સાત પગલાં આકાશમાં/૧૩
બીજે દિવસે વસુધા વાસંતીને ત્યાં જાય તે પહેલાં વાસંતી જ તેને બોલાવવા આવી. વાસંતી સાથે વસુધાને વધારે નિકટતા અનુભવાતી. વાસંતી રૂમમાં પ્રવેશતી ત્યારે જાણે વાયુની લહર ઘરમાં આવી હોય તેમ લાગતું. પણ તે દિવસે વાસંતી વાયુની લહરની જેમ નહિ, વાવાઝોડાની જેમ આવી. આવતાંવેંત બોલી : ‘ચાલ વસુધા, બહાર જવું છે.’ ‘બહાર ક્યાં?’ ‘કશે ખાસ નહિ, બસ આમ જ, માત્ર બહાર.’ આ નામિનશાન વગરનું બહાર જવું — એનો વસુધાને ઝાઝો પરિચય નહોતો. પણ લલિતા અને રંજનાની વાત વાસંતીને પૂછવા તે આતુર હતી. આગલી રાતનો રોષ પણ હૃદયમાં ઘુમરાતો હતો. તેણે ચંપલ પહેરીને, ફૈબાને પૂછવા ફૈબાના રૂમમાં ડોકિયું કર્યું, પણ તે હજુ ઊઠ્યાં નહોતાં. તે અટકી ગઈ. ‘ફૈબા જાગે એટલે — ’ ‘ફૈબા તો ક્યારેય જાગે. આપણને પછી મોડું થઈ જશે. એ તો તને નહિ જુએ એટલે સમજી જશે.’ ‘પણ આપણે પાછાં ક્યારે આવીશું?’ પાછા આવવાની વાત પછી. પહેલાં બહાર તો નીકળ!’ વસુધા અચકાતાં અચકાતાં બહાર નીકળી. જાગીને મને નહિ જુએ તો માનશે કે આસપાસમાં ગઈ હશે. પણ વધુ વાર લાગે અને તપાસ કરે અને હું ન હોઉં તો… વાસંતીએ વસુધાનો હાથ પકડ્યો. એ પકડમાં એક આગ્રહ હતો. એક ઉતાવળ હતી. વસુધાએ અછડતી નજરે વાસંતી સામે જોયું, એ અસ્વસ્થ હતી કે શું? બસમાં ચડતાં સુધી એણે હાથ પકડી રાખ્યો. અરે પણ હાથ તો છોડ!’ ‘ના બાબા, આ ઘોંઘાટની વચ્ચેય તને ક્યાંકથી ફૈબાની ઝીણી બૂમ સંભળાય તો તું પાછી ચાલી જાય.’ બન્ને હસ્યાં. બસ દરિયાકાંઠા પરના રસ્તેથી દોડવા લાગી. બારીમાંથી ફરફરાટ કરતો પવન આવ્યો અને વસુધાના વાળ સાથે, મોં સાથે, વિચારો સાથે રમત કરતો ગયો. તેણે દરિયા પર નજર માંડી. દૂર દિગંત સુધી પથરાઈને પડેલો શાંતનીલ વિસ્તાર — દિશાહીન, બાધાહીન. કાંઠા પર સફેદ હાસ્યોની હાર છે, છીછરાં પાણીનાં છબછબિયાં છે, પણ જરા દૂર જતાં એક રહસ્યમય ગાઢ પ્રસ્તાર છે. ત્યાં પૃથ્વી નથી, ત્યાં મનુષ્ય નથી, ત્યાં માત્ર સૂરજ એનો સાથી છે, માત્ર વાયુ એનો સાથી છે. છેલ્લા બસ-સ્ટૉપ પર બન્ને ઊતર્યાં. વળતી બસની લાઇનમાં નલિની મળી ગઈ. ‘કઈ તરફ ઊપડ્યાં બન્ને જણાં?’ નિલનીએ પૂછ્યું. ‘અમસ્તાં ફરવા નીકળ્યાં. ચાલ આવે છે? મઝા આવશે.’ ‘મઝા…’ નલિની હોઠ મરડીને હસી. મારે તો કામ એ જ મઝા. તમે લોકો ફરી આવો. મારે તો ઑફિસની ને ઘરની — એમ બેવડી નોકરી ને! આજે વળી કામ માટે થઈને અડધી રજા લીધી છે.’ ‘તે તો રોજ હોય છે. એક દિવસ કામમાંથી છુટ્ટી.’ વાસંતીએ આગ્રહ કર્યો. નલિનીએ ઊંડો શ્વાસ લીધો. ‘છુટ્ટી જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. ફરવા જવું એ શોખ છે. મારા જેવીને એ ન પોસાય.’ ‘થોડો વખત મોડા જવામાં એટલું બધું શું ખાટુંમોળું થઈ જવાનું હતું?’ નલિની નજીક સરી. ‘નોકરી કરનાર સ્ત્રીનું કામ ત્રણગણું થઈ જાય છે, એની તમને લોકોને ખબર છે? આખો દિવસ નોકરી, સવાર-સાંજ રસોઈ, ઘરનું કામ, ઉપરથી બાળકોને સંભાળવાનાં. સાસુજીની તો તમને ખબર છે! જોકે હમણાં એ જાત્રાએ ગયાં છે.’ ‘શ્યામ મદદ નથી કરાવતો?’ ‘શ્યામ?’ નલિનીના મોં પરની રેખાઓ ખેંચાઈ. ‘હું હાજર હોઉં તો એ પોતાની મેળે જમવાનું પણ ન લે. મારે જ પીરસવું પડે. નોકરી બન્ને કરીએ છીએ, પણ ઘરનું કામ તો મારે જ કરવાનું. કેમ જાણે હું શક્તિનો કોઈ અખૂટ ઝરો હોઉં. હમણાં વળી એનો ભત્રીજો કિશોર અહીં નોકરીની શોધમાં આવ્યો છે. જુવાન છોકરો. એને ખાવા જોઈએ, એની સામે મને કાંઈ વાંધો નથી. પણ એને કેટલી બધી રોટલી જોઈએ! સવાર-સાંજ એને માટે રોટલી વણતાં મારી કમ્મર દુખી જાય છે. શ્યામને મેં આ કહ્યું, તો કહે : ભત્રીજો છે તો કરવું તો પડે જ ને!’ તો કિશોરને કહે, કે મદદ કરાવે!’ ‘અરે, શ્યામના તો બધા ખ્યાલો જ જુદા છે. એ કહે છે : કિશોરને આપણાથી કાંઈ કહેવાય નહિ. એને બદલે હું તને કામ કરાવીશ. એટલે હમણાંથી હવે એ જમીને પોતાની થાળી ઊંચકીને ચોકડીમાં મૂકી દે છે.’ નલિની મોટેથી હસી. ‘આ એની મદદ! અને કિશોરને નોક૨ીની તપાસ માટે જવાનું ન હોય ત્યારે એ ઘેર જ હોય છે. પડ્યો પડ્યો ડિટેક્ટિવ નવલકથા વાંચ્યા કરે છે. પણ એને એમ નથી થતું કે કાકી સવારના છથી રાતના અગિયાર સુધી પળનાય વિશ્રામ વગર કામ કરે છે તો ચાલો, હું તેમને મદદ કરવા લાગ્યું.’ ભત્રીજાને બદલે ભત્રીજી હોત તો કહેત : ‘કાકી, તમે રહેવા દો. હું ઘરનું બધું કામ ઉપાડી લઈશ, તમને ગરમ ગરમ રસોઈ બનાવીને જમાડીશ…’ હસતાં હસતાં વસુધા બોલી. ‘કોઈ મને ગરમ ગરમ રોટલી પીરસે અને હું જમું… એવું તો મને સ્વપ્ન પણ ન આવે! અરે, એ તો ઠીક, પણ કોઈક વાર મને ઑફિસમાં મોડું થઈ જાય અને શ્યામ વહેલો ઘેર પહોંચ્યો હોય તો કૂકર પણ ન મૂકે. મને ઘણી વા૨ એમ થાય કે એ દાળ-ચોખા ધુએ તો શું એના હાથને ઉઝરડા પડી જવાના હતા? કોઈ વાર તો એવી થાકી જાઉં છું કે એમ થાય કે નોકરી છોડી દઉં. પણ શ્યામનાં એકલાની આવકથી ઘરમાં મુશ્કેલી પડે. સ્ત્રીને એ લોકો અબળા કહે છે, પણ એને માથે કામ તો એટલું નાખે છે, જાણે એ બળનો ભંડાર હોય…’ ‘એટલે તો કહું છું કે દિવસ કામને નાખ કૂવામાં અને અમારી સાથે ચાલ.’ ‘ના રે બાબા, એવું કરવા જાઉં તો મારું આવી જ બને ને! એક કલાકના આનંદની કિંમત દસ કલાકની અશાંતિ વડે ચૂકવવી પડે…’ તે ફિક્કું હસી. ‘ચાલો — બહુ રોદણાં રોયાં. જેમાંથી ઉગાર નથી તેના વિશે ફરિયાદ કરવાથી શો ફાયદો?’ બસ આવી અને તે હાથ હલાવીને તેમાં ચડી ગઈ. વસુધા અને વાસંતી મૂંગાં મૂંગાં એકબીજાં ત૨ફ જોઈ રહ્યાં. થોડી વારે વસુધા ધીરા અવાજે બોલી : ‘હવે?’ વાસંતીએ ફરી તેનો હાથ પકડ્યો. ‘ચાલ…’ પણ આપણે આમ ક્યાં જઈએ છીએ?’ વસુધાને ગૂંચવાઈને પૂછ્યું. ઘરે ફૈબા જાગી ગયાં હશે. દીપંકર તોફાન કરતો હશે. વાસંતીએ જવાબ આપ્યો નહિ, માત્ર હાથની પકડ જરા વધુ દૃઢ કરી એક નાનકડા રસ્તા પર ચાલવા માંડ્યું. રસ્તાની બન્ને બાજુએ ઊંચાં, ચારે દિશામાં શાખાઓ ફેલાવીને ઊભેલાં ઘટાદાર વર્ષાવૃક્ષ હતાં. રસ્તા પર અવરજવર ઓછી હતી. શાંત છાયામય રસ્તા પર બપોરનો તાપ અધ્ધર અટકી ગયો હતો. ‘વસુધા, આ સરસ નથી?’ ‘આ — એટલે?’ ‘આકાશના તડકાને પોતાનાં પાંદડાંમાં ઝીલી લેતાં વૃક્ષો હેઠળથી આમ ભીડ વિનાના રસ્તા પર હળવા પગલે ચાલવું, કશે પહોંચવાના ઉદ્દેશ વિના, પાછળ જે છોડ્યું છે તેની ચિંતા વિના…!’ ‘પણ આપણે ક્યાં જઈએ છીએ?’ વસુધાના હૃદયમાં ભયનો એક થડકાર થયો. ‘ગમે ત્યાં. તેથી શો ફરક પડે છે? પણ આમ ઘરમાંથી જરાક બહાર નીકળવું, આ હવા, આ દરિયો, આ વૃક્ષ-ઘટાઓની ઠંડકથી ભરેલો રસ્તો — બધાંની વચ્ચે હોવું એ સરસ નથી?’ રસ્તો દરિયા ભણી જતો હતો. ત્યાં નજીકમાં જ એક નાનકડું રેસ્ટોરાં હતું. દરિયાની ખૂબ નજીક. ‘વાસંતી, ઘેર ફૈબા મને શોધતાં હશે.’ વાસંતીએ વસુધાનો હાથ પકડી રેસ્ટોરાંમાં પ્રવેશ કર્યો અને દરિયો પૂરેપૂરો દેખાય એવી જગ્યા પસંદ કરી વસુધાને બેસાડી પોતે સામે બેઠી. વેઇટરને કહ્યું : ‘દો ગરમ ઈડલી ઔર કૉફી.’ વસુધા મૂંઝાઈ રહી. આજ સુધી તે માત્ર વ્યોમેશ સાથે એક-બે વાર રેસ્ટોરાંમાં ગઈ હતી અને ત્યારે પણ માત્ર કૉફી પીધી હતી. વ્યોમેશ બહારનું ખાતો નહિ તેથી આમ બહાર જવાનું બનતું નહિ. તે ખરેખર ગભરાઈ રહી. વ્યોમેશને ખબર પડશે ત્યારે તે શું કહેશે? કહ્યા વગર પોતે આવી છે એને માટે શો જવાબ આપશે? ‘ડર લાગે છે, વસુધા? તારું આખું શરીર કેટલું તંગ છે!’ વસુધા સભાન થઈ ગઈ. શ૨ી૨ને તેણે જરા ઢીલું મૂક્યું. વેઇટ૨ ઈડલી લઈ આવ્યો. વસુધા અચકાઈ. વાસંતી બોલી : ‘મુંબઈમાં લાખો લોકો આ ખાય છે. કોઈ એથી મરી નથી જતું. ખા.’ પણ માત્ર બહારનું ખાવાની વાત નહોતી. વ્યોમેશ જેને કબૂલ નથી રાખતો તેવું કંઈક કરવાની વાત હતી. તેની અંદર ભયનાં મોજાં તરંગિત થઈને પ્રસરવા લાગ્યાં. ઈડલી તાજી, પોચી, ગરમ, સ્વાદિષ્ટ હતી. ખાવાની મઝા આવી. ખાતાં ખાતાં એક ક્ષણ તેણે નિષેધની ચિંતા છોડી દીધી. કોઈક દિવસ હું બધા નિષેધોનું પોટલું વાળી દરિયામાં ફેંકી દઈશ… વ્યોમેશને ઠીક લાગે તે નહિ, મને ઠીક લાગે તે કરીશ… પણ આજે… આજે બધી ફિકરચિંતાને અભરાઈએ ચડાવી, થોડા કલાક બહા૨ રસળવાની, નાનકડી તરલ વાદળીની જેમ આમતેમ આનંદથી ફરવાની પોતામાં શક્તિ છે ખરી? ‘વાસંતી?’ ‘હં.’ ‘નલિની કહેતી હતી કે સ્ત્રીમાં શું અખૂટ શક્તિનો ભંડાર છે? તને શું લાગે છે? સ્ત્રીમાં ખરેખર કાંઈ શક્તિ છે?’ ‘વિજ્ઞાન તો કહે છે કે સ્ત્રી ઘણી બાબતોમાં પુરુષ કરતાં વધુ શક્તિશાળી છે. સ્નાયુશક્તિ તેની ઓછી છે, પણ તાણ સહન કરવાની તેની શક્તિ ઘણી વધારે છે.’ ‘તો પછી એની પાસે થોડીકેય સત્તા કેમ નથી?’ વાસંતી જ૨ા વાર વિચારમાં રહી. પછી સામે પ્રશ્ન પૂછતી બોલી : ‘એટલા માટે કે તેની પાસે પૈસા નથી? જેના દ્વારા પ્રાપ્ત થાય તે સાધનો પર તેનું જરાયે પ્રભુત્વ નથી?’ પૈસા — એ શબ્દ સાંભળતાં સહસા વસુધાને રંજનાની યાદ આવી ગઈ. અને દીપકની પેલી નજર… લલિતાનો કાન અને વ્યોમેશનો નકા૨, રાતના અંધારાએ ઢાંકી દીધેલો ધૂંધવાટ, કોઈ પણ રીતે પૈસા મેળવવાનો પોતે કરેલો નિર્ધાર… ઊંડા કૂવામાંથી બોલતી હોય તેમ તે બોલી : ‘વાસંતી, તને લાગે છે કે તારી પાસે પાંચસો રૂપિયા હોય અને હું માગું તો તું આપી શકે?’ વાસંતી વસુધા તરફ ઝૂકી. એના ખભા ફરતો હાથ વીંટાળ્યો. ‘વસુધા, તને નથી લાગતું કે આપણે આપણા પતિઓની નિકટ હોઈએ એના કરતાં એકબીજાની વધુ નિકટ છીએ?’ વસુધા નવાઈ પામી. તો શું વાસંતી અને તેના પતિ વચ્ચે પોતે માનતી હતી એવો, બધાં અંતર ઓગાળી નાખતો, શુક્લપક્ષની ચંદ્રકલાની જેમ નિરંતર વૃદ્ધિ પામતો સંબંધ નથી? તેને વાસંતી માટે માન હતું. તેણે સતીશ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેના પિયરમાં તે અને માંદી મા, બે જ જણ હતાં. લગ્ન વખતે તેણે સતીશને કહેલું : ‘મારે મારી માંદી માની સંભાળ રાખવાની છે.’ સતીશે કહ્યું : ‘તારી બોલવામાં ભૂલ થાય છે. તારે તારી માંદી માની સંભાળ રાખવાની નથી, આપણે આપણી માંદી માની સંભાળ રાખવાની છે.’ સતીશના એ વાક્ય પર, એની કહેવાની રીત પર વાસંતી વા૨ી ગઈ હતી. વસુધાએ કેટલીયે વાર તેમને સાથે બહાર જતાં અને આવતાં જોયાં હતાં. તેમના હાસ્યનો સૂરમય ધ્વનિ દીવાલની આડશોને વીંધીને વસુધાના કાન સુધી પહોંચી જતો અને વસુધા થોડીક ઈર્ષ્યા અને વધુ વિસ્મયથી વિચારતી : કોઈ સ્ત્રી આટલી બધી સુખી હોઈ શકે ખરી? અને આજે વાસંતીએ આ કેવી વાત કરી? તેણે વાસંતીની આંખમાં આંખ પરોવી. વાસંતીએ નજ૨ ફેરવી લીધી. એની આંખમાં આંસુનો અણસાર હતો કે દરિયાનું પ્રતિબિંબ? ‘તું મને પૂછીશ નહિ કે પાંચસો રૂપિયા શા માટે જોઈએ છે?’ વાસંતીએ આંખની પાંપણથી આંખ લૂછી લીધી. સહેજ હસી બોલી : રંજનાબહેન કાલ રાતે મારી પાસે આવ્યાં હતાં.’ ‘એમ? તો તું જાણે છે કે એમને શી તકલીફ છે?’ વાસંતી નીચું જોઈને કૉફીના કપમાં ચમચી હલાવવા લાગી. ‘કાલે રાતે મારા રોષનો ને મારી શરમનો પાર ન રહ્યો. હું આટલાં વર્ષોથી પરણીને આવી છું. ત્રણ છોકરાંની મા છું અને વ્યોમેશની પાસે હજારો રૂપિયા હોવા છતાં મારી પાસે પાંચસો પણ મારી રીતે વાપરવા માટે નહિ? તેનાથી છાની રીતે બચાવવા, અથવા તેની પાસે માગવા — એ બે જ રીતે શું મને પૈસા મળી શકે? મેં તો જરૂર પડશે તો મારી એક બંગડી વેચી નાખીશ એમ વિચારેલું. રંજનાબહેન માટે એટલું બધું લાગી આવે છે એટલે નહિ. એમના માટે અલબત્ત, લાગે છે. પણ વધુ તો એટલા માટે કે મારી પાસે કાંઈ પૈસા જ ન હોય, એ કેટલી હીણપતભરી બાબત છે!’ ‘તારે બંગડી નહિ વેચવી પડે.’ વાસંતી કૉફી પીતાં પીતાં બોલી. ‘મેં એમને કાલે એટલા પૈસા આપવાનું કહ્યું છે. તને ખરેખર ખબર નથી, એમને શી તકલીફ છે?’ વસુધાએ ડોકું ધુણાવ્યું. વાસંતી થોડી વાર ચુપ રહી. પ્યાલા ને ચમચી સાથે રમત કરતી રહી. સૂરજનાં ત્રાંસાં કિરણોમાં એના ફરકતા કથ્થાઈ વાળ સોનાના બની ગયા. એની આંખમાં એક કિરણ ઝિલાયું. તે ઊભી થઈ. એક ક્ષણ તે અદ્ભુત સુંદર લાગી. વસુધા તેની પર નજર માંડી રહી. અચાનક તેના મનમાં ફાળ પડી. કેટલા વાગ્યા હશે? વ્યોમેશને ઘેર આવવાનો વખત થઈ ગયો હશે. આવી ગયો હોય. ‘દીપક ઘર તરફ, રંજના તરફ બહુ જ બેદ૨કા૨ છે. ઘર કેમ ચાલે છે તે તરફ જરાયે ધ્યાન નથી આપતો. તેની આવક ઓછી છે અને એમાંથી ઘણા પૈસા તે — ’ વાસંતી જરાક થોભી. વસુધા તેની તરફ પ્રશ્નાર્થભાવે જોઈ રહી. ઘણા પૈસા તે સ્ત્રીઓ પાછળ ખર્ચે છે.’ ‘શું…?’ વસુધા એટલી બધી હલી ગઈ કે વાસંતીએ તેને સ્થિર કરવા તેનો હાથ પકડ્યો. તેણે બિલના પૈસા ચૂકવી દીધા અને બન્ને બહાર નીકળ્યાં. ‘દીપકને હંમેશા કોઈ ને કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય છે. પ્રેમનો સંબંધ નહિ, ઇચ્છાનો સંબંધ. તેને મન દરેક સ્ત્રી સંભવિત — પોટેન્શયલ — શય્યાસંગિની છે. ઘરની નોકરબાઈ સુલભ તૃપ્તિ હોય છે. આ બધા માટે પછી પૈસા આપવા પડે. ઘણી વાર રંજનાબહેને છાના ક્યાંક બચાવીને રાખ્યા હોય તેય લઈ જાય. એક તો આવક ટૂંકી, તેમાં આ બધો ખર્ચ…’ વસુધાને પોતાની અંદર વહેતો ચેતનાનો પ્રવાહ થીજી જતો લાગ્યો. ‘રંજનાબહેનને આ બધી ખબર છે?’ ‘પહેલાં ખબર નહોતી. પણ તેમને ત્યાં લક્ષ્મી કરીને એક કામવાળી હતી, યાદ છે? હસમુખી, તંદુરસ્ત છોકરી હતી. એ જ્યાં કામ કરતી હોય ત્યાં દીપક પાછળ પાછળ જાય. વાસણ માંજતી હોય તો કંઈ ને કંઈ બહાને રસોડામાં જાય. કપડાં સૂકવતી હોય તો ત્યાં ઊભો રહે. એવું ઘણી વાર જોયું એટલે એમને શંકા પડી.’ ‘પછી?’ વસુધાને લક્ષ્મીને જોયાનું યાદ આવ્યું. પછી જે બની શકે તે… પ્રશ્નો, પૂછપરછ, ક્લેશ, રુદન. પહેલાં દીપકે બહાનાં કાઢ્યાં. પછી કબૂલ કરી લીધું. ઘણી સ્ત્રીઓની વાત ન કરી. લક્ષ્મી સાથે સંબંધ છે એટલું કહ્યું. કારણ આપતાં કહે, એ નાનપણથી જ વિધવા છે. એને પણ જરૂરિયાત હોય ને? વાસંતી ખારું-ખાટું, તીખું-કડવું હસી. ‘જાણે એ જરૂરિયાતને તૃપ્ત કરવાનું દીપકનું ધર્મકાર્ય હોય!’ ‘ઓ ભગવાન… ઓ ભગવાન…’ વસુધા ગણગણી રહી. ‘પણ રંજનાબહેન આ બધું કેમ ચલાવી લે છે?’ ‘ચલાવી ન લે તો શું કરે? ક્યાં જાય? મા-બાપ પર કેવી રીતે પોતાનો બોજ નાખે? પાછાં ત્રણ છોકરાં છે. જીવવા માટે પૈસા ક્યાંથી લાવે? એ કયું કામ કરી શકે? ઝાઝું ભણ્યાં તો નથી અને ભણ્યાં હોય તોય આ ઉંમરે, અનુભવ વિના એમને નોકરી ક્યાંથી મળે?” વસુધા કશું બોલી નહિ. ‘પહેલાં બહુ ઝઘડા થતા બન્ને વચ્ચે. દીપક કહેતો : પણ તને ને છોકરાંઓને તો હું દુઃખ નથી પડવા દેતો ને! રંજનાબહેન વધારે બોલે તો કહેશે : સારું, તો તું છોકરાંઓને સંભાળજે, હું ચાલ્યો જઈશ ઘરમાંથી, બસ! પછી રંજનાબહેન ચુપ થઈ જાય છે. હવે કાંઈ બોલતાં નથી. દીપક માને છે કે તેમણે સ્વીકારી લીધું છે. દીપકને ખબર નથી કે કોઈ પણ સ્ત્રી પોતાના પતિનો બીજી સ્ત્રી સાથેનો સંબંધ સ્વીકારી શકે જ નહિ.’ વસુધાનું મન ચકરાવા લાગ્યું. ‘મને આ કશી ખબર નહોતી. વાસંતી, આ બધું સાંભળતાં મને બહુ જ ત્રાસ થાય છે. અને પાંચસો રૂપિયા? એ શાને માટે એમને જોઈતા હશે?’ ‘શી…સ, જલદી ચાલ, આમ દીવાલની પાછળ આવતી રહે.’ વસુધા ગભરાઈને રેસ્ટોરાંની દીવાલની આડશે ઊભી રહી ગઈ. ‘કેમ, શું છે? શું છે?’ વાસંતી એને ચુપ રહેવાનો ઇશારો કરી તેની બાજુમાં જ આવીને ઊભી રહી. ‘તેં જોયું નહિ?’ ‘શું?’ ‘સુધીર, લલિતાબહેનનો પતિ. જો ત્યાંથી આવે છે…’ વસુધાએ સહેજ ડોક લંબાવીને જોયું. સુધીર રસ્તા પરથી રેસ્ટોરાં ભણી આવી રહ્યો હતો. સાથે એક સોહામણી યુવતી હતી. બન્ને હાથમાં હાથ પકડીને વાતો કરતાં ધીરે ધીરે ચાલતાં હતાં. વસુધા ચીસ પાડવા જેવા અવાજે બોલી ઊઠી : ‘વાસંતી, ચાલ, ઘેર ચાલ, મને બહુ જ ડર લાગે છે.’ વાસંતીએ તેના તરફ ઉદાસ નજરે જોયું. ‘હજી મારે આ દરિયાની રેતીમાં બેસવું છે, ગાવું છે. મને ખબર છે — તને ભય લાગે છે. ઘેર તારી શોધાશોધ થતી હશે. તું જઈશ ત્યારે તારા પર શું શું વીતશે તેની પણ હું કલ્પના કરી શકું છું. પણ આ સાંજ, આ સમુદ્ર, આ શાંત ક્ષણો અને મારા તૂટેલા સંગીતની તને વાત કહેવા તલસતું મારું મન — એ બધાને ખાતર તું નાનોસ૨ખો નિયમભંગ નહિ કરી શકે? રંજનાબહેન માટે તું સોનાની બંગડી વેચી નાખવા તૈયાર થઈ હતી. મારે ખાતર તું બે કલાક ભયનો ત્યાગ નહિ કરી શકે? સાંભળ વસુધા, આપણી તો આખી જિંદગી ભય ને ફફડાટમાં જ વીતતી હોય છે. આજે મારે ખાતર તું થોડી વાર તારો પત્ની તરીકેનો, મા તરીકેનો, ગૃહિણી તરીકેનો ધર્મ ભૂલી નહિ શકે? મારી મિત્ર તરીકે તારો શું કોઈ ધર્મ નથી?’