સાત પગલાં આકાશમાં/૧
વૃક્ષોથી ઘેરાયેલી આ સુંદર જગ્યાને અમે નામ આપ્યું હતું : ફૂલઘર. લાલ રંગનો શીમળો ને પંગારો, કેસરી જ્વાળા જેવું ગુલમહોર, જાંબલી જેકેરેન્ડા, સોના જેવા ફૂલવાળો સોનમહોર, સફેદ ગોટા જેવા ફૂલવાળું સમુદ્રફીણ — આ વૃક્ષો અમે વતુર્ળાકારે ઉગાડ્યાં હતાં. એમની ઘટા ઉ૫૨થી એકમેકમાં મળી ઘુમ્મટ જેવું રચી દેતી હતી. ત્યાં વાંસની થોડી ખુરશીઓ, ટેબલ અને એક આરામખુરશી પડ્યાં રહેતાં. ફૂલઘરની પૂર્વ બાજુએ અમારા નિવાસો હતા. ઉત્તર અને દક્ષિણ બાજુએ વિવિધ ફૂલ અને છોડથી શોભતા બાગ અને ખેતરો હતાં ને તેની પાછળ અમારી વર્કશોપ હતી. પશ્ચિમ તરફ દરિયા પર જવાનો રસ્તો હતો, પછી સરુનાં વૃક્ષ હતાં, પછી દરિયો હતો. અમે બધાં ત્યાં ટેબલ ફરતાં બેસીને ચા પી રહ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. સૂરજ છેક દરિયા પર ઊતરી આવ્યો હતો. ક્ષિતિજ પરની નાની સફેદ વાદળીઓ સૂરજના તેજથી ભભકી ઊઠી હતી. પણ સૂરજ તો કોઈનો સાદ સંભળાયો હોય એમ ઝડપથી નીચે ખેંચાતો ગયો અને જરાક વારમાં અદૃશ્ય પણ થઈ ગયો. વાદળીઓ આશ્ચર્ય પામીને અચાનક આવી મળેલી ને તરતમાં જ ખોઈ દીધેલી શોભા ડોક લંબાવીને શોધી રહી. દરિયો સહેજ ઉદાસ થઈ ગયો. હવા વેગથી વહેવા લાગી. આકાશમાંથી અંધારાએ ડોકિયું કર્યું. અમે બેઠાં હતાં ત્યાં વૃક્ષોની ઘટા હતી, એટલે ત્યાં ઝડપથી અંધારું ઘેરાઈ આવ્યું. બહાર ચોતરફ હજુ થોડો થોડો પ્રકાશ હતો એવું લાગતું હતું. જાણે આછા ઉજાસના સાગર અંધારાના સાગ૨ વચ્ચે અંધારાના એક દ્વીપ પર અમે બેઠાં હોઈએ. અચાનક એક અવાજ સંભળાયો — અંધારાની આરપાર તેજલિસોટો દોરાતો હોય એવો અવાજ. ‘માણસ જે રીતે પોતે જીવવા માગે તે રીતે તે જીવી શકે ખરો?’ તરત ને તરત કોઈએ જવાબ આપ્યો નહીં. વસુધા ફરી બોલી. એનો અવાજ મૃદુ અને સંગીતમય હતો, પણ અત્યારે એમાં એક મક્કમતા ભળી હતી — દુનિયાના અસ્વીકાર સામે ટકી રહેનારાં લોકોમાં હોય છે તેવી મક્કમતા. તેણે ફરી ધીમેથી સ્પષ્ટ કંઠે પૂછ્યું : ‘તમે શું કહો છો? માણસ પોતાની રીતે જીવવા માગે તો તે જીવી શકે ખરો? અને ખાસ કરીને સ્ત્રી?’ ‘જીવી શકે — ઘણા તાણાવાણા તોડી નાખે તો…’ એનાએ કહ્યું. ‘સમાજના અસ્વીકાર સામે, પોતાના લોકોના અસ્વીકાર સામે એકલાં ટકવાની હિંમત હોય તો…’ અલોપાએ કહ્યું. ‘એકલાં ટકવાની ને એકલાં રહેવાની પણ,’ વિનોદે જરા હળવાશથી કહ્યું, પણ વાતાવરણમાં ગંભીરતા આવી ગઈ હતી. ‘માત્ર એકલાં રહેવાની વાત નથી… ખાસ કરીને એ સ્ત્રી હોય, તો એ બધી રીતે સાવ એકાકી બની જાય. એ જરૂર જીવી શકે, પરિણામોની ચિંતા ન કરે તો… પોતાનાં રણને સીંચી શકે તો…’ મિત્રાએ ધીમે ધીમે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. ‘એનો અર્થ એમ કે કોઈ માણસ જો એમ નક્કી કરે કે પોતે સચ્ચાઈથી જીવવું છે — સામાજિક નીતિમત્તાની વાત નથી કરતી, એ તો બહુ પાછળ રહી જાય છે — અંગ્રેજીમાં જેને આપણે ‘બીઇંગ ટ્રુ ટુ વન્સ ઑન સેલ્ફ’ કહીએ છીએ તે રીતે જીવવાની કોશિશ કરે તો એ એમ ન કરી શકે?’ વસુધા બોલી. ‘કરી શકે, પણ પછી એ દુખી થઈ જાય. સ્ત્રી હોય તો તો ખાસ.’ ‘સ્ત્રીના સુખની તમારી વ્યાખ્યા શી છે?’ અમે બધાં જરા ચોંકી ઊઠ્યાં. પ્રશ્ન અણધાર્યો હતો એટલે જ નહિ, પણ અમારાં બધાંની સામે એક પડકાર આવી ઊભો હતો. અમે કોઈ પણ, કાંઈ પણ જવાબ આપીએ, એમાંથી ઘણા બીજા સવાલો ઊભા થવાના હતા, અને એના જવાબ આપવા એ પળે અમે કદાચ તૈયાર નહોતાં. એક પળ ગાઢ ચુપકીદી છવાઈ રહી. વસુધા અમારે ત્યાં આવનાર સહુથી છેલ્લી વ્યક્તિ હતી. અહીં હંમેશનો વસવાટ કરનારાં તો અમે થોડાં જ જણ હતાં. બીજાઓ આવતાં, થોડો વખત રહેતાં અને જતાં ત્યારે કંઈક સભરતા લઈને જતાં. કોઈ પણ પ્રકૃતિ-પ્રેમીને નિવાસ માટેનું પોતાનું સુંદરતમ સ્વપ્ન સાકાર થયેલું લાગે એવી આ જગ્યા હતી. કોઈને અહીંનું એકાંત ગમતું, કોઈને અમે ચીલો ચાતરીને જે રીતે જીવતાં તે આકર્ષી જતું, કોઈને અહીંની શાંતિમાં પોતાની સમસ્યાઓનો ઉકેલ જડી આવતો. વ્યક્તિગત સ્વતંત્રતા સાચવીને બીજા સાથે સુમેળથી જીવવું અને એ સંવાદમય વાતાવરણમાં પોતાની અંદરની સર્જકતાને ઊઘડતી-પાંગરતી અનુભવવી એ અમારી જીવનરીતિ હતી. અને આ સર્જકતા એટલે ચિત્રો દોરવાં, સંગીત રચવું કે કવિતા લખવી એ જ નહીં. દુનિયામાં, જીવનમાં, વસ્તુમાં, ઘટનામાં જે અદ્ભુતતા રહેલી છે તે પ્રત્યે વિસ્મય, એને લીધે સમગ્ર જડચેતન સૃષ્ટિ પ્રત્યે જન્મતો આદર અને એમાંથી પોતાના જીવનને અર્થસભર બનાવવા માટે મળી રહેતું કોઈક દર્શન… બહિર્ જગતના આ મહાન આવિષ્કારની સભાનતામાં પોતાની નાનકડી બંધિયાર જાતનાં ઓગળી જતાં વિસંવાદી તત્ત્વો, અને પછી એક નવા સંવાદી વ્યક્તિત્વનું પ્રાગટ્ય… આ આખી પ્રક્રિયાને અમે સર્જકતા ગણતાં હતાં. પોતાની અંદર જે કાંઈ ઊભું-અધૂરું હોય તેનું પૂર્ણતામાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવો, દુનિયામાં નામ ન ગાજે તો કાંઈ નહીં, પણ પોતાને માટે એક સરસ સમૃદ્ધ સાર્થક જીવન રચવું — એક મધુર ગીત જેવું કે ઘટાદાર વૃક્ષ જેવું કે અંધકારને બારણે પેટાવેલી દીપશિખા જેવું — એ સર્જકતાને અમે ઘણી વધારે સ્થાયી અને મૂલ્યવાન ગણતાં હતાં. વસુધા હજી અહીં હમણાં જ આવી હતી. તે પહેલાં એક વાર હું તેને બહાર રેસ્ટોરાંમાં મળી હતી. તે વિનોદની સાથે આવી હતી. અમે લોકો ગાયની હત્યા વિરુદ્ધ ચાલતા સત્યાગ્રહ વિશે ચર્ચા કરતાં હતાં. વિનોદ ત્યારે જરા ગરમ થઈ બોલી ઊઠેલો : ‘આ લોકો ધાર્મિકતાનો નહિ પણ ગાય ને બળદ ભારતના અર્થતંત્ર માટે કેટલાં ઉપયોગી છે તેનો મુદ્દો આગળ કરે છે, તો ધારો કે આવતી કાલે વિદેશોની જેમ આપણે ત્યાં પણ ખેડૂતો યંત્રો વડે ખેતી કરતા થઈ જાય, તો ત્યારે બળદો નકામા બની જશે. તે વખતે શું તેની હત્યા વાજબી ઠરશે? આપણે હિન્દુ છીએ તો છીએ, તેમાં આટલા ડીફેન્સિવ થવાની શી જરૂ૨ છે? હું હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. આપણા દેશમાં હિન્દુઓની બહુમતી છે. ગાય આપણા માટે પવિત્ર પ્રાણી છે. તેની કતલથી આપણું હૃદય દુભાય છે એમ જાહેર રીતે કહેવામાં વાંધો શો છે? હું તો ગાયની જ નહિ, કોઈનીયે હત્યાની વિરુદ્ધ છું. બધી બાબતોની વિચારણા શું આર્થિક દૃષ્ટિએ જ થવી જોઈએ? લઘુમતીની લાગણી દુભાય એની રાજકર્તાઓ આટલી ચિંતા કરે છે તો બહુમતીની લાગણી દુભાય તેની શા માટે નહીં?’ અમે જરા ચુપ થઈ ગયાં હતાં. અને ત્યારે વસુધા ધીમેથી બોલેલી : ‘પણ આપણે પૂરતાં દુભાઈએ છીએ ખરાં?’ એ વખતે મને તેનો પહેલો પરિચય થયો હતો. એ પછી બીજી એક વાર અમે અચાનક જ ક્યાંક મળી ગયાં ત્યારે તેણે પૂછ્યું હતું : ‘ઈશા, માણસના માણસ સાથેના સંબંધનો મૂળ આધાર શો છે?’ મેં સીધો જવાબ ન આપતાં વળતું પૂછ્યું : ‘મનુષ્યને મનુષ્ય સાથે ખરેખર સંબંધ હોય છે?’ તો આપણે કોની સાથે સંબંધાયેલાં હોઈએ છીએ?’ તેણે પૂછ્યું. સામા માણસની આપણે ઘડેલી છબિ સાથે, સમાજે, પરંપરાઓએ નક્કી કરી આપેલા વ્યવહારો સાથે.’ એક નિઃશ્વાસ નાખીને તે મારી સામે જોઈ રહી. તેની સ્વચ્છ કાળી આંખોમાં વેદનાનું એક ભૂખરું ધુમ્મસ છવાયું હતું. ‘હું આ સંબંધનો આધાર શું છે તેની શોધ કરવા માંગતી હતી.’ ‘પછી?’ ‘શોધ પૂરી ન થઈ.’ હું પ્રશ્નાર્થભાવે તેની તરફ જોઈ રહી. તેણે એ વાત પડતી મૂકી. ‘ઈશા, તમે લોકો રહો છો એ જગ્યા વિશે મેં સાંભળ્યું છે. હું ત્યાં આવી શકું?’ અને ત્રણ-ચાર દિવસ પહેલાં તે આવી હતી. તેના ચહેરા પરથી તે સુખી નહોતી લાગતી. એમ જુઓ તો તે દુઃખી પણ નહોતી લાગતી. કંઈક વિચારમાં તે આખો વખત ડૂબેલી દેખાતી. અમે કોઈએ તેને કાંઈ પૂછ્યું નહોતું. સ્વરૂપ તો હંમેશ કહે છે કે માણસના અંતરને એની મેળે પ્રકટ થવા દેવું જોઈએ. પ્રશ્નો ઓછામાં ઓછા પૂછવા જોઈએ. તેને જ્યારે વિશ્વાસ આવશે, આત્મીયતા અનુભવાશે ત્યારે તે પોતે જ પોતાનાં બંધ દ્વાર ખુલ્લાં ફટાક મૂકી દેશે. અને આજે આ શીળા ફૂલઘરમાં અમે આરામથી બેઠાં બેઠાં ચા પી રહ્યાં હતાં ત્યારે સહસા એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછી તેણે અમને બધાંને તેના પ્રત્યે સભાન બનાવી દીધાં. કોઈ કાંઈ બોલ્યું નહિ ત્યારે તેણે જ ધીરે ધીરે કહ્યું : ‘વર્ષો સુધી હું પણ બધાંની જેમ જ જીવી હતી. પતિ ને સંતાનોનું સુખ મારી હથેળીમાં કીમતી રત્નની જેમ જાળવ્યું હતું. ઘર, કુટુંબીજનો, સામાજિક વ્યવહારો — બધી બાબતોમાં મારી પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તે મેં પૂરી કરી હતી. એક આદર્શ ગૃહિણીની જેમ મારાં બધાં કર્તવ્યોનું પાલન કરવા પ્રયત્ન કર્યો હતો, અને એમ કરવામાં હું વિલીન થઈ ગઈ હતી.’ ધ્યાનથી સાંભળતી એનાએ માથું ઊંચું કર્યું. ‘પછી?’ ‘પછી મને એક દિવસ થયું કે મારે આ રીતે નથી જીવવું. બીજાઓની અપેક્ષા પૂરી કરતાં નથી મરવું. મારે કંઈક સંતોષ થાય એ રીતે જીવવું છે, મારા મનમાં જે વિચારો છે, હૃદયમાં જે લાગણીઓ છે તેને વફાદાર રહીને જીવવું છે. મારે આદર્શ ગૃહિણી હવે નથી રહેવું, સાચી સ્ત્રી બનવું છે, સાચી વ્યક્તિ બનવું છે.’ ચમકીને મેં એની સામે જોયું. અંધારામાં મોં પરના ભાવ દેખાયા નહિ. માત્ર એનો અવાજ આવ્યો : ‘ઘ૨માં મેં વાત કરી ત્યારે બધાંને નવાઈ લાગેલી. સતી સ્ત્રી હોય, વીરાંગના હોય, વિદુષી નારી હોય… પણ સાચી સ્ત્રી એટલે શું? ઇતિહાસમાં એવો કોઈનો દાખલો છે?… અને પછી…’ ‘તારા પતિએ તને સાથ ન આપ્યો, નહિ?’ અલોપાએ પૂછ્યું. ‘તે પછી તારી તકલીફો શરૂ થઈ?’ મિત્રા સ્વગત બોલતી હોય એમ બોલી. વસુધાએ માત્ર માથું હલાવ્યું.