સાત પગલાં આકાશમાં/૨૪
રોબ બીયર લેવા ગયો કે એના ઊભી થઈ. કોઈનું તેની તરફ ધ્યાન નહોતું. હવે ત્રણ-ચાર જણને બાદ કરતાં બધાં જ નૃત્યમાં જોડાયાં હતાં. સૂઝન થાકીને બહાર નીકળી આવી હતી ને બારી પાસે ઊભી ઊભી શેમ્પેન પીતી હતી. લૉવેલ એક સોફામાં બેઠો હતો ને ધીરે ધીરે ડોલતો હતો. બધાં જ લયમાં ચકચૂર હતાં. રોબ પ્રામાણિકપણે જ માનતો હશે કે મન-હૃદયને હળવાં કરવાનો આ એક નિશ્ચિત ઉપાય છે, — એનાએ વિચાર્યું. તે અને તેના જૂથનાં આ બધાં જ… સુલભ સુખની શોધના વેગીલા વહેણમાં આ બધાંની જીવનધારા એકત્ર થતી કે વધુ વિખરાતી હતી? રોબ મને સહાયરૂપ થવા માગતો હતો, પણ આ માર્ગ મારો નથી. તે ઊભી થઈ. સૂઝનને કહ્યું : રોબને કહેજે હું જાઉં છું, અને તે બહાર નીકળી આવી. બહાર સરસ નાનકડો બગીચો હતો. ઉપર સુદ તેરશનો ચંદ્ર પ્રકાશતો હતો અને નીચે જિરેનિયમનાં રંગ-રંગનાં ફૂલો ૫૨ વૃક્ષોની છાયાઓ પથરાઈ હતી. અંદર જેટલાં ઘોંઘાટ, ગરમી, ઉત્તેજના અને આવેશ હતાં તેટલી જ બહાર સ્નિગ્ધતા, શીતળતા, શાંતિ હતાં. આ શાંતિને શ્વાસમાં ભરતી તે ઘડીક વાર પોતાની ગાડીને અઢેલીને ઊભી રહી. રોબ તેને શોધવા બહાર આવે એવો સંભવ નહોતો. તેનું આ માત્ર સૂચન હતું, આગ્રહ નહોતો. ઉપર અસીમ સુંદર આકાશ, નીચે શાંત ધરા વચ્ચે પોતે એકલી, જેનો એક માર્ગ ખોવાઈ ગયો છે ને બીજો માર્ગ મળ્યો નથી. અને આ બધાં — તેમને પણ શું માર્ગ મળ્યો છે? અહીં સંપન્નતા છે, સ્વતંત્રતા છે, પણ અહીં દેહ એ જ દેવતા છે. કામનાના દીવા પેટાવી અહીં દેહની જ આરતી ઉતારવામાં આવે છે. વૈવિધ્યોની લોભામણી ગલીઓમાં તેમની દેહયાત્રાનો એક ઉત્સવ ચાલે છે. ‘ગ્રૂપ સેક્સ’ વિશે તેણે સાંભળ્યું હતું, આજે પ્રત્યક્ષ જોયું. પણ એક દિવસ એમનાં વૃક્ષનાં પાંદડાં એક એક કરીને ખરી જશે ત્યારે શું થશે? અહીં સ્ત્રીઓની જે સ્વતંત્રતા છે, તે પણ એક મહોરું છે. તેની હેઠળ તેઓ અસહાય, સદૈવ કોઈનો ટેકો મેળવવા, પોતાના શરીરને પુરુષની નજરે વાંછનીય બનાવવા પ્રયત્નશીલ રહે છે. એકલાં પડી જવાનો તેમને બહુ મોટો ભય છે કારણ કે અહીં પ્રેમનો વિસ્તાર નથી, અને સંબંધો અસ્થાયી છે. આ સુંદર બગીચાવાળાં, લાલ સુરેખ ઈંટોવાળાં મકાન, પતિ-પત્ની બન્ને માટે જુદી કાર, ફ્રીજ, કલર ટીવી સેટ, માઇક્રોવેવ ઓવન — આ બધાં સાધનો — સગવડોથી રહિત થઈ જવાનો ભય તેમને પરાધીન બનાવી દેતો હતો. આવતી કાલે આ બધું ન રહે — એવા ભયથી તલવાર તેમના માથે લટકતી રહેતી હતી. છૂટા થઈ જવાનું સહજ હતું. એથી એકલતાનો ભય હતો. જીવનની વાસ્તવિકતાઓ સામે ઝઝૂમવાની અશક્તિનો ભય હતો. વૃદ્ધાવસ્થાનો ભય હતો અને આર્થિક ચિંતા હતી. આ શ્રીમંત દેશ હોવા છતાં આર્થિક ચિંતા લગભગ બધાંને જ હતી, કારણ કે તેમની જીવનશૈલી એ પ્રકારની હતી. અને આ બધા ઉપરાંત, મુક્ત સહચારને સ્વાભાવિક ગણવા છતાં પતિ કે પત્ની બીજામાં રસ લે તેની ઈર્ષ્યા અને હતાશા પણ હતાં. સિમોન દ બુવા અને સાર્ત્ર તો પતિ-પત્ની પણ નહોતાં; અને તેમણે એકબીજાને, અન્યને પ્રેમ કરતો ત્યારે સિમોનના હૃદયમાં આંધી ઘેરાઈ આવતી. બર્ટ્રાન્ડ રસેલે પોતાને માટે ને પત્ની માટે પણ બહારના પ્રેમની છૂટ રાખી હતી, પણ પત્ની બીજાનું બાળક લઈને આવી ત્યારે છૂટાછેડા આપી દીધેલા. આવા ધુરંધરોની પણ આ સ્થિતિ હોય ત્યારે સાધારણ માણસોની તો શી વાત? આ માર્ગ મારો નથી… ફરી એનાએ પોતાની જાતને કહ્યું, પણ મારે કમાવાના નવા માર્ગ ખોળવાના છે. જીવનમાં મારે હજી કેવી કેવી લડત આપવી પડશે? હું શાંતિ ઇચ્છું છું, સ્નેહભર્યો એક ખૂણો ઇચ્છું છું. હું થાકી ગઈ છું… તેને ગળે ડૂમો ભરાયો. આ સ્ત્રીઓ પણ એ જ નહિ ઇચ્છતી હોય? અહીં તો લાંબા લગ્નજીવન પછી પણ પતિ-પત્ની અચાનક છૂટાં થઈ જતાં. પત્નીને છોડી પતિ ચાલ્યો જાય ત્યારે સ્ત્રીની ઉંમર ઘણી મોટી હોય તેમ બને. બધાનું જ આવું થાય તેમ નહિ, પણ ઘણાંના જીવનમાં એમ બનતું. પ્રવાહ એ તરફનો હતો. મનના ઊંડાણમાં એનો સદાય ભય રહેતો. દરેકેદરેક વ્યક્તિને માટે, પુરુષને માટે ને સ્ત્રીને માટે, વૃદ્ધોને માટે ને બાળકોને માટે — સુખ અને સાર્થકતાપૂર્વક જીવવાની તક તો હોવી જોઈએ. પોતાની અધૂરપો — ઊણપો હોય એ જુદી બાબત છે, પણ કોઈ સામાજિક વ્યવસ્થા, પ્રણાલી કે નિયમોને કારણે આ તક છિનવાઈ જવી ન જોઈએ… વિચારમાં ડૂબેલી એનાએ યંત્રવત્ કારનું બારણું ઉઘાડ્યું, અંદર બેસી ગાડી હંકારી. લાંબા, સૂના, ચોખ્ખા, પહોળા રસ્તાઓ પર ગાડી ચલાવવાનું તેને ગમ્યું. ઘેર જવાનું મન ન થયું. બસ, આમ જ રસ્તાઓ પર સરતાં જવું… થાક ન લાગે ત્યાં સુધી, આંખ ન મીંચાય ત્યાં સુધી. સફાળા તેણે આંખ પટપટાવી. તે ઘર પાસે જ પહોંચી ગઈ હતી. રોજની ટેવ સ્તો! તે હસી. તેણે ગાડી પાર્ક કરી ચાવી વડે બારણું ઉઘાડ્યું. રાતનો એક થવા આવ્યો હતો. બધાં ગાઢ ઊંઘમાં હશે — તેણે વિચાર્યું ને ધીરા પગલે પોતાના રૂમ ભણી ચાલી. પણ વચ્ચે જ અટકી ગઈ. બેઠકખંડમાં જયાબહેન બેઠાં બેઠાં માળા ગણતાં હતાં. ‘હજી જાગો છો?’ એનાએ આશ્ચર્યથી પૂછ્યું. જયાબહેને સ્નેહભરી નજરે તેની સામે જોયું. ‘તારી રાહ જોતી હતી.’ એનાનું હૃદય ભરાઈ આવ્યું, પૃથ્વી પર ક્યાંક હજી સૂર્ય પ્રકાશતો હતો. બધે અંધારું નહોતું. તે નજીક ગઈ. ‘ઘણું મોડું થયું છે. ઊંઘ નહોતી આવતી?’ જયાબહેને માળા બાજુ પર મૂકી. સ્નિગ્ધ કંઠે બોલ્યા : ‘મોડું થયું બહુ, એટલે તારી સહેજ ચિંતા થતી હતી. જોકે અહીં એમ તો વાંધો નહિ, પણ એ લોકોની આવી પાર્ટીમાં પહેલી વાર ગઈ એટલે થયું, શી ખબર તને ત્યાં ફાવે ન ફાવે, ખાવાનું પણ આપણું ત્યાં કદાચ ન હોય! તું આવે ત્યારે કદાચ તને ભૂખ લાગી હોય. એટલે સાંજે ઢોકળાં બનાવ્યાં હતાં તે એક થાળી રાખી મૂકી હતી. ઊભી રહે, ગરમ ગરમ ઉતારી આપું. ત્યાં તેં ખાધું તો શું હશે?’ એના એમની સામે ક્ષણવાર તાકી રહી, પછી એમના ખોળામાં માથું મૂકી ડૂસકે ડૂસકે રડી પડી. જયાબહેને એની પીઠ પર હાથ ફેરવ્યો. અનાયાસ તેમના કંઠેથી ઉદ્ગાર સરી પડ્યો : ‘દીકરી!’ એનાનો દેહ દુર્નિવાર રુદનના વેગથી ઊછળી રહ્યો. જયાબહેને હળવેથી એનાં આંસુ લૂછ્યાં. દીકરી! ઘણા દિવસથી હું તને જોઉં છું. તને હવે અહીં કામની મુશ્કેલી પડે છે, તે હું સમજું છું. પતિ જતાં સ્ત્રીને સમાજે વધુ શક્તિ આપવી જોઈએ, એને બદલે તે ઊલટાનો શક્તિ ખાઈ જાય છે. મારીયે આ જ સ્થિતિ થઈ હતી, પણ મારો વિપુલ દીકરો મોટો હતો. તને શું શું થતું હશે તે હું સમજી શકું છું. ઘણા વખતથી તને કહેવા એક વાત મનમાં ઘોળાયા કરે છે. કહું?’ એનાએ પ્રશ્નભરી નજરે સાસુ સામે જોયું. ‘મને એમ થાય છે, તને મારી વાત ગળે ઊતરે તો — ચાલ આપણે ભારત પાછાં જઈએ.’ એનાની આંખમાં આશ્ચર્ય તરી આવ્યું. ‘ભારત જઈએ?’ ‘હા. ત્યાં હજી પ્રેમ છે, ત્યાં લોકો વધારે મૃદુ, વધારે સહિષ્ણુ છે. અહીં તો દરેક જણ પોતાને માટે જ જીવે છે. અહીંનો સમાજ ભૌતિક, બહિર્મુખ છે. સાચો પ્રેમ એટલે શું તેની અહીં કોઈને ખબર નથી. ભારતમાં હજી લોકો બીજાઓની કાળજી કરે છે, વૃદ્ધોને માન આપે છે. ત્યાંયે સમાજ બદલાયો છે. પણ હજી ત્યાં ભૌતિકતા સિવાયના આદર્શોની ઉપાસના છે. હજી ગાંધીને જીવંત રાખવા મથનારા લોકોનો ત્યાં મોટો સમૂહ છે. આપણને ત્યાં કંઈક કામ મળી રહેશે, આશ્રય ને શાંતિ મળશે અને…’ તેમની પ્રેમભરી નજ૨ એનાને ભીંજવી રહી. ‘અને ત્યાં મુંબઈ જેવા શહે૨માં તો તારા આ વેશને માન્ય રાખનારા લોકો પણ હશે જ.’ …આભા અને અગ્નિવેશે પહેલાં તો ગંદકી, ગરમી, ગરીબી ને માનવવસ્તીથી ઊભરાતા દેશમાં જવાની આનાકાની કરી. પછી પૂર્વજોના દેશમાં, એક નવા દેશમાં નવી રીતે વસવાટ કરવાનો પડકાર તેમના યુવાન લોહીને આકર્ષી ગયો. અને થોડાક મહિનામાં લંડનના વસવાટને સંપૂર્ણ રીતે સંકેલી લઈ તેઓ ભારત આવી ગયાં.
વિધાતાએ એક બહુ જ સુંદર ચિત્ર રચેલું — એક સમન્વયનું, જ્યાં બધાં સાથે રહેતાં છતાં બધાંને પોતાનું એકાંત હતું; જ્યાં સ્વતંત્રતા હતી, પણ એકલતા નહોતી; સંબંધો હતા પણ આધિપત્ય નહોતું. ઘટાળાં વૃક્ષોની વચ્ચે નાનાં રૂપકડાં મકાનો હતાં — ધરતીમાંથી જ ઊગી નીકળ્યાં હોય એવાં; સલામતી આપતાં, પણ બાંધી રાખતાં નહિ. આસપાસ બાગ હતો, ફૂલો હતાં, ફૂલવેલથી છાયેલા મંડપો હતા, પવનનું અને પંખીઓનું સંગીત હતું; અને શાંતિ હતી. અહીં જે લોકો રહેતાં હતાં, તે સહુની પાસે પોતાને ગમતું કામ હતું, સાદું ને સર્જનાત્મક જીવન હતું. અહીં મિત્રતા ને હૂંફ હતાં. પ્રભાત અહીં ટહુકાની છાલકો વડે આંખો ખોલતું, અંધારું અમીધારે વરસતું અને સામે હતો સમુદ્ર — વિરાટનો અગાધ ઉત્તુંગ હિલ્લોળ, સુંદર અને ભીષણ, સ્થાયી અને સતત ગતિશીલ. અહીં પરંપરાએ મહોર મારેલી માન્યતાઓ નહોતી, ભૂતકાળના રીતરિવાજોનું આવર્તન નહોતું. પહેલાંથી ચાલ્યું આવે છે તે માટે, સમાજમાં પ્રચલિત છે તે માટે, શાસ્ત્રો કે ધર્મોમાં કહ્યું છે તે માટે, કશું સાચું ઠરાવી દેવાયું નહોતું. મુક્ત હવામાં, તર્કબુદ્ધિ વડે જાતે અવલોકેલું જગત અને જાતે કરેલા પ્રયોગને માર્ગે, સાચું શું છે — તેની શોધ હતી. પ્રકૃતિએ જે ભેદ સર્જ્યા હતા — લિંગના, રંગના, દેહ-આકારના — તે ભેદના આધારે પછી બીજા ભેદોની માંડણી થઈ નહોતી. અહીં દરેકનો દરજ્જો સમાન હતો, દરેકનું પોતાનું જીવન પોતાના નિયંત્રણમાં હતું, દરેકનું મૂલ્ય હતું, દરેકનો મહિમા હતો. પરાપૂર્વથી નિર્મિત બધી સ્વીકૃતિઓનાં જાળાંઝાંખરાંમાંથી બહાર આવી દરેક જણ પોતાની અંદર જે સુંદર, શુભ્રતમ હોય તેને પ્રગટ કરવાની, પોતાની શક્યતાની સીમાઓ વિસ્તારવાની, પોતાનાં ઉચ્ચતમ શિખરો ખોળવાની અભીપ્સાથી સંચારિત હતું. મનુષ્ય જીવન જીવવાના એક ઉત્તમ પ્રયોગનું આ અતિસુંદર ૨મણીય ચિત્ર વિધાતાએ બહુ મહેનત લઈને ઘડ્યું હતું અને પછી એ ચિત્રના ટુકડા કરી, એ ટુકડાઓ ચારે દિશામાં વિખેરી દીધા હતાં. …અને પછી, જીવનના એ દેવતા પ્રતીક્ષા કરતા હતા — એ ટુકડાઓ એકમેકની સમીપ ખેંચાઈ આવી ફરી એ ચિત્રને અખંડ સુંદર બનાવી દે તેની…
અમે બધાં વિનોદને ત્યાં મળ્યાં હતાં. અમે એટલે — હું ને સ્વરૂપ મિત્રા, અલોપા, એના ને અગ્નિવેશ અને જયાબહેન, આભા ને એનો પતિ ગગનેન્દ્ર અને ‘અ’… ત્યારે અમે હજુ પરસ્પરને ખાસ ઓળખતાં નહોતાં. વિનોદ બધાંનો મિત્ર હતો અને તેણે બધાંને પોતાને ઘેર નિમંત્ર્યા હતાં. ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’ની જેમ ‘પ્રથમ મિલને મિત્રતા’ જેવું પણ કાંઈક હશે જ. પ્રથમ પરિચયે જ અમે એકબીજા સાથે ઊંડી નિકટતા અનુભવી રહ્યાં. બધાંએ વિનોદના રસોડામાં ઘૂસી જઈને રાંધ્યું. એના ને વિનોદે મળીને સમોસા બનાવ્યાં. મેં ને મિત્રાએ મગ-પાલખનું શાક. જયાબહેને કડક છતાં પોચી ભાખરી બનાવી, સ્વરૂપે સલાડ. એનો તો કાચાં શાકભાજી સાથે વિશેષ સંબંધ ખરો ને?’ ‘અ’ માત્ર કોઈ જે ચીજવસ્તુ માગે તે લાવી આપતો આમતેમ ફરતો હતો. તેને લાગતું હતું કે પોતે નકામો વચ્ચે દખલ કરે છે, પણ ખરેખર તો તેની હાજરીથી એ નાનકડો ખંડ વધુ જીવંત બનેલો. બાલ્કનીવાળા રૂમમાં શેતરંજી પાથરીને અમે બેઠાં. કેળનાં પાન ૫૨ જમ્યાં. ‘સાથે જમવાની મઝા આવે, નહિ?’ આભાએ કહ્યું. ‘સાથે રાંધવાની પણ મઝા આવે.’ વિનોદે કહ્યું. જે કુટુંબમાં પતિ અને પત્ની, માબાપ અને સંતાનો સાથે મળીને રસોઈ કરે છે તે કુટુંબ સુખમાં રહે છે.’ — એનાએ બીબીસી પરથી ‘નવી વાનગી’ના કાર્યક્રમ વખતે આયોજકે ઉચ્ચારેલું વાક્ય કહ્યું. સ્વરૂપ સાધારણ રીતે ઝટ દઈને બોલતો નથી, પણ તે દિવસે તે પણ કંઈક વિશેષ લહે૨માં હતો. તેણે કહ્યું : ‘જે લોકો સાથે કામ કરે છે ને સાથે જમે છે, સાથે ગાય છે અને સાથે બેસે છે તે લોકો સાથે સુખી થાય છે.’ ‘ચાલો, ચાલો, બધાં સાથે ગાઈએ.’ મિત્રા મોટેથી બોલી ઊઠી. થોડીક વાર બધાં ચૂપ થઈ ગયાં. ઊતરતી રાતનું અંધારું આલાપ બની અમારી વચ્ચે વિસ્તરવા લાગ્યું અને પછી અલોપાએ ગાવાનું શરૂ કર્યું. ખરેખર તો એ ગીત નહોતું પણ ધૂન હતી : ૐ શિવ ૐ શિવ પરાત્પરા ૐ કારા શિવ તવ શરણમ્… નવાઈની વાત કે અમને બધાંને જ એ ધૂન આવડતી હતી. તેણે ગાયું અને અમે ઝીલ્યું. અંધારું વધુ જામતું ગયું. કોઈએ દીવો સળગાવ્યો નહિ. ખુલ્લી બાલ્કનીમાંથી, પૂર્વમાં ઊગેલા ચન્દ્રનું મૃદુ અજવાળું ખંડમાં ધીરેથી પ્રવેશ્યું. અમારી ધૂન વધુ ને વધુ હૃદયમાંથી ઉદ્ગીત થતી ગઈ. રાત્રિના અંગ અંગથી એક મીઠાશ ઝરી રહી. હજુ, બે-ત્રણ કલાક પહેલાં તો અમે એકબીજાને ખાસ ઓળખતાં પણ નહોતાં, અને આ સૂરના પ્રવાહમાં અમે સાથે તરી રહ્યાં. એક આનંદ અને આત્મીયતાના ધબકા૨માં અમારી અંદર રહેલા શુદ્ધ મનુષ્યત્વનો લય જાણે પ્રગટ થયો. આજ સુધી કદી અનુભવી નહોતી એવી એક સંવાદિતામાં, પ્રકાશમાં, મધુર, પારદર્શક રંગોમાં જીવન ગતિમય થઈને વહી રહ્યું. અમારામાંના દરેકેદરેક જણે પોતાની અંદર જે ઉત્તમોત્તમ ભાવો હતા તેને ઉપર આવતા, પ્રગટ થતા અનુભવ્યા. એ પળે ત્યાં જે કોઈ આવ્યું હોત તે અમારા નિકટતમ સ્નેહને પામ્યું હોત. વિશ્વનો દરેક મનુષ્ય તે પળે અમારો બંધુ બની ગયો. અને આ કોઈ એકને કારણે નહોતું. બધાંના સાથે હોવામાંથી, એક આકાશ હેઠળ સમાન અભીપ્સા લઈને સાથે ઊડવાની અનુભૂતિમાંથી આ અદ્ભુત અલૌકિક ભાવસૃષ્ટિ નિર્માણ થવા પામી હતી. અંધારાના સરોવરમાં ગીતોનાં પોયણાં એક પછી એક ખીલતાં ગયાં અને રાત સુરભિત બની ગઈ. ઘણી વારે ગાવાનું બંધ થયું. ધીરે ધીરે સૂરનો ગુંજાર શમ્યો. બધાં ક્યાંય સુધી મૌનમાં બેસી રહ્યાં. પછી એનાએ ધીમેથી કહ્યું : ‘આપણે બધાં હંમેશ માટે આમ સાથે રહીએ તો?’