સાત પગલાં આકાશમાં/૨૭
મિત્રા એ જ સુમિત્રા એ તમે સમજી ગયા હશો. અનિમેષ સાથે જે બન્યું. તેનો તેને ભયંકર આઘાત લાગ્યો હતો. જાણે એક મધુર વાંસળી વાગી હતી, અચાનક નિયતિએ હોઠ ખસેડી લીધા અને હવે તે કાણાંવાળી એક નિર્જીવ લાકડી માત્ર બની રહી. એક નિર્દોષ સ્ત્રીનો અજાણતાં પોતે અપરાધ કર્યો છે તેનો ડંખ તેને વાગ્યા કરતો. પોતાને આવી સ્થિતિમાં હડસેલી દેવા માટે અનિમેષ ૫૨ ખૂબ ગુસ્સો આવતો. એક હિરણ્યમય પાત્ર અમૃતથી ભરાવાની રાહ જોતું હતું તે કાંઠા સુધી કડવાશથી છલકાઈ રહ્યું. માબાપ પાસે પાછાં જવાનું મન થયું નહિ. તે કામ પર જતી, પાછી આવતી અને રૂમમાં ભરાઈ રહેતી. તેનાં વરસોનાં વરસો આ દુઃખ — વાગોળવાના દરિયામાં ડૂબી ગયાં હોત. પણ એક વાર તેના વિષાદના ભારાને આગનો તણખો અડી ગયો. તે પેઇંગ ગેસ્ટ તરીકે એક નવપરિણીત યુગલના ફ્લૅટમાં એક અલગ રૂમમાં રહેતી હતી. પરણ્યાને હજુ છ જ મહિના થયા, ત્યાં તે સ્ત્રી બળીને મરણ પામી. હજુ આગલા દિવસે જ દાદર ૫૨ સુમિત્રાને તે મળી હતી. તે સુશિક્ષિત પૈસાદાર માબાપની દીકરી હતી, અમેરિકા જઈ બિઝનેસ મૅનેજમેન્ટની ડિગ્રી લઈ આવી હતી. પતિએ તો જાહેર કર્યું કે તે દાઝીને મરી ગઈ છે, પણ સુમિત્રાને શંકા આવી. છોકરીનો ભાઈ અમેરિકા હતો. માબાપ થોડા વખતથી ત્યાં ગયાં હતાં, ફાવી જાય તો ત્યાં રહી જવાનાં હતાં. સુમિત્રાને ખબર હતી કે રમ્યા પિયરથી ખૂબ દહેજ લઈ આવી છે. ચોક્કસ, આ ખૂનનો કિસ્સો જ હોવો જોઈએ. રમ્યાએ વાત કરી હતી કે એનો પતિ આટલા દહેજ પછી પણ પિયરથી વધુ પૈસા લઈ આવવા ઝઘડા ને મારપીટ કરે છે, પોતે અમેરિકા જઈ સારી ડિગ્રી મેળવી આવી છે તે બદલ તીવ્ર કટાક્ષ કરે છે. તેણે રમ્યા પર દબાણ કર્યું હશે — ભાઈને લખ કે અમેરિકાથી ટિકિટ મોકલાવે. રમ્યા સ્વાભિમાની હતી. પોતે દહેજ આપીને પરણી છે, તેનું તેને દુઃખ હતું. પણ શું કરવું? વહેમ હોય તોયે પુરાવા ક્યાંથી લાવવા? …તો ચૂપ બેસવું? કોઈના ઘરનો આંતરિક મામલો માની દખલ ન કરવી? છેવટે સુમિત્રાએ હિંમત કરી એક વકીલ મિત્રની સહાયથી પોલીસને ખબર કરી. લાશને અધવચ્ચે અટકાવવામાં આવી. ખૂબ ઊહાપોહ થઈ ગયો. કેસ ચાલ્યો. દરમિયાન રમ્યાની ડાયરી હાથ આવી, જેમાંથી પુરાવાઓ મળી રહ્યા. ગુનો સાબિત થયો. આ બનાવે સુમિત્રાની દુઃખની ઊંઘ ઉડાડી દીધી. ભાગ્યે જ કોઈ દિવસ ખાલી જતો જ્યારે કોઈ ને કોઈ સ્ત્રી પર, એક કે બીજા પ્રકારનો અત્યાચાર પ્રકાશમાં ન આવ્યો હોય. ‘ડાવરી ડેથ’ અને ‘બ્રાઇડ બર્નિંગ’ શબ્દો રોજ સાંભળવા મળતા હતા. મારપીટના વધુ કિસ્સાઓની જાણ થઈ. સાધારણ ખ્યાલ એવો છે કે મા૨વા-ક૨વાનું તો મજૂર વર્ગના લોકોમાં હોય. તેમનાં ઘરોને ઢાંકતી સિમેન્ટની દીવાલ નથી હોતી એટલે તેમની વાત ખુલ્લી પડી જાય છે. પણ મધ્યમ વર્ગમાં ફ્લૅટનાં બંધ બારણાં પાછળ રુદનનાં જે પૂર ઊમટીને શમી જાય છે તેની કોઈને જાણ નથી હોતી. શરાબથી ભાન ગુમાવેલો કે ધંધાની તાણ અને વિફળતા અનુભવતો પુરુષ જ માર મારે છે એવું નથી. દહેજને માટે, મા-બહેનની ઉશ્કેરણીથી, પૈસાની તકરારમાં, પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને કબૂલ ન રાખવાથી, સ્ત્રી પ્રત્યેના વહેમથી અને ૨મ્યાની બાબતમાં બન્યું તેમ સ્ત્રી સ્વાભિમાની ગૌરવવાળી હોય તે સ્વીકારી ન શકવાથી પણ મારપીટ થતી હોય છે. અને કેવી મારપીટ! એ તો કોઈ ડૉક્ટર પાસે જઈએ ત્યારે ખબર પડે કે મનુષ્યમાં રહેલા પશુએ અત્યાચારનાં કેવાં કેવાં રૂપ શોધી કાઢ્યાં છે! સુમિત્રાએ આ બધું જાણ્યું ને આગની રેખાની જેમ તે ટટ્ટાર થઈ ગઈ. અહીં આંતરે દિવસે એક સદ્યપરણિતા યુવતીને બાળી મૂકવામાં આવે છે અને હું મારા દુઃખના ઝૂલામાં ઝૂલું છું? લાંબા સમય પહેલાં — કોને કહ્યું હતું? હા, વસુધાએ કહ્યું હતું : ‘આ હાથ મેંદી મૂકવા માટે નથી, મશાલ પેટાવવા માટે છે. અને આજે પોતે ચાર દીવાલમાં પુરાઈ રહીને પોતાનાં જ દુઃખોની આરતી ઉતારે છે!’ તેણે ઝાટકો મારી પોતાની વેદના ખંખેરી નાખી. તેણે ફરી પોતાનાં જૂનાં મિત્રોને ખોળી કાઢી સ્ત્રીઓ માટેના કામની યોજના ઘડી કાઢી. તેઓ માહિતી અને આંકડા એકઠાં કરતાં, અહેવાલો બહાર પાડતાં, લગ્નવયનાં યુવાન-યુવતીઓ પાસે દહેજ ન લેવા-દેવાની પ્રતિજ્ઞા લેવડાવતાં, પણ તેની સૌથી નવલ રીત તો હતી સામાજિક બહિષ્કારનું વાતાવરણ ઊભું કરવાની. જ્યાં જ્યાં દહેજ લીધા-દીધાની માહિતી મળે, સાસરિયાંઓએ સ્ત્રીને બાળી મૂકી છે કે બળી મરવા તરફ હડસેલી છે તેવી ખાતરીપૂર્વકની જાણ મળે ત્યાં તે લોકોનો સામાજિક બહિષ્કાર થાય તે માટે તેઓ નવનવી રીતો શોધી કાઢતાં. ‘અહીં એક યુવાન સ્ત્રી આગમાં ઓરાઈ છે’ — એવું પત્રિકા લખી એ તેમના ઘર પર ચોડતાં, અને એ ઘરનાં લોકોને ખબર જ પડતી નહિ કે, રોજ-રોજ ફરફરિયું ઉખાડી નાખવા છતાં કોણ ક્યારે એ દીવાલ ૫૨ બારણા પર ચોંટાડી જાય છે. ‘શ્રીમાન તિલકરાજને ઓળખો છો? તેમના ઘરમાં સાજીતાજી સુ-કોમળ નવવધૂનું દાઝી જવાથી મૃત્યુ થયું. તમને લાગે છે કે એ માત્ર અકસ્માત હશે?’ — વગેરે મતલબનાં લખાણો સાઇક્લોસ્ટાઇલ કરાવી તિલકરાજના પડોશીઓમાં, સગાંસંબંધીઓમાં, ઑફિસમાં વહેંચતા. ઘણી વાર તેઓ મોરચો લઈ જતાં અને પછી તો આવું મૃત્યુ થયું હોય, ત્યાં દહેજમાં આપેલી વસ્તુઓ માબાપને પાછી મળે તે માટે પણ તેમણે ફરજ પાડવા માંડી હતી. શ્રમજીવીઓની જેમ સ્ત્રીઓએ પણ એક થવું જોઈએ — એ તેનું એક સૂત્ર હતું. મૃદુ વાણી અને સ્નિગ્ધ હૃદય લઈને સ્ત્રીઓ અ-વિરોધનો નરમ સુંવાળો માર્ગ ગ્રહણ કરે છે…પછી થોડુંક થોડુંક કરીને નમતું આપતી જાય છે. હોઠ બંધ રાખે છે, સાચુંખોટું શું તે વિચારવાનું અભરાઈ પર ચડાવી દે છે, વિશાળ જગતના વિશાળ પ્રશ્નો સાથે આપણને શું લાગેવળગે, માની ઘરની સલામતીમાં પુરાઈ રહે છે, અને પછી તેના વ્યક્તિત્વની કાંગરીઓ ખરતી જાય છે, પ્રતિકારની શક્તિ રહેતી નથી. સ્નિગ્ધતા અને કોમળતા એ સારા ગુણો છે, પણ તેનું શક્તિ અને સ્વાભિમાન સાથે સંયોજન, સમતોલન થવું જોઈએ. એક પ્રખર કાર્યકર તરીકે સુમિત્રાની ખ્યાતિ વધવા લાગી હતી. વ્યાખ્યાનો માટે, સંગઠનો માટે તે હવે દૂરદૂરનાં સ્થળોનો પ્રવાસ કરતી. એ દરમિયાન તે ગાલીચા વણવાનું શીખી હતી. પોતાના નામમાંથી તેણે ‘સુ’ પડતો મૂક્યો હતો અને એમ કરીને ભૂતકાળ સાથેનો તાર તોડી નાખ્યો હતો. આમ છતાં ઘણી વાર, ભરચક કામની વચ્ચેથી એક ચિત્કાર ફણા ડોલાવતો સામે ઊભો રહેતો. અરે, મારું હૃદય, મારો પ્રેમ, મારું સૌથી અમૂલ્ય ધન તે મેં એક બોદા-નકામા માણસને આપી દીધું? પોતાના કામમાં તેને અલોપાની ઓળખાણ થઈ હતી અને એ રીતે તે અમારી સાથે જોડાઈ હતી. મને ઘણી વાર આશ્ચર્ય થતું : વિધાતાના ચિત્રના અલગ અલગ ટુકડા કેવા ખાંચાખૂણાવાળા, પોતાનામાં અપૂર્ણ હતા! હવે બધા સાથે આવીને મળ્યા હતા, અને ચિત્ર પૂરું થયું હતું. તીવ્રતાઓથી ભરેલી મિત્રા, બેફિકર આનંદ વેરતી અલોપા, અવાજ કર્યા વિના પોતાની રીતે જીવતી એના, શાંત, જાગ્રત, વનસ્પતિની જેમ અદૃશ્યપણે શક્તિથી સંચિત થયેલો સ્વરૂપ — બધાં ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં હતાં, અને તેમની પ્રકૃતિનો કોઈયે અંશ ખંડિત ન થાય એ રીતે બધાં સાથે જીવતાં હતાં. ‘અ’ એ ચિત્રનો ભાગ હતો અને નહોતો. તે તો અવારનવાર આવી ચડતો અને સુગંધ વે૨ી ચાલ્યો જતો. તે ચોવીસેક વર્ષનો, ઊંચો, કાળી દાઢી અને લહેરાતા વાળવાળો છોકરો હતો. તેનો ચહેરો કોઈક પ્રકાશથી ચમકતો રહેતો. તે કહેતો કે તેને ભગવાન મળ્યા છે. આવી વાતને આમ તો અમે હસી કાઢત, પણ તેનો ચહેરો એટલો નિષ્પાપ હતો કે તેની વાતને ન માનવાનું મન ન થાય. એક દિવસ એનાએ એનું નામ પૂછેલું. તેણે હસીને કહ્યું : ‘મારે કોઈ નામ નથી.’ ‘પણ અમે તને કયા નામે બોલાવીએ?’ તે જરા વિચારમાં પડ્યો : ‘બોલાવવાની જરૂર છે?’ એના ખિલખિલાટ હસી. ‘બોલાવવાનું જરૂરી છે.’ તે પણ હસ્યો. ‘“અ” બરોબર નથી લાગતું?’ ‘ખાલી “અ”? કંઈ આખું નામ હોય તો —’ એમ જુઓ તો “અ” જેટલું આખું બીજું શું છે? તે બધા સ્વરોમાં છે અને તેના વિના એક્કે અક્ષર બોલી શકાતો નથી.’ એનાને મઝા પડી. શબ્દો સાથે કામ કરવાનો તેને રસ હતો. ‘અને એક બીજી વાત પણ છે.’ ‘અ’એ કહ્યું. ‘શી?’ ‘ધારો કે મારે નામ હોય — આનંદ હોય તો કોઈને થાય કે હું હિન્દુ છું, અબ્દુલ હોય તો મુસ્લિમ લાગું, એડવર્ડ હોય તો ખ્રિસ્તી. પણ હું આમાંનો કંઈ જ નથી. અને જે હું નથી, તે હું નામ દ્વારા શા માટે સૂચિત કરું? એટલે નામ વગરના રહેવામાં વધારે મુક્તિ છે. એ રીતે હું મારું સાતત્ય પણ તોડી નાખું છું. હું ગઈ કાલે જે હતો તે આજે નથી. આજે છું તે આવતી કાલે નહિ હોઉં. ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ નો બહુ મોટો પ્રશ્ન મેં કેવો ઉકેલી નાખ્યો છે?’ તે મોટેથી હસ્યો. ‘હું કાંઈ ન હોઉં ત્યારે જ “તે” આવે ને?’ એક વાર પૂછેલું : ‘અ, તને સાક્ષાત્કાર શી રીતે થયો?’ ‘સાક્ષાત્કારની મને ખબર નથી, પણ એક વાર હું અરીસામાં જોતો હતો. તો મને મારો ચહેરો જ ન દેખાયો. હું એટલો બી ગયો! મારી આંખો તો બરાબર હતી, બીજું બધું દેખાતું હતું, પછી હું જ કેમ નથી દેખાતો? બહુ ડરી ગયો. મને થયું — પગ તળેથી નક્કરતા ફસકી જાય છે. મારું હુંપણું ચીરા ને ચુથ્થા થઈ જાય છે. મેં જોર કરીને એને પકડી રાખવાની કોશિશ કરી, પણ ‘હું’ ટુકડે ટુકડે અણુએ અણુએ નાશ પામતો ગયો. મારી આખી જાત ધીરે ધીરે નષ્ટ થઈ રહી હતી. એ જીવતા મરણ પામવા જેવો અનુભવ હતો.’ ‘પછી?’ પછી મને થયું : ‘અરીસામાં હું નથી તો પછી કોણ છે? હું નષ્ટ થઈ રહ્યો હોઉં તો જેને એને ભાન થાય છે તે કોણ છે? હું ચૂપ થઈને બેઠો. સૂઝ વગરનો, દિશા વગરનો, અજાણ્યા પ્રદેશમાં અસ્તિત્વ ખોઈ દીધેલો બસ બેસી જ રહ્યો.’ ‘પછી?’ તે હસ્યો. ‘સાંભળવું છે? સાંભળી શકશો? હું કહું તે સ્વીકારી શકશો?’ મેં ડોકું હલાવ્યું. મેં પ્રશ્ન કર્યો : ‘જો “હું” નથી તો પછી જે છે તે આ કોણ છે?’ ‘એ હું છું…’ અચાનક મેં અવાજ સંભળાયો. તે દિવસે હું જે ચોંકી ગયો છું! હું આખો ઊછળી જ પડ્યો. આ કોણ બોલે છે? ક્યાંથી આવે છે આ અવાજ? ‘એ હું બોલું છું…’ ફરી અવાજ આવ્યો. ‘ઓ ભગવાન, આ શું થઈ રહ્યું છે? હું આખો ધ્રૂજી રહ્યો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. મને લાગ્યું, જાણે કોઈ મારા માથે હાથ મૂકે છે. અંદર એક મોટું પૂર રેલાવા લાગ્યું. મને અનહદ આનંદનો અનુભવ થયો. હું પોતે જ આનંદ બની રહ્યો.’ ‘પછી?’ ‘પછી શું? બસ હવે એ છે એટલે હું નથી. છું છતાં નથી.’ તેની આંખો બિડાઈ ગઈ. તેના મોં પર અદ્ભુત તેજ પથરાઈ રહ્યું. ક્યાંય સુધી તે હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યો. તે દિવસે મિત્રા બહુ વિચલિત થઈ ગઈ હતી. ‘મને કાંઈક કહે, અ, મારું મન બહુ તરડાયેલું છે. હું કેવી રીતે આ આનંદ પામી શકું?’ ‘અ’ વિસ્મયથી જોઈ રહ્યો. પછી અસ્ફુટ સ્વરે બોલ્યો : ‘અરીસામાં આપણે ન જોઈએ તો કદાચ કંઈક થતું હશે…’ તેની વાતોથી મિત્રાને સત્ય ને આશ્વાસન બેઉ મળતાં. ઘણી વાર તે ચુપચાપ માત્ર તેની પાસે બેસતી અને ‘અ’ની ઉપસ્થિતિ માત્રથી બધું વધારે પ્રકાશિત અને સભર લાગતું. માત્ર હોવાથી તે આનંદગ્રામને છલોછલ ભરી દેતો. મિત્રાની વેદનાની સ્વરૂપને ખબર હતી, પણ તેને વિશ્વાસ હતો કે ધીરેધીરે મિત્રા સમજશે કે જેને પોતે ખોઈ દીધેલું માનતી હતી, તે ધન તો તેની પાસે જ છે. માણસનું મન કાંઈ વસ્ત્ર નથી કે એક વાર ફાટ્યું તો ફરી અખંડ ન કરી શકાય…માણસે પોતાના ભૂતકાળ ને સ્મૃતિઓમાંથી પોતાનાં દુઃખો ને અનુભવોમાંથી મુક્ત થવું જોઈએ, તો જ તે જીવનના નિત્ય નૂતન આવિષ્કારમાં પ્રવેશી શકે. સ્વતંત્રતાને કાંઈ એક જ પાસું નથી. છેવટ જતાં તો સ્ત્રીએ પોતાના સ્ત્રીત્વના બંધનમાંથી અને પુરુષત્વના બંધનમાંથી મુક્ત થઈ, પૂર્ણ મનુષ્ય બનવું જોઈએ…આવું બધું સ્વરૂપને લાગતું પણ તે પોતાના વિચારોનો ઓછાયો બીજા પર ભાગ્યે જ પડવા દેતો. તે તો ઘણુંખરું પડદા પાછળ જ રહેતો, સહેજસાજ સૂચન કરતો કે ક્યારેક જરા હાથ લંબાવતો. તે કહેતો કે સાચી શક્તિ બીજા ૫૨ છવાઈ જવામાં નહિ, પણ બીજાને શક્તિશાળી બનાવવામાં છે. આનંદગ્રામ હવે ખૂબ વિકસવા લાગ્યું હતું. દરેકને અહીં પોતાની ને બીજાની સિદ્ધિઓથી જીવન સમૃદ્ધ અનુભવાતું. એક ‘સિનર્જિક’ સમાજની કલ્પના અહીં ઘાટ લઈ રહી હતી, જેની સમૃદ્ધિ તેના દરેક ઘટકની સમૃદ્ધિના સરવાળા કરતાં વિશેષ હતી. પછી એક પડકાર આવ્યો. આભા ને ગગનેન્દ્ર બન્ને સંશોધન-વિજ્ઞાની હતાં અને એક જ સંસ્થામાં કામ કરતાં હતાં. બન્ને સાથે કામ પર જતાં ને સાંજે સાથે પાછાં આવતાં. એક દિવસ સમાચાર મળ્યા કે આભાને બાળક આવવાનું છે. જયાબહેન તો આનંદથી ઘેલાં જ થઈ ગયાં. અમે બધાં પણ આ નવા વસવાટમાં કેવો મનુષ્ય-જીવ પ્રગટશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. પણ મોટો પ્રશ્ન એ હતો કે : આભા ને ગગનેન્દ્ર હવે કઈ રીતે જીવન ગોઠવશે? આભા કામ અને બાળકની જવાબદારી — બન્ને સાથે કેવી રીતે સંભાળશે? આનંદગ્રામનો નિવાસી ગગનેન્દ્ર પિતા તરીકે કેવી ભૂમિકા નિભાવશે? પૂરા સમયે આભાને દીકરી જન્મી. તે દિવસે અમે મોટો ઉત્સવ કર્યો. આમ તો આનંદગ્રામમાં ઉત્સવો અવારનવાર થતા : એના નવી કવિતા લખે તેનો ઉત્સવ, સ્વરૂપનું નવું પુષ્પ ઊગે, અગ્નિવેશ નવું મશીન બેસાડે, વિનોદ નવું ચિત્ર દોરે કે મારી નવલકથા છપાય : તેનો કંઈ ને કંઈ ઉત્સવ અમે ઊજવતાં. પણ આભાની દીકરીના આગમનનો ઉત્સવ તો બધામાં શિરમોર જેવો હતો. ત્રણ મહિના પછી પ્રશ્ન ઊભો થયો. આભા ઘેર રહેશે કે કામ પર જશે? દીકરીને કેમ સંભાળશે? અમે વિચારતાં હતાં ત્યાં આભાએ જાહેર કર્યું કે હજી ત્રણ મહિના હું રજા લઈશ ને પછી કામ પર જઈશ ત્યારે મારી દીકરીને હું સાથે લઈ જઈશ. છ મહિનાની દીકરીને સાથે ઑફિસમાં લઈ જશે? જયાબહેન તો ડઘાઈ જ ગયાં. અમને પણ ચિંતા થઈ. પણ મનુષ્યની નિષ્ઠા સાચી હોય ત્યારે જીવન-દેવતા પણ તેને માથે હાથ મૂકતા હશે? થોડીક સગવડ અણધારી મળી ગઈ. તેમની વિજ્ઞાન-સંસ્થાની ડિરેક્ટર એક સ્ત્રી જ હતી. આભાના સમજાવવાથી તે એક જુદો રૂમ રાખવા કબૂલ થયાં, જ્યાં સ્ત્રી-કર્મચારીઓ પોતાનાં બાળકોને રાખી શકે. બાળકો નજીકમાં જ હોવાથી ઑફિસમાં કામ કરતી માતાઓનાં મન હળવાં ૨હેતાં અને વધુ સારી રીતે કામ કરી શકતી. એ પછી તેણે ફ્લેક્સિ-ટાઇમની વ્યવસ્થાનો આરંભ પણ સંસ્થામાં કરાવ્યો. ત્રણ મહિના તે દીકરીને સાથે લઈ ગઈ, પછી તે સવારના વહેલી જઈ બપોરે ઘેર આવી જતી. ત્યાં સુધી ગગનેન્દ્ર દીકરીને સાચવતો, તેને ખવડાવતો-પિવડાવતો, ઊંઘાડતો, તે બપોરે મોડો જતો અને મોડી સાંજે ઘેર આવતો. દરમિયાન આભા ઘેર આવી જતી. આમ વચ્ચેના થોડા કલાક જ માત્ર બાળકી એકલી રહેતી અને ત્યારે અમે બધા તેને સંભાળી લેતાં. સ્વરૂપ હસીને કહેતો : ‘બધાં બાળકોને તો એક જ માબાપ હોય, આને તો ઘણાં માબાપ છે!’ જયાબહેન હવે મુક્ત બન્યાં હતાં, છતાં એક વાર ગગનેન્દ્ર દીકરીને સાફ કરી બાળોતિયાં ધોતો હતો તે જોઈને સદીઓના સંસ્કારને લીધે બોલી પડેલાં : ‘તું આ કામ કરે છે?’ ગગનેન્દ્ર હસ્યો : ‘કેમ, ન કરી શકું? એ મારી દીકરી નથી?’ ‘ના એમ તો નહિ, પણ આભા આવીને ધોઈ શકે ને?’ ‘જેમ એ ધોઈ શકે, તેમ હું પણ ધોઈ શકું. એમાં શો ફરક પડે?’ ગગનેન્દ્રે કહ્યું : ‘જુઓ મા, અમે બન્ને વિજ્ઞાની છીએ. વિજ્ઞાન એટલે સત્યની શોધ. પણ સત્યનું મોં ઘણી વાર માન્યતાઓના આવરણથી ઢંકાયેલું હોય છે. માન્યતાઓ છોડી દેવી, એ સત્યની શોધ માટેની પહેલી શરત છે. જેમ કે હું પુરુષ છું એ હકીકત છે, પણ હું દાણા સાફ ન કરી શકું એ માન્યતા છે. બાળકને હું જન્મ ન આપી શકું તે હકીકત છે, પણ તેનાં બાળોતિયાં ન ધોઈ શકું કે તેને હાલરડાં ગાઈ સુવડાવી ન શકું એ માન્યતા છે.’ જયાબહેન ચકિત થઈને સાંભળી રહેલાં. પછી યાદ આવી ગયું : ગાંધીજીના આશ્રમમાં પોતે થોડાક દિવસ રહી આવેલાં ત્યારે એક બૅરિસ્ટર આવેલો. બાપુએ તેને ઘઉંમાંથી કાંકરા વીણવા બેસાડેલો… ‘તારી વાત તો સાચી છે…’ તે ધીમેથી બોલેલાં. મા જ બાળકને સાચવી શકે અને બાળકના જીવનમાં માનું જ પ્રદાન મોટું ને મહત્ત્વનું — એ પણ એક માન્યતા હતી, જે ગગનેન્દ્રે ભૂંસી નાખી. તે દીકરીને ૨માડતો, ઝુલાવતો, તેની સાથે લાંબો સમય પસાર કરતો, તેને માટે રાતે જાગવું પડે તો જાગતો. દીકરીને ઉછેરવામાં બન્નેનો સમાન ફાળો હતો. અને એક વખત એક પ્રોજેક્ટ માટે ડિરેક્ટરે તેને પરદેશ એક વરસ માટે જવાનું સૂચવ્યું ત્યારે તે કામમાં ઘણી પ્રતિષ્ઠા મળે એવું હતું, છતાં તેણે ના પાડી. ‘મારે ત્યાં નાની દીકરી છે. મારા કુટુંબ પ્રત્યેની ફરજ મારે મન પ્રથમ મહત્ત્વની છે.’ આ વાતની વસાહતમાં જાણ થઈ ત્યારે અમે બધાં એટલાં પ્રસન્ન થયેલાં! સહુથી વધુ સંતોષ એનાને થયેલો. તેના જીવનમાં જે અધૂરું રહ્યું હતું તે દીકરીના જીવનમાં પૂર્ણ બન્યું હતું. બાળકીની પહેલી વર્ષગાંઠે તેનું નામ પાડવામાં આવ્યું : જરૂલ. એ ઋતુમાં પુરબહારમાં ખીલેલાં જાંબલી ફૂલો પરથી સ્વરૂપે જ એ નામ શોધી કાઢ્યું હતું. જરૂલની ફરતે બેસી અમે ગીતો ગાયાં. તેને કપડાં પણ જાંબલી રંગનાં પહેરાવ્યાં હતાં. એમાં તે એટલી મીઠડી લાગતી હતી કે જયાબહેન ઉત્સાહમાં આવીને કંકુ લઈ આવ્યાં ને જરૂલના કપાળે ચાંલ્લો કર્યો. ‘જુઓ હવે કેવી શોભે છે!’ ‘એ તો આનંદગ્રામનું સૌભાગ્ય બનવાની છે.’ ‘બનવાની શા માટે? અત્યારે છે જ.’ મેં કહ્યું. એને લીધે આપણે બધા સૌભાગ્યવાન છીએ!’ મિત્રા બોલી. ‘તો પછી અમને બધાંને પણ ચાંલ્લો કરો ને?’ અલોપાએ લાડથી જયાબહેનને કહ્યું. ‘જરૂ૨ કરું.’ જયાબહેને હસતાં હસતાં અગ્નિવેશને, આભાને, ગગનેન્દ્રને, મને, સ્વરૂપને, મિત્રા ને અલોપાને ચાંલ્લો કર્યો. એના પાસે આવતાં તે એક ક્ષણ અટકી ગયાં. વિનોદ બાજુમાં જ બેઠો હતો. તેમણે પહેલાં વિનોદના કપાળે અને પછી ઝડપથી એનાને પણ તિલક કરી દીધું, અને વિનોદ તરફ જોઈ માયાળુ સ્મિત કર્યું. એનાની આંખ ભીની થઈ. બધાં જ સમજ્યાં કે જયાબહેને એના ને વિનોદના સ્નેહ-સંબંધનો સ્વીકાર કર્યો છે. એકાએક અલોપા ઊભી થઈ. ‘વાહ, બધાંને કર્યો તો તમે શા માટે બાકી રહી જાઓ?’ તેણે જયાબહેનના હાથમાંથી કંકુ લઈ તેમના કપાળ પર મોટું બધું લાલ ચિહ્ન કરી દીધું. ‘હવે આપણે બધાં સૌભાગ્યવાન અને સૌભાગ્યવતીઓ છીએ — ખરું કે નહિ, મા?’ જયાબહેને ચાંલ્લો લૂછી નાખ્યો નહિ. તે હેતથી બધાંની ને જરૂલની સામે હસી રહ્યાં : ‘આપણાં બધાંનું સૌભાગ્ય છે ને આ!’ મુક્તિના અમારા પ્રયોગનું પહેલું ચરણ આજે સિદ્ધ થયું હતું. ‘સર્વોચ્ચ આનંદ એટલે કેવો આનંદ?’ એમ કોઈ પૂછે તો હવે અમે કહી શકીએ : પુત્રીજન્મ જેવો આનંદ. તે રાતે બધાં છૂટા પડ્યાં પછી હું મારા રૂમમાં જઈને પથારી પાથરતી હતી ત્યાં અચાનક બારણે ટકોરા પડ્યા. અત્યારે કોણ આવ્યું હશે? મેં આશ્ચર્ય પામતાં બારણું ઉઘાડ્યું. સામે વસુધા ઊભી હતી. ‘આજની રાત હું તારી રૂમમાં સૂઈ શકું, ઈશા?’ તેણે કંપતા અવાજે પૂછ્યું.