો તમે કુમુદે સ્વયં વરેલા શુદ્ધ પતિ છો, અને એના શરીરના પતિને તો અમે જાર ગણીએ છીએ. વળી, કયો માર્ગ અનુકૂળ છે, એ વિચાર કરવાનો મધુરીને છે, તમારે નથી; મધુર દુ:ખની રસિક અમારી મધુરી તમને સુખ ઇચ્છે છે પણ પોતાને માટે તમારું સુખ ઇચ્છતી નથી. હું આવી છું તે મધુરીએ સ્પષ્ટ ના પાડી છતાં, મારા હૃદયની અને સર્વ સાધ્વીઓની પ્રેરણાથી આવી છું. અંતે મારે એટલું જ કહેવાનું રહે છે કે જે જીવને શમ આપવા ઇચ્છો છો તેને તે તમે જાતે જ આપો, નવીનચંદ્રજી, હું આપની પાસે હાથ જોડી ઊભી રહું છું અને સાધુજન પાસેથી આટલી ભિક્ષા માગતા શરમાતી નથી.’ આટલું બોલતાં બોલતાં ચંદ્રાવલી ગળગળી થઈ ગઈ. તેનાં નેત્રમાં આંસુ ઊભરાયાં. ‘સાધુજન! વિહારપુરી વિના બીજા કોઈ પુરુષના સામું આ આંખોએ આજ સુધી ઊંચું જોયું નથી, તે તમારા મુખચંદ્રની મધુર દયાર્દ્રતાનો પ્રકાશ જોતી ઊભી છું. મને શી આજ્ઞા છે?' સરસ્વતીચંદ્ર હજી વિચારમાં જ હતો. ‘સાધુજન, શી આજ્ઞા છે?' ફરી ચંદ્રાવલીએ પૂછ્યું. સરસ્વતીચંદ્ર ચમકી ઊઠ્યો હોય તેમ તેણે અચિંત્યું ઊંચું જોયું. તેટલામાં એની આંખમાં આંસુ આવી પણ ગયાં ને સુકાઈ પણ ગયાં. હાથ જોડી તે બોલ્યો : ‘મૈયા! મને પુત્ર જાણ્યો ને પુત્રના ઉપર જે ક્ષમા, વત્સલતા ને ઉદાર ચિન્તાવૃત્તિ માતા રાખે તેવી આપે મારા ઉપર રાખી. માતાજી, આપની આજ્ઞા તોડવાનો મને અધિકાર નથી. જે મધુરીને આપ મારી કહો છો, તેનું અભિજ્ઞાન[3] થશે તો તેના કલ્યાણનો માર્ગ તેને દર્શાવીશ.’ ‘ને તમારા કલ્યાણનો માર્ગ તે તમને દર્શાવે તો તે પણ તમે જોશો.’ ચંદ્રાવલીએ કંઈક અટકતાં અટકતાં કહ્યું, ‘સાધુજન! તમારું કલ્યાણ થજો. હું તમારી પવિત્ર સેવામાં કોઈ રીતે કામ લાગું એવું કંઈ કહેવાનું બાકી છે?’ સરસ્વતીચંદ્ર : ‘મારે કંઈ પણ આ વિષયમાં કહેવાનું થશે તો તે આપને જ થશે.' ચંદ્રાવલી ગઈ. સરસ્વતીચંદ્ર તેની પાછળ દૃષ્ટિ નાખી રહ્યો...સરસ્વતીચંદ્ર ચમક્યો. બુદ્ધિધનના ઘરમાં કુમુદસુંદરી સાથે ગાળેલી ઘડી સાંભરી ને શરીર કંપવા લાગ્યું. ‘સ્થૂળ શરીરનો વિશ્વાસ શો? પણ જે ધૈર્યે તે કાળે રક્ષણ કર્યું તે આજ સહાયભૂત નહીં થાય?. ચંદ્રાવલી તો એ ભયને પણ લેખતાં નથી. તેમને મન તો હું જ કુમુદનો પતિ છું અને પ્રમાદ જાર છે... હું પતિ કે પ્રમાદ પતિ એ પ્રશ્ન પ્રમાદના મરણથી શાંત થાય છે. કુમુદનું પાણિગ્રહણ અધમ્ર્ય નથી. પણ મને તેની વાસના નથી... કુમુદસુંદરીની અત્યાર સુધીની રમણીય પવિત્ર ચિત્તવૃત્તિના ચિત્રમાં આ પાણિગ્રહણથી કલંક બેસે તે તો દુ:સહ જ. કુમુદસુંદરી પરિવ્રાજિકામઠમાં અથવા ચંદ્રાવલી પાસે આયુષ્ય ગાળે એ ચિત્ત જ રમ્ય છે. પણ... આ વિચાર કરવાનો મને શો અધિકાર છે? મેં તો તેનો અપરાધ સંપૂર્ણ કર્યો. એ અપરાધ ધોઈ નાખવાનો માર્ગ માત્ર એટલો જ કે એ અપરાધનું બલિદાન થયેલીને જે માર્ગે શાંતિ મળે તે માર્ગે આપવી. એ માર્ગ રમણીય છે કે નહીં, ધર્મ્ય છે કે નહીં, એ વિચારનો અધિકાર મને નથી, તેને છે; અથવા એ વિચારનો અધિકાર કુમુદને સોંપી મારે તટસ્થ રહેવું એ પણ ધર્મ્ય નથી. એ દુ:ખી હૃદયના ગુપ્ત મર્મ શોધી, એ શોધથી જે માર્ગ જડે તે લેવો એ જ મારો ધર્મ છે. અતિતીવ્ર ધર્મ! શું તું કુમુદને સંસારમાં નાખવા મને પ્રેરશે? અથવા, તે ગમે તેમ હો! પ્રમાદ ગમે તેવો હો! પણ એના મરણના ત્રાસકારક સમાચાર અને મોઢે કહેનાર હું જ થઈશ? એથી એને કેવું દુ:ખ થશે? સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર! સુંદરગિરિના વિચિત્ર માર્ગ તને શા શા ધર્મ નહીં દેખાડે? અથવા – રહો – એ દુ:ખ ખમવાને પણ આ સમાચાર સંભળાવું – તો તો પતિ મૃત્યુથી પોતાને સ્વતંત્ર થયેલી માની સ્થૂળ વિવાહ ઇચ્છવાના લોભમાં તે પડે તો? તો મારે શું કરવું? પ્રમાદના સમાચાર તો નહીં જ કહું. તે સમાચાર નથી જાણ્યા ત્યાં સુધી એ પતિવ્રતા પોતાના મન ઉપર અંકુશ રાખશે... સમાચાર તો હું નહીં જ કહું! ગુણસુંદરીના હૃદયની પ્રતિમા! સૌભાગ્યદેવીના પવિત્ર પક્ષપાતના પાત્ર! તું જે માર્ગે મને પ્રેરીશ તે સુંદર અને ધર્મ્ય જ હશે! તારી વાસનાનું ગાન મારા કાનમાં સંભળાય છે અને તે પવિત્ર જ છે? એના કાનમાં સંભળાયેલું ગાન આજ ફરી સંભળાવા લાગ્યું, ચક્ર પેઠે ચારે પાસ ફરવા લાગ્યું. ‘વાંસલડી વાજે! જોગીડા! તું વાંસલડી વાજે!’




  1. શાંતિભર્યા, શાંતિદાયી પ્રકાશ અથવા શાંતિ અને પ્રકાશ (સં.)
  2. ગાઢ થયેલી પ્રીતિ. (સં.)
  3. ઓળખાણ – પરિચય. (સં.)