સરસ્વતીચંદ્ર ભાગ ૨/મનોહરપુરીની સીમ આગળ
મનોહરપુરી સુવર્ણપુરથી દશેક ગાઉને છેટે છે. પુરાતન કાળમાં એ એક મહાન નગરી હતી. વિદ્વાન, સ્વતંત્ર, અને પ્રતાપી રાજાઓનું તે રાજનગર હતું, કાળબળે તે રાજાઓને મલેચ્છ લોકે જીતી લીધા અને મનોહરપુરીની અવદશા થઈ જતાં ત્યાં આગળ માત્ર એક ગામડું, રહી ગયું અને મને હરિયું, મનેરિયું વગેરે ક્ષુદ્ર નામેથી ઓળખાવા લાગ્યું. આજ એ ગામ રત્નનગરીના રાજાના પ્રદેશમાં હતું, અને ઈતિહાસપૂજક ચિત્તવાળા કારભારી વિદ્યાચતુરને તે પ્રિય હોવાથી તેની સવિશેષ સંભાળ લેવામાં આવતી હતી. વિદ્યાચતુરનો જન્મ પણ એ જ ગામમાં હતો. વળી બીજાં પણ ઘણાંક કારણોને લીધે તેને મન એ ગામ પ્રિય લાગતું, વિદ્યાચતુરનું મોસાળ અને ગુણસુંદરીનું પિયર આ જ ગામમાં હોવાથી, તેમ જ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાનો આરંભ આ દમ્પતીએ આ જ ગામમાં ગાળેલો હોવાથી, મનોહરપુરી ઉભયને મનોહર લાગતી અને “મનોહરપુરી ” નામનો તેમણે જીર્ણોદ્ધાર । કર્યો હતો.
સર્વે કૃત્રિમ વૈભવ નષ્ટ થવા છતાં ઈશ્વરે આપેલી સુંદરતા આ ગામને છોડી ગઈ ન હતી અને તેને લીધે તેમજ બીજા કેટલાંક કારણોથી ઘણાક લોકને એ સ્થળ પરિચિત અને પ્રિય હતું. સુવર્ણપુર, રત્નનગરી, અને ઇંગ્રેજી રાજ્ય, એ ત્રણેના અધિકાર નીચેનો પ્રદેશનું તે મધ્યસ્થાન હતું અને ત્રણે રાજયની સીમ મનોહરપુરીની સીમ સાથે ભેટતી હતી. આ રાજ્યોની તેમજ ઈશ્વરરચનાની સીમનું પણ તે મધ્યસ્થાન હતું. પશ્ચિમમાં અર્ધ ગાઉને છેટે સમુદ્ર હતો તેથી પશ્ચિમ પવનની લહેરો શીતળ તથા રમણીય થઈ ઉન્હાળાની દુ:સહતાને મનેહરપુરીમાંથી દૂર કરતી. ઉત્તરમાં સુંદરગિરિ નામના ન્હાના પણ સુંદર પર્વતને આરંભ થતો. બીજી બે પાસ મ્હોટાં વન હતાં, પૂર્વમાં આંબાનાં વન, અતિ વિસ્તારી અસંખ્ય વડની ઘટાઓ, શેરડીનાં ખેતર ઈત્યાદિથી આ ન્હાના ગામડાની દૃષ્ટિસીમાં રોકાઈ ગઈ હતી. ઉંચાં અને લીલાંસૂકાં તાડનાં વન દક્ષિણ દિશામાં સુંદરતાની ધજાઓ પઠે ફરકતાં હતાં અને તેમનાં લાંબાં તથા ફાટયાંત્રુટયાં પાંદડાં પટાવાળા ધ્વજપટથી જુદી જાતનાં ન હતાં. ભદ્રાનદીની સુભદ્રા નામની શાખા પૂર્વમાંથી દક્ષિણમાં આવી વાંકીચુકી ગતિથી ચાલતી સર્વ વનોમાંનાં પાંદડાં તથા ફળપુષ્પોને પોતાની છાતી ઉપર વ્હેતી વ્હેતી મંદ પણ સ્થિર ઝીણો સુસ્વર કરતી કરતી તાડના મૂળ આગળ આવી સમુદ્રમાં ભળતી હતી. આ નદીને લીધે તાડના વનમાં બીજી વનસ્પતિ પણ ગુંથાઈ ગઈ હતી, ચૈત્રના શુકલપક્ષના આ સમયમાં ઉતરતા વસંત તથા આવતા ગ્રીષ્મનો સંધિ થતો હતો તે પ્રસંગે સુરંગિત મ્હોર તથા સુવાસિત કેરિયોથી ઉભરાતું આંબાનું વન અને ભરતી પામતો સમુદ્ર મનોહરપુરીની પૂર્વ પશ્ચિમમાં સુંદરતાના ત્રાજવામાં તોળાતાં હતાં.
આંબાના વન અને તાડના વનને જુદાં પાડી સુવર્ણપુરથી નીકળતો રસ્તો નદીની પેઠે ઉભય પાસનાં વનના તટ વચ્ચે વ્હેતો હતો અને મનોહરપુરી ભણી વળતો હતો.
ચારેપાસનાં વનોમાં સંતાઈ રહેલી સંધ્યાકાળે જ્યારે, ભય માત્ર તજી બહાર નીકળી પડી, ગોળ સૂર્યને તાડના વનની પાછળ ગરબડાવી પાડ્યો અને તે જાતિનું તેજ અસ્ત થતું થતું પણ ઉંચાં તાડના શિખર ઉપર ટકી રહેલું દેખાયું ત્યારે સંધ્યાકાળે શીતળ કરી દીઘેલા રસ્તા ઉપર રગશિયું ગાડું ઘસડાતું હતું અને વિશ્રામસ્થાન પાસે આવ્યું જાણી થાકેલા બળદને જોર આવતું હતું, જે ગાડામાં બેસી સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે જ આ ગાડું હતું. ગાડાવાળો એને એ જ હતો, પણ અંદર સરસ્વતીચંદ્ર અથવા એના સાથમાંનું કોઈ પણ માણસ ન હતું. ગાડાની સાથે ચાલનારે દંડી સંન્યાસી માત્ર અંદર ચ્હડી બેઠો હતો. બનેલા બનાવ ન સમજનાર બળદને માથે માત્ર આ બે જણનો જ ભાર હતો.
ગાડાવાળો અને સંન્યાસી ગમત કરતા ગપાટા મારતા હતા અને ગાડું ખખડતું ખખડતું બે વન વચ્ચેની ખીણ જેવા રસ્તાપર દોડતું હોય એમ ચાલતું હતું. સંન્યાસીના હાથમાંનો દંડ નિર્ભય સ્થિતિમાં ગાડાના પાંજરાપર આડો પડયો હતો અને તેની આકાશ ભણીની અણી લોહીવાળી થઈ હતી. ગાડાવાળો સ્વસ્થ હતો પણ સંન્યાસીના મનમાં કાંઈક શંકા હોય તેમ તેની આંખ સાવધાન રહેવાનો પ્રયત્ન કરતી ચારપાસ કીકી ફેરવતી હતી.
ગાડાની પાછળ જે ત્રણ સવાર સુવર્ણપુર આગળથી ચાલતા હતા તે અત્યારે દેખાતા ન હતા. સરસ્વતીચંદ્ર ચાલ્યો જતો જોઈ કુમુદસુંદરીએ પોતાને તેડવા આવેલા સ્વારોમાંથી એ ત્રણ જણને કેટલીક સૂચના આપી સરસ્વતીચંદ્રની પાછળ મોકલ્યા હતા. અબ્દુલ્લા, ફતેસંગ, અને હરભમજી એવાં એ ત્રણ સ્વારનાં નામ હતાં.
ગાડું ચાલવા માંડયું ત્યારે તેની આગળ જે સ્વર તથા હોંકારા આવતા હતા તે હવે શાંત થઈ ગયા હતા અને તે સ્થળ ગાડું ક્યારનું વટાવી ચુકયું હતું. આંબાનું વન ઈંગ્રેજી સીમમાં હતું, તાડનું વન સુવર્ણપુરના રાજ્યની સીમમાં હતું, અને બેની વચ્ચેના રસ્તાનું મુખ મનોહરપુરીની સીમમાં હતું. તે સીમમાં એક પૂર્વપશ્ચિમ રસ્તો હતો અને ત્યાં આગળથી દક્ષિણ ભણીને રસ્તો બંધ થતો હતો – ભળી જતો હતો. ત્રણ દિશાના માર્ગ મળતા હતા ત્યાં આગળ આમ ત્રિભેટો થતો હતો, ગાડું ત્રિભેટા આગળ આવી અટકયું તે સમયે અંધકાર આકાશમાંથી ઉતરી પડ્યો અને રાત્રિ પણ વિશ્વને ભેટી પડી. ચંદ્રમા ડોકિયું કરી જતો રહ્યો. ત્રિભેટાને મધ્યસ્થાને એક વડનું ઝાડ હતું તેની નીચે સંન્યાસીની ઈચ્છાથી ગાડાવાળાએ બળદ છોડયા અને બે જણ ગુપચુપ અંધારામાં વાતો કરવા લાગ્યા.
ગાડાવાળો:-“ઠાકોર, હવે મને જવા દ્યો. આ તરભેટામાં ત્રગણો ભો, તમે તો છુટા, પણ મ્હારાં તે ઘરબાર જશે.”
સંન્યાસી:–“ હવે છાનો – છાનો,! પેલા હરભમના મારથી મ્હારા જમણા પગનું હાકડું કળે છે તે મ્હારાથી ચલાય એમ નથી ને મ્હારે આ આંબાવાડિયાની પેલી પાર વીરપુર જવું છે, ત્હારા ગાડાવિના ત્યાં નહી જવાય.”
ગાડાવાળો:–“તે વીરપરમાં કિયો બાપ તમને સંઘરવાનો હતો જે ? રાણો ખાચર તમને ને મને બેને બાંધી સોંપી દેશે.” સંન્યાસી:–“ ભા, દીઠા નથી હજી સુરસંગના હાથ. આ હાથ આજ ભૂપસિંહની ગાદીને હલમલાવે છે ને બુદ્ધિધનને ઉજાગરા કરાવે છે. બે દિવસમાં જોઈ કે નહી ઉથલપાથલ કરી છે તે ?”
ગાડાવાળો:–“ત્યારે વીરપુર જઈ શું કરશો?"
સૂરસંગ:–“રાણા ખાચરની અમારે મ્હોટી ઓથ છે, ત્હારે એમના ભણીની બ્હીક રાખવી નહી. સરકારમાં એ ગમે તે બોલશે, કાગળમાં ગમે તે લખશે, પણ સુરસંગનો વાળ વાંકો નહી થવા દે.”
ગાડાવાળો:–“ત્યારે પેલા વાણિયા બ્રાહ્મણ ગાડામાં બેઠા હતા તેનું શું કરશો ? ”
સુરસંગે આ પ્રશ્નનો ઉત્તર ઉડાવ્યો એટલામાં છેટે અંધકારમાં રણશીંગુ વાગ્યું, સુરસંગે ઉત્તરમાં શિયાળના જેવો વિચિત્ર સ્વર કર્યો, થોડી વારમાં કેટલાક પગનો ઘસારો સંભળાયો, સુરસંગ વડવાઇઓના મુખ આગળ ઉભો રહી ચલમ ફુંકી તેમાંથી ભડકા ક્હાડવા લાગ્યો, અને થોડાંક માણસ આવ્યાં તેને સાથે લેઈ વડનીચે અસલ જગાએ આવી પાછો બેઠો. આવેલામાંથી એક માણસ ગાડાવાળાને લેઈ આવતું જતું માણસ સાચવવાને નિમિત્તે વડવાઈ આગળ જઈ બેઠો એટલે બ્હારવટિયાઓ અંત:કરણ ઉઘાડાં કરવા લાગ્યા.
તેમની પાસે હવે કોઈ પારકું માણસ ન રહ્યું. માત્ર સઉનાં માથાં ઉપર ડાળોનાં પાંદડાંમાં કોઈ બેઠું હોય તેમ જરાક ઘસારો થયો. સુરસંગે ચલમ સળગાવી ઉંચું જોયું અને કાન માંડ્યા. પણ તરત પાછો વાતોમાં ભળ્યો.
ચલમમાં ભડકો થતો ત્યારે ઉપરની ડાળેામાં તે તેજનું પ્રતિબિબ પડતું હોય તેમ આગિયા કીડાની પાંખના જેવો ચમકારો સ્પષ્ટ થતો હતો પણ તે પર કોઈનું ધ્યાન ખેંચાયું નહી, અને ચારપાસના અંધકારની પેઠે નિષ્કંટક પરંતુ પવનથી હાલતાં ઉપરનાં પાંદડાંના સ્વરની પેઠે ધીમે સ્વરે બહારવટિયાઓની વાર્તાનો રસ કણોપકર્ણ છાનોમાનો જામવા લાગ્યો.