સાત પગલાં આકાશમાં/૨૫


૨૫

‘આપણે બધાં સાથે રહીએ તો?’ એનાએ ફરી ભારપૂર્વક પૂછ્યું. મિત્રાએ ઊઠીને ચાંપ દબાવી દીવો કર્યો. અજવાળામાં એનાની ને વિનોદની નજર મળી. એનાને લાગ્યું કે કશો અવાજ થતો નથી, પણ એક દ્વાર ક્યાંક ઊઘડી રહ્યું છે. ‘એ સાથે રહેવું તે આપણી અત્યારની આ ક્ષણોના વિસ્તાર જેવું હોય તો મઝા આવે, ચોક્કસ મઝા આવે.’ અલોપાએ કહ્યું. ‘સાથે રહેવામાં હૂંફ ને બળ મળે…’ એનાએ કહ્યું. ‘જો કોઈનું કોઈના પર વર્ચસ્વ ન હોય…’ મિત્રાએ કહ્યું. ‘અને પ્રકૃતિનો ખોળો હોય, ચુપચાપ એકલાં બેસી શકવાનો અવકાશ હોય…’ વિનોદ બોલ્યો. અને દરેકને પોતાનો જુદો રૂમ હોય?’ જયાબહેને સહેજ સંકોચ પામતાં પૂછ્યું. મને એકાએક જ ખ્યાલ આવ્યો કે સિત્તેર નજીક પહોંચવા આવેલી આ સ્ત્રીના હૃદયમાં પણ એક આકાંક્ષા હતી. કોને ખબર ગુજરાતના કયા નાના ગામની ધૂળિયા ગલીના સાંકડા મકાનના ખૂણેથી એમની યાત્રા શરૂ થઈ હશે! આ દીર્ઘ પ્રવાસમાં એમનાં કેટકેટલાં સપનાં સમયની પાંપણેથી ઝરી ગયાં હશે! પહેલાં ઘરની અનેક નિષેધોની વાડવાળી છાયા, પછી પતિના ઘરની, મૂંગા રહીને મળેલી સલામતી. તે પછી પુત્રની આશ્રિતતા હેઠળ રંગ વગરનું અને પુત્રવધૂના સહારે એક અવ્યક્ત ભયથી જિવાયેલું અને હવે નવી સીમાઓમાં વિસ્તરેલું જીવન. તેમને પણ એક ઇચ્છા હતી — પોતાનો અલાયદો રૂમ હોય, એક મોટો રૂમ. પશ્ચિમની બારીમાંથી આવતો પવન અને બાહ્ય વિક્ષેપ વગર પોતાનો કોઈક શ્રદ્ધાના બિંદુમાં સમેટવા માટેનો સમય. મેં એમની સામે જોયું. માયાળુ ચહેરો અને બે ઊંડી આંખો, જેમાંથી આશાની ઝલક હજુ ઓસરી નહોતી ગઈ. તેમને પણ કોઈના આશ્રય હેઠળ જીવવા કરતાં સ્વાધીનપણે જીવવાનું વધારે મન હતું. કોઈનેય કોઈના આશ્રિત થઈને જીવવું ગમતું નથી. એક વૃદ્ધ સ્ત્રી, જેને પતિ નથી, પુત્ર નથી… હિન્દુ પ્રણાલિકા તો તેને મરણધર્મી કહીને માળા ગણવાથી વિશેષ કશું તેના માટે બાકી ન રાખે… પણ અમે જો ખરેખર સાથે રહી શકીએ, તો આ સ્ત્રીને પણ ફરી લીલાછમ થવાની તક મળે. તે કંઈક આગવું પ્રદાન કરીને સાર્થકતા અનુભવી શકે. તે અમારાં બધાંની મા બની શકે… મારો જ વિચાર પ્રગટ કરતો હોય તેમ સ્વરૂપ ધીરેથી બોલ્યો : ‘આ સાથે રહેવું તે એક કુટુંબનું સાથે રહેવા જેવું હોઈ શકે, પણ આપણે વ્યાખ્યાઓને વિસ્તારવી જોઈએ. કુટુંબ એટલે મા, બાપ અને બાળકોનું ‘ન્યુક્લિયર ફૅમિલી’ એ મર્યાદા ઓળંગીને એક બૃહત્તર કુટુંબની કલ્પના હું કરું છું…’ તેણે પણ જયાબહેન પ૨ નજ૨ માંડી. ‘પણ એ આપણા સંયુક્ત કુટુંબ જેવું તો ન જ હોવું જોઈએ.’ અલોપા વચ્ચે જ જોરપૂર્વક બોલી ઊઠી. ‘તેમાં બહુ સહેલાઈથી વડીલોનું અને પુરુષોનું વર્ચસ્વ સ્થપાઈ જાય છે અને ઘરના બીજા લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને હંમેશાં ભોગ આપવાનું પુણ્ય પરાણે કમાવું પડે છે. આપણે પુરુષોને પણ હવે, પૈસા કમાવા સાથે પુણ્ય કમાવાનીય તક આપવી જોઈએ.’ અલોપા વસંતની ગંધ જેવી સ્ત્રી હતી — ગતિ અને મીઠાશથી ભરેલી, સહેજે પકડમાં ન આવે તેવી. મિત્રા જેવી તે ઉગ્ર નહોતી. તે સાહસોનાં સ્વપ્નોથી ભરેલી હતી. નાનપણથી જ તે ટેકરીઓ ચડવા, નદીના ધૂનામાં ધૂબકા મારવા જતી. મોટી થયે પર્વતારોહણ માટે જવા લાગી. ઍવરેસ્ટ પર પગ માંડવાની તેની આકાંક્ષા હતી. ઘરમાં તે નિર્બાધપણે પોતાના વિચારો વ્યક્ત કરતી. લગ્ન કે એવા પ્રસંગે સાદાં કપડાં પહેરતી ને કોઈ વાર કંઈ નિમિત્ત વિના કપડાં-અલંકારોનો ઠઠારો કરતી. મા ટોકતી ત્યારે કહેતી : ‘મારો શણગાર મારા શોખ માટે છે, લોકોને દેખાડવા માટે નહિ. બીજાઓને દેખાડવા માટે કંઈક કરવા માંડીએ ત્યારે દંભની શરૂઆત થાય છે. નદી ને પહાડો સુંદર છે, કારણ કે તે જેવાં છે તેવાં દેખાય છે અને ઋતુ સાથે લયમાં રહે છે.’ પરણવા માટે પણ તેના ખાસ વિચારો હતા. છોકરી જ શા માટે હંમેશાં છોકરાને ઘેર જાય? ‘સોડમાં લીધાં લાડકડી, આંખ ભરી પીધાં લાડકડી’ — એ પંક્તિઓનું શિક્ષક રસદર્શન કરાવતા હતા ત્યારે તે તેમની સામે લગભગ ઝઘડી પડેલી. ‘શા માટે મૂળ માટી સમેત છોકરીને જ ઉખેડીને બીજા કુટુંબ-ક્યારામાં રોપવી જોઈએ? શા માટે હીબકાંને હૈયામાં રૂંધી તેને ‘પારકી’ કરી દેવી જોઈએ? પોતાના સંતાનને ‘પારકું’ કરવાની આ નિર્મમતા દીકરી માટે જ કેમ? યુવાન હૃદયને એક સાથીના મિલનની પોતાનું જીવન પોતે જીવવાની હોંશ હોય તે બરોબર, પણ તેવી હોંશ તો છોકરાનેય ન હોય? તો આ પારકાં થવાનું, માબાપની માયા તરછોડીને જવાનું છોકરીને ભાગે જ શા માટે? મા માંદી પડે, બાપને ઠીક ન હોય, ઘરમાં પ્રસંગ હોય, પર્વ કે મુશ્કેલી હોય — દીકરી પોતાની ઇચ્છાથી માબાપ પાસે દોડી આવી ન શકે. હવે તે ‘પારકી’ કહેવાય. તેણે હવે પતિનાં સગાંને પોતાનાં કરીને રાખવાનાં અને પોતાનાં સગાંને દૂર કરી મૂકવાનાં; પતિના બાને બા અને બાપુજીને બાપુજી કહેવાનાં. અને છોકરા માટે તો પારકાંને પોતીકાં કરવાનું આવતું નથી! ગૃહસ્થના જીવનમાં કન્યાની વિદાય જેવો કરુણમંગલ પ્રસંગ બીજો એકે નથી, તેમ તેણે વાંચેલું. પણ તેને એ અન્યાયનો પ્રસંગ લાગતો. તેણે નાનપણથી જ બળવાનો ઝંડો ફરકાવેલો : છોકરી જ શા માટે સાસરે જાય? છોકરો કેમ નહિ? ‘એવું તેં કદી સાંભળ્યું છે?’ અલોપા વાંચતી ખૂબ. કહે : ‘હા, એવી પ્રથા ઘણી જગ્યાએ હતી. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં, વેસ્ટ ઇન્ડિઝની કેરેબિયન જાતિઓમાં, પ્રાચીન મેક્સિકોમાં, બ્રાઝિલની તુપી જાતિઓમાં, પુરુષ જ પરણીને સ્ત્રીને ઘેર જતો. ‘હેડ ઑફ ધ ફૅમિલી’ સ્ત્રી ગણાતી.’ ‘હા પણ, આજે તો એવું ક્યાંય નથી ને?’ ‘વિદેશોમાં બધે જ, છોકરી કાંઈ પરણીને સાસરે નથી જતી. બન્ને જણ પરણીને પોતાનું અલગ ઘર વસાવે છે.’ અલોપાની મા સાવ જુનવાણી નહોતી, દીકરી સાથે છૂટથી ચર્ચા કરતી. ‘તો પછી છોકરાનાં વૃદ્ધ માબાપનું શું થાય?’ ‘વાહ, તો છોકરીનાં વૃદ્ધ માબાપનું શું થાય?’ ‘એમને એમનો દીકરો ને વહુ સંભાળે.’ ‘અચ્છા, અને જેમને દીકરો ન હોય તેમને કોણ સંભાળે?’ મા વિચારમાં પડી. ‘એમ તો કોઈને દીકરો હોય ને છતાં તે માબાપની સંભાળ ન લે, એવું બને જ છે ને?’ ‘અને દીકરીએ માબાપની સંભાળ છેક સુધી લીધી હોય એવુંયે તમે નથી જોયું? મારી બહેનપણી નીલિમાની મા મૃત્યુ પામી હતી. પિતા અશક્ત હતા. નીલિમાની કમાઈ પર ઘર ચાલતું. તે પરણી ત્યારે તેણે કહ્યું કે હું મારી કમાણી મારા પિતાને આપીશ. એ કબૂલ હોય તો પરણીએ. પતિએ એ સ્વીકાર્યું તો બોલો — આ દીકરીમાં ને દીકરામાં કાંઈ ફરક ખરો?’ અલોપાએ કહ્યું : ‘તમે લોકો, તમે સ્ત્રીઓ જ — નકામું કહેતાં હો છો કે દીકરી કમાઈને થોડી ખવડાવવાની છે? આ કારણે તમે દીકરાનું મહત્ત્વ વધારે આંકો છો. વિધવા માનો એકનો એક દીકરો મરણ પામે તો એ દુઃખની પરાકાષ્ઠા કહેવાય, વિધવા માની એકની એક દીકરી પરણી ચાલી જાય તો નિરાંત થઈ કહેવાય. પછી છોકરી ‘પારકી’ એટલે તેના પર સાસરિયાંનો જ અધિકાર. પછી મા કે બાપ મરણાસન્ન હોય તોયે, સાસરિયાં ૨જા ન આપે તો છેલ્લી ઘડીએ એ માબાપનું મુખ ન જોઈ શકે. તો કેમ માતૃપિતૃ દેવો ભવ તે છોકરાના જ? છોકરીના માતૃપિતૃ દુઃખી ભવ?’ અલોપાની માને યાદ આવી ગયું. તે પોતે જ, પોતાના પિતાને છેલ્લી ઘડીએ મળી શકી નહોતી. આકસ્મિક અવસાન નહોતું થયું. માંદગી લાંબી ચાલી હતી. પણ પતિને ઘેરથી જવાની રજા નહોતી મળી. આખી જિંદગી એનું શલ્ય સાલ્યું હતું. અત્યારે યાદ આવતાં હૃદય ભરાઈ આવ્યું. અલોપાના માથે હાથ મૂકી બોલી : ‘હું છેલ્લી ઘડી ગણતી હોઉં ત્યારે તું તો મળવા આવીશ ને?’ અલોપા માને વળગી પડી. ‘તારી ખૂબ ચાકરી કરીશ મા, દીકરાને બદલે દીકરીઓ જ જન્મજો — એવા બધાંને આશીર્વાદ આપે એટલી ચાકરી કરીશ.’ … અને તેણે પર્વતારોહણની તાલીમ દરમિયાન મળી ગયેલા પ્રદીપ સાથે લગ્ન કર્યાં ત્યારે કહેલું : ‘હું તને તારાં માબાપ પાસેથી છીનવી લેવા નથી માગતી, પણ તારાં માબાપ આપણા બન્નેની સેવાનાં જેટલાં અધિકારી, તેટલાં જ મારાં માબાપને પણ હું આપણા બન્નેની સેવાનાં અધિકારી ગણું છું.’ સાદીસીધી ન્યાયની વાત હતી. મને મારાં માબાપની સેવા કરવાનો અધિકાર હોય તો અલોપાને એનાં માબાપની સેવા કરવાનો અધિકાર હોય જ ને! — પ્રદીપે વિચાર્યું અને અલોપાની વાત કબૂલ રાખી. ‘પરણીશ, પણ સાસરે નહિ જાઉં.’ એવી અલોપાની પ્રતિજ્ઞા પણ પાર પડી, કારણ કે પ્રદીપનાં માતાપિતા નાના શહેરમાં રહેતાં હતાં, અને પ્રદીપે મુંબઈમાં કારખાનું નાખ્યું હતું. અલોપા કૉલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી હતી. કારખાનું સારું ચાલતું હતું. બન્ને આનંદમાં હતાં. પણ લગ્ન પછી ત્રણ વરસ સુધી અલોપાને બાળક થયું નહિ ત્યારે હવાનું ઉષ્ણતામાન બદલાયું. એકાએક અલોપાએ જાહેર કર્યું : ‘મારે બાળક જોઈતું નથી. મારે જે રીતે પહાડો ખૂંદવાનું જીવન જીવવું છે, તેમાં બાળકનું હોવું સુસંગત નથી.’ પ્રદીપની મા હાય હાય કરી ઊઠી. ‘તું તે સ્ત્રી છો કે કોણ છો? સ્ત્રી થઈને મા બનવાની ઇચ્છા નથી?’ અલોપાએ ઠંડકથી કહ્યું : ‘મને બાળકો ગમે છે, પણ મને મારું પોતાનું જ બાળક હોવું જોઈએ, એવું કાંઈ જરૂરી લાગતું નથી. બાળક વગર મને મારી જિંદગી અધૂરી અનુભવાતી નથી.’ ‘મા બન્યા વગર તને માતૃત્વની ધન્યતાની ખબર નહિ પડે.’. અલોપાની મા પણ તેને કહેતી. ‘તમે હિમાલયના કોઈ ઊંચા શિખરની ટોચ પર બરફીલા પવનની ઝીંક ઝીલતાં, ચોમેર હિમધવલ અનંત વિસ્તાર પથરાયો હોય તેની વચ્ચે એકલાં ઊભાં રહ્યાં છો?’ અલોપા પૂછતી. ‘ના, કેમ?’ માએ વિસ્મિત થઈને કહ્યું. ‘તો તમને એ અનુભૂતિની ધન્યતાની પણ ખબર નહિ પડે. દુનિયામાં “પીક એક્સ્પીરિયન્સ”નો એક જ પ્રકાર નથી હોતો.’ પણ માને જીવનમાં હજારો પ્રકારની ધન્યતા હોઈ શકે એની ખબર નહોતી; સાસુને નહિ અને સસરાને પણ નહિ. સસરાએ પ્રદીપ ૫૨ દબાણ કરવા માંડ્યું : ‘ઘરમાં બાળક જોઈએ. મેં તને કારખાનું કરવા ત્રણ લાખ રૂપિયા આપ્યા છે, તેનો વારસ જોઈએ.’ અલોપાએ આ સાંભળ્યું ત્યારે તે ફુત્કારી ઊઠી : ‘મારું જીવન હું મારી આકાંક્ષા ને મારી જરૂરિયાત પ્રમાણે જીવીશ, બીજાઓની અપેક્ષા પ્રમાણે નહિ.’ પ્રદીપ અલોપાને ચાહતો હતો, પણ તેના પર પિતાનું દબાણ વધતું ગયું. ‘વારસ જોઈએ, નહિ તો મારા પૈસા પાછા આપ.’ પ્રદીપે અલોપાને કહેલું કે મને પણ જીવનની સભરતા માટે બાળક હોવું જ જોઈએ એવું લાગતું નથી. પણ પિતાના વધતા દબાણ હેઠળ તે ટકી ન શક્યો. અલોપાએ તો કહ્યું કે કારખાનું પાછું સોંપી દે, હું કમાઉં છું. આપણું નભી જશે. પછી તું કંઈક કામ શોધી કાઢજે, પણ એ વિકલ્પ તેણે સ્વીકાર્યો નહિ. તો શું તેને પણ ગુપ્તપણે એ ઇચ્છા હતી — એક વારસ હોય તેની? પોતાનો વંશ ચાલુ રહે તેની? અલોપાને તો આ વંશ ચાલુ રાખવાની આખી વાત જ અર્થહીન લાગતી. અનંત પરિભ્રમણ કરી રહેલી, વિશ્વની કોટિ કોટિ નિહારિકાઓની વચ્ચે એક નગણ્ય આકાશગંગાના ખૂણામાં પડેલા સૂર્યના એક ગ્રહ ૫૨, અબજો લોકોની વિશાળ વસ્તીમાં, જ્યાં કાળના મહાપ્રવાહમાં કરોડો વંશ જન્મીને નાશ પામી ગયા છે, ભલભલા રાજવંશ ધૂળમાં મળી ગયા છે, ત્યાં એક માણસ વંશ દ્વારા પોતાની અમરતા ઇચ્છે — એ કેવું તો મિથ્યાભિમાન! આ વિશ્વમાં જીવનનું સાતત્ય તો કોઈ ને કોઈ રૂપે ચાલુ જ રહે છે. એમાં પોતાના અલગ સાતત્યની ઇચ્છા કરવી — એક મિનિ–અમરતા ઇચ્છવી — તેનો શો અર્થ? અલોપાને હતું કે વિચારોની આ નવી સાહસયાત્રામાં પ્રદીપ પોતાને સાથ આપશે. પણ પ્રદીપ ૫૨ દબાણ વધવા લાગ્યું અને છેવટે તેના પિતાએ તેને અલોપાને છોડી બીજાં લગ્ન કરવા કહ્યું. અલોપા આભી બની ગઈ. ‘બાળક ન હોવાને કારણે ફરી પરણવાનું તો પચાસ વર્ષ પહેલાં બનતું. આ જમાનામાં તારા પિતા એ માટે છૂટાછેડા લેવાનું કહે છે? અને તું — તારું શું કહેવું છે?’ ‘હું તને ચાહું છું. પણ —’ પ્રદીપ અસ્ફુટ સ્વરે બબડ્યો. ‘પણ મારા પર તેમનું બહુ મોટું ઋણ છે. એમણે મારા પર વિશ્વાસ મૂકી મને લાખો રૂપિયા આપ્યા છે.’ ‘અને એટલે તારું જીવન “ડિક્ટેટ” કરવાનો તેમને અધિકાર છે, એમ ને?’ અલોપાને સખ્ત તિરસ્કાર આવ્યો. બાળકને જન્મ આપવાની ક્ષમતા હતી પણ, બાળક વગર હમેશાં જ સ્ત્રીનું જીવન અધૂરું બની રહે એ વાત સાચી નથી — એ તેને બતાવવું હતું. અને સાથે એ દ્વારા, આખા સમાજમાં, બાળક વગરની સ્ત્રી માટે જે અવમાનના છે તે ભૂંસી નાખવી હતી. એક પુરુષ સંન્યાસી થઈ ગૃહસ્થધર્મનો ઇનકાર કરી શકે તો એક સ્ત્રી મા થવાનો ઇનકાર કેમ ન કરી શકે? પણ પ્રદીપને કદાચ પૈસામાં વધુ રસ હતો. અલોપાએ સામે ચાલીને પ્રદીપને છૂટો કરી દીધો, અને તે એકલી રહેવા લાગી. અને એ બાબતનો તેને લગારે રંજ નહોતો. કૉલેજના કામ પછી તે, ત્યજી દેવાયેલાં નાનકડાં બાળકોને સંભાળતી સંસ્થામાં પોતાનો સમય આપતી. અનુકૂળતા મળ્યે હિમાલયનાં શિખરો ચઢી આવતી. પછી પિતા મૃત્યુ પામ્યા અને માને કૅન્સર થયું ત્યારે માંદગીના એ લાંબા મહિનાઓ તેણે એટલા પ્રેમ ને ધીરજથી માની સેવા કરી કે માને થયું, પોતે બાળક છે અને દીકરી મા થઈને આવી છે. તેણે જે સંતોષથી છેવટની આંખ મીંચી એ અલોપાને માટે એક અપૂર્વ ધન્યતાની ક્ષણ હતી. મા કાંઈ એક જ રીતે બની શકાય તેવું થોડું છે? પણ ત્યાર પછી તેનામાં એકલતાની ઝીણી લાગણીઓ ઘૂંટાવા લાગી. ‘મને પતિનો જ સાથ જોઈએ એવું નથી, પણ કોઈક સાથે હોય તો ગમે…’ તે કહેતી અને એટલે જ એનાની વાત તેણે તરત ઊંચકી લીધી. ‘આપણે એક મકાનમાં રહેતા સંયુક્ત કુટુંબની જેમ નહિ, પણ નજીક રહેતાં મિત્રોની જેમ રહી શકીએ તો ખરેખર મઝા આવે.’ તેણે કહ્યું. ‘જ્યાં દરેક જણ સ્વતંત્ર હોય…’ મેં કહ્યું. ‘પણ એકાકી ન હોય…’ સ્વરૂપે કહ્યું ને તેણે ફરી જયાબહેન પ૨ નજ૨ માંડી. ‘જ્યાં દરેકને પોતાનો જુદો ખંડ કે પોતાનું જુદું ઘર હોય, બધાંને એકબીજાની હૂંફ મળી રહેતી હોય… કારણ કે…’ તે સહેજ થોભ્યો. તેના મોં પર પ્રકાશ પથરાયો. ‘સ્વતંત્રતાની ઇચ્છા એક આદિમ ઇચ્છા છે. અને પ્રેમની ઇચ્છા — પ્રેમ આપવાની ને પામવાની ઇચ્છા — મનુષ્યના મનુષ્ય હોવાપણાના મૂળમાં છે.’ ‘પણ પ્રેમ તો સમાનો વચ્ચે જ સંભવે…’ એનાએ કહ્યું. ‘આપણે બધાં જ ઓછીવત્તી શક્તિઓ અને ઓછાવત્તા ગુણોવાળાં, થોડીક શક્યતાઓ અને થોડીક સુંદરતાઓવાળાં, અધૂરાં અને અજ્ઞાનથી ભરેલાં છીએ. આપણે બધાં જ અસમાન છીએ, પણ આપણે સમાન રસ્તાના સહપ્રવાસી બની શકીએ.’ સ્વરૂપે કહ્યું. ‘અને જોડાજોડ ચાલી શકીએ.’ ગગનેન્દ્ર પહેલી વાર બોલ્યો. ‘જોડાજોડ… આગળપાછળ નહિ.’ આભા બોલી. અને અમારા નામનું શું?’ એકાએક એનાએ કહ્યું. ‘એટલે? નામનું વળી શું?’ વિનોદે નવાઈ પામીને પૂછ્યું. ‘અમારા નામને તો તમે જોડે પણ નથી રાખતા, તમારામાં ડુબાડી દો છો.’ વિનોદના મોં પર અસમજના ભાવ તરી રહ્યા. એના જ બોલી : ‘લોકો અમને ત્યાં કાર્ડ મોકલતા ત્યારે લખતા : મિસ્ટર અને મિસિસ વિપુલ દલાલ. અહીં પણ ઘણાં કહેતાં હોય છે : શ્રી અને શ્રીમતી સુરેશ મહેતા — કે જે હોય તે. તો કેમ ભાઈ, વિપુલ દલાલ અને સુરેશ મહેતાને જ નામ છે, અમારું કોઈ નામ જ નથી?’ બોલતાં બોલતાં તેનો ચહેરો લાલ બની ગયો. વિનોદ ક્ષણભર એ લાલાશ જોઈ રહ્યો. ‘તમે લોકો જન્મથી મરણ સુધી એક જ નામમાં રહો છો એટલે તમને અમારા નામ-લોપથી કરુણતા નહિ સમજાય.’ મિત્રા બોલી : ‘અમારાં નામ બિચારાં કેવાં મન ફાવે ત્યારે સજાવાય છે, મન ફાવે ત્યારે છોલાય છે, બદલાય છે, લુપ્ત કરી દેવાય છે! પરણ્યા પહેલાં કુમારી, પરણ્યા પછી મિસિસ અને શ્રીમતી. પરણ્યા પહેલાં પાછળ બાપનું નામ, પરણ્યા પછી પતિનું નામ…પરણ્યા પહેલાં બાપની અટક. પરણ્યા પછી પતિની અટક. આજે સ્વાતિ શાહ હોય તો રાતોરાત સ્વાતિ શેઠ બની જાય. કદાચ તે છૂટાછેડા લે તો ફરી સ્વાતિ શાહ બની જાય. અને ફરી પરણે તો વળી ત્રીજું જ નામ બને. આ તે કાંઈ રીત છે? તમારા લોકોનું તો જન્મે ત્યારથી એક નામ હોય તે છેક સુધી તે જ રહે. અમારાં નામોએ આમ વારંવાર અહીંથી ત્યાં ઠેલાવાનું?’ બોલતાં બોલતાં મિત્રાનો અવાજ ઊંચો થઈ ગયો. ‘આપણો તો નામનો સંબંધ પણ પુરુષ સાથે, કપડાંનો સંબંધ પણ પુરુષ સાથે ને શોખ-શણગારનો સંબંધ પણ પુરુષ સાથે. આ એના ચાંલ્લો કરે છે તે મુંબઈ જેવા શહેરમાં કોઈ ન બોલે, પણ નાના ગામમાં જાય તો લોકો એને ફોલી જ ખાય.’ અલોપા બોલી : ‘પુરુષો સાથે સંબંધાયા વગર પણ આપણા અસ્તિત્વની ઓળખ છે, આપણા જીવનનું મૂલ્ય છે. આપણે જો નવી રીતે નવી જગ્યાએ નવા કુટુંબમાં રહીએ, તો એ વાત સ્વીકારવી જોઈએ.’ ‘અને સૌભાગ્યવતી’ — મિત્રા બોલી : ‘આ અ. સૌ. પર તો મને બહુ ચીડ છે. સ્ત્રીને આશીર્વાદ આપે તો કહે : ‘સૌભાગ્યવતી ભવ.’ અને સૌભાગ્ય તે માત્ર પતિ જ. ગમે તેવો નઠારો હોય તોય પતિ તે સૌભાગ્ય, એટલે કે આશીર્વાદ આપે તોય પતિ જીવતો રહે તેવા આશીર્વાદ. અને પતિને કહેશે : ‘શતં જીવ શરદઃ’ બન્ને વાતે દીર્ઘ આયુષ્ય તો પતિનું જ ઇચ્છવામાં આવે છે. પતિ જીવતો રહે એવી બધી સ્ત્રીઓની ઇચ્છા હોય તો પત્ની માટે એવી કોઈ કામના નહિ? પતિ-પત્નીનું સૌભાગ્ય તો પત્ની-પતિનું સૌભાગ્ય નહિ? એમને કેમ કોઈ કહેતું નથી કે પત્ની વગર દુખી થઈ જઈશ, તો અખંડ સૌભાગ્યવાન ભવ! પાછાં સ્ત્રીઓની સેવામૂર્તિ ને આ મૂર્તિ ને તે મૂર્તિ કહીને પ્રશંસા તો બહુ કરે! પણ તે દીર્ઘાયુષી બને એવા આશીર્વાદ તો તેને કોઈ આપતું નથી!’ ‘સારું સારું; હું આ અ. સૌ. વિશેષણ પર ચોકડી મારવાની ભલામણ કરું છું.’ આભા મોટેથી બોલી ઊઠી. ‘અને એટલે દરેક જણ પોતપોતાના નામે જ ઓળખાશે. આભા તે આભા, ને ગગનેન્દ્ર તે ગગનેન્દ્ર,’ અત્યાર સુધી ચૂપ બેઠેલા અગ્નિવેશે પણ ઝુકાવ્યું. ‘ઓ ગગનેન્દ્ર, સાંભળ, સાંભળ, હું તારી અટક મારા નામ સાથે નહિ જોડું.’ આભા મસ્તીથી બોલી. ‘તેં તારું હૃદય મારા હૃદય સાથે જોડ્યું છે ને! પછી નામ, અટકને શું કરવાં છે?’ ગગનેન્દ્રની આંખોમાં સ્નેહ હતો. ‘પણ એક પ્રશ્ન છે.’ વિનોદે કહ્યું : ‘આભા અટક ન લગાડે તો તે ગગનેન્દ્રની પત્ની છે તે કેમ ખબર પડે?’ ‘આવીને પાછી એ જ વાત!’ એના બોલી. ‘એવી ખબર પડવાની જરૂર જ શી છે? જેઓ જાણે છે તે જાણે છે. ગગનેન્દ્રના નામ પરથી તે આભાનો પતિ છે એવી ખબર પડે છે?’ ‘નોબેલ શાંતિ પુરસ્કાર જેમને થોડાં વર્ષ પહેલાં મળેલો તે લૉર્ડ નોએલ-બેકરનું મૂળ નામ ફિલિપ જૉન બેકર હતું. તેમણે ઈરીન નોએલ સાથે લગ્ન કર્યાં પછી પત્નીનું નોએલ નામ પોતાના નામમાં ઉમેરી ફિલિપ નોએલ-બેકર નામ રાખ્યું.’ મેં કહ્યું. ‘હિયર હિયર…’ મિત્રાએ તાળી પાડી. ‘અમારાં નામ પણ તમે તમારાં નામ સાથે ઉમેરી શકો.’ ‘અને એમાં નાનમ અનુભવવાની જરૂ૨ નહિ!’ એનાએ કહ્યું. ‘અને આપણાં નામમાં માતાનો તો કોઈ ઉલ્લેખ જ આવતો નથી. માનું પ્રદાન તો બાળકોના જીવનમાં સૌથી વધારે, છતાં તેનું તો ક્યાંય નામ જ નહિ. તે બધાંને વાજબી લાગે છે?’ અલોપાએ પૂછ્યું. ‘મારા માટે મારા જીવનમાં મારી માનું બહુ જ મહત્ત્વ છે.’ ‘પણ મારે બીજો એક પ્રશ્ન છે. આભા માત્ર આભા જ નામ રાખે અને બે-ત્રણ આભાઓ હોય, તો તેમને અલગ કેમ પાડવી?’ ‘આભા એક જ છે!’ ગગનેન્દ્ર બોલ્યો : ‘અને અજોડ છે.’ બધાં હસ્યાં. ‘પશ્ચિમમાં બધાંને બે નામ હોય છે. જૉન ફિટ્ઝરાલ્ડ કૅનેડીના નામમાં ફિટ્ઝરાલ્ડ પિતાનું નામ નથી, પણ જૉનનું બીજું નામ છે. બધાંનું એવું હોય છે. સ્ત્રીઓનું પણ.’ મેં કહ્યું. ‘મને જુદો ઉકેલ સૂઝે છે. આપણે નામની સાથે માતા ને પિતા બન્નેનાં નામ જોડીએ તો? મારી માનું નામ એના છે ને પિતાનું નામ વિપુલ તો હું મારું નામ એ. વિ. આભા રાખું તો?’ ‘એથી બીજો ફાયદો એ કે જ્ઞાતિસૂચક અટકો ચાલી જાય. તો પ્રથમ શ્રવણે જન્મતો ભેદભાવ પણ દૂર થઈ જાય.’ મિત્રાએ કહ્યું. ‘બહુ સરસ, બહુ સરસ…’ બધાએ તાળીઓ પાડી. હવે આપણે નામની ગલીઓમાં નીકળી કામના માર્ગ પર જઈશું?’ સ્વરૂપે હસતાં હસતાં પૂછ્યું. મિત્રા જરા નારાજ થઈ ગઈ. ‘તમને આ બધી રમત લાગે છે?’ તેણે સ્વરૂપ તરફ ફરી સહેજ તીક્ષ્ણતાથી પૂછ્યું : ‘અમે તમારાં એટલે કે પુરુષોનાં વિરોધી નથી. અમે તમને બધાંને ચાહીએ છીએ ને તમારો પ્રેમ ઇચ્છીએ છીએ. પણ અમને અમારું સ્થાન જોઈએ છે. અમારી ઓળખાણ જોઈએ છે. અમારા નામ સાથે, અમારા જીવન સાથે બહુ ૨મત ક૨વામાં આવી છે.’ સ્વરૂપે માથું ઝુકાવી દીધું. એ સાંગોપાંગ એટલો સૌમ્ય હતો, તેની અંદર એટલી નીરવતા હતી કે કોઈના ઉગ્ર કંઠસ્વરથી તેને તકલીફ પડતી હોય એમ લાગે. તે ક્યારેય ઊંચા અવાજે, કે કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે બોલતો નહિ, એકેએક જણની વાત ધ્યાનથી સાંભળતો, તેણે મૃદુ નજરે મિત્રા સામે જોયું. ‘હું દરેકનો આદર કરું છું.’ તેણે સહેજ સંકોચભર્યા સ્વરે કહ્યું : ‘સ્ત્રીઓ ને પુરુષોનો નહિ, સર્વ મનુષ્યોનો, પશુ-પંખીઓનો, જીવંત અને જડ વસ્તુનો, જળનો ને વાદળનો. હું તમારી સાથે પૂરેપૂરો સંમત છું. દરેક મનુષ્ય પોતાના નામ અને પોતાના કામથી ઓળખાવો જોઈએ. પણ આ નામ ને રૂપ પણ એક જેલ છે. આપણે આપણા નામની જેલમાંથી છેવટે બહાર નીકળવાનું છે તે આપણને યાદ રહે એટલું જ મારું કહેવાનું છે.’ તે ચૂપ થઈ ગયો. ખંડમાં શાંતિ છવાઈ ગઈ. ઘણીવાર પછી વિનોદે ધીમેથી કહ્યું : ‘આપણે બધાં શાને માટે સાથે રહેવા તૈયાર થયાં છીએ?’