સાત પગલાં આકાશમાં/૧૬
વસુધાએ આજ સુધી મૃત્યુ માટે માત્ર સાંભળ્યું જ હતું. પહેલી વાર તેણે મૃત્યુને નિકટતાથી જોયું. આશાનો મૃતદેહ ઘેર લાવવામાં આવ્યો ત્યારે તે ત્યાં જ હતી. ગઈ કાલ સુધી પંખીની જેમ ઊડાઊડ કરતો, તેજ ને તાજગીથી તરવરતો દેહ આજે ચાદરથી ઢંકાયેલ એક નિશ્ચેષ્ટ આકાર હતો. આ ઘટનાને અકસ્માત તરીકે ઓળખાવવામાં આવી હતી, પણ નજીકના લોકોને હકીકતની ખબર હતી. આવા ભયંકર નિર્ણય પર પહોંચતાં પહેલાં એ કિશોરીના મનમાં વિચારો, લાગણીઓ, ભયનું કેવું ઘમસાણ મચ્યું હશે? આવું કરતાં પહેલાં તેણે કોઈક માર્ગ શોધવા કેટલી મહેનત કરી હશે? ડૂબતાં પહેલાં એણે પાતળાં તરણાં પકડ્યાં હશે પછી ત૨ફડાટથી ભરેલી તે અંધકારની ગુફામાં ગરક થઈ ગઈ હશે. તે બચી જઈ શકત… વસુધાએ વિચાર્યું. કોઈકે મદદ કરી હોત તો ચોક્કસ તે બચી જાત. રંજનાબહેન તેને અહીંથી દૂર, દિલ્હી તેમની એક દૂરની બહેન હતી તેની પાસે મોકલી દેવા માંગતાં હતાં. પછી કંઈક રસ્તો શોધી શકાત. પણ તેમની પાસે પૈસા નહોતા. દીપકને આશાની વાતની પહેલાં ખબર હશે કે મૃત્યુ વખતે જ તેની જાણ થઈ હશે? તેને ભાન થયું હશે કે આમાં તેની પણ જવાબદારી છે!… વિચારનો તંતુ આગળ ફૂટતાં વસુધા જરા કંપી ગઈ. તો શું માબાપનાં દુષ્કર્મો સંતાનો પર ઊતરી આવતાં હોય, એમ બને? સંતાનોને પૈસા-જાગીર કે દેહાકૃતિ વારસામાં મળે છે, તેમ તેમનાં જૂઠાણાં, અન્યાય અને તેમણે કરેલા દ્રોહના ફળ પણ શું વારસામાં મળતાં હશે? થોડા દિવસ આખા મકાનનું વાતાવરણ ગમગીન રહ્યું. વસુધા કદાચ સૌથી વધારે અસ્વસ્થ હતી. ધોળાં કપડાં પહેરી મોઢા પર શોક ચિપકાવી સ્ત્રીઓ રંજના પાસે આવતી અને ‘ફૂલ બનતાં પહેલાં જ કળી ખરી પડી… જેવી ભગવાનની મરજી’ વગેરે કહેતી ત્યારે વસુધાનું લોહી ઊકળી ઊઠતું. તેને કહેવાનું મન થતું : આ કાંઈ ભગવાનની મરજી નથી. દીપક બીજી સ્ત્રીઓ સાથે સંબંધ ન રાખતો હોય, તો ઘરમાંથી પૈસા છાની રીતે લઈ જવાની તેને જરૂ૨ ન પડત. જો રંજનાબહેન પાસે પૈસા હોત તો આશા માટે તેમણે જે ગોઠવણ વિચારી, તે પ્રમાણે વ્યવસ્થા કરી શકાઈ હોત. આ તો નિવારી શકાય એવી ઘટના હતી. એ ન નિવારી શકાઈ એમાં કોનો વાંક હતો? દિવસો સુધી તેના મનમાં પ્રશ્નો અને વિચારો ઘુમરાતા રહ્યા. આખો દિવસ તેની સામે આશાનો ચહેરો તરવરી રહેતો. વસુધા થરથરતા અવાજે તેને પૂછતી : પણ તારે શા માટે મૃત્યુ પામવું જોઈએ? જે ગુનો તારો નથી એની સજા તારે શા સારુ ભોગવવી જોઈએ? …વ્યોમેશ ને ફૈબા તો વસુધા પર, તે દિવસે સાંજે તે કહ્યા વગર બહાર ગઈ હતી ત્યારથી ગુસ્સે હતાં. પણ આશાના મૃત્યુના કારણે બે-ત્રણ દિવસ વાતાવરણ ખૂબ ડહોળું થઈ ગયું હતું એટલે કોઈ કાંઈ બોલ્યું નહિ. પછી તો વાત પર સમયનો એક થર ચડી ગયો. તોપણ થોડા દિવસ પછી વ્યોમેશે પૂછેલું : ‘તે દિવસે સાંજે ક્યાં ગઈ હતી, વસુધા?’ વસુધાએ વ્યોમેશ સામે જોયું. માણસ જ છે તો! કાંઈ ખૂનખાર પ્રાણી તો નથી! ડરવાની શી જરૂ૨ છે? તે બોલી : ‘બહાર ગઈ હતી.’ ‘એકલી?’ ‘વાસંતી સાથે હતી.’ ‘તો આટલું બધું મોઢું કેમ થયું?’ ‘દરિયાકાંઠે બેઠાં હતાં. સાંજ સરસ હતી. વાતોમાં સમયનું ધ્યાન ન રહ્યું.’ તેનો અવાજ શાંત અને સ્વસ્થ હતો. વ્યોમેશ ક્યાંક ઊંડે સહેજ નવાઈ પામ્યો. વસુધાની આ નિર્ભયતાનો તેને પહેલાં પરિચય નહોતો. આ નવું તત્ત્વ તેનામાં ક્યાંથી આવ્યું? ગુસ્સે થતાં તે અચકાયો. તો પણ જરા ઊંચા અવાજે બોલ્યો : ‘તો ફૈબાને કહીને ન જવું જોઈએ? અહીં કેટલી ચિંતા થઈ પડી હતી?’ ‘હું નીકળી ત્યારે ફૈબા ઊંઘતાં હતાં.’ એ જ સ્થિર દૃષ્ટિ. શાંત અકંપ સ્વર. વસુધાએ મનમાં તૈયારી રાખી હતી. લડવું નહોતું, દલીલો કરવી નહોતી, માત્ર એક નક્કર વાત શાંતપણે, સ્વસ્થતાથી ભય વગર કહેવી હતી; પછી શું થશે — તેની ચિંતા વગર કહેવી હતી. કહેવાય છે કે તમે ભયથી વિચલિત થયા વિના શાંત હિંમતથી ઊભા રહો, તો સામે આવતો વાઘ પણ એનાથી પ્રભાવિત થઈ, કશી ઈજા કર્યા વગર બાજુમાંથી ચાલ્યો જાય છે. વ્યોમેશને પહેલી વાર ખ્યાલ આવ્યો કે વસુધાની અંદર કોઈક તત્ત્વ છે, જે પોતાની પહોંચની બહાર છે. જેને આત્મા કહે છે, અથવા ચેતના કહે છે, તે આ હશે? તે પોતાની અંદર સહેજ દબાયો. ચૂપ રહ્યો. ઘરકામમાં રહેતી ઝીણી ભૂલો જોવાની ટેવાયેલી ફૈબાની દૃષ્ટિ વસુધાના આ પરિવર્તનને જોઈ શકે એ અસંભવિત હતું. તેમણે વધુમાં વધુ વાગે એવા શબ્દો પસંદ કરીને વસુધાને સંભળાવ્યા. વસુધાએ એ તરફ ધ્યાન આપ્યું નહિ. તેના મનમાં તો જુદા જ વિચારો ચાલી રહ્યા હતા. ઊઘડતી ઇન્દુલેખા જેવી એક છોકરી… સાચું શું ને ખોટું શું, કાર્ય શું ને તેનાં પરિણામ શું — એનાથી અનભિજ્ઞ, ડૉક્ટર થવાની આકાંક્ષા ધરાવતી, પણ આવક ટૂંકી હોય ત્યારે દીકરીને બદલે દીકરાઓ પાછળ જ ખર્ચ કરવાની માબાપની પસંદગીથી ઘવાયેલી આ કિશોરીએ આવી પરિસ્થિતિમાં મુકાતાં શું શું સહન કર્યું હશે? કોની પાસે તેણે મદદ માગી હશે? અને એ મદદ નહિ મળી હોય ત્યારે તેણે કેવી ગૂંગળામણ અનુભવી હશે? વસુધા બેચેન બની ગઈ. આને માટે જવાબદાર કોણ? કોણ? કોણે અણઊઘડ્યા યૌવનના આ સોહામણા ચહેરા પર મૃત્યુ ફંગોળી દીધું? કોઈક અજાણ્યો માણસ — જેણે કાં તો જોર-જબરદસ્તી કરી હશે, અથવા રેશમી શબ્દો વડે એને ભોળવીને અંધારી ખીણના કાંઠે ધકેલી દીધી હશે… કુંવારી કન્યાના માતૃત્વને પાપ ગણતા સમાજમાં આશાએ મૃત્યુને આલિંગવું પડ્યું હશે. પણ… પિતૃત્વનું શું? એને કેમ પાપ નડ્યું નહિ? ગુસ્સાથી તે ધ્રૂજી રહી. એ માણસને શોધી કાઢવાનું, ખૂની તરીકે એને અદાલતમાં હાજર કરવાનું એને મન થયું. આ આપઘાત હતો, પણ ખરેખર તો એ ખૂન હતું… પણ એકલો એ અજાણ્યો જણ જ શું આશાની પરિસ્થિતિ માટે જવાબદાર હતો? આશા મૃત્યુ પામી તે માટે શું દીપકની જવાબદારી નહોતી? અને વ્યોમેશ… સ્ત્રીને વળી મિત્રતા શી? વિશ્વાસનો સંબંધ શો? પૈસાની જરૂ૨ શી? — એમ માનતો વ્યોમેશ પણ શું આ મૃત્યુ માટે જવાબદાર નહોતો? જે લોકો બંદૂકની ગોળી કે છરીની અણીથી મનુષ્યની હત્યા કરે છે, તેઓ જ માત્ર ખૂની છે? જે લોકો પોતાના અહંકાર અને અધિકાર વડે, નિષ્ઠુર વાસના વડે, માન્યતા અને રૂઢિચુસ્ત ખ્યાલો વડે નજીકના માણસને કણકણ કરીને હણે છે. એમણે પણ કોઈક અદાલતમાં જવાબ તો આપવો પડશે. આ જગતમાં એક વિશાળ ન્યાય કામ કરે છે. એ નિયમની પોતાને જાણ નથી એમ કહેવા માત્રથી તેઓ શું સજામાંથી છટકી જઈ શકશે? ઘરમાં તેને ગૂંગળામણ થવા લાગી. ઘણા વખતે તે અગાસીમાં ગઈ. એક છેડાથી બીજા છેડા સુધી ટહેલ્યા કર્યું. દીપંકર આવીને પાલવમાં વીંટાયો. વસુધાએ એને હળવેથી દૂર કર્યો. હર્ષ અને અશેષ તોફાન કરતા, હસતા, દોડતા આવીને તેને વળગ્યા. ‘ભૂખ લાગી છે, મા!’ વસુધાએ સુક્કા અવાજે કહ્યું : બરણીમાં બિસ્કિટ છે, લઈને ખાઈ લો.’ છોકરાઓએ નવાઈ પામીને મા સામે જોયું. આવું તો પહેલાં કદી કર્યું નહોતું! હંમેશા હેતથી આંગળી પકડીને લઈ જતી, પાસે બેસીને ખવડાવતી. આજે માને શું થયું છે? જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સંબંધાઈએ છીએ? વસુધાએ પોતાની જાતને પૂછ્યા કર્યું. આશા ડરની મારી માબાપને પહેલાં વાત નહિ કરી શકી હોય. સંતાનો જો ખુલ્લા હૃદયથી માબાપ પાસે વાત ન કરી શકે, પોતાની કારમી પળોમાં હિંમત ને આધાર ન મેળવી શકે, તો એ સંબંધનો અર્થ શો? જે સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ અને નિર્ભયતાથી જીવી શકાતું ન હોય, જેમાં જીવંત વ્યક્તિ કરતાં મૃત પ્રણાલિકાનું વધુ માન કરવામાં આવતું હોય, જેને સાથ વડે વધુ સુંદર બનાવી શકાતો ન હોય — એ સંબંધનો અર્થ શું છે? આ રીતના જીવનનો, આ દુનિયાનો પણ કાંઈ અર્થ છે? કે બધું ક્ષણિક, વ્યર્થ, એબ્સર્ડ છે? એક કુમળી મઝાની છોકરી મૃત્યુ પામે, અને તેને મૃત્યુમાં ધકેલનાર સંમાનિત ચહેરો લઈ દુનિયામાં ફરતો હોય, ઑફિસમાં ઊંચો હોદ્દો ધરાવતા હોય, કલાકાર હોય, આશ્રમનો અધિપતિ હોય એને કશું નહિ થાય, કારણ કે તે પુરુષ છે. વસુધાનું અંગ અંગ સળગવા લાગ્યું. તેને થયું કે પોતે કંઈક કરવું જોઈએ. પોતાની જવાબદારી ફક્ત ઘર ને કુટુંબ પ્રત્યે જ નથી; બધી સ્ત્રીઓ પ્રત્યે તેની જવાબદારી છે. બધી સ્ત્રીઓને થતા અન્યાય માટે, સહેવા પડતાં દુઃખ માટે, સમગ્ર જીવન માટે તેની પણ જવાબદારી છે. આ અન્યાય વિશે હું શું કરું? હું શું કરી શકું? તેણે આકાશ ભણી જોઈને પૂછ્યું. હું એકલી કાંઈ ન કરી શકું, પણ અમે સાથે મળીને કરી શકીએ. મનુષ્યે, સંબંધ દ્વારા પોતે જે હોય, તેનાથી કંઈક વધારે થતા રહેવું જોઈએ. પણ સ્ત્રી તો, સંબંધમાં, પોતે હોય તેના કરતાં ઓછી થતી જાય છે. અને આ ઓછા થવાને જ તેની લાયકાત ગણવામાં આવે છે. સંબંધ વગર તો જીવન જ નથી. જીવન એટલે જ સંબંધ. શા માટે સંબંધો એવા ન હોય કે બધાં જ એમાં હસે, ખીલે, ક્ષણિકતાનો આ બાગ આનંદનાં ફૂલોથી ભરી દે? વ્યોમેશ આવ્યો ને તેણે વસુધાને અગાસીમાં આંટા મારતી જોઈ. રસોડું ઠંડું હતું. છોકરાઓ પોતાની મેળે ખૂણામાં વાંચતા હતા. ચા બની નહોતી. નમી પડેલા સૂર્યના લાલ-કેસરી અજવાળામાં વસુધાનો ચહેરો ખૂબ તેજસ્વી લાગ્યો. વ્યોમેશ બારણા પાસે ઊભો રહ્યો. વસુધાનું ધ્યાન ગયું નહિ. તે પોતાના વિચારોમાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી. માણસે ઊગવું જોઈએ — વૃક્ષ જે સ્વાભાવિકતાથી સૂર્ય ભણી ઊગે તે રીતે ઊગવું જોઈએ. પોતાની સીમાઓમાંથી બહાર નીકળવું જોઈએ. નવા રસ્તા ને નવી ગલીઓમાં, નવા વિચારો ને વિશાળ અનુભૂતિઓમાં, દૂરનાં મેદાનો અને હિમાલયના પહાડોમાં ભ્રમણ કરવું જોઈએ. અચાનક હિમાલયના નામ સાથે આદિત્ય યાદ આવ્યો. શું કરતો હશે એ? ક્યાં હશે? જ્યાં હશે ત્યાં મુક્ત હશે, ઊગતો હશે. ચીલાચાલુ નિશ્ચિતતાના પિંજરામાં પુરાય એવો એ જીવ નહોતો. એકાએક એને મળવાનું મન થઈ આવ્યું. ‘વસુધા!’ એણે પોતાનું નામ સાંભળ્યું પણ એ સાંભળ્યા પછી શું કરવું જોઈએ, તેની તેને ખબર પડી નહિ. તેને લાગ્યું કે પોતે સાંજના પ્રકાશમાં ઓગળી જઈ રહી છે. ‘વસુધા, હું તને બોલાવું છું, સંભળાતું નથી?’ વસુધાએ ડોક ફેરવી. કોના અવાજનાં આંદોલનો પોતાના કાન ૫૨ અથડાતાં હતાં? તે થોભી ગઈ. તેણે સામે જોયું. કોઈક ઊભું હતું. પોતે તેને ઓળખતી નથી. વ્યોમેશે આગળ આવી તેને ખભેથી હલાવી. ‘વસુધા, તને કાંઈ થાય છે?’ વસુધાએ શૂન્ય આંખે એની સામે જોયું. વ્યોમેશ જરા વ્યગ્ર થઈ ગયો. હાથ વડે વસુધાને દોરીને અંદર લઈ ગયો. પલંગ પર બેસાડી. વસુધા ઊંધા મોંએ ગાદલા પર પડી. રુદનથી તેનો આખો દેહ ધ્રૂજી રહ્યો. વ્યોમેશને કાંઈ સમજ પડી નહિ.
બીજે દિવસે તેનું મન શાંત હતું. બધો ઉદ્વેગ ચાલ્યો ગયો હતો. તેને થયું, હવે એક નવા રસ્તા પર ચાલવાનું છે. એ હરિયાળો-ઘટાછાયો રસ્તો હશે કે બળબળતો, કાંટાવાળો, ક્ષિતિજમાં ખોવાઈ જતો રસ્તો હશે — તેની ખબર નથી. વાસંતી અને લલિતા સાથ આપશે. વાસંતી સંગીત શીખવા જશે જ. લલિતાને સંસ્કૃત સાહિત્ય માટે બહુ પ્રેમ હતો. પ્રકૃતિ માટે પ્રેમ હતો. વાલ્મીકિથી માંડી કાલિદાસ સુધીના મહાકવિઓનો ઊંડાણથી અભ્યાસ કરી તેને બતાવવું હતું કે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે જે એક સૂક્ષ્મ અને સંવાદી નિયમન ચાલે છે એ જ સંવાદ ને સહકાર સમગ્ર જીવનના મૂળમાં છે — આજે બધાં ભલે એકમેકનો હ્રાસ કરીને જીવન જીવતાં હોય! કેટલું થઈ શકશે એની કંઈ ખબર નહોતી, પણ એક નવી કેડી કંડારવાનું મન હતું. લલિતા ભણશે, સંસ્કૃતના પંડિતો પાસેથી માર્ગદર્શન મેળવશે. અને હું — હું તો એક સામાન્ય સ્ત્રી છું. હું શું કરીશ? વ્યોમેશથી ભય ન પામવો એ મારી શરૂઆત હોઈ શકે… તેનું મન હળવું થયું. આશાને તેણે કહ્યું : તારું આ બલિદાન કદાચ અમને જગાડવા માટે છે, અમે અમારી ફરજ બજાવીશું, પણ હવે ઝૂકેલાં નહિ રહીએ. ટટ્ટાર થઈને ચાલીશું. ઘ૨માં સંવાદ રચવો હશે તો તે અમારી અધીનતા પર નહિ, પરસ્પર સહકાર ને સમાનતા પર રચવો પડશે. તેને સુમિત્રા યાદ આવી. તેણે ક્યાંક મશાલ પેટાવી હશે… તેણે ૨સોડામાં આવી ઝડપથી કામ કરવા માંડ્યું. વિચારના વેગને ઠંડો પાડવા કંઈક શરીરશ્રમનું કામ કરવું જોઈએ. રસોડાની ભોંય ગંદી હતી. તેણે સાબુનું પાણી નાખી બ્રશ વડે ભોંય ઘસવા માંડી. કામ કરવાનો આનંદ હતો. કામથી શરીર હળવું થતું લાગ્યું. બારણા પર ઘંટડી વાગી. બ્રશ પડતું મૂકી તે ઊભી થઈ. તારવાળો હતો. તાર પર પોતાનું નામ વાંચતાં તે ચમકી. કોનો તાર હશે? આશંકાથી ધ્રૂજતા હાથે તેણે તાર ખોલ્યો. ભાઈનો તાર હતો. મા ખૂબ માંદી હતી. તરત ને તરત નીકળી આવવા લખ્યું હતું. તેણે ઘડિયાળમાં જોયું. ચાર વાગ્યા હતા. સાડા પાંચની ગાડી હતી. ઝડપથી જાઉં તો પકડી શકાશે… એક બૅગમાં એણે ઝટપટ કપડાં ભરવા માંડ્યાં. મન ફફડી રહ્યું — માને કંઈ ન થાય… કંઈ ન થાય… ફૈબાએ તેને બૅગ ભરતી જોઈ. ‘શું કરે છે, વસુધા?’ ‘મારી મા માંદી છે. તાર આવ્યો છે. સાડા પાંચની ગાડી પકડીશ તો સવારે પહોંચી જઈશ.’ બોલતાં બોલતાં તેનો અવાજ ભાંગી ગયો. ફૈબાએ તેમની ઝીણી આંખો પટપટાવી. ‘પણ વ્યોમેશને આવવા તો દે.’ ‘એમના આવતાં સુધી રોકાઈ જાઉં તો ગાડી ઊપડી જાય.’ તેણે રસોડામાં આવીને બ્રશ ઊંચક્યું. પાણી નાખવા તે બાલદી લેવા જતી હતી ત્યાં ફૈબા પાછળ પાછળ આવ્યાં. ‘પણ વ્યોમેશને પૂછ્યા વગર તું કેવી રીતે જઈ શકે?’ વસુધાએ બહુ મહેનતે ગુસ્સાને કાબૂમાં રાખ્યો. ‘તમે એમને કહી દેજો. મને હવે વખત નથી.’ ‘અરે, પણ એમ તે કંઈ જવાય?’ ફૈબા તેની નજીક જવા ગયાં અને ધડામ્ કરતાં સાબુના પાણીવાળી ફરસ પરથી લપસ્યાં. તેમણે ચીસ પાડી. વસુધાએ દોડીને તેમને બેઠાં કરવાનો પ્રયત્ન કર્યો, પણ ફૈબાનું શરીર વજનદાર હતું. તે એમને બેઠાં કરી શકી નહિ. ફૈબા મોટે મોટેથી કણસવા લાગ્યાં. વસુધાને પોતાની પર ચીડ ચડી, નકામી સાબુના પાણીથી રસોડું ધોવા બેઠી… ફૈબા દુઃખનાં માર્યાં ચીસો પાડતાં હતાં. ફેક્ચર થયું હશે? વસુધાએ નીચે ઊતરીને પબ્લિક ટેલિફોનમાંથી વ્યોમેશને ફોન કર્યો. વ્યોમેશ આવ્યો અને ફૈબાને હૉસ્પિટલમાં લઈ ગયાં ત્યારે સાડાપાંચ વાગ્યા હતા. વસુધાએ હાથમાં તાર લીધો, ખોલ્યો, ફરી વાંચ્યો. એના અક્ષરો માની આંખો બની તેને નીરખી રહ્યા. ફૈબા પાસે કોઈના રહેવાની સગવડ કરી બે દિવસ પછી તે ગામ ગઈ, ત્યારે માની ચિતાને ઠરી ગયાને ચાર કલાક થઈ ગયા હતા.