સાત પગલાં આકાશમાં/૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


લાંબા સમયથી લગ્નના આગલા દિવસથી છેક, એક ઇચ્છા મનના ગોપનગૃહમાં સંતાડી રાખી હતી. વચ્ચે વચ્ચે એને બહાર કાઢીને જોઈ લેતી. ક્યાંક એનાં ૫૨ ૨જ ન ચડી ગઈ હોય, ક્યાંક એનું સ્વરૂપ સમૂળગું બદલાઈ ન ગયું હોય! અને દરેક વખતે ઇચ્છાને એવી ને એવી જ્વલંત જોઈને પ્રસન્ન થતી; પણ પાછી એને ગુપ્તતાની ડબ્બીમાં બંધ કરી મૂકી દેતી. હજી વાર છે, સમય આવ્યો નથી. પણ તે દિવસે એક જોરદાર ઝપાટો આવ્યો અને બંધ બારીબારણાં એકીવારે ખૂલી ગયાં. વસુધાને થયું, આ જ સંકેત છે. હવે મોડું કરવાની જરૂ૨ નથી. તે દિવસે બપોરે, વ્યોમેશે પોતાની કંપનીના એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણને આમંત્ર્યા હતા. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી ખાણી-પીણીનો કાર્યક્રમ શરૂ થયો. વાતો, વાનગીઓની ગ૨મ ગંધ, ઉલ્લાસ ઘોંઘાટની વચ્ચે બારણાં પર ઘંટડી વાગી તે માત્ર વ્યોમેશે સાંભળી. હળવેથી બારણું ખોલી તે બહાર ગયો ને બે મિનિટમાં પાછો આવી ગયો. મહેમાનનું — કોઈનું ધ્યાન ન ગયું. માત્ર વસુધાએ ‘કોણ હતું?’ના ભાવથી એના તરફ દષ્ટિ માંડી. પણ વ્યોમેશ તો હસીને મિત્રોને ખાવાનો આગ્રહ કરવામાં રોકાઈ ગયો હતો. પાર્ટી પૂરી થઈ ને બધાં ગયાં, પછી વ્યોમેશ વસુધા પાસે આવ્યો. ‘વસુધા, ફૈબા ગુજરી ગયાં.’ ‘ફૈબા? ક્યારે?’ વસુધા ચોંકી ગઈ. ‘તમને કોણે કહ્યું?’ આજે તાર આવ્યો. પાર્ટી ચાલતી હતી ત્યારે.’ વસુધાને જરા આઘાત લાગ્યો. ‘ફૈબા ગુજરી જવાનો તાર આવ્યો અને તમે પાર્ટી ચાલુ રાખી?’ ‘તો શું કરું?’ ‘જે સ્ત્રીએ તમારાં બાની જગ્યા લીધી, તમને પોતાના પુત્ર ગણી, પેટે પાટા બાંધી મોટા કર્યા તેનું અવસાન થયું ત્યારે તમે એમ કહો છો કે શું કરું?’ વસુધાના અવાજમાં સહેજ તીખાશ આવી. ‘એમાં શું કશું કરવાનું હોય છે?’ ‘વાહ, એમ કેમ બોલે છે? નાનપણમાં બા ગુજરી ગયાં પછી ફૈબાએ મારી સંભાળ લીધી ન હોત તો મારી જિંદગી સાવ વીખરાઈ ગઈ હોત એની મને શું ખબર નથી? પણ ઘરમાં મહેમાનો હોય, ખાવા-પીવા ને હાસ્ય-હિલ્લોળનો કાર્યક્રમ ચાલતો હોય એવે વખતે મારે હસીને બધાંમાં હળીમળી ગયા વિના છૂટકો હતો? ત્યારે વાત જાહેર કરું તો રંગમાં ભંગ ન પડે?’ વસુધાએ ડોકું હલાવ્યું. ‘કોને ખબર, હું એમ ન કરું, હું કોઈ દિવસ એમ ન કરું…’ ‘તો પછી મારે શું પાર્ટી વિખેરી નાખવી જોઈતી હતી?’ વ્યોમેશનો અવાજ જરા ઊંચો થઈ ગયો. ‘આવેલા મહેમાનોને પાછા મોકલી દેવા જોઈતા હતા? મને કહીશ જરા, મારે શું કરવું જોઈતું હતું?’ ‘કોઈએ શું કરવું જોઈએ તે હું કહી શકું નહિ.’ વસુધાએ પણ તીવ્રતાથી કહ્યું : ‘પણ હું શું કરું તે હું કહી શકું. મને દુઃખ થયું હોય તો હું એક રીતે વર્તું, દુઃખ ન થયું હોય તો જુદી રીતે. એમાં સચ્ચાઈ છે. માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે.’ વ્યોમેશ સહેજ ચોંકીને વસુધા સામે જોઈ રહ્યો. વસુધા પણ પોતાને વિશે આશ્ચર્ય અનુભવી રહી. આ વાતો પોતાના કયા તળમાંથી ઉપર આવી? વ્યોમેશ સાથે આજ સુધી ક્યારેય તે આ રીતે બોલી નહોતી. તેને હંમેશા એમ લાગતું આવેલું કે પોતે વ્યોમેશથી જાણે દબાયેલી છે. એના અભિપ્રાયથી જુદો અભિપ્રાય ઉચ્ચારતાં આજ સુધી હંમેશા તેને કંઈક ભય લાગ્યો હતો. આજે તેની અંદર આ કયા પંખીએ પાંખો ફફડાવી? ‘તો શું તારું એમ કહેવું છે કે ફૈબા ગુજરી જવાનું મને દુઃખ નહોતું થયું? અથવા મેં ત્યારે સમાચાર ન આપ્યા તેથી હું ખોટો બની ગયો? એ કાંઈ મારી લાગણીનો સવાલ નહોતો. પાર્ટી સફળ થાય એ મારી જવાબદારી હતી. તું શું એમ કહેવા માગે છે કે બીજાનો અથવા સંજોગોનો ખ્યાલ ન કરવો અને પોતાના હૃદયમાં જે તરંગ-આવેગ ઊઠે તે પ્રમાણે વર્તી નાખવું?’ મૃત્યુથી થતો શોક — એને હૃદયનો તરંગ ન કહેવાય… વસુધાના મનમાં આવ્યું, પણ તેણે એ કહ્યું નહિ. શાંત અવાજે બોલી : ‘આ કાંઈ દલીલનો વિષય નથી. હું તો માત્ર એટલું જ કહું છું કે મારી અંદર ખરેખર તીવ્ર દુઃખ હોય તે વખતે પાર્ટીના હાસ્ય-હિલ્લોળ માણવાનું મારાથી ન બને.’ હવે વ્યોમેશ ગુસ્સે થઈ ગયો. ‘તો શું તું તારી બધી લાગણીઓને જેવી હોય તેવી જ પ્રકટ કરે છે? હૃદયમાં જે ઊગે તેમ જ વર્તે છે? તું શું આખોય વખત જેવી અંદર છે તેવી જ બહાર દેખાય છે? મારી સાથે, છોકરાઓ સાથે, શાકભાજી વેચનારા સાથે તું જે છે તે જ વ્યક્ત થાય છે? તું શું છે તેની તને પૂરેપૂરી જાણ છે? તારી અંદર શું વિચ્છિન્નતા, વીખરાવ નથી?’ ધડાધડ કરતા શબ્દો ફંગોળાયા. વસુધા સાંભળી રહી. બોલી નહિ. તે ફક્ત તર્કનો આશ્રય લેવા નહોતી માગતી. તમારી દલીલો ગુસ્સામાંથી આવેલી છે, સમજમાંથી નહિ. હૃદયની સચ્ચાઈ એક જુદી બાબત છે — તેણે મનોમન કહ્યું. વ્યોમેશ ગુસ્સામાં જ બીજા રૂમમાં ચાલ્યો ગયો. વસુધા ઘણી વાર સુધી બેઠી હતી તેમ જ બેસી રહી. પછી સાંજ થતાં ઊઠીને અગાસીમાં ગઈ. તેના મનમાં એક જ વાત ઘુમરાતી હતી : આ ફૈબાના મૃત્યુનો તાર હતો. કોઈક દિવસ એ પોતાના મૃત્યુનો પણ હોઈ શકે. તે દિવસે પણ કદાચ વ્યોમેશ પાર્ટીમાં હશે. ત્યારે પણ તાર વાંચી તેની ગડી વાળી એ ખિસ્સામાં મૂકશે અને ફરી મિત્રના પ્યાલા સાથે પ્યાલો ટકરાવી પીવા લાગશે… આનંદોત્સવમાં જરા સ૨ખીયે તિરાડ પડવા દીધા વિના… પોતે ક્યાંક દૂર વ્યોમેશની નિકટતાની ઝંખના કરતી અંતિમ શ્વાસ લેશે… અને એ જાણ્યા પછી વ્યોમેશ કહેશે — તો એમાં હું શું કરું? પોતાના જીવનનાં સર્વોત્તમ વર્ષો અર્પી દીધાં, તે આ સંબંધનું અંતે શું આ જ મૂલ્ય ૨હેવાનું હતું? છતાં વ્યોમેશની એક વાત સાચી પણ હતી. પોતે તો હૃદયની લાગણી પ્રમાણે ક્યારેય વર્તી નહોતી. હંમેશા બીજાઓ શું કહેશે, તેમને કેવું લાગશે તેનો જ વિચાર કર્યો હતો. તે તો પોતાના હૃદયને ઉવેખીને જ જીવી હતી. આ ઘર, આ સંસાર. એના હજારો વ્યવહારોની રોજેરોજ થયા કરતી ગૂંથણી… એ બધાંમાં એના હૃદયે કંઈક જુદું જ ઇચ્છ્યું હતું, અને એણે કંઈક જુદું જ કર્યું હતું. એને કરવું પડ્યું હતું. કોણે પાડી હતી એ ફ૨જ? કયા અદીઠા રાજદંડે? અને શા માટે પોતે એ રાજદંડની આમન્યા જાળવી હતી? સૂરજ ડૂબવા લાગ્યો હતો. પશ્ચિમ બાજુનું આકાશ લાલ રંગમાં ખીલી ઊઠ્યું હતું. જોતજોતામાં સંધ્યાએ આખા વાતાવરણને પોતાની મધુરતામાં લપેટી લીધું. વસુધા આંખ માંડીને જોઈ રહી. તેને આવી હજારો સાંજ યાદ આવી, જ્યારે બીજું કશું જ ક૨વાની ઇચ્છા ન હોય, માત્ર અગાસીમાં બેસી આકાશ જોયા ક૨વાનું મન હોય, એકાંતમાં વિચાર વગરનાં થઈને બેસી રહેવાનું મન હોય! પણ એવી તક તેને ભાગ્યે જ મળતી. એ સમય વ્યોમેશનો કામ પરથી ઘેર આવવાનો સમય હતો. અને એ આવે ત્યારે વસુધા સ્વાગત માટે હાજ૨ હોવી જોઈએ — ચાનો કપ ધરવા માટે, ઑફિસમાં આખા દિવસમાં શું શું બન્યું અને દાવડા ને દેસાઈ કેવા લડ્યા તેની વાત સાંભળવા માટે. વસુધાની ઘ૨માં હાજરી હોવી — એ આખો દિવસ નોકરી કરીને ઘેર આવેલા વ્યોમેશની જરૂરિયાત હતી. શરૂઆતમાં એક વાર એ સાંજે આમ અગાસીમાં, આકાશમાં ખોવાયા જેવી ઊભી હતી અને વ્યોમેશ એના વગરના ઘરમાં દાખલ થયો ત્યારે ગુસ્સાથી એણે ઘર માથે લીધું હતું. બસ, ત્યાર પછી એ વ્યોમેશના આવવાના સમયે હંમેશા બારણામાં હાજર રહેતી. ક્યારેક બહાર ગઈ હોય ને પાછાં આવતાં થોડું મોડું થઈ જાય તો ફફડતી કે ક્યાંક વ્યોમેશ ઘેર ન આવી ગયો હોય! એ પછી તો ઘણાં વર્ષો વીતી ગયાં હતાં, પણ વસુધા હંમેશાં વ્યોમેશથી ભય પામતી જ રહી હતી. આજે એનામાં વ્યોમેશથી વિરુદ્ધ વાત કહેવાની અને એ વાતમાં દઢપણે ટકી રહેવાની હિંમત ક્યાંથી આવી? તો શું આજે સમય આવી ગયો હતો? ઇચ્છાનું એક પંખી આમન્યાઓના બંદીગૃહમાં વર્ષોથી ચુપ બેઠું હતું તે આજે શું સળિયા તોડીને બહાર ઊડી આવ્યું હતું? મૃત્યુએ એક પડદો પાડ્યો હતો, અને એક પડદો ઊંચકી લીધો હતો; મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધ પરનો પડદો, પોતાના ને વ્યોમેશના સંબંધ પરનો પડદો. વસુધા માટે અગાસીમાંની સાંજ કેવળ પવનમાં ફરફરતી સુખદ ક્ષણો જ નથી, સાંજ સાથે તેનું એક વિશેષ અનુસંધાન છે. એની પાછળ એક મોટી વાત પડેલી છે. ઘણાં વર્ષ પહેલાં… તેનાં લગ્ન થવાનાં હતાં. પુરજોશમાં તૈયારીઓ ચાલતી હતી. આશા, આનંદ, ભય, ઉત્સુકતા ને ખિન્નતાના વિચિત્ર સંમિશ્રણથી તેનું મન ઘેરાયેલું હતું. લગ્ન-દિવસની આગલી સાંજે અગાસીમાં સૂકવેલાં વડી-પાપડ એકઠાં કરી લાવવા તે ઉપર ગઈ હતી. સાંજનો સમય આમ પણ તેને ખૂબ ગમતો. રોજ સાંજે તે અડધો-પોણો કલાક અગાસીમાં ગાળતી અને આકાશમાંથી વરસતી પ્રકાશ-અંધકારની સંધિપળોમાં ન્હાઈને જાણે તાજી થઈ જતી. તે દિવસે પણ આકાશમાં લાલ-સોનેરી રંગની રમણા એવી સુંદર હતી કે તે મોહાઈ ગઈ. કામ ભૂલીને ત્યાં બેસી પડી. તેને થયું, પોતે બસ આમ બેસી જ રહે, હૃદયને તૃપ્તિ ન થાય ત્યાં સુધી આ સૌન્દર્ય નીરખ્યા જ કરે. આદિત્ય હોત તો આ વાત તે સમજ્યો હોત. અમથાં અમથાં આકાશ ભણી આંખ માંડી રહેવાની વાત તે સમજ્યો હોત! પણ મામાને ઘેર મહિનો ગાળવા આવેલા, માબાપ વગરના, ધુમક્કડ આદિત્યનો પત્તો તો હિમાલયના પહાડો જ આપી શકે. એની અજબગજબની વાતો સાંભળતાં, અજાણતાં જ પોતાને એની ક્યાંક મોહિની લાગી હતી એની જાણ પોતાનેય પાછળથી થઈ, તો આદિત્યને તો એની ખબર ક્યાંથી જ હોય? પણ એ વાતને તો એણે ક્યારનીયે મનમાંથી કાઢી નાખી હતી. અને આવતી કાલે તો તે લગ્ન કરીને સાસરે જવાની હતી — એક એવા માણસને પરણીને, જેને બે-ત્રણ વાર માંડ જોયો છે અને અંતરંગ વાતો તો જેની સાથે કશી કરી જ નથી! એક ક્ષણ એને થયું : ધારો કે આ છેલ્લી ઘડીએ હું કહું કે મારે લગ્ન નથી ક૨વાં, તો? વ્યોમેશ પસંદ નથી કે એવા કોઈ કારણે નહિ. છોકરો સારો છે. પૈસેટકે સુખી છે. પણ તેથી શું ના ન પાડી શકાય? ઘણું-બધું નક્કી થઈ ગયું હોય, તેથી શું ના ન પાડી શકાય? સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની પોતે ત્રીજી દીકરી. દીકરીનાં માબાપ હંમેશ ચિંતામાં રહે. છોકરો શોધતાં ખૂબ મહેનત પડે. આ ગોઠવાયું તો માબાપને માંડ હાશ થયું હતું. હજી બીજી બે દીકરીઓ તો બાકી હતી. હવે ના પાડે પોતે તો માબાપ શું કહે? સામો પક્ષ શું કહે? કુટુંબીઓ, પાડોશીઓ, લોકો શું કહે? બહારના કોઈ કારણ માટે નહિ, પણ માત્ર મન નહોતું તે માટે ના પાડવાનો અધિકાર પામવા તેનું મન તરફડી રહ્યું. લગ્ન જેવી આખા જીવનને સ્પર્શતી બાબતમાં પણ હું મારી ઇચ્છા પ્રમાણે કાંઈ કરી શકું નહિ? પોતાની પર દેખીતાં, અણદેખીતાં, નજીકનાં, દૂરનાં દબાણો હતાં. દીકરી થઈને જન્મી હતી એટલે, સૈકાઓથી ચાલી આવેલી, સમાજના પ્રત્યેક થરનાં પ્રત્યેક માબાપની દીકરીને ઝટપટ ‘ઠેકાણે’ પાડવાની તાલાવેલીનું પોતાની પર દબાણ હતું. આ દબાણોથી મુક્ત થઈને શું પોતે ક્યારેય જીવી ન શકે? પ્રકાશ સાવ આથમી ગયો. અંધારું ફેલાવા લાગ્યું. આકાશમાં થોડા તારાઓ નીકળી આવ્યા. વસુધા બેઠી હતી તેમ જ બેસી રહી. આકાશ ખૂબ દૂર હતું તોય નજીક લાગ્યું. એક વિશાળ સફેદ પંખી દૂર અંધારામાંથી ઊડતું આવી નજ૨ સામેથી પસાર થયું. વસુધાની આંખ સામે પ્રકાશની એક રેખા દોરાઈ. તેને થયું, આકાશ તેને કંઈક કહેવા માગે છે, કંઈક સંદેશ આપવા માગે છે. કાલે લગ્ન છે! કાલથી પોતે જવાબદારીના પિંજરામાં પુરાઈ જશે. આ પંખી કેટલું મુક્ત હતું! તે મુગ્ધ થઈને તેનું ઊડવું નીરખી રહી, તેની સાથે ઊંચે ઊડી રહી; વિશાળ સીમાહીન, અંતહીન આકાશમાં પવનથી સંચરિત સઢવાળી નૌકાની જેમ તે અવકાશમાં સરવા લાગી. એક ઝીણું ગીત તેના કંઠેથી નીકળી રેલાવા લાગ્યું. એ પોતાનું ગીત હતું? કે પંખીનું? કે આકાશનું? કે પછી પોતે એ બધાં સાથે એકરૂપ થઈ ગઈ હતી? આકાશના ઉદારપણે, મૃદુપણે પથરાયેલા બાહુમાં, પંખી શ્રદ્ધાથી-સ્વેચ્છાથી ઊડતું જતું હતું, અને એક લય હતો, તેમાં એક સંગીત હતું. તેને થયું : જીવન આવું હોવું જોઈએ, આકાશમાં પંખીના ઉડાણ જેવું, હળવું, બહારનાં દબાણો વગરનું, છતાં સમગ્રના તાલમાં તાલ મિલાવતું, ગીત ગાતું, ઊંચાઈઓ ભણી સફર કરતું… ઘણો સમય વીતી ગયો. નીચે શરણાઈના મંગલસૂર વાગવા માંડ્યા. ઢોલીડાએ ઢોલક પર થાપ દીધી. ગરબા ગાવા આંગણામાં એકઠી થયેલી બહેનપણીઓની નીચેથી બૂમો આવી : ‘વસુધા, વસુધા, તું ક્યાં છે? અમે તારી રાહ જોઈએ છીએ.’ વસુધાએ આકાશ પરથી આંખ ઊંચકી લીધી. બહેનપણીઓનું ટોળું હડુડુ કરતું ઉપર આવ્યું. ‘વસુધા!’ વસુધા જવાબ આપ્યા વિના તેમની સામે જોઈ રહી. હાય હાય, વસુધાને કંઈક થઈ ગયું લાગે છે.’ છોકરીઓ ગભરાઈ ગઈ. એક જણે પાસે આવી બીતાં બીતાં તેના ખભા હલાવ્યા. વસુધા સચેત થઈ ગઈ. ‘શું છે?’ તેણે અસ્વસ્થ સ્વરે પૂછ્યું. ‘શું છે શું? જવાબ કેમ નહોતી આપતી? ઊંઘ આવી ગયેલી કે શું?’ એકે પૂછ્યું. ‘બહુ ઉજાગરા કર્યા છે?’ બીજી બોલી. ‘ઉજાગરા તો હવે કરશે ને!’ ત્રીજીએ ટીખળ કર્યું. ‘અરે, અમે ગરબા ગાવા તારી વાટ જોઈએ છીએ ને તું અહીં ઊંઘ ખેંચે છે, વાહ રે વાહ!’ વસુધા આકાશમાંથી પૂરેપૂરી પૃથ્વી પર આવી ગઈ. ‘હા, જરા ઊંઘ આવી ગઈ હતી’, તેણે મૃદુતાથી કહ્યું. અગાસીમાંથી ઊતરતાં વળી ફરી એક વાર તેણે ઊંચે નજર કરી. તેને થયું, આકાશનો એક અંશ પોતાની અંદર પ્રવેશ્યો છે. રાતે સૂતી વખતે તે એકલી પડી ત્યારે સાંજની આ આખીયે ઘટના તેણે ફરી વિચારી જોઈ. તેને લાગ્યું કે પંખીના ઉડાણ દ્વારા આકાશે તેને કોઈક સંદેશ મોકલ્યો હતો. તે દિવસે પહેલી વાર તેની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું : કોઈક દિવસ હું આકાશમાં ઊડતા પંખી જેવું જીવન જીવીશ. પોતાની જાતને વચન આપતી હોય તેમ તેણે મનોમન કહ્યું : ‘આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઇચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. હા પાડવી હશે તો હા પાડીશ, ના પાડવી હશે તો ના પાડીશ. કોઈ દબાણ હેઠળ હું નહિ જીવું. હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.

*

આજે અગાસીમાં તે નિરાંતે બેઠી ત્યારે સ્મૃતિના બંધ ગર્ભગૃહમાં જતનથી ગોપવી રાખેલી એ ઘટના તે ફરી વાર તીવ્રતાથી જીવી. કદાચ હવે એ જીવનની શરૂઆત કરવાનો દિવસ આવી ગયો હતો. આટલાં વર્ષો પતિ-બાળકોને સાચવવામાં, ઘ૨ ચલાવવામાં, સંસારનાં કર્તવ્યો પૂરાં કરવામાં જે એક સ૨કણું તત્ત્વ વારે વારે દેખા દઈ છટકી જતું હતું, તે મોહક અલપઝલપ દેખાયેલું તેજસ્વી તત્ત્વ પામવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો હતો. ‘આવતી કાલે’… તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું.