સરોવરના સગડ/મફત ઓઝા: ઘૂઘવતા સાગરનું મૌન!

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મફત ઓઝા : ઘૂઘવતા સાગરનું મૌન!

(જ. તા. ૧-૩-૧૯૪૪, અવસાન તા. ૨૮-૧૨-૧૯૯૭)

‘કોલાહલ' કરવા કરતાં સાચા શબ્દને સંક્રમિત કરવો એ વધુ સારું ગણાય, એ ન્યાયે મેં અને જગદીશે કવિતાનું સામયિક શરૂ કરવાનું નક્કી કર્યું. નામ રાખ્યું 'સંક્રમણ'. એ જમાનો મોટા સર્જકોનો અને લઘુસામયિકોનો હતો. મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ દવે માહિતી ખાતામાં, એટલે કવિઓ પાસેથી કવિતાઓ મંગાવવા માટેની પ્રેસનોટ એમના દ્વારા વિવિધ અખબારો સુધી પહોંચાડી. કલ્પના કે અપેક્ષા પણ ન હોય એવા એવા કવિઓની રચનાઓ પ્રાપ્ત થવા લાગી. પ્રથમ અંકમાં બીજા કવિઓની સાથે, મફત ઓઝા અને મણિલાલ હ. પટેલનાં કાવ્યો પણ છપાયેલાં. ત્યારે કુરિયર્સનો જન્મ થયો નહોતો. જૂના આંગડિયા હતા પણ ભરોસાપાત્ર તો ટપાલખાતું જ ગણાતું. બધાને અંક મળ્યો કે તરત જ હુંફાળા પ્રતિભાવો અને લવાજમો આવવા માંડ્યાં. સૌથી પહેલો પત્ર આવ્યો તે ઈડરિયાગઢથી મણિલાલ હ. પટેલનો. પહેલાં તો સામયિકના સંપાદન તથા છાપકામના વખાણ કર્યાં ને પછી લખ્યું હતું કે – ‘મફત ઓઝા જેવા સાહિત્યકારોથી આ સામયિકને બચાવજો!' બીજો પત્ર આવ્યો તે મફતભાઈનો હતો. પહેલું જ લખ્યું હતું: ‘મણિલાલ જેવા કૃત્રિમ કવિઓથી છેટા રહેજો!’ અને પછી અમારા વખાણ કર્યાં હતા. એનો અર્થ એ કે એ બંને એકબીજાને ભલીભાંતિ ઓળખતા હતા. વધારામાં, સાહિત્યનાં ધોરણો અંગે એ બંનેની નિસબત અને સમજણ વિશેનો અમને અંદાજ મળેલો! મણિલાલના પ્રત્યક્ષદર્શનનો યોગ સધાવાનો હજી બાકી હતો. પણ, આ પત્રઘટના પૂર્વે, અમે અમદાવાદમાં મફતભાઈને એક વખત રૂબરૂ મળી ચૂક્યા હતા. કોઈ ને કોઈ સાહિત્યકારને મળવાના ઉત્સાહના ભાગ રૂપે જ હું અને જગદીશ મફત ઓઝાને મળવા આખિયા ટ્રસ્ટની વાડી ઉર્ફે સરસપુર કોલેજની હોસ્ટેલમાં મિરઝાપુર પહોંચી ગયા. શનિવારની સવારના દસેક વાગ્યા હશે. મફતભાઈ ત્યાં રેક્ટર તરીકે પણ સેવા આપતા અને ત્યાં જ પહેલા માળે રહેતા. રૂમનું બારણું ખુલ્લું જ હતું. અમે ગયા ત્યારે તેઓ મોટા મોટા ફૂલની ડિઝાઈનવાળી મરૂન લૂંગી અને બાંયો વિનાનું નિટેક્ષનું ગંજી પહેરીને નીચે પાથરેલા જાડા ગાદલામાં બેઠા હતા. મેં જોયું કે એમના ડાબા બાવડા ઉપર બહુ મોટું લાખું હતું. પીઠ પાછળ તકિયો અને ખોળામાં પાટિયું હતું. મફતભાઈ ડાબા હાથે લખતા. અમને જોયા કે તરત જ એમણે પાટિયું બાજુ પર મૂક્યું ને ઊભા થયા. અમારાં નામઠામ પૂછ્યાં અને હાથ મેળવ્યા. ‘તમે કંઈ કામમાં હો ને અમે આવી ચડ્યા એવું તો નથી ને?' એ પ્રશ્નના ઉત્તરમાં મફતભાઈએ જે કહ્યું તે ક્યારેય ભૂલાય એવું નથી: ‘અરે મારા મિત્ર! બે ગધેડાઓ ય એકબીજાને મળે ત્યારે વહાલ કરે છે. દૂરથી જોઈને મનમાં આવે એવું ભૂંકે છે, એકમેકને સૂંઘે છે, રાજીપો વ્યક્ત કરવા ભોંય ઉપર આળોટે છે; તો આપણે તો માણસ છીએ, વધારામાં કવિ પણ ખરા કે નહીં?’ પછી ઉમેર્યું: ‘મને ગધેડા જલદી યાદ આવે એ સ્વાભાવિક છે! પ્રજાપતિ ખરો ને?’ એ માણસે આટલું કહીને અમારાં દિલ જીતી લીધાં. એમનાં પત્ની સવિતાબહેન સરસ મજાની મસાલાવાળી ચા લઈને આવ્યાં. અમે ચારેયે સાથે બેસીને ચા પીધી. ત્યારે નાની દીકરી આરતી ઘોડિયામાં અને મોટી પૂર્વી ભાંખોડિયાં ભરતી હતી. મફતભાઈને સ્પષ્ટ ઉચ્ચારોની ટેવ ઓછી. થોડું ઉતાવળે અને ગડગડિયું બોલતા. અમુક અક્ષરો એક સાથે આવી જાય તો થોડી તકલીફ થતી એટલે ક્યારેક ધીમે ધીમે છૂટું પાડીને બોલતા. સવિતાબહેનને કહે કે - 'આ મિત્રો અત્યારે આપણે ત્યાં જમીને જશે!’ સામાન્ય રીતે પોતાને પૂછ્યા વગર પતિ આવું કહે તો પત્ની જરા કચવાય. અહીં તો, મફતભાઈએ અમે ઘણી ના કહી પણ સાંભળી નહીં કહ્યું કે –‘જૂના જમાનામાં બાહ્મણો પ્રજાપતિને ત્યાં જ જમતા!' અનાયાસ જ પૂરા ત્રણ કલાકનો સત્સંગ! નીકળતી વખતે, એમનો કાવ્યસંગ્રહ 'અશુભ' શુભેચ્છારૂપે અમને ભેટ આપેલો! વાતમાંથી વાત નીકળી તો પોતે કેવી કેવી પરિસ્થિતિમાં ઊછર્યા, કેવી ગરીબી વેઠી, મજૂરી કરી કરીને કેમ ભણ્યા એની વિગતે વાત કરી. હાઈસ્કૂલમાં એમને એક સરસ શિક્ષક મળેલા. એમણે મફતભાઈને અભ્યાસ કરવામાં બહુ જ મદદ કરેલી. એમનો ઉપકારભાવ કાયમ યાદ કરતા. કોલેજમાં ભણતા ત્યારે પણ એમના બાંગરાવેડા ઓછા નહોતા ! પણ, એમનો સૂક્ષ્મ વિવેક એવો કે- પહેલાં અમારી કવિતાઓ સાંભળી, પછી હસતાં હસતાં વળતો પ્રહાર કર્યો. એમની કવિતાઓ અમને સંભળાવી. અમે ઉત્સુકતાથી પૂછીએ : 'ફલાણા કવિની કવિતા કેવી ગણાય? ઢીંકણા સાહિત્યકાર તો બહુ ભારાડી, ભલભલાને સંભળાવી દે નહીં? અમુક ભાઈને મળ્યા તો ઓચ્છવ જેવું લાગ્યું! ફલાણીફલાણી સંસ્થાના વહિવટકારો કેવા? પૂંછડા સામયિકમાં હવે બિલકુલ મજા નથી આવતી! ઊંછડા સાહિત્યકારને બહેનપણીઓ બહુ!’ વગેરે. અમારા દરેક પ્રશ્નના પ્રામાણિક અને તિર્યક્ ઉત્તર એમણે આપ્યા હતા. કેટલાય વિશે એમણે આપણને આશ્ચર્ય અને આઘાત લાગે એવાં માર્મિક-નિર્ભિક વિધાનો કર્યાં હતાં. મેં જોયું કે એમનાં નિરીક્ષણો આકરાં હતાં એટલાં જ સાચાં હતાં, પણ એમાં નિંદાભાવ નહોતો. મફતભાઈને હસી કાઢતાં આવડતું હતું. એમને ત્યાંથી શીરો, પૂરી, બટેકાંનું શાક, તળેલાં મરચાં અને કઢી-ભાત ખાઈને અમે નીકળતા હતા ત્યારે બપોર થઈ ગઈ હતી. મફતભાઈ કહે કે જો અમદાવાદમાં રોકાવાના હો તો કાલે રવિવારે સવારે સાડા નવે અખંડ આનંદ હોલ પર આવો. ‘કાવ્યગોષ્ઠિ'ની બેઠક ત્યાં રાખી છે. અમારે ય ક્યાં ઉતાવળ હતી? રોકાઈ ગયા! બીજે દિવસે અમે ગયા ત્યારે મફતભાઈ પગથિયે જ ઊભા હતા. એક બે, એક બે કરતાં – માધવ રામાનુજ, યશવંત કડીકર, કૃપાશંકર જાની, મુકુન્દ પી. શાહ, મહિપત કવિ, ચંદુ મહેસાનવી, કાંતિ કડિયા અને હરીશ નાયકનો લક્ષ્મીબહેન અને ડોલી, ફોલી, જોલી સહિતનો આખો પરિવાર તથા બીજાં જાણ્યાં-અજાણ્યાં... એમ એમની આખી મંડળી આવી પહોંચી. નહીં નહીં તો ય સાંઈઠેક માણસનો સંઘ! મને થયું કે મફતભાઈની અટક ઓઝાને બદલે સંઘવી હોવી જોઈએ! પછી અમને બહુ વખતે ખબર પડી કે અમારા પૂર્વે મફતભાઈને પણ અમારા જેવા જ હૈડકા આવતા હતા. વર્ષો પહેલાં, માધવ રામાનુજ જ્યારે વોરા એન્ડ કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે તેઓ એમને મળવા, સહજ રીતે જ દાદરા ચડી ગયેલા! એ ‘કાવ્યગોષ્ઠિ'માં માધવે ‘ગોકુળમાં કો'ક વાર…’ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘સોળે સજ્યા શણગાર' માટે લખેલું તાજું ગીત - ખણ ખણ ખણ ખણ થયા કાંકરા અલ્યા આપણી દોણીના…’ સંભળાવેલું. એ દિવસથી માધવ સાથે અમારી દોસ્તી પાકી થઈ. એક વાર એચ. કે. કોલેજના દરવાજે સિંહ રાશિના આ બંને સર્જકો, માધવ અને મફતભાઈ ઊભા હતા. એટલામાં મહામહિમ રઘુવીર આવ્યા. માધવ માટે એમને વિશેષ કોમળભાવ એટલે કહે કે – 'માધવ! તમે આ મફતભાઈની સાથે ઊભાં તો છો, પણ ધ્યાન રાખજો!’ માધવ બોલ્યા: 'હું એમની નબળાઈઓ જાણું છું! એટલે વાંધો નહીં આવે.' તુલા રાશિનો સ્વભાવ પ્રગટ કરતાં માર્મિકતાના મહારથી નીચેનો હોઠ સહેજ અંદર લઈ જઈને કહે કે – ‘પ્રશ્ન એમની નબળાઈઓનો નથી, શક્તિઓનો છે!’ મેં અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો ત્યારે જ મફતભાઈ સરસપુર કોલેજમાંથી ફાજલ થયા. એ સમયે એમણે ડૉ. રમણલાલ જોશી પાસે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા' વિષયે સંશોધન કરીને પીએચ.ડી. મેળવી લીધી હતી. એમ.એસ.માં ગુજરાતીની બે જગાઓ ભરવાની હતી. ગુજરાતના તમામ વિદ્યાધનની ચકાસણી કર્યા પછી પણ, મફતભાઈ અને ભારતીબહેન દલાલ! બંનેને પોતપોતાના ગાઈડ ફળ્યા હતા. જો કે યુનિવર્સિટીઓનું આજે આપણે જે રૂપ જોઈએ છીએ તેની શરૂઆત તો આ ઘટના પૂર્વે જ થઈ ચૂકી હતી. મફતભાઈનું વડોદરા જવું અને ત્યાંથી પાછા અમદાવાદ આવવું એ બંને બાબતોએ જે તે સમયે વમળો ઊભા કર્યાં હતાં. નિષ્ણાતો બદલાયા હતા, એટલે કે વધુ આધુનિક અને તેજસ્વી થયા હતા, પણ પેલી બાર્ટરપદ્ધતિનું દૃઢિકરણ થયું હતું. એક જ સાવરણીથી કોઈને આંગણું ઉજાળવું હતું તો કોઈને આંગણું વાળવું હતું! એક મોટા સાહિત્યકારે મફતભાઈની પસંદગી થવાના કારણ તરીકે રમૂજ આગળ કરીને, એમ કહેલું કે – ‘ઇન્ટરવ્યૂમાં મફતભાઈએ વિ.સ.ખાંડેકરની નવલકથાના શીર્ષક 'યયાતિ' શબ્દનો ઉચ્ચાર સાચો કર્યો હતો!' વડોદરામાં મફતભાઈને ચંચીદાદાનો નિકટવર્તી અને આત્મીય અનુભવ થયો એ એમની મોટી ઉપલબ્ધિ! ‘ચંદ્રવદન એક ચીજ’ને મફતભાઈનું વાલીપણું કરવાની તક સાવ મફતમાં મળી હતી! પેટનો જણ્યો પણ ન કરે એવી સેવા ચં.ચી.ની માંદગીમાં મફતભાઈએ કરી હતી. ત્યારે બાળકોને ભણાવવા સવિતાબહેન અમદાવાદ રહેતાં હતાં. મફતભાઈ એકલા વડોદરા રહે. યુનિવર્સિટીનું કામ પતે કે તરત જ દાદા પાસે દોડી જાય. ચં.ચી.દાદાને કફ ખૂબ અને એન્ટીબાયોટિક સદતી નહોતી. એક વખત તો એ ગયા ત્યારે દાદાએ ખાટલા પાસે જ ઊલટી કરી નાંખી હતી. આખા રૂમમાં ખાટી ગંધ ફેલાઈ ગયેલી! મફતભાઈએ એક ક્ષણના ય વિલંબ અને સંકોચ વિના એ બધું સાફ કર્યું-કરાવેલું. ચાદર અને કપડાં બદલાવી આપેલાં. એમના ખાવા-પીવાથી માંડીને ડૉક્ટર અને દવા સુધીની તજવીજ કરી આપેલી. દાદા સનેપાતે ચડી જાય ત્યારે મફતભાઈ એમની પાસેથી ગાંધીયુગીન ગાળો સાંભળે ને પોતાનું માતૃભાષાનું જ્ઞાન પણ વધારે! એમનાં કપડાં સમયસર ધોવાઈને આવ્યાં કે નહીં એની ચિંતા કરે. ક્યારેક તો ગાદલું કે ગોદડું તડકે નાંખવા ય જવું પડે. પછી સમય વધે તો ચં.ચી.નાં વેરવિખેર નાટકો ભેગાં કરે. વડોદરા યુનિવર્સિટીમાં એમણે એક વખત કાવ્યવાચનનો કાર્યક્રમ યોજ્યો હતો. છેક સુરતથી ‘ગની' દહીંવાલાને નોતર્યા હતા. ગનીચાચા ઊભા થયા ને વિદ્યાર્થીઓમાં ગણગણાટ શરૂ થયો. મફતભાઈનાં મનમાં ભાવના સારી પણ, બોલવામાં તળપદ ઝાઝું, તે કહે કે ; 'આમની ઉંમર જોતાં ફરીથી આવે કે ન આવે! શાંતિ રાખો અને સાંભળો! આ બહુ મોટા ગઝલકાર છે…' સાલી વાતેય સાચી નીકળી. એ પછી ગનીચાચા વડોદરે જઈ શક્યા નહોતા! દીકરીઓ પછી બાર વર્ષે, મફતભાઈને ત્યાં દીકરો જન્મ્યો. ઉમંગથી પેંડા વહેંચેલા. મફતભાઈનો સ્વભાવ પહેલેથી જ આનંદી! દીકરાની તુલા રાશિ આવતી હતી તો શું નામ રાખવું? એ અરસામાં જાણીતા હાસ્યલેખક અશોક દવેએ પોતાના પુત્રનું નામ સમ્રાટ રાખેલું. ‘પંખો ચાલુ કર્યા વિના' ય કોઈ આખા નામે બોલાવે તો ફરજિયાતપણે ‘સમ્રાટ અશોક' એમ બોલવું પડે. આટલું બોલે પછી દવે ન બોલે તોય ચાલે ! મફતભાઈએ અશોકમાંથી પ્રેરણા લઈને નવજાત પુત્રનું નામ ‘તદ્દન’ પાડવાનું વિચારેલું. મતલબ કે 'તદ્દન મફત’! ચાંદામામા ઉર્ફે ચંચીદાદા, મારી જેમ એક આંખ ઝીણી કરીને બોલ્યા હશે: 'એલા મફત! 'તદ્દન'તે કંઈ નામ હોય? એમણે દીકરાનું નામ પોતાના સ્વભાવ પ્રમાણે ‘તરલ’ પાડી આપ્યું અને ઉમેર્યું કે ‘રમૂજ ભલે કરીએ, પણ કોઈ હાસ્યલેખકના રવાડે ચડીને હાસ્યાસ્પદ ન થવાય!’ સમર્પણ, સેવા અને ખેલદિલી એ મફતભાઈના ગુણ. મિત્રને માટે મરી પડે એવો માણસ! થોડાં વર્ષો પહેલાં બિન્દુ એન.એસ.એસ.ની વિદ્યાર્થિનીઓને લઈને મફતભાઈના વતનગામ જામળા ગયેલી. ત્યાં પૂર્ણાહુતિપ્રસંગે ગામના અગ્રણીઓ આવેલા. શું ભાવથી મફતભાઈને યાદ કરે! મફતભાઈએ પોતાની વગ વાપરી વાપરીને ગામમાં લોકકલ્યાણનાં કામો કરાવેલાં. કોઈ પણ સાજુંમાંદું હોય, મફતભાઈ અમદાવાદ લઈ આવે, દવાખાને લઈ જાય, સેવા કરે. ગામ લોકો તો 'અમારા મફાભાઈ...અમારા મફાભાઈ…’ કરી કરીને જીભ સૂકવે! મફાભાઈની લોકપ્રિયતા એવી કે એક વખત તો વિધાનસભા માટે ય એમનું નામ વિચારાયું હતું. જીવનભર એ ગુરુ રમણલાલ જોશીને સમર્પિત રહ્યા, પરિષદની જેટલી ચૂંટણી રમણલાલ લડ્યા, આ મફતલાલે કોઈ પણ જાતના હિચકિચાટ કે સેકન્ડ થોટ વિના એમની ભેર તાણી હતી. રાતદહાડો જોયા વિના એમના નામનાં નગારાં વગાડેલાં! ત્યારે બહુ ઓછા સાહિત્યસેવકો મોટરવાળા હતા, પણ રથી-સારથિ-પરંપરા જૂની હતી. ઘણા વિદ્વાનોએ રિક્ષાના વિકલ્પે, રિક્ષા બોલાવવા જેટલી સહજતાથી બોલાવી લઈને આ સેવાભાવીના સ્કૂટર પર મફત અમદાવાદ-દર્શન કર્યા છે! મફતભાઈની ખેલદિલીનો એક પ્રસંગ અત્યારે યાદ આવે છે : ‘શબ્દસૃષ્ટિ'ના સંપાદક તરીકે મારી નિમણૂક થઈ ત્યારે, અકાદમીમાં લોકશાહીની રસમ જાળવી રાખવાના ઉમદા ખયાલના ભાગરૂપે (?) બે સભ્યોએ વિરોધ કરેલો. એમાંના એક તે મફતભાઈ! પછી રૂબરૂ મળ્યા ત્યારે, હાથ પકડીને મને કહે કે - 'તને તો ખ્યાલ હશે જ કે મેં તારી નિમણૂકનો વિરોધ કર્યો હતો!’ 'કેમ? તમને મારી પાત્રતા ઓછી લાગી હતી?’ ‘એવું તો નહીં, પણ મને ખબર હતી કે બહુમતીથી આ થવાનું જ છે. તને નુકસાન નથી થવાનું એની ખાતરી કર્યા પછી જ વિરોધ કરેલો!’ ‘તો પછી કેમ?' ‘એક મુરબ્બી સાહિત્યકારનો અભિપ્રાય હતો કે આટલી નાની ઉંમરની વ્યક્તિને એક સંસ્થાનું સામયિક એમ ન સોંપી દેવાય! કોઈ પીઢ માણસ જોઈએ! અમુક કારણસર મારે એમની સાથે રહેવું પડે એમ હતું! સમજને દોસ્ત....!’ ‘ઉંમરમાં અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં તમે મારા સિનિયર છો એ બરાબર પણ, એક સામયિકના સંપાદક તરીકેનો મારો અનુભવ તમારા કરતાં જૂનો છે… એ ય તમે ભૂલી ગયા? ઠીક છે. મને કંઈ ફરક નથી પડતો.’ એમણે પોતે કહ્યા મુજબ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય થયા એ મફતભાઈ માટે પણ અચરજનો વિષય હતો. હડધૂત થયા પછી ચિમનભાઈ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પૂર્વે મફતભાઈએ ચિમનભાઈની સેવા પણ પૂરી નિસબતથી કરેલી. ચિમનભાઈ પદભ્રષ્ટ થયા પછી, ભાગ્યે જ કોઈ એમને ત્યાં જતું! પણ, મફ્તભાઈ નિયમિત રીતે જતા. એમને ચિમનભાઈની સત્તાથી મતલબ નહોતો. એટલે, યુનિવર્સિટીના ચોકમાં પોતાના યશરૂપી ચંદ્ર ઉગાડવા, પગથી માથા સુધીનો ગુલાબનો વજનદાર હાર અથવા શિષ્ટાચાર ખાતર પણ નાનકડો ગુલદસ્તો લઈ જઈને મુખ્યમંત્રીને અભિનંદન આપવાની જરૂર એમને નહોતી પડી. એ તો ગયા સાવ ખાલી હાથે! ચિમનભાઈને પગે પડીને અભિનંદન આપ્યાં. સાહિત્ય અને શિક્ષણ અંગે થોડીઘણી વાતો થઈ અને ઊઠતી વખતે મફતભાઈ સાવ સહજ રીતે જ બોલ્યા: 'કંઈ કામકાજ હોય તો કહેજો સાહેબ! ને મારું ધ્યાન રાખજો....’ ચિમનભાઈના કાન, દુંદાળાના કાન હતા. કહેવાયેલું અને ન કહેવાયેલું બધું જ સ્ટીરિયોફોનિક અવાજમાં સાંભળે. મફતભાઈને એમ કે આપણે એકાદબે પોલીસવાળાઓની બદલીની ભલામણ કરીએ તે કામ થઈ જાય અથવા ક્યાંક કોઈ નાની અમથી સમિતિફમિતિમાં મૂકે તોય ભયો ભયો! કોઈ એકાદબે ઠેકાણે આપણું નામ ચાલતું રહેવું જોઈએ! પણ આ તો... પેલી કહેવત છે ને? ખુદા દેતા હૈ તો… આ સંબંધ ચિમનભાઈના અવસાન પછી પણ ચાલુ રહેલો. ઊર્મિલાબહેનની સંભાળ એક પરિવારજનની જેમ જ એમણે લીધેલી. મફતભાઈની પ્રાર્થનાસભામાં ઊર્મિલાબહેનને આંસુ સારતાં ઘણાંએ જોયેલાં. મફતભાઈનાં મહત્ત્વનાં યોગદાનોમાં કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ અને વિવેચન ઉપરાંત, ‘કાવ્યગોષ્ઠિ'ની બેઠકો અને ‘તાદર્થ્ય' સામયિક. અમુક લોકોને, આપણાં પ્રતિષ્ઠિત-મરજાદિત સામયિકો પૃષ્ઠમર્યાદા અને ઉચ્ચ ધોરણોને કારણે સમાવી ન શકે. એ બધાં માટેનું ઉદાર આશ્રયસ્થાન એટલે ‘તાદર્થ્ય’! વિસ્તારની કાળજી મફતભાઈ પોતે રાખતા અને ઊંડાણવાળી વાતને જે તે કવિલેખકનાં ગજા અને વિવેક પર છોડી દેતા. એમણે કેટલાક વિશેષાંકો પણ પ્રગટ કરેલા. વિવિધ સંસ્થાઓમાં, સાવ ઓછા ખર્ચે ‘કાવ્યગોષ્ઠિ'નું સત્ર યોજાતું. 'ગ્રુપ નહીં, પણ ગોષ્ઠિ' એ એમનું સૂત્ર હતું. એમાં, એકથી વધુ વખત મને કવિ અને વક્તા તરીકે બોલાવીને મફતભાઈ જૂનો સંબંધ તાજો રાખતા. મફતભાઈ વ્યવહારુ પણ બહુ જ. કોઈ કામે ગાંધીનગર આવ્યા હશે. મહામાત્ર હસુભાઈને મળી લીધા પછી, મારી જગ્યાએ ખાસ આવ્યા અને 'અપડાઉન' કે એવો કોઈ કાવ્યસંગ્રહ ભેટ આપી ગયેલા. સૈયદબહેને એમને કહ્યું કે, ‘હર્ષદભાઈને અભિનંદન પણ આપો… એમને ત્યાં બાબાનો જન્મ થયો છે!’ આપણને તો શું અપેક્ષાઓ હોય? મને એમણે અભિનંદન તો આપ્યાં જ. પણ, વધારામાં રૂપિયા એકાવન પણ કાઢી આપ્યા! 'લ્યો આ ઝબલાના કરીને આપું છું!' મને થયું કે મારા સાવ નિકટનાં કેટલાંક સગાંઓ જે ચૂકી ગયેલાં એ આ પ્રજાપતિએ સહજભાવે જ સરભર કરી દીધું! કેટલાક સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરનો ‘તપસીલ' એ નામે ‘શબ્દસૃષ્ટિ'નો વિશેષાંક મેં કર્યો ત્યારે એમને કેટલાક ધારદાર પ્રશ્નો પૂછ્યા હતા. મફતભાઈએ સહેજ પણ અકળાયા વિના, પોતાની નિર્ભય અદા સાથે પ્રામાણિકતાથી ઉત્તરો આપ્યા ‘૧. ગુજરાતી સાહિત્યમાં જૂથબંધી વ્યાપક બની હતી અને નવોદિતોની અવજ્ઞા થતી હતી ત્યારે 'કાવ્યગોષ્ઠિ'નો જન્મ થયો... 'કાવ્યગોષ્ઠિ'નાં સત્રોની વિશેષતા એ રહી છે કે એમાં ભાગ લેનાર સાહિત્યકારે કે સાહિત્યપ્રેમીએ કોઈ પ્રકારની ફી કે ડેલિગેટ ફી ભરવાની રહેતી નથી. એમના જમવા-રહેવાની વ્યવસ્થા યજમાનસંસ્થા કરે છે. ૨. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તકો જે તે વિષયની અભ્યાસક્રમસમિતિ નક્કી કરે છે. આ પાઠ્યપુસ્તકો ત્રણ રીતે નક્કી થાય છે : ૧. સમિતિના સભ્યોની અભ્યાસસજ્જતાથી. ૨. લેખક કે પ્રકાશકના સંપર્ક કે દબાણથી. ૩. સમિતિમાં બેઠેલા સભ્યોની પોતાની કૃતિઓને કે નિકટવર્તી સર્જક/લેખકની કૃતિઓને સ્થાન આપવાની વૃત્તિઓથી. સમિતિના સભ્યોની અભ્યાસસજ્જતાની વાત હવે કરી શકાય તેમ નથી. ૩. યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં આવતી નવી કૃતિની ગાઈડ પહેલાં બહાર પડતી જોઈ છે. સામાન્ય રીતે પ્રગટ થયેલી કૃતિ જ અભ્યાસક્રમમાં સ્થાન પામે છે. આ કૃતિ અપ્રાપ્ય હોય તો તે છપાય એ પહેલાં એની ગાઈડ બહાર પડે એમ બને. ક્યારેક લબ્ધપ્રતિષ્ઠિત સર્જકની કૃતિ બહાર પડવામાં હોય અને સમિતિના સભ્યો એ અંગે અભિપ્રાય આપે તો તે કૃતિ પૂર્વે કે તરત જ ગાઈડ બહાર આવી જાય છે. અહીં પાયાનો પ્રશ્ન એ છે કે ગાઈડો કોણ લખે છે? એ જ અધ્યાપકો અને સમિતિના સભ્યો. પ્રકાશકોની ચાલમાં આવી જઈ આર્થિક લોલૂપતા ખાતર, ગાઈડો ન લખવાની જાહેરમાં પ્રતિજ્ઞા કરનાર અને કરાવનાર એ સંડોવાયેલા હોય છે. વાડ જ ચીભડાં ગળે ત્યાં કોને કહેવું?’ એમણે એ સમયે આટલું સ્પષ્ટ કહેવાની હિંમત કરીને વિદ્વાનોને સુમનાંજલિ અર્પણ કરી હતી. તરત તો એનો ઘણો પ્રભાવ પણ પડ્યો હતો. પણ વળી પાછા ઠેરના ઠેર જેવી જ હાલત છે એ કોણ નથી જાણતું? પણ, એક વાત છે; મફતભાઈનો વિરોધ મોટેભાગે મુદ્દા આધારિત રહેતો. વ્યક્તિગત રાગદ્વેષ એમનામાં નહોતા એમ નહીં, પણ ઘણા ઓછા અને બિનનુકસાનકારક હતા. મફતભાઈ અંદરનું ને બહારનું બધું જ સમજવાની સાથે પોતાની મર્યાદાઓ પણ જાણે એટલે મર્યાદા ન ચૂકે. બે આંખની શરમ એમને પહોંચે. કહેવા સમું હોય એમાં કંજુસાઈ પણ ન કરે. પોતાની ભૂલ પણ હસીને સ્વીકારી લેતા અને ફરી વાર ન થાય એની કાળજી પણ રાખતા. જેનો હાથ પકડવા કોઈ તૈયાર ન થાય એનો બેલી મફોભૈ! માનવીય અને વ્યાવહારિક સંબંધો જાળવવામાં તો એ ઘણા ઉદાર. પોતે વેઠેલું બધું જ ભૂલીને એ પારદર્શક બની શકતા. અમારા આત્મીય અને સંસ્કૃતના અધ્યાપક શ્રી વિનોદ પરમાર, જાહેર સેવા આયોગના સભ્ય થયા ત્યારે ડેકોરમના ભાગરૂપે, મહાકવિ કાલિદાસની જેમ શોભતાં લાંબાં ઓડિયાં કપાવી આવેલા! મફતભાઈએ એવી દરકાર રાખ્યા વિના, પોતાનાં ઓડિયાં બરકરાર રાખેલાં. હા, પહેલાં કરતાં વસ્ત્રો વધુ સારાં ને વ્યવસ્થિત પહેરતા થયેલા. વરણાગીપણું એમના સ્વભાવમાં નહોતું. કોઈના કહેવાથી, અનામિકાની વીંટીમાં જડેલું ગુલાબી માણેક પહેરતા એ મને યાદ છે. પોતે જી.પી.એસ.સી.ના સભ્ય થયા ત્યારે બીજાઓને સાથે રાખીને, કેટલાય નિર્ણયો, નીતિઓ બદલવામાં યોગદાન આપેલું એટલું જ નહીં, ખરી મહેનત-આવડતને અન્યાય ન પહોંચે અને નીચેના વર્ગના વિદ્યાર્થીઓ આગળ આવે એની ‘વિશેષ' કાળજી એમણે લીધેલી. ૧૯૯૭નો અંતિમ મહિનો મફતભાઈ માટે પણ અંતિમ બની રહ્યો. સામાન્ય રીતે બીજાઓની ખૂબ દરકાર લેનાર મફતભાઈ પોતાને અંગે બેદરકાર હતા. મધુમેહી હતા છતાં બાસુંદી મજેથી પીતા. નિયમિત રીતે કરાવવી જરૂરી એવી શારીરિક તપાસ વ્યસ્તતાને કારણે આગળ ને આગળ ઠેલતા રહેતા, પણ એમને એ ખ્યાલ ન રહ્યો કે - મૃત્યુ નામનો કાચબો એમની સાથેનું અંતર ઓછું કરી રહ્યો છે! ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન વડોદરામાં હતું. હોટલમાં મોડી રાત્રે એમણે માધવ રામાનુજને પીઠમાં દુખાવાની ફરિયાદ કરી. થોડી વારમાં એમને ઊલટી થાય એવું થવા લાગ્યું. એમની સાથે એક ભાઈ હતા એ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા. મફતભાઈએ માધવને સાથે આવતા રોક્યા. સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ત્યાં આપણા રતિલાલ સાં. નાયકનો દીકરો જ ડોક્ટર છે અને પોતે હમણાં દવા લઈને તરત પાછા આવે છે! કશી પણ સારવાર શરૂ થાય એ પહેલાં જ, એમને તપાસતાં તપાસતાં ડોક્ટર મનોમન બબડ્યા : ‘ખેલ પૂરો…!' એ અણકથિત વાક્ય મફતભાઈ સાંભળી ગયા! એટલે પૂછી બેઠા: ‘…તો આપણે ગયા?’ ડોક્ટર કંઈ જવાબ આપે એ પહેલાં તો ઘૂઘવતા સાગરનું મૌન ચારેકોર છવાઈ ગયું હતું!