સરસ્વતીચંદ્ર ભાગ ૪/ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.
“આવો, બેસો,” ચંદ્રકાંત બોલ્યો. કુમુદ એક પાસ બેઠી. ચંદ્રકાંત પણ બેઠો.
“ચંદ્રકાંતભાઈ નીચે કોઈ આવેલા છે ને આપને બેને મળવા ઇચ્છે છે. ” કુમુદે સમાચાર કહ્યા.
“અમને બેને !” સરસ્વતીચંદ્ર કંઈ ચમકી બોલ્યો.
“હાજી,” કુમુદ બોલી. બે જણ ઉતરી નીચે ગયા, ઓટલા ઉપર કુમુદ એકલી તેમને પાછા આવવાની વાટ જોતી બેઠી. બ્હાર દૃષ્ટિ કરવાની વૃત્તિ થઈ ને અટકી.
સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત નીચે ગયા તો ભોંયતળીયે સાધુઓ ઉભા હતા ને ગુફા બ્હાર ઉભેલા એક સ્વાર સાથે વાતો કરતા હતા. એ સ્વાર પોતાનો ઘોડો આ ગુફાઓની બ્હારના ભાગમાં એક થાંભલે બાંધી આવ્યો હતો. એને શરીરે, ઈંગ્રેજી પોલીસના સ્વારના જેવો “ડ્રેસ” હતો ને પગે ઘોડાને પાછળથી મારવાની “સ્પર્સ” – એડીયો – વાળાં ઢીંચણ સુધીનાં “બૂટ” હતાં, ચંદ્રકાંતને દેખી એણે સલામ કરી અને સરસ્વતીચંદ્ર ભણી જોઈ બોલ્યો. “જોગીરાજ, સાધુ નવીનચંદ્ર તે આપ ? ”
સર- હા હું જ.
સ્વાર– ચંદ્રકાંતજી, નવીનચંદ્રજી, આ જ ?
ચંદ્ર૦— એ જાતે ક્હે છે પછી શું પુછો છો?
સ્વાર– નવીનચંદ્ર મહારાજ, અમારા ન્યાયાધીશે મોકલેલું આ આમંત્રણ-આજ્ઞાપત્ર[1] લ્યો અને તેની નકલ ઉપર આ કલમ અને શાહી વડે આપની સહી કરી આપો. ચંદ્રકાંતજી, આ આપના ઉપરનું આજ્ઞાપત્ર.
બે જણે પોત પોતાનાં આજ્ઞાપત્ર વાંચ્યાં, પળવાર એક બીજા સામે જોઈ રહ્યા, અને અંતે સહીઓ કરી નકલો પાછી આપી. સ્વારે બીજા સાધુઓનાં નામ પુછી લખી લીધાં ને એકદમ પાછો ગયો.
રાધે૦- જી મહારાજ, આ શું છે ?
સર૦- ચંદ્રકાંત, આ વાંચી બતાવ.
ચંદ્રકાંતે વાંચવા જેવા ભાગ વાંચી બતાવ્યા
“ચૈત્રવદ ૧૦ ને રેાજ શ્રી યદુનન્દનના આશ્રમમાં મહારાજ શ્રી મણિરાજની આજ્ઞાથી અને મહન્ત શ્રી વિષ્ણુદાસના આશ્રયથી આ રાજ્યના
વરિષ્ઠ ધર્માધિકારી અને વિષ્ણુદાસજી પોતે અથવા તેમના કોઈ પ્રતિનિધિ સાધુ તમો નવીનચંદ્ર સાધુને પ્રશ્નો પુછશે તેના ઉત્તર આપવા, અને તે દિવસે અને તે પછીના જે જે દિવસો એ બે જણ નીમે તે દિવસોયે, એ બે જણ જે જે સાક્ષીઓ પાસે તમારું અભિજ્ઞાન કરાવે તે કરવા દેવા, તમો સાધુ નવીનચંદ્રે પ્રત્યક્ષ ર્હેવું તેમ કરવામાં પ્રમાદ કરશો તો તમને અસાધુ ગણી સંસારી જનોને માટે કરેલા આ રાજ્યના ધારાઓ પ્રમાણે આ રાજ્યના અધિકારીઓ પાસે બલાત્કારે બોલાવવામાં આવશે.”
જ્ઞાન૦- આટલું તો આપણા ગુરુજીના અધિકાર પ્રમાણે પ્રશસ્ત છે. પણ આમ કરવાનું પ્રયોજન પણ એ લેખમાં કોઈ સ્થાને આવતું હશે. ચંદ્રકાંત વાંચવા લાગ્યો.
“સુવર્ણપુર સંસ્થાનમાં બ્હારવટીયા ચંદનદાસ અને બીજાઓ ઉપર એવો આરોપ છે કે તેમણે નવીનચંદ્ર નામના મનુષ્યનો વધ કર્યો છે; આ રાજ્યમાં અર્થદાસ નામના વાણીયા ઉપર એવો આરોપ છે કે તેણે મુંબાઈના સરસ્વતીચંદ્ર લક્ષ્મીનંદનનો વધ કર્યો છે. આ કામમાં ન્યાયાર્થી[2] મુંબાઈના ધૂર્તલાલ અને હીરાલાલ નામના છે. તેમનું ક્હેવું એમ છે કે આ સરસ્વતીચંદ્ર નવીનચંદ્રનું નામ ધારી ગુપ્ત વેશે ફર્યા કરતો હતો પણ તે બે નામનું મનુષ્ય એક જ છે. આ વિષયનું ન્યાયશોધન ઉપલાં બે રાજ્ય અને સરકારી રાજ્ય એ ત્રણમાંથી એક અથવા અનેક સ્થાને થવાનું છે તેમાંથી જે સ્થાને શોધન થાય ત્યાં સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્રના અસ્તિત્વ અને અભેદના પ્રશ્નોનું નિરાકરણ થવામાં ઉપયોગી પ્રશ્નો સાક્ષીઓને પુછવાને માટે મહારાજ મણિરાજે પોતાના વરિષ્ઠધર્માધિકારી શંકરશર્મા અને મહંત વિષ્ણુદાસજીને અધિકારી નીમેલા છે તે આજ્ઞાનો નિર્વાહ કરવાને માટે નાગરાજ મહારાજના યદુશૃંગના સાધુજનો ઉપરના શાસનપત્રને આધારે આ આમંત્રણાજ્ઞાપત્ર ક્હાડેલું છે.”
જ્ઞાન૦- જી મહારાજ, ગુરુજીની છાયામાં ર્હેનાર સાધુજનોને નાગરાજ મહારાજે આપેલા અભયપત્ર પ્રમાણે જે ન્યાયશોધન થાય તેમાં જ ગુરુજી સહાય આપે છે, અને ગુરુજી જેમાં સહાય્ય આપે નહી તેવાં સર્વ આજ્ઞાપત્ર વૃથા છે, માટે આપની શાન્તિ કે સ્વસ્થતામાં કોઈ જાતની ન્યૂનતા થવી ઘટતી નથી.
સરo- ના સ્તો.
એટલામાં એક બીજો સાધુ આવ્યો ને સરસ્વતીચંદ્રને ક્હેવા લાગ્યોઃ “જી મહારાજ, વિહારપુરીજીએ ક્હાવ્યું છે કે પ્રાત:કાળે ગુરુજી આ સમાધિમાંથી જાગશે તે પછી આપને અને આપના મિત્રને તેમનાં દર્શન માટે બોલાવીશું. આપના ઉપર આવેલું આજ્ઞાપત્ર આપને પ્હોચ્યું હશે અને તે સબંધમાં ગુરુજી ઉપર આવેલા લેખ પણ ગુરુજી કાલે જોશે. આપના જેવા પરમ સાધુજનને તો ગુરુજીની છાયામાં સર્વથા અભયછત્ર છે. બીજું આપના મિત્રના ઉપર પ્રધાનજીને ઘેરથી અને પ્રધાનજીએ મોકલેલા કેટલાક પત્રો આશ્રમમાં આવેલા હતા તે વિહારપુરીજીએ મ્હારી સાથે મોકલેલા છે.”
સરસ્વતીચંદ્રે તે પત્ર લેઈ ચંદ્રકાંતને આપ્યા.
સાધુ– ચંદ્રાવલીમૈયા પણ રાત્રીએ ઘણું કરી આપને મળશે.”
સર૦– તે ઉત્તમ જ થશે.