સરસ્વતીચંદ્ર ભાગ ૪/મિત્ર કે પ્રિયા ?
प्रेयो मित्रं बन्धुता वा समग्रा सर्वे कामाः शेवधिजीवितं च X X X धर्मदाराश्च पुंसाम् ॥ - भवभूति (અર્થ – ધર્મપત્ની, પતિને સર્વથી વધારે મિત્ર છે, સર્વે સગપણનો સરવાળો છે, સર્વ ઇચ્છાઓનું સ્વરૂપ અને સર્વ ભંડાર છે, ને પતિનું જીવન જ છે. - ભવભૂતિ )
પોતે ઉછેરેલું ચન્દનવૃક્ષ સંસારનો આ નવો પ્રહાર કેવી રીતે સહી શકે છે અને પોતે તેને કેટલું બળ આપેલું છે તેનું ગણિત કરતો કરતો એ વૃક્ષનો માળી સરસ્વતીચંદ્ર, અનેક વિચારોમાં મગ્ન થઈ, તેના અને પોતાના સહવાસ અને સંગત-સ્વપ્નોના સ્થાનભૂત ઓટલા આગળ ઉભો રહી, બ્હાર દ્રષ્ટિ નાંખવા લાગ્યો.ગુફાઓ વચ્ચેના ઝરાએાના આરા ઉપર સાધ્વીઓની વચ્ચે થઈને નીચી દૃષ્ટિથી ચાલતી કુમુદ જતી જણાઈ. છેટે એક સ્થાને તેણે પાણીમાં પેંશી કેશ પલાળી સ્નાન કર્યું; સાધ્વીઓમાંનું કોઈ પણ બોલતું દેખાયું નહીં. પુતળીઓની પેઠે મુગી રહી સર્વ સ્ત્રીયો કુમુદની શોકપ્રવૃત્તિમાં સહાયક થતી હતી. કુમુદનાં આંસુ ઝરાના પાણીમાં વહી જતાં માળ્ ઉપર ઉભેલા પુરુષે કલ્પ્યાં. કેડ સુધી લટકી ર્હેતે ભીને વાળે, ઉચાં નીચાં અવયવોમાં ચ્હોટી જતે ભીને લુગડે, બેસી જતા દેખાતા ગાલે, અસ્વસ્થ પણ મન્દ શિથિલ ક્રિયાએ, પાણીમાં ન્હાતી કુમુદમાં સરસ્વતીચંદ્રના હૃદયને તૃપ્ત કર્યું, લીન કર્યું, અભિલાષી કર્યું, દયાલુ કર્યું, તપ્ત કર્યું, શોકગ્રસ્ત કર્યું, અને અંતે અનેક ઉંડા નિઃશ્વાસોની ધમણથી ધમતું કર્યું. પ્રીતિની નાડીઓ એના હૃદયમાં અને શરીરમાં નવા અને અપૂર્વ મન્દ વેગથી વહન પામવા લાગી અને દુઃખી નર્મદના અનુભવને તેમાં પુનર્જન્મ આપતી હોય તેમ એની પાસે ધીમે ધીરે સ્વરે ગવડાવવા લાગી.
“સલામ, રે દીલદાર, યારની ! કબુલ કરજે ! રાખીશ માં દરકાર, સાર દેખી ઉર ધરજે. ઘણા ઘણા લેઈ ઘાવ, તાવમાં ખુબ તવાયાં ! નહી અન્ન પર ભાવ ! નાવમાં નીર ભરાયાં ! સરખાસરખી જોડ, કેડનાં બંને માર્યા; છુટી પડી ગઈ સ્હોડ ! હોડમાં બંને હાર્યા ! એક અંગોનાં અંગ, નંગ–કુન્દન બન્યો છે ! છાજો નહી રે સંગ, રંગમાં ભંગ પડ્યો છે !”[1] “ કુમુદ ! કુમુદ !"
“પ્રિયા ! તું શોક છોડી દે ! જગતના બંધ તોડી દે ! તું કાજે હું કરું શું ? કહે ! હૃદય પર શલ્ય શાને વ્હે ? હવે ઉભાં નવે દેશે ! હવે ફરીયે નવે વેશે ! નથી સંસારની ભીતિ; ત્યજી સંસારની રીતિ.
સગાં સંસારનાં છોડયાં; છુટ્યાં તેઓથી તરછોડ્યાં. સુરમ્ય જ સાધુનો પન્થા; ધરી લે–ચ્હાય તે–કન્થા. હવે વિશ્વમભરે જ રચ્યો, પ્રિયા, સંકેત, જો, આ મચ્યો ! પ્રિયા, સઉ શોક છોડી દે ! જડાઈ જા તું આ હૃદયે ! પ્રિયા ! સઉ શોક ત્યજને તું ! પરાપ્રીતિયજ્ઞ યજને તું !” જુના હૃદયમાંથી આ નવા ઉદ્ગાર નવા વેગથી નીકળતા હતા એટલામાં સાધ્વીઓએ કુમુદને અંચળો આપ્યો ને તેણે તે પ્હેરવા માંડ્યા. કુમુદની આંખોમાં આંસુ છે કે નહી તે આટલે દૂરથી દેખાતું ન હતું. પણ એણે ભીનું શરીર લોહ્યું, જુનું રંગીન રાતું વસ્ત્ર બદલ્યું, ને નવું પ્હેર્યું – એટલામાં જ્ઞાતાજ્ઞાત સુન્દર અવયવો, ઉપર ઉભેલાની આંખને, કંઈ કંઈ સાનો કરવા લાગ્યાં. અંચળો પ્હેરાઈ રહ્યો ને કુમુદ સાધ્વીને રૂપે ઉભી ત્યાં એ સાનો બંધ થઈ ગઈને સટે વૈરાગ્યની મૂર્ત્તિ જેવી બાળાનાં દર્શન આજ જોનારના હૃદયમાં પવિત્ર સંસ્કારોને ભરવા લાગ્યાં. શાંત સ્થિર થઈ સરસ્વતીચંદ્ર એને જોઈ રહ્યો ત્યાં કન્થા ધરેલી કુમુદના સામી સાધ્વીઓ ઉભી રહી અને પરિચિત પણ સ્ત્રીકંઠની કોમળ ગર્જના કરી ઉઠી તે ઉપર સુધી સંભળાઈ કે–
“નન્દકો નન્દન એક આનન્દ દેત હય ! વિષ્ણુદાસજીકી જય ! ચન્દ્રાવલીમૈયા કો જય ! મધુરીમૈયાકો જય !”
થોડી વારમાં સર્વ મંડળ ચાલવા લાગ્યું અને ગુફાએાનાં છજાં નીચે અદૃશ્ય થયું. સરસ્વતીચંદ્ર શાંત થયો અને થોડીક વારમાં અન્ય વિચારોમાં પડી અંતે પોતાના સ્વપ્નનો ઇતિહાસ લખવામાં મગ્ન થયો. બે ચાર ઘડી એ લેખમાં ગાળી હશે એટલામાં કાને સ્વર સંભળાયો:–
“જી મહારાજની આજ્ઞા હોય તો ઉપર આવું.”
“નીરાંતે આવો.” સરસ્વતીચંદ્ર ઉભો થતો થતો બોલ્યો અને રાધેદાસ ઉપર આવ્યો.
રાધે૦- જી મહારાજ વિહારપુરીજી સંદેશો મોકલે છે કે આપના પ્રિય મિત્ર પ્રાત:કાળે યદુશૃંગ ઉપર આવશે અને તેમને ક્યાં વાસ આપવો તે પુછાવે છે.
“અવશ્ય જ્યાં હું છું ત્યાં જ લાવજો ” હર્ષમાં આવી સરસ્વતીચંદ્રે ઉત્તર દીધો.
રાધે૦– જેવી આજ્ઞા.
રાધેદાસ ગયો.
સરસ્વતીચંદ્ર વિચારમાં પડ્યો.
“ચંદ્રકાંત પ્રાત:કાળે આવશે – પણ કુમુદનું તે પ્રસંગે શું કરવું? મિત્રના સમાગમકાળને પ્રિયાના વિયોગનો પ્રસંગ કરવો ? કુમુદના સૂક્ષ્મ પરિતાપને કાળે, આટલા સહવાસને અંતે, તેને ક્ષણ પણ દૂર કરવી ધર્મ્ય નથી. પણ સંસારની દૃષ્ટિથી જોનાર અને સાધુઓની દૃષ્ટિનો અપરિચિત મિત્ર કુમુદને અંહી જોઈ શા શા સંકલ્પ નહી કરે અને મ્હારા ઉપરની એ મિત્રની પ્રીતિમાં શાં શાં વિઘ્ન નહી આવે ? મ્હારા પોતાના ભાગ્યના એ પરિણામના તર્ક હું શા માટે કરું છું? પ્રિય કુમુદ ! મ્હારા સંપ્રત્યયની અનુકૂળતા તને ગુપ્ત રાખવામાં જ હશે, ત્હારે એ મિત્રથી અદૃશ્ય ર્હેવું હશે, તો જોડેની ગુફા ત્હારે માટે છે ને નીચલો ખંડ મિત્રને માટે ર્હેશે. ત્હારે તેને મળવાની ઇચ્છા હશે તો તો મ્હારે કાંઈ વિચારવાનું જ નથી. મિત્ર મ્હારી શુદ્ધ પરીક્ષા કરશે તે મને સાધુવત્ લેખશે ને કુમુદના યોગનું એ અભિનન્દન કરશે, મ્હારી કથામાં શ્રદ્ધા રાખશે, ને મ્હારા પ્રીતિયજ્ઞમાં ઉત્તમ આશ્રય આપશે. મિત્ર મ્હારી અશુદ્ધ પરીક્ષા કરશે તો મ્હારો ત્યાગ કરશે, ને મ્હેં તો સર્વનો ત્યાગ કરેલો જ છે તે હું મ્હારો ત્યાગ બીજું કોઈ કરે તેમાં શો દોષ ક્હાડું ? એ મ્હારો ત્યાગ કરશે તેથી મ્હારા હૃદયની એના પ્રતિની પ્રીતિ ન્યૂન થવાની નથી. સંસારના સંપ્રત્યયનો અનુભવી એ વિદ્વાન એ સંપ્રત્યયોથી દોરાય તેમાં એની પ્રીતિનો દોષ શો ક્હાડવો ? કુમુદ સાથે હું નવીન ધર્મથી બંધાયો છું ને બંધાઉં છું ને તે ધર્મનો ઉદય, મ્હેં ધર્મથી કરેલા આમન્ત્રણને લીધે ને ધર્મથી પ્રાપ્ત થયલા અદ્વૈતને લીધે, થયો છે તો તેનો સત્કાર અનિવાર્ય છે ને તેને પ્રતિકૂળ થયા વિના મિત્ર સાથેના ધર્મનો જેટલો સત્કાર થશે તેટલો કરીશ ને નહી થાય તેટલો નહી કરું. સાધુઓનો સનાતન ધર્મ આ માર્ગ મને દર્શાવે છે તો બીજું કાંઈ વિચારવાનું નથી. સાધુજનો, તમારા સનાતન ધર્મના સર્વ પન્થ સુદૃશ્ય છે, ને સુખ તેમ શાંતિનાં કલ્યાણના દાતા છે. તમારા ધર્મમાં દૃષ્ટિને ભારે ગુંચવારા નથી ને જે ગુંચવારા નીકળે છે તે જાતે જોવા સૂક્ષ્મ અને રમણીય હોય છે તેવાં તેમનાં સમાધાન પણ સૂક્ષ્મ અને રમણીય થાય છે. સત્ય છે કે એ ધર્મનાં પાલન કઠણ અને કષ્ટસાધ્ય થાય છે – પણ એથી જ તે પાલન તપ-રૂપ છે, એથી જ તે સાધુજનોને સિદ્ધ કરે છે, અને એથી જ તે અસાધુજનોને ગમતા નથી. પણ એ ધર્મ જાણવામાં કે પાળવામાં આ તપ વિના બીજો ગુંચવારો નથી. કુમુદ ! ચન્દ્રાવલીમૈયાની રસબુદ્ધિએ આપણે માટે યોજેલા તપમાં, અને આપણાં સૂક્ષ્મ જીવનમાં, આપણે કેવી રમણીયતા અને સંસિદ્ધિ ધર્મથી અનુભવી છે ?
- ↑ નર્મ કવિતા.