સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૩૦ : સરસ્વતીચંદ્ર અને કુમુદ

અર્ધરાત્રિ વીતી ગઈ હતી. સૂવા માટે સૌમનસ્ય ગુફામાં જવા સરસ્વતીચંદ્ર ઊઠ્યો. કુમુદે પોતાને માટે પાથરેલી પથારી સરસ્વતીચંદ્ર માટે સાથે લઈ લીધી. સરસ્વતીચંદ્ર પથારીની ના પાડી, પણ અંતે કુમુદના આગ્રહને વશ થયો તે સામાં પોતાનું વસ્ત્ર ને કંથા કુમુદને આપ્યાં. સરસ્વતીચંદ્ર સૂઈ ગયો. કુમુદ પુલ ઉપરથી ચાલી પાછી આવી. સરસ્વતીચંદ્રની પવિત્ર કંથા તેણે અદૂષિત જ રાખી. નિદ્રા ન આવતાં, સરસ્વતીચંદ્રનું શરીર તપેલું હોવાનું યાદ આવતાં, તાવનું કેમ છે તે જોવા ચાલી. સરસ્વતીચંદ્ર ઊંઘતો હતો ને લાવતો હતો : ‘એકનાં દુઃખમાં અનેકનાં દુઃખ જોઉં છું. કુમુદસુંદરી, ચંદ્રકાન્ત, ગુણસુંદરી, સૌભાગ્યદેવી – સર્વનાં દુઃખ જોઈ લીધાં. ઓ મારા આર્ય દેશ! તારી ભયંકર અનાથતા જોઈ કહું છું. હું શું કરું? કુમુદસુંદરી તમારો ત્યાગ મેં ન કર્યો હોત તો તમારા સહચારમાં આ દેશની સ્થિતિ સુધારવા હું મથત. હવે તો સ્ત્રીવર્ગનું કલ્યાણ તમારા જેવી સ્ત્રીને સાધન વિના અશક્ય છે.' ‘ઓ મારા દેશવત્સલ રસિક પવિત્ર કાન્ત!' કુમુદથી બોલાઈ જવાયું. કુમુદ ધ્રૂજતી ધ્રૂજતી સરસ્વતીચંદ્રના ચરણ ભણી ગઈ. બેસી રહી. અંતે ચરણસ્પર્શ કરી નિદ્રાને વશ થઈ ગઈ. બંનેને એક સાથે એકસરખું સ્વપ્નદર્શન થયું. સ્વપ્નમાં સૌભાગ્યદેવી, ચંદ્રલક્ષ્મી, ધર્મલક્ષ્મી, ગુણસુંદરી, વિદ્યાચતુર વગેરેની છાયામૂર્તિઓ દેખાઈ. સૌભાગ્યદેવીએ કુમુદને કહ્યું કે ‘પ્રમાદ નહિ, પણ સરસ્વતીચંદ્ર જ તારો સાચો અધિકારી છે ને તેને જ તું વરેલી છે.' ધર્મલક્ષ્મીએ સરસ્વતીચંદ્રને ચિંતામણિની મુદ્રા પહેરાવી ને કુમુદને પારસમણિથી જડેલું મંગળસૂત્ર કંઠે પહેરાવ્યું તેને પ્રતાપે બંને સિદ્ધલોકની યાત્રાએ ગયાં. ત્યાં જુએ છે તો ભીષ્મપિતામહના શરીર ઉપર રાફડાઓ બાઝ્યા છે ને તેજના ફુવારાઓ એમના એ શરીરમાંથી ફૂટે છે.[1] રાફડાઓ યુગોની પ્રવૃત્તિઓનું પરિણામ છે. એની ઉપર કીડાઓ વગેરે કેટલાંય જંતુઓ[2] ચાલે છે. આ દેશને દરિદ્ર થવાના માર્ગ આ જંતુઓ જાતે જ રચે છે. પિતાઓ પુત્ર-પુત્રીની તૃપ્તિ માટે નહીં પણ પોતાની તૃપ્તિ માટે તેમને જ યજ્ઞોમાં હોમે છે! તેઓ જાતે શરીરને, સંતતિને, ધનને ને ધર્મને નષ્ટ કરે છે. અશોકના સમયમાં આ ભારતદેશ કેવો ભરપૂર સમૃદ્ધિને શૃંગે હતો, તેનું ભવ્ય તેજોમય દર્શન પણ કુમુદ–સરસ્વતીચંદ્રને થયું. આ દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોરૂપી નાગલોક વડવાઈઓ પર લટકી રહી ભારતીય સંસ્કૃતિના મહાન વટવૃક્ષનું રક્ષણ કરતા હોય એમ જાણે દેખાતું હતું. પણ તમોગુણને લીધે ચાતુર્વર્ણ્ય સૃષ્ટિરૂપી ચાર ખડકો કંપીને તૂટી ગયા ને તેમાંથી કેવા જ્ઞાતિઓ રૂપી અનેકાનેક કડકા ને ચીરા થયા તે પણ બંનેને દેખાયું. એ તેજસ્વી મણિધર નાગલોકને બદલે એ જ વંશનાં અધોગતિ પામેલાં અળશિયાં ક્યાંક ક્યાંક દેખાવા લાગ્યાં. આ રાફડાઓમાંથી બીજી અનેક છાયાઓ નીકળવા લાગી. તે સાથે રાફડામાંની નળીઓમાંથી ભેરીનાદ નીકળતો હતો : ‘રાફડાઓને તોડી પાડવા ઇચ્છનારાં મનુષ્યો! મણિપ્રકાશવાળી સાત્ત્વિક છાયાની રત્નમૂર્તિઓ અમારામાં ભરેલી છે. અમને તોડી પાડતાં તે પણ ચગદાઈ ચંપાઈ જશે! માટે જે કરો તે વિચારજો! રાફડાઓનો નાશ કરવામાં સાત્ત્વિક દૃષ્ટિ નહીં રાખો તો ખોયેલાં રત્ન તમે ફરી પામવાના નથી.' સાથે લક્ષ્મીનંદનનો સ્વર જાણે સંભળાવા લાગ્યો : ‘ભાઈ, ભાઈ! મહિનામાં નહીં આવો તો હું જીવવાનો નથી, હોં!' થોડી વારમાં સર્વ સ્વર બંધ થઈ ગયા અને મોજાંના ખળભળાટ ને પવનના વધતા જતા સુસવાટા વિના બીજું કાંઈ સંભળાતું બંધ થઈ ગયું. પળ વારમાં કુમુદ-સરસ્વતીચંદ્રનાં શરીર અંધકાર, ગર્જનાઓ, મોજાં અને ચીસો વચ્ચે ઊડી પડ્યાં; તળિયે ડૂબ્યાં ને તેમનું આ મહાસ્વપ્ન વિરામ પામ્યું. બંને અંતે સ્વપ્નનિદ્રામાંથી જાગ્યાં. તેમણે નક્કી કર્યું કે ચંદ્રાવલીમૈયા ને વિહારપુરીની જેમ પરોક્ષ સંસર્ગ રાખી બે વર્ષ રહેવું. તે પછી ભવિષ્યનો વિચાર કરવો. પણ સરસ્વતીચંદ્રને જે સ્વપ્નદર્શન થયું ને ભારતની જે દીનહીન દશાનું ભાન થયું, તે પરથી તેની સ્વદેશકલ્યાણની ભાવના વધુ બળવાન બની. વિદ્વાનો જ દેશનો ઉત્કર્ષ કરી શકે; પણ તે માટે નિર્ધન વિદ્વાનો પોષાય, તેમની વિદ્વત્તા ફૂલેફાલે ને વિકસે તે સરસ્વતીચંદ્રને આવશ્યક લાગ્યું. સરસ્વતીચંદ્ર : ‘કુમુદસુંદરી! વિદ્વાનોનાં ગૃહરાજ્યમાં ગુણસુંદરીઓ, કુમુદસુંદરીઓ, સૌભાગ્યદેવીઓ ને ચંદ્રાવલીઓ ક્રતી જોવા ઇચ્છું છું. તેમના વૈભવ વધેલા જોવા ઇચ્છું છું. તેમના ભંડાર ભરાતા જેવા ઇચ્છું છું. તેમને આધિવ્યાધિથી મુક્ત, સ્વસ્થ અને સ્વતંત્ર જોવા ઇચ્છું છું. કુમુદસુંદરી! રાત્રે આપણે જે મહાન રાફડાઓ જોયા તે રાફડાઓની ધૂળ તેમનાં શરીર પરથી ઊડી જાય અને કાંચનની રેતીનાં વાદળ એમની આસપાસ ઊડી રહે એવું જોવા ઇચ્છું છું... હું મારા રાફડામાંથી છૂટવા પામ્યો પણ તેની સાથે આ સર્વ જોવાનું પ્રકાશપૂર્ણ, નેત્ર-તમે-મેં હાથે કરી ફોડી દીધું. હવે તો ‘બની બનાઈ બન ગઈ!’ પણ આ સર્વનાં દુ:ખ કેમ મટાડવાં – ફિટાડવાં એ વિચાર થાય છે. દેશયજ્ઞમાં દેશપ્રીતિ એ જ સોમરસ.' કુમુદસુંદરી : ‘તમારી ભાવનાની સિદ્ધિ હજો.’

*

સૌમનસ્ય ગુફામાં આમ બે રાત્રિ વીતી. પ્રાત:કાળ થતાં કુમુદ નીચે જતી હતી તેને સરસ્વતીચંદ્રે પાછી બોલાવી. ઘણી ગડમથલ પછી પોતે સુરગ્રામમાંથી આણેલાં વર્તમાનપત્રો વાંચવા આપ્યાં. કુમુદ બેઠી. સૌભાગ્યદેવી અને પ્રમાદધનના મરણના અને કુમુદના ડૂબી ગયાના સમાચાર કુમુદે ધડકતે હૈયે અને રોતી આંખોએ વાંચ્યા. શોકનો કાળો રંગ હૃદયમાં વ્યાપી ગયો. ‘હું સત્ય કહું છું કે મારા સ્વામીનાથ માટેનો મારો શોક દેવીના મૃત્યુ જેટલો જ – એથીયે વિશેષ છે. એમનામાં વિદ્યા ન હતી પણ હૃદય હતું; ને તમારામાં પણ તમારી વિદ્યા કરતાં તમારા હૃદયનો વધારે વિશ્વાસ કરું છું તે તમે જાણો છો! હરિ હરિ! તને આ જ ગમ્યું?' બે હાથે મોં ઢાંકી કુમુદ પુષ્કળ રોવા લાગી. ‘જે કરો તે સાધુજનોને પૂછીને કરજો.’ શોકની મૂર્તિ જેવી, ખિન્નતાની છાયા જેવી બાળા સાધુઓ પાસે જવાને ઊઠી. એની પાછળ દૃષ્ટિપાત કરતો સરસ્વતીચંદ્ર બેસી રહ્યો. ‘ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન કહેવી. કુમુદ! તારા આ દુ:ખમાંથી તારું હૃદય કોઈક પવિત્ર પરિણામ જ આણશે. માટે જ મેં ક્રૂરતા કરી છે. સંસાર! ચંદનવૃક્ષની શાખા જેથી કુમુદને તું કેટલાક પ્રહાર કરે છે? હવે એ પ્રહારો બંધ થાય એમ કરવું એ જ મારો ધર્મ છે.’ એટલામાં તો રાધેદાસ આવ્યો. ‘જી મહારાજ! આપના પ્રિય મિત્ર પ્રાત:કાળે યદુશૃંગ ઉપર આવશે. તેમને ક્યાં વાસ આપવો તે વિહારપુરીજી પુછાવે છે.' ‘જ્યાં હું છું ત્યાં જ લાવજો.’ હર્ષમાં આવી સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો.

*

સરસ્વતીચંદ્ર પોતે જોયેલાં સ્વપ્નોનો પોતે લખેલો ઇતિહાસ વાંચવા લાગ્યો. થોડી વેળા વીતી. તે ધ્યાનમગ્ન હતો; ત્યાં કન્થા ધારિણી શોકગ્રસ્ત કુમુદ પાછળ આવી, બોલ્યાચાલ્યા વિના ઊભી રહી. અંતે દીર્ઘ નિઃશ્વાસ મૂકી, આંસુ લूછી, સરસ્વતીચંદ્રને પગે પડી. ‘મને દીક્ષા આપો; મારા શોકનો એક વાર નાશ કર્યો તેવો ફરી કરો.’ એમ કહેવા લાગી. સરસ્વતીચંદ્ર કુમુદને ઉઠાડવા લાગ્યો. કુમુદસુંદરી : ‘આજ સુધી એમ હતું કે વર્ષ પછીનું આયુષ્ય કેવી રીતે ગાળવું તે વિચારવાની આજથી શી ઉતાવળ છે? હવે આજથી જ એ વિચારવાની આતુરતા આપે ઉત્પન્ન કરી છે. હું તો મારી જાતને ગુપ્ત જ રાખવા ઇચ્છું છું. જગત મને મૂએલી જાણે નહીં તો મારે જીવવું કપરું થાય. આપનાથી દૂર રહી જીવી શકું એમ નથી, ને આપની પાસે રહી સૂક્ષ્મપ્રીતિનો સંબંધ રાખીશ તોપણ જગત અપકીર્તિ કરશે ને માતાપિતા અને સસરાજીને દુઃખ થશે. તે કરતાં મરવું સારું.’ સરસ્વતીચંદ્ર : ‘આપણા લોકને સમજાવવા આપણે પ્રયત્ન કરીશું.' કુમુદસુંદરી : ‘તેમ કરવા જતાં આપ રાફડાની ધૂળમાં દટાઈ જશો. લોકના કલ્યાણકાર્યમાં આપ પ્રવૃત્ત થાઓ ત્યારે મારા વિના સ્વસ્થ રહી શકવાના નથી. એવે કાળે કુમુદ જેવી સહચારિણી આવશ્યક છે. છતાં કુમુદના સહચારથી આપ લોકનિન્દાને પાત્ર થશો, ને આપે લોકને પહેરાવવા ધારેલી પુષ્પમાળાઓને લોક સર્પ જેવી ગણી ફેંકી દેશે. માટે હું તમને છેલ્લા પ્રણામ કરું છું ને ઊઠું છું. મને ઊંડી ખોમાં કે સમુદ્રમાં સમાસ મળી રહેશે.’ સરસ્વતીચંદ્રે પડતી કુમુદને ઉગારી લીધી. ‘કુમુદ! તારો સહવાસ વિઘ્નરૂપ નથી એટલું જ નહીં પણ તારું અદ્વૈત મારા લોકકલ્યાણના મંગલ કાર્યમાં આવશ્યક છે.’ એમ કહી સરસ્વતીચંદ્રે કુમુદના હૃદયમાં ધૈર્ય, આશા ને શ્રદ્ધા પ્રકટાવ્યાં, કુમુદે આત્મહત્યાનો વિચાર છોડી દીધો ને બોલી : ‘જો આપ મારા હૃદયના સ્વામી છો તો પછી પૃથ્વી જેવી હું જ્યાં દૃષ્ટિ કરીશ ત્યાં આકાશ જેવા આપને જ દેખાશે. દેશ અને લોકની સેવાને અર્થે આપ જે યજ્ઞ માંડશો તેમાં હું આપની સહધર્મચારિણી થઈશ. આજની રાત્રિ એ યજ્ઞની વિધિ સમજાવવામાં ગાળો. પણ આપણા વ્યવહારનો નિશ્ચય તો આપના તટસ્થ મિત્રને જ સોંપજો. આપે આપનું શેષ આયુષ્ય કેવી પ્રવૃત્તિમાં ગાળવું ધાર્યું છે તે સમજાવો.’ સરસ્વતીચંદ્ર: ‘મધુરી કુમુદ! સાંભળ. મારી માએ ને માતામહીએ મળી મારે માટે ચાર લાખ રૂપિયા મૂકેલા હતા. આજ મેં તેમાં કરેલા વધારાથી છસાત લાખનો સુમાર થતો હશે. એટલી રકમ મારા મનોરાજ્યની સિદ્ધિ માટે પૂરતી નથી; મારા મનોરાજ્યના એક અંગ માટે બસ થશે. તોયે એ ઉત્પન્નમાંથી એક વર્ષ આ દેશમાં વિદ્વાન વ્યાપારી ઉત્પન્ન થઈ શકશે ને બીજે વર્ષે દેશની રંક પ્રજાનાં કલ્યાણનાં બીજ રોપાશે. એમ વર્ષે વર્ષે વારાફરતી વ્યવસ્થા થઈ શકશે. આવો વિદ્વાન વ્યાપારી યુરોપ-અમેરિકા જઈ નિષ્ણાત થાય ને પોતાના દેશબંધુઓને પોતાની નિપુણતાનો લાભ આપે. આ મારું કામ; તો પરદેશી સામગ્રી લઈ આવેલા ધનંજય અર્જુનો માટે સુભદ્રાઓ સર્જવી એ કુમુદનું કામ. આપણા પુરુષવિદ્વાનોમાં હું ફરીશ ને તેમની સ્ત્રીઓમાં તું ફરજે. એમની સ્ત્રીઓ પંડિત થાય, રસજ્ઞ થાય, સ્વસ્થ, બલવતી, રોગહીન અને સુંદર થાય, કુટુંબની મૂર્ખ ઇચ્છાઓ અને કલેશમાંથી છૂટી સાચી કુટુંબપોષક થાય – એવા માર્ગ શોધવા તે મહાકાય ગુણસુંદરીની પ્રિય પુત્રી નહીં તો બીજું કોણ કરી શકશે? કુમુદસુંદરી! આપણા અંગ્રેજી વિદ્વાનો, સંસ્કૃત શાસ્ત્રીઓ અને નિરક્ષર કલાવાનોને માટે એક નાનું સરખું સુરગ્રામ જેવું કલ્યાણગ્રામ ઊભું કરવું એવી મારી યોજના છે. આ વિદ્વાનો દેશની પૂર્ણ ચિકિત્સા કરે ને તેના ભવિષ્યને માટે ઔષધ શોધે... પશ્ચાત્ય સંસર્ગ આપણા દેશબાંધવોને અતિશય જરૂરી છે. પણ સર્વ વમળ વચ્ચે સ્વસ્થ અને નિર્ધન જીવન ગાળી જીવવાની કળા રાફડાઓમાં છે, તે અમૂલ્ય કળાનો પાશ્ચાત્ય સંસર્ગથી નાશ થશે તો મહાહાનિ થશે. સ્વતંત્રતાથી, સ્વાધ્યથી, ઉચ્ચ અતિથિઓના સમાગમથી, આપણા આશ્રમીઓ સાધુતાને પામશે ને આ સ્થાનની સાધુતાના દીવાઓ આર્ય સંસારમાં પોતાની જ્યોત પ્રગટાવશે. કુમુદસુંદરી! આપણાં કલ્યાણગ્રામમાં સંસ્કારી સ્ત્રીઓ પણ જાતે સ્વતંત્ર સમર્થ સ્વસ્થ વિદુષીઓ થઈ સ્ત્રીજાતિનો ઉત્કર્ષ કરશે. લોક એમ માને છે કે સ્ત્રીઓને અને રાજ્યને શો સંબંધ છે? પણ સ્ત્રી વિના ગૃહ નથી, ગૃહ વિના પ્રજા નથી, ને પ્રજા વિના રાજ્ય નથી. સ્ત્રીના ઉત્કર્ષ! વિનાનાં પ્રજાનાં ગૃહોમાં કલેશ અને ચિંતા જાળાં બાંધે છે. કુમુદ! આપણી આ લોકમાત્રામાં મારી પાછળ પગલેપગલે તું આવે છે ને હું તારી પાછળ પગલે પગલે આવું છું!' આમ બોલતો સરસ્વતીચંદ્ર બંધ પડ્યો. એની આંખો અર્ધી મીંચાઈ ને અર્ધી ઉઘાડી રહી. પ્રસન્ન બનેલી કુમુદની પણ એ જ અવસ્થા થઈ. પૂર્ણિમાની મદ્યરાત્રિના પૂર્ણચંદ્રની ચંદ્રિકા અને મધુર પવનલહરી વિના કંઈ પણ અંતરાય રહ્યો નહીં.




  1. આખું મહારૂપક છે. ભીષ્મપિતામહ – આર્યદેશ. રાફડાઓ – જડ રૂઢિઓ, પ્રણાલિકાઓ. (સં.)
  2. માનવ-જંતુઓ. (સં.)