સાત પગલાં આકાશમાં/૧૫


૧૫

‘સંગીત મારે મન એક મૂલ્યવાન બાબત હતી. પહેલાં હું ફક્ત કાંઠાના પાણીમાં છબછબિયાં કરતી હતી. પછી તે દિવસે મેં એનું વિશાળ ગંભી૨ રહસ્યમય રૂપ જોયું. મને એમ થયું કે મારે એમાં પ્રવેશ કરવો જોઈએ. દરેક માણસને ભગવાને કોઈક વરદાન આપીને પૃથ્વી પર મોકલ્યો હોય છે. દરેકેદરેક માણસને એક અદ્વિતીય વરદાન મળેલું છે, પણ બધી વાર એ વરદાન પ્રગટ નથી હોતું. આપણે એને ખોળી કાઢવું પડે છે. આપણે તો ઘર અને વ૨ અને છોકરાંઓને સંભાળવામાં જ આખો સમય, આખું હૃદય રોકી દેતાં હોઈએ છીએ. પણ કોઈક વાર એ ખોળી શકીએ છીએ ત્યારે આપણા જીવનને આપણા થકી જ એક અર્થ મળે છે. બીજા કોઈને ખાતર નહિ, પતિ કે બાળકો ખાતર નહિ, પણ નિજને ખાતર નિજમાં પ્રવેશવાનું એક દ્વાર મળે છે. પેલી સવારે મેં કેસરબાઈને સાંભળ્યાં અને તત્કાળ મારા મનમાં ઝબકારો થયો કે અહીં મારા જીવનની અદ્વિતીયતા પ્રગટ કરવાની તક છે. પન્નાલાલ ઘોષે કહેલું કે બંસી બજાતે બજાતે ઠાકુર મિલ જાયેંગે — એનો અર્થ શું થાય એ મને ત્યારે સમજાયું. ‘પણ સતીશને એ મંજૂર નહોતું. એટલા માટે નહિ કે સુધીરની જેમ એને, હું બહાર હરુંફરું, લોકોને મળું તો મારા ૫૨ વહેમ આવે છે. સુધીરનું તો લલિતાબહેન કોઈ પુરુષ સાથે સહેજ હસે, બોલે તોય મગજ ચકરાઈ જાય છે. સતીશનું કારણ એ નથી. પણ એને હું સર્વાંગપણે જોઈએ છે. જેમ આ ઘર બધી રીતે તેનું છે, ઘરમાંથી બધી વસ્તુઓ તેની છે, તેમ ‘હું’ પણ તેની હોવી જોઈએ. મારે મારી સ્વતંત્ર કોઈ આકાંક્ષા હોય એ તેને સમજાતું નથી, કે પછી સ્વીકારવું નથી. અમારાં લગ્ન થયાં ત્યારે કબીરની પેલી પંક્તિ તે જરા ફેરવીને કહેતો : તારી આંખોમાં તું મને બંધ કરી લે. પછી તું બીજા કોઈને ન જુએ અને બીજું કોઈ તને ન જુએ. હું તો એના પર એટલી મુગ્ધ હતી કે મને સમજાયું નહિ કે એના એ કહેવા પાછળ પ્રેમ નથી, પ્રેમનો પરિહાસ છે. ઊલટાનું મેં તો માન્યું કે હું ધન્ય છું, કૃતાર્થ છું એ છે એટલે તો હું છું — એમ મને લાગતું. જતાં-આવતાં, કામ કરતાં, દાઢી કરતાં, નહાવા જતાં, નાનાં નાનાં કામો વચ્ચેની ખાલી તિરાડોમાંથી એનો સ્પર્શ વરસી રહેતો અને મને લાગતું કે હું ભીની સુગંધોથી મહોરી ઊઠી છું. અમારા દિવસો બધા સ્નેહાંકિત હતા, રાતો બધી સ્પર્ધાંકિત. ઓહ, હું કેટલી મૂરખ હતી!’ ‘વાસંતી!’ ‘સાંભળ વસુધા, મને મારી વાત પૂરી કહેવા દે. એના પ્રેમના દરિયામાં નહાતી હતી અને તૃપ્ત હતી. મને લાગતું કે મને હવે કશાની જરૂર નથી. પણ મેં એ દરિયામાં ડૂબકી મારી અને મને ખબર પડી કે એમાં મોતી નથી. આપણે કેવાં આપણી જાતને છળતાં હોઈએ છીએ! ના, સતીશને મારે માટે જે છે, તેને હું પ્રેમનું નામ નહિ આપું. તેને હું — વાસંતી જોઈએ છે, પણ તે કેવળ પોતાને ખાતર. તેને ખાવાનો કેટલો શોખ! તેને ખાતર હું વાનગીની ચોપડીઓમાંથી શોધીશોધીને, કલાકો ગાળીને નવીનવી વસ્તુઓ બનાવું તો તે ખૂબ ખુશ થાય. હું ફૂલોની ગોઠવણી કરું, ઘર સજાવું, સુંદર કપડાં પહેરું, હસતી રહું તો તે ખૂબ ખુશ થાય. તેના મિત્રોને હું બે ગીત ગાઈ સંભળાવું કે સ્વાદિષ્ટ નાસ્તા વડે તેમનું આતિથ્ય કરું ત્યારે તે ફુલાય. જાણે હું તેના પોતાના જ વિસ્તારને માથે ઝૂલતું છોગું હોઉં. પણ હું કોઈ વસ્તુ માત્ર મારે માટે કરું, કરવા ઇચ્છું તો એને એ સહી ન શકે. મારા જીવનમાં કોઈ મોટી, ઊંડી બાબતનો પ્રવેશ થાય. હું એની પાછળ લાંબો સમય ગાળું, એથી ઘરનાં કામ થોડાં અવ્યવસ્થિત થઈ જાય — એ બધું તે સહી ન શકે. વસુધા, આને તું પ્રેમ કહે છે? રાતદિવસ પોતાની સાથે વળગાડી રાખવા માગતા, આપણને આપણા માટે જરા સરખોય અવકાશ ન આપતા અનુરાગને તું પ્રેમ કહે છે?’ ‘વાસંતી પ્લીઝ…’ ‘પહેલાં એ મારી સુંદરતાની પ્રશંસા કરતો ને હું હરખાઈ રહેતી. હવે મને ગુસ્સો આવે છે. તે માત્ર મારું શરીર જ જુએ છે? આવતી કાલે હું સુંદર ન પણ રહું. નહિ જ રહું. કોઈ સ્ત્રીની સુંદરતાની, તેની રસોઈની બહુ પ્રશંસા ક૨વી એનો અર્થ એ થાય કે તેને કહેવું, તું ૨સોઈ કર્યા કર અને સુંદર બની રહે. તું દાળ-ચોખા-હળદર-મસાલાથી અને લિપસ્ટિક-મેકઅપથી વીંટળાયેલી રહે. પ્રેમ… પ્રેમ… કવિઓએ પ્રેમનાં ગીત ગાયાં છે તે તો એક મોટું જૂઠાણું છે. વ્યક્તિ મળી ન હોય ત્યાં સુધી એ પ્રેમ રહે છે. એક વાર વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય પછી એને આપણને, બધી સ્ત્રીઓને, પછી રાતના અંધારામાં ઓળખવામાં આવે છે ને રાતના અંધારામાં વિસારે પાડી દેવાય છે.’ તેણે શ્વાસ લીધો, જરા અટકીને ફરી બોલી : ‘અને આપણે એક દિવસ થોડોક જીવવાનો પ્રયત્ન કરી લઈએ, એક સાંજ થોડોક દરિયો શ્વાસમાં ભરી લેવા બહાર નીકળીએ તો મન ફફડી ઊઠે છે : ઘેર જઈશું ત્યારે શું થશે?’ વસુધાએ તેના પર હાથ મૂક્યો. હળવેથી કહ્યું : ‘મને એક વાત કહે. સતીશ તે સાંજે ચાલ્યો ગયો ત્યારે તને જે દુઃખ થયું તે શાનું દુઃખ હતું? માનભંગ થવાનું? લગ્નતિથિની અવગણનાનું? બીજી સ્ત્રી સાથે તે ગયો તેનું?’ વાસંતીનો ચહેરો ગંભીર થઈ ગયો. ‘એ બધું હોઈ શકે, પણ સૌથી વધુ દુઃખ એ થયું કે મારી કેવડી મોટી ઇચ્છા આડે એણે ‘ના’ની દીવાલ બાંધી, અને મેં એ સ્વીકારી લીધી અને એણે મારી સાવ નાનકડી ‘ના’નું, એક સાંજની ‘ના’નું પણ માન રાખ્યું નહિ.’ ‘પણ ધાર કે વાસંતી, એણે તારી “ના” ન કબૂલી, એમ તેં પણ એની “ના” માન્ય ન રાખી હોત તો?’ વાસંતી હસી, ‘નાનપણથી જ આપણા મનને એવી રીતે ઘડવામાં આવ્યું છે કે પતિને પૂછ્યા વગર કોઈ મહત્ત્વનું કામ કરાય નહિ, અને પતિ ના પાડે તો એ ન જ કરાય. પત્ની ના પાડે તો એનું પતિને કશું બંધન નહિ. પણ પતિ ના પાડે, તો એ જાણે અનુલ્લંઘ્ય દીવાલ. આપણાં બધાંનું, સમગ્ર સ્ત્રી-સમાજનું માનસ સદીઓની સદીઓથી એ રીતે બદ્ધ કરવામાં આવ્યું છે. પછી આપણે પણ એ વ્યવસ્થાને જ બરોબર માની લઈએ છીએ. પછી એ યોગ્ય છે કે નહિ તેવું પૂછતાં નથી, એમાં ન્યાય છે કે નહિ તે જોતાં નથી.’ ‘જોઈ તો શકીએ છીએ કદાચ, પણ એ પ્રમાણે જીવી નથી શકતાં.’ વસુધાએ કહ્યું. ‘જીવવા જઈએ તો ઘર્ષણ થાય. આપણી સાવ નજીકના માણસ સાથે પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો એ કાંઈ ગૌરવની વાત છે?’ ‘અને કદાચ પછી એ નજીકનો માણસ રહે પણ નહિ…’ બન્ને થોડી વાર ચૂપ રહ્યાં. સૂરજ હવે સાવ પાણીની કિનારને અડીને ઊભો હતો… હવે તો વ્યોમેશ ઘેર આવી જ ગયો હશે. મારી શોધ ચાલતી હશે… વસુધાના મનમાં વિચાર ફરક્યો અને એણે એ હળવેથી ઊંચકીને બાજુ પર મૂકી દીધો. મને એમ હતું કે મારામાં હિંમત નથી, પણ તને તો હું વધારે સમર્થ માનતી હતી.’ વસુધાએ કહ્યું : ‘હું ફરી પૂછું છું, ધાર કે એની “ના”ની અવગણના કરીને તેં સંગીત શીખવા માંડ્યું હોત તો તે શું કરત?’ ‘તો શું કરત?’ વાસંતીએ જરા વિચાર કર્યો. ‘મારા કાન તો ન જ આમળત. ઘરમાંથી કાઢી પણ ન મૂકત.’ ‘અને પ્રેમ ન આપત એમ પણ તું કહી શકે એમ નથી. કારણ કે એ જે આપે છે તે પ્રેમ નથી, એમ તેં હમણાં જ કહ્યું.’ વસુધા બોલી. ‘તો પછી એ કઈ વસ્તુ છે જેને બચાવવા આપણે આટલાં આજ્ઞાધીન બની રહીએ છીએ? શાને ખાતર આપણે આપણી ઊંડામાં ઊંડી અભીપ્સા ને ઈશ્વરના હાથે મળેલું વરદાન જતું કરવા તૈયાર થઈએ છીએ? સંસાર ચલાવવા પુરુષને સ્ત્રીની જરૂ૨ પડે છે, પણ દેખાય છે એવું જાણે આપણને જ એમની જરૂ૨ હોય. કહે વાસંતી, તેં તારી સંગીત-સાધના શરૂ કરી હોત તો તે શું કરત?’ એક ક્ષણ વાસંતી વિચારમાં પડી. પછી બોલી : ‘બીજું કાંઈ ન કરત, માત્ર મારી અવજ્ઞા કરત, હું ઘરમાં છું જ નહિ એમ વર્તાવ કરત. મારું માનભેર જીવવાનું મુશ્કેલ કરી મૂકત. એવો ભાવ દર્શાવત, જાણે હું મફતનું ખાઉં છું અને મારી ફરજ બજાવતી નથી અને… કદાચ કહેત…’ ‘શું કહેત?’ ‘કે મારા ઘરમાં રહેવું હોય તો આમ નહિ ચાલે…’ વસુધા ચૂપ રહી. સૂરજ હવે ડૂબી ગયો હતો. આકાશ ધોળુંફક અને નિસ્તેજ હતું. ‘ઊઠીશું?’ તેણે પૂછ્યું. વાસંતી કાંઈ બોલ્યા વિના ઊભી થઈ. બન્નેએ રસ્તા તરફ ચાલવા માંડ્યું. જતાં જતાં રેસ્ટોરામાં નજર નાખી. સુધીર અને એની સાથેની યુવતી બન્ને હજી બેઠાં હતાં. વાતો કરતાં હતાં. હળવાં ને નિરાંતમાં લાગતાં હતાં. આ માણસ પણ મોડો ઘેર જશે. પણ લલિતાબહેન ગુસ્સો કરવાનું તો બાજુએ, કેમ મોડું થયું એમ પૂછતાં પણ કદાચ ડરશે. એક સ્ત્રી સાથે સંબંધ હોવા માટે સુધીર ડંખ અનુભવતો હશે, તો નાનો શો પ્રશ્ન પૂછતાં જ ચિડાઈ જશે. પણ તેની સાથેની આ સ્ત્રી કોણ છે? તેણે વાસંતીને પૂછ્યું. વાસંતી તેના કરતાં વધારે જાણે છે. ‘એ એની પ્રિયતમા છે. લલિતાબહેનને એની ખબર છે. તે તો ઘરમાં ખુલ્લી રીતે આ કબૂલ કરે છે. છોકરાંઓને પાસે બેસાડીને કહે છે : ‘તમારી મા મને સુખે રહેવા નથી દેતી. હું બહાર કામ કરું છું. આજની દુનિયાની હરીફાઈ અને સંઘર્ષમાં આગળ આવવા મારે મારી શક્તિ નિચોવી નાખવી પડે છે. તમે લોકો બેઠાંબેઠાં આરામથી ખાઈ-પી શકો તે માટે મારે કેટલો શ્રમ, કેટલો સંતાપ વેઠવો પડે છે એની તમને ખબર નથી. મારે પણ શાંતિ ને આનંદ આપે, મારું હૃદય ઠારે એવો સંબંધ જોઈએ કે નહિ? એ સ્ત્રી મને ખૂબ સુખ આપે છે. એની પાસેથી બળ મેળવીને તો હું ટકી શકું છું. તમારી મા મને એવી શાંતિ આપી શકે છે? પૂછી જુઓ એને.’ એટલે કે, એના એ સંબંધ માટે એ લલિતાબહેનને જ જવાબદાર ગણે છે, એમ ને? શી ધૃષ્ટતા!’ ‘ધૃષ્ટતા જ માત્ર નહિ, એની નઠોરતા તો જો! કે લલિતાબહેનને એમને પિયર જવા ઉપર પણ પ્રતિબંધ છે. એનાં ભાઈ-બહેન અહીં આવીને મળવું હોય તો મળી જાય, લલિતાબહેને ત્યાં નહિ જવાનું. લલિતાબહેનનાં પિયરિયાં ખૂબ શ્રીમંત છે, તેથી સુધીરભાઈને એમની ઈર્ષ્યા થાય છે.’ બસ-સ્ટૉપ પર બસ ઊભી જ હતી. બન્ને દોડીને ચડી ગયાં. મહાનગરમાં વાંકાચૂંકા, અજગરની જેમ પથરાઈ પડેલા લાંબા રસ્તા પરથી બસ દોડવા લાગી. ‘વાસંતી, મને કંઈક સૂઝે છે.’ વસુધા એકદમ બોલી ઊઠી. ‘શું?’ ‘આપણે કંઈક કરવું જોઈએ. આપણે બધાં મળીને કશુંક કરી શકીએ.’ ‘શું કરી શકીએ?’ ‘એ લોકો આપણા પર આટલી બધી સત્તા ધરાવે છે, કારણ કે આપણે એમની સત્તા કબૂલ રાખીએ છીએ. ધારો કે આપણે એમની સત્તા કબૂલ ન રાખીએ, તો? આપણે સાથે મળી એકમેકને ટેકો આપીએ, તો આપણામાં એ કરવાની હિંમત આવે.’ ‘વસુધા, સમાજનું એકમ કુટુંબ છે. કુટુંબનો આશ્રય ઘર છે. આ ઘરમાં કુરુક્ષેત્ર રચાય તો એની જવાબદારી આપણે લઈ શકીશું?’ ‘પણ આપણને એ લોકોની જેટલી જરૂર છે, એટલી જ એ લોકોને આપણી જરૂ૨ છે. એ કુરુક્ષેત્ર ન રચાય એ જોવાની જવાબદારી શું તેમની પણ નથી?’ ‘એ લોકો કમાય છે, અને માને છે કે બસ, એમાં એમનું કર્તવ્ય પૂરું થઈ ગયું. સંબંધોને સ્થાયી કરી રાખવાનો, ઘરમાં શાંતિ ને આનંદ નષ્ટ ન થાય તે જોવાનો બધો ભાર આપણા પર છે.’ વાસંતી જરા ઉદાસ થઈ જઈને બોલી. ‘પણ કામ તો આપણે કરીએ છીએ. ઘર સંભાળવાની ફરજ આપણે બજાવીએ જ છીએ.’ વસુધાનો અવાજ સહેજ ઊંચો થયો. ‘ઘરને આનંદમય બનાવવાનો ભાર બધો જો આપણી ૫૨ જ હોય, તો આપણું મહત્ત્વ વધારે નહિ તો એ લોકો જેટલું પણ કેમ નથી?’ વાસંતી ચુપ રહી. ઘર નજીક આવવા લાગ્યું. વસુધાએ કલ્પના કરી કે વ્યોમેશ તેને શું શું કહેશે, અને એ બધાના મુદ્દાવાર જવાબ તે મનમાં ગોઠવી રહી… તમે ઑફિસેથી સીધા નિરંજનને ઘેર ઘણી વાર જાઓ જ છો ને!… બાળકોને એક દિવસ સાચવી ન શકાય? એ તમારાં પણ બાળકો છે સ્તો!… અમને તો કોઈ દિવસ કોઈ ચા બનાવીને આપતું નથી. તમે એક દિવસ ચા બનાવી લો તો તેમાં કાંઈ ખોટું નથી… થાકી ગયા છો? પણ જે સ્ત્રીઓ બહાર કામ કરે છે તેયે થાકી તો જાય જ છે. છતાં ઘેર આવીને તરત કામમાં જોડાઈ નથી જતી? તમે જેને થાક કહો છો તે ખરેખર થાક છે કે પછી માત્ર ટેવ?… ધીમે ધીમે શાંત અવાજે પોતે જવાબ આપશે. આટલો વખત હંમેશાં ચુપ રહી છે, પણ હવે પોતે બોલશે. ઊતરવાનું સ્ટૉપ આવ્યું, બન્ને ઊતરીને જોડાજોડ મૂંગાં મૂંગાં ચાલવા લાગ્યાં. વસુધાનું હૃદય ધડકવા લાગ્યું. આજ સુધી કોઈ દિવસ વ્યોમેશ સાથે લાંબી દલીલમાં ઊતરી નહોતી. વ્યોમેશને એ ગમતું નહિ. આજે હું તેને જવાબ આપીશ ત્યારે તે શું કહેશે? ઘર નજીક આવતાં બન્ને હેબતાઈ ગયાં. ત્યાં ધમાલ મચી હોય એવું લાગતું હતું. ઘણાં લોકો એકઠાં મળ્યાં હતાં. ખૂબ ઘોંઘાટ થતો હતો. ‘શું થયું?’ વસુધાએ ગુસપુસ અવાજે વાસંતીને પૂછ્યું. વાસંતીએ ‘શી ખબર?’ની મુદ્રામાં આંગળાં ફેલાવ્યાં. બન્ને જણ ઝડપથી ઘરનો દાદર ચડવા લાગ્યાં. બધા ફ્લૅટનાં બારણાં ઓછાવત્તાં ખુલ્લાં હતાં. બધી બત્તીઓ ચાલુ હતી. બીજે માળે પહોંચતાં એમણે ક્રંદનનો અવાજ સાંભળ્યો. રંજનાના ઘ૨માં સ્ત્રીઓનું એક નાનું ટોળું બેઠું હતું. ફૈબા પણ એમાં હતાં. રંજના ધીમો વિલાપ કરી રહી હતી. વચ્ચે વચ્ચે મોટેથી રડી પડતી હતી. એક સ્ત્રી તેની પીઠ પર હાથ ફેરવતી હતી. બધાંનાં મોં પર મૂઢતા ચીતરાઈ હતી. લીના બારણા પાસે બેઠી હતી. વસુધાએ એની પાસે ઉભડક બેસી ધીમેથી પૂછ્યું : ‘શું થયું?’ ‘તમને ખબર નથી? તમે લોકો ક્યાં હતાં? આશા… આશા અગાસીમાંથી પડી ગઈ.’ ‘પડી ગઈ?’ વસુધાનો અવાજ તરડાઈ ગયો. ‘ઉપરની અગાસીમાંથી, હૉસ્પિટલમાં લઈ ગયા છે. થોડી વાર પહેલાં જ લઈ ગયા.’ જીવી તો જશે ને?’ લીનાએ ડોકું ધુણાવ્યું. ‘તમે લોકો બહાર ગયાં હતાં? દોઢ કલાકથી આ ધમાલ ચાલે છે. પોસ્ટમૉર્ટમ ક૨શે.’ ‘પણ કેવી રીતે પડી ગઈ?’ ‘ખબર નથી.’ પછી કાનમાં કહેતી હોય એમ બોલી : ‘આપઘાત કર્યો લાગે છે. અગાસીમાંથી એમ કાંઈ પડી જવાય?’ વાસંતી અંદર બેઠી. વસુધા ‘હમણાં આવું છું,’ કહીને ઉપર ગઈ. બન્ને છોકરાઓ ડાહ્યા થઈને ભણવા બેઠા હતા. દીપંકર પાસે બેસી તેમની ચોપડીમાંથી ચિત્રો જોતો હતો. વ્યોમેશ ઘરમાં નહોતો. માને જોતાં જ ત્રણે છોકરાઓ દોડી આવ્યા. ‘અત્યાર સુધી તું ક્યાં હતી?’ તેમની સાથે થોડી વાતો કરી, દીપંકરને હુલાવીફુલાવી તે ફરી રંજનાને ઘેર જઈ બધાંની સાથે બેઠી. આવી કુમળી પંદર વર્ષની છોકરીએ આપઘાત શાથી કર્યો હશે? આપઘાત કરતાં પહેલાં તેના મન પર શું શું વીત્યું હશે? મધરાત પછી બધાં ઘેર આવ્યાં. પોલીસ કેસ, પોસ્ટમૉર્ટમ વગેરેને કારણે શબ પાછું મળતાં ઘણી વાર લાગી. અવરજવરની વચ્ચે વ્યોમેશ-વસુધાની નજ૨ મળી. પણ તે કાંઈ બોલ્યો નહિ. સવારે બધા પુરુષો સ્મશાને ગયા ત્યાં સુધી વસુધા ને વાસંતી રંજનાને ઘે૨ જ હતાં. વચ્ચે એક વાર બન્ને સાથે બહાર નીકળ્યાં ત્યારે વાસંતીએ વસુધાને કાનમાં કહ્યું : ‘એણે આપઘાત કેમ કર્યો તેનું હું અનુમાન કરી શકું છું. તેં હમણાંથી એને જોયેલી?’ ‘ખાસ ધ્યાન નથી. હમણાંથી કદાચ નહોતી જોઈ.’ વાસંતી વધુ નજીક આવી તદ્દન ધીરા સ્વરે બોલી : ‘એને કોઈએ ફસાવી હશે.’ વસુધાને હૃદય ધબકતું અટકી જતું લાગ્યું. ‘એટલે?’ ‘એને… એને — ’

*

સ્મશાનેથી આવીને વ્યોમેશ નાહીને ધબ કરતો પથારીમાં પડ્યો. શરીરમાં ખૂબ થાક હતો. ઉજાગરાથી આંખો લાલ હતી. વસુધા એને માટે ચા લઈને આવી કે ગુસ્સાથી બોલ્યો : આને માટે તારે પૈસા જોઈતા હતા?’ વસુધા એના અવાજમાં ધક્કાથી હેબત ખાઈને એક ડગલું પાછળ હઠી ગઈ. પછી અવાજને બને તેટલો સંયત રાખીને બોલી : ‘આપણે મદદ કરી હોત તો કદાચ બચી જાત.’ એને થયું કે ગુસ્સો તો પોતે કરવો જોઈતો હતો. વ્યોમેશ બેઠો થઈ ગયો. ‘શું કહ્યું?’ તેનો અવાજ ને તેનાં નેત્રો બન્ને વસુધાને દઝાડી રહ્યાં. પહેલાંનો સમય હોત તો વસુધા ચુપ રહી હોત. પણ હજુ ગઈ કાલે જ એક વિચા૨ તેણે મનમાં ઉગાડ્યો હતો. તે બોલી : ‘બહુ મૂંઝવણમાં મુકાઈ ગઈ હશે. સમયસર એને પૈસા ને માર્ગદર્શન મળ્યાં હોત તો કદાચ કાંઈ વિચારી શકત.’ વ્યોમેશ ઊભો થઈને તેની નજીક આવ્યો. વસુધા ગભરાઈ ગઈ. મા૨શે કે શું? નજીક આવી ક્રોધથી ફૂંફાડા મારતા અવાજે વ્યોમેશે કહ્યું : ‘એ છોકરીએ આખા કુટુંબને કેટલું બેઆબરૂ કર્યું — કાંઈ ભાન છે? છટ્, તદ્દન હલકાં લોકો છે. અને પાછી તું એમને માટે થઈને મારી પાસે પૈસા માગતી હતી અને આ બધું ખાનગી રાખવા માગતી હતી!’ વસુધા સ્તંભિત થઈને બારણા પાસે ઊભી રહી. પછી અવાજ એકઠો કરીને ધીમેથી બોલી : ‘બધો વાંક શું આશાનો હતો? જેણે એને ફસાવી હશે એનો શું કાંઈ જ ગુનો નહિ?’ અને વ્યોમેશ જવાબ આપે તે પહેલાં તે બારણાની બહાર નીકળી ગઈ.