સરોવરના સગડ/મનુભાઈ પંચોળી ‘દર્શક’: ઝેર તો પીધાં છે જાણી જાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Center

‘મનુભાઈ પંચોળી ‘દર્શક' :
ઝેર તો પીધાં છે જાણી જાણી

(જ. તા. ૧૫-૧૦-૧૯૧૪, અવસાન તા. ૨૯-૮-૨૦૦૧)

સુરેન્દ્રનગરની અમારી શેઠ એન.ટી.એમ.હાઈસ્કૂલના ગુજરાતીના શિક્ષક શ્રી જુગલકિશોર દૂધરેજિયાએ મને કહ્યું કે - ‘સાંજે છ વાગ્યે બાલાશ્રમ પહોંચી જજે. ‘દર્શક' આવવાના છે! હું પણ ત્યાં હોઈશ.' હું પહોંચ્યો ત્યારે બાલાશ્રમનાં ઘેઘૂર વૃક્ષો ઉપર અનેક પંખીઓ ઊડાઊડ કરતાં હતાં. છેક સામે, પણ ડાબી બાજુ જ્યાં નાગજીભાઈ અને શાંતાતાઈ દેસાઈ રહે છે ત્યાં નજર ગઈ. લાંબી પાટ ઉપર દર્શકદાદા તકિયે અઢેલીને બેઠા બેઠા એમની મોટી આંખોને ઝીણી ઝીણી કરીને કંઈક વાંચતા હતા. આજુબાજુમાં બે ત્રણ ખુરશીઓ હતી, પણ ખાલી. એમ લાગ્યું કે હમણાં જ કોઈ ઊઠીને અહીંથી ગયું છે. સીધા તો એમની સામે જવાની હિંમત ન ચાલી, એટલે હું જઈને ઓશરીના જેર ઉપર થાંભલી પાસે બેઠો બેઠો દૂધરેજિયાસાહેબની રાહ જોવા લાગ્યો. મારી નજર ઘડીમાં મનુદાદા પર તો ઘડીમાં દૂર દરવાજા પર ફર્યા કરે. થોડીક જ ક્ષણોમાં એક સેવકભાઈ ટ્રેમાં ચા અને પાણી લઈને આવ્યા. દાદાએ હાથના ઈશારે પાણીની ના પાડી અને સીધો જ કપ પકડ્યો. ચા કદાચ પી શકાય એવી ઠંડી હશે અથવા તો એ ફળફળતી પી ગયા. એક શ્વાસે! મારી નજર મુખ્ય દરવાજા ભણી ગઈ ને મનમાં થરથરી થઈ આવી, કેમકે અમારા પ્રિન્સિપાલ વી.એચ. દોશી અને વિજ્ઞાનશિક્ષક આર. સી. મણિયાર એમ બંને સાહેબો આવી રહ્યા હતા. એમની પાછળ પાછળ સાયકલ દોરીને દૂધરેજિયાસાહેબ પણ આવી રહ્યા હતા. થોડી વારમાં તો અનેક દિશાનાં અગ્રણીઓ આવતાં થયાં ને એક પછી એક એમ ખુરશીઓ મંડાતી ગઈ. મારી મૂંઝવણ કળી ગયેલા દૂધરેજિયાસાહેબે ઈશારો કરીને મને બોલાવ્યો. હું ગયો એટલે એમણે મનુદાદાના ચરણ ચીંધતો હાથ લંબાવ્યો. મેં ચરણસ્પર્શ કર્યો ને સાહેબે જરા ઊંચા અવાજે મારું નામ બોલીને ઓળખાણ આપી: ‘આશીર્વાદ આપો! કવિતાઓ લખે છે!’ મનુદાદાએ મેઘારંગી આંખો મારા પર માંડી. જાડી મૂછો સાથે હસ્યા ને મારા વાંસા ઉપર એમનો મજબૂત હાથ ફર્યો. પછી તો એ બધાં વાતે વળ્યાં ને મને સાહેબનો ‘ઊપડો હવે !’ એવો ઈશારો થયો. એ ક્ષણ આજે પણ એવી ને એવી મારી સંવેદનામાં અકબંધ છે. એ પછી તો જુદી જુદી રીતે મનુદાદાને અસંખ્યવાર મળવાનું બન્યું છે પણ એ સંવાદેતર પ્રથમદર્શન ક્યારેય ભૂલી શકાયું નથી. રાજ્યના યુવકસેવા વિભાગે, એક વખત સણોસરા, લોકભારતીમાં નવલેખકો માટે શિબિરનું આયોજન કરેલું. એ વખતે નવા નવા મિત્રોને મળવાના રોમાંચ ઉપરાંત મનમાં કંઈક ‘વિશેષ' પડેલું. એ વિશેષ તે મનુદાદાને નિકટથી જોવા-સાંભળવાનો લહાવો મળશે એવી અપેક્ષા. મનુદાદા ઉદ્ઘાટનમાં આવ્યા. અમને સમજાય અને મજા પડે એવું બોલ્યા. પણ એટલાથી અમને ધરવ નહોતો. રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લા શિબિરના સંચાલકો હતા. શિબિરનું કામ બરાબર ચાલતું હતું ને મનુદાદા તો ક્યાંય દેખાય જ નહીં! એમને હશે કે કામ દેખાય એટલે ઘણું! એક વાર ભોજનટાણે આવી ચડ્યા. ‘કાંઈ જોતું-કરતું હોય તો કે 'જો!’ એવો ભાવ એમના ચહેરા ઉપર. અમે એમને પકડ્યા. કહ્યું કે - ‘અમારે તમને સાંભળવા છે. ક્યારે સમય આપશો?' ‘શું સાંભળવું છે?’ ‘વા...ર.તા!’ કોઈ બોલ્યું. કદાચ પ્રજ્ઞા પટેલ. ‘એમાં તો બાળક થવું પડે. તમે નાનાં છોકરાં થઈ શકશો?’ નિશાળમાં બાળકો એક સાથે બોલે એમ, સમૂહસ્વરે ‘હાઆઆઆ...' થયું ને મનુદાદા હસી પડ્યા. ‘કાલે સાંજે રાખીએ!’ કહીને ચાલતા થયા. બીજે દિવસે બધા એક ઝાડ નીચે ગોઠવાયાં. મનુદાદા ધોતિયાનો પાછળનો છેડો સરખો કરતાં કરતાં જ આવ્યા. ઝભ્ભો પણ થોડો જાળાંવાળાં. વાળ મોટા અને વિખરાયેલા. આઇન્સ્ટાઇનના પિતરાઈ લાગે! પછી તો મહાભારતના એક પ્રસંગને લઈને એમણે ધીરે ધીરે વાર્તા એવી જમાવી… ‘પછી તો ભીમે આખું ઝાડ હલાવવા માંડ્યું. ઝાડવાનું કંઈ ભીમ આગળ. હાલે? આમ ડોલે ને તેમ ડોલે! ઉપરથી કૌરવો એક પછી એક વડ ઉપરથી ટેટા પડે એમ ટપોટપ પડવા માંડ્યા. થોડીક વારમાં તો હો એ હો હેઠા! બધાયને બરોબરના ખોખરા કરી નાંખ્યા હો! ભીમે તો હેય મોટી શિલા ઉપાડી...’ હેય બોલતી વખતે એમના બંને હાથ આખી પૃથ્વીને બાથમાં લેવી હોય એમ પહોળા થયા ને આંખો વિસ્ફારિત! અમે બાળનજરે આશ્ચર્યથી જોઈ રહ્યાં ને એમણે ઉમેર્યું : ‘કૌરવો તો જાય ભાગ્યા ઊભી પૂંછડીએ....' બોલતાં જાય ને પોતાના શરીર પર હાથ ફેરવતા જાય. જેમ જેમ વાર્તાનો પ્રવાહ વેગ ધારણ કરે તેમ તેમ એમનું હાથ ફેરવવાનું ખજવાળવામાં પલટાતું જાય. છેલ્લે છેલ્લે તો એમ લાગે કે ખજવાળવાનો અને બોલવાનો લય એક થઈ ગયો છે! શ્રોતાઓ ઉમેરાતાં રહ્યાં. જરી ડોક ફેરવીને જોયું તો અમારી પાછળ આખી લોકભારતી! સહુ સ્થળ-કાળ ને ઉંમર ભૂલી ગયેલાં. પહેલા વાક્યથી જ એમણે અમને બાળક બનાવી દીધેલાં. પણ, વાર્તા પૂરી થઈ ત્યારે તો એ પોતેય અમારામાં ભળી ગયેલા. થયું કે આટલી બધી શક્તિ, આટલું બધું તાદાત્મ્ય ક્યાંથી આવતું હશે? પોતાને જે કહેવાનું છે તેને સહેજ પણ અળપાવ્યા વિના, આચાર્યથી માંડીને આદિવાસી છોકરાને ય આનંદ આવે એવી વાગ્ધારાનું રહસ્ય શું હશે? આજે આટલાં વર્ષે એનો ઉત્તર મળે છે. એક તો પ્રખર મેધા. બીજું જીવનનો નક્કર અને અખંડ અનુભવ. માનવહૃદયને ઓળખવાની ને એના સુધી પહોંચવાની તળપદી સૂઝ. સાહિત્યસાધના અને જિવાતા જીવન વચ્ચે સહેજ પણ અંતર નહીં! લોકસંસ્કૃતિ અને ભદ્રસંસ્કૃતિની ચાહનામાં પણ વિરોધ નહીં. સર્જન અને દર્શન બંને પોતીકાં. આ બધું એમને સ્વપ્નદૃષ્ટા બનાવે છે, મનીષી બનાવે છે. અને તેથી એમનાં સ્થૂળ-સૂક્ષ્મ હર કોઈ સર્જનમાં માનવની ઉન્નતિ કરે એવાં જીવનપોષક તત્ત્વો આપોઆપ આવી મળે છે. એ રીતે મનુદાદા અસાધારણ વ્યક્તિત્વના આસામી હતા. એ પછી તો એમને અનેકવાર સાંભળ્યા. એ જ ધસમસતો પ્રવાહ અને ભાષાની સાદગી. ‘હું તો ભાઈ અભણ છું, મને કાંઈ તમારી જેમ ઝાઝી ખબર નો પડે!’ એવું એવું બોલતા જાય ને દરેક વખતે એવી કોઈ વાત, એવો કોઈ મુદ્દો લઈ આવે કે 'ભણેલા' પણ બે ઘડી વિચાર કરતાં થઈ જાય! એમના વક્તવ્યમાં શબ્દનો મહિમા, ઇતિહાસનું ગૌરવ, એમણે સંચિત કરેલા વિવિધ વિષયોની રોચક વાતો, સામાન્યમાં સામાન્ય માણસની સંવેદના અને જીવન-સાહિત્યનું વ્યાપક ફલક, બધું એક સાથે ગુંથાતું આવે. અહોહો! થઈ જવાય. બોલતા હોય કે લખતા હોય, ભાષાના આરોહ-અવરોહમાં કોઈ ભેદ નહીં. બધું સહજ-સ્વાભાવિક. પોતે જે માને એ જ લખે-બોલે. રાજીપો કે ગુસ્સો કશું ય છાનું રહે નહીં એવો પારદર્શક એમનો ચહેરો. તમે એમની સાથે મતભેદ પણ પાડી શકો. ચર્ચા-દલીલો બધું જ કરી શકો. એ સાંભળવા જેવું સાંભળી લે, પણ કરે મનનું ધાર્યું. એ અર્થમાં એ મનસ્વી હતા. પોતે શાળા છોડીને સત્યાગ્રહમાં જોડાયા તેથી કોલેજમાં જવાયું નહીં એ સંદર્ભે મનસુખ સલ્લાએ એમને પૂછ્યું હતું કે - ‘...એમ.એ. સુધી ભણ્યા હોત કે વ્યવસ્થિત રીતે ભણવાનું મળ્યું હોત તો ઠીક થાત એમ લાગે છે?’ ત્યારે ઉત્તરમાં એમણે જણાવેલું કે - 'એવું મને તો નથી લાગતું. થતું હોય તો એવું થતું હોય છે કે ન ભણ્યો તે સારું થયું. નહીં તો મારી આટલી બધી પ્રગતિ ન થઈ હોત. હું ચીલાચાલુ બની ગયો હોત. મારી મૌલિકતાનો નાશ થઈ ગયો હોત, અને હું લોકો સાથે હળીભળી ન શક્યો હોત. આપણી વિદ્યા એ આપણું કેદખાનું બની ગયું છે... એટલે હું ચીલાચાલુ શિક્ષણમાં ન ભણ્યો એને મારું સદ્ભાગ્ય ગણું છું.' સાવ સાચી વાત. શું શિક્ષણ કે શું સંસ્થા. શું સમાજકારણ કે શું રાજકારણ. શું સાહિત્ય કે શું ખેતીવાડી! જ્યાં પણ ગયા પોતાનો ચીલો પાડવામાં અગ્રેસર રહ્યા. આવું વ્યક્તિત્વ ધરાવનારને લાભ છે એટલો જ ગેરલાભ પણ છે. તમે બધાંથી જુદા પડતા હો તે બીજા બધાંઓને, ખાસ તો તમારી આગળપાછળનાં અધવધરાઓને સ્વીકાર્ય હોતું નથી. ઇસુ, સોક્રેટિસ, ગાંધી અને એવાં બીજાં હજ્જારો ઉદાહરણો છે માનવજાત પાસે. દર્શકદાદા એ ફનાગીરોની જમાતના જ સભ્ય હતા. ઉછાંછળા-અધકચરા-લોભી-લાલચુ અને જુઠ્ઠા લોકોનો તો એમના સમયમાં પણ તોટો નહોતો. ઇતિહાસ સાક્ષી છે. એવું કહેવાય છે કે માણસને પોતાના લોકો જેટલું દુ:ખ આપે છે એટલું બીજા નથી આપતા. દર્શક સાથે પણ સતત એવું બનતું રહ્યું. અપવાદરૂપ લોકોને બાદ કરતાં, એ જીવ્યા ત્યાં સુધી કોઈ ને કોઈ રીતે, કોઈએ ને કોઈએ, ઓછીવત્તી માત્રામાં મનુભાઈને સતાવ્યા હતા. નિયતિએ એમની પાસે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' માત્ર લખાવી જ નહોતી, એકથી વધુ વાર ઝેરનો સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો! ગુજરાત સાહિત્ય અકાદમીએ કવિશ્રી ઉમાશંકર જોશીનું મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સન્માન કરવાનું નક્કી કર્યું અને ઉમાશંકરે સ્પષ્ટ ના ભણી. એમની માગણી એ હતી કે આ અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ. ઉમાશંકરભાઈ સામે દેશની અને દુનિયાની અનેક સાહિત્ય અકાદેમીઓનાં ઝળહળતાં ઉદાહરણ હતાં. એ ઘટના પછી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલે, મનુભાઈ પંચોળી 'દર્શક'ને વિનંતી કરીને અકાદમીના પ્રમુખ બનાવ્યા. કહ્યું કે - ‘તમે કહો તે ટીમ. તમે માગો એટલો સમય. પણ તમે સ્વાયત્ત અકાદમીનું આદર્શ બંધારણ ઘડી આપો. સરકાર મંજૂરી આપે અને નવું બંધારણ અમલમાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની વહીવટી સરળતા રહે, અકાદમીનું કામ અટકે નહીં તેટલા સારુ તમે પ્રમુખ તરીકે સેવાઓ પણ આપો.’ અને એમ –'દર્શક' ઉમાશંકરભાઈ અને નિરંજન ભગત સાથે ચર્ચાવિચારણા કરીને અકાદમીપ્રમુખ થયા અને યશવંતભાઈ ઉપપ્રમુખ થયા. અને એમની ટીમે, દેશની મોટી મોટી સંસ્થાઓનાં બંધારણોનો અભ્યાસ કર્યા પછી; ભારે કવાયતને અંતે બંધારણ ઘડી આપ્યું, જેને સરકારે એક પણ શબ્દના સુધારા વિના, સાંગોપાંગ સ્વીકાર્યું હતું. ઘડાતા બંધારણનો સાક્ષી જ નહીં પણ લહિયો બનવાની પણ તક મને મળી હતી. એ બંધારણ સ્વીકારતી વખતે ચિમનભાઈ શું બોલ્યા હતા? ‘અમારી તો શું પણ ભવિષ્યની કોઈ સરકાર આવે તો પણ અકાદમીના સત્તામંડળ સિવાય કોઈ એમાં ફેરફાર ન કરી શકે એવું મજબૂત, સ્વાયત્ત બંધારણ આપું છું!’ ખેર! મારે એ તિક્તકટુ ઇતિહાસ અત્યંત રસપ્રદ અને બોધદાયક હોવા છતાં આળેખવો નથી. પણ કહેવું એ છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જ્યારે જ્યારે મુખ્યમંત્રી ચિમનભાઈને મળવા જવાનું થાય ત્યારે ખુદ મુખ્યમંત્રી સાતેય કામ પડતાં મૂકીને બહાર લોબીમાં મનુદાદાને આવકારવા આવતા, એટલું જ નહીં, એમનો હાથ પકડીને પોતાની ચેમ્બરમાં લઈ જતા એ મેં સગી આંખે જોયું છે. ત્યારે, સાચા સાહિત્યકારનો, કહો કે 'દર્શક' સરીખાઓનો આવો દબદબો હતો! મનુદાદા એમ્બેસેડર મોટરમાં આવતા. સાથે એકાદ જણ હોય. મોટેભાગે તો મનુભાઈ શાહ કે અરુણભાઈ દવે જ હોય. ક્યારેક મોટર લોકભારતીની હોય તો ક્યારેક અકાદમીની. બેમાંથી એકેયમાં એરકંડિશનર નહીં એટલે દાદા કાચ ખુલ્લા રખાવે. ધૂળ અને તડકો ખાતાં ખાતાં આવે. રંઘોળાની ફૂલવડી કે ધંધુકાના ગાંઠિયા ચાખ્યા વિના આગળ જવાની એમને બાધા. એ વખતે એમની તબિયત ખરાબ હોય તોય સારી થઈ જાય! આટલી મોટી મુસાફરી એટલે, દાદા ખાદીનો જાડો નેપકિન પલાળીને માથે મૂકી રાખે અને એમ શરીરના તાપમાનને સમધારણ કરે. ક્યારેક અકાદમીમાં આવ્યા પછી ય માથેથી નેપકિન ન હટાવે. આવે ત્યારથી, મહામાત્ર હસુભાઈનાં લેખાં લેવાનું કામ પ્રેમપૂર્વક શરૂ કરે. મુલાકાતીઓનો તો પાર જ નહીં. વાત પતે એટલે મનુદાદા એક જ સેકન્ડમાં બીજા કામમાં માથું નાંખે એટલે પેલા મુલાકાતીએ ઊઠવું જ પડે! પોતે બધાં કામો ડાયરીમાં નોંધીને આવ્યા હોય. ગયા વખતે સોંપીને ગયા હોય તે પણ ટેકવેલું હોય! એમના આગમન સાથે આખું જગત દોડતું થઈ જાય. આવીને એટલું જ કહે: ‘પેલા ભાઈને બોલાવો!’ એમની મોટી ને ઊપસેલી આંખો, પણ લગભગ તો બંધ જ હોય. એમના લહેકા પરથી પટાવાળાએ સમજી જવાનું કે કોને બોલાવે છે. ત્યારે કમ્પ્યૂટર નહોતાં. દાદા બોલે ને હું લખું. લખાતો જાય એમ કાગળ આગળ ટાઈપ થવા જાય. દાદા અર્ધું જ બોલે, આપણે આખું સમજી લેવાનું. હું લહિયો હોઉં તે એમને ઠીક ફાવતું. કાગળો તૈયાર થાય એટલે પોતે લાલ કે લીલી શાહીથી – તમારો મનુભાઈ. એટલી જ સહી કરે. દાદાને લઈને હું અથવા અશોક સચિવાલય જઈએ. એક વખત લિફ્ટમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરસાહેબ મળી ગયા. એમણે દાદાને નમસ્તે કર્યા તો દાદા અવળી બાજુ મોં ફેરવી ગયા. સાહેબ એ બાજુ ગયા તો મોઢું ઉતારીને ચોખ્ખું સંભળાવી દીધું: ‘મારે તમારી જોડે વાત નથી કરવી!’ લિફ્ટમાં બીજા લોકોની હાજરી વચ્ચે, આઈ.એ.એસ. ઑફિસર છોભીલા પડી ગયા. લગભગ આજીજી ઉપર આવી ગયા. મનુદાદાએ એમની સામે, મોટી આંખો વધુ મોટી કરીને કહ્યું: ‘તમે બીજું જે કરતા હો એ…અટાણે અમારે ઈ કાંઈ જોવાની જરૂર નથી. પણ, અમારાં સાચાં કામો ય નો કરો તો તમારી હાર્યે શું કામ વાત કરવી?' આ એમનો મિજાજ હતો. એવું નહીં કે અધિકારીઓ જોડે જ એ આવું વર્તે. પ્રધાનો સાથે વાત કરતી વખતેય એમની ભાષા અને અભિવ્યક્તિ લગભગ આ જ પ્રકારનાં. સૂત્રાત્મક શૈલીમાં જ બોલે. મનમાં દ્વેષભાવ જરાય નહીં, પણ કશો ઢાંકપિછોડો ય ન ફાવે. એક ને એક બે જેવી વાત. જેને જે સમયે પરખાવવા જેવું હોય તે રોકડું પરખાવે! ઉધારો રાખે તે ‘દર્શક’ નહીં! ટેલિફોન ઉપરેય ખપ પૂરતી જ વાત. કહેવાનું હોય એ કહી દે પછી, સામેનાને સાંભળે નહીં. ફટાક દઈને રિસિવર મૂકી દે. મનુદાદા એક વાર મારે ઘેર જમવા આવ્યા. ત્યારે મારાં સાસુ કમળાબા પણ થોડા દિવસ ગાંધીનગર રોકાવા આવેલાં. મનુભાઈ પંચોળી ‘દર્શક’ આવવાના છે એ જાણીને બાએ ઉમંગથી રસોઈ બનાવી, કેમકે એ એમના પ્રિય લેખક. આમ તો બંનેની ઉંમર લગભગ સરખી ને કાનનું તો એકદમ સરખું. બે ય ઓછું સાંભળે. દાદા આવ્યા એટલે બા રાજી થઈને સામે આવકારવા આવ્યાં. બંનેના હાથ સહજપણે જ લાંબા થઈ ગયા. ‘ચાર મિલે ચૌસઠ ખિલે’ જેવો ઘાટ. વળી, બાએ એમને વાંકાં વળીને વંદન કર્યા. પ્રસન્નતાથી કહે કે : 'તપસ્વી છે ને!’ બાએ કહ્યું: 'તમારી તો એકેએક ચોપડી વાંચી છે?’ દાદાએ પૂછ્યું: 'કાંઈ વાંચો છો ખરાં? બાએ કહ્યું : ‘હા. મજામાં. રામ રાખે એમ રહેવું!’ દાદાએ પૂછ્યું: 'કેટલાં વરસ થયાં?' બાએ કહ્યું: 'હમણાં થોડાક દિ' આંય આવી છું! બિન્દુને હારું લાગે અટૂલ્યે... પછી હળવેથી કહે કે -‘મને ઓછું સંભળાય છે!’ એમનો હાથ કાન ઉપર ગયો. દાદાએ પોતાના કાન ઉપર હાથ મૂકીને કહ્યું : ‘તાણીને બોલો! મને ય ઓછું જ સંભળાય છે!’ બાએ કહ્યું: 'દુનિયામાં કંઈ છે સાંભળવા જેવું? તો કહો!’ અને બંને હસી પડ્યાં. અકાદમીમાં મારી સિનિયોરિટી ઉપર કાલસર્પનો પ્રભાવ પડ્યો ત્યારે મેં આદરણીય રઘુવીરભાઈ પાસે જઈને ધા નાંખી. ગુરુ બહુ વિચક્ષણ. એમણે ઘણા દિવસ વિચાર કરીને માર્ગ કાઢ્યો. એક દિવસ મને કહે, 'આપણે મહુવા - સણોસરા જવાનું છે. તું તૈયાર થઈ જા.' મોટરમાં બેસાડીને લઈ ગયા. મનુદાદાને આખી પરિસ્થિતિ સમજાવી. દાદાએ, 'શબ્દસૃષ્ટિ'નો સંપાદક મને બનાવવાની રઘુવીરભાઈની વાત સ્વીકારી. બીજા જ મહિને મિટિંગ બોલાવી અને સરકારમાંથી જરૂરી મંજૂરી પણ મેળવી. મિટિંગ પૂરી થયા પછી દાદાએ મને બોલાવ્યો. કહે કે - 'ભાઈ! અમે તને સંપાદક બનાવવાનું નક્કી કર્યું છે. ઈ બરોબર છે ને?’ મેં આભાર માન્યો. વંદન કર્યાં. પછી પૂછ્યું : ‘પણ... દાદા! આમાં મારે કરવાનું શું?’ ‘અરે ભાઈ! શું કરવાનું તે તારે સંપાદન કરવાનું… આખો અંક તૈયાર કરવાનો....!’ ‘દાદા! એ તો બરોબર. પણ આ આવડી મોટી અકાદમી છે ને એમાં ભોળાભાઈ જેવા વિદ્વાનો કારોબારીમાં હોય, યશવંતભાઈ જેવા ઉપપ્રમુખ હોય ને તમે પ્રમુખ..….….વધારામાં મહામાત્ર, મારા સાહેબ તો ખરા જ! આટલા બધા નોખું નોખું કહે એમાં મારે કોનું માનવું ને કોનું નહીં?’ એક જ ક્ષણમાં દાદા સમજી ગયા. યાજ્ઞિકસાહેબને કહે કે - ‘પેલા ઠરાવમાં એક ટાંક મારીને લાવો. એમ લખો કે આ સામયિકમાં પ્રગટ થતા સાહિત્ય અંગે સંપાદકનો નિર્ણય આખરી ગણાશે! આ હતી એમની ગ્રહણશક્તિ અને નિર્ણયશક્તિ! એ પછી, ઘણા વખતે એમણે મને બોલાવીને બે-ત્રણ ચોથિયા કાગળ આપ્યા. એમાં મોટા મોટા અક્ષરે લખેલું હતું. મને કહે: 'આવતા અંક માટે છે!’ મારી જગ્યાએ જઈને હું વાંચી ગયો. નિર્ણય તો તરત જ થઈ ગયેલો પણ દાદાને કહેવું કેમ? એ વિચારે રાખી મૂક્યું. બીજે મહિને તેઓ આવ્યા ત્યારે નવો અંક બહાર પડી ગયો હતો. એમાં એમનો એ લેખ નહોતો. તરત મને બોલાવ્યો. મને ખબર હતી એટલે એ પાનાં હાથમાં લઈને જ ગયેલો. હાથની પાંચેય આંગળીઓ હલાવતાં હલાવતાં પૂછે: ‘ભાઈ! મેં તને મેટર આપ્યું'તું ઈ આમાં નથી!’ મેં કહ્યું કે, નો છાપ્યું હોય તો ક્યાંથી હોય?’ એમનો ચહેરો જરા બગડી ગયો. પછી એમને સંભળાય એમ એકેએક શબ્દ છૂટો પાડીને હું બોલ્યો. ‘દાદા! એ લેખ નહોતો. ઊભાઊભ કરેલું ટાંચણ હતું. મુદ્દો ખૂબ સારો છે પણ આમ ઉભડક તો નો હાલે ને? નિરાંતે માંડીને પૂરા કદનો લેખ લખી આપો તો તરત જ છાપું! આવું કંઈ તમારા નામે શોભે નહીં! એમણે મારા હાથમાંથી કાગળ ખેંચી લીધા અને ભૂંગળું વાળીને ઝભ્ભાના ડાબા ખિસ્સામાં મૂક્યા. પછી હસી પડ્યા. ‘ભાઈ તું પાકો તંત્રી હોં!’ મને સમજાયું નહીં એમણે મારી વાત સ્વીકારી હતી કે પરીક્ષા કરી હતી? સાહિત્યકારની અભિવ્યક્તિ અને સાહિત્યની સંસ્થાઓની સ્વાયત્તતાની વાતે આપણે વારતહેવારે, ઉમાશંકર અને દર્શકદર્શક કર્યા કરીએ છીએ. એમની આરતી ઉતારીએ છીએ પણ, એ બંનેની દૃઢતા, ભેળસેળ વિનાની નીતિ, ખોટાને મોઢા ઉપર ખોટો કહેવાની હિંમત વગેરે બાબતોને ઈરાદાપૂર્વક ઓળવી જઈને એમના વૈભવ અને વારસામાંથી કોઈને અંદેશોય ન આવે એમ ભાગ પડાવી લઈએ છીએ એનું શું? લોકોને વિનોદ થાય એવી રીતે વારે વારે આપણાં જાહેરવિધાનો બદલતા રહીએ છીએ એનું શું? યાદ રહે કે એ બંનેની પ્રકૃતિ મૂળભૂત રીતે અલગ હતી. ઉમાશંકર મોટા સાહિત્યકાર હોવા ઉપરાંત મુત્સદી પણ હતા. જ્યારે 'દર્શક' મુત્સદીઓને સમજવા ઉપરાંત લાગણીશીલ રહેવાનું વધારે પસંદ કરતા. મનુદાદા જાણીને છેતરાતા અને છેતરનારાને જાણતા. મીઠું-મર્માળુ ઇતરાવા દેતા. જો કે, એમને એ વાતનો ધોખો પણ નહોતો. માણસને પામવાની અને માપવાની એમની રીત અનોખી હતી. એમનો અવાજ બહુ સારો નહોતો. થોડોક તીણો ને ઝાઝો તો ખોખરો. બોલે ત્યારે શરીર અને મનનું ઐક્ય આપણને દેખાય. જાહેરમાં, આખા શરીરે ખજવાળતાં ખજવાળતાં કે ધોતિયાનો છેડો સરખો કરતાં કરતાં ચાલવું-બોલવું એમને માટે સહજ અને સ્વાભાવિક હતું. પોતે જ્ઞાતિવાદના પ્રખર વિરોધી છતાં એમના ચહેરા ઉપર અનેક વાર બ્રહ્મતેજ લટાર મારવા આવે. ક્યારેક કોઈ માર્મિક પ્રસંગના વાંચન વખતે, ભજન કે ગીત ગાતી વખતે; એમનો અવાજ ભરડાઈ જતો, આંખના ખૂણે અશ્રુમોતીઓની લડી પરોવાઈ જતી. આવાં કારણોસર એમનું ભાષણ, ભાષણ ન રહેતાં સંવાદની ભૂમિકા ધારણ કરતું. દરેકને એમ લાગે કે એ મને સંબોધે છે. મોરારિબાપુ આયોજિત ‘અસ્મિતાપર્વ'માં કે સાહિત્ય અકાદેમીના ‘મીટ ધ ઓથર'માં કે અન્યત્ર -એમણે જે ભાષણ આપ્યાં હતાં તે સુવાંગ સાહિત્યસર્જકનાં ભાષણ હતાં. વિજયાબહેન માંદાં પડ્યાં ત્યારે એમને આપણા કવિ અને મીઠડા માઢુ દલપત પઢિયારે ગાયેલાં ભજનો સાંભળવાં હતાં. કવિનો સણોસરા જવાનો મેળ બેસે નહીં. દાદાએ આગ્રહ કર્યો અને એમણે એક કેસેટમાં ભજનો ઉતાર્યાં. દાદાએ એ કેસેટને જે જતનથી ઉપલા ખિસ્સામાં હૃદયસરસી રાખી હતી એ દૃશ્ય ભુલાય એમ નથી. મનુદાદાના વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં છે. એક તે ‘દીપનિર્વાણ', 'બંધન અને મુક્તિ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’ તથા ‘કુરુક્ષેત્ર' આદિ કૃતિઓના સર્જક, બીજું રચનાત્મક કાર્યકરનું અને ત્રીજું તે સામાજિક, સાંસ્કારિક, આર્થિક બધી દિશાઓને ઉન્નત કરે એવા બુનિયાદી શિક્ષણના પુરસ્કર્તા અને કર્મશીલ. એમના રંગે ને આદર્શે રંગાયેલા વિદ્યાર્થીઓની અનેક પેઢી એમણે આપી. એ બધા વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે વિકસ્યા અને સંસ્થાઓ ઊભી કરી. પૂરા ગુજરાતમાં બુનિયાદી શિક્ષણની નવી જ આબોહવા અને સુવાસ ફેલાવી. મનુદાદાએ ગાંધીજી, નાનાભાઈ, મૂળશંકરભાઈ, રવિશંકર મહારાજ, પંડિત સુખલાલજી વગેરે પાસેથી મેળવેલી શક્તિ આ સહુ કર્મશીલોની પણ ગંગોત્રી બની રહી. મનુદાદાએ તો ઉપનિષદો, મહાકાવ્યો, કાલિદાસ, રવીન્દ્રનાથ, ટોલ્સટોય, માર્ક્સ, જગતભરના ઇતિહાસો, ગોવર્ધનરામ, મેઘાણી, મુનશી, શરદબાબુ વગેરે અનેક મોટા ગજાના સાહિત્યકારોના રસપ્રદ ગ્રંથો ગંભીરતાથી વાંચ્યા હતા. જયાબહેને લખ્યું છે તેમ, ‘મનુભાઈનું અંગ્રેજી ભણતર તો માંડ પ્રાથમિક કક્ષાનું કહી શકાય. પણ આજે અંગ્રેજીમાં લખાયેલાં ઊંડાં તત્ત્વજ્ઞાનનાં સહેલાઈથી સમજી ન શકાય તેવાં પુસ્તકો ઝડપભેર ઉથલાવી નાંખીને હૃદયસ્થ કરી લેનારાઓની ગણીગાંઠી અને વીરલ નામાવલીમાં મનુભાઈનું નામ શોભે છે.’(દર્શક અધ્યયનગ્રંથ, પૃ.૬૩૩) એક વાર લોકભારતીના વિદ્યાર્થીઓએ, મનુભાઈએ આપેલી આઝાદીનો લાભ લઈને એમને પૂછ્યું હતું: 'લેખક 'દર્શક' અને સંસ્થાના નિયામક મનુભાઈ પંચોળી વચ્ચે ખાસ્સું અંતર અનુભવાય છે. આવું કેમ?' જવાબમાં એમણે પાંથીએ પાંથીએ તેલ નાંખે એ રીતે વાત કરેલી અને અંતે એમ કહેલું કે - ‘તમને ગમે છે એમ મનેય મનુભાઈ મટી જઈને ‘દર્શક’રૂપે ત્રણસેં ને પાંસઠેય દિવસ રહેવું ગમે છે પણ મારા ભાઈ ! ‘દર્શક' બનવું એમ કાંઈ રેઢું પડ્યું છે? ઈ તો બહુ દોહ્યલું છે. વરસે દહાડે માંડ પાંચ-પચ્ચીશ કલાક 'દર્શક' તરીકે જીવાય છે...’ બનતાં સુધી, રાધનપુરના જ્ઞાનસત્રમાં અમે સૌ થોડાં વહેલાં પહોંચી ગયેલાં. સંસ્થાના પ્રાંગણમાં ટહેલતાં હતાં ત્યાં મનુદાદા મોટરમાંથી ઊતર્યા. અમે દોડી જઈને વંદન કર્યાં. બિન્દુ કહે કે: 'દાદા! અમે તમને કાલે જ યાદ કર્યા'તા.’ હાથ હલાવીને પૂછે: 'કેમ?' ‘તમને ભાવે છે ને? એવું દૂધીનું શાક બનાવ્યું હતું...’ ‘કોઈને ભાવતી વાનગી ખાતી વખતે તમે એને યાદ કરો, એ સાચો પ્રેમ!’ આટલું બોલતાંમાં તો જાણે એમના મોંમાં દૂધીનો ગળચટ્ટો સ્વાદ આવી ગયો! આ મનુદાદાનું અવસાન થયું ત્યારે અંત્યેષ્ટિમાં હાજર રહેવા રઘુવીરભાઈ મને જોડે લઈ ગયેલા. ગ્રંથાલયના મોટા હોલમાં એમને સુવડાવ્યા હતા. એ જાણે કે બાણશૈયા પર સૂતા હતા. લોકભારતીની પાછળની ધારે, સીંદરીને કિનારે ઉમટેલી અગ્નિશિખાઓએ એમની દેહયષ્ટિને આ સમગ્ર સૃષ્ટિનો વ્યાપ આપ્યો ત્યારે અમારી પાસે અશ્રુ સિવાયની કોઈ અંજલિ નહોતી. પછી ગાંધીનગર આવીને મેં લખ્યું : ‘એમના જવાથી ન પુરાય એવી ખોટ પડી છે એવું કહીએ તો પણ અધૂરું લાગે, કેમકે આવનારા સમયમાં વારે વારે એ યાદ આવશે એટલું જ નહીં, સમાજના કયા કયા ખૂણે એમની ખોટ પડી છે એ સમજવામાં પણ સમય લાગશે.... ગાંધીવિચારને વળગી રહેવામાં એમને પોતાને અંગત રીતે કોઈ મુશ્કેલી એટલા માટે નહોતી કે એ વિચાર એમણે ઓઢેલો નહોતો. લોહી, માંસ, મજ્જાથી લઈને ચેતાતંત્ર સુધી અંદર-બહાર પૂરા અસ્તિત્વમાં વ્યાપી વળેલો હતો.’ વિનોદ કરવાની રીતે કહેવું હોય તો મનુદાદાની ભાષામાં એમ કહેવાય કે અત્યારે આપણે જેમને મોટ્ટા મોટ્ટા માણસો માનીએ છીએ એ તો એમની આગળ પાણી ભરે પાણી! સાવ ટૂંકા ને ટાંચા, અંગૂઠા જેવડા લાગે! આ વાતમાં કવિમિત્ર મનોહર ત્રિવેદી પણ સંમત થશે. ગાંધીજીને દેશ માટે પસંદગી કરવાની હતી. નહેરુ કે સરદાર? અને એમણે નહેરુ ઉપર પસંદગી ઉતારી હતી. નાનાભાઈને લોકભારતી માટે પસંદગી કરવાની હતી. મૂળશંકરભાઈ કે મનુભાઈ? એમણે મનુભાઈ ઉપર પસંદગી ઉતારી. આમાં આ છયે મહાનુભાવોની કે પરિસ્થિતિની તુલનાનો કોઈ પ્રશ્ન નથી. નહેરુને, લોકોએ જીવ્યા ત્યાં સુધી માથે બેસાડ્યા ને હવે એમને ભાંડવાની એક પણ તક જતી કરતા નથી. મનુભાઈને, જીવ્યા ત્યાં સુધી ઊંચા જીવે રાખ્યા ને હવે નથી ત્યારે અનુકૂળતા પ્રમાણે એમનું નામ લેવાની એકેએક તક ઝડપી લેવામાં આવે છે! લોકભારતીમાં જે લાખો રૂપિયાનો ગોટાળો થયો એના આઘાતે મનુભાઈને ધીરે ધીરે કોરી ખાધા. એમણે જાહેર નિવેદન કર્યું કે અમે વહિવટમાં કાચા સાબિત થયા. એ સાવ ભાંગી ગયા કે શું આપણે આખી જિંદગી, આ શિક્ષણ આપ્યું હતું? દળી દળીને ઢાંકણીમાં? પણ એમને માણસમાં અંતિમ કક્ષાનો વિશ્વાસ હતો કે - 'આ તો આવું ન જ કરે' એ વિશ્વાસનો ધજાગરો મનુભાઈને અને ‘દર્શક’ને - બંનેને ભરખી ગયો. હજી તો એમને ‘મુક્તિમંગલા'માં લિંકનને જીવતો કરવાની હામ હતી. પણ કહે છે કે મનનો પ્રભાવ શરીર ઉપર પડ્યા વિના રહેતો નથી. એમનું શરીર માંદું પડી ગયું. લિંકન જીવતો થાય એ પહેલાં મનુદાદા ચાલી નીકળ્યા.... વાસ્તવ અને સ્વપ્નની ભેળસેળ કરવા ઉપરાંત કલ્પના ઉમેરીને હું એક પ્રસંગને આમ જોઉં છું : એક વાર કોઈ ભાંગતી રાતે ખુદ સોક્રેટિસને મન થયું કે ચાલો આપણા લઘુ અવતારને જોઈએ તો ખરા કે એ શું કરે છે? તે એ તો ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ચડ્યા આંબલા મુકામે! ‘દર્શક' અંધારિયા ઓરડામાં ખાટલા ઉપર એકલા બેઠા છે. સોક્રેટિસના ધવલઉજ્જવલ આગમને આછું દૂધિયું અજવાળું ફેલાય છે. એકલા ધોતિયા વરાંસે, અર્ધું ઉઘાડું શરીર વાંકું વળીને ખાટલા નીચેથી વખનું ડબલું ઉપાડે છે. ઉઘાડે છે. હાથમાં પિત્તળનું છાલિયું લે છે. કંપિત હાથે કાંઠા સુધી ભરે છે. અક્ષયપાત્રમાંથી અમીપાન કરવું હોય એમ મોઢે માંડવા જાય છે ને સોક્રેટિસને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે. થાય છે કે આ ઇતિહાસ બેવડાવો ન જોઈએ! જ્ઞાનવૃદ્ધ સોક્રેટિસ દોડીને ઝપટ મારે છે. છાલિયાને ભોંય ઉપર રડતુંદડતું કરી મેલે છે. ગોળ ગોળ ફરતા છાલિયાનો રણુંકાર ધીમે ધીમે ખૂણામાં જઈને શાંત થઈ જાય છે!