સવાસો વર્ષની વાર્તાઓ/જો અને તો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘જો’ અને ‘તો’

રંભાબહેન ગાંધી

તે દિવસની જેમ, આજે પણ એટલો જ વરસાદ છે, ને એટલું જ તોફાન છે. અને આજે પણ તે જ દા'ડાની માફક - હું બારી પાસે દૂર દૂર નજર ઠેરવતી ઊભી છું ને તે દા'ડાની જેમ જ - વ્યગ્ર બનીને આખા ઓરડામાં આંટા મારી રહી છું. આટલું સામ્ય છે છતાં - તે અને આજના દા'ડામાં બહુ જ ફેર છે. તે દા'ડે બહાર તોફાન હતું પણ મારાં અંતરમાં તોફાન નહિ, વ્યગ્રતા હતી, ચિંતા હતી, સંજયની આતુર નયને, ને થડકતા હૈયે રાહ જોઈ રહી હતી. ને જેમ જેમ સમય વીતતો જતો હતો, તેમ તેમ મારો થડકાર વધતો જતો હતો. હું સ્થિર બેસી શકતી નહોતી ને તેથી જ આખા ઓરડામાં આંટા મારી રહી હતી. પરંતુ આજે જુદી જ જાતની મથામણ અનુભવું છું. આજે બહાર તોફાન છે એટલું જ મારા હૈયામાં તોફાન જાગેલું છે. આજે હું સંજયની વાટ જોતી નથી. એનો ગભરાટ પણ નથી, છતાં ખૂબ ખૂબ મૂંઝવણ અનુભવું છું, અને મારું પોતાનું દુઃખ- મને અકળાવી રહ્યું છે તે કરતાં અનેકગણા પેલા ક્રૂર નિર્દયી અવાજો - મને અકળાવી રહ્યા છે. મૂંઝવી રહ્યા છે, ને તેથી જ વ્યગ્ર બનીને હું આખા ઓરડામાં આંટા મારી રહી છું - મને કશું સૂઝતું નથી. રાહ દેખાતો નથી. તે દા'ડે પણ એ જ થતું હતું કે કોને પૂછું? ક્યાં ગયા હશે સંજય? એટલી મોડી રાત સુધી કેમ નહીં આવ્યા હોય? ક્યાંક કારનો અકસ્માત તો નહીં થયો હોય ને? મિત્રોને પૂછવા ખાતર, ક્લબમાંથી ખબર મેળવવા ખાતર, બે-ચાર વાર ફોનનું રિસીવર ઊંચક્યું પણ મૂકી દીધું, ડર લાગ્યો કે સંજય ખિજાશે. એ મારી ચિંતા, દુ:ખ, આતુરતા, વ્યગ્રતા સમજતો નથી... એ તો એમ જ કહેવાનો કે હું જરા મોડો આવું છું એનો ઢંઢેરો આખા ગામમાં પીટે નહીં ત્યાં સુધી તને ચેન પડતું નથી. આખરે એ ઘનઘોર ઘટાટોપ વાદળાં વરસાદ ને વીજળીના ધડાકા સાથે જ ટેલિફોનની ઘંટડી પણ રણકી ઊઠી. મેં દોડીને ફોન લીધો. સંજયનો અવાજ સાંભળવા અધીરી બનીને કાન માંડ્યા, પરંતુ ફોન પર સંજયનો અવાજ નહોતો, ફક્ત સંજયના ખબર જ હતા. ફોન હોસ્પિટલમાંથી આવ્યો હતો, સંજયને કારમાં અકસ્માત નડયો હતો. હું બનતી ત્વરાએ ત્યાં જઈ પહોંચી, એ ઑપરેશન થિયેટરમાં હતો, એના ખીસામાં રહેલી ડાયરીમાં ઘરનું સરનામું હતું તે પરથી હોસ્પિટલની નર્સે જ ઘેર ફોન કર્યો હતો. બે કલાકે ઑપરેશન પૂરું થયું. ડોક્ટરે અથાગ પરિશ્રમ કરીને એને બચાવી લીધો હતો. ને મને આશ્વાસન આપતાં કહ્યું હતું. ‘બેન ચિંતા કરશો નહીં, હવે ચિંતાનું કોઈ કારણ નથી.' અને એ મીઠા સ્નેહાળ ને લાગણીભર્યા શબ્દોએ રોકી રાખેલાં અશ્રુએ ફરી ટપકવાનું શરૂ કરી દીધું હતું. પછી તો, એના તથા મારો સગાંવહાલાંએ એને ઘેરી લીધો હતો, ને મારાં મનને, વિચારે ઘેરી લીધું હતું. ખબર પડી હતી કે સંજય તથા શૈલ, ક્લબમાં ગયા હતા. ક્લબમાંથી ખૂબ જ મોડા નીકળીને શૈલને એને ઘેર પહોંચાડીને ઘેર આવતાં આ અકસ્માત થયો હતો. સંજય આ અકસ્માતમાંથી ઊગરી તો ગયો હતો. પરંતુ એના મોં પર ઘણી ઈજા થઈ હતી, વિન્ડસ્ક્રીનના કાચે એના મોં પર આડાઅવળા ચીરા કરી નાખ્યા હતા, આંખ પાસે પણ ખૂબ વાગ્યું હતું. જોકે એ વખતે તો એનું આખું મોં પાટાપિંડીથી ભરાઈ ગયું હતું. એટલે અમને કે કોઈને એની ઈજા કે ભયંકરતાનો ખ્યાલ આવ્યો જ નહોતો - છતાં ડોક્ટર ને નર્સના કહેવાથી કંઈક કલ્પના કરી શક્યાં હતાં. હજી તો એ બેભાન જ હતો, અને હું એના ખાટલા પાસે જ ખૂબ જ અધીરાઈથી બેઠી હતી, ને મારું આખું શરીર પીપળના પાન જેમ કંપી રહ્યું હતું. આટલી—વિહ્વળતા, ગભરામણ ને અકથ્ય વેદના મેં ક્યારેય અનુભવ્યાં નહોતાં, એટલી દ્વિધા ને વલોપાત, ક્રોધ, અનુકંપા, ચીડ, દયા... પ્રેમ, ઘૃણા-રોષ ને સ્નેહ મિશ્રિત લાગણીઓએ મને ક્યારેય એ રીતે મૂંઝવી મારી નહોતી. સૌ સગાંસ્નેહીઓની હાજરી હતી, હોસ્પિટલનો ઓરડો ભર્યો હતો, છતાં મને લાગતું હતું કે હું ત્યાં એકલી જ છું. હું જાણે સૌથી અલિપ્ત થઈ જઈને મારી, સંજયની, અમારી બેની રંગીન, કુરંગી વિચિત્ર બનાવોથી ભરપૂર એવી દુનિયામાં ક્યાંઈ ક્યાંઈ ઊંડી ઊતરી ગઈ હતી. હું અને સંજય એકબીજાને પ્રેમ કરીને પરણ્યાં હતાં, અને પરણીને બે વર્ષ તો અમે ખૂબ ખૂબ સુખચેનમાં વિતાવ્યાં હતાં. અમારા એ સુખની જાણે દૈવને ઈર્ષા આવી હોય તેમ શૈલે સંજયના જીવનમાં પ્રવેશ કર્યો અને મારાં દુઃખના ગણેશ મંડાયા. સંજયના જે રૂપ ને આકર્ષણે મને મોહિત કરી હતી તે જ રૂપ અને આકર્ષણ એને મારી પાસેથી ખેંચી પણ ગયું - શૈલ સંજય પાછળ ઘેલી બની,— ને સંજયે શૈલ પાછળ સૂધબૂધ ગુમાવી દીધી—પરિણામ એ આવ્યું કે હું મારા પતિ સંજય સાથે રહેતી. છતાં એ મારો પતિ નહોતો—ને હું અમારા ઘરમાં રહેતી હતી—છતાં એ મારું ઘર નહોતું. એ ઘરની દીવાલો, એ સંજય... એ લગ્નબંધન બધું જ મને ચારે તરફથી ભીંસી રહ્યું હતું, મારો શ્વાસ ત્યાં ગૂંગળાઈ રહ્યો હતો—છતાં—હું માતાપિતાની આબરૂના ભયે, સમાજના ડરે, ને કદાચ સંજય સમજી જશે એ આશાએ ગૂંગળાતી, મૂંઝાતી— એ જેલમાં-બંધનમાં અસંખ્ય ત્રાસ વેઠતી પડી રહી હતી. એ સંજય, મારો એકવારનો સ્નેહી સંજય, પ્રેમી સંજય,—ને હવે મને તેની નજરથી પણ દૂર રાખવા મથતો સંજય, રૂપયૌવનનો ગર્વિષ્ઠ સંજય, શૈલનો સંજય આજે મારી સામે જ... એના ઘવાયેલા શરીરે અચેતન દશામાં પડ્યો હતો. એના મોં પરનાં પાટાપિંડી જોતાં, મારા હૈયામાં શૂળ ભોંકાયાં હતાં. પરંતુ તે જ ક્ષણે એક સંતોષની રેખા પણ મોં પર ઝબકી ગઈ હતી—ને તેથી મને ખૂબ દુઃખ થયું હતું. થતું હતું કે મારે એવો વિચાર જ ન કરવો જોઈએ—છતાં કોણ જાણે કેમ, એ વિચાર ઘડી ઘડી આવી જ જતો—થતું હતું કે - જે રૂપના મદ પર ઝૂમી રહ્યો હતો, જે મુખડાની માયા સૌને લગાડી શકતો હતો- તે સંજયનું, અનેક ઘાથી-કદરૂપું બનેલું મોં પેલી રૂપમોહિની જોશે ત્યારે? અને એ વિચારે મારા હોઠ સહેજ મરકી જતાં. આવા જ વિચારોમાં હું ઘણી વાર ડૂબી જતી… થતું કે કદાચ આ અકસ્માતને કારણે જ - સંજય ફરી મારો થશે - ને મનમાં સુખની લ્હેર ઊઠતી. થતું કે આ ઘાને કારણે સંજય ખૂબ દુ:ખી થશે, એને ફરી મારા પર સ્નેહ જાગશે ને કહેશે, 'રક્ષા મને માફ કર, મેં તને ખૂબ દુઃખી કરી છે, હું ભાન ભૂલ્યો હતો. રક્ષા મારું માન, હું તને જ ચાહતો હતો અને હજુય તને જ ચાહું છું. વચલી વાત ભૂલી જા.. એ સ્વપ્ન જ હતું તેમ માની લે - મારો પગ જરા લપસ્યો'તો..ને — તે પાછો ખેંચી લીધો છે. હું તારો જ હતો ને તારો જ છું…' એ આવું બધું કરશે અને હું એ વખતે એ વાક્યો બુદ્ધિની કસોટીએ ન ચડાવતાં, હૃદયમાં સમાવી લઈશ, એની બધી બધી જ વાત માની લઈશ, ને એની છાતીમાં સમાઈ જઈને બે આંસુ પાડીશ અને— આંસુંભરી આંખે એને જોઈશ - ને એના ઘાથી ખરબચડા બનેલા મોં પર ખૂબ જ સ્નેહથી—કુમાશથી મારા ધ્રૂજતા હાથ ફેરવતાં એના કંપિત હોઠ સુધી પહોંચી જઈશ ને.. ત્યાં આંગળાં દબાવતાં બોલી ઊઠીશ, ‘સંજય, મારા સંજય, હવે એક પણ શબ્દ વધુ બોલીને મને દુઃખી ન કર.' અને અંતે સવારનો પથભૂલ્યો પથિક સાંજે ઘેર આવી જશે, ને હું આખા દા'ડાની અનેક કડવી ઘટનાઓ ભૂલીને એ પથિકને મારા સ્નેહાળ હૈયાનાં દ્વાર ખોલીને એને અંદર લઈ લઈશ ને એ અંદર આવશે તેવાં જ દ્વાર બીડી દઈશ—એને સદાને માટે મારા હૈયામાં પૂરી દઈશ…. ને હાશ કરીને, સુખનાં આંસુ સારતી બોલી ઊઠીશ પ્રભુ તું કેટલો દયાળુ છે, કેટલો દયાળુ છે.’ આ જ વખતે શૈલનો અવાજ સંભળાયો ને મારી વિચારધારા તૂટી. શૈલ આવતાં જ સંજય સંજય કરતાં એની પાસે દોડી પરંતુ નર્સે એને રોકી, બીજાં પણ શૈલને જોઈ જ રહ્યાં કારણ કે એટલી આત્મીયતા દેખાડતી, અને સંજયને તુંકારે બોલાવતી એ વ્યક્તિને બહુ થોડાં જ ઓળખતાં હતાં. ઓરડામાં કોઈ ઓળખીતું ન લાગતાં, શૈલ મારી પાસે આવી, મને પૂછ્યું... 'આ કેમ બન્યું?' ને મને થયું કે એ જ પ્રશ્ન મારે તને પૂછવાનો છે. પરંતુ હું કંઈ ન બોલી, બોલી જ ન શકી. થોડીવારે સંજય સળવળ્યો, હું ખાટલા પાસે ગઈ. એના માથા પાસે ઊભી રહી. એના હોઠ ફફડ્યા. મને લાગ્યું કે એ કંઈક બોલવા મથી રહ્યો છે, મેં નીચા વળીને સાંભળવા પ્રયત્ન કર્યો પરંતુ કશાય શબ્દો નીકળી ન શક્યા. શૈલ એને ગમતી. શૈલ સામે જ ઊભી હતી... છતાં નજીક આવી શકતી નહોતી. તે જોતાં પાછું મારું મોં સહેજ મરકી ગયું. શૈલ કે જેને સંજયે, એકદમ નજીક આવવાનો હક્ક આપ્યો હતો, અને એ ઘડીએ પણ સંજય કદાચ એ જ ઇચ્છતો હતો કે એની પાસે - રક્ષા નહિ, શૈલ જ રહે અને શૈલ દોડતી આવી પણ હતી છતાં સમાજે દોરેલી લક્ષ્મણરેખાએ એને દૂર જ રાખી હતી. ને હું કે જે સમાજની દષ્ટિએ એની પાસે જ બેસવાની અધિકારિણી હતી. ને એ ન્યાયે પાસે બેઠી પણ હતી છતાં સંજયથી - ખૂબ દૂર દૂર હતી. કેવી વિચિત્ર દશા હતી? ફરી સંજય સળવળ્યો, એના હોઠ ફફડયા, ને મેં નીચા વળીને, એના હોઠ પાસે કાન ધરીને, એ શું કહે છે તે સાંભળવા પ્રયત્ન કર્યો. માન્યું હતું કે ભાનમાં આવતાં, એ મને જ યાદ કરશે, મારું જ નામ બોલશે, પરંતુ હાય રે મૂર્ખ નારી…… તું એટલું ન સમજી કે જેના મનમાં-દિલમાં છેલ્લી ઘડી સુધી જે રમી રહી હતી, તેની જ યાદ એ જાગતાં કરે કે જેને દિલમાંથી-મનમાંથી ને વિચારમાંથી દૂર દૂર ફેંકી દીધી હતી તેને યાદ કરે? અને એ ભાનમાં આવતાં પહેલો જ શબ્દ બોલ્યો 'શૈલ-શૈલ તું ક્યાં છે?' અને એ શબ્દે મારામાં જાગેલી લાગણી ને સ્નેહ સળગી જ ગયાં. હું સમજી ગઈ કે, એના મનમાં શૈલ જ છે. ઊંઘતાં જાગતાં એ શૈલના જ વિચાર કરે છે, સુખેદુઃખે એને મન શૈલ જ છે તો પછી રક્ષાએ શા માટે એના જ નામનું રટણ કરવું જોઈએ? મારું સમસ્ત મન એ અન્યાય સામે બંડ પોકારી રહ્યું હતું.. કહી રહ્યું હતું કે તું ભલે ને રાતદા'ડો જોયા વિના ગમેતેટલી એની સેવા કરે, કે એને ફરી પામવાનો પ્રયત્ન કરે પરંતુ એ બધું મિથ્યા છે. એમાં તારું કશું જ વળવાનું નથી, કશું જ નહીં. મનોજ પણ મને એ જ કહેતો— મનોજ, સંજય અને હું સાથે જ ભણેલાં. અમારી ત્રણની ત્રિપુટી ગણાતી- ઘણા એમ પણ માનતા કે હું મનોજને જ પરણીશ પરંતુ મેં સંજયને પસંદ કર્યો, ને મનોજે અમારી ત્રિપુટીમાં મોડેથી ભળેલી મારી બહેનપણી રાજુલને પસંદ કરી લીધી ને અમે પરણી ગયાં ને ત્યારથી અમે ચારેય મિત્રો બની ગયાં હતાં... ગાઢ મિત્રો. એ મનોજ તથા રાજુલ સંજયની છેલ્લાં બે વર્ષની હકીકતથી વાકેફ હતાં, ને તેથી જ તો મનોજ ઘણીવાર કહેતો, કે રક્ષા, આવાને તો તારા જેવીએ પાઠ શીખવવાની જરૂર છે, અભણ ને નિર્માલ્ય સ્ત્રીઓ જેમ બગાડી મૂકવાની નહીં. કોઈ વાર હું આપઘાતના વિચાર પણ કરી નાખતી, ત્યારે રાજુલ અને મનોજ કહેતાં, 'રક્ષા આપઘાત એ તો નામોશી છે, પરાજયનો સ્વીકાર છે. પેલાને માર્ગ મોકળો કરી દેવાની નમાલી રીત છે. તારા જેવી ભણેલીગણેલીએ એવા વિચાર કરતાંયે શરમાવું જોઈએ.' અને હું કહેતી 'આવા જીવન કરતાં મોત શું ખોટું છે? 'તને જીવનનો મોહ ન હોય તોપણ તારે જીવવું જોઈએ — ગૌરવથી જીવવું જોઈએ. બીજા કશાની ખાતર નહીં, તો બીજી સ્ત્રીઓને દાખલારૂપ બનવા ખાતર પણ જીવવું જોઈએ, ને દેખાડી દેવું જોઈએ કે ત્યક્તા બનવું તે સ્ત્રીની નામોશી નથી-એ બનાવનાર પુરુષની નામોશી છે ને એવા પુરુષના ટેકા વિના પણ એક સ્ત્રી સારી રીતે ને માનભેર જીવી શકે છે.' "પણ આવા માણસ સાથે જીવન કેમ વિતાવાય,' હું અકળાઈને પૂછતી, અને રાજુલ કહેતી, 'એની અનેક રીતો છે, એમાં પહેલી એ છે કે સંજય તને ચાહે કે ન ચાહે, પણ તું એને ચાહ્યા જ કર. આદર્શવાદીઓ સ્ત્રીના મોંમાં શબ્દો મુકાવે છે ને કે પ્રેમ એ કંઈ સોદો નથી કે, 'એ ચાહે તો જ હું ચાહીશ - એ ચાહે કે ન ચાહે, પરંતુ હું તો ચાહવાની જ' તું એવું કરી દેખાડ અર્થાત્ એકપક્ષી જ પ્રેમ કરીને, જાતને શૂન્યમાં સમાવી દઈને હૃદયને કચડી નાખીને, જીવતાં શીખ.' 'એ તો અશક્ય છે, કલ્પના, વાર્તામાં, કે મોટી આદર્શની જ વાતોમાં જે સત્ય લાગે તે જીવનમાં નથી લાગતું. રાજુલ! હું માનવી છું, પાષાણ નથી, હું પણ સ્નેહ સામે સ્નેહ માગું છું ને તે પણ હક્કથી.' 'કબૂલ તારી વાત.. પરંતુ જેની પાસે તું સ્નેહની યાચના કરે છે, જેની સામે તારા બે હાથ ફેલાવીને, સ્નેહની ભીખ માગી રહી છે, તેની પાસે હવે તને આપવા કશું જ રહ્યું નથી. આપવાનું બધું જ એણે તો બીજે આપી દીધું છે, અને તારાં હાથ માગવા માટે ફેલાયેલા જોઈને—એ મોં ફેરવી ગયો છે. છતાં તું સામે હાથ ધરીને ઊભી રહ્યાં કરે છે તેનું શું?' ખરી વાત તારી, અત્યાર સુધી એ જ કર્યું છે પરંતુ હવે તો ઘડીભર એની સામે ઊભા રહેવાની કે સ્નેહની ભીખ માટે યાચના કરવાની જરા પણ ઇચ્છા રહી નથી.' ‘તો બીજો રસ્તો છે, બીજાને ચાહવાનો. એણે જેમ એનો પ્રેમ શૈલ તરફ વાળ્યો તેમ તું તારો પ્રેમ બીજા તરફ વાળ… તું પણ યુવાન છે, સુંદર છે.' ‘ના, રાજુલ, ના — એવી વાત જ ન કરે તો સારું.' ‘આટલું વાક્ય સાંભળ્યું તેની પણ મને નવાઈ લાગી. મને હતું જ કે તારું આર્ય નારીનું પેલું સંસ્કારી મન, બીજો રસ્તો છે, બીજાને ચાહવાનો-એ મારા વાક્યે જ ચીસ પાડીને બોલી ઊઠશે, રાજુલ, બસ કર, એવી ગંદી કલ્પના તને ક્યાંથી સૂઝી. પરંતુ વાક્ય પૂરું કરવા દીધું તેની નવાઈ લાગે છે.” 'તારી વાત ખરી છે. આદર્શના ઊંચા સિંહાસન પરથી હું ક્યારની ઊતરી ગઈ છું ને નક્કર કઠોર ધરતી પર આવીને ઊભી રહી ગઈ છું. તેથી હવે એવા શબ્દોથી કકળી ઊઠે એવું આળું મન રહ્યું નથી. હું કેટલાયે વખતથી દ્વિધામાં છું. રાજુલ, હું પણ શ્રેય અને પ્રેય વચ્ચે ઝોલાં ખાઈ રહી છું.. ફરજ ને હક્ક વચ્ચે ભીંસાઈ રહી છું અને તેથી જ તારી વાત એક ક્ષણ મનને ગમી ગઈ... પણ જવા દે એ વાત, ને એ બધી વાતો જે મારાથી નથી જ થવાની તેવી વાત કરવાનો અર્થ પણ શો છે?’ પણ આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ. વગર મોતે મરી જઈશ.' રાજુલે ઉગ્રતાથી કહ્યું હતું. ‘મારા નસીબમાં સોરાઈ સોરાઈને મરવાનું છે, કહીને હું રડી પડી હતી. મારા મનની આવી ડામાડોળ સ્થિતિ હતી ત્યાં જ અકસ્માત થયો, એક ક્ષણ માની લીધું કે સંજય પાછો મારો બની જશે, પરંતુ ભાનમાં આવતાં, પહેલો જ શબ્દ નીકળ્યો—શૈલ અને એના એ શબ્દ હું ઠરી જ ગઈ ને મારી લાગણીનો પ્રવાહ ત્યાં જ થંભી ગયો. એના મોં પરનો પાટો ખૂલ્યો, ને એ માઁ જોઈને શૈલ ચીસ પાડી ઊઠી, અને એ મોં જોવા ન માગતી હોય તેમ આંખ પર હાથ દઈ દીધા. સંજયનું મોં ખૂબ જ કુરૂપ બની ગયું હતું. એવું મોં જોઈને મારું હૈયું ચિત્કાર કરી ઊઠ્યું. મારાં થંભાવી દીધેલા લાગણીના પ્રવાહો પણ સળવળી ઊઠયા ને મારું મન હાહાકાર કરી ઊઠયું, ને હું એકદમ સંજયની પાસે ગઈ. એનો હાથ મારા હાથમાં લીધો, આશ્વાસન દેવા પ્રયત્ન કર્યો. પરંતુ સંજયે એ હાથ ખસેડી લીધો. ને મોં પર કઠોરતા આણીને કહ્યું, ‘અરીસો આપ.' શૈલની બૂમથી એને કુરૂપતાનો ખ્યાલ આવી ગયો હોવો જોઈએ જ અને તેથી જ એણે અરીસો માગ્યો. અને હું આપું તે પહેલાં, શૈલે જ અરીસો સંજયને આપી પણ દીધો, ને તે ક્ષણની સંજયની વેદનાભરી ચીસ ને રુદન હું હજીયે ભૂલી નથી. શૈલ તો એ કુરૂપ સંજયને જોઈને ત્યાંથી રવાના થઈ ગઈ ને પછી સંજય હોસ્પિટલમાં રહ્યો ત્યાં સુધી ફરી કદી દેખાણી નહોતી, સંજય પોતે પણ એ વાત સમજી ગયો હતો તેથી મારી પાસે એ નામ પણ લેતો નહોતો. હું બનતી સેવા કરતી, પરંતુ એ સેવા એક પત્ની કરે તે રીતે નહોતી કરતી, એક તટસ્થ નર્સની જેમ જ સેવા કરતી. અને સંજય આ સમજી ગયો હતો. તેથી તો કોઈ કોઈ વાર જૂના સ્નેહની વાતો કરતો, કરેલી ભૂલનો ઈશારો કરતો, અને એકાદ-બે વાર મારો હાથ પકડીને એમ પણ બોલી ગયો, 'રક્ષા, હું તારો જ છું, તારો જ...’ અને એના એ વાક્યની મારા મન પર કશી જ અસર થતી નહોતી, થાત. જો એ જ વાક્યો પહેલાં બોલાયાં હોત તો... પણ હવે તો એ રક્ષા મરી જ ગઈ હતી, હવે હું ફક્ત ઊર્મિશીલ નારી જ નહોતી, પતિના સ્નેહ માટે ઝૂરતી પત્ની પણ નહોતી, હવે તો એક બુદ્ધિશાળી સ્ત્રી તરીકે જીવી રહી હતી, એટલે એનાં એ સુંવાળાં, છેતરનારાં વાક્યોમાં આવી જાઉં તેમ હતું જ નહીં. હું સમજી ચૂકી હતી કે અકસ્માત ન થયો હોત, તો તો સંજય મારું મોં જોવા પણ માગતો નહોતો. બીજું એ પણ જાણતી હતી કે જો, અકસ્માતને કારણે મોં એટલું કુરૂપ ન બની ગયું હોત, અને જો પેલી શૈલ, એ જોઈને ભાગી ન ગઈ હોત તોપણ એ મને જોવા માગતો નહોતો. આટલી નક્કર હકીકત પછી, હું સંજયના પ્રેમભર્યા શબ્દોથી ઘેલી બની જાઉં, એવી ભોળી તો નહોતી જ અને એવી નમાલી પણ નહોતી જ. મેં પણ નક્કી જ કરી નાખ્યું હતું કે, જ્યાં સુધી એ સાજો ન થાય ત્યાં સુધી, સંબંધ ભાવે, એની સેવા કરવી, ને સાજો થતાં જ જે મારું મોં જોવા માગતો નહોતો એને જીવનભર મોં દેખાડવું નહીં જ. સંજય સાજો થઈને ઘેર આવ્યો, પછી આઠમે દાડે એના પર પત્ર લખીને એની બધી જ વસ્તુઓ એને સોંપીને હું એનું ઘર છોડીને, અહીં પિતાને ત્યાં આવી છું. પરંતુ આવી છું ત્યારથી મને જાતજાતના બેસૂરા, કઠોર ને કર્કશ અવાજો સંભળાય છે, અને એ મને મૂંઝવી મારે છે, મારી ગતિને રોકી રાખે છે, ને મારા જીવનને રૂંધી નાખે છે. સદ્દભાગ્યે સંજયની આંખને કશું જ નુકસાન થયું નહોતું. જો એ અંધ બન્યો હોત તો મારાં બાળપણના સંસ્કાર, અને માતા-પિતા પણ કદાચ ત્યાં જ રહેવા ફરજ પાડી દેત. એવી અપંગ દશામાં હું ધારત તોપણ એને છોડી ન જ શકત પરંતુ સદ્ભાગ્યે એવું કશું જ નહોતું તેથી મારો માર્ગ સરળ થયો હતો. પરંતુ ના... ધાર્યો હતો એટલો માર્ગ સરળ નહોતો - નથી. મારાં પોતાનાં સ્વજનો જ મારા એ માર્ગને અવરોધતાં આડાં ઊભાં છે, અને મને જ્યાંથી આવી છું ત્યાં જ પાછી જવા કહી રહ્યાં છે. એમના અને એમના જેવા અનેકના અવાજો મારા કાન સાથે અથડાયા જ કરે છે, અને એ અવાજોથી, એ તીરસમાં ભોંકાતાં વાક્યોથીએ અવગણના, અવહેલના અને તિરસ્કારથી હું ત્રાસી ઊઠું છું, અને હવે મારે શું કરવું, કયો રસ્તો લેવો, તે વિચારવા જ આજની ઘનઘોર, તોફાની રાત્રિએ મારા ઓરડામાં આંટા મારી રહી છું. જેવું તોફાન બહાર છે, તેવું જ મારા હૈયામાં પણ જાગ્યું છે, શું કરું? કોનું માનું? જુનવાણી સમાજનું? સમાજના ડરથી ડરતાં વડીલોનું કે પ્રગતિકારક માનસ ધરાવતા મારા સ્નેહીઓનું કે મારા હૈયાનું? વળી પેલા રૂઢિચુસ્ત અવાજો મને જોરજોરથી કહી રહ્યા છે પાછી વળ. તારું સ્થાન તારા પતિનાં ચરણોમાં જ છે. હિંદુ નારીની, આર્ય નારીની ને કુળવાન નારીની પિતાને ઘેરથી પાલખી નીકળે ને પતિને ઘેરથી તો ઠાઠડી નીકળે. પતિ ગમે તેવો તોયે પરમેશ્વર કહેવાય.' ‘આટલી એવી નાની ભૂલ માટે એનું ઘર ત્યજી દેવાય? જીવન બગાડી નખાય? જા પાછી જા... માફી માગી લે અને તારું જ્યાં સ્થાન છે તેમાં જ આશ્રય લઈ લે, અને એ કદી ન ભૂલતી કે એ સંબંધ એમ કંઈ તોડયા તોડાતા નથી- એ સંબંધ કંઈ એક ભવના નથી, ભવોભવના છે — ભવોભવના.' આ અને આવી જાતના અવાજોથી હું અકળાઈ ઊઠી છું ને સાથે જ મારો રોષ પણ વધતો જ જાય છે. પતિનાં ચરણોમાં પત્નીનું સ્થાન શા માટે? સ્થાન હોય તો હૈયામાં જ હોય - હૃદયના સિંહાસન પર જ ને જો ત્યાંથી ઉખેડીને ફેંકી જ દીધી છે પછી ત્યાં જવાનો અર્થ જ શો છે? અને પતિને ઘેરથી પત્નીની—સાસરાના ઘેરથી એની કુળવધૂની ઠાઠડી જ નીકળે, એ જીવતી ત્યાંથી નીકળી જ ન શકે, તેવું કોણ કહે છે? અને શા માટે? જીવતાં જ દફનાઈ જવામાં માનનારી હું નથી. હું પણ સ્વતંત્ર છું, માનવી છું, એક જીવતીજાગતી, ભણેલીગણેલી વ્યક્તિ છું. મારા પગ પર ઊભી રહેવાને શક્તિમાન છું. શા માટે એમણે મારાં માટે ઊભી કરેલી કબરમાં દટાઈ રહું? વર મારાં વર હતા ને એ ઘર મારું હતું ત્યાં સુધી ત્યાં રહી, પણ જીવતેજીવ કબરમાં દટાઈ રહેવામાં કઈ બહાદુરી છે તે જ હું સમજી શકતી નથી. અને કોણ કહે છે કે પતિ એ પરમેશ્વર છે? એ બધી વાતો સ્ત્રીને બંધનમાં જકડી રાખવા માટે ઊભી કરેલી છે. પતિ એ પરમેશ્વર નથી, એ એક સાથી છે. પરમેશ્વરનું પદ હવે કોઈ સ્વમાની નારી આપે એમ નથી જ અને આને નાની એવી ભૂલ ગણે છે? જીવનભર સાથે રહેવાના કોલ દીધા, સુખદુ:ખમાં એકબીજાના સંગી થવાના કોલ દીધા, પછી હજી તો મંઝિલ શરૂ જ કરી હતી, ત્યાં જ રસ્તે રઝળાવી દીધી, એવાને ભવોભવનો સાથી કઈ રીતે કહી શકો છો? અને કહે છે “જા પાછી જા - માફી માગી લે." તો શા માટે માફી માગું? વિશ્વાસઘાત, દગો, છેતરપિંડી એમણે કરી છે, માફી તો એમણે માગવી જોઈએ કે મારે? વગર વાંકે મને તરછોડી દેનારની, ધુત્કારી કાઢનારની માફી મારે માગવાની? શા માટે? મેં શો અપરાધ કર્યો છે કે હું માફી માગું? શા માટે સદાયે સ્ત્રીને જ નીચે નમતા જવાનું? વગર વાંકે શા માટે એને જ નીચા વળવાનું?. ના-ના-ના આમાંનું કશું જ મારું મન કબૂલ કરતું નથી. એ તો એ જ કહે છે કે જ્યાં તારી જરૂર નથી, જ્યાંથી તને ફેંકી જ દીધી છે ત્યાં રહેવામાં કે પાછા જવામાં હીણપ છે, નામોશી છે, લાંછન છે. કહે છે કે ભવોભવનો સાથી છે. કલ્પના છે, નરી કલ્પના. જેને જન્મતાંવેંત જાણ્યો નહોતો. જિંદગીનાં પહેલાં થોડાં વર્ષ સુધી જેને જોયો પણ નહોતો! જીવનપથ પર થોડી મંઝિલ કાપી, પછી તો એની ઓળખાણ થઈ, સંબંધ થયો, પ્રેમ થયો ને જીવનભર સાથે રહેવાનો કોલ દઈને જોડાયાં. અને થોડો સમય જ જીવનપથ પર સાથે ચાલ્યાં... મજાની ગોઠડી કરતાં, આનંદપ્રમોદ કરતાં, મંઝિલ કાપવા માંડી એકબીજાના ટેકે, કે એકબીજાની હૂંફમાં ચાલતાં. ટાઢ, તડકો કે તાપ પણ ન લાગ્યાં. આમ ચાલતાં હતાં, ઐક્ય સર્જાઈ રહ્યું હતું ત્યાં જ બીજી દિશા તરફ જતી એક લલનાને એમણે જોઈ. એમની નજર ત્યાં ઠરી ગઈ. પેલી સ્થિર ઊભી રહી. એમણે એ દિશામાં કદમ ઉપાડયાં. મારા હાથમાંથી હાથ સેરવી લીધો, પેલીએ હાથ લંબાવ્યા ને એમણે દોડીને પેલા લંબાવેલા હાથ ગ્રહી લીધા. એ બંને સાથે ચાલવા લાગ્યાં ને હું અર્ધરસ્તે એકલી પડી ગઈ. મને મઝધાર છોડીને એ ભવોભવનો સાથી ક્ષણવારમાં ચાલ્યો ગયો. હજી તો લાંબી મંઝિલ કાપવાની હતી, હજી તો જીવનની શરૂઆત જ હતી, હજી તો પ્રેમના હીંડોળે અમે હીંચતાં હતાં, હજી તો ક્યાંય કડવાશ-કંકાશ કે ખટરાગની વાત પણ નહોતી, તોપણ એમણે જીવનભર સાથ આપવાના કોલને આંખના પલકારામાં જ તોડી નાખ્યો, ને તે પણ કશાય દુ:ખ વિના, વાંક વિના, વેદના વિના. મરતો માણસ પણ ભલામણ કરે છે. પાછળ રહેનારાના ભવિષ્યની ચિંતા કરે છે, મારા વિના આનું શું થશે? તે દુઃખથી ઘેરાયેલો રહે છે. ત્યારે—આમણે તો મને મઝધારે મૂકી દીધી, ક્ષણનાયે વિલંબ વિના, દુઃખ વિના ને હું શું કરીશ એની કશીયે ચિંતા કર્યા વિના જ. અને આજે તો મેં એકલા જ લાંબો પંથ કાપી નાખ્યો છે. ને એમણે મારાથી ઊલટી જ દિશામાં પેલી સાથે પંથ કાપી નાખ્યો છે. અમે એકબીજાથી ખૂબ દૂરદૂર થઈ ગયાં છીએ. બે વચ્ચે ખૂબ અંતર પડી ગયું છે. વચમાં ક્લેશ, કંકાશ, દુ:ખ, વેદના ને પરિતાપની કેટકેટલી ખાઈઓ ઊભી થઈ ગઈ છે. હવે મારાંમાં એટલું અંતર કાપીને ત્યાં પહોંચવાની શક્તિ પણ નથી, હામ પણ નથી, હોંશ પણ નથી ને ઇચ્છા પણ નથી... હવે ફરી એ હાથ કે ચરણો પકડવાનું શક્ય પણ નથી. છતાં... છતાં... થાય છે કે... એ બધા જ પર પુલ બંધાઈ જાત, એ ખાડીઓ પણ ઓળંગી જવાત અને એ માટે મેં મારા મનને-હૃદયને સમજાવીને, મનાવીને તૈયાર પણ કર્યું હતું. ફક્ત એ ભાનમાં આવતાં... એ. શૈલને બદલે. રક્ષા બોલ્યા હોત તો... તો... હું બધું જ વીસરી જાત... વીસરી જવા જરૂર પ્રયત્ન કરત જ... પરંતુ એ જો રક્ષા બોલ્યા હોત તો. અને એ, જો અને તો કેવડો મોટો છે?