સાત પગલાં આકાશમાં/૧૮


૧૮

સુમિત્રાની વાત તમને યાદ છે? મશાલ પેટાવવાની તમન્ના રાખતી એ છોકરી હવામાં ઓગળી નહોતી ગઈ. તે બીજા કોઈક દેશમાં જન્મી હોય, પુરુષ તરીકે જન્મી હોત તો ક્રાન્તિકાર કે ગેરીલા નેતા બની હોત? ખબર નથી. તેણે અત્યંત મૌલિક રીતે, નિર્ભય અને લડાયક રીતે પોતાના પ્રશ્નનો મુકાબલો કર્યો હતો. એમાં તેને એક ક્રાંતિકારી યુવા-સંસ્થાનો પૂરો સાથ મળ્યો હતો એ ખરું, પણ આ અદ્ભુત યોજનાની કલ્પના માત્ર તેની પોતાની હતી. કોઈને એ બાલિશ લાગે, પણ તેની દૃષ્ટિએ કારગત હતી. વસુધાને ઘેરથી નીકળી તે બૅગ લઈને બસ-સ્ટૉપ પર ઊભી રહી હતી. હવે શું કરવું? તેને માઠું નહોતું લાગ્યું, વસુધા પર દયા આવી હતી. એ કેમ જરા જોરપૂર્વક વ્યોમેશને ન કહી શકી કે આ ઘર જેટલું તમારું છે, એટલું મારું પણ છે; અને એટલે મારી સખીને થોડા દિવસ અહીં રહેવા બોલાવવાનો મને હક છે? ભય. પતિની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરતાં સ્ત્રીને ભય લાગતો હોય છે. પણ એ ખરેખર કઈ બાબત છે, જેનો ભય લાગતો હોય છે? તે ગુસ્સો ક૨શે, ગમે તેમ બોલશે — એનો? સારું. એ જે બોલે તેને સાંભળ્યું ન સાંભળ્યું ન કરી શકાય? નીચું માથું રાખીને હાજી હા કરીને રહ્યાં હોઈએ તોયે મહેણાંટોણા સાંભળવા નથી પડતાં? એમાં થોડોક વધારો થાય, એટલું જ ને? અથવા એક મૂંગી ઉપેક્ષાનો ભય હોય. ગુસ્સો કદાચ સહન કરી લેવાય, પણ ઠંડી ક્રૂર ઉપેક્ષા વડે હડસેલવાથી વધુ માનભંગ થાય. પોતાની બધી મહેનત, બધી સેવા, પોતાનું શરીર નૈવેદ્યમાં ધરીને બદલામાં આ ટાઢોહિમ વ્યવહાર વેઠવાનો આવે, તો એ ખમાય શી રીતે? ભય લાગે છે એ હકીકત છે. કદાચ તેને ડર લાગે છે — એક તોપગોળો ફૂટશે : ‘તો ચાલી જા તારા બાપને ઘે૨, મારે તારું કામ નથી.’ સૌથી મોટો ભય આ જ છે : ઘરવિહોણા, આશ્રયવિહોણા થઈ જવાનો. પણ ધારો કે ત્યારેય સ્ત્રી જો કહે : ‘હું તમને પરણીને આવી છું. કાયદાથી આ ઘર મારું પણ છે. હું નહિ જાઉં.’ તો એ શું કરે? હાથ પકડીને કાઢી મૂકે? ઘણાં એવું કરે જ છે. મારપીટ કરવાનો પણ એક રસ્તો છે. સુશિક્ષિત માણસો એવું કરે ખરા? પણ કરે છે. સુમિત્રાને એવાં ઘણાં ઘરોની ખબર છે જ્યાં પતિ શિક્ષક હોય, કંપનીમાં એક્ઝિક્યુટિવ હોય. ડૉક્ટર હોય, વકીલ હોય, મૅનેજર હોય પણ તે પત્નીને મારતો હોય છે, એના કાન આમળતો હોય છે. અમેરિકામાં તો મારપીટ — બેટરિંગ — બહુ જ વ્યાપક છે. સુમિત્રાને એનાં દાદીમા યાદ આવ્યાં. દાદા શિક્ષણના ક્ષેત્રમાં હતા, આગેવાન વ્યક્તિ ગણાતા. પણ દાદીમાને તે લાકડીએ ને લાકડીએ એટલું મારતા કે જોનારને ત્રાસ થઈ જતો. કોઈ કહેતું : ડોસા, રહેવા દો, મરી જશે. ડોસા બમણા ઝનૂનથી મારતા. કહેતા : મરી જશે તો બીજી આવશે. બૈરાનો ક્યાં તોટો છે? દાદીમા રડતાં, કૂવે પડવા જતાં, છોકરાંઓ તેમને વીંટળાઈ વળતાં અને છોકરાં ખાતર તે પાછાં આવતાં. રોજ રોજ આમ થતું. સુમિત્રાને કોઈ કોઈ વાર થતું કે આના કરતાં દાદાને જ એક દિવસ ધક્કો મારી કૂવામાં પાડી દીધા હોય તો? આજે બસ-સ્ટૉપ પર ઊભાં ઊભાં બધું યાદ આવ્યું. દાદા શિક્ષિત હતા, સંસ્કાર-પ્રદાનનું કામ કરતા હતા, છતાં પોતાની પત્ની સાથે તે કેમ આવો વ્યવહાર કરતા હતા? બીજા ઘણા લોકો, જેઓ બહાર સમાજમાં સારા ભદ્ર માણસો તરીકે ઓળખાય છે, બીજાઓને ઉપયોગી થતા હોય છે, તેઓ ઘરમાં સ્ત્રી સાથે આવો નઠોર વ્યવહાર કેમ કરતા હોય છે? કદાચ એટલા માટે કે સ્ત્રી-પુરુષનો સંબંધ સમાનતા અને સ્વતંત્રતાની ભૂમિમાં ઊગેલો ગુલાબનો છોડ નથી; એ શોષક અને શોષિતની રસહીન ધરતીમાં ઊગેલું કાંટાળું પુષ્પ છે. સ્ત્રીએ કેમ જીવવું અને કોને માટે જીવવું — તે પાંચસો, હજાર, બે હજાર પેઢીઓથી પુરુષોએ નક્કી કરી આપેલું છે અને તે સ્ત્રીના લોહીમાં ઊતરી ગયું છે. તેના પ્રાણમાં વણાઈ ગયું છે. પોતે જેમાં જીવે છે તે દુનિયા વિશેના અજ્ઞાનને લીધે, વાસ્તવિકતા વિશેના પૌરાણિક, વિકૃત ખ્યાલને લીધે તે પોતાની યાતનાઓને પ્રારબ્ધ ગણી લે છે, ઈશ્વરની મરજીના નામે ચડાવી દે છે. સ્વતંત્રતાનો તેને ભય લાગે છે અને એ સ્વતંત્રતા માટે લડવાની તો તેની ભાગ્યે જ તૈયારી હોય છે. સતત શોધવાને લીધે તે અમાનવીય બની જાય છે. પુરુષો પણ બહાર ઘણા શાલીન, ભદ્ર, પ્રબુદ્ધ હોવા છતાં સ્ત્રીઓ પ્રત્યેના વ્યવહારમાં અમાનવીય હોય છે; સ્ત્રીઓને તેઓ પૂર્ણ વિકસિત મનુષ્ય ગણતા જ નથી. પુરુષનો, કોઈ પણ શોષકનો મૂળ ભાવ માલિકીનો ભાવ છે. એ ભાવના આધારે તેઓ પોતાની ઇચ્છા, પોતાનાં મૂલ્યો, પોતે ઘડેલી આદર્શની છબી પોતાના આશ્રિતને આપે છે. અને ક્યાંક એ માલિકીનું પોત પાંખું-પાતળું પડવા લાગે તો તે પણ ભય પામે છે, વધુ જોરથી પોતાની સત્તા ચલાવવા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓને પૂર્ણ મનુષ્ય ન ગણતા પુરુષો પોતે પણ પછી પૂરા મનુષ્ય રહેતા નથી; તેથી જ છે આ ક્લેશ, આ વિસંવાદ, આ સ્ત્રીઓનું મધરાતે ઘરમાંથી હાંકી કઢાવું, તેમનું આ અગ્નિસ્નાન, તેમનું આંતર-સ્તરે હણાવું, અડધોઅડધ માનવજાતને આમ રૂંધી નાખવાને લીધે જ દુનિયા અનેક શક્યતાઓથી વંચિત થઈ ગઈ છે. પણ આનો ઉપાય પુરુષોના હાથમાં નથી. શોષક ક્યારેય જાગતો નથી, શોષિતો જ ઊંઘમાં પાસું ફેરવે છે, સળવળે છે. જાગે છે. સુમિત્રાને થયું કે ઉપાય તો સ્ત્રીઓના હાથમાં જ છે. સ્ત્રી જાગશે તો તે મુક્ત બનશે અને પુરુષને પણ તેના માલિકીભાવમાંથી, તેની અમાનવીયતામાંથી મુક્ત ક૨શે. શોષિતના સહકાર વગર શોષકો કશું કરી શકતા નથી. સ્ત્રી જાગશે, તે પોતાના વિશે બીજાએ આપેલા ખ્યાલો મૂકપણે સ્વીકારનાર પ્રાણી નહિ બને, સ્વતંત્રપણે વિચાર ક૨ના૨, સત્યની શોધ કરનાર, સંબંધની નવી સાચી માનુષી ભૂમિકા ખોળનાર ‘વ્યક્તિ’ બનશે. એને માટે ચોમેરથી બધા પ્રકારના પ્રયત્નો કરવા પડશે. એનાં થોડાંક લોહિયાળ પરિણામો આવશે. ભલે આવે. એ અનિવાર્ય છે. એવું બને તો — સુમિત્રાએ હોઠ ભીડીને વિચાર્યું — એવું બને તો એ જવાબદારી મારી નહિ હોય. આ જડ રૂઢિઓ ને જૂઠાણાંના સર્જકોની હશે. અને જ્યારે રૂઢિના આ પ્રસાદો તૂટી પડશે, એક પરથી બીજા મનુષ્યનું આધિપત્ય — તે ગમે તે રૂપમાં હોય — દૂર થશે, ત્યારે સમાનતા-સ્વતંત્રતા-બંધુતા પર નવો સમાજ રચાશે. નવો સર્જનશીલ મનુષ્ય-સમાજ. એક પળ સુમિત્રાનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ ગયું. જાણે પોતે મશાલ લઈને નીકળી પડી છે, શહે૨ના ચોરે ને ચૌટે એ આહ્વાન આપતી જાય છે — પીંજરાને તોડી નાખવા માટે, તુરંગોના દરવાજા તોડી પાડવા માટે. એક બસ આવીને ખટાક કરતી ઊભી રહી ને તેની પાછળના લોકો તેને અવગણીને બસમાં ચડવા લાગ્યા ત્યારે તે પોતાના સ્વપ્નમાંથી જાગી. ‘મારે કશું જ ગુમાવવાનું નથી — સિવાય ભય.’ તેણે ઝટપટ કેટલીક બાબતો વિચારી કાઢી. અફલાતૂન યોજના હતી. હિન્દુ સમાજના ઇતિહાસમાં આજ સુધી કોઈએ આવું જોયું કે સાંભળ્યું નહિ હોય. ખળભળાટ મચી જશે. ભલે મચે. બીજી બસ આવી ને ગઈ. કતારમાં ઊભેલાં લોકો, બૅગ લઈને ઊભેલી પણ બસમાં ન ચડતી તરુણી ભણી સહેજ આશ્ચર્યથી જોઈ લેતાં હતાં. પણ રસ્તા પરથી પસાર થતાં લોકોને તો તેની ઉપસ્થિતિની સંજ્ઞા પણ નહોતી. આ મહાનગરની આ એક ગમી જાય તેવી લાક્ષણિકતા છે. તે તમને અનામી, અજાણ્યા રહેવા દઈ શકે છે કારણ કે તેને તમારી કાંઈ પડી નથી. અહીં કોઈને કોઈની પડી નથી. દરેકે પોતાની મેળે જ સઢ ચડાવવાનો છે, પોતાને માટે પોતાનું જહાજ હંકારવાનું છે. ‘ટૅક્સી!’ એક ટૅક્સી નજીકથી પસાર થતાં તેણે બૂમ પાડી. પહેલાં તેણે ક્રાન્તિકાર યુવા-મંડળના મિત્રોનો સંપર્ક કર્યો, યોજનાની બધી વિગતો નક્કી કરી લીધી અને પછી તે ટૅક્સીમાં જ ઘેર ગઈ. ઘેર કેવા પ્રપાતોનો સામનો કરવો પડશે તે તેણે વિચારી લીધું હતું અને ‘મારે કાંઈ જ ગુમાવવાનું નથી. સિવાય ભય — ’ના વાક્યને ઘૂંટી પોતાના હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવી લીધું હતું. સુમિત્રા ઘરમાં પ્રવેશી અને આગ્નેય અસ્ત્રોની રાહ જોઈ રહી. સારું થયું, પહેલાં નાની બહેન જ સામે મળી. ‘અરે બહેન, બે દિવસથી તું ક્યાં હતી? બા-બાપુજી તો આખું શહેર ખોળી વળ્યાં. પોલીસમાં આજે ખબર આપવા જવાનાં હતાં.’ તે બોલતી જ હતી ત્યાં અવાજ સાંભળી મા-બાપ બન્ને બહાર આવ્યાં. પછી શું થયું હશે તે હું નહિ લખું તોપણ ચાલશે. કલ્પી શકાય એવું છે. સમાજના નામે, આબરૂના નામે, નાની બહેનોના ભવિષ્યના નામે, કુટુંબ-કર્તવ્યના નામે, પ્રેમના નામે એના પર ઠપકાનો વરસાદ વરસાવવામાં આવ્યો. સુમિત્રા માથું નીચું કરી સાંભળી રહી. માત્ર પ્રેમની વાત આવતાં જરા ઊંચું જોયું. મનોમન કહ્યું : તમને મારે માટે કહેવાતો પ્રેમ નહિ, સાચો પ્રેમ હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. તો આ પ્રશ્નનો આપણે સાથે બેસી ઉકેલ શોધ્યો હોત. પણ તે કાંઈ બોલી નહીં. ચૂપ રહેવું તે તેની યોજનાનું પહેલું ચરણ હતું. મા-બાપનું બોલવાનું પૂરું થયા પછી તેણે માફી માગવાની અને એ છોકરા સાથે પરણવાની સુધ્ધાં તૈયારી બતાવી. મા-બાપ આભાં થઈ ગયાં. તેમને વિશ્વાસ નહોતો કે પેલા લોકો હવે સામે પણ જુએ. સુમિત્રાએ શબ્દોની મોહિનીથી એમને ઓગાળી નાખ્યાં, આંખોની મોહિનીથી તો છોકરો ઓગળી ગયેલો હતો જ. સુમિત્રાએ તેમને ઘેર જઈ નમ્રતાપૂર્વક ફરી ફરી માફી માગી, પોતાના ૫૨ ભૂત સવાર થઈ ગયું હતું એમ કહ્યું. એ લોકોએ ખાતરી માગી. સુમિત્રાએ આપી. ઘણી આજીજીને અંતે એ લોકો સંબંધ જોડવા કબૂલ થયાં. સુમિત્રા મનમાં હસી. લાલચુ લોકોને તો એમના જ શસ્ત્રથી ખતમ કરવાં જોઈએ! દહેજની ૨કમ પહેલાં કરતાં પણ વધારે માગવામાં આવી, છોકરીએ જે તમાશો કર્યો હતો તેની સજા તરીકે. સુમિત્રાનાં મા-બાપે એ સ્વીકારી લીધું. તેઓ તો સુમિત્રા પાછી આવી, તેણે માફી માગી, લગ્ન માટે તૈયાર થઈ એ વાતથી જ છાતી પરથી પહાડ હટી ગયો હોય એટલી હળવાશ અનુભવતાં હતાં. તેઓ તો આથી પણ વધુ રકમ આપવા તૈયાર થઈ જાત. લગ્નનો દિવસ નક્કી થયો. કપડાં ને ઘરેણાંની ખરીદી થવા લાગી. રેશમી વસ્ત્રોનો ફરફરાટ અને ચમકતાં ઘરેણાંનો ઝીણો ખનકાર હવામાં શરણાઈની જેમ ગુંજી રહ્યો. પેલા બે દિવસ તો જાણે પંચાંગમાંથી ક્ષય પામ્યા હોય એમ સહુ એને વીસરી ગયાં. એ સવાર ઊગી, એ મુહૂર્ત આવ્યું. મંડપ બંધાયો હતો. તોરણો ઝૂલતાં હતાં. મહેમાનો આવવા લાગ્યા. શરણાઈની રેકર્ડ વાગવા લાગી. ગુલાબજળ છંટાયું, સ્વાગત-વિધિ થઈ. સુમિત્રાને એની સખીઓ તૈયાર કરતી હતી, જેમાંથી બે તેની યોજનાની સાથીદાર હતી. આ ધામધૂમ, આ સજાવટ, શોભા, ઉત્સવનાં મોજાં ૫૨ ઊછળતી ક્ષણો — સુમિત્રાને થયું, જીવનનો આ ખરેખર આવો સર્વોચ્ચ દિવસ હોય છે ખરો? આ માત્ર સ્ત્રી-પુરુષનું જોડાણ છે. આ જોડાણમાંથી સુખ નીપજે ખરું અને ન પણ નીપજે. ખરો ઉત્સવ તો પતિ-પત્ની વચ્ચે સંપૂર્ણ પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સ્થિર થાય. એકમેકના સાથમાં બન્નેને પોતાનું જીવન ધન્ય લાગે ત્યારે ઊજવવો જોઈએ. પણ જવા દો, બાહ્ય મુખવટાઓની આ દુનિયામાં આંતરિક બાબતોની કોને પડી છે? અહીં તો છે એક પક્ષે પૈસાની ગણતરી, બીજે પક્ષે માથેથી ઊતરેલા ભારની નિરાંત. કન્યા માટે છે આશંકા અને ભય. આવા પ્રસંગનો આટલો મોટો ઉત્સવ શો? મંડપ નીચે બધાં ગોઠવાયાં. ગોર મહારાજે ક્રિયાઓ શરૂ કરી. વરકન્યા બાજુબાજુમાં બેઠાં હતાં. સુમિત્રા ખૂબ શોભતી હતી. એની સુંદર આંખોમાં નાની નાની નાચતી જ્વાળાઓનું પ્રતિબિંબ પડતું હતું. આજુબાજુના લોકોમાં થોડો ગણગણાટ ચાલતો હતો પણ મંડપ નીચે તદ્દન શાંતિ હતી. માત્ર ગોર મહારાજના ઉચ્ચારો સંભળાતા હતા. બધાં ઉત્સુકતાથી વિધિ નિહાળતાં હતાં. શરણાઈ પર વિધવિધ ધૂનો વાગી રહી હતી. હસ્તમેળાપનો સમય નજીક આવતો હતો. વરરાજાએ પરસેવો લૂછ્યો, સુમિત્રાએ સંચિત નજરે થાંભલા પાસે ઊભેલી બહેનપણી તરફ જોયું. એકાએક શરણાઈ બંધ પડી ગઈ. એક પળ વિચિત્ર ચુપકીદી છવાઈ ગઈ. અને પછી એ ચુપકીદીને વીજળીની કરવતથી આરપાર વહેરી નાખતો હોય એવો કડકડતો મેઘની ગર્જના જેવો, સત્તાવાહી અવાજ માઇક પરથી આવ્યો : થોભો, વિધિ બંધ કરો. કોઈએ જરા પણ હાલવા-ચાલવાનું નથી. મિસ્ટ૨ ગોર, તમારા હાથ તમારા ખોળામાં રાખો.’ સમૂહમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. આ બધું શું છે? આ કોણ બોલે છે? ગોર મહારાજના હાથમાંથી ઘીની વાટકી પડી ગઈ. ‘અહીં લગ્ન કરવા બેઠેલા તમે, અને કરાવવા બેઠેલા તમે એકેએક જણ ગુનેગાર છો.’ ફરી સખ્ત કઠોર અવાજ આવ્યો : ‘કારણ કે આ લગ્નમાં દહેજ લઈને જીવતા માણસનો સોદો કરવામાં આવ્યો છે. લગ્નના નામે સોદો કરવો તે ગુનો છે. આ લગ્નમાં મોટી ૨કમની લેવડદેવડ ક૨વામાં આવી છે, તેનો અમારી પાસે પુરાવો છે.’ વરનો બાપ ગુસ્સાથી ઊભો થઈ ગયો. ‘બેસી જાઓ તમે, વરના મિસ્ટર બાપ, તમારી જગ્યાએ બેસી જાઓ નહિ તો તમારે તેનું આકરું પરિણામ ભોગવવું પડશે. કન્યાના બાપ, તમે પણ ગુનેગાર છો, કારણ કે કન્યાદાન એ પાપ છે, જીવતા માણસને જડ વસ્તુ ગણવી અને તેનું દાન કરવું, એ તેનામાં રહેલા ચેતન તત્ત્વનું ભયંકર અપમાન છે. શ્રીમાન ગોર મહારાજ, સૌથી મોટા અપરાધી તમે છો…’ બેઠેલાં બધાં ઊભાં થઈ ગયાં. કોણ બોલે છે આ? ક્યાંથી બોલે છે? ચારે બાજુ ઘોંઘાટ મચી ગયો. ગોર મહારાજ પગ પછાડતા ઊભા થઈ ગયા. આવા તમાશા માટે બોલાવ્યો હતો? હું આવાં લગ્ન નહિ કરાવું. તે પોતાનો થેલો લઈ ચાલવા લાગ્યા. વરના બાપે વરને પકડીને ઊભો કર્યો ને ઝડપથી બહાર ચાલ્યા. ચારે બાજુ બધા જેમ આવે તેમ બોલવા લાગ્યા. વરના બે ભાઈઓ કોણ બોલે છે તેની તપાસ કરવા દોડ્યા, પણ અવાજ બંધ થઈ ગયો હતો અને માઇકના તાર નીચે લટકતા હતા. બધે શોર, કોલાહલ, અરાજકતા વ્યાપી ગયાં. બહાર વરની શણગારેલી ગાડી પર પતાકડાં ચોડેલાં હતાં. ‘દહેજ લઈને થતાં લગ્ન લગ્ન નથી પણ સોદો છે.’ વરના બાપે ક્રોધથી પતાકડાં ખેંચવા માંડ્યાં, ત્યાં કોઈએ કાગળનાં ઢગલાબંધ ફરફરિયાં ઉડાડ્યાં. ‘દહેજ લઈને લગ્ન કરનાર માણસ લગ્ન કરવાને લાયક નથી. એનો બહિષ્કાર કરો. એનો હુરિયો બોલાવો. એની સાથેનો બધો વ્યવહાર બંધ કરો.’ એક અંધાધૂંધી મચી ગઈ. એનો લાભ લઈ, સુમિત્રા બહેનપણીઓ સાથે ટૅક્સીમાં બેસી, ઘટનાસ્થળથી દૂર ચાલી ગઈ.