સરોવરના સગડ/લાભશંકર ઠાકર: ડિસન્ટ, ડિસન્ટ એન્ડ ડિસન્ટ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search



લાભશંકર ઠાકર : ડિસન્ટ, ડિસન્ટ એન્ડ ડિસન્ટ!

(જ. તા. ૧૪-૧-૧૯૩૫, અવસાન તા. ૬-૧-૨૦૧૬)

'લાભશંકર ઠાકર', એક એવું નામ, જેને ગુજરાતી સાહિત્ય સાથે પનારો પાડનાર વ્યક્તિ કોઈને કોઈ રીતે તો ઓળખે જ. કોઈ એમને સાચા, ઉદાર અને નિખાલસ માણસ તરીકે જુએ તો કોઈ વળી પુણ્યપ્રકોપના આદિસ્રોત શંકર તરીકે ઓળખીને એમની પાસેથી લાભ મેળવે. મોટાભાગના વિવેચકો એમને ઊંચી કોટિના ને મોટા ગજાના કવિ તરીકે પ્રમાણે. જો કે એમાંય કેટલેક ઠેકાણે તો દેખાદેખી અને અબોધ સાબિત થઈ જવાની બીક પણ ખરી! વળી એક એવો વર્ગ, જે એમની શારીરિક તાકાતથી ડરી જઈને ‘મોટા ગજા'ના કવિ તરીકે સ્વીકારે અથવા એમનાથી ડરતા હોવાનો દંભ કરે. કહેવાય છે કે લા.ઠા. ચતુરસુજાણ હતા અને આ બધાને બહુ સારી રીતે જાણતા હતા. એટલે તો એ કદીય કોઈ સંસ્થાકારણમાં પડ્યા જ નહીં અને સદાય વગર મૂછે પણ મલકાતા રહ્યા. નહીંતર, એમને માટે તો પરિષદ સ્થૂળ અને સૂક્ષ્મ બંને અર્થમાં બે ડગલાં ય દૂર નહોતી! પરંતુ એ સાબરમતીને તીરે ઊભા રહીને તમાશાને પણ જોતા રહ્યા. પહેલાં પૂર્વ અને પછી પશ્ચિમ એમ બંને છેડેથી એમણે ચિકિત્સા ચાલુ રાખી, પણ મધ્ય સુધી ન પહોંચી શક્યા. ત્રીજો વર્ગ છે નિર્દોષોનો, જે એમને ફક્ત અને ફક્ત વૈદ્ય પુનર્વસુ તરીકે જ જાણે. બાળકોના તો એ 'લાઠાદાદા' છે. સાહિત્યના ઈલાકામાં એમની ધાક કાયમ પ્રવર્તતી હતી. એમ કહીએ તો કોઈને ઓછું ન આવવું જોઈએ! હર ક્ષણે શબ્દનું અને જીવનનું નવું રૂપ પ્રગટાવનારા આ કવિ ચીલે ચાલવામાં માનતા નહોતા, એમ ‘ચીલે ન જ ચાલવું' એવી પરંપરા પણ એ ઊભી થવા ન દેતા! કેટલાક લોકો લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્વન્દ્રનું નામ સાથે લે છે. પરંતુ, વ્યાપ્તિદોષ વહોરીને ય કહીએ કે -એ બંનેમાં એક વિલક્ષણ તફાવત છે. સિતાંશુ કવિતા જ કરવાનું ધારે છે અને એમનાથી ક્યારેક લીલા થઈ જાય છે. જ્યારે લાભશંકર લીલા અને માત્ર લીલા કરવાનું જ ધારે છે ને એમનાથી કવિતા થઈ જાય છે. એકનાં લક્ષલાભ પહેલેથી નક્કી હોય છે જ્યારે બીજા કિસ્સામાં કશુંક થાય અથવા ન પણ થાય! લાઠાને કોઈ જાતની તમા કે પરવા નહીં! બસ, જે સૂઝે તે નિસબતપૂર્વક લખતાં રહેવું. આ કવિની કવિતાનો અને જીવનનો લય પાકો હતો. પ્રાસાનુપ્રાસ એમને માટે શ્વાસોચ્છવાસ જેટલા નજીક હતા. લયકારી અને શબ્દ સાથેની ક્રીડા હંમેશાં એમને ગમતી. ૧૯૮૧માં એમને ગુજરાત સાહિત્યસભા દ્વારા 'રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કરવાની જાહેરાત થઈ કે ક્ષણના ય વિલંબ વિના એમણે તારસ્વરે એના અસ્વીકારની જાહેરાત કરી દીધી! એમને ‘ચંદ્રકવિજેતા' શબ્દ સામે સખત અણગમો. એ કહેતા કે આમાં જય, પરાજય કે વિજય જેવું કશું હોતું નથી. (જે કંઈ હોય છે, તેને વિશે જે બોલ્યા હતા તે અહીં લખવાને બદલે લાભશંકરનો પ્રિય શબ્દ ‘કંટોલા'! મૂકીને ચલાવી લઈએ.) મૂળ તો સંસ્કૃતના માણસ, એટલે ‘વરણી’ અને 'અર્પણ' શબ્દમાં જે ગૌરવ અને ગરિમા છે એનો સ્વાભાવિક મહિમા કરતા. પહેલેથી અમુક પાકી ગોઠવણ અને પાકા આયોજનથી અશ્વમેધ કરનારા લેભાગુ વિજેતાઓ અને રત્નો માટે એમના શબ્દતૂણીરમાંથી ‘છટ્ટ!' અને 'તુચ્છ!’ એવાં તીર છૂટતાં. લાઠા 'છ' ઉપર જરા વધારે ભાર દેતા. વર્ષો પછી, સંસ્થાના દફતરે કોઈ દેખીતી કરચલી ન રહી જાય અને ઉપર ઉપરથી બધું ઈસ્ત્રીબંધ દેખાતું રહે એવા ‘ઉમદા અને વ્યાપક' હેતુથી વિનોદ ભટ્ટે માગ્યું, તો લાભશંકરે બધું જ જાણતેછતે વચન આપ્યું, અને અક્ષરેઅક્ષર પાળી બતાવ્યું પણ ખરું! ક્યારેક જાણીબૂઝીને છેતરાવાનો આનંદ લાઠા લેતા.૧૯૯૪ની સંધ્યાએ ચંદ્રક સ્વીકાર્યો, પણ છાતીએ વળગાડવાની તક પ્રમુખને ન આપી! તર્જની લાંબી કરીને લોલકની જેમ લટકાવ્યો-ઝુલાવ્યો! સ્વીકારતી વખતે લિખિત વક્તવ્યની પરંપરા નેવે મૂકીને છૂટકતૂટક પણ મહત્વની વાતો કરી. શ્રોતાઓ સાથે સંવાદ સાધ્યો. આવું ન કરે તો લાભશંકર નહીં! પાછા એવું ય વદ્યા કે – ‘આ ચંદ્રકો અશુદ્ધિનું કારણ છે અને અશુદ્ધિઓને વધારનાર છે. સંસ્થાઓ હવે આત્મશોધન કરે અને ચંદ્રક-પારિતોષિકોના તરીકાઓ છોડી દે!’ લાભશંકરથી બીતા હોવાનો દેખાડો કરનારા સંસ્થાધુરીણો આ વાતમાંથી ‘ધંડો' લેવાને બદલે ચંદ્રકો અને માનઅકરામોનો ‘ઘડોલાડવો’ કરવામાં 'પાવર-ધા' બનીને લાભશંકરને ય ચકમોઅચંબો આપે એવા એવા તરીકાઓ શોધતા થયા છે એની જાણ લાઠાને નહોતી એમ નહીં! જો કે લાઠાએ તો એમ પણ કહેલું કે - 'આપણે સદીઓથી માણસને માનભૂખ્યો બનાવી દીધો છે... હું પણ માણસ છું. મને પણ પ્રશંસા ગમે છે... મેં ચન્દ્રકનો ત્યાગ કર્યો તેથી ત્યાગનું મૂલ્ય ન રચશો. સ્વીકારું છું તેથી ચંદ્રકપારિતોષિકનું મૂલ્ય ન આંકશો....’ આ કવિને પ્રથમ વખત જોયા એમના 'કાયચિકિત્સા’માં. નહેરુબ્રિજને નાકે. મને અને કવિ જગદીશ વ્યાસને એ વખતે નવા નવા સાહિત્યકારોને મળવાનો બહુ ધખારો! પહોંચી ગયા હિંમત કરીને. સાંજનો સમય હતો. છેલ્લા એક-બે પેશન્ટ બાકી હતા. અમે કેસ કાઢનાર ભાઈને કહ્યું કે અમારે કંઈ દવાબવા લેવાની નથી, કવિ છીએ ને કવિને સુવાણ્યે મળવા આવ્યા છીએ. અંદર બેઠેલા ઠાકરસાહેબે આ સંવાદ ધ્યાનથી સાંભળ્યો હશે, એટલે મોટા અવાજે બોલ્યા કે એમને બેસાડો…પાણીબાણી પાવ!' બધાં પેશન્ટ ગયાં…… થોડીક જ વારમાં કલ્કિ અવતાર થયો. સ્વયં લાઠા ચેમ્બરમાંથી પ્રગટ થયા. જરા ટાઈટ કહેવાય એવું અડધી બાંયનું સફેદ શર્ટ, સફેદ પેન્ટ, કમરમાં કાળો જાડો પટ્ટો, અભિનેતા વિજય આનંદ પહેરે એવા જાડી કાળી ફ્રેમનાં ચશ્માં. અત્તરની આછી સુગંધ. મોંમાં સિગારેટ! ‘આવો અંદર બેસીએ!' પ્રાથમિક પરિચય પછી એમણે સિગારેટનું પાકિટ ખોલ્યું. એમની સિગારેટ તો ચાલુ જ હતી. પણ અમારી સામે ધર્યું. અમે સહજ સંકોચમાં હા-ના જેવું કર્યું. પણ, એમણે વિવેકમાં ય અમને સંકોચાવા ન દીધા. ઉપરથી કહે કે - ‘તમારા હોઠ તો કહે છે કે પીઓ છો, તો લગાવો… લગાવો!’ એમની આખી ય ચેમ્બર ધૂણી ધૂણી… કવિએ ખુરશી પાછળની બારી ખોલી અને કેસ કાઢવાવાળા ભાઈને રવાના કરતાં કહે કે, ‘તમે ઊપડો… હું બંધ કરી દઈશ!’ સુરેન્દ્રનગરની વાત નીકળી ને અમે એમ.એ. કરવા અમદાવાદમાં આવ્યા છીએ એ વાતે લાઠા રાજી થઈ ગયા. પાટડીને યાદ કરવા મંડ્યા. હજી એમણે બાપા અને બા વિશે લખ્યું નહોતું. પણ એમાંની જ કેટલીક વાતો પ્રસન્નચિત્તે કરી. પછી, ક્યાં રહો છો ને ક્યાં જમો છો જેવી ઔપચારિક વાતો થઈ ને એ ઊભા થયા. ધારું છું કે મૂતરડી તરફ ગયા હશે. એ ગયા કે તરત જ કવિ જગદીશમાં બેઠેલો તોફાની આત્મા સળવળ્યો. ટેબલ પર પડેલા પાકિટમાંથી એણે એક સિગારેટ સરકાવી અને મારા શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકી દીધી! પાકિટ હતું એમ મૂકી દીધું. ખાસ્સી વારે લાઠા આવ્યા. કહે કે, ‘ચાલો મારી સાથે!’ વચ્ચે મહાકાય લાઠા ને આજુબાજુએ અમે બે સોટીપોઠી, સીધા ટાઉનહોલ હેવમોરના રસ્તે! એમની સાથે એટલાં ડગલાં ચાલ્યા ત્યારે છાતીમાં કેવું ધક ધક થતું હતું એ આજે ય યાદ છે! ચાલતી વખતે એમના સેન્ડલ પર મારી નજર ગઈ. એકદમ નવા અને પોલિશ્ડ. જો કે એ પછી પણ લાઠાને હંમેશાં પરફેક્ટ અને તૈયાર થયેલા જ જોયા છે. ક્યારેક સરસ મજાનું ટીશર્ટ પહેર્યું હોય. જૂતાં પણ અવનવી ડિઝાઈનનાં. એમના હાથે ‘લઘરા'નું સર્જન ભલે થયું, પણ ક્યારેય એમને લઘરવઘર જોયા નથી. હેવમોરમાં ચિનુ મોદી, ઇન્દુ પુવાર, સુભાષ શાહ, રમેશ શાહ, મનહર મોદી, કપાસીસાહેબ અને નિશીથભાઈ અને બીજા કેટલાક, જે વગેરેવર્ગમાં આવે એવા બેઠા હતા. દૂરના ટેબલે નિરંજન ભગત અને અબ્દુલકરીમ શેખ હતા. સ્વાભાવિક જ. ‘શેખ સૂન રહે થે ઔર જમાના બોલ રહા થા!’ કવિ લાઠાએ તત્ક્ષણ સહુને અમારો પરિચય કરાવ્યો અને અમારો વારો આવ્યો ત્યારે અમે ગઝલો વાંચી! અમે તો મુગ્ધભાવે આ બધાને જોઈ સાંભળી રહ્યા હતા. એટલામાં જ રમેશ પારેખ અને એમની લીલીછમ્મ મંડળી, ‘ઓચિંતા વાયરાની જેમ’ ક્યાંકથી આવી ચડી. હેય હેય ને હાકલાપડકારા! 'તમે તો વિદ્યાર્થીઓ છો!’ એમ કહીને લાઠાએ અમને ચાના પૈસામાં ભાગ આપવાની મનાઈ ફરમાવી - અને આમ અમારો અમદાવાદપ્રવેશ ઉજવાયો! હેવમોરમાંથી બહાર નીકળ્યા ને જગદીશનો હાથ મારા ખિસ્સામાં.. અમે બંનેએ 'બોલો પવનપુત્રની જેય!’ કહીને અડધી અડધી ફૂંકી મારી! ઠાકરસાહેબ ઉદાર બહુ હતા. ખાવાના અને ખવડાવવાના શોખીન! (આ બાબતે પાટનગરના સાહિત્યકારણીઓએ અવળો અર્થ લઈને વ્યર્થ શ્રમ ન કરવો.) આઈસ્ક્રીમ તો એમને અનહદ ભાવે. ક્યારેક કંદોઈ ભોગીલાલનો મોહનથાળ પણ ઝાપટે. અમદાવાદમાં કઈ વાનગી ક્યાં સારી મળે તેની ઝીણી ઝીણી વિગતો ય એમની પાસે હોય. તુલનાત્મક અધ્યયન પણ ઘણું. બહુ વર્ષો પહેલાં ભઠિયારગલી, પણ પછીથી તો હેવમોર, કુણાલ, મહેતા અને સંકલ્પ એમનાં પ્રિય સ્થળો. નખશિખ કવિ બાપુભાઈ ગઢવી, બાળોતિયાંના બળેલા, એમને જીવતરનું જરાય લેણું નહીં. એમનો હાથ જ નહીં, આખેઆખા પોતે જ કાયમ ભીડમાં હોય. એવા બીજાય એકબે કવિઓ હતા, પણ એમનાં નામ લઈને શરમમાં નાંખવાની ગુસ્તાખી નથી કરવી. ટૂંકમાં વાત એટલી જ કે લાઠા ડાબે હાથે- હા. સમજીને લખું છું કે, લાઠા, ડાબે હાથે આપે ને જમણાને ખબર પણ ન પડવા દે! મેં જોયું છે ત્યાં સુધી, ભાગ્યે જ કોઈ જરૂરિયાતમંદ એમની પાસેથી ખાલી હાથે ગયો. હશે! આપણી કવિતા ક્યાંક વાંચી હોય ને ગમી ગઈ તો મળે ત્યારે રાજી થઈને એની વાત કરે. એમ સમજો ને કે આખો આસ્વાદલેખ જ બોલી જાય! લાઠા કોઈને પણ અપખોડતી કે વખાણતી વખતે જેન્યૂઇન જ હોય. બંને વખતે કચ્ચીને ફટકારે! ઝાલાવાડી બોલીનું ધીંગાપણું એમની જીભેથી છટકી ગયાનો વસવસો ઘણી વાર પ્રગટ થતો. કદાચ એ કારણે જ બાબુભાઈ રાણપુરા અને ડોલર ગઢવીને, એ લોકો અમદાવાદ આવે ત્યારે બઠ્ઠા કાન કરીને લાઠા સાંભળતા. ઘણી વાર એમ લાગે કે એમને અવળચંડા માણસો માટે વિશેષ લગાવ હતો. વચ્ચે, પરિષદના ઉપક્રમે ઘણા લાંબા સમય સુધી એમણે અને ભગતસાહેબે ગુજરાતી કવિતાની સમૃદ્ધિ પ્રગટાવેલી. બંનેનાં વક્તવ્યો અને પઠન ભારે પ્રભાવક. મોટી સંખ્યામાં લોકો એમને સાંભળવા આવતા. અમે તો એ કાર્યક્રમોની ક્ષણેક્ષણને પંચેન્દ્રિયથી માણી છે. લાઠા અસ્ખલિત બોલે. ક્યાંય એમની જીભને ઝોલું ન આવે. ક્યારેક તો ગાન પણ કરે. સમગ્ર રીતે, કવિ અને કવિતાની અંદરના, બહારના અને આજુબાજુના તમામ સંદર્ભો માર્મિક રીતે ઉકેલતા જાય ને બોલતા જાય. ખાસ કશું લખેલું ન હોય. છતાં બધું સહજ રીતે ચાલે. પ્રેમાનંદ અને પન્નાલાલ માટેનો એમનો પક્ષપાત જરા વધારે... પાક્ષિકી એ લાઠા અને રમેશ ર. દવે આદિનું જ સર્જન. અત્યારે પાક્ષિકી જાણે કે દીવાનખંડમાં ચાલે છે, પ્રારંભે એમાં ફળિયાની મોકળાશ હતી. પરિષદ છૂટ્યા પછી પણ, કોઈ ને કોઈ નિમિત્તે એમને અનેકવાર મળવાનું થતું. એક આત્મીય સંવાદ અને સંબંધ સ્થપાયેલો કાયમ રહ્યો. પરિષદના નાકે પાનબીડીથી માંડીને અનેક પ્રકારની જ્યાફતોના સાક્ષી અને સાથી છે રમેશ ૨. દવે અને પરેશ નાયક. આ એક એવો માણસ હતો, એવો સાહિત્યકાર હતો કે જે કોઈ પણ જાતનાં સ્વાર્થ કે ગણતરી વિના, સમાજનું ને સાહિત્યનું બધું જ રજેરજ સહૃદયતા છતાં સાક્ષીભાવે જોતો. સારું હોય એની સરાહના કર્યા વિના રહી જ ન શકે. કદી કોઈને ખોટી સલાહ ન આપે. ક્યારેક એકદમ આત્મીય લાગે તો ક્યારેક સાવ નિર્મમ. 'શબ્દસૃષ્ટિ' માટે કાવ્યો કે લેખ મોકલે તેમાંય અચૂક લખે કે ન પસંદ આવે તો પાછું મોકલવાની જરૂર નથી. મારી પાસે નકલ છે. એમની નિર્મમતાનો એક દાખલો : પરિષદના 'પાક્ષિકી' કાર્યક્રમમાં અમરેલીથી વાર્તાકાર જનક ત્રિવેદી વાર્તા વાંચવા આવેલા. જનકે વાર્તા વાંચી, એ પછી ચર્ચા થઈ. લગભગ બધાએ એક અવાજે કહ્યું કે વાર્તા નબળી છે. પ્રત્યુત્તરમાં, જનક ચતુરાઈ કરવા ગયો. હસતો હસતો કહે કે - ‘મને ય ખબર છે કે વાર્તા નબળી છે. મેં તો તમારા જેવા વિદગ્ધ ભાવકોની કસોટી કરવા વાંચી હતી! મારે એ જોવું હતું કે તમને લોકોને વાર્તામાં કેવીક સમજ પડે છે!!’ લાઠાસહિત સહુ એની આ બેઅદબીથી અકળાયેલા. કાર્યક્રમ પછી જનકે લાઠાને પોતાનું તાજેતરમાં પ્રગટ થયેલું પુસ્તક ભેટ આપ્યું અને કહ્યું કે- ‘વાંચીને કહેજો કે કેવું લાગ્યું?' ‘લાઠાએ સહજભાવે કહ્યું, હમણાં તો નહીં વાંચી શકાય!’ કદાચ એમને એમનાં કારણો કે રોકાણો હશે! પણ, જનક એકદમ ઉશ્કેરાઈ ગયો. ‘ન કેમ વાંચો? એક સિનિયર રાઈટર તરીકે ફરજ બને છે તમારી! ને મારો હક્ક છે તમારો અભિપ્રાય મેળવવાનો!’ અને લાભશંકરે સટ્ટાક કરીને ચોપડીનો ફર્શ પર ઘા કર્યો. મોટા અવાજે તાડુક્યા : ‘શું કંટોલા ફરજ છે મારી? મેં કંઈ ઠેકો લઈ રાખ્યો છે? હુ આર યૂ? નથી વાંચવી તમારી ચોપડી! મારે શું અને ક્યારે વાંચવું એ હું નક્કી કરું કે તમે?’ જનકની ચોપડી ઘાયલ કબૂતરની પેઠે ફર્શ ઉપર તરફડતી હતી! જનકે વાંકા વળીને હાથમાં લીધી. ફરી પાછી આપી. કહ્યું કે - ‘ન વાંચતા....પણ લઈ જવી તો પડશે જ! તમે નહીં લો તો હું પણ પાછી નહીં લઈ જાઉં! તમારું એમાં નામ લખી નાંખ્યું છે……’ રીતસરની ઝપાઝપી ને રકઝક થઈ. જનક ચોપડી પકડાવવા અને લાઠા ન પકડવા ઝઝૂમે. ‘નામ મેં લખ્યું છે કે તમે? મેં તમને કહ્યું હતું કે મારું નામ લખો’ લાઠા ફરી તાડુક્યા અને આંગળી ચીંધી… સીધી જ સાબરમતી દેખાડી… 'મને ગરજ હશે તો હું ખરીદી લઈશ ગમે ત્યાંથી. મારે તમારી પાસેથી ભેટ મેળવવાની કોઈ જરૂર નથી...!’ પછી તો બંને પરશુરામોને ઘણા લોકોએ સમજાવ્યા પણ બેય સરખા જિદ્દી! સારું થયું કે થોડી વારમાં કંઈક બીજો કાર્યક્રમ શરૂ થવાનો હશે તે ફરજિયાતપણે યુદ્ધવિરામ જાહેર કરવો પડ્યો! પણ, આ ઠાકરસાહેબે કદી ન ભૂલી શકાય એવો એક અનુભવ વર્ષો પૂર્વે કરાવેલો એ યાદ આવે છે. એ વખતે, અમે બંને ઝાલાવાડી બ્રાહ્મણો ત્રિશૂળની અણીએ આવી ગયેલા! વાત જાણે એમ હતી કે મારી પ્રથમ પત્ની નિમુ તે વખતે પ્રેગ્નન્ટ હતી. એ પોતે પણ આયુર્વેદની ડોક્ટર એટલે એમાં જ વધારે શ્રદ્ધા. અચાનક એને કંઈક તકલીફ થઈ. પોતાની રીતે દવા કરી, પણ બીજે દિવસે મને કહે કે - 'કોઈ સારા ડોક્ટરને બતાવવું પડશે.' પછી એણે જ સૂચવ્યું કે 'આપણે 'વૈદ્ય પુનર્વસુ' પાસે જઈએ. એ તમને ઓળખે છે પણ ખરા..’ અમે ગાંધીનગરથી ડબલડેકર બસમાં બેઠાં અને નહેરુબ્રિજના સ્ટેન્ડે ઊતરીને ચાલતાં એમના ક્લિનિક પર પહોંચ્યાં, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ઠાકરસાહેબ નીકળવાની તૈયારીમાં જ હતા ને અમે પગ મૂક્યો. પહેલાં તો એમણે ‘આવો આવો' કર્યું પણ જાણ્યું કે અમે તો દવાના કામે આવ્યાં છીએ. એમનો મિજાજ છટક્યો. ‘કેટલા વાગ્યા કંઈ ભાન છે? બહાર પાટિયું છે એ ન જોયું? મારો સમય પૂરો થઈ ગયો છે. કાલે આવજો!' એ એક શ્વાસે બોલી ગયા. મેં વિનંતિના સ્વરમાં કહ્યું કે- ‘એને ખૂબ તકલીફ છે. તમે બે પાંચ મિનિટ આપો ને એને સાંભળો. આમ તો એ પોતે જ વૈદ્ય છે પણ...' ‘તો એમને કહો જાતે દવા કરી લે…’ ‘'અરે પણ ઠાકરસાહેબ આપની સલાહ જોઈએ છે....’ ‘કહ્યું ને કે મારો સમય પૂરો થઈ ગયો! કવિતા સંભળાવવી હોય તો બેસું, હર્ષદ! આખી રાત બેસું! તમે કહો તો અહીં જ બેસી રહું! પણ નો પ્રેક્ટિસ, મિન્સ નો પ્રેક્ટિસ!' હવે મારો મિજાજ ફાટ્યો. એકદમ ઝાલાવાડી રૂપ પ્રગટ્યું. મેં એકદમ ગુસ્સામાં કહ્યું કે - 'ઠાકરસાહેબ! તમે તો વૈદ્ય છો કે વેરી? જોતા નથી? અમે કેવી રીતે દોડતાં આવ્યાં છીએ. છેક ગાંધીનગરથી આવ્યાં છીએ. બસ મળે ત્યારે આવીએ ને? અને તમે જતા જ રહ્યા હોત તો જુદી વાત હતી. છો તો બે મિનિટ વાત સાંભળીને સલાહ આપવામાં તમારા… તમારું શું જાય? તમારી જે ફી થતી હોય એ લઈ લો ને! હું ક્યાં ના પાડું છું? આ તો ઠીક છે પણ, રાત્રે એને કંઈક થઈ જશે તો? મને લાગે છે કે સાચે જ તમારો સમય પૂરો થઈ ગયો છે! નહીંતર... કવિ તમને આવા નહોતા ધાર્યા!’ અને ઠાકરસાહેબ એકદમ ઢીલા પડી ગયા. ખુરશીમાં બેસી ગયા. નીમુને નિરાંતે સાંભળી. બે પ્રકારના આસવ સૂચવ્યા. અને પછી ઉમેર્યું કે- ‘ઘણું તો તમે જાણો જ છો. મારા મતે બે દિવસમાં સારું થઈ જશે.' પછી તો દવા પણ ક્લિનિકમાંથી પોતે જ આપી. ઘણો આગ્રહ કર્યો પણ પૈસા ન લીધા તે ન જ લીધા. અમે ત્રણેય(આમ તો જયજિત સહિત ચારેય!) સાથે સીડી ઊતર્યા. બીજે દિવસે અકાદમીની ઓફિસમાં મારા માટે ફોન આવ્યો. કચેરી અધીક્ષક દવેસાહેબે કહ્યું કે કો'ક લાભશંકરનો ફોન છે. મેં હલ્લો કહ્યું ને સામેથી- 'હું લાભશંકર બોલું છું! કેમ છે નિમુબહેનને?' ‘અરે સાહેબ! ઘણું સારું છે...' પછી તો એ પ્રલાપે ચડી ગયા. ‘ગઈ કાલે તમે આવ્યાં….પણ… સોરી હર્ષદ, સોરી. મારું એવું છે ને કે એક વાર મનનું શટર બંધ કરી દઉં એટલે કરી જ દઉં… ફરી ખોલવાનું જલદી ફાવે નહીં! અને તમે તો કવિરાજ! અને પાછા વૈદ્યરાજના પતિ... પણ એમને સારું થઈ ગયું એ સારી સ્થિતિ છે! ફરી એક વાર સોરી..… હર્ષદ, સોરી...’ મેં કહ્યું કે 'હવે તમે સોરી બોલશો તો આપણે નહીં બને! કેમકે મારાથી પણ અવિવેક તો થઈ જ ગયો હતો ને? જે થવાનું હતું એ થઈ ગયું! છોડો એ વાત...!' પછી તો સાબરમતીમાં ઘણું પાણી વહી ગયું ને બે-પાંચ સરકારો પણ બદલાઈ ગઈ! એક વાર અકાદમીના જ કોઈ કામે હું જઈ ચડ્યો. એમના હાથમાં ‘મીરાં યાજ્ઞિકની ડાયરી' હતી. એ જોઈને મને રાજીપો થયો એટલે એમ જ પૃચ્છા કરી.. એ તો મૂડમાં આવી ગયા. મને કહે, ‘કોઈ બિન્દુ ભટ્ટની આ લઘુનવલ…અદભૂત છે… એકદમ ફ્રેશ…. ગુજરાતીમાં તો વિરલ જ…!' એમને કદાચ ખ્યાલ નહોતો એવું લાગ્યું એટલે મેં કહ્યું: ‘બિન્દુ મારી પત્ની છે!’ લાઠા એકદમ ઊછળ્યા! 'બહુ સરસ! બહુ સરસ!’ પછીથી એમણે ‘ઉદ્દેશ’માં લેખ પણ કરેલો. એ વખતે, મારા દાંમ્પત્યજીવનના પ્રશ્નો, ડિવોર્સ અને બીજું લગ્ન વગેરેનો એમને આછો ખ્યાલ હતો કદાચ, પણ એમની પાસે સિલસિલાબંધ વિગતો નહોતી. મારી પત્ની, એ જ આ બિન્દુ. એ વાતથી હું અને લાઠા, બંને પ્રસન્ન થયા હતા પણ બંનેનાં કારણો અલગ અલગ હતાં! સહજસ્ફુરણ એ લાઠાનો સ્વ-ભાવ. એમના ભત્રીજા ગુરુદત્ત વેરે મારાં સાળીની ભાણીનું સગપણ જોવાનું થયું. મેં ઠાકરસાહેબને ફોન કરીને ગુરુદત્ત વિશે અભિપ્રાય માગ્યો. લાઠા ઉવાચ: ‘જુઓ, કોઈ માણસ વિશે કાયમી અભિપ્રાય ન જ આપી શકાય! તદ્દન નિકટનાં હોય તો પણ નહીં. બંને પક્ષે એકબીજાને ગમે ને મન માને તે પ્રમાણે કરવું. એટલું કહું કે ગુરુદત્ત શાંત સ્વભાવનો છે ને એનું તો નામ જ મેં પાડ્યું છે! જો કે મારા જેવાં કોઈ લક્ષણો ધરાવતો નથી. મારા મોટાભાઈ જગદીશભાઈ પણ સરળ... છતાં. તમને ઠીક લાગે એમ કરો....’ પછી અમે લાઠાને સીધાં રિસેપ્શનમાં જ મળ્યાં. દૂરથી બિન્દુને જોઈ એટલે નજીક આવીને ફટાણું શરૂ કર્યું : ‘ઘરમાં નો'તાં પાન, ત્યારે શીદને તેડી જાન? મારાં નવલાં વેવાણ જરા લાજો...!' મેં બિન્દુને કહ્યું કે – ‘તું ય લાંબા હાથ કરીને પેલું ગા ને! ઠાકરની આંખમાં ઠળિયો રે જણ જીવો જીઈઈઈઈ...’ અને ઠાકરસાહેબ એકદમ ખુશ! કહે - 'હા, હા, હર્ષદ એ ફટાણું જ છે..' એક વખત તો એ અને એમના મોટાભાઈ જગદીશભાઈ જૂની રંગભૂમિનાં નાટકોની વાતે ચડી ગયા. લગભગ કલાકેક એ સત્ર ચાલ્યું હશે. ભાંગવાડી થિયેટરનાં, નહીં નહીં તોય વીસપચીસ ગીતો બંને ભાઈઓએ ગાઈ નાંખ્યાં હશે! 'લાભ્ભાઈ… લાભ્ભાઈ… કહેતાં જગદીશભાઈની જીભ સુકાય અને ‘હા ભાઈ ખરું... ખરું… ખરું!' કહેતી વખતે લાઠાના મોંમાં અમી આવે! આમ એ બંને ભાઈઓના સખ્યને જોવા-માણવાનો મોકો મને એક વાર મળેલો. છેલ્લાં પંદરવીશ વર્ષ અમારો સંવાદ બરાબર ચાલ્યો. કંઈ પણ ઉમળકો આવે તો એમની સાથે વહેંચીએ. અઠવાડિયે-પંદર દિવસે એકાદબે વખત તો વાત થાય જ. પણ મૂડ પ્રમાણે. મારી અને બિન્દુની ભાગ્યે જ કોઈ એવી રચના હશે, જેને ઠાકરસાહેબે રિસ્પોન્ડ ન કર્યું હોય. ક્યારેક મૂડમાં હોય તો પત્ર પણ લખે. મોટેભાગે એ સવારે ફોન કરે. તે વખતે બિન્દુ કોલેજે હોય. એ આવે એટલે હું બધું કહું. એક વાર એ કહે કે- ‘મારે આ બધું એમના મોઢે સાંભળવું છે!’ આપણે તો જોડ્યો. એમને ફોન! ઠાકરસાહેબ અક્ષરેઅક્ષર ફરી વાર બોલ્યા ને વધારે વિગતે બોલ્યા. એ પછી તો એમના લાંબા ફોન આવ્યા કરે. એ ન કરે તો અમે કરીએ. દરેક વખતે, અમને બંનેને એ સતત સંકોરતા રહે. હૂંફ આપતા રહે, આત્મીયતાથી પણ ઉશ્કેરતા રહે : 'લખો...લખો.’ ખૂબ લખો. વારંવાર પ્રોત્સાહિત કરતા રહે. એમને બિન્દુ પાસે ખૂબ અપેક્ષા... કહે કે આળસ ખંખેરો! એ બે વચ્ચેનો એક વખતનો સંવાદ : ‘...પણ, ઠાકરસાહેબ! ક્યારેક આ બધું નિરર્થક લાગે છે...’ ‘તો એ નિરર્થકતા વિશે લખો... લખ્યા વિના નહીં ચાલે!’ બિન્દુબહેન તમારામાં ઘણી ક્ષમતા છે... ને સાંભળો! લખવાનો કોઈ વિકલ્પ નથી... એ વિના આપણી મુક્તિ નથી...’ કદાચ એમણે મોક્ષના વિકલ્પે મુક્તિ શબ્દ વાપર્યો હતો. છેલ્લા ઘણા વખતથી લાઠાદાદાની તબિયત કચડપચડ રહેતી હતી. ફોન પરનો રણકો તો એ જ. જાગ્રતિ પણ ખૂબ. ક્યારેક કહેતા કે-‘હવે લાંબું બોલવાનો થાક લાગે છે.' એક વાર મેં અને બિન્દુએ આગ્રહ રાખ્યો કે -‘અમે તમને જોવા આવીએ છીએ. તમારે બોલવાનું નથી. અમે બોલીશું. તમે સાંભળજો.’ પણ, એમણે સ્પષ્ટ ના પાડી. વાતો ફોન પર જ કરીએ એવું કહ્યું! મેં કહ્યું કે- 'અમારે તો તમને ફક્ત જોવા છે. એવું હશે તો નહીં બોલીએ... શાંતિથી બેઠાં રહીશું. તમે પણ ન બોલશો.' ‘ના...ના...ના! તમે મને આ સ્વરૂપે જુઓ એમ હું નથી ઈચ્છતો!’ ‘તમે કોઈ પણ સ્વરૂપે હો અમારે મન તો લાઠા જ...’ ના, હર્ષદ ના. હવે તો ઠાલાઠાલા…આંતરડાંની તકલીફ ઘણી છે… તમે નહીં જોઈ શકો મને. પ્લિઝ...' અને મેં જિદ છોડી દીધી. એ પછી પણ બેએક વખત સ્વસ્થ રીતે વાત થઈ હશે. એક દિવસ વહેલી સવારે ગુરુદત્તનો ફોન આવ્યો: 'લાભુકાકા ગયા....’ ‘હેંએ?’ એક ક્ષણ એમ લાગ્યું કે જાણે સાહિત્યજગતમાંથી ઉચ્ચ આગ્રહોનો, ખુમારીનો, આત્મજાગૃતિનો, આત્મસમ્માનનો, તાજગીનો, ખેલદિલીનો દીવો ધોળે દિ'એ હોલવાયો! લાઠા, હંમેશાં મારી નજર સામે અભિજાત, પ્રેઝન્ટેબલ, ડિસન્ટ, ડિસન્ટ એન્ડ ડિસન્ટ જ રહ્યા...