સરસ્વતીચંદ્ર ભાગ ૧/વાડામાં લીલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાડામાં લીલા

મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર​ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો. અલકકિશોરી અને કુમુદસુંદરીએ વાડામાં અા ખાટલાની બેઠક શોધી ક્‌હાડી, અને એક બાજુ પર બેઠાં. સાહેલીયો માથા અને પાંગથ આગળ બેઠી. અલકકિશેરીયે ઉઠી ફુલ તોડી સઉને વહેંચી આપ્યાં.

“ક્‌હો, ભાભીસાહેબ, કીયું કુલ લેશો ?”

"તમે અાપો તે.”

“ના, પણ તમે પસંદ કરો.”

“તમે આપશો તે હું પસંદ જ કરીશ.”

"બધી બાબતમાં એમ કરશો તો તમને ભારે પડશે.”

"અાખા સારા. તમારા આપેલા ભાઈને લીધા તો હવે એમ શા મેળે કહો છો ?”

“લ્યો ત્યારે અા શાહાળી લ્યો. તમારા જેવાં નાજુક ને તમારા જેવા રંગવાળાં.” હસતાં હસતાં કુમુદસુંદરીચે નાજુક હાથેલીમાં કુલ લીધાં. લાંબા કરેલા, રુપેરી પાણીવાળી નદી જેવા, હાથમાં ફુલ શ્વેત કમળ જેવાં લાગવા માંડ્યાં.

અલકકિશોરી –“ જો વનલીલા, મ્હારી ભાભીનો હાથ અત્યારે દેખાય છે એવો કોઈનો દેખાય છે ?"

રાધા – “બ્‍હેન, તમારાં ભાભી, એમાં તે કાંઈ મણા હોય ?”

વનલીલા – “તમે અા કુલ આપ્યાં પણ એવાં કુલની વેણી ગુંથાવી આપો અને અંબોડે ઘલાવો. અા વસંતના દિવસ છે.”

રાધા – “વસંતે નવો અને એ પણ નવાં."

અલક‌‌૦ - “ જો, અા ફુલના હાર કરાવી એમના પલંગની ચારે પાસ બાંધીશું. ને ગુલાબનું કુલ ઘાલી વેણી કરીશું.”

વનલીલા –“ને ચંપા ને મોગરાના ગજરા કરજો.”

અલક૦ – “ને ભાભી, મ્હારા ભાઈ પાસે મુજરા કરજો.”

કુષ્ણકલિકા – ( હસી પડી ) “મરો, મુજ૨ા તો ગુણકા કરે.”

અલક૦ – “મેર, મેર, બોલનારી ન જોઈ હોય તો. લાજ.”

કાળી અને શીળીના ડાઘાવાળા મ્હોંવાળી પણ શક્કદા૨ કુષ્ણકલિકા ઓછી બુદ્ધિની હતી અને વર્તણુકમાં શિથિલ હતી એટલે આ ઠપકો નકામો ગણ્યો અને મનમાં અલકકિશોરીને ડહાપણ ડાહ્યલી અને ચોળી ગણવા લાગી. એમાં તે શું કહ્યું એમ જ મનમાં આવ્યું એનું વચન સાંભળી કુમુદસુંદરીનું મ્હોં ઉતરી ગયું. પોતાની અવગણના થઈ લાગી. પોતે નીચ સોબતનું ફલ ભોગવે છે એમ વિચાર થયો. શરીરના ભોગ અને વૈભવ પુરા પાડનાર પ્રમાદધન સાથેના સંબંધ ઉપર તર્ક કરવા લાગી અને તે જોતાં, ​ખરે, આ શું ખોટું કહે છે ?” એમ મનમાં અાવ્યું. પોતાનાં પ્રિય પુસ્તકો સાંભર્યા, સરસ્વતીચંદ્ર સાથનો સંબંધ સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરત – સર્વ મનોરથ પુરા કરત એવો અસંતોષ થયો, સરસ્વતીચંદ્રના ગુણ સાંભરી આવ્યા, હૈયું ભરાઈ આવ્યું, અને રોવા જેવી થઈ ગઈ. સર્વેયે જાણ્યું કે કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું અને એને ઠપકો દેવા તથા કુમુદસુંદરીને સમજાવવા મંડી ગયાં. કુમુદસુંદરીયે અાંખો લોહી નાંખી, કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું નથી એવું કહ્યું, પણ તેની સાથે પોતાના મનોવિકારનું કારણ આપી શકી નહી એટલે સઉને પોતાને તર્ક ખરો જ લાગ્યો. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી એકબીજાને ઘણાક દિવસ ઉપર માત્ર એક જ વખત મળ્યાં હતાં અને પ્રમાદધન સાથે તો અાટલો સંબંધ થયો હતો – પ્રમાદધનનો 'સવારથ' (સ્વાર્થ) દીઠો હતો તે છતાં બીચારીના મનમાં એ ચંદ્ર જેવાના સ્મરણનો સ્પર્શ થતાં ચંદ્રકાન્તમાંથી રસ ઝરે તેમ શોકમય રસ ઝરતો. સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહી તેનો તેને વિચાર પણ ન્હોતો થયો. માત્ર તેના પત્રવ્યવહાર અને વચનામૃત ઉપરથી મોહ પામી હતી. અને પ્રમાદધન કાન્તિવાળો, ફક્કડ અને ભોગી હતો તે છતાં આ મોહ ખસતો ન હતો. વયમાં અને શરી૨માં તેમ જ વિદ્યા, બુદ્ધિ, ડહાપણ, ચતુરાઈ અને રસિકતા તેમાં પણ ધણી કરતાં સ્ત્રી ચ્‍હડતી ન જોઈએ. એવી સ્ત્રી કજોડાનું દુ:ખ ભોગવે છે, પતિથી તૃપ્ત થઈ શકતી નથી, પતિ મ્હોટો છે એવું સમજી શકતી નથી, તેને મનમાં માન આપતી નથી, તેના ઉપર સ્નેહ થતો નથી, તેની સાથે અંતરમાંથી એક થઈ શકતી નથી. જો કુલીન વૃત્તિવાળી ન હોય તો મનમાં તિરસ્કાર પણ કરે છે. કુમુદસુંદરીમાં ઈશ્વરે કુલીનતા વાવી હતી, માબાપે ઉછેરી હતી, અને વિદ્યાએ ફળકુલવાળી કરી હતી. પણ બુદ્ધિધનનાથી વિદ્યાચતુરના ઘરની હવા જ જુદી હતી અને તેમાં એ ઉછરી હતી. વર અને સાસરીયાં સર્વને ચ્‍હાતી હતી, સર્વનું સારું વાંછતી હતી, અને તેમનાથી મનમાં પણ જુદાઈ ન આણવા મથતી હતી. પરંતુ તેની શક્તિની હદ હતી અને પાણી વગર હવામાં માછલી તરફડે તેમ વિદ્યા વગરના ઘરમાં વિદ્યાચતુરની બાળકી વલોપાત કરતી હતી. મહામ્હેનતે એ વલોપાત ઓછા થવા આવ્યા હતા, એટલામાં અા કુષ્ણકલિકાના વચનથી સરસ્વતીચંદ્ર પાછો સાંભર્યો. તેણે મોકલેલા શ્લોકવાળો કાગળ અત્યારે પણ કમખામાં હતો. સઉના દેખતાં કાગળ ક્‌હડાયો તો નહી, પણ એમાં મન ભરાયું. મગજમાંથી છાતીમાં તાર ગયો હોય તેમ કાગળના સ્પર્શનું ભાન અાણી હૈયું ધબકવા માંડ્યું. ત્‍હાડની કંપારી આવી હોય તેમ શરીરમાં ચમકારા થયા અને રુંવે રુવાં ઉભાં થયાં. કાંઈક પરસેવો પણ થયો. પરંતુ આ સર્વ તેણે એકલીએ જ ​જાણ્યું. મ્હોં ઉપર આનંદ ઉત્પન્ન કર્યો અને રંગમાં ભંગ પડ્યો હતો તે જતો રહ્યો. સઉ પાછાં વિનોદમાં પડ્યાં. ખાટલો ખુંચવા લાગ્યો અને સઉ ઉઠ્યાં. વનલીલા અને કુમુદસુંદરી અાંગળીએ વળગી તળાવ ભણીની બાજુએ ચાલ્યાં. અલકકિશોરીયે કુષ્ણકલિકાને ગળે હાથ નાંખી વાડા વચ્ચોવચ ફરવા માંડ્યું. રાધા મોગરાના છોડની ડાળ હલાવતી ઉભી.

અલકકિશોરી કુષ્ણકલિકા સાથે વાતોમાં પડી. “ અલી, ખરેખરું બોલજે કાલ પેલાં નણંદ ભોજાઈ જતાં હતાં અને અગાડી જમાલ ને મેરુલો હતો તેમાં મેં મ્હોં મરડ્યું તેથી એ કાંઈ બોલ્યાં ?”

"ના, ના.”

"રાંડ કાળકા માતા, ખરું બોલ !” કહી ગળાપરના હાથ વડે ઉન્મત્ત કિશોરીયે કુષ્ણકલિકાને ગાલે ચુંટી ભરી.

“બળ્યું, આમ ચુંટી શું ખઈણો છો જે ? તમારા ઘરમાં જ સુવર્ણપુરનું રાજય હશે” કહી કૃષ્ણકલિકાએ ડોકું ધુણાવ્યું. અલકકિશેરીયે એને એ હાથવડે બાથભરી જોરથી ડાબી.

“બોલ, બોલ, હવે ડાહીલી."

“જેવું તમે કર્યું તેવું તેણે કહ્યું."

" શું કહ્યું ?"

"આ ખલકનંદાએ એ કહ્યું જો – અા જોને આજકાલની ટીચકુડી ! સતી થઈ બેઠી છે ! હું ખરી જે એનો મદ ઉતારું.”

"મેર, રાંડ, તું તે શું ઉતારનારી હતી ? – પછી ?”

રુપાળી બોલી કે “ચારણી કરબડાને હસે છે. અા જોને.”

"જોયું, જોયું. મ્હારી વાત કોણ કરનારું હતું જે ? કુવામાં હોય ત્યારે હવાડામાં આવે કની ? મ્હારામાં કવાણો નહી હોય તો એ વાત શી કરશે?”

"કોઈ બોલે સાચું તો કોઈ બોલે જુઠું. કોણ સાચું જુઠું જોવા જનાર છે ?”

“જીભ ખેંચી નાંખું, મ્હારી વાત કરે તો.”

"કારભારીની દીકરી છે.”

અલકકિશોરીયે ઓઠવડે પૂકાર કર્યોઃ-

“બહુ સારું, કારભાર કેવો ર્‌હે છે તે જોશે. ”

“પણ, બ્‍હેન, આપણે અભિમાન ન રાખીયે. ગમે તેટલું પણ એ મ્હોટા ઘરની.”

“ વારું, વારું. આ એની સાથે કની તો હું બોલુંયે નહી.” ​એકપાસ આ સંવાદ ચાલે છે. બીજી પાસ કુમુદસુંદરી અને વનલીલા છાનાંમાનાં ફરતાં હતાં અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી–

“આશાભંગ થઈ ભામિની,
“ સંવે, સંતુતિ કરે સ્વામિની.. [1]


પોતે પણ “આશાભંગ” થઈ હતી તે કુમુદસુંદરીને સાંભર્યું. હળવે ૨હી વનલીલાથી છુટી પડી અને ઓટલાના મૂળ આગળ મહાદેવની પછીતની ભીંતને અઠીંગી તળાવ ભણું જોતી જોતી એકલી ઉભી રહી, વનલીલાવાળી કડી ફરી ફરી ગાતાં અણધારી એક નવી કડી એનાથી એની મેળે જ જોડાઈ-ગવાઈ ગઈ.

“ ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય ?

પડ્યું તિમિરે - કુમુદ મીંચાય !”
વળી થોડીવાર અટકી બોલી ઉઠી;

“ સુઝ્યું, ભ્રમરને શાથી આવું રે ?
કેમ કમળ તજી દઈ જવાયું રે ?"

ચિત્તવૃત્તિ આમ સળગ્યાં જતી હતી અને તેને ભડકો કલ્પનાના રાતાપીળા રંગ ફેરબદલ ધારી વધ્યાં જતો હતો. વિચાર અંજાઈ ગયા અને કોમળ અંતઃકરણ તપી જતાં આંખે અને કાને પોતાનું કામ કરવું છોડી દીધું. જાગૃત અવસ્થામાં સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર આબેહુબ ખડો થયો. પળવાર એક મ્હોટા અરણ્યમાં એક ઝાડની છાયા તળે ઉભેલો દેખાયો. બીજી પળે એક ગામડાની ભાગોળે કોઈ કણબીના ખાટલા ઉપર થાક્યો પાક્યો બેઠેલો લાગ્યો. વળી એક મહાનગરના ધોરી રસ્તાપર ભીડમાં એકલો અજાણ્યો અપ્રસિદ્ધ આથડતો લાગ્યો. થોડીવારમાં એક ધર્મશાળામાં માંદા પડેલો અને કોઈ સંભાળનાર ન મળે એવું સ્વરૂપ થયું. પોતાની પાસે વેશ બદલી ઉભો રહ્યો હોય અને પોતે ઠપકાભરી આંખે જેતી હોય એમ લાગ્યું. આ જાગતી નિદ્રા - અા અવસ્થા - તેને ઘણીવાર અનુભવવી પડતી હતી, પરંતુ તે તેને પતિવ્રતાધર્મથી વિરુદ્ધ લાગતી હતી અને કાંઈક ઉપાય કરવા ઈચ્છતી હતી. સાસરે આવ્યા પછી આ વ્યાધિથી તે દુબળી થઈ ગઈ હતી અને મન પણ નબળું પડ્યું હતું. સુવર્ણપુરનું પાણી નવા આવનારને માફક થઈ જતાં વાર લાગે છે એવું કેટલાકનું માનવું હતું. ઔષધિ ઉપચાર અને

​વસાણાં ચાલવા માંડ્યાં હતાં પણ ગુણ લાતગો ન હતો. બુદ્ધિધનનો ખ્યાલ એવો હતો કે વહુ પીયર સાંભરી સોરે છે. તેથી તેણે હુકમ કર્યો હતો કે એને સોબતમાં રાખવી, રમતમાં ગમતમાં એનો દિવસ ક્‌હાડવવો અને ગામ બ્હાર ફરવા હરવા લઈ જવી, કારણ વિદ્યાચતુરના ઘરમાં સુધારો હતો અને સ્ત્રી વર્ગને ફરવા હરવાની ટેવ હતી તે બુદ્ધિધનને માલમ હતું. આ હુકમનો અમલ અલકકિશોરી પુરા ભાવથી કરતી. પણ કુમુદસુંદરી પોતાનો રોગ જાણતી હતી અને એમાંથી મુક્ત થવા પ્રમાદધનને મુંબાઈથી કેટલાંક પુસ્તક મંગાવવા કહ્યું હતું, તે એવું ધારીને કે પુસ્તકમાં લક્ષ જવાથી પરપુરુષ થયલા સરસ્વતીચંદ્રનું ભૂત મગજમાંથી જતું ર્‌હેશે. પુસ્તક હજી આવ્યાં ન હતાં એટલે આ અવસ્થા ઘણી વાર થઈ આવતી અને અનુભવહીન બાળકી પુસ્તકની વાટ જોતી હતી. પરંતુ આજ તો સ્વપ્ન જોસપર આવ્યું હતું અને નિઃશ્વસ્ત બની ભીંતસાથે લપ્પાઈ રહેલી આ પુતળીના અંતર્‌માં કેવીજાતનો સંચો ચાલતો હશે તેની કોઈને ખબર ન હતી એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાતી ગાતી પાસે આવી:

"સહીયર વેરણ ક્યાં થઈ લાગી,
"મને નિદ્રામાંથી જગાડી રે

"પિયુથી વીખુટી મને પાડી રે - સહીયર" * [2]

પાસે આવતી ગાતી બંધ પડી. "ભાભીસાહેબ, આ તો જુવો" એમ બુમ પાડી. કુમુદસુંદરીના રોકાયલા મગજમાં બુમના પ્હેલાં ગાયન ગયું અમે તેમા સંસ્કાર બુમ કરતાં લાંબા પ્હોંચ્યા.

"ભાભીસાહેબ, આ તો જુવો" એમ વનલીલાએ ફરી કહ્યું. "વેરણ" થયલી "સહિયર" ના સામું ટકટક જોઈ રહી કુમુદસુંદરી જાગી હોય તેમ બોલી, "હાં, શું ક્‌હો છો ?"

"એ તો આ એક કૌતુક જોવું હોય તો, આ ઓટલાપર કોક સુતું છે ને ચોપડી વાંચતા વાંચતા સુતું હશે ને ઉંઘ આવી હશે તે ચોપડી છાતીપર પડી ગઈ છે. લોકો શું કરે છે? તળાવપરે ચોપડી !"

"હશે. આપણે શું? પારકા પુરુષની આપણે શી ચિંતા?"

"પણ કલાંઠી બદલતાં કે ઉઠતાં તળાવમાં પડશે તે?"

"જગાડો ત્યારે."

"અરે ઓ ભઆઈ, ઓ ભાઈ!"

* ઓખાહરણમાંથી

​ કાનમાં સ્વર જતાં નવીનચંદ્ર જાગ્યો અને પાછું જોયું. “જરા સંભાળીને ઉઠજો. ઉંઘમાં પાસું બદલતાં તળાવમાં પડાય માટે જગાડ્યા છે.”

“બહુ સારું કર્યું, બ્હેન.”

નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદસુંદરીની પળવાર

" મળી દ્રુષ્ટોદ્રુષ્ટ.” *

[3]

નવીનચંદ્રની અાંખ તો આ સ્હેજ હોય એમ પાછી ફરી અને તે પાછો ચોપડી ઉઘાડવા જાય છે એટલામાં મંદિરના દ્વાર ભણી “નીઘા ૨ખો મેહેરબાન” નો પોકાર સાંભળ્યો એટલે રાણો જતો હશે જાણી જોવા ઉઠ્યો અને ચોપડી ત્યાં જ મુકી ઓટલાની પેલી પાસ ગયો.

ગરીબ બીચારી કુમુદસુંદરી ! નવીનચંદ્ર પાછળ એની અાંખ ગઈ, પોતે અને વનલીલા પાછાં ફર્યાં તોપણ અાંખ પાછી ફરી નહી અને એક પાસ અાંખ અને બીજી પાસ શરીર એમ ચા૯યાં. થોડીકવાર પહેલાં જેનો ચીતાર મન અાગળ હતો તેના જેવો જ નવીનચંદ્ર લાગ્યો. “શું એ જ સરસ્વતીચંદ્ર? ભમતા ભમતા અહીંયાં આવ્યા હશે? ના, ના, એમ તો ન હોય. મ્હારી કેવી દશા થઈ તે જોવા અહીંયાં આવ્યા હશે ? ના ના, એમ એ મ્હારા દુઃખની મશ્કરી કરે એવા નથી. પણ છે તો એ જ – હા ક્‌હો કે ના. હશે.” — નિ:શ્વાસ નાંખી – “મ્હારો હવે એની સાથે શો સંબંધ છે ? એનો તો વિચાર જ ક્‌હાડી નાંખવો. એ હોય ત્હોયે શું ને બીજો કોઈ હોય ત્હોયે શું ? ઈશ્વરે જેની સાથે પાનું પાડ્યું તે ખરો, બીજા સઉ ખોટા.” નરમ બની જઈ મ૨જી ઉપરાંત વનલીલા સાથે ચાલી. વળી વિચાર થયો. "પણ એ જ એ હોય તો સારું. હશે. મ્હારે એનો બીજો કાંઈ તો સ્વાર્થ નથી, મ્હારી પ્રીતિનો કળસ તો લગ્નથી રેડાયો તે રેડાયો. પણ અા અહીયાં ર્‌હેશે તો કોઈ વખત કોઈની સાથે પણ વાત કરશે તે એકલી બેઠી બેઠી સાંભળીશ. જો એ જ હશે તો એની વિદ્યા ઢાંકી નહી ર્‌હે, કોઈક વખતે પણ તેના ઝરણ ઝરશે અને આ અવિદ્યાના દેશમાં – આ અરણ્યમાં – એમાં સંસ્કારી વચનામૃત આઘેથી પણ મ્હારે કાને આવશે.”

“ના. ના, પણ એટલો યે સંબંધ ખોટો.”

“પણ એવા અશરીર સંબંધમાં શો દોષ છે ?”

​"પણ શાથી જાણ્યું કે આ તે જ?" "એ જ મુખારવિંદ. વળી પુસ્તક પાસે હતું - એ તો અમથું હોય - કોણ જાણે શુંયે હશે."

"પણ એ તો અહીંયા ર્‌હે તો સારું. એની ક્ષેમકુશળતા જાણી જ મજ્ઞ રહીશ. મ્હારો રોગ જશે. મ્હારે બીજું વધારે શું જોઈએ? આટલો જ સંબંધ ર્‌હે તેમાં શો દોષ ? એની સાથે બોલીશ નહીં. એના સામું જોઈશ નહી. માત્ર એ કોઈની સાથે વાત કરશે તે સાંભળીશ. અને ક્ષેમકુશળ જાણી મને ચિંતા નહી ર્‌હે."

વિચારમાળાનો મેર આવ્યો. બે જણ ચાલતાં ચાલતાં અલકકિશોરી ભણી ગયાં. અલકકિશોરી પાસે આવી, ભાભીને ખભે હાથ મુક્યા, સામું જોઈ રહી, અને બોલી.

"કેમ ભાભીસાહેબ, આજ આમ કેમ છો ? કાંઈક ઊંડા વિચારમાં પડ્યાં છો. તમાઅરે શોક તો હોય નહી. મનસુબા તો કારભારીયો કરે. ક્‌હો પીયર સામ્ભર્યું છે કે મ્હારો ભાઈ સાંભર્યો છે?"

"ઈશ્વર જાણે શાથી, આજ હું થાકી ગઈ હોઉં તેવી થઈ છું."

એટલામાં વાડાનાં બારણાં ઉઘડ્યાં. આગળ બુદ્ધિધન અને પાછળ મૂર્ખદત્ત તાળુંકુંચી હાથમાં લીધેલાં એવો - એમ બે જણ અંદર આવ્યા.

અલકકિશોરી, કુમુદસુંદરી, વનલીલા અને કૃષ્ણકલિકા સૌ એકઠાં થઈ ગયાં અને અમાત્યની સામે ટોળું બની વીંટાઈ વળ્યાં. રાધા એકલી ફરતી હતી તેણે ઓટલ ઉપર એકલી ચોપડી પડેલી દીઠી. "કોની હશે?" "કોણે અહીંયા મૂકી હશે?" કરી ઓટલે જઈ નીચાં વળી લીધી અને પાનાં ફેરવી જોવા લાગી. સૌને બતાવવા પાછી આવે છે તો ટોળું થતાં દીઠાં, તેમાં પોતે પણ ભળી અને કુમુદસુંદરીને ખભે એક હાથ મુકી ઉભી રહી.

"રાધા ક્યાં?" કરી પાછું જુએ છે તો એને અલકકિશોરીયે દીઠી. કુમુદસુંદરીએ એના હાથમાંથી ચોપડી લેઈ જોઈ.

"શાની ચોપડી છે?" બુદ્ધિધને પૂછ્યું. ચોપડીમાંથી પાનું જોતી જોતી શરમાતી કુમુદસુંદરી બોલી: " આ તો રાધાના હાથમાં હતી. એનું નામ - ધી પંડિત- કાશીવિદ્યાસુધાનિધિ એવું છે. એમાં સંસ્કૃત તથા ઈંગ્રેજી 'આર્ટિકલો' તથા જુનાં પુસ્તકોનાં ઉતારા આવે છે. મ્હારા પિતાજીને ત્યાં પ્રતિમાસે આવે છે." સૌ સ્ત્રી વર્ગ જોઈ રહ્યો, કાંઈ સમજાયું નહીં.

રાધા - "એ તો પેલે ઓટલે પડી હતી કોકની તે મ્હેં આણી."

મૂર્ખદત્ત - "આપણી ધર્મશાળામાં ઉતરેલા છે તેમની ચોપડી છે એ. એ ખોળતા હશે." ​બુદ્ધિધને ચોપડી હાથમાં લીધી અને નવીનચંદ્રને વાડામાં બોલાવવા કહ્યું - તપોધન દોડ્યો. નવીનચંદ્ર પાછો ફરી ચોપડી શોધતો હતો તેને કહ્યું કે “અમાત્ય બોલાવે છે, આ ઓળખાણનો પ્રસંગ ઠીક છે, તમારી ચોપડી એમની પાસે છે, ચાલો.” બન્ને જણ આવ્યા. નવીનચંદ્રે નમસ્કાર કર્યા, બુદ્ધિધને ગંભીરતાથી સ્વીકાર્યા, સ્ત્રીવર્ગ છેટે સંકોચ પામી ઉભો રહ્યો, અને કુમુદસુંદરી ધ્રુજવા લાગી – પુસ્તક ઉપરથી તેની શંકા વધારે બળવાન બની હતી અને સઉની પાછળ ઉભાં રહી બધાં પોતાને દેખે નહી એમ સઉના માથાંની વચ્ચે ર્‌હેતા અંતરમાંથી નવીનચંદ્રનું મુખ નીરાંતે અને નિઃશંક ન્યાળી શકતી હતી. તેના મનમાં એમ હતું કે જો મ્હારી શંકા ખરી હશે તો એ મ્હારો દૃષ્ટિપાત ખમતાં ક્ષોભ પામશે.

બુદ્ધિધનઃ– “તમે ક્યાંના વતની છો ? અહીંયાં કાંઈ પ્રયોજને આવવું થયું હશે.”

નવીનચંદ્રઃ–“હું મુંબાઈ ભણીથી આવું છું. રજવાડો નજરે ન્યાળવાના હેતુથી અાણી પાસ આવ્યો છું."

“તમે મુંબાઈમાં કાંઈ ધંધો કરો છો ?”

"આપણા દેશમાં ક્‌હેવાય છે કે અન્નપૂર્ણા કોઈને ભુખ્યું મુકી સુતી નથી તે હું અનુભવવા ઈચ્છું છું. મુંબાઈમાં હું વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.”

“તો કાંઈ ધંધો કરો. ”

“એક ધંધામાં એક જ જાતનો અનુભવ આવે છે. મ્હારે સઉ જાતનો અનુભવ જેઈએ છીયે.”

બુદ્ધિધનને આ માણસ વિચિત્ર લાગ્યો અને કાંઈક હસવું આવ્યું.

“તમે એ કાર્ય શી રીતે પુરું પાડશો ?”

“ હું બોલ્યા વગર જોઈ શકું છું. કાને સાંભળેલું મનમાં રાખી શકું છું. જાતે રંગાયા વિના સઉ રંગ જેઈ શકું છું,”

બુદ્ધિધને મહામહેનતથી હસવું ખાળી રાખ્યું.

“આ પુસ્તક તમારું છે ?”

"હાજી.”

“તમે શું ભણ્યા છો?”

“કાંઈક ઈંગ્રેજી અને કાંઈક સંસ્કૃત.”

“ક્યાં શીખ્યા છો ?" કુમુદસુંદરી ઉત્તર સાંભળવા આતુર થઈ.

"મુંબાઈમાં.” કુમુદસુંદરી પુરી તૃપ્તિ થઈ નહી. ​“ લ્યો આ પુસ્તક; તમે જ્ઞાતે કેવા છો ? ”

“ જી, આપની જ જ્ઞાતનો છું.”

“ અત્રે ર્‌હો ત્યાંસુધી આપણે ઘેર જમજો.”

“ જેવી ઈચ્છા. "

કુમુદસુંદરીની ચિત્તવૃત્તિને ગમ્યું, તેની પતિવ્રતાવૃત્તિને ન ગમ્યું.

બુદ્ધિધન પોતાને ઘેર વિચિત્ર મનુષ્યોનું પ્રદર્શન જમાવતો તેમાં ઉમેરો થયો જાણી રાજી થયો. નવા અતિથિને યોગ્ય સત્કાર કરવાનું અલકકિશોરીને માથે પડ્યું – તેણે માથે લીધું. તપોધનને હુકમ થયો કે વાળુ વખત નવીનચંદ્રને ઘેર આણવો.

કુમુદસુંદરી જાણી જોઈ અાના સામું જોઈ રહી હતી. કદી કદી તેના દૃષ્ટિપાત ન ખમાતા હોય એમ અાંખો મળતાં તે અાંખ ખેંચી લેતો હતો, ઘડીક બેધડક જોઈ ર્‌હેતો. ઘડીક દ૨કા૨ ન હોય તેમ જોઈ બીજે ઠેકાણે નજર નાંખતો. પરીક્ષાના કાર્યમાં સુંદરીના મનની અમુઝણ ધોવાઈ ગઈ. “ચંદ્ર” અને “ભ્રમર” વાળી કડીયો જોડી હતી તે ફરી ફરી મનમાં ગાતી સઉની જોડે ગાડીમાં બેઠી. બુદ્ધિધન પોતાની ગાડીમાં બેસી ગયો.


  1. એખાહરણમાંથી
  2. ઓખાહરણમાંથી
  3. નળાખ્યાનમાંથી