સહરાની ભવ્યતા/પ્રિયકાન્ત મણિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રિયકાન્ત મણિયાર

તે દિવસ સાંજે અમદાવાદ ટાઉન હૉલ પાસેની હેવમોરમાંથી હું ને નિરંજનભાઈ બહાર નીકળીએ તો દરવાજે પ્રિયકાન્ત સ્થિર. હાથમાંથેલી. દુકાનના ચોપડા હશે. કેમ છો વગેરેના ભાગરૂપે મારાથી કહેવાઈ ગયું: ‘આપણામાં કોઈની પાસે કંઈ પણ હોય તો પ્રિયકાન્ત પાસે.’

સાંભળતાં જ એ છળી ઊઠ્યા. હું ડઘાઈ ગયો. પ્રિયકાન્ત તો જવાબ આપે, સવાયો. એ ભારે હાજરજવાબી. ચતુર એટલા જ મધુર. મનેબરોબર યાદ છે. પ્રિયકાન્તને એમની ગેરહાજરીમાં નલીનભાઈએ છઠ્ઠા દાયકના કવિઓમાં સહુથી વધુ બુદ્ધિશાળી કહ્યા હતા. પ્રિયકાન્તહાજર હોત તો એમને આ સાંભળવું ગમત. કદાચ એ નલિનભાઈનાં જ કડક વિવેચનો સાંભળી શકતા. વાત્સલ્યભાવે એમને મુરબ્બીનુંમાન આપતા. ખોટું લગાડવાને બદલે અણધાર્યું મધુર–વક્ર વાક્ય કહે. એ પ્રિયકાન્ત આમ મગજ ગુમાવે અને તે મારા પર?

કદાચ એ એમ સમજ્યા કે મેં એમના હાથમાંની થેલી જોઈને એમનામાં અદ્યતન રીતભાતનો અભાવ ચીંધ્યો. વર્ષોથી એમને મારા પ્રેમાદરનોઅનુભવ હતો. નાનપણથી એમને ઓળખું. સહુથી પ્રિય કવિ કહીને માન આપું. હું એમને ગ્રામ્ય કહું એ મારા માટે સપનામાં પણ શક્ય નહતું, પણ એ માની બેઠા. ગુસ્સે થયા. કેવા ગુસ્સે? નિરંજનભાઈ માટે એ અસહ્ય થઈ પડ્યું. એમણે ઠપકો આપ્યો. પ્રિયકાન્તે કશું જ નસાંભળ્યું. ત્યારે હું ‘ગ્રંથ’માં ‘વૈશાખનંદનની ડાયરી’ લખતો. એની ટીકા કરી. નિરંજનભાઈએ હાસ્ય–કટાક્ષના પ્રકાર સમજાવ્યા. તે દિવસપ્રિયકાન્તને કોઈનું ગુરુપદ મંજૂર ન હતું. વિવાદ ઉગ્ર બનતો ગયો. લગભગ રાતના અગિયાર સુધી એ તારસ્વરે ચાલ્યો. હું ઝંખવાઈ ગયો. ગુરુશિષ્ય વચ્ચે મારે કારણે આવો ઝઘડો થયો હતો ને મારે માટે તો બંને મુરબ્બી હતા. બારેક વાગ્યા સુધી હું વીલા મોંએ એમની સાથેહતો. સ્મશાનમાંથી પાછા વળવાની મનોદશા સાથે ઘેર ગયેલો. પછી જાણ્યું કે રાતના બે વાગ્યા સુધી એમની ચર્ચા ચાલેલી. શિવભાઈએકહેલું. પ્રિયકાન્ત તે દિવસે બધા મહાપુરુષો અને એમણે સ્થાપેલાં માનવમૂલ્યોની વિરુદ્ધ બોલેલા. નિરંજનભાઈનો એકેય શબ્દ સ્વીકાર્યો નહતો. બીજા દિવસે બપોરે ડાયરી લઈને ગયેલા. એમાં લખેલું વંચાવ્યું હતું. જાત સામેનો એ છેવટનો નિર્ણય હતો. પોતાનામાં રસ રહ્યો નહોઈ જગતના ભૂત–ભાવિમાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એ અર્થશૂન્યતાથી ઘેરાઈ ગયા હતા. ખભે ખાલીપાનો ભાર ઉપાડી ઉપાડીને જાણેથાકી ગયા. જેને જોવા જીવવું ગમે તેવું કોઈ સૌંદર્ય એકેય ડાળે તે દિવસ ખીલ્યું ન હતું. પ્રિયકાન્ત એમનું શિશુસહજ વિસ્મય ગુમાવી બેઠાહતા.

આવું બને?

82 વર્ષના બચુભાઈ રાવતને બરાબર યાદ છે કે ખાદીનું ધોતિયું ને માથે ટોપી પહેરીને એક સેવાભાવી કાર્યકર રૂપે પ્રિયકાન્ત એમનીબુધસભામાં ગયા હતા. સમાજ અને દેશના કલ્યાણના વિચારોથી ફાટ ફાટ થતો અવાજ હતો ત્યારે તેમનો. ‘તમે ગાંધીજીને જોયા હતા?’ — જેવાં કાવ્યો લખતા હતા.

પ્રિયકાન્ત માટે કવિતા અભિવ્યક્તિની અનિવાર્ય આવશ્યકતા હતી. એમને પંક્તિઓ વાંસના અંકુરની જેમ ફૂટતી.

કુટુંબ મૂળ અમરેલીનું, જન્મ થયો વિરમગામમાં, તા. 9-1-1927. 1976માં અવસાન. પૂરાં પચાસ પણ નહીં. પરંતુ કવિતાના ક્ષેત્રે એ ચિરાયુનીવડશે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રતીક’નું પ્રકાશન 1953માં, ‘અશબ્દ રાત્રિ’ 1959, ‘સ્પર્શ’ 1966, ‘સમીપ’ 1972, ‘પ્રબલગતિ’ 1974, ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ મરણોત્તર. આ સંગ્રહોમાંથી પસંદ કરેલી પચીસેક રચનાઓ જગતની કોઈ પણ ભાષામાં ગુજરાતીકવિતાની સ્વાતંત્ર્યોત્તર સિદ્ધિ લેખે મૂકી શકાય. વાયુનાં શિલ્પ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતાં સુધીમાં એ એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થયાહતા.

શ્રી નલિન રાવળ કહે છે કે પ્રિયકાન્તે આંખ સામે પોતાના કુટુંબને સ્થિર થવા માટે ઝઝૂમતું જોયેલું. આથી આર્થિક સ્થિરતા વ્યક્તિએમેળવવી જ રહી તેમ તે માનતા અને ગરીબીને લગતા સામાજિક પ્રશ્ન માત્રથી તે વ્યથિત થઈ ઊઠતા. બેતાલીસની લડતમાં એમણે અભ્યાસછોડ્યો, નવમા ધોરણથી. પણ વાંચનની ટેવ. ‘દુકાનમાં જતા પણ કામમાં ચિત્ત લાગે જ નહીં. ક્યારેક તો કામકાજ રેઢું મૂકી ભાઈ નીકળીપડે… વાવાઝોડાની માફક તે હજી એક આત્યંતિક બાજુ પરથી અન્ય આત્યંતિક બાજુ પર ધસતા. ઉપનિષદો તેમ જ ખાસ કરીનેકૃષ્ણાત્મજજીનો ગ્રંથ વાંચીને એવી ધૂન ચડી કે તેમણે પોતાના કાળા વાંકડિયા કેશ ઉતરાવી નાખ્યા — મુંડન કરાવી લીધું, કફની ચડાવીચાખડીઓ સાથે ફરવા માંડ્યું… તે પોતાનો પરિચય મેળવવા લગભગ ઉન્માદની અવસ્થામાં ચોફેર પ્રયત્ન કરતા હતા… કુમાર કાર્યાલયમાંજતાં પહેલાં તેમણે કાવ્યને છંદનાં બંધનો શાનાં — કાવ્ય ગદ્યમાં પણ હોય — તેવી દલીલોથી સભર એક લાંબો પત્ર શ્રી બચુભાઈ રાવતપર પાઠવેલો. પછી તો એ ‘શુભ ઘડી’એ એમણે બુધ કવિસભામાં જવાનું શરૂ કર્યું.

સંગ્રહ પ્રગટ થાય એ પહેલાં અધિકારી ભાવકો સુધી પ્રિયકાન્તનાં કાવ્યો પહોંચી જતાં. એ રસપૂર્વક પ્રગટ–અપ્રગટ, અધૂરી કૃતિઓ પણસંભળાવતા. અમસ્તાય એમને મળવાનું મન થાય. એ ઘરાક સાથે વાત કરે ત્યાં સુધી ઊભા રહેવાની ધીરજ રહે. અનેક કવિમિત્રો કહેશે કેએ વ્યક્તિત્વ વિલક્ષણ હતું, એનું આકર્ષણ અનુભવાતું. મુંબઈના શ્રી યશવંત ત્રિવેદીએ એમના અવસાન પર કાવ્યમાળા લખી છે. આજેપણ બાલાહનુમાન પાસેથી પસાર થતાં પ્રિયકાન્તનું સ્મરણ થયા વિના રહેતું નથી અને એ પણ સહેજ આંચકા સાથે. એમ લાગે કેપ્રિયકાન્તનું અકાળ અવસાન થયું છે અને પા સદી પહેલાંના ઉમાશંકરના શબ્દો યાદ આવે:

‘ઊંચો ગોરો વાન, ગાઢી ભમ્મરો: તમે અમદાવાદમાં ચૂડી ઉતરાવવા ગયા હો ને અઢી હાથની દુકાનમાં ચૂડી તૈયાર કરતો, શરમાઈને જરાચીપી ચીપીને બોલતો જુવાન જુઓ તો મનમાં ગાંઠ વાળજો કે એ પ્રિયકાન્ત મણિયાર છે. કોડભરી નવોઢા એમણે ઉતારેલી ચૂડીઓ પરવધુ મુગ્ધ થતી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.’ (પૃ. 142, અભિરુચિ)

મેં એમની એ નાની દુકાન જોયેલી. એ સરનામે માણસાની શાળામાંથી પત્રો લખેલા. નવમા–દસમા ધોરણમાં ભણતો ત્યારે એમનો આખોકાવ્યસંગ્રહ વાંચેલો. ભોળાભાઈને કારણે. હું એ દુકાન પર એમને મળ્યો ત્યારે એમણે મને લખવો શરૂ કરેલો પત્ર આપેલો. અપ્રગટ કાવ્યોસંભળાવેલાં. પછી ત્યાં નલિન રાવલ આવેલા. આનંદ થયેલો. 56-57માં હું વિસનગર કૉલેજમાં ભણું ને પ્રિયકાન્ત કવિતા વાંચવા આવેલા. આખું ગામ માથે કરેલું. અધ્યાપકો જેમને સાહિત્યવિમુખ માનતા એ વિદ્યાર્થીઓ પણ એમને સાંભળતાં ગાંડાતૂર બની વાહવાહ પોકારીઊઠેલા. પ્રિયકાન્તે એ દોઢેક કલાકના કાર્યક્રમમાં રાજેન્દ્ર–નિરંજનનાં કાવ્યો પણ કહેલાં. કેટલાક ઉચ્ચારો ખોટા, પાછા ગરજીને ગાય, વચ્ચેગદ્યમાં પ્રાસ્તાવિકો કરે, એમની સાથે ગયેલા કવિઓને અને વિદ્વાનોને એ ન ગમે. સલાહ આપે. પણ માને તો પ્રિયકાન્ત શેના? રસિકશ્રોતાઓ મેળવવામાં કોઈ કવિ એમની સ્પર્ધા ન કરી શકે. સામાન્ય રીતે શ્રોતાઓ એમના પર વારી જાય. કોઈક વાર પ્રિયકાન્ત શ્રોતાઓપર વારી જાય. એક સભામાં આવું બનેલું. સુરેશ જોષીએ પ્રમુખસ્થાનેથી એની નોંધ લીધેલી. શ્રી વિનોદ ભટ્ટે લખ્યું છે તે સાચું હોય તો એમાત્ર પ્રિયકાન્તના જીવનમાં જ બને એવો પ્રસંગ છે: પ્રિયકાન્ત લગ્ન કરવા અમરેલી ગયેલા. ચોરી પતી ગયેલી. પૂરત ભરાવાને થોડી વારહતી. ગામના બેત્રણ યુવાનો જાનીવાસે આવ્યા. કાવ્યવાચનનો કાર્યક્રમ રાખવો હતો. ફુરસદ પૂછી. ‘ચાલો અત્યારે જ, અહીં થોડી વાર છે.’ કહી પ્રિયકાન્ત એ લોકો સાથે કવિતા વાંચવા ઊપડી ગયા. પૂરતનું મુહૂર્ત વીતી જતું હતું પણ એ તો કવિસંમેલન પૂરું કરીને જ પાછા ફર્યા. (પૃ. 160, વિનોદની નજરે) કેટલાક કવિઓ એમની સાથે જવાનું પસંદ ન કરે. જાય તો પણ શ્રોતાઓને લાગે કે પ્રિયકાન્ત પૂરતા છે. પાછાએમને રોમેન્ટિક કહીને ઉતારી પડાય નહીં. એમના ઉદ્ગારોમાં તત્ત્વજ્ઞાન પણ આવે. કહે કે સત્યનો વાસો શબ્દ છે અને શબ્દ દ્વારાસત્યની પ્રાપ્તિ એ મારો સર્જનહેતુ છે. ક્યારેક સંભળાવે પણ ખરા: ‘પાઈ પ્યાલી તે સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા.’

એ જેટલા ઉત્સાહી વક્તા હતા એટલા જ સારા શ્રોતા હતા. નવી સાહિત્યકૃતિ વિશે વાત થતી હોય તો રસથી સાંભળે. તુરત સમજી જાયબલ્કે પામી જાય. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે. અતિ ચતુર અને વાક્પટુ. એક બાજુ તત્ત્વાન્વેષી તો બીજી બાજુ જડચેતન ગુણદોષમય જગતમાંપૂરેપૂરા સંડોવાયેલા. ‘અખિલાઈ’ શબ્દ ઉમાશંકર પછી કદાચ એમને વધુમાં વધુ પ્રિય હશે. બધા મહાપુરુષો એમને ગુરુજનો શા આત્મીયલાગતા. એ જ અરસામાં એ સંસારથી વધુ ને વધુ વીંટળાતા ગયા. સર્જનપ્રવૃત્તિ નિરાંતે કરી શકાય માટે આર્થિક રીતે સદ્ધર થવામાં એધાર્યા કરતાં વહેલા સફળ થયા હતા પણ પછી વેપાર સાથે ઉદ્યોગ જોડાયો. અમેરિકા જઈ આવ્યા. તદ્દન અણધારી રીતે પ્રશ્નાકુલ થયા. ‘મારે કોઈ પણ વેશ્યાનો થોડી વાર વર થવું છે’ એવી ઉક્તિ એ ઇશુના મુખમાં મૂકી બેઠા. અરાજક અંધારું ઇચ્છ્યું. વેદનાના ગૌરવ પરથીઊતરી જઈ લીલીછમ ડાળીઓનો અનુભવ ઝંખ્યો. કહ્યું:

આકાશના પિતા! હું તને ઓળખતો જ નથી, મારે તો આકાશ ઓળખવું છે.

(પૃ. 88, પ્રબલગતિ)

ગુજરાતી કવિઓમાં પ્રિયકાન્ત પહેલા છે જેમણે ‘કંચુકીબંધ છૂટ્યા ને—’ (પ્રતીક) ‘હું સ્નિગ્ધમાં સરકતો—’ (સ્પર્શ) જેવાં કાવ્યો લખીકાયાને નિબિડભાવે ઓળખવા પ્રયત્ન કર્યો. પ્રેમ અને કામ, કામ અને? એમના શબ્દદેહે વારંવાર વાચા માગે છે. નારીના સૌંદર્યના, કૌમાર્યના એ પ્રશંસક છે. જેણે યુવાન થવાની ક્ષણ સુધી નારીને જોઈ જ નથી એ મુનિ ઋષ્યશૃંગના વિસ્મય વિશે ‘અતીતની ગતિ’ નામનીએમની ‘સંદેશ’ની કટારમાં સુંદર લેખ લખેલો. એ વિશે લાંબી રચના કરવાનું કહેતા હતા. એમણે કાયા દ્વારા કાવ્ય અને કાવ્ય દ્વારા તત્ત્વસુધી પહોંચવું હતું. પરંતુ છેવટે જોયું કે કશું જાદુ તારવીને પણ નહીં સમગ્રમાં વ્યાપીને જ કશું પામવાનું છે. ખરેખર તો પ્રાપ્તિ પણ નહીં, વ્યાપ્તિ; અલબત્ત સુરેશ જોષીના નાયકો ઝંખે છે એથી જુદા પ્રકારની, આકાંક્ષાથી પ્રેરાયેલી.

સાતમા દાયકામાં અછાંદસ પ્રવાહ પ્રબળ બન્યો ને એમના મૂળ ખ્યાલોએ ઊથલો માર્યો. સમાજવ્યવસ્થા, મૂલ્યપરંપરા, ધર્મદર્શન વિશે એસીધા ઉદ્ગારો નોંધતા થયા. તત્ક્ષણ વિસ્મય–વિમૂઢ થઈ બેસતા પ્રિયકાન્તની મુગ્ધતા જાણે કે ઓસરવા લાગી. એ અણધારી રીતેઅમદાવાદમાં એકલા પડતા ગયા. પહેલાં તો એ કેટકેટલાની સાથે કેટકેટલું ચાલ્યા છે. બુધસભામાંથી નીકળી કવિમિત્રો સાથે ચાલતા ચાલતાલાલ દરવાજા સુધી જાય પછી કવિશ્વરની પોળમાં એકલા પાછા આવે. એવા નિમિત્ત વિના પણ ‘સરિયામ રસ્તાઓ ઉપર, પુલો ઉપર, દૂરદૂરનાં સ્થળો પર તે ટાઢ, તાપ કે વરસતા વરસાદમાં રખડતા.’ પણ એકવાર ઊડીને પશ્ચિમમાં ડોકિયું કરી આવ્યા પછી પગ નીચેના જૂનાઆધારો ખસી ગયા. એવું બનતું જોવા મળ્યું છે કે જે તીવ્રતાથી ચાહે તે વૈરાગ્યના વિસ્ફોટબિંદુ સુધી પહોંચી જાય. સંસાર તો શું, શ્વાસછોડવાનો સંકલ્પ કરવાની ક્ષણ સુધી પહોંચી જાય. પ્રિયકાન્ત આત્મકથા લખી શક્યા હોત તો એક જીવતા માણસનો જગત સાથેનો પ્રબળરાગાવેગભર્યો નાતો સમજવાનો એક અનન્ય આલેખ સાંપડત. અવસાનના થોડા માસ અગાઉ શ્રી યશવંત ત્રિવેદીએ એમનો વનપ્રવેશઊજવવા પૂછેલું. કવિએ હસીને કહેલું:

‘પ્રિયકાન્ત બુઢ્ઢો હોય એવું તું કદી કલ્પી શકે છે?’