સરસ્વતીચંદ્ર ભાગ ૪/સમાનવર્ત્તન.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમાનવર્ત્તન.

“What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous.

સરસ્વતીચંદ્રને અને ચન્દ્રાકાંતને એક જુદી પર્ણકુટીમાં આ ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવસ ગાળ્યો. તે દિવસે આવેલા પત્રમાં ચન્દ્રકાન્તને આવેલા ઘણાક પત્રો ભેગા સરસ્વતીચંદ્ર ઉપર પણ પત્રો હતા. તેમાં બુલ્વરસાહેબના, લક્ષ્મીનંદનના, હરિદાસના, ઉદ્ધતલાલના, તરંગાશંકરના, અને બીજાએાના પણ હતા. સરસ્વતીચંદ્ર હવે સર્વનાં મનમાં પ્રકટ થયો અને સર્વ સુન્દરગિરિ ઉપર આવવાના એ પણ નક્કી થયું. છેક સાયંકાળ સુધી બે મિત્રોએ મુંબાઈની અને રત્નનગરીની વાતો કરી અને સાંઝે છ સાત વાગતાં બ્હાર નીકળવાનો વિચાર કરે છે ત્યાં કમાડ ખખડ્યું અને પુછવા જાય છે એટલામાં તો ઉઘાડી એક સાધુ દીવો કરી ગયો ને તેની પાછળ ચંદ્રાવલી આવી.

એને દેખતાં બે જણ ઉભા થયા અને પ્રણામ કર્યા. સર્વ બેઠાં.

ગુણસુંદરી સાથે પોતાને, અને કુસુમ સાથે કુમુદને, થયલી સર્વે વાતે ચન્દ્રાવલીએ કહી બતાવી અને અંતે બોલી:​“સાધુજન, બે બ્હેનોએ, પરમ સ્વતંત્રતાથી, પરમ કલ્યાણબુદ્ધિથી, અને પરમ વ્યવહારનિપુણતાથી, એવો નિર્ણય કર્યો છે કે મ્હારી મધુરીમૈયા – તે સંસારની કુમુદસુન્દરી – પરિવ્રાજિકાજીવન ગાળશે ને કુસુમબ્હેનની પ્રીતિનો આપે પરમ દયાથી સ્વીકાર કરવો યોગ્ય છે. આપ જેવા મહાસાગરનો કુસુમબ્હેન ગંગામૈયા પેઠે સમાગમ પામશે અને કુમુદબહેન તેમની પાછળ યમુનામૈયા પેઠે પ્રવાહિત ર્‌હેશે. સર્વનું કલ્યાણ આમાં છે. મ્હેં પણ સૂક્ષ્મ ચિકિત્સાથી બે બ્હેનોનાં હૃદયમર્મ સમજી લીધેલાં છે ને તેમનું માગેલું ઔષધ તે જ સર્વના કલ્યાણનું અને સર્વના ધર્મનું સાધક થશે એવો સિદ્ધાન્ત કરેલ છે. ક્‌હો જી, આપની શી આજ્ઞા છે ?”

ચન્દ્રકાન્ત આનંદમાં આવી બોલ્યો; “ મિત્ર, કન્થા તમારે રાખવી હોય તો કુસુમસુન્દરી પણ રાખશે, અને સર્વનાં મનોરાજ્યના મનોરથ પૂર્ણ થાય એવી તમે પૂર્ણાહુતિ પણ કરી શકશો. લક્ષ્મીનંદનશેઠ કાલ પ્રાતઃકાળે આવી પ્હોચશે અને બે સદ્ગુણી વિદુષી પરમ સંસ્કૃત આર્યા બ્હેનોની વિજ્ઞપ્તિ સ્વીકારશો તો તમારા હૃદય વિના સર્વનાં હૃદય પ્રફુલ્લ થશે અને તમારા મહામહાયજ્ઞની અદ્વૈતવેદિ ઉપર મહાજવાલાઓ પ્રકટ થશે. તમારા હૃદયની વૃત્તિ આ વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડે તો આ યજ્ઞમાં એ વૃત્તિનું પણ બલિદાન આપો અને સર્વનું કાર્ય કરો. તમે અને કુમુદસુન્દરીએ પ્રથમ સર્વે નિર્ણય મ્હારા ઉપર નાંખ્યો હતો તે હું હવે નિર્ણય કરું છું – મને પંચ ઠરાવ્યો હતો તે હું હવે આજ્ઞા આપુ છું કે આ વિજ્ઞપ્તિ સ્વીકારો. બે બ્હેનોની ઈચ્છા પ્રમાણે ચાલવા તમે સ્વીકારેલું છે તે બ્હેનોની પણ ઇચ્છા જણાઈ ગઈ. તેમની ઇચ્છા તેમનાં હૃદયની છે કે માત્ર મુખની છે તે વિષયે પણ ચન્દ્રાવલીમૈયા જેવાં સૂક્ષ્મ મર્મજ્ઞ સુપરીક્ષકે સત્ય નિર્ણય કરી કહ્યા ! હવે તો તમારા હૃદયને પણ પુછવાનું બાકી રહ્યું નથી તો માત્ર મુખથી હા ભણો ! ગુરુજીની પણ અનુજ્ઞા જ છે – તેમણે તો તમને દીક્ષા આપતાં જ ક્‌હેલું છે કે માન અને મદનો ત્યાગ કરો અને અવશ્ય હોય તો આ સાંકેતિકી કન્થાનો પણ ત્યાગ કરો, ને ચન્દ્રાવલીમૈયા જેવાં યાચકને નિર્મુખ ક્‌હાડવાનું અકાર્ય કરશો નહી !”

ચન્દ્રા૦– સાધુજન, આપના વિષયમાં જ્ઞાનભારતી અને વિહારપુરીનો અભિપ્રાય પણ જાણતી આવી છું. તેઓ ગુરુજીના ઉત્તમાધિકારી શિષ્યો છે ને તેમણે ઉભયે મારા વિચારમાં અનુમતિ કહી છે, ચિરંજીવોની કૃપાથી ​આપ જે ઉત્તમયજ્ઞના અધિકારી છો તે અધિકારની કથાનું ગુરૂજીને સ્વમુખે તેમણે શ્રવણ કરેલું છે; અને મધુરીમૈયાના અભિલાષને ઉત્તમ ગણી એની ભગિનીને આ૫ સ્વીકારો એટલું જ નહી, આપના દુ:ખી પિતાને શાન્ત કરો એટલું જ નહી, પણ એ બે કર્તવ્યને તો આપના મહાયજ્ઞને અંગે સ્વીકારવા જેવાં સાધન ગણી, આપના સાધ્યના સંબંધમાં બીજી પણ ભવ્ય સામગ્રીઓ સંભૃત કરો, અને શ્રીઅલખના લખસ્વરૂપની વિભૂતિઓને સંસારમાં – વસન્તોત્સવના અબીલગુલાલ પેઠે - ઉરાડો, તો એમાં પણ ગુરુજીના આ લધુ મઠનો અપૂર્વ ઉત્કર્ષ જ છે એવું ક્‌હાવ્યું છે.

સર૦– મૈયા, તે મહાત્માઓની મ્હારા ઉપર બહુ કૃપા છે.

ચન્દ્રા૦– “મહાશય ! કલ્યાણાશયની અનન્તતા મ્હેં આપને તે દિવસ વર્ણવી હતી તે હવે આપે સંસારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રસંગ સમીપ આવે છે. તે જેઈ વિહારમઠના અધિષ્ઠાતૃપદથી જ્ઞાનભારતીએ ક્‌હાવ્યું છે કે–

[૧]गुणागारे गौरे यशसि परिपूर्णे विलसति प्रतापोऽकल्यणं दहति तव लक्ष्यस्वतिलक । नवैव द्रव्याणीत्यकथयदहो मूढतमधी श्चतुर्श्चा तेजोऽपि व्यभजत कणादः कथमसौ ॥ “અને વિહારપુરીએ તો એમ જ પુછ્યું છે કે–

[૨]वातं स्थावरयन्नभः पुटकयन्स्रोतस्वती सूत्रयन् सिन्धुं पल्वलयन्वनं विटपयन्भूमण्डलं लोष्टयन् । शैलं सर्षपयन्दिशं च पलयांल्लोकत्रयं क्रोडयन् हेलारब्धरयो हयस्तव कथंकार गिरा गोचरः ॥ ૧. હે લક્ષ્ય-રૂપના પોતાના તિલક ! ત્હારું ગુણમન્દિર એવું તો ગૌરછે – એ ત્હારું પરિપૂર્ણ યશ એવું તો વિલસી રહ્યું છે - કે ત્હારો પ્રતાપ અકલ્યાણમાત્રને બાળી ભસ્મ કરી નાંખે છે; ગુણોનું અધિષ્ઠાન થયેલું એ અપૂર્વ દ્રવ્ય અને એ પ્રતાપ-તેજ કણાદના ન્યાયમાં ગણાવ્યાં નથી; તે એમૂઢભાં મૂઢ બુદ્ધિવાળા મુનિયો કોણ જાણે શાથી નવ જ દિવ્ય કહ્યાં ને તેજનાપણ માત્ર ચાર જ ભાગ પાડ્યા. (સુભાષિત રત્ન ભાંડાગાર ઉપરથી) ર. ત્હારો અશ્વ કેવો દોડે છે ? પવનને તે સ્થાવર કરી મુકે છે, આકાશનેપડીયા-દડીયા-જેવું કરી દેછે, નદીને સૂત્ર - તાંતણા – જેવી કરી દે છે, મહાસાગરને ન્હાની તળાવડી જેવો કરી દે છે, આખા વનને એક શાખા જેવું કરીદે છે, ભૂમંડલને માટીના દગડા જેવું કરી દે છે, પર્વતને રાઈના દાણા જેવાકરી દે છે, દિશાને પુલ માત્રા જેવી કરી છે, અને ત્રણે લોકને પોતાની ફાળમાં ભરી લે છે ! રમતમાં જ જેણે એવા વેગ આરંભ્યા છે એવા ત્યારેઅશ્વ વાણીથી શી રીતે વર્ણવી શકાય ? ( સુભાષિતરત્નભાણ્ડાગાર ). ​ “મહાત્મા ! પ્રધાનજીના પિતા અને પ્રધાનજીનાં પત્ની આપના મુખોચ્ચારની વાટ જુવે છે તેમને શો સન્દેશ કહું ? ”

સર૦–મૈયા ! એમને ક્‌હેજો કે હું તે કન્થાધારી સાધુજન છું, આ શરીરને અર્થે જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થયું હતું અથવા થશે તે સર્વ લેાકયજ્ઞમાં વેરી નાંખવાની પ્રતિજ્ઞાથી બંધાઈ ગયો છું, અને રત્નનગરીના લક્ષ્મીમાન્ પ્રધાનજીનાં ભાગ્યશાળી ર્‌હેલાં પુત્રીનું ભાગ્ય મ્હારા ભાગ્ય સાથે જોડાશે તો તેમને સૌંદર્યોદ્યાન જેવા ભવ્ય આવાસમાંથી ઉતરી આવી પર્ણકુટીમાં ર્‌હેવાને પ્રસંગ આવશે તે દુઃસહ થશે ! પ્રધાનજીનાં એક પુત્રી મ્હારા દુશ્ચરિતથી ભાગ્યહીન થઈ ગયેલાં છે તે તેમનાં આ એક પુત્રીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છતાં એમનાં બીજાં પુત્રીના વિષયમાં મ્હારો હવે ફરી વિશ્વાસ કરવાનો પ્રસંગ પાડતાં તેમણે ઘણું વિચારવાનું છે તે સાવધાન રહી સર્વ અનુભવી વડીલ વર્ગે વિચારવું જોઈએ છીએ, અને તે પછી કુમુદસુન્દરીના હૃદયની આજ્ઞા અને કુસુમસુંદરીના હૃદયની ઇચ્છા એક થાય તો હું તો ગુરુજીની ઇચ્છાથી દૂર નથી.

ચન્દ્રા૦– યોગ્ય સન્દેશ ક્‌હાવ્યો. મહાશય, તમને આશીર્વાદ દેઈ હું જાઉં છું.

સર્વ ઉઠ્યાં. સરસ્વતીચંદ્ર પ્રણામ કરતો કરતો બોલ્યો. “ચન્દ્રાવલી મૈયા, આપ રસની અને ધર્મની અપૂર્વ ચેતન મૂર્તિ છો અને હું આપના મન્દિરમાં ઉપાસક પેઠે ઉભો છું તો આપની પાસે ર્‌હેલી આ બે પવિત્ર દીવીયોના દીપ મ્હારા અદક્ષિણ મુખપવનથી કમ્પે કે હોલાય એવું કરાવાનો પ્રસંગ ન આવવા દેશો. ”

“અસ્તુ” કહી ચન્દ્રાવલી ચાલી ગઈ. ચન્દ્રકાન્ત સ્તબ્ધ થઈ સઉ જોયાં સાંભળ્યાં કરતો હતો તે પોતાને માટેની પથારીમાં બેસી ગયો ને લાંબો થઈ સુઈ ગયો.

“સરસ્વતીચંદ્ર, હવે વિચારવાનું નથી, ચર્ચવાનું નથી, ને રાત્રિ પડી તે બ્હાર જવાનું નથી. માત્ર ફલાહાર કરી સ્વસ્થ નિદ્રા પામવાનું છે.”

આખી રાત બે મિત્રોએ બોલ્યા ચાલ્યા વિના ગાળી. ચન્દ્રકાન્તે આખી રાત્રિ એક અસ્વપ્ન નિદ્રા વડે પુરી કરી. સરસ્વતીચંદ્ર જરી નિદ્રા પામતો હતો, વળી જાગૃત થતાં કાંઈક સ્તવન કરતો હતો, અને વળી નિદ્રાવશ થતો હતો. માત્ર એક વાર સરસ્વતીચંદ્ર નિદ્રામાં અશ્રુપાત કરતો કરતો લવ્યોઃ “પુરુષ વજ્ર જેવો કઠણ છે ત્યારે સ્ત્રીની દયાનો પાર નથી. કુમુદસુંદરી ! તમે તમારો અભિમત પતિવ્રતાધર્મ પાળવાનો નિશ્રય છોડી સાધુ​જનનો બોધેલો ધર્મ સ્વીકારવા તત્પર થયાં તે શાથી ? માત્ર મ્હારા ઉપર પ્રીતિથી - અને મ્હારી આ સ્થિતિ જેવાની તમારી અશક્તિથી ! પવિત્ર માતાપિતાની અવગણના કરવા તત્પર થયાં - દેવી અને બુદ્ધિધન જેવી તમારા હૃદયની મૂર્તિઓને ભુલી જવા તત્પર થયાં, અપકીર્તિ અને હૃદયનું મર્મવેધન સ્વીકારવા ઉભાં થયાં - તે સર્વે શાને માટે ? હવે આવું વૈધવ્ય અને આ પરિવ્રજ્યા લેવાની તીવ્રતમ પ્રતિજ્ઞા કરી બેઠાં તે શાને માટે ? મ્હારું મનોરાજ્ય જોઈ સંસાર ઉપર તમારા હૃદયની કૃપા થઈ તે માટે, મ્હારા મનોરાજ્યની અનાથતા જોઈ શક્યાં નહી તે માટે, માતાપિતાની ઉદારતાની પરાકાષ્ઠા જોઈ આર્દ્ર થયાં તે માટે, ને કુસુમ જેવી બ્હેનની કુમારાવસ્થાનું કારણ - ઇંગિતથી જાણી - જોઈ શક્યાં નહી તે માટે ! સર્વથા એ જ તમારી સૂક્ષ્મતમ પ્રીતિનું મૂળ, એ જ તમારી આર્દ્રતા, કોમળતા, દયા ! એ દયાએ મ્હારી ને કુસુમ વચ્ચે તમારી પાસે આ દૂતીકર્મ કરાવ્યું ! એ દયાએ કુસુમનાં મ્હારે માટે સંવનન – પરિશીલન કરાવ્યાં ! કુમુદ ! તમે જ આર્યા છો. કુમુદસુંદરી ! આર્યતા તમે જ સમજ્યાં છો !” એવું લવતાં લવતાં એની રાત્રિ ગઈ. સર્વેની રાત્રિ ગઈ અને પ્રાત:કાળ થયો. લક્ષ્મીનંદન શેઠ અને ગુમાન દશેક વાગે આવે છે એવા સમાચાર મળ્યા. પ્હેલાં હરિદાસ આવ્યો, હર્ષનાં આંસુ ભર્યો “ભાઈ” ને ભેટ્યો ને સાથે પાઘડી લુગડાં આણયાં હતાં તે, અંચળો ક્‌હાડી, પ્હેરવા “ભાઈ” ને ક્‌હેવા લાગ્યો. સરસ્વતીચંદ્રે ચન્દ્રકાંત સામું જોયું. ચન્દ્રકાન્તે સ્મિત કરી કહ્યું - “ભાઈ, હવે ગુરુજીની આજ્ઞા છે તે સાધુતાના માનનો ત્યાગ કરો અને, કન્થાને અને પાઘડી લુગડાંને એક ગણી, તમારે માટે ઘેલા થયેલા પિતાને ડાહ્યા અને સુખી કરવાને માટે, હરિદાસનું કહ્યું સત્વર કરો.” કન્થાનો ત્યાગ કરી, સંસારનાં વસ્ત્ર પ્હેરતો પ્હેરતો સરસ્વતીચંદ્ર બોલ્યો - “હરિદાસ, પિતાશ્રીની પાસે હું આ વસ્ત્ર પ્હેરીશ ને અન્ય પ્રસંગે કન્થા પહેરીશ. તું આ કન્થાને રત્નપેઠે જાળવી રાખજે ને માગું ત્યારે આપજે !”

સર્વ શેઠને સામા લેવા ગયા, પિતા, માતા, અને પુત્ર, માર્ગ વચ્ચે ભેટ્યાં અને રોયાં અને અનેક હૃદયવેધક વાતો કરતાં કરતાં શેઠને માટે ઉભા કરેલા તંબુમાં ગયાં. સાધુજનોનાં ટોળેટોળાં સરસ્વતીચંદ્રનું રૂપાંતર જોવાને નીકળી પડ્યાં હતાં અને જ્યાં ત્યાં “અલખ,” “યદુનન્દન.” “વિષ્ણુદાસજી,” અને “નવીનચન્દ્રજી” ના જયની ગર્જનાઓ ઉઠી રહી હતી.

બે દિવસમાં વિદ્યાચતુર આવ્યો. બીજા બે દિવસમાં બુદ્ધિધન આવ્યો. ​બીજા બે દિવસમાં મુંબાઈથી બોલાવેલું ને અણબેલાવેલું મંડળ આવ્યું, અને સુન્દરગિરિ ઉપર મણિરાજના કર્ણભવનને અને વિદ્યાચતુરને ખરચે તંબુઓનું ગામ ઉભું થયું, જ્ઞાનભારતી અને શાંન્તિશર્મા પાસે પચાશેક સાક્ષીઓ લેવાયા ને સરસ્વતીચન્દ્રનું અભિજ્ઞાન ન્યાયવ્યવહારથી સિદ્ધ થયું. તેને બીજે દિવસે આ મંડળ જાનૈયાને અને સામૈયાને રૂપે બદલાઈ વ્હેંચાઈ ગયું ને સરસ્વતીચન્દ્ર અને કુસુમનું વરણવિધાન – લગ્ન – સાધુજનોનો સંપ્રદાય પ્રમાણે સધાયું – ને બાકીનો વ્યવહાર તેનાં માતા- પિતાની ઇચ્છા પ્રમાણે સચવાયો.

વરકન્યા વિષ્ણુદાસજીને ચરણે કન્થાએ પ્હેરીને નમ્યાં. લક્ષ્મીનંદન શેઠે યદુનંદનજીની પ્રતિમા પાસે વીશ હજાર રૂપીઆની ભેટ મુકી અને વિષ્ણુદાસજીએ તેમાંનો અર્ધો ભાગ સુરગ્રામનાં મન્દિરોમાં વ્હેંચવા આજ્ઞા કરી.

કુસુમના કન્યાદાનપ્રસંગે બુદ્ધિધને પ્રમાદધનને માટે પોતાના દ્રવ્યમાંથી રાખેલો અંશ “મયાદત્તમાં” આપ્યો, કુમુદે શ્વશુર પાસેથી પોતાને મળેલો અંશ આપ્યો, અને વરકન્યાને વીદાય કરતી વેળા ગુણસુન્દરી અને સુન્દર રોઈ પડ્યાં તો વિદ્યાચતુર ગંભીર મૌન ધારી પાણીથી ભરેલી આંખે જોઈ રહ્યો, અને નિર્દોષ ઠરેલા અર્થદાસ પાસેથી સરસ્વતીચંદ્રવાળી મુદ્રા વેચાતી લીધી હતી તે કુસુમની આંગળીયે પ્હેરાવી પોતાનાં આંસુ ભણીથી સર્વની દૃષ્ટિને ચુકાવવા લાગ્યો.

ગુમાન વહુધેલી બની અને વરના પક્ષનો સાથ થોડા દિવસ સુન્દરગિરિ ઉપર ટક્યો, વરકન્યાને માટે મણિરાજે કસબી ઝાલરોવાળો તંબુ મોકલ્યો હતેા.

ધનનંદનના મૃત્યુથી સરસ્વતીચન્દ્ર એકલો લક્ષ્મીનંદનનો વારસ હતો ને “ટ્રસ્ટ ડીડ ” કરી શેઠે એને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. સરસ્વતીચન્દ્ર પિતામાતાની સેવાને માટે રખાય એટલું દ્રવ્ય રાખી અન્ય ભાગ પોતાના મનોરાજ્યની પૂર્ણાહુતિમાં નાંખવાની કલ્પનાઓ કરી અને તેની યોજનાઓમાં કુમુદ, કુસુમ, અને મિત્રમંડળ સર્વ ભળ્યાં તે યોજનાઓની વાતો ચલાવતાં ચલાવતાં સર્વ રત્નનગરી જવા નીકળ્યાં.

રત્નનગરીમાંથી નીકળતી વેળા એક પાસ કુસુમ ને બીજી પાસ વિદ્યાચતુર, ગુણસુંદરી, અને સુન્દર વચ્ચે મનોવેધક પ્રસંગ રચાયો, કુસુમનું ચિત્ત કુમુદમાં હતું – કુમુદ વરકન્યાના રથમાં બેસી થોડાક ગાઉ સુધી ​વાતો કરતી હતી, અંતે કુમુદ પણ પાછી જવા નીકળી અને રથમાંથી ઉતરી ઉભી રહી ત્રુટતે સ્વરે બોલી.

“કુસુમ ! ચિન્તા ન કરીશ. હું ત્યાં આવતી રહીશ ને નીકર ત્હોયે સંસારનું આ રત્ન તને સોંપ્યું છે તેને જીવની પેઠે જાળવીને રાખજે, અને એ સદ્ભાગ્યની યોગ્યતા ત્હારામાં છે તે વધારજે !”

બે બ્હેનો એક બીજાને ખભે માથાં મુકી રોઈ. કુમુદ, સરસ્વતીચન્દ્રને ચરણે પડી, પડતી પડતી અને ચરણથી ઉઠતી ઉઠતી બોલી: “મહાત્મા ! આ સંસારની જાળમાં આપને નાંખ્યા છે તેટલા મ્હારા કાર્યની ક્ષમા કરજો. આ મ્હારી ગંગાના રત્નાકર સાગર થયા છો તે રમ્ય સમાગમથી તેનું અને સંસારનું પોષણ કરવા આપના સમગ્ર મનોરાજ્યને સફળ કરજો ને હું મ્હારી ગંગામાં યમુના પેઠે ભળવા અવશ્ય સજ્જ રહીશ. આપ ધર્મના સુજ્ઞ છો ને પ્રીતિરસમાં પૂર્ણ છો તો આ મેધાવિની પણ મુગ્ધાના હૃદયકોશને સાચવી સાચવીને ઉઘાડજો. બીજું શું કહું ? આપણાં સર્વ સ્વપ્ન મ્હેં આ મ્હારી બ્હેનનાં કરી દીધાં છે ! હું વિધવાએ પોતાનું ભાગ્ય શોધવું મુકી આ દિવ્ય કુમારિકાને માટે ઉઘાડું રાખ્યું છે, ને મ્હેં તો આપણી ચતુર્થ રાત્રિને પ્રભાતે આપના કપાળ ઉપર આપને જગાડવા હાથ મુક્યો હતો ત્યારે આપના સ્વપ્નમાં મ્હારો હાથ આપને આપની માતાનો લાગ્યો હતો – તે જ પ્રમાણે હવે હું આપનાં જાગૃત સ્વપ્નની માતા થઈ છું ! આપની સાથે જેયેલાં સ્વપ્ન, આપનું અને કુસુમનું માતૃકર્મ કરવામાં મ્હારાં પ્રિયતમ સાધન બની, મ્હારા હૃદયમાં ચિરંજીવ ર્‌હેશો ! આપને બેનો યેાગ રમણીય અને કલ્યાણકર થશે અને એ યોગનો યોગ પામી આર્ય સંસાર સમૃદ્ધ થશે એ આશાથી કુમુદનાં સર્વ દુઃખ અને કષ્ટ તપ અત્યંત સફળ થશે ! આટલે સુધી મ્હારે માટે – મ્હારી તૃપ્તિને માટે – આપે અને કુસુમે આટલી પરા આહુતિ આપી છે તે હવે વધારે માગવું તે અતિલોભ જ થાય.”

પગેથી ઉઠેલી કુમુદ શાંત અને સ્વસ્થ વૃત્તિથી ઉભી રહી ત્યાં સરસ્વતીચંદ્ર પોતાનાં આંસુથી ન્હવાતો ન્હવાતો ગદ્ગદ કંઠથી બોલવા લાગ્યો.

“કુમુદસુન્દરી ! ઘોર પાપ કરી મ્હેં તમને દુ:ખમાં નાંખ્યાં તેના બદલામાં અપૂર્વ પ્રીતિજીવનનું બલિદાન આપો છો અને અતિ ઉદાર પુણ્ય કરી તમે મ્હારા મનોરાજ્યને પાર પાડવાનાં દ્વાર ઉઘાડી આપ્યાં તે દ્વારમાં હું વજ્ર જેવા કઠણ હૃદયનો દુષ્ટ રાક્ષસ ઉભો રહું છું ! ઓ મ્હારી માતા ! તમે આ મ્હારી જનનીનું કામ કર્યું તો હું હવે તમારા દુષ્ટ પુત્રના અધિકારથી ​પગે પડી ક્ષમા માગવાને કહું છું કે कुपुत्रो जायेत क्कचिदपि कुमाता न भवति । તમારી ક્ષમા મને તમે મ્હારી માતા થઈને જ આપી, મ્હારું સ્વાસ્થ્ય અને સુવૃત્ત તમારા ઉદાર મનોબળથી જ તમે સાચવ્યું, અને જેટલાં જેટલાં મ્હેં તમને ક્રૂરમાં ક્રૂર દુઃખ દીધાં તેટલાં તેટલાં પરમ સુખ અને પરમ કલ્યાણ તમે મને સોગણાં વધારી આપ્યાં ! તમારાં માતુશ્રીની દક્ષતા અને તમારાં દેવીની ઋજુતા અને ઉભયની ઉદાર ક્ષમા તમારામાં મૂર્તિમતી થઈ, ને ચન્દ્રાવલીમૈયા પાસે સંસ્કાર પામી તમે હું અનાર્ય ઉપર અવર્ણનીય આર્યતા પ્રકટ કરી ! તો મ્હારા શિરને – મ્હારા ઉત્તમાંગને – ઓ મ્હારાં આર્યમાતા – આર્યતમા ! – આ મ્હારા અનાર્ય શિરને તમારા આર્ય ચરણના સ્પર્શનો અધિકાર આપો.”

આમ બોલતો બોલતો, બોલવાની શક્તિ બંધ થતાં આંસુથી ન્હવાઈ ગયેલો જ સરસ્વતીચંદ્ર કુમુદને ચરણે પડ્યો ને એનો ઉઠાડ્યો ઉઠ્યો.

“સરસ્વતીચંદ્ર : ઈશ્વરલીલાના ચમત્કારથી એક ભવમાં અનેક ભવ થાય છે તેમ મ્હારે તમારે થયું ! પણ સર્વ અવતારમાં – સર્વ ભવમાં – તમે મને તમારી કહી તે હું તમારી રહી છું ને રહીશ ! – ને મ્હેં તમને મ્હારા કહ્યા તે મ્હારા જ રહ્યા છો ને ર્‌હેજો ! હૃદયથી આપણે હતાં તેવાં સર્વથા સર્વદા એક જ છીયે અને આપણી બેની વચ્ચે આપણી બેની પરમ પ્રીતિનું સુપાત્ર આ મ્હારી – મ્હારી જીવનમૂર્તિ – મ્હારાં હૃદયનો આધાર - મ્હારી કુસુમ છે તે તેવી જ ર્‌હેશે અને એને એવી જ આપના હૃદયમાં રાખજો ! – કુસુમ, આ મહાત્માની તું અહોનિશ હૃદયપૂજા કરીશ તે કાળે સર્વદા આ ત્હારી પરોક્ષ બ્હેનને અવશ્ય સ્મરજે જ !”

બે બ્હેનો ફરી ભેટી.

“બ્હેન, તમે મુંબાઈ આવજો જ હાં ! હું હવે માતાપિતાથી અને તમારાથી વીખુટી પડું છું !”

“કુસુમ, ભર્ત્તા એ સ્ત્રીની પરમ ગતિ છે, ને તું આવા મહાત્માના હ્રદયમાં વસી તેની સેવા કરીશ અને તેમના મહાયજ્ઞોમાં સહધર્માચાર કરીશ ત્યારે માતા, પિતા, અને હું સર્વે સગાંની અને ત્હારી પોતાની પણ એમનામાં જ પ્રતિષ્ઠા કરી લેજે ! એમના વિના બીજા કોઈની ઝંખના કરી એમની સેવામાં પળવાર પણ ન્યૂનતા આણીશ નહીં ! હવે એ જ ત્હારું દૈવત છે અને એ પણ તને તેવી જ ગણશે ! એમનામાં ને ત્હારામાં હવે તું ભેદભાવ રજ પણ ગણીશ નહી ને એમની આરતી કરે ત્યારે કુમુદને તે માત્ર ઘંટા પેઠે ત્હારા હૃદયમાં વગાડજે !”