સાત પગલાં આકાશમાં/૨૮
ફૈબાનું મૃત્યુ થયું હતું. એક ઘટના બની હતી. વસુધાએ એ ઘટનાને હે૨વી-ફેરવીને ધ્યાનથી જોઈ. અલબત્ત, આ મૃત્યુથી પોતાને કોઈ ખોટ પડી નહોતી. ઘણાં વર્ષો પહેલાં ફૈબાને જ કારણે, વ્યોમેશને પૂછ્યા વિના પોતે પિય૨ ન જઈ શકે એવી ફૈબાની માન્યતાને કારણે, મૃત્યુ પામી રહેલી માને પોતે મળી શકી નહોતી. પૃથ્વી ૫૨ આંખ ખૂલવાની પ્રથમ ક્ષણથી જેનો નિકટતમ સંબંધ અનુભવ્યો હતો, તેની સેવા-ચાકરી તો દૂર, પૃથ્વી ૫૨ આંખ મીંચાવાની અંતિમ ક્ષણોને પોતે સ્નેહની ભીની નજ૨થી પસરાવી શકી પણ નહોતી — કેવળ ફૈબાની જીદને કારણે. જે ફૈબાએ પોતાને માટે આનંદની એક પાંદડી પણ કદી ઉગાડી નહોતી તેના પોતે પડ્યા બોલ ઝીલ્યા હતા. અને જે માએ તેનું જીવનસત્ત્વ ઘોળીને પોતાને પિવડાવ્યું હતું તેના સુકાતા હોઠ પર પોતે હેતનાં બે ટીપાં પણ મૂકી ન શકી. અને આ એટલા માટે કે મા એક દીકરીની મા હતી, કોઈના ઘરની વહુ બની ચૂકેલી દીકરીની મા હતી. આ અન્યાય વિધાતાએ સર્જેલો હતો કે મનુષ્યે? મા વગરના સૂના ઘરમાં વસુધા આંસુ પીતી ઊભી રહેલી. હું કદી માફ નહિ કરું…કદી નહિ…તેણે મનોમન ફૈબાને કહેલું. એ દિવસ પ૨ તો પછી બીજા હજારો દિવસોનાં વારિ વહી ગયાં. છોકરાઓ મોટા થઈ ગયા. દીપંકર ભણવા માટે અમેરિકા ગયો. હર્ષ અને અશેષનાં લગ્ન થઈ ગયાં. આ બધોયે સમય વસુધાએ ફૈબાને સંભાળ્યાં હતાં, પણ એક તાર તે દિવસે તૂટ્યો તે પછી તૂટેલો જ રહ્યો. હર્ષ ને અશેષનાં લગ્ન પછી ફૈબાને આધુનિક વહુઓનો ભય લાગ્યો કે શું, પણ તેમણે પોતાના ગામના ઘરે જઈને રહેવાની ઇચ્છા કરી. વસુધાને હતું કે વ્યોમેશ એમને નહિ જવા દે, પણ તે તો સાધારણ આગ્રહ કરી, એ ન માન્યાં તો જઈને એમને મૂકી આવ્યો. ત્યારે વસુધાને જરા આઘાત લાગેલો. મારી ને ફૈબાની વચ્ચે સ્નેહનો સેતુ બંધાયો નહિ તે જુદી વાત, પણ તમને તો નાનપણથી દીકરાની જેમ ઉછેર્યા, પોતાનાં ઘરેણાં-દાગીના આપી મદદ કરી. તમને ભાવતું તે ખાતાં અને ગમતું તે મારી પાસે કરાવતાં. તમારી પસંદગી-નાપંસદગી વડે તેમણે ઘરના વ્યવહારની રૂપરેખા આંકી હતી, અને આ ઉંમરે તમે એમને એકલાં ગામ રહેવા જવા દીધાં? મેં મારી રીતે એમને સાચવ્યાં, તમે એમને માટે શું કર્યું? બસ, કમાઈને લાવ્યા એટલે બધું ઋણ ચૂકવાઈ ગયું? કમાઈને લાવવું એ એટલી મોટી વાત છે કે પછી ઘરના લોકો પ્રત્યે સ્નેહની બીજી કોઈ અભિવ્યક્તિની અપેક્ષા જ ન રહે? ફૈબાને પૈસા મોકલવાનું કે પત્ર લખવાનું કામ પણ વસુધા કરતી. વ્યોમેશ બે અક્ષર પણ પાડતો નહિ. કહેતો : ‘મને કંટાળો આવે છે, તું લખી નાખને!’ અને આજે ફૈબાના મૃત્યુના સમાચાર આવ્યા છે. પોતાને ખાસ દુઃખ નથી થયું એ હકીકત છે. પણ વ્યોમેશનો વર્તાવ જોઈને મનને ઉઝરડો પડ્યો. વ્યોમેશને મન ફૈબાનું આટલું જ મૂલ્ય હતું? અને હવે લોકો મળવા આવશે. શોક પ્રગટ કરશે. આ કેવું વિચિત્ર છે કે જેને દુઃખ લાગવું જોઈએ તેને એ લાગ્યું નથી; જેમને દુઃખનો સ્પર્શ સરખો નથી થયો તેઓ ખરખરો કરશે અને પોતે…જેને દુઃખ નથી થયું, દુઃખ થયાનો જે દેખાવ કરવા માગતી નથી, તેના વ્યવહારમાં દુઃખનાં ચિહ્નો જોવાની અપેક્ષા રખાશે! માણસ કૃત્રિમતાના આ ચીકણા માર્ગ પર ચાલે તો જ શું સમાજ દ્વારા સ્વીકારાઈ શકે? અંદર હોય તે જ બહાર વ્યક્ત કરવું — એટલી સાદી વાતને સંસારના જીવનમાં અવકાશ છે કે નહિ? વર્ષો પહેલાં નક્કી કર્યું હતું : કોઈક દિવસ હું મારી લાગણીઓ, મારી ભાવનાઓ ને વિચારોના અજવાળે જીવીશ. આટલાં વર્ષોમાં ઘણી વાર એ વાત યાદ આવી છે. અગાસી પર ઝળૂંબેલી સાંજની સાક્ષીએ એ વાતને મનમાં ફરી ફરી દૃઢ કરી છે. એક વાર નાની શરૂઆત કરવાનું વિચારેલું — વાસંતીને અને લલિતાને સાથમાં લઈને. વાસંતીએ કહ્યું હતું : ‘ગમે તેમ તોયે સતીશ મને ચાહે છે અને જાણે છે કે હું પણ તેને ચાહું છું. મારા આનંદને તે પોતાનો આનંદ માને છે.’ અને તેણે સંગીતના વર્ગમાં જવા માંડ્યું. સતીશ કાંઈ બોલ્યો નહિ. વાસંતીને થયું — જરાક હિંમત અને દૃઢતાથી પોતાની વાત પકડી રાખી હોય તો એ પણ સમજે જ ને! હું સંગીત શીખું એમાં એને નુકસાન થોડું જ છે? મનમાં જરાક મરકતી. કોઈક દિવસ બધાં અંગો સહિતનો ‘ખ્યાલ’ સતીશ આગળ ગાઈ સંભળાવીશ. ચકિત થઈ જશે : ઠીક વાસંતી, ભગવાને તને આટલી મોટી દેણ આપી છે એ તો મને ખબર જ નહિ. તને ના પાડતો હતો એ મારી ભૂલ હતી. શાસ્ત્રીય સંગીતની આ ઊંચાઈઓ પાસે પેલું ગાવાનું શી વિસાતમાં? વાસંતી ખુશ હતી. નવા નવા સ્વરોના અજવાળે નવા આનંદની દિશાઓ ઊઘડી રહી હતી. છતાં કોઈક વાર ઘેર પાછાં આવતાં મોડું થાય તો મનમાં સહેજ ડર લાગી જતો. સતીશ આવી ગયો હશે. ભૂખ લાગી હશે. મોડું થયું છે. ચિડાશે. પછી થતું : ના ના, તેણે હાથે ચા બનાવી લીધી હશે. ચા બનાવતાં તો તેને આવડે છે. પણ ઘણીખરી વાર તો સતીશ તેના આવ્યા પછી જ ઘેર આવતો. આવીને લખવામાં ડૂબી જતો. વાસંતી વાતો કરતી, પ્રશ્ન પૂછતી, તો હું–હામાં જવાબ પતાવી દેતો. નવાઈ પામીને વાસંતી ક્યારેક પૂછતી : ‘કેમ બોલતો નથી? તને શું થયું છે?’ સતીશ ઊંચું જોયા વિના જ કહેતો : ‘કંઈ નહિ. આ પુસ્તક પૂરું કરવું છે ને? વચ્ચે બોલાવ નહિ, મારી લિન્ક તૂટી જાય છે.’ મનના કોઈક ખૂણે અપરાધ અનુભવતી વાસંતી પછી સતીશને નારાજ કરવાની હિંમત ન કરતી. તે ચૂપ રહેતી. પ્રખ્યાત કલા-વિવેચકના આ દસમા પુસ્તકનું સમારંભપૂર્વક ઉદ્ઘાટન થવાનું હતું. સતીશ ખૂબ રોકાયેલો રહેતો. ઘેર મોડો આવતો. વહેલો ચાલ્યો જતો. ક્યારેક મિત્રો આવતા. આયોજનની ચર્ચા થતી. કોઈક વાર વાસંતીના મનમાં શંકા સળવળતી : આ સમારંભ સતીશના પ્રશંસકો તેની પ્રત્યેના આદરને લીધે સ્વયં કરે છે કે સતીશ પોતે થઈને બધું કરાવડાવે છે?…પણ ખુલ્લી રીતે સતીશ સાથે ચર્ચા થઈ શકે એવો હવે સમય આવતો નહોતો. ઉદ્ઘાટનનો દિવસ નજીક આવ્યો. સજાવેલા સ્ટેજ પર સતીશની બાજુમાં પોતે પણ હશે. તાળીઓ પડશે. પ્રશંસાનો વરસાદ થશે. આટલા બધા માનનો અધિકારી પોતાનો પતિ છે એ ખ્યાલથી છાતી ગર્વથી ફૂલશે…વાસંતી કલ્પના કરતી હતી ત્યાં તેની છોકરી મસ્તીમાં દોડતી આવી, લાડથી માના શરીર પર પડી. ‘ઓ મા રે!’ વાસંતીએ ચીસ નાખી. ભાલો વાગ્યો કે શું? છાતીમાં અસહ્ય પીડા થઈ આવી. ઘણી વાર સુધી પીડા શમી નહિ ત્યારે તે વસુધાને લઈને ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર તપાસીને ચિંતામાં પડ્યા. તરત ને તરત પરીક્ષણો કરાવવા કહ્યું. ખબર પડી કે બ્રેસ્ટ કૅન્સર છે, જલદી ઑપરેશન કરવું પડશે, મોડું થશે તો ફેલાઈ જશે. વાસંતી ભયથી થીજી ગઈ. હોય નહિ કૅન્સર? આ સાંગોપાંગ સુંદર કાયાને ખંડિત કરી નાખવાની? તેનું હૃદય ચીસ પાડી રહ્યું : સતીશ, સતીશ, મને બચાવી લે. મારી ખંડિતતાને તારા અખંડ પ્રેમથી ભરી દે. ઇબ્સનની નોરાની જેમ તે અપેક્ષા રાખી રહી : કૅન્સરની જાણ થતાં જ સતીશ તેને પોતાની પાંખમાં ખેંચી લેશે : ‘તને કાંઈ નહિ થવા દઉં, વાસંતી, બીશ નહિ. હું તારી સાથે જ છું. તને કશું નહિ થાય.’ સમારંભ, ઉદ્ઘાટન, પુસ્તક — બધાંનો ઉલાળિયો કરી તે ફેંકી દેશે. કહેશે : ‘બધું તુચ્છ છે, નકામું છે, વાસંતી! તને સારું થઈ જાય તો બસ, દુનિયામાં મને બીજું કશું જોઈતું નથી.’ પ્રેમના જૂના દિવસો પાછા આવશે. ભલે કૅન્સર તો કૅન્સર, પણ મારો સતીશ મને હતો તેવો પાછો મળશે. સતીશ, ઓ સતીશ! મને બહુ જ બીક લાગે છે. સતીશે જાણ્યું ત્યારે ચિંતા કરી, પણ કાંઠે બેસીને. બધી રીસ, બધા રોષને માથાબૂડ ડુબાવી દેતાં પ્રેમનાં પૂર ફરી વળ્યાં નહિ. જૂના દિવસો પાછા આવ્યા નહિ. ડૉક્ટરના બીજાં રોકાણોને કારણે, સતીશના કહેવા છતાં ઑપરેશન ને ઉદ્ઘાટનનો દિવસ એક હતો, તે બદલી શકાયો નહિ… ઑપરેશન-ખંડમાં લઈ જવાતી વખતે સ્ટ્રેચરમાં સૂતાં સૂતાં વાસંતીએ છેલ્લી વાર વિચાર્યું — એક વાર, એક વાર જો મને ગાઢપણે ચૂમીને કહે : વાસંતી, શરીર જ આપણું એકમાત્ર આલંબન નથી. તું ચોક્કસ સાજી થઈ જઈશ. સુંદરતાની ચિંતા કરીશ મા, આપણો પ્રેમ શરીરની સુંદરતા અને રોગ — બન્નેથી પર છે. એક વાર કહે, સતીશ! — વાસંતીએ વેદનાવિહ્વળ દૃષ્ટિએ પતિ સામે જોયું. સતીશ ત્યારે કાંડે બાંધેલી ઘડિયાળમાં સમય જોતો હતો. પછી કાળો પડદો. …ઘેનમાંથી જાગી ત્યારે બાજુમાં માને જોઈ. વસુધાને જોઈ. જેને જોવા આંખો ઝંખતી હતી, તેનો ચહેરો દેખાયો નહિ. તે છેક રાતે આવ્યો. સાથે સુગીતિ બેનરજી હતી. હાથમાં હાથ લીધો નહિ. કપાળ પર હાથ ફેરવ્યો નહિ. માત્ર પાસે બેસી પૂછ્યું : કેમ છે? કશી તકલીફ નથી ને? કાલે ડૉક્ટરને મળીને ઑપરેશન વિશે વિગતે જાણી લઈશ…વજન વગરના હળવા શબ્દો…બોલાયા તેવા જ હવામાં ઊડી ગયા. સુગીતિએ સમારંભની વાતો કરી. કેટલું માન! કેટલો આદર! કેટલી ભીડ, તાળીઓ, પ્રશંસાનો વરસાદ! પુસ્તકની બસો નકલો તો ત્યાં ને ત્યાં વેચાઈ ગઈ. વાસંતીએ આંખો મીંચી દીધી. વાસણ તૂટે ત્યારે તેનો અવાજ થાય છે, હૃદય તૂટે ત્યારે અવાજ તો થતો હશે, પણ બધાંને એ સંભળાતો નહિ હોય. સતીશનેય સંભળાયો નહિ. કદાચ તેના કાન સુગીતિ ભણી મંડાયેલા હતા.
વાસંતી સાજી થઈ ગઈ. તેની માંદગી નિમિત્તે સુગીતિ ઘરમાં વધુ આવતી થઈ હતી. મઝાની યુવતી હતી. વસુધાને પણ ગમી ગઈ. પણ વસુધાનો ખ્યાલ હતો કે સતીશ વાસંતીની માંદગીમાં તેની ચાકરી કરશે; એના બદલે માંદી વાસંતી સતીશની જે જરૂરિયાતો પર ધ્યાન નહોતી આપી શકતી તે ધ્યાન સુગીતિએ આપવા માંડ્યું. વાસંતીએ વસુધાને કહેલું : ‘મને ખબર છે, સતીશ સુગીતિ તરફ ઢળતો જાય છે. તને શું લાગે છે? બીજી સ્ત્રી તરફ ઢળતા પતિને કુનેહથી પાછો વાળવો જોઈએ? રીસ કે રોષ કે ઝઘડો કરીને તેને રોકવો જોઈએ? જે સહજપણે મારું ન હોય તે મેળવવા માટે ઉધામા કરવા જોઈએ?’ ‘જો એ મારું ન હોય તો એને પ્રયત્નપૂર્વક મેળવવાનો, પકડી રાખવાનો અર્થ શો? બે મનુષ્યો વચ્ચેનો સંબંધ સ્વયંસ્ફુટ પ્રેમનો સેતુ છે કે જો૨ કરીને બાંધેલી સાંકળ?’ ‘સતીશ તારા પર નારાજ છે એટલે સુગીતિ તરફ ઢળ્યો છે કે એને સુગીતિનું આકર્ષણ છે એટલે તારાથી એ દૂર ચાલ્યો ગયો છે?’ વસુધાએ પૂછ્યું હતું. ‘નારાજ?’ વાસંતી ફિક્કું હસી હતી. ‘એની ઇચ્છા વિરુદ્ધ હું સંગીત શીખતી હતી એટલી જ માત્ર વાતથી એ મારા પર નારાજ હોય તો એનો રાજીપો બહુ મોંઘી બાબત કહેવાય. મારું શરીર તો ખંડિત છે. મારા વ્યક્તિત્વને સાવ ખંડિત થવા દઈને હું એને મારી સાથે જોડી રાખું તો સંબંધ તો કદાચ રહે, પણ એ સંબંધમાં સ્વાદ રહે ખરો?’ ‘માણસની એકાદ નબળાઈ હોય, નબળાઈને કારણે એ ઢોળાવો ઊતરી ગયો હોય, તો આપણે તેને હાથ આપી પાછો ઉપર ન લાવવો જોઈએ?’ વસુધાએ કહ્યું. ‘પણ અમારાં પ્રેમલગ્ન હતાં, વસુધા!’ વાસંતી ઉત્તેજિત થઈને બોલી. ‘અમે સુખની કેવી ઊંચાઈઓ સાથે ચડ્યાં છીએ! કેટલી અનાયાસ રીતે એ મારા ભણી સરી આવતો હતો! અને હવે મારે એનો હાથ પકડી જોરપૂર્વક એને પાછો વાળવાનો? પ્રેમ કોઈ અધિકારના જોરે કે દાનમાં માગી શકાય એવી વસ્તુ છે?’ વસુધા બીજું વિચારતી હતી, બોલી : ‘પત્ની બીજા પુરુષના પ્રેમમાં પડે તો પતિ એને ઘરમાંથી હાંકી કાઢે, કે એનું ખૂન કરી નાખે. અને પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો સ્ત્રી પાસે ધૈર્યની, ઉદારતાની, ક્ષમાની, કુનેહની — કંઈ કેટલીય બાબતોની અપેક્ષા રખાય. લાચારીએ આપેલી ક્ષમાનું બહુ મૂલ્ય નથી. પણ વિકલ્પને અવકાશ હોય ત્યારે ક્ષમા આપવી — એ સબળતાનું લક્ષણ હોઈ શકે… નહિ?’ વાસંતીએ ડોકું ધુણાવ્યું. ‘રાતોની રાતો મેં જાગતાં વિતાવી છે, વસુધા! આ વિશે બહુ વિચાર કર્યો છે. હું બધાંને માટે કોઈ નિયમ નથી બાંધતી, પણ મને — મને તો સંગીતના સૂરની જેમ જે સહજ છે, હૃદયમાંથી ઊગેલો છે, જે શરીરની પાર જઈને, બધાં વાવાઝોડાં, ભય અને પ્રલોભનોની પાર જઈને ઊજળા મુખે હસી રહે છે તે જ પ્રેમ ખપે છે. એથી ઓછું મને નથી જોઈતું, વસુધા! કૅન્સરથી કપાયેલું આ શરીર હવે કેટલો વખત ટકશે, કોને ખબર? આ ટૂંકા જીવનમાં હવે જે જીવવું છે તે સાચું જીવવું છે. સમાધાનવાળું નહિ.’ અને એક દિવસ તેણે સતીશને જ સીધું પૂછી લીધું : ‘સતીશ, એક વાતનો સાવ સાચો જવાબ આપીશ?’ સતીશના ચહેરા પરથી રંગ ઊડી ગયો. ‘શી વાત છે?’ વાસંતીએ નિઃશ્વાસ મૂક્યો. હાય રે, કેટલી સુંદર ને ગંભીર ને મધુર વાત તે મારા પ્રશ્નના જવાબમાં કહી શક્યો હોત? એને બદલે આ ભય, ગભરાટભરી પૃચ્છા… શાંત સંયત અવાજે પૂછ્યું : ‘સુગીતિ બહુ ગમે છે, સતીશ?’ એક ક્ષણ સતીશ બેબાકળો થઈ ગયો. ‘એવું કંઈ નહિ. પણ તે કલાકાર છે… મારાં પુસ્તકો વાંચે છે, સમજે છે — એટલે…’ ખુલ્લેખુલ્લું કહ્યું હોત કે હા, ગમે છે તો મને સાચા પડ્યાનું સુખ થાત કે જખમ થાત? બોલી : ‘તેની સાથે રહેવાનું ગમશે?’ અતિશય અસ્વસ્થ થઈને સતીશ બોલ્યો : ‘પણ તું, તારું શું? ને છોકરાંઓ?’ વાસંતી ઊઠીને અંદરના ઓરડામાં ચાલી ગઈ. પલંગ પર ઊંધી પડીને ખૂબ રડી રડીને બધી વ્યથા ખાલી કરી નાખી. બીજે દિવસે મન પ્રશાંત હતું. આંખો નિર્મળ હતી, અવાજ ધીર હતો. ‘તારે સુગીતિ સાથે રહેવા જવું હોય તો જા સતીશ, મારા તરફથી તને કોઈ બંધન નથી.’
લલિતાના સંઘર્ષની કથા પણ કાંઈ ‘રમ્ય કથા’ નહોતી. એમ.એ. ભણેલી કાલીદાસના સાહિત્ય પર સંશોધન કરવાની મહેચ્છા સેવતી એક સ્ત્રી પતિનો માર ખાઈ ચુપચાપ ઘરમાં રહે, પતિ બીજે ગમે ત્યાં ફરે અને તે પોતાનાં પિયરનાં લોકોને પણ મળી ન શકે. એ વાત વસુધાને ગળે ઊતરી નહોતી. પણ સત્ય કલ્પના કરતાં વધારે વિચિત્ર હોય છે. લલિતા પોતાને વિશે વિચારતી ત્યારે તેનેય કદીક નવાઈ લાગતી, કે હું કેમ આ બધું કબૂલી લઉં છું! ના, હંમેશ કબૂલી નથી લીધું. એક વાર અડધી રાતે સુધીરે એને ઘરમાંથી ચાલ્યા જવાનું કહ્યું ત્યારે એ ભાઈને ઘેર ચાલી ગઈ હતી — કદી પાછા નહિ ફરવાનું નક્કી કરીને. પણ ‘હવે ત્રાસ નહિ આપું’ વગેરે વચનો આપીને સુધીર મનાવીને લઈ આવેલો. લલિતાને પણ થયેલું : ભાઈના ઘેર ક્યાં સુધી રહી શકાય? મનમાં આશા બંધાઈ હતી : કદાચ છે ને એને ખરેખર પશ્ચાત્તાપ થયો હોય. વળી બાળકોયે હતાં. આ દુનિયામાં એક કલા પોતાના જોર પર ઝૂઝવાનો ભય પણ હતો! ગમે તેમ ત્યાં માથે છાપરું તો હતું! પણ પાછા આવ્યા પછી થોડા દિવસોમાં ફરી બધું હતું એવું થઈ ગયું. પછી એ ચૂપ રહી હતી. સહી લીધું હતું. સપનું જોતી — દૂરસુદૂર ભવિષ્યનું, જ્યારે બાળકો મોટાં ને સ્વતંત્ર થઈ ગયાં હશે, પોતાને માટે કોઈક આર્થિક વ્યવસ્થા હશે. ત્યારે છૂટી થઈને પોતે એકલી, ‘પોતે’ થઈને રહેશે. ભલેને ત્યારે સાઠ વર્ષ થયાં હોય. ગમે ત્યાં રહેશે. હરદ્વાર, કાશી…અભ્યાસ ક૨શે, નિજાનંદ ખાતર. પણ આજે આ ચલાવી લેવાનું છે. પતિ માટે જરા પણ પ્રેમ નથી. રોજ રોજ કાન આમળનાર પતિ માટે પ્રેમ હોઈ જ શી રીતે શકે? અત્યારે તો એક જ ચિંતા હતી : કાન બહેરા ન થઈ જાય તો સારું! વસુધા ને વાસંતીની વાતોથી જરા હિંમત આવી. બહાર જઈ કશું કરવાનું શક્ય નહોતું, પણ ઘરમાં સમયનો જે ખૂણોખાંચરો મળે તેમાં કદાચ થોડુંક કંઈ કરી શકાય. માળિયા પરથી થોડાંક પુસ્તકો ઉતાર્યાં. ધૂળ ઝાપટીને સાફ કર્યાં. માત્ર જોવાથી, માત્ર સ્પર્શવાથીયે સુખ થયું. વિચાર આવ્યો : સુધીરને આનો જ વાંધો હશે. એનાથી અસ્પૃષ્ટ એવી સુખની કોઈ આગવી, નિતાન્ત પોતાની, ભલે નાનકડી પણ સમૃદ્ધ સૃષ્ટિ હોય, તે તેને માટે સહ્ય નહિ હોય! અથવા એક તેજસ્વી વ્યક્તિત્વના ટુકડા કરી નાખવા — એ તેનો ‘સેડિસ્ટિક’ આનંદ હોય! પોતાના હીનભાવને છુપાવવા જ, આ પતિ હોવાના અધિકા૨નો દોરદમામ હોય! પુસ્તકો જોઈને સુધીર હાંસી કરતો બોલ્યો : ‘ઓહો, પ્રોફેસર થવું છે કે શું?’ સાથ ને સહાનુભૂતિની તો વાત જ નહોતી. નીરસતા ને ઉપેક્ષા હોત તોયે ચાલી જાત. પણ કશુંક તોડીને ટુકડા ટુકડા કરવા માટે તો હથોડીના પ્રહાર જોઈએ! ‘તું શું કાલિદાસનો અભ્યાસ કરવાની હતી? એના કરતાં ઘરના ખર્ચનો અભ્યાસ કરી કરકસર કેમ કરવી, તેનું સંશોધન કરે તોય ઘણું છે!’ ‘શાક આટલું બધું બાફી નંખાય? એમ.એ. થઈ છે પણ રસોઈ કેમ ક૨વી તે તો આવડતું નથી! તારામાં કશી અક્કલ જ નથી! રેડિયો પર નકામાં ગીતો સાંભળવામાં વીજળી કેમ બાળે છે?…’ તે બીજાઓ સાથે સરખામણી કરતો. ‘તારી બહેન આરતી તારા કરતાં કેટલી વધારે હોશિયાર છે! તારાં બધાં ભાંડુ હોશિયાર છે. એક તારામાં જ બુદ્ધિ નથી.’ છોકરાંઓ સાથેનો વ્યવહાર, ઘરનું સંચાલન, નોકરો સાથેનો વ્યવહાર, પૈસા ને ખર્ચાની વ્યવસ્થા — બધામાં જ લલિતાની ટીકા કરીને તેના આત્મવિશ્વાસને તોડી નાખવો — એ સભાન પ્રયત્ન હતો કે સ્વભાવની પરવશતા? જે હોય તે, પણ એ યત્નો સફળ નીવડ્યા. લલિતાને પણ લાગવા માંડ્યું કે પોતામાં ખરેખર ખાસ કોઈ આવડત નથી, પોતે નકામી, નિરુપયોગી છે. તેનું ધૈર્ય તૂટી ગયું. થાકી-હારીને ચોપડીઓ પાછી ચડાવી દીધી. વસુધા આ બન્ને કરુણતાઓની સાક્ષી હતી. વાસંતી અને લલિતાનું આ જોયા પછી થયું કે છેલ્લી સીમા સુધી જવાની, અથવા તો પરાજિત થવાની તૈયારી હોય તો જ શરૂઆતનું પગલું માંડી શકાય તેમ છે. તેને સંગીત નહોતું શીખવું, તેને સાહિત્ય-રચના નહોતી કરવી. બહારની દુનિયામાં કાંઈ કરવાના તેના મનોરથ નહોતા. તેને તો માત્ર પોતાને માટે સમય જોઈતો હતો; ‘પોતાનું જીવન’ નામના અજાણ્યા દરવાજે ટકોરા મારવા હતા. જોવું હતું — અંદર જે ચહેરો છે તે કેવો છે. પણ વાસંતી ને લલિતાના અનુભવ પછી હિંમત ભાંગી ગઈ. તેને થયું, હજી શક્તિ સંચિત થઈ નથી. સમય આવ્યો નથી. ઉપરછલ્લા સંબંધોના કૂવામાંથી વિશાળ સાગર તરફ પહેલું પગલું ઉપાડવાને હજુ વાર છે. અને એટલે ફરી એક વાર પેલી સુવર્ણ-ઇચ્છાને દાબડીમાં બંધ કરી અંતરના છાના ખૂણે સંતાડી દીધી હતી. આજે ફૈબાના મૃત્યુની ઘટના અને તે પછી વ્યોમેશ સાથેની વાતો, — એણે એક પડદો ઊંચકી લીધો. અઢાર વર્ષે લગ્ન થયાં હતાં. આજે પચાસ થવા આવ્યાં. બહુ વર્ષો સુધી બધું ચલાવી દીધું. હવે સમય આવ્યો છે. છોકરાઓ પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા છે. વ્યોમેશનું પરિવર્તન થયું નથી. અને અનેક અંધારામાં અટવાયા છતાં, પેલી સાંજની જ્યોતિ ઓલવાઈ નથી. રોજિંદા જીવનની ઘટમાળની સુંવાળી કેડી છોડીને હવે, હૃદયના માર્ગે ચાલવાનો મુક્તિના કંટકછાયા અરણ્યમાં ઊભા રહી ‘હું’ એટલે કોણ? મારું સત્ય સ્વરૂપ શું — ની શોધ કરવાનો સમય આવી ગયો હતો. હવે પોતે કંઈક નહિ કરે તો ક્યારેય નહિ કરી શકે. ‘સમય આવી ગયો છે…’ તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું : ‘આવતી કાલે…’