સાત પગલાં આકાશમાં/૧૪
કૉલેજમાં સાથે ભણતાં ત્યારથી વાસંતી સતીશના પ્રેમમાં ગળાડૂબ હતી. અને સતીશ પણ, વાસંતી સાંગોપાંગ છલકી ઊઠે એટલો પ્રેમ તેને કરતો. લાંબા કલાકો સુધી બન્ને વૃક્ષછાયા રસ્તા પર સાથે ફરતાં, લાઇબ્રેરીમાં સાથે વાંચતાં અને સુખનું પંખી તેમની હથેળીમાં આવીને બેસતું. વાસંતીનો કંઠ બહુ મીઠો હતો. તે ગાતી ત્યારે સતીશ લીન થઈને સાંભળી રહેતો. ગીત પૂરું થયા પછી પણ ક્યાંય સુધી મૌન બેસી રહેતો — જાણે પોતે બોલશે તો સુંદરતાનો પડદો ચિરાઈ જશે. છેવટે કહેતો : ‘સમજ નથી પડતી — ચહેરો નિહાળું કે તારું ગીત સાંભળું! તું અદ્ભુત ગાય છે, વાસંતી!’ વાસંતીને પોતાના ગાવાની સાર્થકતા અનુભવાતી. ‘સાચે જ મારું ગાવું તને આટલું બધું ગમે છે? તો હું તારે માટે ગાઈશ.’ લગ્ન પછીના દિવસોમાં સ્વર્ગ તેમના ઘરમાં, તેમના હૃદયમાં ઊતરી આવ્યું હતું. નાનામાં નાની વાત પણ રસથી ભરેલી પ્યાલી હતી, જેમાંથી તે બન્ને સાથે પીતાં, સાથે જમતાં, હાથમાં થેલી ઝુલાવતાં ખરીદી કરવા બહાર સાથે જતાં. રસ્તા પર પણ ખોવાઈને ચાલતાં. એમ રસ્તે જતાં, ક્યાંક હોટલમાં મોટા અવાજે વાગતા રેડિયોમાંથી સાયગલે ગાયેલી ગઝલની એકાદ પંક્તિ સંભળાઈ જાય — આહ કો ચાહિયે, ઈક ઉમ્ર અસર હોને તક — તો બન્નેનાં હૃદય આનંદના ઝૂલે ઝૂલી પડતાં. પૈસા શરૂમાં ઓછા હતા, તેનો કશો વસવસો નહોતો. બસ, સાથે હોવાનો આનંદ હતો. સરતાં જવું — આનંદમાં, સંગીતમાં, ચાહવામાં, શબ્દમાં, સ્પર્શમાં ઢળી ઢળી જવું — જીવનમાં આથી વધુ સુખની જરૂર લાગતી નહોતી. એક નાના બિંદુ આસપાસ એક નાનું વર્તુલ. આ વર્તુલ તે જ તેમનું વિશ્વ — ધન્યતાથી ધબકતું, પ્રેમથી પૂર્ણ બનેલું. સતીશ કલાવિવેચક હતો. જુદાં જુદાં પત્ર-પત્રિકાઓમાં કલા વિશેના લેખો. સમીક્ષાઓ લખતો. એ માટે તેને વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, વિચારગોષ્ઠિઓમાં જવું પડતું. વાસંતી ઘણુંખરું સાથે જતી. લખવાનું કામ તે મોટે ભાગે ઘેર બેસીને કરતો. આમ તેઓ દિવસનો ઘણો ભાગ સાથે ગાળી શકતાં, અને એમાં ખુશ રહેતાં. એકબીજાને વીંટળાઈને રહેવાથી વધુ મોટું સુખ જીવનમાં હોય તેવી તેમની કલ્પના નહોતી. પછી બે બાળકો થયાં : એક દીકરો અને એક દીકરી. સંગીતના સૂરમાં બાળકોના હાસ્ય અને રુદનના સૂર ભળ્યા અને ઘર સોળે કળાએ ગુંજી ઊઠ્યું. સતીશને વધુ કમાવાની જરૂ૨ લાગી અને તેને એક પ્રતિષ્ઠિત અખબારમાં સારી નોકરી મળી ગઈ. તેનું કલાવિવેચનના સિદ્ધાંતો અંગેનું એક પુસ્તક છપાયું અને પ્રશંસા પામ્યું. તેની જિન્દગી વધુ ને વધુ ઊચાં શિખરો ભણી આરોહણ કરી રહી. બે બાળકોને લીધે હવે વાસંતી સતીશ સાથે ઓછું બહાર જતી. સતીશનાં રોકાણો પણ વધી ગયાં હતાં. પણ સંગીતનો કોઈ સરસ કાર્યક્રમ હોય ત્યારે વાસંતી સાથે જવાનો પ્રયત્ન કરતી. એક વાર સૂરસિંગાર સંસ્થાના કાર્યક્રમમાં કેસરબાઈ કે૨ક૨ ગાવાનાં હતાં ત્યારે તે ગયેલી. સવારનો સમય હતો. પહેલાં લલિત, પછી તોડી, છેલ્લે ભૈરવી ઠૂમરી… બાબુલ મોરા, નૈહ૨ છૂટો રી જાય… શી ગજબ એ ગાયકી હતી! સ્વરને ક્યાં થોભાવવો, કેટલો ખેંચવો, ક્યાં આંદોલિત કરવો, કેવી રીતે પ્રભાવકા૨ક બનાવવો, એનું શું અદ્ભુત જ્ઞાન હતું! વાસંતી સ્તબ્ધ થઈ ગઈ. આખા શ્રોતાવૃંદમાં અપેક્ષાની શાંતિ ઝળુંબી રહી. લે બાબુલ ઘર અપના… મેં ચલી પિયા કે દેશ… દરેક જણને પોતાની વિધવિધ વિદાયની ઘડીઓ સાંભરી આવી. પાંપણ પર મોતી લટકી રહ્યાં. હવા સ્થિર થઈ ગઈ. ખંડનું અજવાળું વિષાદથી મેલું થઈ ગયું. નજ૨ દૂર, બહુ દૂર ચાલી ગઈ. સામે સ્ટેજ ન રહ્યું, ગાયિકા ન રહી. સાજ ને સાંજિદાઓ ન રહ્યા, રહી કેવળ વિદાયની ક્ષણ, આંસુના તારે બાઝેલી, અજ્ઞાતનો ઉંબરો વળોટવાની ક્ષણ, હજારોની હાજરી વચ્ચે પૂર્ણ એકલતાની ક્ષણ… સતીશ ને વાસંતી બહાર નીકળ્યાં. રસ્તે કોઈ કંઈ બોલ્યું નહિ. શબ્દો બધા ઓગળી જાય એવી એ અનુભૂતિ હતી. એ આખો દિવસ વાસંતી કંઈક વિચારમાં ડૂબેલી રહી. રાતે તેણે કહ્યું : ‘સતીશ, મને લાગે છે કે મારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. તો જ મારા ગાવામાં ખરું ઊંડાણ અને ગાંભીર્ય આવે. ભારતીય વિદ્યાભવનમાં સંગીતના વર્ગો ચાલે છે ત્યાં જાઉં એવું મન થાય છે.’ ચાંદની રાત હતી. પવન શીતળ હતો. સતીશ વાસંતીની ચિબુકને આંગળીથી મૃદુ સ્પર્શીને બોલ્યો : ‘શાસ્ત્રીય સંગીત શીખવાની શી જરૂર છે? તું જે ગાય છે તે સુંદર જ છે. હું તો તારા એ ગીતમાં જ વહી જાઉં છું.’ ‘તને મારું ગાવાનું એટલું બધું ગમે છે તે માટે આભાર. પણ તું સંગીતનો આવો મોટો જાણકાર થઈને શાસ્ત્રીય સંગીત શીખવાની શી જરૂર છે? — એમ પૂછે તે તો નવાઈ પમાડે તેવી વાત છે.’ ‘હું તને ઘણી વાર નવાઈ પમાડું છું, નહિ? ક્ષણે ક્ષણે જે આશ્ચર્ય પમાડે છે તે રૂપ ૨મણીયતાનું છે, તે પ્રેમનું પણ છે, નહિ વાસંતી?’ તેણે કેફભરી નજરે વાસંતી સામે જોયું. આ નજ૨… તે ‘વાસંતી’ જે રીતે બોલે, છેલ્લા લંબાયેલા ‘તી’માં એક એવી મીઠાશ, એવી આર્દ્રતા હોય! સ્ત્રી-પુરુષના પ્રેમની જે લીલા યુગયુગાન્તરથી ચાલી રહી છે તેનો સઘળો ગૂઢાર્થ એમાં એવી રીતે સમાયેલો હોય કે વાસંતી છેક અંદરથી સ્પર્શાઈ જાય. પણ આજે તે કેસરબાઈના ગાયનની મોહિની હેઠળ હતી. સતીશનો પ્રેમપ્રવાહ તેને કોરી રાખીને બાજુએથી વહી ગયો : ‘તું આડીઅવડી વાત કરીને મારી વાત ઉડાડી ન દે. હું ખરેખર જ કહું છું. હું શાસ્ત્રીય સંગીત શીખીશ તો જ આગળ વધી શકીશ.’ ‘પણ તારે આગળ વધીને શું કરવું છે? તારે ક્યાં બહાર કાર્યક્રમ આપવા જવું છે?’ વાસંતી આંખો મીંચીને બોલી : ‘શી ખબર, બહાર જાઉં પણ ખરી.’ તેને હજુ ભૈરવીના સૂર સંભળાતા હતા. ચાર કહારોએ ઉપાડેલી પાલખી આગળ ચાલી જતી હતી. પાછળ સૂર વેરાઈને નીચે પડતા હતા. ‘હું જો આવું ગાઈ શકું તો બહાર કાર્યક્રમ આપી પણ શકું…’ સતીશ જરા ગંભીર થઈ ગયો. બોલ્યો : ‘એ કાંઈ એટલું સહેલું નથી. ટોચ પર પહોંચતાં પહેલાં કેટલો સંઘર્ષ કરવો પડે, કેટલી સાધના કરવી પડે તેનો તને ખ્યાલ નથી.’ ‘હું કરીશ એ. મને ખબર છે — રિયાઝ કરનારા આઠ-આઠ દસ-દસ કલાક રિયાઝ કરતા હોય છે. હું પણ કરીશ. આપણે જે કામ કરીએ તે આપણને ગમતું હોય તો તેને માટે ગમે તેટલી મહેનત કરવી પડે, એનો કંટાળો ન આવે.’ આઠ કલાક રિયાઝ એટલું શું, તને કાંઈ ખબર પડે છે? પછી તું સંગીતની દુનિયામાં એવી ખોવાઈ જાય કે ઘર ઘરને ઠેકાણે ૨હે, અને હું દીવો લઈને શોધવા નીકળું તોયે તું ન મળે. ના બાબા ના. આપણે એવું નથી કરવું. તું જે ગાય છે તે સરસ જ છે.’ સતીશે અવાજને બને એટલો હળવો રાખવા પ્રયત્ન કર્યો. પણ તેને ખરેખર તો ગુસ્સો આવવા લાગ્યો હતો. વાસંતી એ ઓળખી ગઈ. બધી રીતે મનગમતા સતીશમાં આ એક દોષ હતો — તે જલદીથી ગુસ્સે થઈ જતો, અને પછી તેનો ગુસ્સો તેના કાબૂમાં રહેતો નહિ. તેનું મોં લાલ થઈ જતું. નસકોરાં ફડકવા લાગતાં. બીજા લોકો બેઠા હોય તેની પરવા કર્યા વિના બધાંની વચ્ચે તે વાસંતીને ઉતારી પાડતો, તેનું અપમાન કરી બેસતો. વાસંતીને માઠું લાગતું. તે બીજા રૂમમાં ચાલી જતી. રડી પડતી. પછી મન જરા શાંત થયે સતીશ આવતો. ગળામાં હાથ પરોવી દિલગીરી પ્રગટ કરતો. માફી માગતો. ‘હું તને ખૂબ ચાહું છું. પણ મારી આ એક નબળાઈ છે. મને માફ નહિ કરી દે?’ હવે આવું નહિ કરું — એમ એ કહેતો, પણ તેનાથી ગુસ્સા પર કાબૂ રાખી શકાતો નહિ. વારંવાર આવું બન્યા પછી ધીરે ધીરે એણે માફી માગવાનું છોડી દીધું. વાસંતી પણ ગુસ્સાની હદ સુધી પરિસ્થિતિ કે વાતને જવા ન દેતી, શબ્દોમાં સહેજસાજ ગરમી પુરાવા માંડે કે તે ચેતી જતી. તે દિવસે ગરમ હવાના પ્રથમ સ્પર્શે જ તેણે વાત બંધ કરી દીધી. ચાંદનીના ઘૂમટ તળે, ચાંદીની ફરસ ૫૨, નાચી ઊઠવા ઊભા થયેલા સ્વરો ભયની ગંધ પારખીને, ચુપકીદીની ચાદર ઓઢી પોઢી ગયા. બીજે દિવસે સાંજે સતીશ બહારથી આવ્યો ત્યારે ખૂબ ખુશ હતો. રસોડામાં કામ કરતી વાસંતીને તે બધું કામ પડતું મુકાવી, ખેંચીને દીવાનખાનામાં લઈ ગયો. ‘કલ્પના કર વાસંતી, તારે માટે હું શું લાવ્યો હોઈશ?’ તેનો ચહેરો ઉલ્લાસથી ચમકતો હતો. ‘શું છે?’ વાસંતીએ પૂછ્યું. સંગીતના વર્ગમાં જોડાવા માટેનું ફોર્મ તો નહિ જ હોય… એણે મનમાં વિચાર્યું. સતીશે એને આંખ બંધ કરવાનું કહી, એના હાથમાં એક પૅકેટ મૂકી દીધું. વાસંતીએ આંખો ઉઘાડી પૅકેટ ખોલ્યું. મોરપિચ્છ રંગની બહુ જ સુંદર સાડી અને એવા જ રંગની માળા. “સરસ છે ને?” એક પળ… એક પળ વાસંતીને ઇચ્છા થઈ કે તે પૅકેટ ઊંચકીને ખૂણામાં ઘા કરી દે. સતીશ કરતો હતો તેવો જ ગુસ્સો પોતે પણ કરે. પછી નરમ હાસ્યથી મઢેલા સ્વીકાર હેઠળ એ ઇચ્છા દબાવી દીધી. એવો ગુસ્સો કરવાનું સતીશને જ પાલવે
સતીશ તેની કારકિર્દીમાં ઝડપથી આગળ ને આગળ વધતો ગયો. તે ઘણી કલાસંસ્થાઓનો સભ્ય, સલાહકાર કે મંત્રી હતો. તે કૉન્ફરન્સમાં જતો, વ્યાખ્યાનો આપવા બહારગામ જતો, પરીક્ષામાં નિર્ણાયક બનતો. કૉલેજમાં બન્ને સરખાં તેજસ્વી હતાં, પણ હવે તેની કીર્તિનો ૨થ ધૂળ ઉડાડતો વેગથી દોડવા લાગ્યો, વાસંતી હતી ત્યાં ને ત્યાં રહી. તેનાં નાનાં નાનાં ગીતો ઘરને એકાંત ખૂણે નાનકડા ઝરણાની જેમ મંજુલ સ્વરો વેરીને ચૂપ થઈ જતાં. પોતાની લઘુક સીમાઓ ઓળંગીને તે સાગર સુધી પહોંચી શક્યાં નહિ. હવે ઘણી વાર કલાકારો-સંગીતકારો તેમને ઘેર આવતા. સતીશની અને તેમની ચર્ચાઓ ચાલતી. સુગીતિ બેનરજી નામની એક નવોદિત ગાયિકા હમણાં હમણાં બહુ પ્રસિદ્ધિને પામી હતી તે પણ આવતી. સ્વચ્છ ભાવવાહી આંખો, શામળો પણ દીપ્તિમય ચહેરો. સંગીતની ઊંડી જાણકારી અને વાણીની તેજસ્વી છટાથી તે વાતચીતમાં હંમેશા ઝળકી ઊઠતી. વાસંતી નાસ્તો બનાવતી, ચાના પ્યાલા લઈ આવતી, ઉદાસ થઈ જતી. સતીશની નજરે એ ઉદાસી પડતી. બધાંના ગયા પછી રાતના શાંત અંધકારમાં તે એને પોતાની નજીક ખેંચીને કહેતો : ‘તને એમ થાય છે કે બધામાં ખોવાઈને હું તારાથી દૂર ચાલ્યો જઈશ? અંહ — આખી દુનિયામાં તારા જેટલું સુંદર મારે મન કોઈ નથી. હું તારો છું અને તું મારી છે. તું જરાયે ફિકર કરીશ નહિ. તું તારે નિશ્ચિંત થઈને ઘર સંભાળ અને સુખનાં ગીતો ગા. બહારના તાપ-સંતાપ હું વેઠી લઈશ.’ શબ્દો પ્રેમના હતા, મુલાયમ હતા, છતાં ભોંકાતા હતા. અંધારામાં વહેલાં આંસુ ઊંઘમાં લુછાઈ જતાં હતાં. સંગીત શીખવાની વાત જુદી જુદી રીતે તેણે આગ્રહપૂર્વક કરી જોઈ પણ સતીશ હંમેશા એને ટાળતો કહેતો : ‘તું એક વા૨ એમ ભાગ લેવા માંડે પછી તો કાર્યક્રમોનો પાર ન રહે. ગમે તે લોકો સાથે, ગમે તે ઠેકાણે, ગમે તે વખતે જવું પડે. એને એમાં બધી વખત બધા લોકો સારા જ હોય એવું નયે બને.’ અથવા — ‘તું સંગીતની સાધનામાં ડૂબી જાય ને મારાથી દૂર સરી જાય તો? સંગીત કાંઈ આશુતોષ દેવતા નથી. એ તને આખી ને આખી માગી લે તો મારું શું થાય? તારા વિના હું જીવી જ ન શકું…’ તે હળવું હસતો, પણ તેના નકારમાં એક અફરતા હતી, જે વાસંતી પારખતી. અને એક વાર તેણે એને પાસે લઈને મૃદુપણે ચૂમીને કહેલું : ‘મારા આ વિકાસથી તું રાજી નથી? જીવનમાં તને શું ખૂટે છે? તારે શા માટે આ બધી મહેનત-માથાકૂટમાં પડવું જોઈએ? આવું સરસ ઘર છે, બાળકો છે, હું છું. આટલું તારે માટે પૂરતું નથી? તું આ શીખવા જાય તો ઘરની બધી વ્યવસ્થા ભાંગી પડે. અત્યારે તો હું ગમે ત્યારે ઘેર આવું, તું હંમેશા ઘેર જ હશે એ ખ્યાલથી મને કેટલી શાંતિ રહે છે! છોકરાંઓને પણ કેટલી નિરાંત છે! અને થોડા વખત પછી હું કાર લેવાનો પણ વિચાર કરું છું. પછી તો આપણે દર શિન-રવિ ખંડાલા કે ક્યાંક ફરવા ઊપડી જઈશું. તને શાની ખોટ છે, વાસંતી?’ ખરી વાત છે. પતિ પ્રેમ રાખતો હોય, છોકરાં હોય, ઘર ને મોટરકાર હોય, પછી તો સ્ત્રીએ સુખી થવું જ જોઈએ ને? એને વળી બીજી મહત્ત્વાકાંક્ષા કેવી? એણે વિકાસ શો સાધવાનો? વિદ્યા શી પ્રાપ્ત કરવાની? દિવસો ઊગતા ને આથમતા રહ્યા. ઘર પૈસા, પ્રતિષ્ઠા, મહેમાનોથી ઊભરાવા લાગ્યું. વાસંતી કલાત્મક રીતે ઘર સજાવતી. લોકો પ્રશંસા કરતા : કલાકારને શોભે એવું ઘર છે. વાસંતીને પ્રશ્ન થતો : કલાકાર કોણ છે? સતીશ કે હું? પોતે કદાચ સુગીતિ કરતાંયે વધારે સારી ગાયિકા બની શકે. પણ પોતે માત્ર સતીશની પત્ની છે. ‘બહુ સારી આગતાસ્વાગતા કરનાર છે. ‘આતિથ્ય તો વાસંતીબહેનનું જ.’ પત્ની સરસ ગાતાં ન શીખે તો ચાલે, કારણ કે તે સતીશની જરૂરિયાત નથી. બીજું બધું તે પછી કરે તો ચાલે, સૌ પહેલાં તેણે રસોઈ તો ક૨વી જ જોઈએ. સતીશનાં માનમોભો વધતાં ગયાં તેમ મિત્રોની સંખ્યા વધી. મહેમાનો માટેના નાસ્તાના પ્રકાર પણ બદલાયા. ઘરમાં ત્રણ-ચાર જાતનાં નાસ્તા-મીઠાઈ હાજ૨ ૨ાખવાનાં. મહેમાનો આવે એટલે પ્લેટમાં બધું ગોઠવીને મૂકવું, કોઈ ખાય, કોઈ ન ખાય, પાછું લાવી વળી અલગ અલગ ડબ્બા-બરણીમાં ભરવું, વળી એક-બે જણ અડધેથી ઉમેરાય એટલે ફરી પાછી પ્લેટ તૈયા૨ ક૨વી. ઘણી વાર દીવાનખાનામાં રસિક વિષય પર ઉત્તેજક ચર્ચા ચાલતી હોય, લોકો ઊંચા અવાજે બોલતા હોય, મજાક કરતા, હસતા હોય — તે રસોડામાં એકલી, બહાર કેટલા લોકો છે અને ગુલાબજાંબુ બધાંને પહોંચશે કે નહિ તેની ગણતરી કરતી હોય, પ્યાલા ધોતી હોય, ફ્રીઝનું ઠંડું પાણી ઢોળી દઈ ગ્લાસમાં માટલાનું પાણી ભરતી હોય, એકસરખી ચમચીઓ શોધતી હોય… સતીશનો આગ્રહ કે ઘેર આવનાર દરેકને નાસ્તો આપવો જ જોઈએ. અને લોકો તો ઘણુંખરું અજાણતાં જ આવી ચડતાં. તેમના આતિથ્ય પાછળ વાસંતીનાં કેટલાં સમય-શક્તિ જાય છે તેનો કોઈને ખ્યાલ ન આવતો. સતીશને કહ્યું હોત તો તે કહેત : તારે બીજું કામ શું હોય છે? કોઈક વાર તેના સંગીતથી પરિચિત કોઈ અંદર આવીને કહે : ‘આવોને વાસંતીબહેન, બહાર સરસ ચર્ચા જામી છે.’ પણ વાસંતી બહાર બેસી ચર્ચામાં ભાગ લે તો ચા ને ગરમ ગરમ બનાવવાના નાસ્તાનું શું થાય? તે ચુપ રહેતી. બહાર કોઈ ધીમા અવાજે આપસમાં હસતાં : ભાઈનું મન ૨મે ખગોળ ને ભૂગોળમાં, બાઈનું મન રસોડામાં.
સતીશની લોકપ્રિયતા વધતી ગઈ. કોઈક વાર વાસંતીને લાગતું : તે જે બોલે છે, જે લખે છે, જે માને છે તે બધામાં હવે પોલાણો આવતાં જાય છે. પહેલાં તેની કલમમાં નિર્ભયતા હતી, હવે તે જાણ્યેઅજાણ્યે બીજાઓને રાજી રાખવા મથે છે. ક્યારેક વાસંતીને એમ પણ લાગતું કે અમુક બાબતો સતીશ કરતાં પોતે વધારે સારી સમજે છે. એક ગાયક તરીકે પોતે ગાવાની ખૂબીને, વધુ સારી રીતે પામી શકે છે. કોઈક વાર તે સતીશ સાથે આ વિશે દલીલો કરતી. પણ સતીશનો અહં ત્યારે ઘવાતો અને એક વખત વાસંતીએ પોતાનો મુદ્દો પકડી રાખ્યો ત્યારે તે એકદમ જ ગુસ્સે થઈને, બરાડતો હોય એમ બોલી ઊઠેલો : ‘તું એમ માને છે કે મારા કરતાં તું વધારે સમજે છે?’ ‘ના રે ના, તું આટલો સુવિખ્યાત કલા-વિવેચક, કલા વિશેનાં કેટલાંય પુસ્તકોનો લેખક. તારા કરતાં હું વધારે સમજું એવું તે વળી કોઈ દિવસ બને કે?’ વાસંતી ધારદાર અવાજે બોલી બીજા રૂમમાં ચાલી ગઈ. એ આખો દિવસ બન્ને એકબીજાને સાથે બોલ્યાં નહિ. પણ રાત્રે સતીશે એને મનાવી લીધી. ‘આવા ઝઘડા તો થયા કરે. એથી આપણા પ્રેમમાં થોડો જ ફરક પડે છે? વાસંતી, બીજું ભલે ગમે તે હોય, પણ તને હું ખૂબ ચાહું છું એ વાતની તો તને ખબર છે ને?’ રાત પછી રાત પછી રાત — આ એક જ વાત. એ જ આશ્લેષ અને ગરમ શ્વાસની નિકટ ગંધ. આ જો પ્રેમ હોય તો વાસંતીને પ્રેમ હવે અકળાવી મૂકે છે. આ પ્રેમ એની પાસે બહુ ભોગ માગે છે. બે દિવસ પહેલાંની જ વાત. તેમના લગ્નની તિથિ હતી. શરૂઆતમાં તો આ દિવસ બન્ને બહુ ઘેલાં થઈને ઊજવતાં. બાળકોના આવ્યા પછી એમાં થોડોક ફરક પડ્યો હતો. સતીશનાં કામ વધ્યા પછી તો, એ દિવસની ખુશી અને પ્રીતિ, હાસ્ય-આનંદ-તોફાનનો અસબાબ બધું ફિક્કુ પડી ગયું હતું. વાસંતીને એ ખટકતું હતું. આ વખતે તેણે નવી જ રીતે આ દિવસ ઊજવવાનું નક્કી કરીને સતીશને આશ્ચર્યચકિત કરી દેવાનું વિચાર્યું. સતીશને આ દિવસ યાદ નહોતો. પણ તેથી તો તેને વધુ આશ્ચર્યમાં મૂકી શકાશે, માનીને વાસંતી મનમાં મલકી રહી. તેણે નવી નવી વાનગીઓ બનાવી. ટેબલ પર સરસ કપડું પાથર્યું. માત્ર મહેમાનો માટે જ રાખેલાં કાચનાં નાજુક સુંદર વાસણો કાઢી ટેબલ પર ગોઠવ્યાં. બજારમાં જઈ ગુલછડીનાં સફેદ ફૂલોનો ઢગલો લઈ આવી અને પછી સતીશની રાહ જોઈ રહી. સતીશને અચંબામાં મૂકી દેવાના વિચારથી હરખાઈ રહી. સાંજે સતીશ આવ્યો ને ઘરમાં પગ મૂકતાં જ ચોંકી પડ્યો. ‘અહાહા, આટલી બધી સુગંધ આ શાની છે?’ તેણે રૂમમાં નજ૨ ફે૨વી. ‘આટલાં બધાં ગુલછડીનાં ફૂલ!’ વાસંતીનું મન નાના છોકરાની જેમ ઊછળી રહ્યું. ‘આજે શું છે?’ તેણે પૂછ્યું. વાસંતી હસી પડી. ગુલછડીના ઢગલા જેવું એ હાસ્ય જોઈ સતીશ પાસે ખેંચાઈ આવ્યો. એટલામાં જ બારણામાંથી કોઈ ઘરમાં પ્રવેશ્યું. સુગીતિ બૅનરજી હતી. ‘ચાલો ચાલો, જલદી’, તે હાંફતાં હાંફતાં ઉદ્દેશીને બોલી. ‘ટૅક્સી નીચે ઊભી રાખી છે. મોહનને ઘેર અમેરિકાના એક કાર્ટૂનિસ્ટની થોડા પત્રકારો સાથે બેઠક ગોઠવી છે. ત્યાંનાં લોકગીતોનો એક ગાયક પણ છે. ચાલો જલદી, સમય થઈ ગયો છે.’ અને પછી વાસંતી તરફ ફરીને બોલી : ‘તમે પણ ચાલો, મઝા આવશે.’ વાસંતી સૌમ્ય સ્વરે બોલી : ‘માફ કરજો, મારાથી અવાય તેમ નથી.’ અને સતીશ ત૨ફ જોઈને બોલી : ‘તું પણ નહિ જતો સતીશ, આજે મારે તારું ખાસ કામ છે.’ જવા માટે ચંપલ પહેરવા લાગેલો સતીશ થોભી ગયો. ‘શું કામ છે?’ વાસંતી કાંઈ બોલી નહિ. સુગીતિએ સહેજ ઉતાવળા અવાજે કહ્યું : ‘વાસંતીબહેન, કામ બેએક કલાક મુલતવી રાખી શકાય તેમ નથી? આ મળવાનું મહત્ત્વનું છે.’ વાસંતીનો ચહેરો સખત થઈ ગયો. સતીશ વાસંતીની અનિચ્છા સમજ્યો, પણ એક સ્ત્રીની હાજરીમાં પોતે પત્નીના કહ્યા પ્રમાણે ચાલે છે એવી છાપ ઊભી ન થાય તે માટે, કે પછી વાસંતીની ના તેને પસંદ ન પડી તેથી, પણ તેણે ચંપલ પહેર્યાં અને વાસંતીના ખભાને જરા થપથપાવી ‘હમણાં કલાક-દોઢ કલાકમાં આવું છું,’ કહીને સુગીતિ સાથે દાદર ઊતરી ગયો.