સરોવરના સગડ/યથેચ્છસિ તથા કુરુ…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યથેચ્છસિ તથા કુરુ…

હર્ષદ ત્રિવેદી

આપણા પ્રશિષ્ટ સામયિક ‘કુમાર’માં લોકગીતોના આસ્વાદની લેખમાળા 'કંકુચોખા' પૂર્ણ થઈ કે તરત જ ધીરુભાઈ અને પ્રફુલ્લભાઈએ પ્રેમથી કહ્યું, ‘લખવાનું ચાલુ રાખવાનું છે હોં!’ તરત તો કંઈ ન સૂઝ્યું, પણ વર્ષોથી જે સાહિત્યકારો મનમાં ઘર કરીને બેઠા હતા, જેમનું કોઈ ને કોઈ રૂપે મારા પર ઋણ છે એમને વિશે લખવાનું ઘણા વખતથી મનમાં છે એની વાત મેં એમને કરી. એ બંને મુરબ્બીઓએ વિના સંકોચે ઝીલી લીધી એટલું જ નહીં, મને પૂરતી મોકળાશ આપી એ પણ આ સમયની તો વિરલ ઘટના જ. હું એક એવો નસીબદાર માણસ છું કે અનેક સાહિત્યકારોના આત્મીય પરિચયમાં મુકાવાનું બન્યું છે. એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓનો ઉપકાર પણ ખરો. જે મુરબ્બીઓ અને મિત્રો હયાત છે એમને અંગે લખવામાં બે પ્રકારનાં જોખમ. એક તો હું મારી રીતે, કોઈ પ્રસંગ કે ઘટના અંગે તારણ ઉપર ન આવી શકું. બીજું, હજી એમના જીવનમાં કોઈ ને કોઈ બદલાવ આવવાની પણ પૂરેપૂરી શક્યતા. વળી, જેમની સાથે મારો પ્રત્યક્ષ નાતો નથી કે જાત અનુભવે જે સમયના સાક્ષી બનવાનું નથી બન્યું, એમને વિશે લખતી વખતે બીજો કશોક આધાર લેવાનું બને. અથવા એમના જીવનની મુખ્ય વિગતોને આધારે લખવાનું થાય. પણ, એમાં કદાચ અંગતતા ઓછી આવે. કેટલુંક એવું પણ અનુભવાયું હોય, કે જે, જે-તે સાહિત્યકારની ઉપસ્થિતિને કારણે લખવામાં બહુ મોટું સાહસ ગણાય. કેમકે આપણે જેમને અમુક રીતે ઓળખતા હોઈએ એ લોકો તદ્દન અંગત ક્ષણોમાં કે લાભગેરલાભની ક્ષણે, એક માણસ તરીકે તદ્દન જુદા, એટલે કે બહુ મોટા અથવા સાવ નાના અનુભવાયા હોય! કેટલાંક સત્યોને જોવા માટે પ્રામાણિક અંતરની પણ જરૂર હોય છે. સરવાળે તો આપણે સહુ મનુષ્યો જ છીએ અને મનુષ્ય હોવાની મર્યાદાથી તો કોઈ પણ મુક્ત નથી. અહીં મેં જે આળેખ્યું છે એમાં પ્રત્યક્ષ અનુભવને જ મહત્ત્વ આપ્યું છે. અને એ અનુભવ પણ સાપેક્ષ અને અનેકપાર્શ્વી છે એટલે કે નેતિ નેતિ… જેવી વાત છે. આ બધા સર્જકોની હયાતીમાં જો હું કંઈ લખું તો, એમના પક્ષે ન્યાયના અને મારા પક્ષે પ્રામાણિકતાના પ્રશ્નો મનમાં જ ઊઠે! તેમ છતાં શક્ય એટલા સત્યની નજીક જવાનો અને વિગતોની ખરાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક વાત નક્કી છે કે કોઈને ઉતારી પાડવા કે ચડાવી મારવા માટે આ લખાયું નથી. મારી અંગત નિસબતથી, પંચેન્દ્રિયથી જેમને જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે. શક્ય છે કે બીજાનો અનુભવ જુદો હોય! મારા રસનો વિષય, કોઈનું પણ અખિલાઈના સંદર્ભે જ નિરીક્ષણ કરવું અને મારું હૈયું જે પ્રતિભાવ આપે તેને રાગદ્વેષ વિના વળગી રહેવું. એમ કહોને કે આ છબિ છે તે પણ આખરી અને સંપૂર્ણ નથી. વ્યાપક સમયના સંદર્ભમાં કહું તો કોઈ એકાદી ક્ષણમાં જે ઝિલાયું છે તે આવ્યું છે. દિવસે ને દિવસે માણસાઈનો દુકાળ પડતો જાય છે, ઉચ્ચ જીવનધોરણો અળપાતાં જાય છે; આવા સંજોગોમાં આ બધા પૂર્વસૂરિઓ કોઈને કોઈ રીતે મારે માટે આસ્થાનાં સ્થાનક બની રહ્યા છે એ એમના વ્યક્તિત્વની મોટાઈ છે. આ બધા દેવોની કોટિના હોત અથવા સાવ પામર જ હોત તો મને આ લખવામાં રસ પડ્યો ન હોત. એમ કહેવું જોઈએ કે, આ બધા તમામ અર્થમાં, વિશિષ્ટ અને વિલક્ષણ છતાં હાડ-ચામના સાચા માણસ હતા, કદાચ મારે માટે એ જ આકર્ષણનો વિષય હતો. સરોવરપણું તો એમનામાં હતું જ મેં તો એના સગડ શોધવાનો પ્રયત્નમાત્ર કર્યો છે. પિતાપુત્ર, જયંત કોઠારી અને રોહિત કોઠારી બંને અંગે આમાં લખવાનું થયું તે દુર્ભાગ્ય ગણાય કે સદ્ભાગ્ય એ નક્કી નથી કરી શકતો. એમ લાગે છે કે કાળ જેવું મોટું કોઈ તત્ત્વ નથી. રોહિતભાઈએ ભલે સાહિત્યસર્જન ન કર્યું હોય પણ એમણે અનેક સાહિત્યકારોનાં પુસ્તકોનું નિર્માણ, પોતાનું પુસ્તક હોય એવી આત્મીયતાથી કર્યું છે એ એમની અહીં બેસવાની પાત્રતા છે. ઘણા લોકો એટલે કે વિદગ્ધ વાચકોને આમાં સાચી અંજલિ પણ દેખાઈ છે. જો કે મારો ઈરાદો શ્રદ્ધાંજલિનો નથી જ. વિનીતવેશે એમના વ્યક્તિત્વની પરકમ્મા કરવાનો જ રહ્યો છે. એ કરતી વખતે અનેક વાર આંસુ વહ્યાં છે અનેક વાર આશ્ચર્ય અને અફસોસ પણ થયાં છે કે એમના સમયે એમની સાથે ઘણો મોટો અ-ન્યાય કર્યો છે. છેવટે તો આ બધા માનવનિયતિના ખેલ છે. એને રસિક રીતે જોવાનો અને માણસને માણસ હોવાની રીતે ચાહવાનો નર્યો આનંદ એ જ મારી ઉપલબ્ધિ! એક અર્થમાં, આ ઓગણીસ સાહિત્યકારો જ નથી; આપણા યુગના ઓગણીસ અધ્યાય પણ છે. પ્રત્યેક લેખની દિલથી સરાહના કરનાર સુપ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટને આ પુસ્તક જોવાનો બહુ હરખ હતો. આ પ્રકાશન પહેલાં જ દુર્ભાગ્યે એમનું અવસાન થયું. એમનું સ્મરણ કાયમ રહેશે. મારા સમયની આશકા ઉતારતાં ઉતારતાં આ લેખો લખાયા-છપાયા પછી પણ તેમાં સુધારા-વધારા થતા રહ્યા છે. એટલે, આ પુસ્તકમાંના પાઠને જ આખરી ગણવા વિનંતી. તો હવે આપની આંખો સામે છે આ ‘સરોવરના સગડ’. યથેચ્છસિ તથા કુરુ...