સવાસો વર્ષની વાર્તાઓ/બળાત્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બળાત્કાર

ઊર્મિલા વિક્રમ પાલેજા

નિધિ કેસ વાંચી સ્તબ્ધ થઈ ગઈ. આવું પણ જિંદગીમાં બની શકે? પોતે આજે પાંત્રીસ વર્ષની, છેલ્લાં બાર વર્ષથી વકીલાત કરી રહી છે ને ખાસ કરી બળાત્કાર થયેલી સ્ત્રીઓને ન્યાય અપાવવા. હમણાં હાથમાં લીધેલા કેસના અભ્યાસ અર્થે એ આગલા કેસોની ફાઇલ ખોલી બેઠી હતી. પરંતુ આવો કેસ હજી સુધી ક્યાંય નથી જોયો કે નથી વાંચ્યો ! એ આંખો લૂછી ફાઇલ ખોલી ઝીણવટથી ફરી કેસ વાંચવા લાગી. તા. 18-1-2009 “ઑર્ડર ! ઑર્ડર !” જજશ્રી પટેલનો સત્તાવાહી અવાજ સંભળાતા કૉર્ટરૂમમાં સોપો પડી ગયો. “તો મિ. પરેશ, તમારા પર બળાત્કારનો આરોપ લાગેલ છે, તમારે શું કહેવાનું છે?” “સાહેબ, સાહેબ, હું... હું...” પરેશ નીચું જોતાં વિચારી રહ્યો શું કરું? ગુનો કબૂલ કરું કે ન કરું? “મિ. પરેશ, અદાલતનો કિંમતી સમય બરબાદ ના કરો. આ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. આમાં આટલું વિચારવાનું કે તતપપ થવા જેવું શું છે? ગુનો કર્યો છે તો કબૂલ કરો નહીંતર તમારા નિર્દોષ હોવાના પુરાવા આપો.” પરેશ નીચી નજરે ચૂપચાપ ઊંડા વિચારોમાં ગરકાવ ઊબો જ રહ્યો. જજશ્રીએ ઊંચા અવાજે કહ્યું, “તમે કોર્ટનું અપમાન કરી રહ્યા છો, ત્વરિત જવાબ આપો.” પરેશે ભીની આંખોએ ને ભીના અવાજે કહ્યું, “જી સાહેબ, મેં બળાત્કાર કર્યો છે, હું ગુનેગાર છું!” કોર્ટરૂમમાં આપસમાં ચણભણાટ થવા લાગ્યો. “તમારે તમારા બચાવમાં કાંઈ કહેવું છે?” પરેશે ડોકું ધૂણાવ્યું. “સાહેબ, મારે કહેવું છે.” ત્યાં બેઠેલી પરેશની પત્ની માલા બોલી. જજશ્રીએ બેઉ પક્ષના વકીલોને આગલા મહિનાની તારીખ આપીને કહ્યું, “અદાલતનો સમય પૂરો થતાં આજની કાર્યવાહી અહીં અટકે છે. આ બહેનની સુનાવણી આવતા મહિને કરીશું.” તેઓ ચેમ્બરમાં જતા રહ્યા. માલા પરેશ પાસે ગઈ. હવાલદારને વિનંતી કરી બે મિનિટ વાત કરવા દેવાની. “શું કામ તમે ગુનો કબૂલ્યો?” “શું કરું? શું છાનું રાખું? શું ઉઘાડું કરું? તને બચાવું કે ખુદને બચાવું? અંતે તો આ જ યોગ્ય લાગ્યું એટલે ગુનો સ્વીકારી લીધો !” “હું ચૂપ નહીં રહું !” “ના, એવું ના કરતી !” હજુ આગળ કાંઈ બોલે ત્યાં તો હવાલદાર એનો હાથ ઝાલી કોર્ટની બહાર લઈ ગયો ને જીપમાં બેસાડી દીધો. પરેશ ને માલા, ખૂબ સુંદર જોડું હતું. પરેશ મળતાવડો, દેખાવડો, હસમુખો ને બાહોશ વેપારી હતો. માલા પણ ઋજુ, ઠાવકી, પ્રેમાળ ને વહેવારદક્ષ સ્ત્રી હતી. પરેશના બાપદાદાના નામ, કામ, દામની કીર્તિ ચારેકોર પ્રસરેલી હતી. પરેશ પચ્ચીસ વર્ષનો ને માલા ત્રેવીસની હતી ત્યારે એમનાં લગ્ન થયાં. બેઉને બે દીકરીઓ હતી. બે દીકરીઓના જન્મ પછી પરેશ પોતાના કુટુંબ સાથે સુરતથી આવી વડોદરા સ્થાયી થયો હતો. એ બેઉ અત્યારે એકવીસ અને ઓગણીસ વર્ષની હતી. ખુશ, સુખી ને સંસ્કારી કુટુંબ ગણાતું. વડોદરામાં પોશ બંગલોઝ સોસાયટીમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. કોઈ માની જ ન શકતું ! “ન હોય ! તમારી ગેરસમજ થઈ છે સાંભળવામાં !” “હોય કાંઈ? શું ગપગોળા મારો છો? આ મારા મોઢે બોલ્યા એ બોલ્યા, બીજે ન બોલતા નહીંતર તમારી આબરૂના કાંકરા થશે ! એવી એમની શાખ છે, શું સમજ્યા?” “નખશિખ સજ્જન એટલે પરેશભાઈ. આપણી આખી સોસાયટીમાં એમના જેવું સૌજન્ય, વાતચીત, બોલચાલ, વિવેક છે કોઈનામાં? હું સોય ઝાટકીને કહી શકું આ વાત સોએ સો ટકા ખોટી છે.” “કોઈપણ સ્ત્રી સાથે વાત કરવાનો એમનો શિષ્ટાચાર કેવો સરસ હોય છે ! બે હાથ જોડી નમસ્તે કરી, બેન, ભાભી, બેટા, દાદી બોલીને જ વાત આગળ વધારે.” “કળિયુગના મર્યાદા પુરુષોત્તમ રામ જ જોઈ લ્યો ! પરસ્ત્રીને સ્પર્શ કરતા સુદ્ધા નથી જોયા ને એ બળાત્કાર કરે ! કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના !” “અરે પણ આ કાંઈ અફવા થોડી છે? એમણે પોતે કોર્ટમાં કબૂલ કર્યું છે. આવી નાલેશી જવાન દીકરીઓનો બાપ ખોટેખોટી કેમ માથે લ્યે?” “એનુંય કંઈક તો કારણ હશે જ ! ચાલો સમય સમયનું કામ કરશે.” **સાક્ષીઓ દ્વારા રજૂ થયેલ બયાનોનો સૂર પણ આવો જ હતો. જેલમાં બેઠા પરેશને ફરી એ ગોઝારો દિવસ યાદ આવી ગયો. રાતના સાડાસાત થયા હશે, એ પોતાની કેબિનમાં કામમાં મશગૂલ હતો. એની ઑફિસેની રિસેપ્શનિસ્ટ પાયલ દરવાજો ખટખટાવી અંદર આવી. “સર, હજુ કામ કરો છો, મારું કંઈ કામ છે કે જાઉં?” “ના, કંઈ કામ નથી, તું જા. મોહન છેને બહાર?” “ના સર, મોહન ચા-નાસ્તો કરવા ગયો છે.” કહી નજીક આવી પોતાના શર્ટના બટનો ખોલી ઊભી રહી ગઈ. પરેશે જોરથી રાડ પાડી, “આ શું નાટક છે પાયલ? નીકળ મારી કેબિનની બહાર.” પાયલ બેશરમ જેમ હસી, “એમ આસાનીથી થોડું છોડી શકું? આ જ મારો ધંધો છે ! બકરા શોધવાના, બળાત્કાર કર્યાનો આરોપ લગાવવાનો ને પૈસા પડાવવાના, જો આમ !” કહી શર્ટની બાંયો ફાડી નાખી, બેચાર બટન ખેંચીને તોડી નાખ્યાં, વાળ વિખેરી નાખ્યા ને જીન્સની ઝીપ ખોલી પેન્ટી ઊંચીનીચી કરી ને બહાર જતાં બોલતી ગઈ, “હમણાં મોહન આવશે ને મને જોશે એટલી જ વાર !” કહી રિસેપ્શનના સોફા પર બેસી એકધારું ડૂંસકાં ભરવાનું શરૂ કર્યું. ત્યાં જ મોહન આવ્યો, એની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયો. પરેશના વર્ષો જૂના પ્યૂનની પત્ની ગામમાં અત્યંત બીમાર હોવાથી એ ત્રણ મહિનાથી ગામમાં હતો અને મોહનને બદલીમાં મૂકી ગયો હતો. મોહન માની નહોતો શકતો પણ જે નજરે જોયું એ સ્વીકારવું જ રહ્યું. હાથપગ પર નખોરિયાં, અર્ધ ઉઘાડાં સ્તન, ફાટેલાં કપડાં, હોઠ પરની ફાટેલી ચામડી પર લોહીના ટશિયાં... એ મારંમાર કિચનની બારી પરનો પરદો ખેંચી લાવ્યો, પાયલને ઓઢાડી દીધો. એક ગ્લાસ પાણી ભરી એને આપી અંદર ગયો. પરેશ બે હાથે માથું પકડી બેઠો હતો, અસ્વસ્થ ને મુંઝાયેલો દેખાતો હતો. એણે પૂછ્યું, “સાહેબ, આ શું થઈ ગયું?” “મારી સમજમાં નથી આવતું. આ છોકરી મને ફસાવી ગઈ, મારી આબરૂ લૂંટી ગઈ.” “પણ સાહેબ, હવે શું?” ત્યાં ઑફિસનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. બહાર જોયું તો પાયલ ચાલી ગઈ હતી. પાયલ ત્રીજે દિવસે રાબેતા મુજબ ઑફિસે આવી, જાણે કાંઈ થયું જ નથી. પરેશે મોહનને એનો પગાર આપી રાખ્યો હતો અને હવેથી આવવાની જરૂર નથી કહી દીધું હતું. મોહનને બહાર રહેવાની તાકીદ કરી, ધક્કો મારી પાયલ બળજબરી કરી અંદર ગઈ. એકદમ ધીરેથી શાંતિથી બોલી, “શેઠ, હજી મેં રીપોર્ટ નથી લખાવ્યો. જો બદનામીથી બચવું હોય તો પાંચ લાખ રોકડા કરો.” પરેશને પત્નીના શબ્દો યાદ આવ્યા, “પરેશ, આ બાઈ પૈસા માટે કરે છે. આપણી આબરૂ બચાવવા આપી દેજો.” ને એણે કલાક પછી બોલાવી આપી પણ દીધા. ફરી પાંચ દિવસ પછી આવી. “આવા કરોડપતિ શેઠ છો ! તમારી આબરૂની કિંમત પાંચ લાખ જ આંકી? લાખો રૂપિયાની આબરૂ બચાવવા આઠદસ લાખ તો ખર્ચવા જ પડે ને? હું એક કલાકમાં આવું છું તૈયાર રાખજો.” પરેશ ધૂંધવાઈ ગયો. એણે માલાને ફોન કરી માહિતગાર કરી. “આજે એને આપી છૂટકો કરો કદાચ પછી એ હિંમત નહીં કરે. ત્યાં સુધી કોઈ બાહોશ વકીલને મળી લઈએ.” પાયલ એક કલાક પછી આવી ને પાંચ લાખ લઈ ગઈ. એ રાતે પરેશના પિતાની તબિયત બગડતા એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એ દોડધામમાં આખું અઠવાડિયું વીતી ગયું. વકીલને મળવા જવાનો સમય ન મળ્યો. પાયલ ફરી પાંચ લાખની માગણી કરતી આવી. આ વખતે ગુસ્સાથી ફાટફાટ થતાં પરેશે કહી દીધું, “નથી આપતો જા, તારાથી થાય એ કરી લે.” પાયલે એને બરબાદ કરવાની ધમકી આપી ને ગુસ્સાથી ફાટફાટ થતી સીધી પોલીસ સ્ટેશને પહોંચી બળાત્કારની ફરિયાદ નોંધાવવા. રડતાંધડતાં વાતો કરતી ગઈ ને હીબકાં ભરતાં ભરતાં બોલતી ગઈ. પોલીસે કહ્યું, “પંદર દિવસ પછી કેમ આવ્યાં? તે જ દિવસે આવ્યાં હોત તો ખરાઈ ચકાસી શકાત ને?” “સાહેબ, હું બહુ ડરી ગઈ હતી. વળી મને નોકરીની જરૂરય છે. મારે આખા કુટુંબનું ભરણપોષણ કરવાનું છે.” “તો આ સમય દરમિયાન તમે રોજ ઑફિસે જતાં હતાં?” “ના સાહેબ, મારી મા માંદી હતી એટલે એક દિવસ મારો પગાર લેવા ગઈ ને એક દિવસ રજા લંબાવવાની આજીજી કરવા ગઈ હતી.” “તો આજે ફરિયાદ નોંધાવવા આવવાનું કારણ શું?” “સાહેબ, આજથી હું કામ પર ચડી. બપોરે બે વાગે એમણે ઑફિસના પ્યૂનને ઘરેથી ટિફિન લાવવા મોકલી દીધો ને બીજા એક ભાઈ ઑફિસમાં કામ કરે છે એને બેંકમાં મોકલી દીધા ને ફરી મારી પાસે આવી...” બોલી જોરથી રડવા લાગી. પોલીસ આવી પરેશને ઉપાડી ગઈ. માલાએ ઓળખીતા વકીલનો સંપર્ક કર્યો. બધી હકીકત બયાન કરી. એમણે કહ્યું, “બળાત્કારનો આરોપ એટલે ગળામાં ગાળિયો ! પૂરવાર થાય તો શ્વાસ રૂંધાય ને પુરુષ જો નિર્દોષ હોય તોયે એના પરના આ માનસિક બળાત્કારથી જીવતર તો ખરડાય જ. આમાંથી છૂટવા માટે સખત સબૂત જોઈએ. બનાવ બન્યો ત્યારે એક પ્યૂન જ હાજર હતો એને કદાચ પૈસા આપીને પેલી બાઈ ચૂપ કરાવી દે. વળી એમણે નામદાર કોર્ટ પાસે ગુનો કબૂલી લીધો છે !” “સચ્ચાઈ જે છે એ મેં બધી તમને જણાવી દીધી છે !” “સારું, હવે પછી તમારે કે એમણે હું જે કહું એટલું જ બોલવાનું છે. આ ઉપરાંત કાંઈ યાદ આવે તો મને જણાવજો.” એક મહિના પછીની તારીખે જજશ્રી પટેલે કેસની શરૂઆતમાં જ માલાને વિટનેસ બોક્ષમાં બોલાવી. “જજસાહેબ, હું વિનંતી કરી શકું મારી જુબાની ખાનગીમાં લેવાય? હું જે કંઈ પણ કહેવાની એ ઘણી અંગત વાતો છે ને અરજ કરું છું એ જાહેર ન થાય. મારી, મારા પતિની અને અમારી દીકરીઓની જિંદગી ડામાડોળ થઈ જાય એમ છે !” જજશ્રીએ પરવાનગી આપી ને ત્રણ વાગે એમના ચેમ્બરમાં જજશ્રી, બેઉ પક્ષના વકીલો ને સ્ટેનોની હાજરીમાં કાર્યવાહી આગળ ધપી. “સાહેબ, હું ત્યાં હાજર ન હતી તો પણ ખાતરીપૂર્વક કહી શકું છું કે મારા પતિ ગુનેગાર નથી. આ સ્ત્રીને પૈસા આપવા પડ્યાં અમારી આબરૂ અકબંધ રાખવા !” માલા પોતાનું હૃદય ઠાલવતી બોલતી જ રહી, બોલતી જ રહી. થોડીવાર પછી થોભી આગળ બોલી, “મારી બે દીકરીઓનાં જન્મ પછી અમે સુરત છોડી, ભૂતકાળને ત્યાં જ દફનાવી વડોદરા આવી વસ્યાં. આમાંની કોઈ વાત મારી દીકરીઓ, ઘરમાં, કુટુંબમાં કે સમાજમાં કોઈને ખબર નથી ને અમે ઇચ્છીએ છીએ ક્યારેય જાહેર ન થાય.” કહી વાત પૂરી કરી બેસી ગઈ. ચેમ્બરમાં હાજર સહુ સ્તબ્ધ બની મૂંગામંતર થઈ ગયા હતા. જજશ્રીએ ટેબલ પર ગેબલ ઠોકી ચુકાદા માટે આગલી તારીખ આપી અને ચેમ્બરમાં હાજર રહેલા સહુને તાકીદ કરી આજની સુનાવણીની વાત કોઈને ખબર ન પડવી જોઈએ. પંદર દિવસ પછી... ખાસ અદાલતમાં કોર્ટે પાયલને કઠેરામાં આવવા જણાવ્યું ને ફરીથી આખો ઘટનાક્રમ વર્ણન કરવા જણાવ્યું. પાયલે રડતાં રડતાં આખી વાત ફરી કરી. કોર્ટે એની પાસે સોગંદનામા પર બાંયધરી લીધી કે એણે જે રજૂઆત કરી છે એ જ સત્ય છે. “તમારી વાતની ખરાઈ કરાવવા અમારે ઘણી મહેનત કરવી પડી છે ને કોર્ટનું માનવું છે કે આ ફક્ત પૈસા પડાવવા માટે રચેલું તમારું નાટક છે !” “જજસાહેબ, આવું ખોટું આળ મારા પર લગાડી હું બદનામ કેમ થાઉં?” “તમને એક છેલ્લો મોકો આપવામાં આવે છે. જો તમે સચ્ચાઈ રજૂ કરશો તો કદાચ કઠોર સજાથી બચી શકો ! તમે કોર્ટનો અમૂલ્ય સમય વેડફો છો.” “સાહેબ, હું સાચું બોલું છું !” “બેઉ પક્ષના વકીલોની હાજરીમાં થયેલ છેલ્લી મીટિંગમાં માલાબેનના બયાનનું રેકોર્ડિંગ, બંધબારણે બેઉ વકીલોની હાજરીમાં આમને સંભળાવો.” “સાહેબ, હું ગરીબ ઘરની દીકરી ને મારું સાસરું નામના ધરાવતું ખમતીધર ને પૈસાવાળું કુટુંબ હતું. પિયરમાં જે નહોતી પામી એ ખાવાપીવા, પહેરવા ઓઢવા, હરવાફરવા બધાં સુખોમાં સાસરે મહાલતી હતી. મારા પતિનો સ્વભાવ પણ ખૂબ સારો, સમજુ, પ્રેમાળ ને વળી કોઈ વ્યસનયે નહીં. હું મારી જાતને બડભાગી માનતી હતી. મારા પતિની અમુકતમુક વાત-વર્તણૂકને લીધે મૂંઝાયેલી મેં એમને ખરી વાત જણાવવા કહ્યું ત્યારે ખબર પડી તેઓ મરદમાં નથી. મારા માથે આભ તૂટી પડ્યું. જોકે, મને ખાતરી હતી આ એબ સિવાય મારા પતિ મને જિંદગીમાં કોઈ દુઃખ નહીં પડવા દે. પણ આ તો જીરવવું, સહન કરવું ઘણું કષ્ટદાયી ને વસમું હતું. તન અને મનમાં ઉઠતા આવેગો, સ્પંદનોને ઉગતા ડામી તપસ્વિની જેવી જિંદગી? પણ મારે ક્યાંય જવાનો આરોય ન હતો ને ત્યાં સુધીમાં હું તેમને ચાહવા પણ લાગી હતી. પરંતુ મારે માતૃત્વ ધારણ કરવું હતું, માણવું હતું. અમે પરસ્પર મસલત કરી. મારા પતિના ખાસ અને વિશ્વાસુ મિત્રને અમારી દ્વિધા કહી અને અમુક શક્યતાઓ પર વિચાર વિનિમય કર્યો. અંતે અમારા ત્રણેયની સંમતિ બાદ એમના થકી મેં બે વાર ગર્ભ ધારણ કર્યો ને મારી દીકરીઓનાં જન્મ પછી સ્થળાંતર કરી અહીં સ્થાયી થયાં. અમારા બધા મેડિકલ રીપોર્ટ્સ પણ સાથે લાવી છું.” સાંભળતા પાયલ ફસ્સ દઈ ફસડાઈ ગઈ ! નામદાર કોર્ટે એને આકરી સજાને પાત્ર ઠેરવી ને સંભળાવી. એને અને વકીલોને ખાસ તાકીદ કરી આ પ્રેમાળ દંપતિની ભાવનાઓની કદર કરતાં આ વાત કોઈ પણ હિસાબે જાહેર ન થવી જોઈએ. નિધિએ ફાઇલ બંધ કરી. ભીની આંખો લૂંછી. ઘરે જતાં ગાડી ચલાવતાં રસ્તામાં વિચારી રહી, ‘આટલું બધું મારાં માબાપની જિંદગીમાં ઘટી ગયું અમને ક્યારેય એની ભનકયે ન પડી !’ ઘરે પહોંચી, પ્રેમાળ માબાપ વરંડામાં હીંચકા પર બેસી ઝૂલતાં વાતો કરતાં હતાં. જઈને બેઉને “I Love You” કહી હળવી ભીંસ આપી.