સાત પગલાં આકાશમાં/૨૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૧

લંડનમાં વસતા નાના ગુજરાતી સમાજે બહુ આનંદથી વિપુલ અને એનાને આવકાર્યાં. પરદેશમાં પોતાની સંસ્કૃતિ ખોવાઈ જવાના અજ્ઞાત ભયે તે બધાં વધુ ઘટ્ટ સમૂહરૂપે ગૂંથાયેલાં હતાં. એના તેની સહજ છટાને કારણે બહુ જલદીથી બધાંમાં પ્રિય થઈ પડી. તેની ઓળખાણ કરાવતાં વિપુલ અભિમાનપૂર્વક કહેતો : ‘મારાં પત્ની છે, કાવ્યો બહુ સરસ લખે છે. છપાય પણ છે.’ સાસુએ લંડન આવ્યાં પછી નોકરી છોડી દીધી હતી અને એનાનાં બે બાળકો — આભા અને અગ્નિવેશ — ને તે સંભાળતાં. વિપુલ વીમાનું કામ કરતો. એનાએ પણ પછી વીમાનું કામ કરવા માંડ્યું હતું. પહેલાં બન્ને ઘરનાં બધાં કામ સાથે કરતાં, પણ ઘરમાં સગવડો ને સાધનો વધ્યાં, પછી વિપુલ ઘ૨નાં કામોમાં ઓછી મદદ કરાવતો. જોકે ‘મદદ’ શબ્દ એનાને ખૂંચતો. ઘરકામ ફક્ત એની જ જવાબદારી હોય, અને વિપુલ તો સહાનુભૂતિને લીધે કામમાં સહાય કરતો હોય, એવો ભાવ એ શબ્દમાંથી જન્મતો. એક વાર ચર્ચા કરતાં તેણે કહેલું : પુરુષો બહારનું કામ કરતા હોય ત્યારે સ્ત્રીઓ ઘરનું કામ કરે; અને બન્ને એકબીજાના કામમાં મદદ પણ કરે, તે સરસ વ્યવસ્થા ગણાય. પણ બન્ને જ્યારે બહાર કમાવા જતાં હોય ત્યારે ઘરનાં કામો પણ બન્નેનાં સહિયારાં જ કહેવાય : એટલે ઘરનું કામ ફક્ત મારું જ છે, અને તું મને ‘મદદ’ કરે છે એવો ભાવ તારે મનમાં ન રાખવો જોઈએ. બન્નેનું કામ છે ને બન્ને કરીએ છીએ, શક્તિ ને ફાવટ પ્રમાણે કોઈ ઓછુંવત્તું કરે તે જુદી વાત છે, પણ ઘરનું કામ ફક્ત સ્ત્રીઓનું જ કામ છે એ વિચાર હવે આજના સમયમાં બંધબેસતો નથી.’ એનાને ચર્ચા કરવાની ટેવ હતી. તે શરમાળ કે સંકોચશીલ નહોતી. તે બેધડક બોલતી, નિર્ભયપણે દલીલો કરતી. તેની રીતભાત ધ્યાન ખેંચે તેવી છટાદાર હતી. ભારતીય સ્ત્રીઓનાં પ્રમાણમાં તે કંઈક વધુ ઊંચી હતી. તેની દેહયષ્ટિ પ્રભાવક હતી. તેના શબ્દો હંમેશા વજન સાથે આવતા. તેની ને વિપુલની વચ્ચે ઘણી વાર ગરમ ગરમ ચર્ચા જામી પડતી. પણ તેથી તો જીવવાની મઝા આવતી. એના સ્વતંત્રપણે વિચાર કરે, માર્ક્સના સિદ્ધાંતોનું પૃથક્કરણ કરે કે ક્યૂબાની ક્રાન્તિમાં રસ લે તે વિપુલને ગમતું. પણ ‘મદદ’ શબ્દની પાછળ રહેલા ભાવની એનાએ ચર્ચા કરી ત્યારે તેને જરા માઠું લાગી ગયું. સામે દલીલ કરવાને બદલે તેણે ખભા ઉલાળ્યા. તે દિવસથી વિપુલના વર્તનમાં એક સૂક્ષ્મ ફેરફાર થતો હોવાનું એનાએ નિરીક્ષ્યું. એના સાથે અંગત બાબતો પર ચર્ચા તે ટાળવા લાગ્યો. અમેરિકાની રાજનીતિ પર કે ભારતના હરિજનોના પ્રશ્ન પર તે પહેલાંની જેમ જ ચર્ચા કરતો, પણ પોતાની ને એનાની અને ઘરને લગતી બાબતો પર તે બહુ ચર્ચા ન કરતો. ‘મેં તેને મદદ વિશે જે કહ્યું હતું તે શું ખોટું હતું?’ એના વિચારતી. ‘અમે સમાનભાવે, ખુલ્લા હૃદય સાથે જીવવાનું નક્કી કર્યું હતું, પછી આવું શા માટે?’ પણ પછી તેણે એ તાંતણાને આગળ લંબાવવાનું માંડી વાળ્યું. સાસુ કામમાં ઘણી મદદ કરાવતાં, તેથી પોતાને તકલીફ તો નહોતી જ. આ માત્ર સિદ્ધાંતનો પ્રશ્ન હતો. પણ સાસુનેય એનાના વિચારોથી મૂંઝવણ તો થતી. બન્ને બાળકોને રમવા માટે એના સરખાં ૨મકડાં આપતી. કોઈ વાર આભા દડાથી, બેટથી રમતી હોય અને અગ્નિવેશ ઢીંગલીને સુવાડતો હોય એવુંય બનતું! રસોડામાં બન્નેને બોલાવીને એના તેમને નાનાં નાનાં કામ સાથે શીખવતી. સાસુને આ પસંદ ન પડતું. ‘અગ્નિવેશને તું શું કામ લોટ બાંધતાં શીખવે છે?’ તેમણે એક વાર નારાજીથી પૂછેલું. એના સમજાવતી : ‘જુઓ મા, દરેક માણસે પોતાની મૂળભૂત જરૂરિયાતોમાં સ્વાવલંબી થવું જોઈએ. અગ્નિવેશ મોટો થશે ત્યારે એને રસોઈ આવડતી હશે તો તેને કોઈ પર આધાર નહિ રાખવો પડે ને!’ ‘તો કેમ, અગ્નવેશ પરણશે નહિ? એની વહુ એને રાંધીને નહિ જમાડે?’ પણ મા, ધારો કે, એની વહુ ઍર-હૉસ્ટેસ હશે તો? અથવા વિમાનની પાઇલટ હશે કે ચિત્રકાર હશે ને કહેશે કે હમણાં મારો “મૂડ” નથી ૨સોઈ ક૨વાનો, તો?’ તે સાસુને હસાવવાનો પ્રયત્ન કરતી. સાસુને થતું : હું કાંઈ જુનવાણી નથી. સ્ત્રીઓ નોકરી કરે એનો મને વાંધો નથી. હુંયે ભણાવતી જ હતી ને! પણ સ્ત્રી છેવટે સ્ત્રી છે. એની સ્વતંત્રતાના વિચારને કાંઈ મર્યાદા હોવી જોઈએ કે નહિ? આભા-અગ્નિ મોટાં થતાં ગયાં એમ આ અશબ્દ ઘર્ષણ અંદર અંદર વધવા લાગ્યું. એના ઘણી વાર આભાને સાઇકલ ૫૨ ચીજવસ્તુ લેવા દોડાવતી, ત્યારે અગ્નિ ઘરમાં વાસણ ધોતો હોય કે ચટણી વાટતો હોય. આભાએ અમુક જ કામ ક૨વાં જોઈએ અને અગ્નિએ અમુક જ, એવું એના જરા પણ માનતી નહોતી. સાસુને થતું કે આ વધારે પડતું કહેવાય. અને એક વાર એનાએ અગ્નિને આભાના ફ્રૉકને બટન ટાંકી આપવા બેસાડ્યો ત્યારે તો સાસુ ભભૂકી જ ઊઠ્યાં : ‘આભાનું બટન અગ્નિ ટાંકી આપે, એમ?’ ‘પણ આભા ઘણી વાર એના ખમીસને બટન ટાંકી જ આપે છે ને!’ એનાએ હસતાં હસતાં કહ્યું. ‘તે આભા તો છોકરી છે! તારે અગ્નિને સાવ છોકરી જેવો કરી મૂકવો છે?’ ‘સાવ છોકરી જેવો એટલે કેવો?’ ‘એટલે… એટલે…’ સાસુને પોતાની વાત શબ્દોમાં મૂકવાનું બરોબર ફાવ્યું નહિ. એના પ્રમાણમાં ઉદાર એવાં આ સાસુને દુઃખી કરવા નહોતી ઇચ્છતી. પણ બંધાયેલા વિચારો તોડવા તો પડે! તેણે શાંતિથી કહ્યું : ‘કોઈ કામ હલકું નથી, મા! અને આપણે — તમે પણ સ્ત્રી જ છો, હુંયે સ્ત્રી છું. આપણાં કામને આપણે જ હલકાં ને ઊતરતાં ગણીશું? સૌએ પોતાની જરૂરતનાં કામ શીખી લેવાં જોઈએ. અને નાનપણમાં બધાં જ બધાં કામ શીખી શકે છે. છોકરાઓને સીવતાં ન આવડતું હોય તો દરજીઓ દુનિયામાં હોત જ ક્યાંથી? પણ દરજીઓ સીવીને પૈસા કમાય છે તેથી તેમનું કામ ઊંચું અને ઘરમાં સાંધવા માટે પૈસા નથી મળતા એટલે એ કામ નીચું — એવું થોડું જ છે? અગ્નિને હું રસોઈ પણ પૂરેપૂરી કરતાં શીખવવાની છું. જોજો ને, એક દિવસ એ રસોઈ બનાવીને તમને જમાડશે!’ તે હસી. થોડાં વર્ષ પહેલાં આવું બન્યું હોત તો સાસુએ એની સાથે ઘણી જીભાજોડી કરી હોત. તે એના પર હુકમ ચલાવતાં નહિ કે મારા કહ્યા પ્રમાણે જ તારે કરવું જોઈએ એવો આગ્રહ કે અપેક્ષા રાખતાં નહિ. તે ભણેલાં હતાં એટલે દલીલો જરૂર કરતાં, પણ હવે તેમની શક્તિ ક્ષીણ થતી જતી હતી. એના પર તે વધુ આધાર રાખતાં થતાં જતાં હતાં. આ પરદેશમાં તેમને મળવા જવાનાં કે સમર્થન શોધવાનાં ઝાઝાં સ્થાન પણ નહોતાં. એના સાસુને બધી રીતે સાચવતી, છાપાં વાંચી સંભળાવતી, ફરવા લઈ જતી, તેમને માટે ખાસ સમય રાખતી. માત્ર પોતાની માન્યતાઓની બાબતમાં તે મક્કમ રહેતી. પણ કોઈક વાર તેને પ્રશ્ન વાગતો : મા તો વિપુલનાં છે, વિપુલ શા માટે એમને વધુ સમય નથી આપતો? એ કેમ પાસે બેસીને એમને જરા હુલાવતો, ફુલાવતો, હસાવતો નથી? પછી તે મન સાથે સમાધાન કરતી કે સ્નેહશીલ વ્યવહાર, બીજાની ઝીણી જરૂરિયાતો સમાજની શક્તિ એ બધું વિપુલમાં ઓછું હશે. ‘પુરુષો સ્વભાવે જ એવા હોય’ એમ તે માનતી નહોતી. બાયોલૉજિકલ ભૂમિકાએ શ૨ી૨બંધારણ અને બાળકને જન્મ આપવાની બાબતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદ છે તે કબૂલ. પણ, માનસિક સ્તર પર પુરુષ કંઈક વધુ આક્રમક હોય છે એ સિવાય બીજા ભેદો તો સામાજિક વ્યવસ્થા, પરંપરા, વાતાવરણનું સર્જન છે એમ વિવિધ નિષ્ણાતોના અભ્યાસો પરથી તેને સમજાયું હતું. રુચિભેદ હોઈ શકે, પણ તે વ્યક્તિગત, વર્ગગત નહિ. સાસુના વિચારો પણ, તે જે રીતે ઊછર્યાં, જીવ્યાં, જે વાતાવરણમાં પોષાયાં, તેને અનુરૂપ જ હતાં. તેમાં કોઈ મૂળભૂત સત્ય નહોતું. સાસુને તો કદી લાગતું જ નહિ કે વિપુલ પોતાને પૂરતો સમય આપતો નથી. જાણે મા સાથેનો સંબંધ પણ ઘ૨કામનો એક ભાગ હોય, તેમ વિપુલે એ જવાબદારી ઘણીખરી એના પર મૂકી દીધેલી. એના પ્રકૃતિથી જ બીજા લોકો માટે કાળજી કરનારી સ્ત્રી હતી, પણ સાસુને એની ગણના નહોતી. એ તો ઊલટાનાં બબડતાં રહેતાં : ‘નોકરી તો અમેય કરતાં હતાં… પણ વિપુલના પિતાની બધી સગવડ હું સાચવતી. એમને પાણીનો પ્યાલોય ભરવો ન પડતો, અને તું તો વિપુલના જમવાટાણે હાજર નથી હોતી. કામ કરે છે એ બરોબર, પણ એનો એટલો જમવાનો સમય સાચવી લેતી હો, તો?’ એનાને મનમાં તો ખરાબ લાગતું, પણ બહારથી તે હસી દેતી. ‘જમવાનો સમય વિપુલનો જ સાચવવાનો, મા? મારો નહિ? કામ તો હું પણ કરું છું — કદાચ તેના કરતાં વધારે કરું છું.’ સાસુ ચિડાતાં. ‘એમ વાતે વાતે સરખામણી કરાતી હશે? ઘર તો પ્રેમ ને મમતાથી ચલાવાતું હોય. એમાં આવા વાદ કાંઈ વદવાના ન હોય.’ એના કહેતી : ‘તો તમે ભૂલેચૂકેય વિપુલને કેમ નથી કહેતાં કે તે મારો સમય સાચવે?’ એનાનાં કાવ્યો વિશે બીજાઓ પાસે વાત કરતાં વિપુલ ગૌરવ અનુભવતો. પણ એનાને ક્યારેક લાગતું કે વિપુલ ઘેર હોય ત્યારે પોતે લખવામાં ગૂંથાયેલી હોય તો તેને એ બહુ ગમતું નથી. એક વાર એક સામયિકને કાવ્ય મોકલવાનું હતું. છેલ્લો દિવસ હતો. કાવ્ય લખાઈ તો ગયું હતું, પણ એક-બે પંક્તિઓ મઠારવાની હતી. એ વખતે જ માંદા અગ્નિવેશે કૉફી માગી. વિપુલ ઘરમાં જ હતો. એનાએ બૂમ પાડી : ‘વિપુલ, અગ્નિવેશને કૉફી બનાવીને આપ ને! હું જરા લખવામાં રોકાયેલી છું.’ વિપુલે કહ્યું : ‘હા હા, તું તારે લખ! અગ્નિને અને બીજા કોઈને પણ કાંઈ જોઈતું હોય તો બનાવી આપીશ. તને કંઈ આપું?’ શબ્દો સાદા હતા, પણ શબ્દાર્થ સીધો ન હતો. એના વિપુલની પીઠ પાછળ તાકી રહી. માંદા દીકરા માટે કૉફી બનાવવી તે કાંઈ મોટી વાત તો નહોતી જ. તો પછી આ ચીડ શાની? બાળકોને ઉછે૨વામાં વિપુલે પૂરતો સમય આપવો જોઈએ એવો એનાનો આગ્રહ હતો. પોતાને માટે તે વિપુલ પાસે આગ્રહ ન રાખતી પણ છોકરાંઓને તો બન્ને તરફથી પૂરતું વહાલ અને શીખવાનું મળવું જોઈએ! મા અને બાપને તેમણે બધી જાતનાં કામ કરતાં જોવાં જોઈએ, જેથી આ કામ આનું ને આ તેનું, આ કામ કરાય ને આ ના કરાય — એવા ભેદ તેમના મનમાં ઊભા ન થાય. સાસુએ ત્યારે પણ વિરોધ નોંધાવેલો : ‘રાખ હવે, પુરુષોને કાંઈ છોકરાં ઉછેરતાં આવડતું હશે?’ પણ એના એક વા૨ સાસુને નિખિલને ઘેર લઈ ગઈ તો એ ચકિત થઈ ગયાં. નિખિલ ટ્રેસી નામની અંગ્રેજ છોકરીને પરણેલો. તેને બે દીકરીઓ હતી. નિખિલ તેમને ટ્રેસી કરતાં વધુ સારી રીતે સાચવતો, ૨માડતો, તેમની સાથે સંવાદ કરી શકતો. ટ્રેસીમાં બાળકોની સૃષ્ટિમાં પ્રવેશવાની એટલી આવડત નહોતી. એ પછી સાસુ એ વિશે વધુ બોલતાં નહિ. પણ વિપુલમાં એક ફરક પડતો જતો હતો, તે એનાના ખ્યાલમાં આવ્યો. કારણ વગર તે ચિડાઈ જતો, કટાક્ષ કરી લેતો, પહેલાં કરતાં સાથ ઓછો આપતો. પછી એક દિવસ વિપુલની વાતમાંથી સમજાયું. એનાને તેના સ્વભાવ, કાવ્યો, છટાઓને કારણે વધુ લોકપ્રિયતા મળવા લાગી હતી, વીમાનું કામ પણ વધ્યું હતું, અને વિપુલે ટકોર કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની આવક વિપુલ કરતાં વધી ગઈ હતી. સાસુને આ વાત જરા વહેલી સમજાઈ હતી, કારણ એક કાળે પતિનો વેપાર મંદ ચાલતો હતો અને પોતાને શાળાના પગાર ઉપરાંત, ટ્યૂશનોની પણ સારી આવક થતી હતી, ત્યારે પતિએ ટેબલ પર મુક્કો ઠોકીને કહેલું : ‘મારા કરતાં મારી પત્નીની આવક વધારે હોય એ હું કોઈ દિવસ ચલાવી નહિ લઉં.’ અને પતિને પ્રસન્ન રાખવા તેમણે બધાં ટ્યૂશનો જતાં કરેલાં. પતિ પ્રામાણિક અને પરગજુ હતો, પણ ઘરમાં પોતાનું જ કહ્યું થવું જોઈએ તેવા આગ્રહવાળો હતો, ગુસ્સાવાળો હતો. એક હાક મારે તો પત્ની થરથરી જતી. આ વાત તેમણે એનાને કહી : ‘પુરુષનો અહં નાજુક હોય છે. એને જરા પંપાળીને, સંભાળીને રાખવો જોઈએ.’ સાસુ સાથે સાધારણપણે તો એના વિનયથી વર્તતી, પણ એ દિવસે તે છેડાઈ પડી. ‘પણ એવું શા માટે, મા? હું વધારે કમાઉં છું તે કાંઈ મારો અપરાધ છે? પુરુષનો અહં તો એણે પોતે ફુલાવેલો ફુગ્ગો છે. બાકી ભગવાને તો આપણને બધાંને સરખાં અને અધૂરાં સરજ્યાં છે. મારામાં વધારે આવડત હોય તો વિપુલ રાજી કેમ ન થાય? પતિમાં ઘણી આવડતો હોય તો પત્નીઓ રાજી નથી થતી?’ વિપુલે આ વિશે તેની સાથે ચર્ચા કરી હોત તો એનાની સબળ દલીલો સામે તે ટક્યો ન હોત. પણ તે તો ખુલ્લો થવાને બદલે, ઈર્ષ્યાથી ઘવાઈને ચૂપ અને વધુ બંધ થઈ ગયો. નાની નાની વાતોમાં હવે તેની ઈર્ષ્યા પ્રગટ થવા લાગી. કોઈક વાર એના કામ પર જતાં કહે : ‘વિપુલ, ગુલાબને પાણી જરા પાઈ દેજે ને! મને આજે વખત રહ્યો નથી.’ પણ સાંજે તે આવે ત્યારે તેને ખબર પડે કે પાણી પવાયું નહોતું. એક વાર તેણે વિપુલને પૂછ્યું તો બેદરકારીથી તેણે કહ્યું : ‘તારા છોડનું તું જાણે, મને એવો વખત નથી.’ એના ડઘાઈ ગઈ. પહેલી વાર તેણે સાસુ પાસે ફરિયાદ કરી. સાસુએ ફરી એ જ કહ્યું : ‘કોઈ પુરુષ, પોતાની પત્ની પોતાના કરતાં આગળ વધી જાય, તે સહન કરી શકતો નથી. તું જરા સંકોચાઈ જા, પછી જો, વિપુલ હતો તેવો પ્રેમાળ, આનંદી બની જાય છે કે નહિ?’ એનાના કપાળમાં કરચલીઓ પડી. ‘પણ એ ખોટું નથી મા? મારી આવી ઈર્ષ્યા કરવી એ શું એને માટે અયોગ્ય નથી? તમે એને કેમ સમજાવતાં નથી? ખોટું એ કરે છે અને સજા મારે ભોગવવી?’ ગુલાબનું વન હતું ત્યાં કાંટાળા બાવળ ઊગી નીકળ્યા. સંબંધે પહેરેલું પ્રેમનું કવચ એની તીક્ષ્ણ અણીઓએ ચીરી નાખ્યું. વિપુલે પોતાના મનોભાવો સંતાડવાનો જરાયે પ્રયાસ કર્યો નહિ. તે વધુ કડવો, વધુ આત્મકેન્દ્રી, વધુ દૂર થતો ગયો. એનાને વધારે માઠું લાગતું ગયું. તેને થતું : પુરુષનો અહં એવી તે કઈ બલા છે કે વિપુલ એને માટે ઘર વીંખી નાખવા તૈયાર થઈ ગયો છે? કોઈક વાર એનાને થતું — ભલે એને શાંતિ થતી હોય તો કામ છોડી દઉં. પછી બધી સખીઓની કથા યાદ આવતી. પોતે અન્યાયને નમતું નહિ આપવા માટે ગાંઠ વાળી હતી તે યાદ આવતું. સદીઓથી પુરુષે હંમેશાં પોતાની જાતને ચડિયાતી માની છે. સ્ત્રીઓએ પણ એ કબૂલ રાખ્યું છે. દરેક સ્ત્રીને મનમાં હોય છે : મારા કરતાં મારો પતિ વધુ ભણેલો હોવો જોઈએ; વધુ અક્કલવાળો, વધુ કમાતો, વધુ ઊંચો હોવો જોઈએ. ઉછીના અજવાળાથી ચમકવાની, પતિ કે સંતાનોની સિદ્ધિ વડે પોતાને સિદ્ધિમાન માનવાની સ્ત્રીઓને ટેવ પડી ગઈ છે — એનાએ હોઠ ભીડીને વિચાર્યું. આ બધું તૂત છે. સાથે રહેતા માણસોમાં ઓછાવત્તા ગુણો — આવડતો હોય, એમાં હુંસાતુંસી કરવા જેવું શું છે? માણસ જેવો છે તેવો સ્વીકારવો જોઈએ. પ્રેમ મહત્ત્વની બાબત છે, કોણ કોનાથી ચડિયાતું છે તે નહિ. તેની એક મિત્ર સાથે તેણે આ વાત કરી ત્યારે તેણે એક નવો મુદ્દો કહ્યો. પુરુષને પોતાના કરતાં પોતાની પત્ની વધુ કમાતી હોય, વધુ તેજસ્વી હોય, વધુ લોકપ્રિય હોય તો તે સહ્ય બનતું નથી, પણ પત્ની વધુ કામગરી હોય, વધુ સુંદર હોય, ઘરવ્યવસ્થામાં વધુ કુશળ હોય, તો તેમાં તેને કાંઈ વાંધો આવતો નથી. પૈસા સત્તાનું પ્રતીક છે. સત્તા, મોભો, દરજ્જો — જ્યાં જ્યાં સત્તાનું કેન્દ્ર છે તે તે સ્થાને પુરુષ પોતાનું પ્રતિષ્ઠાપન ઇચ્છે છે. એનાને પરંપરાના પાયા પર નિશ્ચિત થયેલાં માળખાં કબૂલ નહોતાં. દરેકને પોતાની રુચિ, ઇચ્છા અનુસાર પોતાની ભૂમિકા પસંદ કરવાની તક મળવી જોઈએ એમ તે દૃઢપણે માનતી હતી. હવે પોતાના જીવનમાં પ્રશ્ન ઊભો હોય ત્યારે એમાંથી પાછાં પગલાં ભરવાનું એને નાલેશીભર્યું લાગ્યું. હું વિપુલથી બે વેંત નીચે હોઉં તો જ એ મને ચાહી શકે, મારી સાથે શાંતિથી રહી શકે? એવો શરતી પ્રેમ, એવો શરતી સંબંધ શું એને માટે શોભાસ્પદ છે? પણ વિપુલ આ બધા વિશે વાતો કરવાની મનઃસ્થિતિમાં જરા પણ નહોતો. હવે તેનાથી વાતે વાતે એનાનું અપમાન થઈ જતું. છોકરાંઓ માનો પક્ષ લઈ દલીલો કરતાં, તેથી છોકરાંઓના અવાજ સાથે પણ તેનો અવાજ અથડાવા લાગ્યો હતો. સાસુ હજી ક્યારેક કહેતાં : ‘એના, સુખી ઘર તૂટી રહ્યું છે. એક નાની વાત માટે જીદ ન કર.’ એના દુખી થઈને કહેતી : ‘આ નાની વાત નથી, મા! અને જીદ મારી નથી, વિપુલની છે. તમે એને કેમ કાંઈ કહેતાં નથી?’ પછી લાંબા સમય સુધી બન્ને વચ્ચે કામ સિવાયની વાત જ ન થાય એવું બનવા લાગ્યું. એક જ છાપરા નીચે, જેને એક વાર ખૂબ ચાહેલો, તેવા માણસ સાથે આમ અજાણ્યાની જેમ રહેવાનું એનાને ખૂબ આકરું લાગ્યું. આના કરતાં છૂટાં થઈ જવું સારું — એવું પણ એના મનમાં ઊગવા લાગ્યું. આ અકળામણમાંથી રાહત શોધવા તેણે કાવ્યોનો આશ્રય લીધો. એક વાર જર્મન કવિ પોલ સેલાનનાં કાવ્યોનું પુસ્તક તેના હાથમાં આવી ગયું. એનાં કાવ્યો વાંચીને તેને થયું : જર્મનીના બીજા ઘણા કવિઓ ગુજરાતીમાં આવ્યા છે, પણ આ નવો કવિ છે, તેનો ગુજરાતીને પરિચય કરાવવો જોઈએ. થોડા દિવસ બધું કામ બંધ કરી તે અનુવાદ પાછળ જ લાગેલી રહી. ‘તેં તારાં નેત્રો ખોલ્યાં અને મેં મારા અંધકારને જીવતો જોયો… જ્યારે મૌન એક જણ આવે છે અને ટ્યુલિપની દાંડલી તોડી નાખે છે, ત્યારે કોની જીત થાય છે? કોની હાર? ‘દરવાજા બંધ થયા ત્યારથી મારી આંખો એની પાસે છે. એને તે વીંટીની જેમ પોતાની આંગળીઓ પર પહેરે છે.’ તે અનુવાદ કરતી ગઈ તેમ તેને વધુ ને વધુ આનંદ આવતો ગયો. કોઈ છાપે કે ન છાપે, આમ કાવ્યો સાથે એકાંતમાં સમય ગાળવો એ જ એક મોટું સુખ હતું. વિપુલે શરૂઆતમાં ન જોયું કર્યું. પછી ફરિયાદ કરી : ‘આટલો બધો સમય તું લખવામાં ગાળે છે, તે ઘર તરફ તારી કાંઈ ફરજ ખરી કે નહિ? અમારા તરફ તો તું ધ્યાન જ નથી આપતી.’ પહેલાં ક્યારેક વિપુલે આવી ફરિયાદ કરી હોત તો એનાએ એની ચિબુક પકડી વહાલ કરી, લાડભર્યા શબ્દોમાં કહ્યું હોત : ‘થોડો વખત મારા બદલે તું ઘર અને છોકરાંઓને નહિ સાચવી શકે? હું કાવ્યોમાં ખૂબ ડૂબી ગઈ છું.’ પણ અત્યારે તે એવું કહી શકી નહિ. તેને પણ હવે મનમાં ગુસ્સો આવતો હતો. કોઈક વાર શું હું મારા માટે થોડા દિવસ ન ગાળી શકું? વિપુલને મારે માટે ખરેખર પ્રેમ હોય તો એ કેમ ન કહી શકે કે તું ઘરની ચિંતા કર્યા વગર લખ, હું બધું સંભાળી લઈશ! છેવટે, કાવ્યસર્જન એ કાંઈ નાની નકામી બાબત તો નથી! એ લખતો હોત તો મેં એને બધી સગવડ ન આપી હોત? પણ એક ખાઈ પડી હતી, એ ઓળંગી શકાઈ નહિ. હસતા-૨મતા શબ્દો વડે ગુસ્સો હળવો કરી શકાયો હોત, પણ એવું થઈ શક્યું નહિ. એના દુઃખી હતી. વિપુલ નારાજ હતો. વધુ ને વધુ નારાજ થતો ગયો. ‘કાંઈ નહિ, મારું લખવાનું પૂરું થાય પછી હું એને મનાવી લઈશ. હવે થોડું જ બાકી છે.’ એનાએ વિચાર્યું. એક સાંજે વિપુલ એના થોડા મિત્રોને લઈને ઘેર આવ્યો. એના ત્યારે લખતી હતી. તેમની વચ્ચે સાધારણ એવો નિયમ હતો કે જે ઘેર હોય તે બહારથી આવનારને ચા બનાવી આપે. વિપુલ પહેલાં આવ્યો હોય અને એના મોડી ઘેર આવે તો વિપુલ એને માટે ચા બનાવી આપતો. પણ તે દિવસે એના ઊઠી નહિ. વિપુલ ખૂબ ધૂંધવાયો. પોતાને ને મિત્રો માટે તેણે ચા તો બનાવી, પણ પછી તેણે એ લોકોને જમવા રોકી લીધા. એના પાસે જઈને કહ્યું : ‘એના, આ ત્રણે જણ આજે અહીં જમવાના છે.’ એના એક પ્રાસ શોધતી હતી. સેવન નાઇટ્સ હાયર, રેડ મેક્સ ફૉર રેડ — એનો અર્થ બેસતો નહોતો. તેણે વિપુલ કંઈક બોલે છે એ સાંભળ્યું પણ તેના શબ્દો તેના મગજમાં પ્રવેશ્યા નહિ. વિપુલ ગુસ્સે થઈ ગયો. નજીક આવી તેણે એની નોટનાં પાનાં ખેંચ્યાં. ‘સંભળાતું નથી હું બોલું છું તે? આખો દિવસ લખ લખ ને લખ. જાણે અમે કોઈ ઘરમાં છીએ જ નહિ!’ ‘પણ શું છે?’ એના ઊભી થઈ ગઈ. મહેમાનો જમવાના છે!’ એના આશ્ચર્યથી તેની સામે તાકી રહી. ‘પણ વિપુલ, મારે —હું — લખવામાં છું. હું રસોઈ કરી શકું એવી મારી મનઃસ્થિતિ નથી. તું પ્લીઝ — એમને બહાર જમવા લઈ જા, અને નહિ તો તું ને આભા-અગ્નિ મળીને કંઈક સાદું બનાવી લો.’ તેણે ફરી કલમ પકડી. સાદો સંવાદ હતો. ટિનબંધ ખાવાનું ઘરમાં હતું. બાપ-છોકરાંઓએ મળીને ઘણી વાર ૨સોઈ કરી હતી, મઝા માટે રાંધવામાંથી રજા રાખીને અનેક વાર તેઓ બહાર જમવા જતાં. એમાં કશું નવું ન હતું. પણ તે દિવસે વિપુલ ભયંકર ગુસ્સો કરી બેઠો. ‘એટલે? લખવા માટે થઈને તારે અમને બહાર ધકેલી દેવાં છે? તારે મન અમારા કરતાં કાવ્યો લખવાનું વધારે મહત્ત્વનું છે?’ ‘તું આ શું બોલે છે, વિપુલ?’ એનાએ આર્તસ્વરે કહ્યું. ‘મારાં કાવ્યો વાંચીને તો તું મારા પ્રેમમાં પડ્યો હતો.’ ‘પણ હવે એ કાવ્યો જ આપણા જીવનમાં આડે આવે છે. તું મહે૨બાની કરીને કાવ્યો લખવાનું બંધ કરી દે, નહિ તો હું મગજ ખોઈ બેસીશ.’ ‘પણ લખવાનું… લખવાનું તો મારા લોહીમાં છે. તને ખબર છે વિપુલ…’ ‘તને મારે માટે પ્રેમ હોય તો કાવ્યો લખવાનું બંધ કરી દે.’ વિપુલના અવાજમાં દબાયેલી ધમકી હતી? કે એનાને એવું લાગ્યું? તેનો અવાજ પણ ઊંચો થયો. ‘પ્રેમ હોય તો આમ કર ને પ્રેમ ન હોય તો તેમ કર — એમ કહેવું એ બ્લૅકમેલ ક૨વા જેવું છે, વિપુલ!’ ‘હું તને બ્લેકમેલ કરું છું એમ?’ વિપુલ લગભગ ગરજ્યો. તેણે એનાનાં કાવ્યોની નોટબુક હાથમાં લીધી. ‘આ તારાં નકામાં ચિતરામણ માટે થઈને તું મારી પર આક્ષેપ મૂકે છે? આ નકામાં કાગળિયાં માટે?’ તેણે નોટબુકનાં પાનાં ચ૨૨૨… કરતાં ફાડવા માંડ્યાં. એનાએ જોરથી તેનો હાથ પકડી લીધો. ‘મૂકી દે વિપુલ… મારી સાત દિવસની મહેનત છે એમાં.’ તેનો હાથ ઝટકાવી બાકી રહેલાં બધાં પાનાં એકીસાથે ફાડી નાખતાં વિપુલ બોલ્યો : ‘સાત શું, સાતસો દિવસની મહેનત હોય તોય ફાડી નાખીશ. મારા કરતાં એ કાગળિયાંની કિંમત તને વધારે હોય એ હું કોઈ દિવસ કબૂલ નહિ રાખું.’ વિપુલ ધડામ્ કરતો બારણું પછાડી દીવાનખંડમાં ચાલ્યો ગયો. બંધ રૂમમાં, બત્તી કર્યા વગર એના ક્યાંય સુધી સ્તબ્ધ બનીને બેસી રહી. તેના હૃદયને કોઈએ હજાર શૂળો વડે જાણે વીંધી નાખ્યું. વિપુલ મિત્રોને લઈ બહાર જમવા ચાલ્યો ગયો. મોડી રાતે ઘેર આવ્યો. ટીવીમાં સમાચાર સાંભળ્યા. અચાનક છાતીમાં દુખવા લાગ્યું અને બેબાકળી એના ડૉક્ટરને બોલાવે તે પહેલાં તો હૃદયરોગના સખ્ત હુમલાથી પાંચ જ મિનિટમાં તેનું પ્રાણપંખી પિંજરમાંથી ઊડી ગયું.