સરોવરના સગડ/રમણલાલ જોશી : એક પગથિયાનું છેટું…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Center

‘રમણલાલ જોશી : એક પગથિયાનું છેટું…

(જ. તા. ૨૨-૫-૧૯૨૬, અવસાન તા. ૧૦-૯-૨૦૦૬)

એકવાર કવિમિત્ર માધવ રામાનુજનો ફોન આવ્યો. કહે કે ‘પ્રબોધ (ર.જોશી)ને તારી પાસેથી દિવંગત પિતા રમણલાલ જોશીનો અવાજ સાંભળવો છે!’ મેં કહ્યું: ‘માધવ! એ નહીં બને!’ ‘કેમ?' એમણે પૂછ્યું. ‘અરે ભાઈ! એ એમના પિતા હતા. આપણે આમ ટૉળ કરીએ ને ક્યાંક એમને માઠું લાગી જાય તો?’ ‘અરે! એને એ જ તો સાંભળવું છે. એ રમણલાલને તારા કરતાં વધારે સારી રીતે ઓળખે કે નહીં? હસવા માટે જ કહે છે! બસ, તારે આટલું કરવાનું છે…’ ‘તમારી વાત તો હું સમજ્યો, પણ સાંભળો માધવ! કોઈની પણ મિમિક્રી કરવી એ એક કળા છે. તમે જે તે વ્યક્તિની નાડેનાડ બરાબર જાણતા હો, એ કેવા સંજોગોમાં કેવું વર્ત્યા, એ કરતાં કેવું વર્તી શકે એની ધારણા કરી શકતા હો તો જ કરી શકો. મિમિક્રી એ ચાળા નથી. ટૂંકમાં, એ વ્યક્તિની મનોભૂમિ અને અભિવ્યક્તિની તાસીર સુધી, અરે! એની ભાષા સુધી તમારે પહોંચવું પડે. આવું કરવા માટે સ્ક્રિપ્ટ નક્કી ન હોય. એકની એક મિમિક્રી બીજી વખત જેમની તેમ જ થશે એમ પણ ન કહી શકાય. વળી એ બધું ઉત્તમ, એટલે કે તમામ અર્થમાં, રાગદ્વેષ વિનાની કલ્પકતા સાથે સ્વયંસ્ફુરિત હોય તો અને ત્યારે મિમિક્રી, થાય તો થાય!' માધવ આટલું બધું અઘરું સાંભળીને ય ડગ્યા નહીં અને 'આટલું કરવાનું જ છે.' એમ આદેશાત્મક સ્વરે કહીને મારા ઉત્તરની રાહ જોવા એમણે પોઝ લીધો. ‘ક્યારેક એવો મૂડ હશે તો હું એમને ફોન કરીશ એવું કહેજો...’ ‘હા..હા...’ કહીને એમણે ફોન મૂકી દીધો. બેએક મહિના પછી એકાએક મને જોશીસાહેબ હૈયે ચડ્યા. નાઉ.. ઓવર ટુ પ્રબોધ જોશી. એમના મોબાઈલની રીંગ વાગે છે. સ્ક્રિન ઉપર મારું નામ ઝળકે છે. પ્રબોધભાઈનો અંગૂઠો ગ્રીન બટન દબાવે છે. ફોન કાને ધરીને બોલે છે : ‘હલ્લો... હર્ષદભઈ કેમ છો?’ ‘ભઈ પ્રબોધ! મારે તને એક અગટ્યની વાત કરવાની છે...’ ‘હા, બોલો ભઈ! ઘણા દિવસે તમારો અવાજ સાંભરું છું!’ ‘તેં ‘ઉદ્દેશ' ચાલુ રાખવાનો નિર્નય કર્યો... તહેનાથી મને અત્યંત આનંદ ત્થયો છે. અહીં ઉમાશંકરભાઈને એકાંતરે મલવાનું થાય છે. બધા દેવોએ ભેગા મલીને મારે માટે દર બીજો દિવસ સ્વર્ગનો એમ નક્કી કર્યું છે. કાલે મલ્યા ત્યારે કહેતા હતા કે - 'સંસ્કૃતિ' નહીં તો 'ઉદ્દેશ'! પણ કશુંક ચાલતું તો રહેવું જ જોઈએ! ખરું કે નહીં?’ ‘હા. ભઈ....!’ 'તને ખબર છે આ ‘ઉદ્દેશ'નું નામકરન કેવી રીતે ત્થયેલું તે ઘટનાની?’ ‘ના. એ તો તમે શ્રીમુખે કહો તો જ ખબર પડે ને?’ ‘તો શાંભર ! એ દિવશે આપડે ઘેર ‘અચલાયતન’માં… કવિ શુંન્ડરમ્ આવેલા. તો મને થયું કે એમની પ્રજ્ઞાનો અને પવિત્રતાનો લાભ લઈએ! મેં એમને કહ્યું કે હું એક શામયિક કાઢવા ધારું છું. નામ શું રાખીએ? એ દિવશ એમના મૌનનો દિવશ હતો! કવિ બોલ્યા નહીં. એટલે મેં કોરો કાગર અને પેન એમના હાથમાં મૂક્યાં... ખરું કે નહીં? શુંન્ડરમે કાગરમાં મોટા અક્ષરે લખ્યું: ઉદ્દેશ શુંન્ડરમ્ પ્રશ્નાર્થચિહ્ન કરે તે પહેલાં મેં કાગર ખેંચી લીધો…કવિ તો જોતા જ રહી ગયા! ખરું કે નહીં? – અને આમ 'ઉદ્દેશ'નું નામકરન શુંન્ડરમ્ના હાથે આપણે કરાવેલું! આ શંદર્ભ તને પણ ક્યારેક ખપ લાગે એટલે કહ્યું!’ આટલું સાંભળીને પ્રબોધભાઈ જે ખડખડાટ હસ્યા છે! મને કહે: ‘મિત્ર.... હર્ષદભઈ! હું અત્યારે રડતો રડતો હસું છું કે હસતો હસતો રડું છું તે નક્કી નથી થતું! પણ તમે, તમારા જોશીસાહેબને અને અમારા પિતાને આબાદ... જીવતા કરી દીધા! બોલો, ભઈ આવું જ કરે! આના જેવું પણ કરે! તમે એમને બરોબરના પકડ્યા છે. તમારો કયા શબ્દોમાં આભાર માનું?' દિવંગત બાપની મિમિકી કોઈ મોઢા ઉપર કરે ને એનો ય નિર્ભેળ આનંદ માણે એવો પ્રાજ્ઞપુત્ર તો રમણલાલ જોશીને જ મળે! શરૂઆતમાં મને અમદાવાદમાં રહેવાની મુશ્કેલી હતી. તે વખતે હું મારા મામાને ઘેર થોડા વખત માટે રહેલો. મેં ધીરુભાઈ પરીખને વાત કરી કે, 'સાહેબ મને ઓછા ભાડાની એકાદ રૂમની તાત્કાલિક જરૂર છે.’ તો એમણે કહ્યું કે, ‘તું રમણભાઈને વાત કર. એ પરગજુ માણસ છે. કોઈ ને કોઈ રસ્તો કાઢી આપશે. હું એમને કહી રાખીશ.' બીજે દિવસે હું તો ગયો એમની પાસે. ‘બોલો શું કામ હતું?’ 'સાહેબ! મને એક રૂમની જરૂર છે… આપને કદાચ ધીરુભાઈસાહેબે મારી ભળામણ કરી હશે.' ‘એવું કરીએ કે તમને વ્યવસ્થિત રૂમ મલે ત્યાં સુધી એક છાત્રાલયમાં રહેવાની વ્યવસ્થા કરી દઉં. હું ચિઠ્ઠી લખી આપું છું.' એમણે નવરંગપુરામાં આવેલા ‘ભટ્ટ મેવાડા છાત્રાલય'ના રેક્ટર ભાલચંદ્રભાઈ દવે ઉપર એક ચબરખીમાં લખી આપ્યું: ‘પ્રિય ભાઈશ્રી, આવેલ ભાઈને સાંભળીને યોગ્ય તે કરજો. મારા વિદ્યાર્થી છે. સ્નેહાધીન, રમણલાલ જોશી.’ રમણલાલ શબ્દને આંગળી મૂકીને ઢાંકી દઈએ અને માત્ર જોશી એટલું વાંચીએ તો શ્રદ્ધેય શ્રી ઉમાશંકર જોશીની જ સહી હોય એવું લાગે! વાતેય સાચી. રમણલાલ, વિદ્યાર્થી તો ઉમાશંકરના. ભાષાભવનમાં ઉમાશંકરનું નાનુંમોટું બધું કામ એ દોડીદોડીને કરતા. સતત સાથે રહેવાને કારણે આવો પ્રભાવ પડતો હશે! તે, ત્યાં સુધી કે - રમણલાલ 'ઉદ્દેશ'ના તંત્રી હતા ત્યાં સુધીના બધા અંકો બહારથી, લેઆઉટની રીતે જોઈએ તો ‘સંસ્કૃતિ' યાદ આવ્યા વિના ન રહે. રમણલાલ પણ ધોતી પહેરતા, જો કે એમની ધોતી ઉમાશંકર કરતાં થોડી ચડિયાતી! જોશીસાહેબ પાનના જબ્બર શોખીન. કલકત્તીપત્તું એમને પ્રિય. બહુ પહેલાં દેશી તમાકુ નખાવતા. પછીથી આછી, પણ કડક સુગંધવાળી બાબાછાપ એકસો વીસ પર ઠરેલા. વધારામાં મીઠી મહેકવાળો લવલી મસાલો પણ જોઈએ. પાન મોંમાં મૂકે એટલે વગર પરવાને એમની માનસયાત્રા શરૂ થઈ જાય. અમારી સાથે એક જણ ભણતો. નામ એનું ધારી લઈએ રમેશ. ધોતીઝભ્ભો પહેરાવીને એના ચહેરા ઉપર થોડો જ્ઞાનનો પ્રકાશ પાથરી દઈએ તો અદ્દલ છોટે રમણલાલ લાગે. એને બધા સાહેબો પાસે અકારણ જવાની ને વંદન કરવાની ટેવ. એક વાર જોશીસાહેબ પાસે એમ જ જઈ ચડયો. થોડી આમતેમ વાત થઈ હશે. પછી જોશીસાહેબ કહે કે – 'રમ્મેશ! જાવ... સામ્મેના ગલ્લેથી મારું પાન લઈ આવો! કહેજો કે જોશીસાહેબનું પાન આપો, એટલે બાંધી આપશે!’ રમેશને એમ કે સાહેબે મને અંગત કામ સોંપ્યું! એ તો ગયો ઉમંગથી. પાન બાંધતાં બાંધતાં પેલો કહે કે — ‘દોઢ રૂપિયો આપો!’ રમેશને મનમાં એમ હતું કે સાહેબનું ખાતું ચાલતું હશે. પણ, તે વખતે તો બીજું શું થઈ શકે? એટલે પૈસા આપી દીધા! વળી બેએક દિવસ થયા ને એ પહોંચી ગયો સાહેબની ચેમ્બરમાં એને કદાચ એમ હશે કે 'ગયા વખતે આપડે સાહેબને પાન ખવરાવ્યું છે તો આપડો અધિકાર બીજા કરતાં જરા વધારે ગણાય!’ (ખરું કે નહીં?)રમેશનું મન કળી ગયેલા જોશીસાહેબે, નડિયાદના સાક્ષર શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કોણ હતા? એવું પૂછીને એને વિશિષ્ટ શૈલીમાં થોડુંક ‘જ્ઞાન' આપ્યું. પછી હળવેકથી જ્ઞાન અને પાનનો પ્રાસ મેળવતાં કહે કે – ‘રમ્મેશ! જાવ સામેના ગલ્લેથી મારું પાન લઈ આવો!’ રમેશને પાન નહીં, પણ દોઢ રૂપિયો દેખાતો હતો! બહાર નીકળીને મને કહે કે - 'હર્ષદ! હવે શું કરવું?’ ‘શું કરવું, શું? તારે તો ‘પ્રિય વિદ્યાર્થી તરીકે, સાહેબ પાસે રોજે જ જવું જોઈએ ને લેવાય તેટલો લહાવો લેવો જોઈએ!' એને મારો વ્યંગ ન સમજાયો. એ જમાનામાં દોઢ રૂપિયો પણ નાની રકમ ન ગણાતી. મેં કહ્યું, ‘ચાલ હું આવું તારી સાથે...’ મેં જરા ભાર દઈને પાનવાળાને કીધું કે -‘સાહેબને ચૂનો ઓછો પડે છે! જાડો અને ઝાઝો ચૂનો નાંખવાનું કહ્યું છે…અને તમાકુ પણ કહેતા હતા કે ઓછી પડે છે...’ પેલાએ તો દીવાલ ધોળતો હોય એમ ચૂનો ચોપડ્યો ને તમાકુમાં પણ ઉદારતા બતાવી! મેં રમેશને કહ્યું કે- ‘પાન આપીને એક મિનિટ પણ ઊભો રહેતો નહીં!’ બીજે દિવસે, હું એમની ચેમ્બરમાં ગયો. જોશીસાહેબ ખુરશીમાં બંને પગ અધ્ધર લઈને, ટેબલ પર કોણી ટેકવીને, હથેળીમાં દાઢી ગોઠવીને બેઠા હતા. એમના મોઢામાંથી થોડી થોડી વારે, રૂઢિપ્રયોગની રીતે નહીં, ખરા અર્થમાં લાળ ટપકતી હતી! મેં કહ્યું : 'શું થયું સાહેબ! તબિયત બરોબર નથી કે શું?’ 'અરે...! આપણો પેલો રમ્મેશ…! એની પાસે પાન મંગાવેલું… તે વ્હાલીડો... મને ય ચૂનો ચોપડી ગ્યો..! (મૂળ શબ્દના વિકલ્પે મેં ‘વ્હાલીડો' શબ્દ મૂક્યો છે. તે વાચકોની જાણ સારુ.) 'અરે જોશીસાહેબ! એની પાસે તે પાન મંગાવાતું હશે? એ તો અમસ્થો ય... પ્રમાદધન જેવો છે! એ પછી આ રીતે બીજાઓ પાસે પાન મંગાવતાં તેઓ સ્હેજ ખમચાતા....એમ તો 'પૃથિવીવલ્લભ' પણ ખમચાયેલો. પણ એ જરા જુદા અને મોટા કારણસર... અને આમ મેં ગજેન્દ્રમોક્ષનું તો નહીં, પણ ‘રમેશમોક્ષ'નું પુણ્ય પ્રાપ્ત કરેલું! એમ.એ.ના બીજા વર્ષમાં ‘સરસ્વતીચન્દ્ર'નો ચોથો ભાગ જોશીસાહેબ અમને ભણાવે. એક વાર કોઈ કામે બહાર ગયા હશે તે, ક્યારેય ક્યાંય મોડા ન પડનારા જોશીસાહેબ થોડા મોડા પડ્યા. મેં જોયું કે લોબીમાં મારાં સહાધ્યાયીઓ આંટા મારી રહ્યાં હતાં. મેં પૂછ્યું: 'અલ્યા કેમ બધાં બહાર છો?' ‘રમણસર નથી આવ્યા!’ એક ખંજનબાળા બોલી. મેં કહ્યું: 'ચાલો બધાં અંદર. બેસો તો! એ આવે ત્યાં સુધી તમને હું સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના 'સહસ્વપ્ન'વાળો પ્રસંગ ભણાવું!’ હડૂડૂડૂડૂ કરતાં બધાં રૂમમાં. સરખાં ગોઠવાયાં એટલે મેં રમણલાલના અવાજમાં ભણાવવાનું શરૂ કર્યું. ગોવર્ધનરામ અને સરસ્વતીચંદ્રમાં પ્રવેશતાં પૂર્વે મેં પેલી બાળાને, મારામાં જોશીસાહેબ પ્રવેશ્યા હોવાને નાતે, શિખામણના બે શબ્દો કહ્યા : 'આપણે બહેન, બાલપોથીમાં નથી ભણતાં. એમ.એ.માં, અને તે પણ બીજા એટલે કે આખરના વર્ષમાં છીએ… ખરું કે નહીં? કાલ સવારે… એક વખત જેના કુલપતિ આનંદશંકર અને ઉમાશંકર હતા એ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કહેવાઈશું! ખરું કે નહીં? તો પછી આપણાથી 'રમણસર’ એવું બોલાય જ કઈ રીતે? કાં તો જોશીસાહેબ કહીએ અથવા નામ જ બોલવું હોય તો રમણભાઈસાહેબ પણ કહેવાય. ‘ડૉ. રમણલાલ જોશી નથી આવ્યા.' એમ કહીએ તો વધારે આધારભૂત લાગે. પણ આ રમણસર? કેટલું વરવું લાગે છે? શું આપણા ગુરુઓએ આપણને આવી વિદ્યા આપી છે?’ આગળ, સરસ્વતીચન્દ્ર વિશે કંઈ પણ બોલું એ પહેલાં રમણલાલ ધીમાં પગલે આવી ગયા હતા ને એ બહાર ઊભા ઊભા બધું 'શાંભરતા' હતા. એમને જોયા ને હું સ્ટેજ પરથી નમન કરીને, ઊતરી ગયો. હું મારી જગ્યાએ બેઠો ત્યાં સુધી એમણે રાહ જોઈ. પછી મોટા અવાજે બોલવું શરૂ કર્યું : ‘ભઈ હર્ષડને અભિનંડન.... પ્રથમ તો મને થયું કે હું બહાર છું તો અન્ડર કોન છે? હું જાણે મારો જ અવાજ શાંભરી રહ્યો હટો..શિષ્યમાં જ્યારે પોતાનો અવાજ સંભરાય ત્યારે શિક્ષકે પોતાની જાતને ધન્ય શમજવી. એવું વિષ્ણુપ્રસાદાદિએ કહ્યું છે. ખરું કે નહીં?’ તો, આ હતા રમણલાલ! ‘જનસત્તા'માં 'અક્ષરની આબોહવા' નામે કોલમ લખે. એમાં સાહિત્યના સાંપ્રત પ્રવાહો વિશે લખતા. ઉત્તમ પુસ્તક વિશે તો લખે જ. પણ, કોઈ નવાસવા લેખકનું ય પુસ્તક આવે ને સારું હોય તો જરૂર એની નોંધ લે. પછી એ લેખક જ્યારે જ્યારે મળે ત્યારે કહે પણ ખરા: 'અમે તમને ચમકાવ્યા!’ એમણે બિન્દુને પણ એની પહેલી નવલકથા ‘મીરાં યાજ્ઞિકની ડાયરી' વિશે લખીને આ રીતે ચમકાવેલી! અહીં ચમકવાનો અર્થ અભિધા પ્રમાણે લેવો. જેને કારણે એ ભાષાભવનમાં અધ્યાપક તરીકે નિમાઈ શક્યા હતા, એ ‘ગોવર્ધનરામ : એક અધ્યયન' એમનો મહાનિબંધ. જો કે સાક્ષર સુરેશ હ. જોષી એને ‘ગોવર્ધનરામ : એક અવતરણગ્રંથ’ કહીને નવાજતા એ જુદી વાત છે. પણ, રમણલાલ વિદ્વાન સાચા એમાં બેમત નહીં. આજે એ નથી ત્યારે ય એમના વિવેચનસંગ્રહો વાંચીએ તો ખ્યાલ આવે કે એમણે ઘણું અને વ્યાપક, કેટલુંક તો એમને જ સૂઝે એવું મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમને ઘણો બધો ખ્યાલ હતો. અભિવ્યક્તિ પણ ચોખ્ખી. એમ ના હોય તો સુરેશ જોષીની ઉજ્જવળ શિષ્યપરંપરાના ગૌરવાન્વિત વિદ્વાન સુમન શાહ જેવા ‘વિવેચનની પ્રક્રિયા' વિશે કોઈ પણ જાતના પ્રગટ કે પ્રચ્છન્ન આશય વિના લખે? વળી, ગ્રંથકાર શ્રેણીમાં એમણે કેટલાં બધાં પાસે લખાવ્યું! જેમના વિશે લખાય તેમને અને જેના દ્વારા લખાવાય તે સર્વને ધન્ય કર્યા. જો કે જોશીસાહેબ એટલે જોશીસાહેબ! પોદળામાંથી છાણું ક્યારે થાપવું એની એમને પાક્કી જાણ. જોશીસાહેબને ન્યાય કરવા ખાતર પણ કહેવું જોઈએ કે - એમનાથી સાવ ઊતરતા એવા કેટલાય વિદ્વાનોને સાહિત્યજગતે ઘણું અને વધારે આપ્યું છે. સાહિત્યની સત્તાના કેન્દ્રમાં બેઠેલાઓનાં મનમાં, રમણલાલ માટે હંમેશાં એક પ્રકારની આભડછેટ હતી એ કડવી હકીકત સ્વીકારવી રહી. એ કારણે, ક્યારેય તેમને કોરગ્રુપમાં પ્રવેશ મળ્યો નહીં. આ પરિસ્થિતિએ રમણલાલને લડાયક મિજાજના બનાવી દીધા હશે એવું અનુમાનવું મને ગમે છે. એ પણ ખરું કે એ હાંસીપાત્ર બનતા એ એમની લોલૂપતાને કારણે! કોઈનું કામ કરી દીધા પછી, ઉદાર બનવાની ક્ષણે એ વાર્તામાં આવે છે એમ 'ગરીબ બ્રાહ્મણ' બની જતા ને પાછા, ધોતીજોટે રીઝી પણ જતા! એમના પ્રિય શિષ્ય મફત ઓઝાના તથા ક્યારેય પરિષદમાં ગણનામાં નહીં લેવાયેલા એક વૃંદના અથાગ પ્રયત્નો છતાં - તેઓ ગુજરી ગયા પણ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બિરાજી ન શક્યા. પ્રચલિત રીત પ્રમાણે, એમને લમણે હંમેશાં મોટા સર્જકોનો જ સામનો કરવાનો લખાયેલો રહ્યો. અત્યારે કેટલાક લોકો, સર્વને સમાન રીતે જોવાની, સર્વનો સ્વીકાર કરવાની-કોઈનો નકાર નહીં કરવાની, સિદ્ધાંત અને ધોરણોને નેવે મૂકીને પણ સદ્ભાવના સ્થાપવાની ને એવી બધી વાતો કરીને પોતાની મહંતાઈ ફેલાવે છે એ લોકોને આવા રાગદ્વેષ વિનાના સુવિચારો દોઢ દાયકા પહેલાં આવ્યા હોત તો ભારતીય કક્ષાએ, વર્તમાન ગુજરાતી સાહિત્યની પ્રશ્નકુંડળી જુદી રીતે મંડાઈ હોત. અજોગ કરાવ્યો ન હોત તો આજે મુરતાં, કમુરતાં, તારાબળ, કર્મેશ, લગ્નેશ, પંચમેશ, નવમેશ જેવા દ્વિવક્ત્ર ગારાના દેવોની પૂજા કરવાનો વખત ન આવ્યો હોત! ભણાવતી વખતે, જોશીસાહેબ ક્યારેક અંગત વાતો પણ કરતા. પોતે કેવી ગરીબી અને અગવડો વેઠીને ભણ્યા એની વાત કરતી વખતે આર્દ્ર બનતા. સરસ્વતીચન્દ્ર અને કુમુદસુંદરીના અપરિમેય-પવિત્રપ્રેમની વાત કરતી વખતે ભાવાર્દ્ર થઈ જતા. એમને મન આ બે નવલકથાનાં પાત્રો નહીં, પણ પ્રેમનો એક જીવંત આદર્શ હતાં. ગોવિંદ સરૈયાની ફિલ્મ એમને ગમી નહોતી. કુમુદ તરીકે, અભિનેત્રી નૂતનને એ કોઈ રીતે સ્વીકારી શકતા નહોતા. કેમકે કોઈ એક કુમુદનું સુરેખચિત્ર એમના મનમાં અભ્યાસકાળથી જ છપાયેલું હતું! ‘કુમુદસુંદરી તો કેવી નાજુક હોય!’ એમ કહીને ક્યાંય સુધી આંખો મીંચી રાખતા. પછી હળવે હળવે બોલતા:

‘સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ, ને સુખી કંઈક!'

ગુજરાત સાહિત્ય અકાદમીમાં પણ એમને એક પગથિયાનું છેટું રહ્યું. એ ક્યારેય પૂરા કદના અધ્યક્ષ બની ન શક્યા. ઉપાધ્યક્ષ હતા ત્યારે, કોઈ મિટિંગ હોય તો ડ્રાયવર રમણસિંહ એમને લેવાને જાય. ઘરના દરવાજે ગાડી ઊભી રાખવાની એમની સૂચના. પોતે તૈયાર થઈ જાય પછી, નાનું એવું દફતર લેવા બૂમ પાડે. દફતર અંદર પહોંચી જાય પછી ગાડીના બારણા પાસે ઊભા રહે, પણ હાથ ન અડાડે! ડ્રાયવર દ્વારા બારણું ખૂલે પછી જ તેઓ વિજયપ્રવેશ કરે! જોશીસાહેબને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય. એક સાથે ચારપાંચ કટોરા ખાઈ શકે. એમના ઘેરથી નીકળેલી મોટર સ્ટેડિયમ સામે, પટેલ આઈસ્ક્રીમ પાસે ઊભી રહે. રમણલાલ મોટરમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાય, થોડોક ઝભ્ભાને અને ગાડીની સીટને અચૂક ખવરાવે. ડ્રાયવરને ખવરાવે એ તો વધારામાં! પછી બિલ ચૂકવવા નીચે ઊતરે. કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈને ગાડી ઉપર લખેલું ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' બતાવે! પછી કહે કે - 'હું ત્યાં ઉપાધ્યક્ષ છું. અધ્યક્ષ હાજર ન હોય ત્યારે એ કામગીરી પણ મારે બજાવવી પડે!’ કાઉન્ટરવાળા પટેલને કેટલુંક સમજાય, કેટલુંક ન સમજાય. પણ એટલી ખબર પડે કે જોશીકાકાને ડ્રાયવર-ગાડી સહિતનો કોઈ મોટો હોદ્દો મળ્યો છે અને એ માટે છેક ગાંધીનગર - આ ઉંમરે પણ ધક્કા ખાવા પડે છે! એ પછી આવે પાનવાળાનો વારો! આઈસ્ક્રીમવાળાને ત્યાં ભજવાયેલું દૃશ્ય ફરી એક વાર ભજવાય! સ્વાભાવિક જ અકાદમીમાં થોડા મોડા પડે. એમની, જાણીતી મુદ્રા દ્વારા હાથ જોડીને ક્ષમા માગે. પણ, અંદરથી એમને એવું માનવું ગમે કે આ બધાં મારી રાહ જોઈને બેસી રહ્યાં હતાં! માણસ ક્યારેક જાણ્યે અજાણ્યે પણ સત્ય બોલી જતો હોય છે. એ વખતે એ વિચારવા રોકાતો નથી કે હું શું બોલું છું ને એનો શું અર્થ નીકળશે! એક વાર એ મોટરમાંથી ઊતર્યા કે તરત જ સામે બુટપોલિશવાળો છોકરો એમને વળગ્યો : 'સાહેબ! તમારાં ચંપલને પાલિશ કરી દઉં!’ ‘ના.. નથી કરવી પાલિશ.’ ‘વધારે નહીં લઉં! બે રૂપિયા જ આપજો!’ ‘ના પાડી ને? નથી કરવી…' રમણલાલે પગ ઝડપથી ઉપાડ્યા. છોકરો પાછળ પડ્યો... 'દોઢ આપજો..' 'તને ના પાડી ને એક વાર? ચાલ પીછો છોડ…’ 'સાહેબ! પાલિશ....’ રમણલાલ ગુસ્સે થઈ ગયા... 'અરે! તું શું મારી પાલિશ કરવાનો હતો! મેં જિંદગી આખી કેટલાય લોકોની પોલિશ કરી છે!!! ચલ જા.. ભાગ...' પોતે ભાષાભવનમાં હતા એટલે સ્વાભાવિક જ અનેક સમિતિઓમાં હોય. પ્રકાશકોને પણ પોતપોતાના નાનામોટા સ્વાર્થ હોય. એટલે કોઈ ને કોઈ નિમિત્તે એમને પુસ્તકો ભેટ આપી જાય. છાપામાં કોલમ લખે એટલે, કવિઓ લેખકો પણ આપી જાય. એટલે એવું થાય કે એક જ પુસ્તકની એકથી વધારે પ્રતો એમની પાસે આવે. હવે આટલાં બધાં પુસ્તકોનું શું કરવું? રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુભાઈ પરીખ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કે યોગેન્દ્ર વ્યાસ જેવા અધ્યાપકો તો વિદ્યાર્થીઓને કે સાથી અધ્યાપકોને ભેટ આપી દે. પણ, કોઈને કલ્પના ય ન આવે એવો માર્ગ જોશીસાહેબને સૂઝી આવે. સાહિત્યમાં રસ ધરાવતાં અમારાં જેવાં વિદ્યાર્થીઓને બોલાવે. કહે કે પસંદ પડે તે અડધી કિંમતે લઈ જાવ! ત્યારે પુસ્તકો બહુ મોંઘાં નહોતાં. જાડામાં જાડું ને મોટામાં મોટું પણ દસ પંદર રૂપિયાનું હોય! અમુક પુસ્તક તો તેના લેખકે પ્રથમ પાને સાહેબનું નામ લખીને આદરપૂર્વક ભેટ આપ્યું હોય! તો જોશીસાહેબ, મૂળ જ્ઞાન-વિજ્ઞાનને જફા ન પહોંચે એમ કાળજીપૂર્વક એ પાનું ફાડી નાંખતા! કોઈ પણ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ કાઢવામાં પણ, તેઓ નિષ્ણાત હતા એનો આ બોલતો ને ચલણી પુરાવો! એક વાર જોશીસાહેબે અમને ચાર-પાંચ વિદ્યાર્થીઓને એમને ઘેર નોતર્યા. કામ શું હતું? તો કહે કે ઉપરના રૂમમાં અસંખ્ય પુસ્તકો છે એને વિષયવાર ગોઠવવાં અને રજિસ્ટરમાં નોંધણી કરવી. ત્યારે એમનાં બા જીવતાં હતાં. બાનું નામ હું ભૂલી ગયો છું. અચલાયતનવાળા ઘેર પગથિયાં ચઢો કે સામે જ વરંડામાં, બારી પાસે એક પલંગ ઉપર બા મરૂન રંગનો ગામઠી સાલ્લો પહેરીને બેઠાં હોય કાં તો સૂતાં હોય. લગભગ છેલ્લાં વર્ષો હતાં એમનાં. પણ, દીકરો હજી ગઈ કાલે જ નોકરીએ લાગ્યો હોય ને એ ઓફિસેથી આવે એની, મા રાહ જુએ, એમ એ રમણલાલની રાહ જોતાં. એક વાર તો જોશીસાહેબ બપોર પછી ઘેર ગયા ત્યારે અમને પણ, પુસ્તકો ગોઠવવાના કારણસર સાથે લઈ ગયેલા. રમણલાલ જેવા પગથિયાં ચડ્યા કે બાએ ટહુકો કર્યો: ‘આવી ગયા ભઈ! હું ક્યારની બેઠી બેઠી તડકો જોતી'તી!’ દીકરો રમણલાલ ભૂલી ગયો કે સાથે વિદ્યાર્થીઓ પણ છે! એ બાના ખાટલે બેસી ગયા. હળવે હળવે ક્યાંય સુધી એમનાં પગ પસવારતા રહ્યા. માને ખાતરી થઈ કે દીકરો આવી ગયો છે એ પછી જ અંદર ગયા અને ભગવતીબહેનને ચા. મૂકવાનું કહ્યું! એ દિવસે તો એમણે અમને પુસ્તકોનો રૂમ બતાવ્યો એટલું જ. ખરું કામ બેપાંચ દિવસ પછી વેકેશન પડે ત્યારે શરૂ કરવાનું હતું. અમને સવારથી જ આવી જવાનું કહ્યું હતું. અમે ગયા. પુસ્તકો અલગ પાડવામાં જ ત્રણ દિવસ થયા. વેકેશન હતું તેથી, યુનિવર્સિટીમેસમાં ગણ્યાગાંઠયા વિદ્યાર્થીઓ જ હોય એટલે રસોડું વહેલું ઉકલી જાય. અમે બપોરે જમવા જઈએ ત્યારે બધું બંધ થવાની તૈયારીમાં લાગેલું હોય. માંડ માંડ ફટાફટ જમીને પાછા અચલાયતન! આમ કરતાં કરતાં બેત્રણ દિવસમાં અમારા બીજા સહાધ્યાયીઓ કોઈને કોઈ બહાને સરી પડ્યા. પાછળ રહ્યા હું ને જગદીશ બે! આ કામમાં અમને રસ એટલા માટે પણ પડે કે એ બહાને આટલાં બધાં પુસ્તકો જોવા મળે! વચ્ચે વચ્ચે વાંચતા જઈએ, વહેંચતા જઈએ! મોટા મોટા વિદ્વાનોના હસ્તાક્ષર જોવા મળે. પુસ્તકમાં ક્યાંક પેન-પેન્સિલથી થયેલા લીટા અને હાંસિયાનોંધો જોવામાં અમને ધન્યતાનો અનુભવ થતો. એમ લાગતું કે અમે એક મોટી પરંપરાનો અંશ બની રહ્યા છીએ! કોઈને મુગ્ધતા લાગે તો લાગે, પણ અમને એ બધું ગમતું હતું. મજૂરી કરીએ છીએ એવો તો કોઈ ખ્યાલ જ નહોતો. કામ ચાલતું હતું... અમારા હિસાબે હજી એકાદ અઠવાડિયાનું આ અનુષ્ઠાન હતું. એક દિવસ એવું થયું કે અમે આ ચોપડીઓમાં એવા ખોવાઈ ગયા કે જમવા જવાનું ય ભૂલી ગયા. જેવું યાદ આવ્યું કે, મારતી સાયકલે મેસ ઉપર પહોંચ્યા. ટેબલખુરશીઓ દીવાલસરસાં ગોઠવાઈ ગયેલાં. પાછળ તપેલાં ઉટકાતાં હતાં! હવે? ખિસ્સામાં ય ઠનઠન ગોપાલ જેવી પરિસ્થિતિ હતી. જગદીશ કહે કે ખારી બિસ્કિટ ને ચાથી ચલાવી લઈએ. કનુભાઈની કિટલી પર જ પતાવ્યું! પાછા સાક્ષરો વચ્ચે આવીને બેઠા! જોશીસાહેબ પૂછે: 'અલ્યા! આજે કેમ વહેલા આવી ગયા? ‘મેસ બંધ થઈ ગઈ હતી!” ‘તો પછી તમે ખાધુંપીધું નહીં? ભૂખ્યા છો?’ અમે અડધુંપડધું ખાધું છે એવી વાત કરી. અમને ખ્યાલ ન આવે એમ જોશીસાહેબ સરકીને નીચે ગયા. ભગવતીબહેન સાથે કંઈક વાત થઈ હશે. પણ તે વખતે મેળ પડે એમ ન લાગતાં ઉપર આવ્યા. અમને કહે કે - ‘એક અગત્યના કામે જવું પડે એમ છે એટલે હું જઉં છું. થોડીક જ વારમાં પાછો આવું છું. તમે અહીં જ રહેજો...’ લગભગ દોઢેક કલાક પછી ધોતિયું ને બાંડિયું પહેરેલા જોશીસાહેબ થાળી ભરીને દાળવડાં, મરચાં ને ડુંગળી લઈને પગથિયાં ચડતા અમને દેખાયા! એ આવે તે પહેલાં જ આમ તો અમને સોડમ આવી ગયેલી! નીચે ફર્શ પર છાપાં પાથરીને અમે, અમે એટલે કે ત્રણેય ગુરુશિષ્યોએ વનભોજન કરતા હોઈએ એમ ખાધું! જાણે કે રમણલાલનું ઘર કોઈ પૌરાણિક આશ્રમમાં અને ખુદ રમણલાલનું ઋષિ સાંદીપનિમાં રૂપાંતર થઈ રહ્યું હતું! સમજો ને કે એ રમણલાલ જ નહીં! અમને દાળવડાં ખાતા જોઈને એમને વિશેષ પ્રકારનો સંતોષ થતો હતો! કોણ જાણે કઈ ઘટના સાથે એમનું અનુસંધાન થયું હશે એ તો રામ જાણે! પણ અમને પ્રેમપૂર્વક ખવડાવનાર આ રમણલાલ જુદા હતા! એમણે છેલ્લા દાળવડા સુધી અમારો સાથ ન છોડ્યો અને પોતે વડનગર અને પિલવાઈમાં ભોજન બાબતે કેવા કેવા ઉધામાપૂર્ણ જલસા કરતા તેની વાત કરતા રહ્યા. મલાવી મલાવીને બ્રાહ્મણનાં ન્યાતભોજનની વાતો કરી. આજે એમ લાગે છે કે એ પોતાની સ્મૃતિ સંકોરવાની સાથે સાથે અમારું રંજન પણ કરતા હતા! વાતવાતમાં જગદીશે પૂછ્યું : 'સાહેબ! અત્યારે દાળવડાં ક્યાંથી લાવ્યા?’ કહે કે – 'યુનિવર્સિટી પાસે ચાલતો ગયો પણ ત્યાં તો કંઈ હતું જ નહીં, એટલે રિક્ષા કરીને ખાડાનાં લઈ આવ્યો!’ ‘એટલે બધે, ઠેઠ નહેરુબ્રિજ સુધી જઈ આવ્યા? અમારે તો ચાલત… સાંજે જમવાનું મળવાનું જ હતું ને!’ રમણલાલ અભિનય નહોતા કરતા, આર્દ્ર હતા. ઘોઘરા પણ ધીમા અવાજે શબ્દેશબ્દ છુટ્ટો પાડીને કહેતા હતા: 'મારા વિદ્યાર્થીઓ... પૂરું ખાવા ન પામ્યા હોય એવા સંજોગોમાં મારાથી બેસી કેમ રહેવાય? અને હા, આવતી કાલથી, આ કામ પૂરું થાય ત્યાં સુધી મેસ પર જવાનું નથી… તમારે બંનેએ, બંને ટાઈમ, મારી સાથે નીચે જ જમવાનું છે! શમજોને કે ભગવતીકૃપા થઈ છે!’ એમ લાગે છે કે જીવનમાં બધી જ જગ્યાએથી, વહેલું કે મોડું એમને બધું જ સહજક્રમમાં પ્રાપ્ત થઈ શક્યું હોત. પણ સમય કરતાં વહેલું મેળવવાની ઝંખનાએ હંમેશાં એમને માટે એક પગથિયાનું છેટું રાખ્યું તે રાખ્યું જ...