સરસ્વતીચંદ્ર ભાગ ૧/રસ્તામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસ્તામાં

પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા. દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં ત્યાં પણ કંઈ કંઈ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાનું તેથી તેના પણ વિચાર થવા માંડ્યા. 'અનુભવાર્થી' ને અભ્યાસની સવડ ખરેખરો થઈગઈ હતી,એટલે અભ્યાસ ઝડપબંધ વધતો હતો. અમાત્યના ઘરમાં થતાં શાંત સ્વપ્નને દરબારના ઉગ્ર સ્વરે ડાબી નાંખ્યું હતું. સઉથી પાછળ નીકળેલા – એકાંત ઘડેલા રસ્તા ઉપર એક સીપાઈને પાછળ રાખી ચાલતા નવીનચંદ્રને ચૈત્ર મધ્યાહ્ના પ્રચંડ સૂર્યના તેજ નીચે તપતા સળગતા બળતા વિશાળ અને શૂન્ય મેદાન વચ્ચેના લાંબા રસ્તાનો દેખાવ એ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો અને દરબારમાં ડબાઈ ગયેલી થાકી ગયેલી ક૯પના શિથિલ પડી જઈ એ ઓથારના હઠ- સંભોગને જાતે જ અનુકૂળતા કરી આપવા લાગી. મનની સાથે શરીર પણ થાક્યું હતું. બાર વાગવાથી ભુખ પણ કકડીને લાગી હતી. સૂર્ય તનમનને

​ક્‌લાંત કરવામાં નિરંકુશ વર્તતો હતો: અગ્નિના પુલ જેવો રસ્તો તાપનું ઉંચે પ્રતિવમન કરતે હતો, અને માનવીનું ઉકળતું શરીર પરસેવાથી પાણી પાણી થઈ જતું હતું. અંદરની અને બ્હારની અવસ્થાઓએ આમ એકસંપ કર્યો હોવાથી સુકુમાર નવીનચંદ્ર હારી ગયેલા જેવો દેખાવા લાગ્યો. તેના કપાળ પર પરસેવાનાં જાળ બાઝ્યાં અને પાઘડીમાંથી ટપકતા વર્ષાદે તેમાં ઉમેરે કર્યો. તેની આંખો રાતી રાતી થઈ ગઈ અને કુમળા ગાલે પણ એ જ રંગ પકડ્યો. નવીનચંદ્ર, તું આવી દશા શા દુઃખે ભોગવે છે ? અમાત્યનું દુઃખ સફળ થવા વખત આવ્યો હતો. પણ તેમાં કાંઈ એને સ્વાર્થ ન હતો. એવું છતાં અમાત્ય કુટુંબના ઉત્સાહનો પટ એને પણ લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શીખાયું. હા. એ બધું ખરું. પણ હાલ તો થાકેલા મન આગળથી એ ઉત્સાહ – એ જોયા શીખ્યાનો સંતોષ – સર્વ પરોક્ષ થયું. સેંકડો ગાઉ ઉપરનું ઘર – તેમાં અત્યારે શું શું થતું હશે તેના વિચાર માતાપિતા - મિત્ર મંડળ અને એવા એવા સંસ્કારો મનમાં સ્ફુરવા લાગ્યા અને સુવર્ણપુરના ઉંચા રસ્તા ઉપરથી ભદ્રા અને સમુદ્રના સંગમનું સ્થાન દેખાતું હતું ત્યાં દ્રષ્ટિ પડતાં ઘડીક નાવમાં બેસી ઘેર જવાની વૃત્તિ થઈ – ઘડીક ઘરમાં જ ઉભો હોય તેમ અનુભવવા માંડ્યું. રસ્તા ઉપર બીજું કોઈ આવે છે કે નહી, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંઈ જોતો ન હતો. “એની આંખ એના હૃદયમાં હતી – અને એ હૃદય ઘણે ઘણે છેટે હતું.” [1] તે એના ઘરમાં હતું. સુવર્ણપુરનું કોઈ પણ પ્રાણી - કંઈ પણ પદાર્થ તેના મનમાં વસતો ન હતો. ઘરમાં હૃદય અને હૃદયમાં ઘર એમ હતું. એમ છતાં સુવર્ણપુરના એક જણને તેમાં અવકાશ મળ્યો. પોતાના ઘરની સર્વ સૃષ્ટિ વચ્ચે વચ્ચે અમાત્યના ઘરની – ન સગી – ન... એવી કુમુદસુંદરી ઉભી. કુમુદસુંદરી ! તું અંહીયાં ક્યાંથી ? - નવીનચંદ્ર ! આજ તને શું થયું ? રાજ-ઉદ્યાનમાં પેંઠો ત્યારેયે ઘર સાંભર્યું અને અહુણાંયે સાંભર્યું. એ શાથી ? ઘરની સાથે કુમુદસુંદરીને સંભારવાનું કારણ શું ? આ સર્વ પ્રશ્ન પણ નવીનચંદ્રના જ હૃદયમાં સમુદ્રના તરંગ પેઠે ઉઠતા હતા અને આકાશ સુધી ઉછાળા મારતા હતા. વચ્ચે વચ્ચે અમાત્યના ઘરમાં બનેલા કેટલાક બનાવો સાંભરતા હતા. નવીનચંદ્રના મનની સ્થિતિનું કારણ એ બનાવો તો નહી હોય ? વાંચનાર, એ બનાવો સાંભળ.

નવીનચંદ્ર અલકકિશોરીના પતિવ્રતાપણાનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી એ કિશેારી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેશી ર્‌હેતી અને એનો ઘા રુઝાવાની વાટ જોતી. એ બાળાને

૧. બાયરન - 'ગ્લૅડિએટર.'

​પતિ વાસ્તે મનમાં રજ પણ માન ન હતું, અને આખા જગત્ને તૃણવત્ ગણતી તેમ એને પણ ગણતી. માતાપિતા શીવાય બીજા કોઈને એ માન આપતી ન હતી અને મામાં પણ અક્કલ ઝાઝી છે એવું માનતી ન હતી. સહીયરો ઉપર અમલ ચલાવતી હતી, પણ પતિ અથવા બીજો કોઈ મ્હારું સમોવડીયું છે એવું ધારતી ન હતી અને તેથી કોઈના ઉપર સમાનભાવને સ્નેહ રાખવો તે શું એ સમજતી ન હતી. હા, મમતાળુ હતી, પોતાનું કહ્યું તેને પોતાનું ગણતી, અને દયાળુ હતી. પણ આ માણસ બાંધછોડ કરવા લાયક છે, આની આગળ એકલા દ્રવ્યનું જ નહીં પણ રૂપનું, ગુણુનું, ડહાપણનું, બુદ્ધિનું, પદવીનું, કુલીનતાનું અને એવું સર્વ ગુમાન છોડી દઈ નરમ થવું ઘટે-સ્નેહ-મિત્રતા રાખવી ઘટે એમ મનમાં જરી પણ ન હતું. આ ગુણ એના બાપનામાં બીજે રૂપે હતો અને તે પુત્રને ઠેકાણે પુત્રીમાં ઉતર્યો હતો. એનામાં જે કાંઈ તોછડાઈ હતી તે આ જ ગુણને લીધે હતી, અને એ પતિવ્રતાપણું જાળવી શકતી અને તેમ કરતાં ડગતી નહી તેનું કારણ પણ એ જ ગુણ હતો - કારણ કોઈ પણ પુરુષના સામું જોતાં “અહં, એ કોણ- શા લેખામાં છે ? - હું કોણ ? એ કોણ ? શું હું કોઈને નમ્યું અાપું ? શું કોઈ મ્હારું સમોવડીયું થવા યોગ્ય છે ?” આ વિચારો જ તેના મગજમાં તરી આવતા. આજ સુધી તેનું ગુમાન ઉતર્યા વિનાનું રહ્યું હતું, તે બે જણાંએ ઉતાર્યું. એનો અણઢોળાયો સ્નેહ ભાભી ઉપર ઢોળાયો. કુમુદસુંદરીને જેઈ એને કાંઈક ઉમળકો જ આવતો - કાંઈક ઊર્મિ જ ઉઠી આવતી. એનું એક કારણ એ સુગંધાનું સ્હોજીલાપણું હતું અને બીજીનું કારણ એ હતું કે એને કિશોરીયે પોતે ઘરમાં આણી હતી. બસ, ભાભીને દીઠી એટલે નણંદ ઘેલી ઘેલી થઈ જતી અને ઘેલાં ક્‌હાડતી. સઉ આ જોઈ હસતાં અને એની મા પણ હસતી. તે એ જાણતી અને દેખતી પણ ગાંઠે નહી. કોઈક વખત તો માને પણ ધમકાવે કે “બસ, અમારાં ભાભીને અમે ગમે તે કરીશું તેમાં ત્હારું શું ગયું ? “તું ત્હારું કામ કર.” કુમુદસુંદરીના રૂપ આગળ પોતાનું રૂપ ભુલી જતી અને એ ચોપડી માંથી વાતો વાંચે અને સમજાવે ત્યારે ગરીબ ગાય થઈ જતી. વળી આટલું બધું ગુમાન ઉતરેલું પણ તેની પોતાનેયે ખબર ન હતી. કારણ ઘરમાં ભાભી નણંદનું જ ચાલવા દેતી; લોકમાં એને જ મ્હોટે પાટલે બેસાડતી અને એનું જ કહ્યું કરતી: એટલે નણંદનું અભિમાન સંતોષ પામતું અને ભાભી વ્હાલી જ રહેતી. પણ કોઈ ઝીણી નજરે જુવે તો થતું એ કે ભાભી નણંદના ઉપર રાજય ચલાવતી અને નણંદ ભાભીના જ કહ્યામાં ર્‌હેતી, એમાં કારીગરી ભાભીની હતી. કારણ ભાભીનું ચાલે છે એવું એ નણંદને સમજવા જ ​ન દેતી. એક ગુમાન ભાભી આગળ ઉતર્યું અને બીજું નવીનચંદ્રે ઉતાર્યું. તેના ઉપકારથી તે અત્યન્ત વશ થઈ. તેના ખાટલા આગળ જ બેસી ર્‌હેવું અને ઓસડવેસડની – ખાવાની – કરીની – સઉની ચિંતા પોતે જ રાખવી. કોઈ આવ્યું હોય ત્હોયે એ ત્યાંની ત્યાં. એની સહીયરો – અને કોઈ કોઈ વખત તો મા પણ – શીખામણ આપે કે “ બ્હેન, ગમે એટલું પણ એ પરપુરુષ; હા, એની ચાકરી કરવી, એની અાસના વાસના કરવી એ સઉ ઠીક છે, પણ આમ આખો દિવસ એકાંતમાં અને લોકના દેખતાં એની પાસે ખાટલા સરસાં બેસી ર્‌હેવું એ સારું નહીં. લોકમાં વાત થાય. ગમે તો એક ચાકરને બેસાડી મુક ને, તું જતી આવતી દેખરેખ રાખ.” અાના ઉત્તરમાં એ કિશોરી શીખામણ આપનારને ખાવા ધાતી અને ભમર ચ્હડાવી ઓઠવડે પૂકાર કરી – મ્હોં મરડી ક્‌હેતી કે વારું વારું, જોયા એ લોક. લોકને તે કોણ ગણે? હસો જેને હસવું હોય તે.” “ વારું, બ્હેન, મરજી પડે તે કરો ” એમ કરી ક્‌હેનાર ચુપ થતું અને અલકકિશોરી માથું મરડી, “અંહ, શું લોકો છે – એમના બાપનું જાણે જતું જ ર્‌હેતું હોયની ! જાણે કે તમે જ ડાહ્યા અને તમે જ સારા હશો.” એમ કહી ચાલી જતી અને નવીનચંદ્રની પાસે આવી બેશી બાધેભારે લોકના ડ્‌હાપણડાહ્યલાવેડાની મશ્કેરીયો કરતી. પોતાને કોઈ મળવા આવે તો તેને પણ નવીનચંદ્રવાળી મેડીમાં બોલાવે અને બેસાડે. કુમુદસુંદરી ત્યાં આવતાં શરમાતી ત્યારે જોડે એની મેડી હતી તેમાં જઈ બાથમાં લઈ એને ઘસડી આણતી અને સાથે બેસાડી ક્‌હેતી, “ ભાભી, ઘરના માણસ જેવું જે માણસ થયું તેની પાસે આવતાં શરમ શી ? જુવો, એ ભણેલા છે એને તમે ભણેલાં છો. તો બેસો અને કાંઈક સારું સારું વાંચો. હું સાંભળીશ. એયે સાંભળશે. તમનેયે કાંઈ બધે ઠેકાણે સમજણ નહીં પડતી હોય તે એ સમજાવશે. હું બેઠી છું એટલે તમારે અંહી બેસતાં હરકત નહી.” ભાભીનો હાથ તાણી નીચે બેસાડે. કુમુદસુંદરી બીચારી હજારો ગુપ્ત વિકાર અનુભવતી બેસતી, બળાત્કારે કોઈક દિવસ, કાંઈ વાંચતી અને સાંભળતી, પણ એક્કે દિવસ એવું ન થવા દીધું કે નવીનચંદ્રની સાથે પોતે. જરીકે બોલી છે, હસી છે, કે એક પણ પ્રશ્નોત્તર થયો છે. નવીનચંદ્રના સામી એટલા દિવસોમાં એક વખત પણ – એક પળ પણ – નજરસરખી ન કરી. નવીનચંદ્ર અને કુમુદસુંદરી – બેમાંથી કોઈને કંઈ પણ બોલવું હોય, પુછવું હોય, કે માગવું હોય તો તે અલકકિશોરીની જ પાસે.

નવીનચંદ્ર સુતો સુતો સર્વ સમજતો; અલકકિશેરીના ઉપકારના નિર્દોષ ઉભરા લોકાચાર વિરુદ્ધ હતા તે એ જાણતો; અણસમજી ખેંચતાણ ​કરી બેસાડી નણંદ ભાભીના મનમાં સ્વાભાવિક ગુંચવારો ઉત્પન્ન કરતી તે એ કળી જતો; પરંતુ જાતે માંદો હોવાથી અને અલકકિશોરીના તુન્દા સ્વભાવ અાગળ, કાંઈ વળશે નહી એવું ભાન હોવાથી તે નિરુપાય હતો.

હળવે હળવે સ્ત્રીવર્ગમાં અલકકિશોરીની વાતો ચાલવા માંડી અને અમાત્યની ચ્હડતી ખમી ન શકનાર વર્ગ પ્રમાણમાં ઝાઝો હોવાથી એ વાત અતિશયોક્તિ થઈ અને મ્હોટા ઘરની નિન્દામાં સર્વને રસ પડવા માંડ્યો. વનલીલાને હીંડેથી એ વાત કુમુદસુંદરીને પણ કાને આવી, પણ એણે તે ધિક્કારી ક્‌હાડી. વિદુરપ્રસાદે પણ એ વાત સાંભળી અને ઘડીક માની અને અલકકિશોરીને ઠપકો દેવાની ય બ્હીતે બ્હીતે હીમ્મત ધરી.અલકકિશેરીયે એને એવો તો ધમકાવ્યો કે એ ડબાઈ ગયો. પણ ડાબાઈ ગયાથી મનની ખાતરી ન થઈ. આખરે એક દિવસ ગરબડદાસ એને ઘેર જમવા આવ્યો હતો અને નવણના ચોકામાં અંધારાનો લાભ લેઈ રાંધવા નાહેલી કિશોરીની કાંઈ મશ્કેરી કરી કે ઉત્તરમાં એ ઉન્મત્તાએ એના મ્હોં ઉપર ઉકળતી દાળ ભરી કડછી ઝાપટી અને ઘરમાંથી એ લુચ્ચાનો પગ ટળાવ્યો. આ દિવસથી એ નીચ પુરુષ પરસ્ત્રીની મશ્કેરી કરવી ભુલી ગયો, અને વિદુરપ્રસાદના મનમાં અલકકિશોરીની શુદ્ધતાની ખાતરી થઈ.

કિશોરીની સ્વતંત્રતા આમ સર્વ સ્થળે અપ્રતિહત અને જયવંત નીવડી. આ શુદ્ધતા અને સ્વતંત્રતાનું અભિમાન એને એટલું બધું હતું કે શિથિલ વર્તણુકવાળાંની સોબત કરવાથી તે ડરતી નહી, અને એમ જ ગણતી કે “અંહ, ભેંશનાં શીંગડાં ભેંશને ભારે છે – પારકું માણસ નઠારું તેમાં આપણને શું થનાર છે ?” આથી તેની સહીયરોમાં કેટલીક અશુદ્ધ સ્ત્રીયો પણ હતી અને તેવી સ્ત્રીયો વિશેષ વિલાસશીલ અને ઉઘાડી રસિકતાવાળી હોવાથી કિશોરીની વિશેષ પ્રીતિનું પાત્ર થઈ હતી; કારણ કે ક્ષુદ્ર લાગતા પતિ આગળ નિરુત્સાહી અને ઢંકાઈ ર્‌હેતી વિલાસવૃત્તિને શુદ્ધ અબળા, પોતાની ઈચ્છાને શરણ ર્‌હેતી અાવી સહીયરો અાગળ, ધમકભરી સાકાર કરતી, અને તે રીતિનો યોગ્ય અનુકમ્પ એવી સહીયરો જ કરી શકતી. કૃષ્ણકલિકા ઉપર અમાત્યપુત્રીના ચારે હાથ હતા અને તેનું કારણ આ જ હતું. આવી પ્રિય સયહીરોને છોડે એવું એને ક્‌હેવા કોઈની તાકાત ન હતી.

અધમ સંગતિ વંધ્યા ન રહી. અલકકિશોરીપાસે આવતી જતી કૃષ્ણકલિકાને નવીનચંદ્ર ગમી ગયો અને અર્થ સારવા એકલીની તાકાત ન હોવાથી અમાત્યપુત્રીને પોતાની સાધનભૂત જોડીયણ કરવા ધાર્યું. કુલીન ​કિશોરી પોતાની પાસે અપવિત્ર વાતો થવા ન દેતી અને કોઈ પુરુષનાં તો શું પણ સ્ત્રીનાંયે વખાણ થવા ન દેતી. નવીનચંદ્રની એના મન ઉપર થયેલી નિર્દોષ અને પવિત્ર અસર : કૃષ્ણકલિકાએ જોઈ અને તેનો ઉપયોગ કર્યો. નવીનચંદ્રના સ્વભાવનાં, સુશીલતાનાં, સદ્ગુણનાં અને અંતે સ્વરૂપનાં વખાણ એણે ક્રમે ક્રમે કરવા માંડ્યાં, અને ઉપકારની અમીથી ભરેલી દ્રષ્ટિયે જોનારી કુલીન માનિની આ સર્વે વખાણ આનંદથી સાંભળતી. આ પવિત્ર આનંદચંદ્રમાં કુષ્ણકલિકાએ હળવે હળવે કલંક ઉત્પન્ન કર્યું. એક દિવસ નવીનચંદ્રની સુંદરતાની વાત ક્‌હાડી, કજોડાંની વાત ક્‌હાડી, હીમ્મત આણી કુષ્ણકલિકા અચિંતી બોલી ઉઠી: “ બ્હેન, ખરું પુછો તો તમારે તે નવીનચંદ્ર જેવો વર જોઈએ–હા, વિદુરપ્રસાદ ઠીક છે પણ તે ઠીક જ. કાગડો દહીંથરું લઈ ગયો છે.” અલકકિશોરીચે એને ધમકાવી આ વાત બંધ પાડી અને તરત તો પોતે પણ ભૂલી ગઈ.

કલાક બે કલાક વીત્યા પછી તે નવીનચંદ્રની મેડીમાં આવી. તે ખાટલામાં ઉંઘી ગયો હતો. એને ઔષધ પાવાનો વખત વીતી ગયો. હતો તે જગાડવો કે ન જગાડવો એ વિચારમાં ઘડી વાર ઉભી અને સુતેલા નવીનચંદ્રના મુખ ઉપર દ્રષ્ટિ પડી–દ્રષ્ટિ પડી જ. એનો ઘા રુઝવા માંડ્યો હતો પણ પાટા કરવા પડતા હતા. તાવ આવતો બંધ થયો હતો પણ શક્તિ સારુ ઔષધ પીવું પડતું. ઉઠવા બેસવાને શ્રમ ચાલતા સુધી ન લેવો એવી વૈદ્યની આજ્ઞા હતી, પણ ધારે તો શ્રમ લેવા જેટલી શક્તિ આવી હતી અને મ્હોં પર તેજી પણ આવી હતી. સુતેલાના વિશાળ કપાળ પર પરસેવો વળ્યો હતો અને પુરુષત્વભરી કાળી ભ્રમરો અને પાંપણો વચ્ચે મીંચાયેલાં ગોરાં પોપચાંની ગાદી ઉપર અંગવિનાનો- અદૃશય-મનમથ આવી બેઠો. તેના બાણનો અશ્રાવ્ય નિર્ઘોષ પાસે ઉભેલી અબળાના અંતઃકરણમાં અચિંત્યો કોણ જાણે ક્યાં થઈને પેંઠો અને તેને ધ્રુજાવવા લાગ્યો. પરદેશીના ગાલની રતાશ ચળકાટ મારતી જણાઈ અને તેના તેજથી સર્વેની આંખને ઝાંઝવા વાળનારીની આંખો આજ અંજાઈ ગઈ. મુછનો દોરો જ કુટેલો હતો તેનાથી બાંધી દીધેલા ઓઠસંપુટને જોઈ - તેમાં કાંઈ અમૃત ભર્યું હોય તેમ – આત્મસંતુષ્ટાના ઓઠ કાંઈક પ્હોળા થયા. આ સર્વ શું થાય છે ? એ વાત અલકકિશોરી સમજી નહી. એણે આવી સ્થિતિ કદી અનુભવી ન હતી–સાંભળી પણ ન હતી. પુછવું પણ કોને ? તે નિ:શ્વસ્ત અને દીન બની નવીનચંદ્રના માથા આગળ-ખાટલા પાસે-નીચે બેઠી અને એના સામું જેવુ લાગી. આજ આ પુરુષને જોઈ આ બધું શું થાય છે ? નવીનચંદ્ર તે આજ કાંઈક બદલાઈ જ ગયેલો લાગ્યો. એને જોઈને જ અબળાના અંગમાં ​કાંઈક ઝેર વ્યાપી ગયું - વિષથી વિષ ઉતર્યું - એ ઝેરથી પતિવ્રતાપણાને - સાચવનારું બળવાન ગુમાન પળવારમાં ઉતરી ગયું. મહાપ્રતાપવાળી– છાકવાળી–હતી તે રાંક જેવી થઈ ગઈ. એક લાંબો નિઃશ્વાસ મુકી તેણે સામી ભીંત ઉપર નજર ફેરવી. ત્યાં એક આરસો આડો ટાંગ્યો હતો, તેમાં સુતેલા નવીનચંદ્રનું અને બેઠેલી અલકકિશોરીનું એમ બેનાં મ્હોં જોડાજોડ દેખાયાં તે એ જોઈ રહી. તે જોઈ – નવીનચંદ્રના સામું પાછું જોવા લાગી. કૃષ્ણકલિકાના શબ્દ યાદ આવ્યા – આરસા ઉપરથી એ શબ્દ ખરા લાગવા માંડ્યા. જમાલને પકડ્યો તે દિવસ થયલે સ્પર્શ સ્મરણમાં આવતાં કલ્પનાને ગલીપચી કરવા લાગ્યો અને વધારે વધારે પ્રિય લાગવા માંડ્યો. જમાલ દૈત્યની સાથે સકળ યુદ્ધ કરનારી ચંડિકા અને દુષ્ટ ગરબડની મદમર્દની ઉન્મત્ત કિશોરીના પતિવ્રતનું ઇન્દ્રાસન સુતેલા નવીનચંદ્રની સુંદરતાના પ્રતાપ આગળ ડગમગવા લાગ્યું અને અબળા તે અબળા બની. કાંઈ પણ વિચાર કરવાની તેની શક્તિ હોલાઈ ગઈ. વિકારપવનના ઝપાટાથી બુદ્ધિદીપ હોલાયો. મદનાસ્ત્ર આગળ અભિમાનાસ્ત્ર ચુરા થયું. પુરુષની છબી સ્ત્રીની કીકીમાં પ્રતિબિમ્બાકારે વસવા લાગી – હૃદયતરંગમાં નૌકાપેઠે હિંદોળા ખાવા લાગી - હૃદયમહાસાગરના અંત્યભારે ક્ષિતિજરેખામાં ઉગતા સકળચંદ્ર પેઠે ઉગી અને તેના મર્મભાગને ખેંચી ક્‌હાડવા લાગી – તેમાં ઉથલપાથલ કરવા લાગી. પરન્તુ આ સર્વ તોફાન કોઈ જુવે એમ ન હતું. તેનો આવિર્ભાવ શરીર પર ૨જ પણ ન થયો; માત્ર નવીનચંદ્ર અને આરસા વચ્ચે હેરાફેરા ક૨તી આંખમાં ઝળઝળીયાં આવ્યાં અને આશ્ચર્યંમાં પડતી – આ શું થાય છે તે ન સમજતી – બાળકી ખાટલા પાસે બેઠી હતી તેમની તેમ બેશી રહી. કલ્પનામાં વાનરનો ગુણ છે. કૃષ્ણકલિકાએ અલકકિશોરી જેવીની કલ્પનાને સળી કરી એટલામાં તો મગજમાંથી હૃદયમાં અને હૃદયમાંથી મગજમાં ચ્હડઉતર કરતી ક૯પનાએ અમાત્યપુત્રીને ગભરાવી દીધી અને તે અમસ્તી એકલી સ્તબ્ધ બેશી ર્‌હી હતી તે છતાં ક૯પનાએ અંતર્મમમાં ભરેલા ઉઝરડાઓએ મદનબાણના પાડેલા ઘાની વેદનાને અસહ્ય કરી મુકી અને તે ન ખમાતાં અંતઃકરણમાં દરેક નવો ચરેડો પડતાં આંખો ચ્હડાવી દેવા લાગી અને “હર, હર, હર” “શિવ, શિવ, શિવ” કરી ઉંડો નિ:શ્વાસ નાંખી છાતી પરના છેડાવડે પારકા થયલા પોતાના હૃદયને શાંત કરવા પવન નાંખવા લાગી. એ પવનથી શાંત થવાને બદલે મદનજ્વાળા વધારે વધારે સળગી. ભયંક૨ દશા ! તને શોધનારા – વરનારા – જગતમાં વસતા હશે. તું કેટલાકને સુખરૂપ પણું ભાસતી હઈશ. અલકકિશોરી આ દશાથી બ્હાવરી- જર્જરિત–થઈ ગઈ. તેને છુટકારાને માર્ગ ન દેખાયો. નવીનચંદ્ર ! તું ​ઉંઘે છે કે જાગે છે ? કુલીન વનિતા વિનંતી ન કરી શકી - તેની આંખમાંથી આંસુંનાં ટીપાં ગરગર ટપકવા લાગ્યાં. એટલામાં નવીનચંદ્રે પાસું બદલ્યું. તે ખરેખર ઉંઘતો જ હતો. પાસું ફરતાં તેનો હાથ પાસે બેઠેલીના ખભા ઉપર ઉંઘમાં અચિંત્યો પડ્યો. તૃપ્તિનો સમય અચિંત્યો પાસે આવતો હોય – મદનવેદનામાંથી અચિન્તી છુટવાની આશા સફલ થવા નિર્મિત થઈ દેખાતી હોય – તેમ અલકકિશેારી ચમકી – એ ચમક આનંદમય લાગી. તૃપ્તિનો ભોગ અનુભવતો હોય તેમ થરથરતા ઓઠ ઉપર સ્મિત આવી બેઠું. આ હાથને આમ પળવાર પણ ટકવા દીધો - તેને ખસેડી ન નાંખ્યો – આ દશામાં આનંદ મનાયો - તે ન ખમાતું હોય તેમ આજસુધી રહેલા પતિવ્રતને ઓછું આવ્યું - ઘણા દિવસનું પવિત્ર ઘર છોડતાં તે ઘરમાંથી ક્‌હાડી મુકનાર સાથે પળવાર ૯હડવા લાગ્યું. જાણે હિતૈષિ પતિવ્રતની જ શીખામણથી મદનાવસ્થાનું ખરું દુષ્ટ સ્વરૂપ પ્રકાશિત થતું હોય તેમ આટલા ભોગથી અલકકિશોરી તૃપ્ત ન થઈ. તૃપ્તિને વેશે અતૃપ્તિ જ આવી હોય - તૃપ્તિ વધારવાને બહાને અતૃપ્તિ પગલે પગલે વધારે ક્રૂર બની બળ અજમાવતી હોય - તેમ થયું. છુટકારાને બદલે બંધન વધારે સખત થવા લાગ્યાં અને તે બંધથી તનમન સખત ચુસાવા માંડ્યાં. અમૃતને બદલે આખા શરીરમાં ઝેર વ્યાપ્યું. આ સર્વે તીવ્ર અતિતીવ્ર વેદના સૂચવતી આંખમાંથી આંસુની ધારા વધારે વધારે છુટવા લાગી અને ખાળી ખળી નહીં. એટલામાં નવીનચંદ્રનો હાથ હાલ્યો. તેને છુટો થવા દેવા ખુશી ન હોવાથી તેને પકડી રાખવા કિશોરીનો હાથ ઉપડ્યો – પણ હીમ્મત હારી પાછો પડ્યો. આથી નવીનચંદ્રનો હાથ સ્થાનભ્રષ્ટ થયો, ખભા ઉપરથી રજ નીચે સર્યો અને ઝીલી લીધો હોય – પડતાં પડતાં ખુંટી પર ભરાઈ રહ્યો હોય – તેમ રસ૨હસ્ય જાળવનાર અસ્પર્શ્ય શરીરને આધારે થંભ્યો. તેના ઉપર કિશોરીનાં ઉષ્ણ આંસુ પડવા લાગ્યાં - નિદ્રામાં ને નિદ્રામાં આંસુના સ્પર્શથી એકલો જાગેલો હાથ ઉંચો થયો. મર્યાદાની મર્યાદા તોડતા આતુર હાથે તે હાથ અનિચ્છાથી પકડી લીધો. હાથપર બળ આવતાં ઉંધેલો નવીનચંદ્ર જાગી ઉઠ્યો. જાગ્યો તે છતાં તેની આંખ ઘેરાયેલી જ રહી. તેમાં આંખ આગળ, આ ન મનાય એવો સ્વપ્ન જેવો દેખાવ જોવા લાગ્યો. આ શું ? નવીનચંદ્ર પણ પોતાનો હાથ ખેંચી લેતો નથી ! શું એના મનમાં પણ અલકકિશોરીની પતિત વૃત્તિને પ્રતિધ્વનિ થયો ? અથવા શું આ એને ખરેખર સ્વપ્ન જ ભાસ્યું ? અથવા શું આ સ્વપ્ન જ હતું ? આ શો સન્નિપાત ! અધમ સંગતિ થવા દીધી તો અધમ કપલ્પના થવા વખત આવ્યો ! કલ્પનામાંથી અધમ મનોવિકાર થયો. મનમાં જ વિકારમાંથી શરીરને વિકાર થયો. એટલેથી જ અંત ન આવ્યો. વિકારવશ ​શરીરે અગ્રાહ્ય પરપુરુષ – સ્પર્શ થવા દીધો – સ્વીકાર્યો – અભિનન્દ્યો ! એ સ્પર્શને ટકવા પણ દીધો ! વધવા પણ દીધો ! અસ્પર્શ્ય સ્થાન પર સરવા પણ દીધો ! અરેરે ! શો સન્નિપાત ! જાતે – ઈશ્વરઇચ્છાથી બંધ થતા સ્પર્શને બંધ થતો અટકાવ્યો – પકડી રાખ્યો ! પતિવ્રતા – હવે તું પતિવ્રતા મટી ગઈ ! આટલાથી જ ! ઘણી વખત ઔષધ પાતાં નવીનચંદ્રનો સ્પર્શ અનુભવતી – બેદરકારપણાને લીધે - અત્યંત મમતાને લીધે સુતેલાને હોરાડતાં, પાણી પાતાં, તેના શરીર પર વળતાં - અજાણ્યે પવિત્ર અંગને સ્પર્શ થતો - તે છતાં તું પતિવ્રતા જ હતી. આજ એ જ સ્પર્શથી તું પતિતા થઈ! ભ્રષ્ટ થઈ! એક સંગતિ - એક ક૯પના ! શી તમારી ફળપરંપરા ! શું નવીનચંદ્ર પણ ભ્રષ્ટ થયો ! શું ઈશ્વરની આ દેખાવ પર નજર હતી ? શું નિર્જીવ મેડી એ દેખાવ જેતી હતી ? શું એમાંથી એકના પણ ધારવામાં હતું કે આ દેખાવ કોઈ પણ માનવી જુવે છે ? શું કોઈ પણ માનવીની અાંખપર આ બનાવનું પ્રતિબિંબ પડતું હતું અને આ બે જણ અંધ જ બની ગયાં હતાં ? ઈશ્વરની ગતિ અકલ છે !

અલકકિશોરી નવીનચંદ્ર પાસે રોજ પવિત્ર વૃત્તિથી બેસતી હતી એટલે બારણાં ઉઘાડાં અથવા અધઉઘાડાં રહેતાં તેની હરકત ન હતી. રોજની પેઠે આજ પણ અધઉઘાડાં હતાં અને તેના અપવિત્ર વિચારનો જન્મ મેડીમાં અાવ્યા પછી થવાને લીધે એ વાત પર તેનું લક્ષ્ય જ ન હતું. બારણાભણી તેની પુંઠ હતી. પણ એ બારણાના મીજાગરા અાગળ જગા હતી તેમાં એક નવું મીજાગરું હોય એમ એક કાળી કીકી દેખાતી હતી. તે કોની હતી ?

સ્ત્રીવર્ગમાં, તેમાં વિશેષે કરીને તરુણવર્ગમાં, રસસમાનતા પ્રમાણે અને વયસમાનતા પ્રમાણે સહીપણાં થઈ જતાં વાર લાગતી નથી અને તેથી તરત પક્ષ બંધાઈ જાય છે. કૃષ્ણકલિકાને અલિકકિશોરી સાથે ફાવી ગયું હતું તેમ વનલીલાને કુમુદસુંદરી સાથે ફાવી ગયું હતું. તે રમતીયાળ પણ ડાહીલી હતી. રસીલી પણ સદ્ગુણી હતી, વાંચવા ગાવાની શોખીન હતી, નિંદા કરવાની બહુ ટેવ ન હતી તો પણ પરચેષ્ટા જોવાની રસિયણ હતી, સૌભાગ્યદેવી પાસે ગીત શીખવા આવતી, કંઠ તીણો હતો અને તેથી વધારે તીણો કરવા મથતી, અલકકિશોરીની કચેરીમાં ચર્ચા ચલાવનારીયોમાં એક એ હતી, કુમુદસુંદરી પાસે નિત્ય આવતી, તેની જોડે આખો દિવસ છાનીમાની કોણ જાણે શીયે વાતો કર્યાં કરતી, તેની જોડે શેતરંજ રમતી, કુમુદસુંદરી ગાતી તેમાં પોતાને તો સમજણ ન્હોતી પડતી પણ પોતે ગાઈ બતાવતી, અને એની પાસે પુસ્તકોમાંથી રસીલી વાતો વંચાવી સાંભળતી. રીત પ્રમાણે આજ પણ ​વનલીલા જમી પરવારી આવી અને આવતાં આવતાં ડોકીયું કર્યું તો અલકકિશોરીને ખભે નવીનચંદ્રનો હાથ જોઈ ચમકી, ખમચી, વિસ્મય ! પામી ઓઠે આંગળી મુકી વિચાર કર્યો, અને લોકવાયકા ન માનનારી કુમુદસુંદરીને ખબર કરવા દોડી.તેની સાથે છાનીમાની વાત કરવા મંડી ગઈ

"ભાભીસાહેબ, ન્હોતાં માનતાં તો આજ ચાલો. આંખે ખરું કરો.”

"વનલીલા ! તું હજી એવી ને એવી ૨હી. ભોગ એ બેના. આપણે તે પારકી ચેષ્ટા જોવાનું શું કારણ ? આપણે આપણું કામ નથી ?”

"વારું, તમે તે આવાં ક્યાંથી ? એવું એવું જોઈએયે નહી ? ચાલો, ચાલો, જુવો તો ખરાં. એતો એવાં લટ્ટુ બન્યાં છે કે આપણે અર્ધો કલાક જોઈશું ત્હોયે નહી દેખે. ચાલો.” કહી. વનલીલા કુમુદસુંદરીનો સુંદર હાથ બારણા ભણી ખેંચવા લાગી.

તેને બીચારીને ખબર ન હતી કે આ સમાચારથી કુમુદસુંદરીના અંત:કરણમાં કેવી તીવ્ર વેદના થવા લાગી હતી અને તેણે મનમાં કેટલું મુંઝાવા માંડ્યું હતું.

“શું આ ખરું કહે છે ? વિદ્વાન સરસ્વતીચંદ્ર ! આ શું ? આ શું ક્‌હે છે ? શું મ્હારો ત્યાગ કર્યો તે આ અર્થે ? અથવા નવીનચંદ્ર ! શું તું સરસ્વતીચંદ્ર ન હોય ? તું નહી જ હોય. મ્હારો–અરેરે–એક વેળા જે મ્હારો હતો તે શુદ્ધ સરસ્વતીચંદ્ર આવો ન હોય !”

આંખોપર હાથ ફેરવતી કુમુદસુંદરીચે વનલીલાને હાથ વછોડ્યો.

“વનલીલા, જા તું ત્હારે જોવું હોય તો. હું તો નહી આવું.”

“ત્યારે તમે અહીયાં બેઠાં બેઠાં શું કરશો ?"

“ હું બેસીશ મ્હારી મેળે – ગાઈશ – સારંગી લેઈને.”

“તે તમને આ જોવાનું મુકી ગાવું કેમ ગમશે ? તમારા જેવું તો કોઈ દીઠું નહિ."

“વારું, બ્હેન, વારું. તું જા–જો ત્હારી મેળે.”

વનલીલા આ ઉદાસીન અને નિષ્કુતૂહળ દેખાતી વૃત્તિ જેઈ વિસ્મય પામતી એકલી ચાલી, નવીનચંદ્રની મેડીના બારણા આગળ વાંકી વળી. ઉભી, અને મીજાગરા આગળથી રસભરી છાનીમાની જેવા લાગી.

વનલીલાને ક્‌હાડી કુમુદસુંદરી પાછી ફરી. આંખમાં આંસુ તો માય નહી એમ ભરાઈ આવ્યાં – જાણે કે પોતાના જ પતિને પરકીયા સાથે દીઠો હોય - જાણે કે પોતે જ ખંડિત થઈ હોય. પલંગ પર પડતું મુક્યું - અને ઉંધે ​માથે રહી છાનુંમાનું પુષ્કળ રોઈ કંઈક નવો વિચાર ઉઠતાં અચિંતી સફાળી ઉઠી અને આંસુ લોહી નાંખી મેડીવચ્ચે ઉભી.

“અરે, પણ આ શું ? એની ફજેતી હું થવા દેઉ ? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે નહી ચ્હડવા દેઉં. હશે. ભુલ થઈ હશે-પણ ત્હારા પવિત્ર સંસ્કારને જગાડું એટલે તું જાગવાનો જ. આ કુમાર્ગે તું ચ્હડયો તો બાપડા જગત્ની શી વલે થવાની – બીજા લોકોને તો કાંઈ ક્‌હેવાશે જ નહિ. તને આ રસ્તે જોતાં મ્હારું કાળજું કહ્યું કેમ કરે -મ્હારું કાળજું કેમ ર્‌હેશે ? મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રીરાજ્યમાં લપટાઈ દીન થયલો જેઈ ગોરખ શું બેશી ર્‌હેશે ? ગો૨ખનાથ, મને સહાયતા કરો.મ્હારામાં તમારી શક્તિનો કાંઈક અંશ મુકો.સંસ્કારી સરસ્વતીચંદ્ર ! આ શું ?”

"त्वम एन्ने च पथेन गच्छसि पयः कस्त्वां निरोद्ध दमः।"

" હે ઈશ્વર.–”

વળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. ૯હોતી લ્હોતી સારંગી લઈ નવીનચંદ્રવાળી મેડીની પાસે ખુરશી માંડી બેઠી અને એ મેડીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી.

“શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે,
“પડવા માંડેલી પડી પાછો ! ટકી ન, હર ! હર-શિરે.-શુભ્ર૦ ૧
"પડી ! ગિરિપ૨; ઉચ્ચ ગિરિવર મુકી પડી એ પાછી-
"અવનિ પર આળોટતાં ચાલી ધુળવાળ ઘણું થાતી.-શુભ્ર ૦
"મલિન ગંગા ! ક્ષાર સમુદ્રે પેંઠી અંતે એ તો !
"ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !”– [2]
"ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !” ૨

પોતાની મેડી બ્હાર સંભળાય એમ કુમુદસુંદરી કદી પણ ગાતી ન હતી. હૃદયના સંબંધે એની મર્યાદા આજ છોડાવી અને ગાતાં ગાતાં તે ખરેખરી ખીલી. જેમ જેમ ગાયન અગાડી ચાલ્યું તેમ તેમ તેની આંખમાંથી આંંસુની ધાર વધી, સારંગીને પલાળી નાંખી, અને છેલું પદ ગાતાં ગાતાં "આથી વધારે મ્હારું બળ નથી” એમ શબ્દવિના ક્‌હેતાં ક્‌હેતાં કંપતાં મૂર્છા પામતા હૃદય પરથી સારંગી જમીન પર સરી પડી, ડોક ઢીલી થઈ ગઈ, માથું ખુરશીની પીઠ પર ભાગી ગયું હોય એમ ઢળી પડ્યું, કમળની પાંખડીયો જેવી લલિત આંખે અંધારું પડ્યું હોય એમ મીંચાઈ ગઈ, નિ:શ્વાસને જવા આવવાનો રસ્તો રાખવા પ્હોળું રહી મુખ સ્તબ્ધ થયું, નાજુક કળીયો જેવા દાંતનાં કિરણ હવામાં ચળકવા લાગ્યાં, હાથ પ્હોળા થઈ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા, અને પગ પણ ખુરશી આગળ લંબાઈ ટકી રહ્યા. આ શબ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષઃસ્થળ ધડકતું હતું. લજજાળું મુગ્ધાનાં વસ્ત્રની કરચલીયોમાં ઢંકાઈ રહી જીવતા જગતની દ્રષ્ટિને નિત્ય નિષ્ફળ કરતું હતું તે કોમળ વક્ષ:સ્થળ આજ પ્રમાદધનના રંગભવનની જડદૃષ્ટિ આગળ બાળગજના કુંભસ્થળ જેવું - બીડાયલા શતપત્ર કમળની કળીયોની સુંદર જોડ જેવું - ઉપસી આવ્યું, તરી આવ્યું, અને અંતઃકરણના ઉછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી ઉત્કંપ અનુભવવા લાગ્યું. હૃદય ચીરી નાંખે એવી આ અવસ્થા જોનાર - સમજનાર આ પ્રસંગે – કુમુદસુંદરી ! ત્હારી પાસે કોઈ ન હતું. સરસ્વતીવાળા સાસરાના ઘરમાં તું એકલી જ હતી. મુર્ચ્છા પામેલા ઉજળા ગાલ ઉપર નિર્જીવ થયેલાં આંસુ સુકાઈ ગયાં અને માત્ર તેના ચળકતા સુકા શેરડા રહ્યા. એની આસનાવાસના કરનાર કોઈ ન હતું

આણીપાસ નવીનચંદ્ર જાગી ઉઠ્યો હતો. પણ તે ન જાગ્યા જેવો હતો. તેની ઉંઘ ઉડી ગઈ ન હતી. જાગું છું કે ઉંધું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતાં પહેલાં કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વરૂપમાં પડ્યો હતો. એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો અને તે સ્પર્શે ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કાંઈક ઉઘડી તો પણ એક સ્વપ્ન પલટાઈ બીજું સ્વપ્ન અનુભવતો હોય એમ જ એને લાગ્યું. અર્ધું મીંચેલું અને અર્ધું ઉઘાડું, એવા પોપચા આગળથી અલકકિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકારભરી રમમાણ આંખે તેને જેઈ રહ્યો અને દૂષિત હાથ ખેંચી ન લેતાં નિમિષમાત્ર આનંદસમાધિમાં પડ્યો. એટલામાં સારંગીના રણકા સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ-મધુર-ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કર્ણેન્દ્રિય આનંદ વ્યાપારમાં લીન થતાં સ્પર્શેન્દ્રિય બ્હેર મારી ગઈ અને ઉઘાડી આંખ વગરવીંચાયે મીંચાઈ. કુમુદસુંદરીના ગાયન સાથે ઉડાં ડુસકાં વચ્ચે વચ્ચે ભળતાં હતાં અને સુતેલાની નિદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતાં હતાં – તેનાથી સ્પષ્ટ સમજાતાં હતાં - તેના હૃદયના હૃદયમાં પેંસતાં હતાં. કુમુદસુંદરીનું – દિવ્ય અપ્સરાના જેવું - ગાન પણ આજ તેણે પ્હેલવ્હેલું સાંભળ્યું અને તેથી તેની આનંદનિદ્રા મધુર મધુર થતી વધી. બ્હારથી જોનારને મન અલકકિશેરી અને નવીનચંદ્ર આમ એમનાં એમ ચિત્રવત્ સ્તબ્ધ ૨હી એક બીજાના સામું જોઈ રહેતાં લાગ્યાં અને ઉભય મદનાવસ્થ છે એવું મનમાં આણતાં વનલીલાને કાંઈ પણ શંકાસ્થાન ન રહ્યું. ​આખરે કુમુદસુંદરીના ગાનનું છેલું પદ આવ્યું – તેનો અર્થ સ્પષ્ટ હતો – તે પદ એક વાર ગવાયું - જરીક ફેર સાથે બીજી વાર ગવાયું – તેની સાથે સારંગીનું ગાન અચિંત્યું ક્રમવિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો, હાથમાંથી છુટતાં - પડતાં – તાર છુટતો હોય એમ અસંવાદી કઠોર રણકારો લંબાયો, તે રણકારામાં અચિંત્યા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો પ્લુતોચ્ચાર ભળ્યો, અને તે સર્વેમાં ત્રુટતા મર્મસ્થાનથી તણાયેલું ડુશીયું સંભળાયું, અને એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડયાં. તેની જ સાથે સ્વરૂપાવસ્થા નવીનચંદ્રનું હૃદય ચીરાયું, તે ખરેખરે જાગ્યો, જાગતાં જ કિશોરી સામું જોઈ રહ્યો, જોતામાં જ ધીમા બળથી હાથ ખેચી લીધો, અને એકદમ પણ ધીમે રહીને - દીન વદનથી પણ ઠપકા ભરી આંંખ કરી - લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઈચ્છતો હોય તેવો, મધુર નરમ વચન બોલ્યો :

“અલકબ્હેન, હું તો તમારો ભાઈ થાઉં હો !” એમ બોલી પવિત્ર દ્રષ્ટિથી તેના ભણી જોઈ રહ્યો.

અલકકિશોરી શરમાઈ જ ગઈ, નીચું જોયું, અને મનમાંથી ધરતી માતા પાસે માર્ગ માગ્યો, તેને ભાન આવ્યું. તપેલા વાસણપરથી પાણીનો છાંટો ઉડી જાય તેમ તેનો અપવિત્ર વિકાર એકદમ જતો રહ્યો. પણ શું કરવું તે તેને સુઝયું નહી – મુંઝાઈ – ગુંચવાઈ બેઠેલી ર્‌હી જમીન પર જોઈ ર્‌હી – આંખો મીંચ્યા જેવી કરી – જીભ કરડવા મંડી. "અરરરર ! આ શું થયું” એ વિચાર તેના આખા મગજમાં નિષ્કંટક એકલો રાજય ક૨વા લાગ્યો. સાપે કરડી હોય એમ તેના મગજમાં ઝાટકા નંખાવા લાગ્યા. વગર ઉચું જોયે – અંહીયાં ને અંહીયાં આપઘાત કરું – એ વિચાર તેના મનમાં અંતે તરી આવ્યો અને તે વિચાર પ્રમાણે વર્તવા તૈયાર થઈ. મનમાં બોલી – “હવે તો જીભ કરડીને મરું - કે શ્વાસ રુંધીને મરું – પણ આમ ને આમ જ.” એ વિચાર પ્રબળ થતાં જ તેના મનનો ગુંચવારો મટ્યો – છુટકારો પાસે આવ્યો હોય તેમ તેને લાગ્યું.

નવીનચંદ્ર તેની અમુઝણ સમજ્યો, અને દીલાસો આપી બોલ્યો : "બ્હેન, અમુઝાશો નહી. એક ભુલ તો બ્રહ્માએયે કરી છે. ફરી ભુલ ન કરશો. તમારું અંતઃકરણ પવિત્ર છે તે હું જાણું છું. હું નાદાન નથી. થયું તે ન થયું થનાર નથી. ગઈ ગુજરી વિસારી દો. તમારો ધર્મ અંતે સચવાયો તે ઈશ્વરનો ઉપકાર માનો.”

અલકકિશોરીયે ઉત્તર ન વાળ્યો – ઉંચું પણ ન જોયું. બનેલ બનાવથી એનું અંતઃકરણ ભરાઈ આવ્યું. ​"ઉઠો, બ્હેન, ઉઠો, મને ઐાષધ આપો.”

હજી કિશોરી ઉઠી નહી.

“બ્હેન–”

“ભાઈ તમે ખરેખર મ્હારા ભાઈ જ છો.”- આખરે હીમ્મત આવી -“ભાઈ, જમાલ પાસેથી મને છોડવી તેના કરતાં આજ મ્હારા ઉપર વધારે ઉપકાર કર્યો. અરેરે ! ઉજળે લુગડે ડાઘ બેઠો, હેં ! આ શું થઈ ગયું ? ભાઈ મ્હારા ભાઈ હવે મ્હારે જીવવું નકામું છે - અરેરે.” — રોતી રોતી આંસુભરી આંખે ઉચું જોયું -“હાય, હાય.”

“બ્હેન, ધીરાં થાઓ.”

“ભાઈ સોનાની થાળીમાં લ્હોઢાની મેખ ન ખમાય. મ્હારા જેવીને આટલું થયું ન વેઠાય. હું હવે કોઈને મ્હો શું બતાવીશ ?”

“લોક શું જાણનાર છે ? ઈશ્વર જાણે છે તે દયાળુ છે.”

"એ બધું ખરું પણ મ્હારાથી જ આ સ્હેવાતું નથી. હું તેને આજ આમ –”

"બ્હેન -”

“હું જીવનાર નથી -” છલકાતી આંખે અબલા ઉઠી બારણા ભણી ચાલી. વનલીલા ત્યાં ન હતી. સૌભાગ્યદેવી બારણાના ઉમ્મ૨ આગળ અંદર આવતી સામી મળી.

હાથ ખેંચી લીધો તે જોઈ, અને પોતાની પવિત્રતાની ખાતરી કરી આપનાર શબ્દો નવીનચંદ્ર બોલ્યો તે સાંભળી, વનલીલા સંતોષ પામી. તો પણ કિશોરી શો ઉત્તર દે છે તે જાણવાનું બાકી હતું. પરંતુ એટલામાં કુમુદસુંદરી ગાતી હતી તે અચિંતી બંધ પડી અને સારંગી પડી ગઈ તે ઉપર ધ્યાન જતાં વનલીલા એણીપાસ દોડી અને ખુરશી પર મૂર્છા પામેલી કુમુદસુંદરી પાસે “શું છે, ભાભી, શું?" કરી આસના વાસના કરવા લાગી. મીજાગરામાંથી એ જોતી હતી તે સૌભાગ્યદેવીએ પોતાની મેડીમાંથી જોયું; અને કોઈને ન ગાંઠનારી ઉન્મત્ત પુત્રીને ઠપકો આપવા, લોકવાયકા રખેને સાચી તો નહી હોય તે જાણવા, વનલીલા પાસે ચોકશી કરવા, અને એવા હજારો હેતુથી, પુત્રી પર ચ્હીડાતી દુઃખી થતી કુટુંબ કલંકિત થયાનો ભય રાખતી સૌભાગ્યદેવી નવીનચંદ્રવાળી મેડી આગળ દુ:ખ અને રોષભરી આવી; પણ વનલીલાને ગયેલી જોઈ અને કિશોરી જ આંસુ વર્ષાવતી સામી મળી તેથી પોતાનો તર્ક ખોટો હશે એમ ધારતી પણ આ શું હશે એનો વિચાર કરતી દેવી પુત્રી સામું પળવાર ધારીને જોઈ રહી અને મ્હારી વાત ઉઘાડી જ પડી એવું ​ધારતી કિશોરી તેનું પવિત્ર પ્રતાપી મુખ જેઈ ફીકી પડી અને વ્હીલી – છાશબાકળી – દેખાઈ. સૌભાગ્યદેવી કાંઈક પુછવાનું કરતી હતી એટલામાં વનલીલા ગભરાયેલી ગભરાયેલી કુમુદસુંદરીની મેડીના બારણા આગળ “કોઈ આવો રે – કોઈ આવો રે” એમ બુમ પાડતી આવી.

"ઓ દેવી – ઓ દેવી – ઓ અલકબ્હેન– કોઈ આવો – આ જુવો – આ જુવો – ભાભી શીંગડું થઈ ગયાં છે – તે કોઈ જુવો."

“હેં !” કરી સઉથી આગળ સૌભાગ્યદેવી દોડી – દોડતાં દોડતાં એકવાર પડી – તે ન ગણતાં કોઈ ઝીલે તે પહેલાં પાછી ઉઠી અને દોડી. ભૂત બનાવ ભુલી જઈ – મરવાનો વિચાર પડતો મુકી – અલકકિશોરી પણ પાછળ ઉતાવળી ચાલી, પણ તેના મન્દ મગજની અસર પગપર હતી. માંદો માંદો નવીનચંદ્ર પણ મંદવાડ ન ગણી ખાટલામાંથી કુદકો મારી ઉઠ્યો અને ફલંગો ભરતો બ્હાવરા જેવો કુમુદસુંદરીની મેડીમાં સઉની પાછળ આવી ઉભો. એ મેડીમાં એ પ્રથમ જ આવ્યો.

કુમુદસુંદરી હજી એ ખુરશી પર એની એ અવસ્થામાં હતી. ખુરશીની આસપાસ સઉ વીંટાઈ વળ્યાં. સઉનાં કાળજાં ધડકવા લાગ્યાં. સઉને શ્વાસ ભરાયો. આંખમાં આંસુ આણી દેવી બોલી: "વનલીલા, આ શું ?”

વનલીલા ગભરાઈ તે મેડીબ્હાર નીકળી એટલામાં આ થયું હતું. મેડીબ્હાર નીકળી શું કર્યું તે પુછે તો શું ક્‌હેવું ? તોપણ જવાબ દીધો: “કોણ જાણે, સારંગી લેઈ ગાતાં હતાં અને ગાતાં ગાતાં કાંઈક આમ થઈ ગયું અને માથું નાંખી દીધું.”

નવીનચંદ્ર આગળ આવ્યો. સ્ત્રીયોને ધીરજ આપવી – ઉપાય બતાવવો – એ પુરુષને માથે પડ્યું. કુમુદસુંદરીના મ્હોં સામું જોઈ ધડકતી છાતી સામું જોઈ ગાયન સંભારી, સર્વનું કારણ કલ્પી, હદયમાં પડેલો ચીરો ઢાંકી રાખી, એ બોલ્યો : “દેવી, ચિંતા કરશો નહી. એમને ઉચકી પલંગ ઉપર સુવાડો. અહુણાં સજજ થશે. અલકબહેન, જરા ગુલાબજળ મંગાવો.”

અલકકિશોરી જાતે જ લેવા ગઈ. જતાં જતાં દાદરે ડોકીયું કરી સમરસેનને કહ્યું કે “એક જણને પિતાને તેડવા મોકલો અને એક જણ વૈદને તેડવા જાઓ.” વનલીલા પાછળ આવી અને ક્‌હે કે “એમને વાઈ જેવું છે. મ્હારે ઘેર મુંબાઈથી સુંઘાડવાની શીશી આણી છે તે ​મંગાવો.” એક જણને તે સારુ પણ મોકલ્યો, ઘરમાં એકલો સમરસેન રહ્યો તે બારણું સાચવવા રહ્યો અને કાન તથા મન મેડી પર રાખ્યાં.”

સૌભાગ્યદેવી ખુરશીની એક પાસ ઉભી રહી કુમુદસુંદરીનું ગળું એક હાથે ઉંચું કરી બીજે હાથે એની હડપચી ઝાલી એના સામું જોતી રોતી પુછવા લાગી અને પુછતાં પુછતાં તેનું મ્હોં લેવાઈ જતું હતું : “કુમુદસુંદરી - કુમુદસુંદરી - વહુ – બેટા – બાપુ-બોલોને, આમ શું કરો છો ? કુમુદસુંદરી–”

આડું જોઈ આંખો પર પ્હોંચો ફેરવતો નવીનચંદ્ર બોલ્યોઃ “દેવી, ચાલો, એમને પલંગ પર સુવાડીયે; અહુણાં એ નહીં બોલે.”

“શું નહી બોલે ! શું કુમુદ નહીં બોલે ? નવીનચંદ્ર ! એમ શું બોલો છો ? એ તો મ્હારા ઘરનો દીવો – હોં !” ઘેલી બનતી સૌભાગ્યદેવી લવી.

ઉતાવળી ઉતાવળી અલક આવી અને પાછળ વનલીલા આવી. નવીનચંદ્રે ગુલાબજળની શીશી લેઈ ખોબે ખોબે કુમુદસુંદરીના મ્હોંપર જોરથી છાંટવા માંડ્યું. સઉ સ્તબ્ધ થઈ જોઈ રહ્યાં. સાત આઠ ખોબા છંટાયા ત્યારે પ્રાતઃકાળ પહેલાં કમળની વિકસનાર પાંખડીયો હાલવા માંડે તેમ એ કાંઈક હાલી.

“દેવી, જો ભાભી હાલ્યાં, હોં” – મલકાઈ અલકકિશોરી બોલી. પણ તે વ્યર્થ, અર્ધી શીશી છંટાઈ પણ કુમુદસુંદરી જાગી નહીં. નવીનચંદ્ર હાર્યો; “દેવી, એમને પલંગ પર લ્યો. વૈદને આવવા દ્યો.”

અલકકિશોરી અને વનલીલાએ પગ અને કેડ આગળથી ઉચકી. નવીનચંદ્રે માથા નીચે અને વાંસા નીચે હાથ રાખ્યા. સૌભાગ્યદેવી વચ્ચેથી ઉચકવા ગઈ પણ મડદું ઉચકવા જેવો દેખાવ જોઈ છળી હોય તેમ – કુમુદસુંદરી મરી જ ગઈ હોય એવું ક૯પી – પાછી પડી: “ હાય હાય રે, ઓ મ્હારી કુમુદ – આ શું ?” દેવી પડતી પડતી પાછલી ભીંતને આધારે ટકી.

માથાભણીના નીચા નમેલા નવીનચંદ્રની આંખ કુમુદસુંદરીના મ્હોંપર આવી. તેની આંખમાંથી આંસુ પડ્યાં. તે કુમુદસુંદરીની આંખ ઉપર - ગાલઉપર – પડ્યાં. હાથ રોકાયલો હોવાથી આંસુ લ્હોવાય એમ ન હતું.

હળવે રહીને, આંચ ન આવે એમ, મૂર્છા પામેલીને પલંગ ઠીક કરી તેપર સુવાડી. સઉ આસપાસ વૈદની વાટ જોતાં જ બેઠાં. દેવી માથાઆગળ આવી - વાંકી વળી – એના મ્હોં પર મ્હોં મુકી – ચુંબન કરી – વાળ પર હાથ ફેરવી - રોઈ પડી. કોઈ કોઈને દીલાસો આપે એમ ન હતું. નવીનચંદ્ર ખોટી ​કઠિનતા બતાવી સઉને ધીરજ આપવા લાગ્યો. એટલામાં દેવીના શ્વાસથી કુમુદસુંદરીમાં નવો શ્વાસ આવ્યો હોય તેમ તેનું મ્હોં ઉઘડ્યું – આંંખ ઉઘડી પણ ફાટેલી રહી - અને સઉને કાંઈક જીવમાં જીવ આવ્યો. પણ તે વ્યર્થ જ હતો. તેની મૂર્ચ્છા વળી ન હતી, પણ મૂર્ચ્છાથી ફાંટી આંખ કરી લાવવા માંડ્યું:–

“તું મુજ જીવિત, તું મુજ હૃદય જ, તું કૌમુદી મુજ નેત્રતણી,
"તું મુજ પીયૂષ, તું મુજ વ્હાલી” – એમ જ પ્રિયશત કંઈ કંઈ –
“એમ જ જુઠાં જુઠાં પ્રિયશત કંઈ કંઈ કહી કહી,
“ભોળી મુગ્ધાને ભરમાવી – વ્હાલે વ્હાઈ ઘણી ઘણી–
“આખર કીધું શું – શા અર્થે[3] – એ – એ –”

અંત્ય એકારને લંબાવતી પાછી આંખ મીંચી દઈ, બંધ પડી. કોઈ સમજ્યાં નહી. સઉને ધ્રાશકો પડ્યો – સઉના જીવ ફટકી ગયા. ધીરજ આપવી છોડી દઈ નવીનચંદ્ર એકદમ ઉઠી ગયો અને એક ટેબલ પર ચીત્રામણ પડ્યાં હતાં તેના ભાણી નજર કરતો અફરાટો થઈ ઉભો રહ્યો, આંસુ ખાળી રાખવા મહાપ્રયાસ કરવા લાગ્યો અને કોઈ સાંભળે નહી એમ ગણગણવા લાગ્યો:

"हरि हरि हतादरतया सा गता कुपितेव ।
"किं करिश्यति किं वदिश्यति सा चिरं विरगेण ॥
"किं जनेन धनेन किं मम जीवितेन गृहेण ॥ हरि० ॥ १ ॥
"चिंतयामि तदाननं कुटिलभ्रु रोशभरेण ।
"शोणपद्ममिवोपरि भ्रमताकुलं भ्रमरेण ॥ हरि० ॥ २ ॥[4]
"गता-गता-ગઈ ગઈ-" એમ મનમાં બકતો બકતો ટેબલપર નીચું જોઈ રહ્યો અને સ્ત્રીની પેઠે પારકા ઘરમાં ગુપ્ત રીતે અશ્રુપાત કરવા લાગ્યો.

એટલામાં ટેબલ પર નજર પડતાં કેટલાંક ચિત્ર જોવામાં આવ્યાં. તે કુમુદસુંદરીનાં ક્‌હાડેલાં હતાં. એક કાગળ ઉપર ઉત્તરરામચરિતનાંના ત્રીજા અંકનો દેખાવ હતો અને અદ્રશ્ય સીતા દૃશ્ય રામને સ્નિગ્ધ રોષભરી ત્રાંસી નજરે જુવે છે તે અાલેખ હતો. એક બીજા કાગળ પર દુષ્યંતને કશ્યપ મુનિના આશ્રમ આગળ એક વેણીધર શકુંતલાને આવતી દેખતો ચીતર્યો હતો. પાસે શેક્સપિયર પડ્યું હતું તેમાં “ઑલ્સ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્” અને ​ " વિન્ટર્‌સ ટેલ ”ની વચ્ચોવચ કાગળના કટકા મુકી નિશાનીયો રાખી હતી. દ્હાડીયે હાથ રાખી નવીનચંદ્ર સઉ જોઈ રહ્યો અને વિચારમાં ગરક થયો. એટલામાં પલંગમાં મૂર્ચ્છા પામેલીના મુખમાંથી ત્રુટક ગાન પાછું નીકળવા માંડ્યું:–

“ઓરે...વિદ્યા...ઓરે...વિદ્યા... સરસ્વતી... સરી ગઈ રે ” પળવાર બંધ પડી પાછું ગાન આરંભાયું :

“ઓરે... ભ્રમરા...ઓરે ભ્રમરા...શાથી ઉડી ગયો રે !” વળી બંધ પડ્યું અને પ્રથમ ગાયલાના અનુસંધાન જેવું સંભળાયું –“આ...

"સરી ગઈ નામથી.... સરી... મુજ હાથથી... “ઉરથી સરી નહી રે... ઉરથી સરી નહી રે... “ભ્રમર, તને શાથી ગમ્યું–છેક આવું ?” નવીનચંદ્ર પાછો ફર્યો, પલંગ પાસે આવ્યો, અને એના મૂર્છિત મુખ સામું જોઈ રહ્યો. તે કલાંઠી સુતેલી પડી હતી, તેના કાળા ભ્રમર જેવા વાળ મોરના કલાપ પેઠે ચારે પાસ પથરાઈ વેરાયેલા હતા અને તેમાં ગુંથેલાં ભાતભાતનાં સુશોભિત ફુલ છિન્નભિન્ન થયાં હતાં. સર્વ, છાનું ધીમું રોતાં રોતાં આંંખો લ્હો લ્હો કરતાં, આસપાસ ચિત્ર પેઠે બેસી રહ્યાં હતાં અને અાનું પરિણામ શું થાય છે તે દુઃખભર્યા વીમાસતાં હતાં, એટલામાં વૈદ્ય આવ્યો. આવવા માંડ્યા ત્યારે સર્વ આવ્યા. બુદ્ધિધન અને પ્રમાદધન પણ આવ્યા. તેમને સઉ સમાચાર અલકે કહ્યા. વૈદ્ય ઉપચાર કરવામાં રોકાયો. વાઈનું દરદ ઠરાવવામાં આવ્યું. આખરે મૂર્ચ્છા વળી અને સર્વેનો શ્રમ સફળ થયો. બુદ્ધિધને અલકકિશોરીને પુછ્યું:–“તું એમને અહુણાં ફરવા લઈ જતી ન હતી ?"

“ના, અહુણાનું નથી જવાતું.”

“હાં, એ જ કારણ. લઈ જજે હવે. આજે જાઓને ગાડી જોડાવી, કાંઈ હરકત છે ?”

“ના, કંઈ હરકત નથી.”

વડીલની આજ્ઞા સઉએ માન્ય રાખી. શ્રમથી ઉઠતી કુમુદસુંદરીયે પ્રથમ જ પોતાનો નિયમ તોડ્યો. શ્વશુરગૃહમાં નવીનચંદ્ર આવ્યો ત્યાર પછી તેના સામી નજર નાખતી ન હતી તેણે ગાડીમાં બેસવા ઘરના દ્વારમાંથી નીકળતાં નીકળતાં કોઈ ન દેખે એમ : ક્રોધ, દયા, અને દીનતા ત્રણે વાનાંથી ભરેલી દૃષ્ટિ ભમ્મરકમાન ચ્હડાવી નવીનચંદ્ર ઉપર નાંખી. ​આ બનાવ બન્યા પછી જયારે જયારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાંખતી જણાતી.

આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી, ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઈચ્છા થતી હતી, અને બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છેડવું એ તેના મનમાં નક્કી થયું હતું. આ ઈચ્છાનું પ્રબળ માત્ર ચૈત્રી પડવો જોવાના કુતૂહળથી ડબાઈ રહ્યું હતું. એટલામાં તે જ દિવસને પ્રાત:કાળે બુદ્ધિધને ગુરુકાર્ય સોંપ્યું એટલે ઈચ્છા સફળ થવામાં વિઘ્ન આવ્યું દેખાયું. દરબારમાંથી નીકળ્યો તે સમયે જ એ વિઘ્ન પાછું દૂર ગયું તેને વિચાર થયો, અને મનસ્વીની સ્વચ્છંદવૃત્તિયે પાછો તનમનાટ મચાવી મુક્યો. દરબારમાં મચેલું ભવ્ય અને મનભર સ્વપ્ન અા તનમનાટને બળે ઝપટાઈ ગયું. રસ્તા પર પડતો ઉગ્ર તાપ મગજને ઉકાળતો હતો તેથી સ્વચ્છંદી હૃદયને માત્ર રંગ ચ્હડયો અને તે ખી૯યું. દૂર સમુદ્રમાં દેખાતાં વ્હાણો નજરે પડવાથી નીશો કરેલા જેવાને દીપદર્શન જેવું થયું અને રસ્તામાં ચાલતાં ચાલતાં તેના મગજમાં અનેક વિચારની લ્હેરો આવવા માંડી.

“સરસ્વતીચંદ્ર ! તને કાંઈ ખબર છે કે કુમુદસુંદરી શું બકે છે ? ત્હારી સરસ્વતી.”

“સરી ગઈ નામથી–સરી ”–કુમુદસુંદરીના... હાથથી. 'સરી' એના ... 'ઉરથી નહી રે'

“અરરરર ! નિર્દયતા અને મૂર્ખતાની હદ વળી ગઈ !– "થયો દારુણ મન માન્યો, વિકળ થઈ સ્નેહની સાનો ! "હવે સુકુમાર ઉર ફાટી જશે, એ મૂર્ખ હતભાગી !" “હે ઈશ્વર, એ પાપ કોને ? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઈ સુઝે છે ? આ શું કર્યું ? મહાપતિવ્રતા – પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા ! નવા અવતારમાં પાછલો અવતાર ન ભુલનારી પતિવ્રતા ! – મનને વરેલો પતિ મનથી છુટો નથી પડતો – વરેલા પતિને છોડી મન વ્યભિચારી નથી થતું – શરીરે વરેલા પતિને છોડી શરીર અન્યત્ર નથી રમતું ! અાહા ! બળવાન્ બાળકી ! મનના પતિપર અાટલો અાવેશ છતાં તેના ભણી પાંપણનો પલકારો પણ નહી ! કેવા બળવાળી ? પુરૂષ ! તું સ્ત્રી છે. અને સ્ત્રી ! તું પુરુષ છે ! પળવાર પર સ્ત્રીપર મોહેલા મનવાળા પુરુષને - પળવાર અસંવાદી થયેલા મનને - સંવાદી કરી નાંખનાર સારંગી ! શું ત્હારું બળ ! સારંગી ! કુમુદસુંદરી-કુમુદસારંગી ! અરેરે ! હું ભ્રષ્ટ થાત જ. ​"માણસને ખબર હોય છે કે તેના મનપર શી શી આપત્તિ આવવાની છે ? પતિત જીવ ! જે તું પતિત ને નિર્બળ હતો તો - ને છોડી શાને ? ગરીબ બીચારી અલકકિશોરી, તને શો ઠપકો દેઉં ?- ઠપકો દેનારનું ક્યાં ઠેકાણું હતું ? – કુમુદસુંદરી - કેવા રોષવાળી આંખ !

" भेदाद्भ्रुवो: कुतिलयोरतोलोहिताक्ष्या

" भग्नं शरासनमिवातिरुशा स्मरस्य ॥- [5]

"નક્કી, ત્હારું હૃદય અંદરથી ચીરાય છે – ત્હારું ગાયન, ત્હારાં ચિત્ર, ત્હારે વાંચવાના વિષય, ત્હારી વાતો - સર્વ એક સરખાં જ ! આહા કોમળ સારંગી, ત્હારા સર્વ તા૨ સદૈવક એ જ ગાયન કરી ર્‌હે છે ! પણ ઈશ્વરની ગતિ અકળ છે - એ શું થઈ ગયું ? એક પળવાર મતિ શી ભ્રષ્ટ થઈ ? ત્હેં તે શાથી જાણ્યું ? ત્હારે તે વિનિપાત પામતાને તારવા આવી હૃદય વીંધનારી યુક્તિ કરવી શાથી પડી ? અરેરે દુષ્ટ પાતકી - ચિત્ત ! પ્રસંગે ત્હેં ત્હારી દુષ્ટતા પ્રકાશી. શું ચિત્તને ઉદ્ધરવા વિદ્યા બસ નથી – શું કુમુદની કોમળ સૂચના ન થઈ હત તો તેના સંસ્કાર નપુંસક જ ર્‌હેત ? શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ ? હા, હા, હા ! અભણ કિશોરી ! તું અભણ પણ મને શીખવે છે - સોનાની જ થાળીમાં લ્હોઢાની મેખ ન જેઈએ ! જે ત્હારે ન જોઈએ તો મ્હારે પણ ન જોઈએ.”

“પણ માણસનું મન વિષયને શરણ શાથી થતું હશે ? ખાવાનું જોઈ કેટલાંક જિવ્હાલૌલ્યવાળાં માણસોનાં મુખ દ્રવે છે, પાસે દ્રવ્ય હોવા છતાં કેટલાંક માણસોથી દ્રવ્ય જોઈ ઢાંકી કે ઉઘાડી ચોરી કર્યા વિના ર્‌હેવાતું નથી, તે જ વિષયનો વિષય જોઈ શું આ થયું હશે ? શું વિષય માં એવી વશીકાર શક્તિ છે કે જેથી વિદ્યા ડબાઈ જાય અને મનુષ્ય પશુ અને ? જો એમ હોય તો માણસને માથે જુમ્મો શી બાબત ર્‌હે? આ કાર્યનું પરિણામ મરણ છે એવું સંપૂર્ણ ભાન છતાં પાંડુ રાજ વિષયમોહિત શાથી થયો ? સ્વકીયા કે પછી પરકીયા -એમાંથી એકપણ શી બાબત જોઈએ ! પાંડુરાજાની વાતમાં શો મર્મ છે તે અલકકિશેરી, ત્હારા પ્રસંગે મને શીખવ્યું દીવાસળીમાં જેમ અગ્નિ રહે છે તેમ જ માણસમાં વિષયવાસના સદૈવ વસતી હોવી જોઈએ અને વિષય- વિષયીને પ્રસંગ પડતાં તે વાસના જાગૃત થતી હશે, સર્વે માણસમાં એમ જ હોવું જોઈએ, આવી અલકકિશોરી તેને આમ થયું. અાવાં ડાહ્યાડમરા, ગંભીર દેખાતા, આવા મ્હોટા રાજપ્રપંચના ધીટ સૂત્રધાર બુદ્ધિધનને જોઈ કોઈને એવો વિચાર થાય કે એને ગળે એક અબળાને

​હાથ પડતાં તેનું ચિત્ત શરણ થાય છે ? – અને તેમ છતાં સૌભાગ્યદેવી ! ત્હારી સત્તા અા લુગડાંલત્તાં પ્હેરનાર નાટકી કારભારી ઉપર કેટલી છે તેની સાક્ષી મ્હારો કાન પુરે એમ છે. પવિત્ર પતિવ્રતા– સૌભાગ્યદેવી – ત્હારાં સુલક્ષણ જોઈ શૈબ્યા સાંભરી આવે છે.

“ શિરપર સાડી હોડી પુરી, મેળે ચ્હડી મુખ લાજ, “ બોલે થોડું મન્દમન્દ ને મધુર જ અક્ષર-સાજ, “ ધીમી ધીમી ચાલે, જો ! જો ! પદ-નખ ઉપર જ અાંખ ! “ દેવી ! દેવી ! પવિત્ર ઉંચું કુળ તે આનું જ નામ.”[6]

“કુલીનતાની મૂર્તિ પવિત્ર સૌભાગ્યદેવી ! આહા ! શુદ્ધ આર્યા– આર્યલોકનાં જ અંત:કરણોમાં વસેલી આર્યા ! જુનાં વર્ણનો જ વાંચ્યાથી ત્હારો પવિત્ર મોહક પ્રતાપ હું કદી પણ સમજ્યો ન હતો. વીલાયતમાં જાઓ, કે અમેરિકામાં ભમો, કે ઈરાનના દ્રાક્ષના વેલાઓની વાડીમાં જઈને ઉભા ર્‌હો, કે આર્મીનિયામાં આથડો - પણ કોઈ ઠેકાણે, આર્યદેશની આર્યા, તું જડવાની નથી. આર્યદેશમાં પણ હવે કલ્પિત થતી જાય છે અને ઈંગ્રેજી વિદ્યાની ઉદ્ધતતા ત્હારો નાશ પણ કરે ! પણ – સૌભાગ્યદેવી – મૂર્તિમતી આર્યા – જેવી આ આપણા દેશની ભૂમિ પૂજનીય અને પ્રિયદર્શન છે તેવી જ તું પણ છે. આહા, ત્હારા જેવાં ૨ત્નનો ધણી બુદ્ધિધન કેવો ભાગ્યશાળી ! બુદ્ધિધન, ત્હારા કારભાર કરતાં આ આર્યાને હૃદયમાં વધારે રાખજે.”

“આ તો એક વિચારમાંથી બીજે વિચારે ચ્હડ્યો. મ્હારા મનનો પ્રશ્ન એ છે કે - આવી સૌભાગ્યદેવી તે પણ બુદ્ધિધનના સ્પર્શને અભિનન્દે છે ! એ શું ?"

ગંભીર વિચારવચ્ચે અટ્ટાહાસ્યે[7] અચિંત્યું ડોકીયું ક્‌હાડયું: “મ્હારા બાપરે ! આ શું ! બધું ! આ શો શરીરનો મહિમા ! આ માણસ દેખાય છે આવો માટે આવો તો ન જ હોય એ ધારવું ખોટું છે. કલ્પનાશક્તિ બહુ ઠગારી છે – એ વધારે વેગવાળી હોય તેમાં પણ લાભ નથી. આ એમ. એ. પુરી થઈ ઉંચામાં ઉંચી “ ફિલૉસૉફી ?” મગજમાં ભરાઈ ગઈ - અને તેને અંતે – તે જ માણસનો હાથ એક અબળાની છાતીપર પળવાર ટકે – અને એ માણસને મગજ તો જાણે છે જ કહી એવો બની જાય - એ શું અતર્ક્ય નથી ? એવી છબી ક્‌હાડી કોઈએ મ્હારી પાસે મુકી હોય તો હું નક્કી કહું છું કે હું એને અસંભવિત માનું અને હસી ક્‌હાડું, અરે એ તો એકવાર થયું તે થયું – પણું બીજીવાર એવું થાય તે તો મનાય નહી. આ વનલીલા આઘે ઉભી હતી – એને તો ખબરે નહી હોય – અને એના સામી મ્હારી દ્રષ્ટિ પળવાર આકર્ષાઈ – તરત મ્હેં પાછી ખેંચી એ વાત ખરી – પણ પળવાર આકર્ષાઈ – એને જોવાનું મને મન થયું, મ્હારી દ્રષ્ટિ ઠરી એ, અનુભવ ન થયો હત તો, હું કેમ માનત ? પણ ન માનત તેનું કારણ શું ? કારણ ? કારણ એ જ કે આકાશના ગ્રહોમાં ચિત્ત લગાડી ઉંચું જોઈ ચાલનાર નીચેનો ખાડો ન જોતાં તેમાં પડે તે. ઉંચી જતી કલ્પના નીચું જોતી નથી - સમુદ્ર ઓળંગનારની દ્રષ્ટિ ફલંગ વચે આવી જતા દરેક મોજાને જોતી નથી – દેશના, વિશ્વના, અને વિશ્વકર્તાના વિચાર કરનાર ક્ષુધા અને મદનની હયાતી ભુલી જાય છે. પણ ક્ષુધા અને મદન કાન પકડી તેને ઠેકાણે અાણે છે. પુસ્તક છોડી ખાવા ઉઠવું પડે છે – જ્હોન્ મિલ અને વર્ડ્ઝવર્થ્ જેવાને પણ પરણવું પડ્યું હતું. તે પરણ્યા હતા તે શું મનની મિત્રતા સારું ? બ્હારથી તે લોકો એના ઉત્તરમાં હા ક્‌હે છે – પણ એ ઠગાઈ છે – એ બાબતનું ભાન મને આજ થયું. મનની મિત્રતા બસ હોય તો તે શોધનારા પરણે છે શું કરવા – વાતચીતના સંબંધથી સંતોષ કેમ નથી પામતા ? પુરુષને પુરુષ મુકી સ્ત્રીની મિત્રતા શું કરવા કરવી પડે ? પ્રીતિ એટલે મનની મિત્રતા - લગ્ન એટલે માનસિક જીવનો સંયોગઃ એ વ્યાખ્યા અધુરી છે. અરેરે, આ જ્ઞાન મને આજ મળ્યું ! અલકકિશોરી, તું મ્હારી ગુરુ થઈ - ચાર માસ પહેલાં એટલી ખબર હત તો – કુમુદસુંદરી – હું ત્હારી આ દશા ન થવા દેત. પણ થયું તે થયું. હવે જે થાય છે તેનો કાંઈ ઉપાય ? મ્હારે પરણવું એ તો નહીં જ બને – પણ અાવી ભુલ ન થાય – અાવી પરાધીનતા ફરી ન થાય – એને કાંઈ ઉપાય ? ઉપાય એ જ કે વિષયવિષયીનો પ્રસંગ જ ન થવા દેવો. સ્ત્રીને સાત ગાઉથી નમસ્કાર કરવા. બુદ્ધિધનનું ઘર છોડવું-છોડવું એ જ સિદ્ધિ. એથી કુમુદસુંદરી પણ સુખી થશે. મને નહી દેખે એટલે મને વિસરી જશે, પણ મ્હારે અંહીથી ક્યાં જવું ?”

“અરેરે ! શું આપણી ઇચ્છાપ્રમાણે ઇન્દ્રિયો ન ચાલે ?”

ref> F. Brunton Stephens.</ref>1. "Who can say 'Thus far, no farther' to the tide of his own nature ? “Who can mould the spirit's fashion to the counsel of his will? “ Square his being by enactment - shape his soul to legislature— "Be himself his law of living: his ૦wn art of good and ill ?

“આહા ! ક્રૂર કવિ ! શું ત્હારા વચનમાં જેટલી ક્રૂરતા છે તેટલું જ સત્ય છે ? અરે ક્રૂર કવિ ! શું, શક્તિ કરતાં વૃત્તિ વધારે બળવાન છે એ ક્રૂર વચન ખરું પણ છે ? શું આ કવિની પેઠે ઈન્દ્રિયો પણ પુરુષની પુરુષતાપર - માનવીની છાતીપર - માનવીના મસ્તિકપર –પગ મુકી લાતોનો પ્રહાર કરી તિરસ્કારભરેલું હાસ્ય કરી વિજયતાંડવને નાચ કરી મુકે છે ? શું જ્ઞાન કરતાં મોહ બળવાન છે ? શું શરીરપર પણ બુદ્ધિનું ન ચાલે ? અરેરે !” ચાલતાં ચાલતાં નવીનચંદ્રે ઉંડો નિ:શ્વાસ મુક્યો. તેની અાંખમાંથી આંસુની ધારા ચાલી રહી અને સૂર્યના તાપથી તે સુકાઈ જતાં માત્ર તેના ડાઘ રહ્યા.

વિચારમાં ને વિચારમાં જુગ વીતી ગયો લાગવા છતાં અર્ધો રસ્તો પણ કપાયો ન હતો. એવામાં રસ્તાના બે ફાંટા આવ્યા. જેણી પાસથી પોતે આવ્યો તે રસ્તે ચાલવા માંડ્યું. પાછળ ચાલનાર ૨ામસેને તેને અટકાવ્યો.

“ભાઈ, આ બીજે રસ્તે ચાલો – આ ગલીમાં થઈને.”

વિચારમાળાનો મણકો પડી ગયો અને નવીનચંદ્રે પુછ્યું : “કેમ, રામસેન, આપણે આવ્યા હતા તો આ રસ્તે ?”

“ભાઈ પણ આ રસ્તો ટુંકો છે.”

"એમ, ચાલો ત્યારે.”

વિચારમાળા પાછી હાથમાં લીધી.

“લગ્નનો સંબંધ શરીરવાસ્તે જ હોય ત્યારે તો પ્રમાદધનથી કુમુદસુંદરીને સંપૂર્ણ સંતોષ મળવો જોઈએ, સરસ્વતીચંદ્રનું ભૂત એના મગજમાં ન હોવું જેઈએ. લગ્ન અને શરીરસંબંધ એક હોય તો જયાંસુધી કુમુદસુંદરીના મગજમાંથી આ ભૂત ખસ્યું નથી ત્યાંસુધી એના પતિવ્રતમાં ખામી છે–”

વિચાર આટલે સુધી જ આવ્યો એટલામાં અટક્યો – ગલીમાં પેંસતાં જ એક ન્હાનું પણ સુંદર ઘર આવ્યું. તેની મેડીની બારીયો ઉઘાડી હતી તેમાંથી હાંડી તકતા દેખાતાં હતાં. નીચે ઓટલા ઉપર ફુલ તથા રોપાનાં કુંડાં મુક્યાં હતાં. બારણું ઉઘાડું હતું અને તેની જાળી વાસેલી હતી. તે જાળી ઉપર નાજુક હાથ મુકી પંદરસોળ વર્ષની રંગે ગોરી અને રૂપે દેખાવડી ગણિકા પદ્મા ઉભી હતી. નવીનચંદ્રને જોઈ તેણે જાળી ઉઘાડી, પણ વિચારની ધુનમાં ચાલતા નવીનચંદ્રે તેના ભણી નજર ન કરી, અને એ પણ એને જોઈ ખશીયાણી પડી ગઈ અને પાછી જાળી અડકાવી.

“ભાઈ જરા ઉભા ર્‌હો કે ચાલતા થાઓ, હું આવું છું” કહી ​રામસેન પદ્માના કાનમાં કાંઈક વાત કરી આવ્યો અને નવીનચંદ્ર સાથે ચાલવા લાગ્યો.

“ભાઈ, આને જોઈ?”

અચિન્ત્યો પાછો ફરી નવીનચંદ્ર બોલ્યો: “ શું !”

“કાંઈ નહી, આ તો પદ્મા અંહીયાં ર્‌હે છે.”

"પદ્મા કોણ છે ?”

“આપ નથી ઓળખતા ? પ્રમાદભાઈ સાથે આપ બેસો છો એટલે મ્હારા મનમાં આપ એને ઓળખતા હશો એમ હતું.”

“એ છે કોણ ?”

“એ પદ્મા નામની ગણિકા છે. તમે જોઈકની ? કેવી રુપાળી છે ? ચાલો જોવી હોય તો, પાનસોપારી ખાઈ ઉઠજો.”

આશ્ચર્યંમાં ડુબી વિચારમાં લીન થઈ નવીનચંદ્ર બોલ્યો: “ના, બાપુ, આપણે ત્યાં શું કામ છે ? મને લાગે છે કે આ રસ્તે એટલા સારું આવ્યા હશો.”

“હા, એમ જ. મ્હારે એને કાંઈ ક્‌હેવું હતું."

"તમારે એને શું ક્‌હેવાનું હોય?"

“કાંઈક સ્હેજ હતું.”

“ના, ના, ત્હોયે શું ? ક્‌હો તો ખરા.”

"કોઈને ક્‌હો નહીં તો કહું. વાત ઉઘાડી પડે તો મ્હારો રોટલો જાય.”

“રોટલો નહી જાય; મ્હારે કોઈને શું કરવા ક્‌હેવું પડે? બોલો.”

“પ્રમાદભાઈ કોઈ કોઈ વખત દેાસ્તદારો સાથે આ ઠેકાણે આવે છે.”

“ પ્રમાદભાઈ ! શું એ અંહીયાં આવે છે ! "

“હા, ભાઈ સાહેબ, જોજો કોઈને ક્‌હેશો નહી, હોં. બપોરે જતા આવતા પણ આંટો મારે. ભલા, ઘડીક ગમત છે.”

“શું એમને કુમુદસુંદરી પર ભાવ નથી ?”

“ના જી, ભાવ તો પુષ્કળ છે. એમનું નામ દેતાં તો એ ગાંડા ગાંડા થઈ જાય છે.પણ આ તો ભલા, ઘર તો રોજ હોય છે. રોજને રોજ એક ચીજ દેખે તો શ્રીમંતાઈ શા કામની ? ”

“ત્યારે આ શિવાય બીજાં ઠેકાણાં છે કે ? ” ​“ના જી. ચાલોને આપ. એમની દોસ્તી છે એટલે પાનસોપારી ખાઈશું.”

“બુદ્ધિધનભાઈ આ વાત જાણતા હશે ?”

"ના, જી, ના. એ જાણે તો તે પ્રમાદભાઈને અને અમારે મોત જ આવે તો. બુદ્ધિધનભાઈને કોઈ સ્ત્રી ઉપર આડી નજર જ ન મળે.”

"ખાત્રીથી કહો છો ?”

“હાજી. એમાં તો વાંધો નહી ને ભાઈસાહેબ અને બાઈસાહેબ તો પેટે અવતાર લઈએ એવાં છે.”

“ત્યારે પ્રમાદભાઈને આ રસ્તો ક્યાંથી સુઝ્યો ?

“એ તો, ભાઈ, ન્હાનપણમાંથી અમારા જ ઉછેરેલાકની ? એટલી અમે ચાકરી કરી, અને એ ઘડી અંહીયાં વીસામો લે છે તો અમારા ઉપર આજ ચારે હાથ રાખે છે. એમના ભાઈબંધો પણ એ બ્હાને ચમન કરે છે અને અમારે એ પઈસાની પ્રાપ્તિ થાય છે.”

“કુમુદસુંદરીને આની ખબર ખરી ?”

“ભાઈસાહેબ, પ્હેલાં તો ન્હોતી. પણ બે ચાર દિવસ ઉપર ભાભીસાહેબ રાજેશ્વરમાં ગયાં હતાં ત્યારે પેલો બેવકુફ મૂર્ખદત્ત કાંઈક લવી ગયો.”

"મૂર્ખદત્તને શાથી ખબર ?”

“પદ્માને લેઈ કોઈ વખત રાત્રે રાજેશ્વરમાં સહેલ કરવા જાય એટલે મૂર્ખદત્ત જાણે.ચારેક દિવસ પર ત્યાં ભાભીસાહેબ ગયાં હશે ત્યારે વાડામાં પદ્માનો કમખો પડેલો હાથ લાગતાં મૂર્ખદત્તને એમણે પુછ્યું ને ગભરામણે એ બકી ગયો કે ભાઈ કાલે આવ્યા હતા તે પેલીનો રહી ગયો હશે.”

“પછી એમણે કંકાસ ન કર્યો ?”

“એ જ જાણવા જેવું છે તો. બીજી બાયડી હોય તો માલમ પડે. ભાભી સાહેબ કમખો ઘેર લઈ ગયાં અને બેલ્યાચાલ્યા વિના પ્રમાદભાઈના હાથમાં મુક્યો અને કહ્યું કે આ કમખો કોઈનો આપણા મહાદેવમાં પડ્યો હતો તે જેનો હોય તેને આપજો. પ્રમાદભાઈ ગભરાયા અને બો૯યા કે કોનો છે તે મને ખબર નથી. ભાભીસાહેબ ક્‌હે – આપ કારભારી છો – કોનો છે તે તપાસ કરજો – નીકર આપ એ કમખાના મુખત્યાર છો.”

"પછી?" ​"પછી તો રાજખટપટને લીધે ભાઈનાથી અંહી અવાયું નથી.”

“ઠીક?”– કહી નવીનચંદ્રે નિ:શ્વાસ મુક્યો અને ગલી વટાવી સરીયામ રસ્તા પર આવ્યા.

“ભાઈ આ વાત કોઈને ક્‌હેશો નહીં હોં–”પસ્તાતો રામસેન બોલ્યો.

“ત્યારે મને કહી શું કરવા અને આ ગલીમાં આવ્યા શું કરવા?”

"ગલીમાં આવ્યા તે તો વધામણું ખાવાને કે હવે પદ્માબાઈનો દરબારમાં પગ થશે, અને આપને કહ્યું તે તો આપ જાણતા જ હશો જાણી ભુલ ખાધી.”

“તમે ભુલ કરી તેમાં મ્હારે શું ? ”

“ભાઈ – આપ દાના માણસ છો – કાંઈ નાદાન છો ? મ્હારા જેવા ગરીબ પર દયા રાખવી જોઈએ. બીજુ શું ? ”

“બહુ સારું. ફીકર ન રાખશો. તમારી વાત ઉઘાડી નહી પડે. તમારું નામ તો નહી જ આવે."

વાતચીત બંધ પડી. વિચારમાળા ફરી આરંભાઈ.

“અંહંહંહં – કુમુદસુંદરી - વિશુદ્ધ પવિત્ર કુમુદસુંદરી – હવે તો જુલમની હદ વળી. સરસ્વતીચંદ્ર ! આ સઉ પાપ ત્હારે માથે. અવિચારી સાહસિક ! જુલમ કર્યો છે. ”

“મ્હોટાંનાં સંતાન કેવાં ભાગ્યહીન ! આવો શુદ્ધ બુદ્ધિધન – અાવી પવિત્ર સૌભાગ્યદેવી ! તમારી મ્હોટાઈનું પ્રથમ ફળ એ કે ચાકરોને હાથે તમારા પ્રિય પુત્રને કેળવણી મળી. ચાકરને હાથે ઉછરેલું બાળક આમ બગડે. શેઠ તે કેટલું લક્ષમાં રાખે ? પ્રમાદધન સ્વાભાવિક રીતે દુષ્ત નથી પણ - આ ચાકરોએ દોસ્તોએ બગાડ્યો છે. મ્હોટાંનો ઘરસંસાર અસ્વાભાવિક જ હોય છે. મ્હોટાં માણસ ઘરની સંભાળ રાખી શકતાં નથી. રાજ્યતંત્ર ચલાવનારનું ઘરતંત્ર અંધારે ચાલે છે !”

“પવિત્રતાને પ્રતાપ જોયો ? આવો ભ્રષ્ટ ચાકર, તે પણ એ અમાત્ય – દંપતીને પેટે અવતાર લેવામાં ભાગ્ય માને છે !”

"પણ મ્હારામાં અને પ્રમાદધનમાં શો ફેર ? વિદ્યા અને અવિદ્યામાં શો ફેર ? એ આચારમાં દુષિત થયો છે – હું વિચારમાં દૂષિત થયો. પણ મ્હારો દેાષ જન્મતા મુવો – એના દોષનો પ્રવાહ હજી અવિચ્છિન્ન છે અને કદાચિત્ વધશે. - વિદ્યા, અને અવિદ્યામાં અાએક ફેર નહી ?”

“પણ મ્હારામાં એટલો યે દેાષ આવ્યો શાથી ? આવા સ્થાનમાં આવ્યાથી. સંગતિ સરખાંની – અને અને તે ઉંચાની જોઈએ. ઉચ્ચ ​ગતિથી નીચને લાભ છે તેમ જ નીચ સંગતિથી ઉચ્ચને હાનિ છે. અલકકિશેરીની સંગતિનું ફળ અનુભવ્યું. આ ચાકર એક રસ્તામાં સાથે રહ્યો તો ગણિકાના ઘર આગળ આવ્યો. કુમુદસુંદરીને એક ભૂતસંબંધ તેણે સારંગી દ્વારા મને ઘોર પાતકમાંથી–દુષ્ટ પરિણામમાંથી–ઉગાર્યો.”

"ત્યારે હવે બુદ્ધિધનનું ઘર છોડવું, પણ–” બુદ્ધિધનનું ઘર આવ્યું; ટપાલના સીપાઈએ એક કાગળ આપ્યો, તે ફોડતો ફોડતો નવીનચંદ્ર અમાત્યગૃહના બારણામાં પેઠો.


  1. બાયરન - 'ગ્લૅડિએટર.'
  2. ભર્તુહરિ ઉપરથી
  3. ઉત્તરરામચરિત ઉપરથી.
  4. ગીત ગેાવિન્દમાંથી.
  5. શાકુન્તલમાંથી
  6. ચણ્ડકૌશિક
  7. અટ્ટહાસ્ય =ખડખડ હસી પડવું.