સાત પગલાં આકાશમાં/૩


જે દિવસો, મહિનાઓ, વર્ષો જિવાઈ ગયાં હતાં તેનો મોટો વીંટો વાળી રાખ્યો હતો. આજે એકલાં બેસી એક વાર એ જોઈ જવાનું મન થયું. એ દીર્ઘ પટ પર ભરચક આલેખનો હતાં. પણ એમાં આનંદ-ઉત્સવના લાલ-લીલાં ફૂલ ભાગ્યે જ દેખાયાં. ક્યાંક ઘાસની થોડી હરિયાળી પત્તી. બાકી બધું જ કામની ભૂખરી રેખાઓથી ખીચોખીચ ભરેલું હતું. પરણીને આવી તે દિવસથી બસ, કામ અને કામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું હતું. નાનપણની જેમ અગાસીમાં જઈ ખુલ્લા આકાશ હેઠળ બેસી તાજાં થઈ જવાનું જો મળ્યું હોત…! ઘરને અગાસી તો હતી. વ્યોમેશ વ્યવસ્થિત અને દીર્ઘદષ્ટિવાળો માણસ હતો. ઘર બંધાતું હતું ત્યારે જ બે ફ્લૅટ સાથે લઈ લીધા હતા. લગ્ન થશે, છોકરાં થશે, એમનાં પણ લગ્ન થશે — ત્યારે જગ્યા જોઈશે. ત્યારે ભાવ ઘણા વધી ગયા હોય! નાની ઉંમરથી જ કમાવાનું શરૂ કરી દીધું હતું. પોતાની બચત, થોડી બાપની મિલકત, થોડી ફૈબાની મદદ અને બીજી લોન લઈ જગ્યા લઈ લીધી હતી, ઘરમાં જરૂરી ફેરફાર કરાવ્યા હતા. ગૅલરીમાં રૂમની થોડી જગ્યા ઉમેરી નાનકડી અગાસી બનાવી હતી. વસુધા પરણીને આવી ત્યારે ફૈબા અને વ્યોમેશ બે જ જણ ઘરમાં હતાં. બે જણ વચ્ચે આટલું મોટું ઘર?’ તેને નવાઈ લાગેલી. પણ અગાસી જોઈને તેની આંખમાં ચમક આવી હતી. ‘સરસ અગાસી છે!’ તે બોલી પડી હતી. ફૈબાએ ગર્વથી કહ્યું : ‘હા, ખાસ કરાવી છે. દાણા તડકે નાખવા કે અથાણાંની કેરી સૂકવવા બહુ કામ લાગે છે.’ વસુધાએ ક્ષણવાર ફૈબા સામે જોયું. ફૈબાનો આ પહેલો પરિચય હતો. આવડા મોટા ઘરની સફાઈ કરવામાં ઘણો સમય જતો. વ્યોમેશને બધું સ્વચ્છ જોઈએ. ક્યાંય પણ ધૂળમાં ક ખ ગ લખાય તો ન ચાલે. વસુધા સવારથી સાંજ કામ કર્યા કરતી. ફૈબાની કાક નજરનું હંમેશા તેની પીઠ પાછળ નિશાન તકાઈ રહ્યું હોય! ગભરાઈને તેણે પાછળ જોયેલું. ફૈબાની જ આંખો હતી. તે દિવસે બહુ ખરાબ લાગેલું. આ લોકો લગ્ન કરીને મને અહીં લાવ્યાં છે, પણ મને પોતાની કરી નથી. મારા પર આમ ચોકી શા માટે રાખવી જોઈએ? બહેનપણીઓએ કહેલું : ‘તારે તો મઝા છે. સાસરિયામાં ફક્ત બે જ જણ છે.’ માએ પણ કહેલું : ‘તારે સાસુ-સસરા તો છે નહીં. છે માત્ર ફૈબા. એનું ને વ્યોમેશનું મન રાજી રાખજે એટલે બસ, તને કાંઈ તકલીફ નહિ પડે. માબાપનું ઘર છોડતાં દીકરીને દુઃખ તો થાય, પણ પછી ત્યાં એટલી બધી પરોવાઈ જઈશ કે અમે બધાં યાદ પણ નહીં આવીએ.’ દીકરીએ જ માબાપને છોડવાનું દુઃખ સહન કરવાનું? તેણે જ બીજાને રાજી રાખવાનાં? વસુધાને ઘણી નવાઈ લાગતી. ફૈબા ને વ્યોમેશને તો કોઈએ કહ્યું નહિ હોય કે એક ગભરુ છોકરી પોતાનું ચિત્ર-પરિચિત ઘર, વહાલસોયાં માબાપ, ભાઈ-બહેનોના લાડપ્રેમ, જેમની સાથે છેક નાનપણથી ૨મી છે તે સખીઓ, આંગણાનો લીમડો અને ભાવોર્મિઓનું નિઃસંકોચ નર્તન છોડીને અહીં આવે છે તો એના મનને રાજી રાખવાની વધારે જરૂ૨ છે; એને સાચવજો, એની આશા ને સપનાંનું જતન કરજો! દીકરીને હંમેશા પ્રેમ ને સેવાથી સાસરિયાનું મન જીતી લેવાની શિખામણ અપાય છે, કોઈ પતિને, સાસુને, નણંદને કહેતું નહિ હોય કે બે કુમળાં ચરણ પોતાની કેડી છોડી આ વાટે આવ્યાં છે, તેનાં મારગે કાંટા ન વેરાય તે જોજો! ફૈબા તેને ઘડી વાર પણ પગ વાળીને બેસવા દેતાં નહીં. એક સ્ત્રી વહુ હોય એટલે શું તેને થાક લાગતો જ નહિ હોય એમ માનીને ચલાવવાનું? તે વડીલ હતાં તે બરોબર. કામકાજની સૂઝ તેમને વધારે હોય તે પણ કબૂલ. પણ તેથી બીજા માણસ ૫૨ આમ ફરમાનો છોડવાની આ શી ઘેલછા? ‘વસુધા, ચાદર મેલી થઈ ગઈ છે, ધોવા નાખી દેજે… ભીંડા ભીના કપડાથી લૂછીને પછી સમારજે… તુવેરના દાણા ફોલતાં ધ્યાન રાખજે, કોઈ સડેલા ન હોય…’ ફક્ત કામ જ નહિ, કામની રીત પણ તેમની જ અખત્યાર કરવાની ‘ભીંડામાં મેથીનો વઘાર મૂકવો જ જોઈએ… દૂધીનું શાક રસાવાળું જ કરવું જોઈએ… કપડાં આમ ગડી વાળીને ગોઠવવાનાં.’ રીત એમની. સમય પણ એમનો. ‘મોદીને ત્યાંથી સામાન આજે આવ્યો, એ આજે જ ઠેકાણે પાડી દેજે…’ ‘સાબુના પાણીમાં કપડાં પહેલાં બોળી દે, પછી લોટ બાંધજે…’ ‘કાચનાં વાસણ પર ડાઘ પડેલા છે, બપોરે ગરમ પાણી ને સાબુથી સાફ કરી નાખજે.’ કામ કરવું નથી ગમતું એમ નહીં. ગાતાં ગાતાં કામ કરવાની મઝા એણે માણી છે. પણ હંમેશાં સૂચનો હેઠળ, આજ્ઞા ઉઠાવતાં હોઈએ એ રીતે કામ કરવાનું નથી ગમતું. ધર્મ પણ એમનો. ‘તારે ઘેર ભલે તું શ્રીનાથજીની પૂજા કરતી હો, અહીં તારે દેરાસર જવાનું.’ કેટલાંક કામ કરવાનું સ્વભાવમાં નથી. જેમ કે હિસાબ રાખવો. વસુધાને એ આના-પાઈ લખવાનું ગમતું નહિ. પિયરમાં માને કહી દેતી : ‘મા, આમ આમ પૈસા ખર્ચ્યા છે.’ બસ, પછી માને હિસાબ લખવો હોય તો લખે. તે પોતે લખતી નહિ. માએ કદી કહ્યું નહોતું કે હિસાબ લખવો પડશે. પણ ફૈબાએ કહ્યું : ‘વસુધા, રોજેરોજ જે પૈસા ખર્ચાય તેનો હિસાબ લખજે, હો!’ વસુધાથી બોલી દેવાયું : ‘મને હિસાબ લખવાનું નથી ગમતું, ફૈબા!’ તેના અવાજમાં વિરોધ નહોતો, માત્ર હકીકત-કથન હતું, તોયે ફૈબાનો અવાજ ઊંચો થઈ ગયો. ‘નથી ગમતું એટલે?’ તે એવી રીતે તાકી રહ્યાં વસુધા સામે — જાણે કહેતાં હોય : તારાથી આવું બોલાય જ કેમ? તને શું કરવું ગમે છે ને શું નહિ, તેનો કોઈ સવાલ જ નથી. અમે તને કહીએ તે કામ તારે કરવાનું છે. વસુધા ફૈબાનો ચહેરો જોઈને સહેજ ડરી ગઈ. બીજા દિવસથી હિસાબ લખવાનું શરૂ કર્યું : બે આનાની કોથમીર, ચાર આનાની ભાજી, આઠ આનાનાં કેળાં… ભૂલી જવાતું. કંટાળો આવતો. પણ નાનપણથી શીખવવામાં આવ્યું હતું કે સાસરામાં કોઈને નારાજ કરવાં નહિ, એટલે લખતી. બધાં કામ નીચા મોંએ કર્યા કરતી. વિચાર આવતો : પિયરમાં તો મનની વાત ખુલ્લી રીતે કહી શકાતી હતી. અહીં એવું શું છે કે મન પર તાળું મારી રાખવું પડે છે? ક્યારેક ફૈબાના ભૂતકાળ વિશે વિચારતી. નાનપણથી વિધવા થયેલી સ્ત્રી બધી રીતે કુંઠિત થઈ ગઈ હશે. કંઈ કેટલુંય સહન કર્યું હશે. એ યાતનાનો ઇતિહાસ પોતે જાણતી નથી. દરેક વ્યક્તિનો પોતાનો એક-એક દિવસનો, એક-એક રાતનો ઇતિહાસ હોય છે. તેના કેટલા દિવસો વેદનાથી મલિન બની ગયા, કેટલી રાતો આંસુમાં પલળી ગઈ — કોઈને ખબર નથી હોતી. બહુ વર્ષો પછી કોઈના ૫૨ સત્તા ચલાવવાની તક મળી છે. કરી લેવા દો રુઆબ. થોડા દિવસ કરશે. ખબર પડશે કે પ્રતિકાર નથી થતો. ત્યારે જોર નહિ રહે. પણ ખબર પડી. કેવળ રુઆબની જ વાત નથી. વહુ નામના પ્રાણી વિશે તેમને કંઈક જુદા જ ખ્યાલ છે. એક આંધળો ભય અને અવિશ્વાસ. આ છોકરી આવીને મારું સામ્રાજ્ય ઝૂંટવી તો નહીં લે ને! તો પછી લગ્ન કરીને લઈ આવ્યાં શું કામ? જાણ થઈ. વહુ એટલે એમને મન એક કામ કરનાર પ્રાણી છે, જેણે આખો દિવસ કામ કરતા રહેવાનું છે. પ્રશ્નો પૂછવાના નથી, દલીલ કરવાની નથી. આ ઘરમાં બધું ફૈબા કહે તેમ થશે, વ્યોમેશને ગમે તેમ થશે. વસુધા, આ કર ને તે કર. ફરસાણ વ્યોમેશને ખાસ નથી ભાવતું, પણ મીઠાઈ બહુ ભાવે છે. બહારની નહિ, ઘેર બનાવેલી… દાળમાં ટામેટાં જ નાંખજે, કોકમ વ્યોમેશને નથી ગમતાં…’ વ્યોમેશને શું ગમે છે, શું ભાવે છે તે દિવસમાં અનેક વાર સાંભળવા મળે છે, વસુધાને શું ગમે છે તે કોઈ જાણતું નથી. કોઈએ પૂછ્યું નથી, કારણ કે તેને શું ગમે છે, શું નહિ, તેની કોઈ કિંમત નથી. વસુધાને સાંજ ગમે છે, અગાસી ગમે છે, ચુપ બેસી રહેવું ગમે છે. સૂર્યના તડકામાં ફૂલોનું સોનેરી ચમકવું, ચંદ્રના ઉજાસમાં દરિયાનું રૂપેરી મરકવું ગમે છે. ચુપચાપ બનતી આ ઘટનાનું એક સંગીત છે. એક સંગીત રાતની નીરવતાનું છે. એક સંગીત પરોઢના ઉઘાડનું છે, તે સાંભળવું ખૂબ ગમે છે… અને વાંચવું ગમે છે. કેટલી ચોપડીઓ તે વાંચતી! મુનશી ને ધૂમકેતુ ને ૨. વ. દેસાઈ જ નહિ, શરદબાબુ-ટાગોરના અનુવાદો, અરે શેક્સપિયર ને ઈબ્સનનાં નાટકનાં અનુવાદો પણ વાંચ્યા છે. શેલી ને મેથ્યુ આર્નોલ્ડનાં કાવ્યો સમજવા કોશિશ કરી છે. જે હાથે ચડે તે વાંચી નાખવાનો શોખ. પિતાને દીકરીના આ શોખ ૫૨ ખૂબ ગર્વ હતો : ‘અમારી વસુધાને તો વાંચવાનો એટલો રસ! પુસ્તક લઈને બેસે તો ખાવા-પીવાનુંય ભૂલી જાય.’ પણ વસુધાની એ ગર્વ લેવા જેવી વિશેષતા ફૈબા પાસે તો ગેરલાયકાત છે. ‘ઘરમાં કામ ઓછું છે તે વાંચવા બેઠી છે?’ એક વાર વસુધાને વાંચતી જોઈ તેમણે કહેલું : આમ જ્યારે ને ત્યારે ચોપડી ઉઘાડીને શું બેસવાનું?’ વસુધા નવાઈ પામતી. પરણવાનો અર્થ શું એમ થાય કે સ્ત્રીએ પોતાના બધા રસ ને શોખ અભરાઈએ ચડાવી દેવાના? પણ થોડોક ભીરુ સ્વભાવ છે, વધારે તો નાનપણથી જે શીખવવામાં આવેલું તેનું ભાન છે. બોલતી નથી. ચુપચાપ કામ કર્યા કરે છે. કામમાં હૃદય ખીલતું નથી તેથી થાકી જાય છે. હાથપગ થાકી જાય છે, મન થાકી જાય છે, સૂચનાઓ સાંભળીને કાન થાકી જાય છે. ‘વસુધા, મામીની બહેનની દીકરી ગુજરી ગઈ, સાંભળ્યું તેં? સાંજે સાદડીમાં જઈ આવજે. પેલી સફેદ નવી સાડી લીધી છે તે પહેરજે. અને કાનની બુટ્ટી પહેરીને ન જતી. જુવાન મરણમાં આવું બધું સારું ન લાગે. પણ મંગળસૂત્ર ભલે રહ્યું. એનો વાંધો નહિ. પાછી આવે ત્યારે કંદોઈને ત્યાંથી થોડો માવો લેતી આવજે. મોહનથાળ બનાવવાનો છે, યાદ છે ને?’ …મૃત્યુનો શોક અને મોહનથાળનો માવો — એક જ બોલમાં સાથે પરોવાઈ ૨હે છે. વસુધાને એ નથી ગમતું. દુઃખ ન થયું હોય તો દંભ શું કામ ક૨વો? પણ ફૈબા વતી તેને જવું પડે છે. ‘વસુધા, બાબુકાકાની ખબર કાઢવા જવાનું છે. જલદી પ૨વા૨ી જજે. અને ખબર પૂછીને ઝટ પાછી આવજે. બહુ બેસવાની જરૂર નથી. હાજરી પુરાવી દીધી એટલે બસ.’ વસુધાને વાંધો નથી જવાનો, પણ ફૈબા કહે ત્યારે, તે કહે તેને મળવા જવાનું હોય છે, એ વાતથી જરા લાગી આવે છે. પોતાનાં એક માસી માંદાં હતાં, તેની ખબર કાઢવા જવું હતું. તે દિવસે ઘે૨ મહેમાનો હતાં. ન જવાયું. વસુધાએ વ્યોમેશ વતી વ્યોમેશના સંબંધો સાચવવાના હોય છે. પોતાના સંબંધો સચવાય — ન સચવાય! વસુધાનો મૂળ સ્વભાવ આનંદનો છે, પણ અહીં એક તીક્ષ્ણ કાતર તેના સહજ આનંદના તાણાવાણાને ખચખચ કરતી કાપ્યા કરે છે. તેને કહેવાનું મન થાય છે : તમને ખબર છે ફૈબા? હું કાંઈ બોલતી નથી, ચુપચાપ તમે કહો તેમ કર્યા કરું છું તેથી તમને લાગે છે કે હું આજ્ઞાંકિત છું. તમે તમારા કરતાં ગરીબ ઘરની છોકરી પસંદ કરી છે, જેથી તે કામ કર્યા કરે અને દાબમાં રહે. પણ હું આજ્ઞાંકિત નથી, હું માત્ર ભીરુ છું, બોલતાં ડરું છું, અને તમે જાણતાં નથી કે મારે બધું તમારી ઇચ્છા પ્રમાણે જ કરવું જોઈએ એવી તમારી માન્યતાથી મને બહુ જ ત્રાસ થાય છે. ફૈબા, સાસુએ હંમેશા દાબ ને રુઆબ દાખવવાં જ જોઈએ, એવું તમને કોણે કહ્યું? તમે મારે માટે પ્રેમ ને આત્મીયતા શા માટે અનુભવી શક્યાં નથી? હું પણ તમારા જેવી એક માણસ જ છું. પણ તમે રૂઢિથી એટલાં બધિર બની ગયાં છો કે તમને મારી અંદર કેટલો વંટોળ ઊડે છે એ દેખાતું નથી. તમને હું જ દેખાતી નથી. તમને દેખાય છે માત્ર વહુ, વ્યોમેશની વહુ, જેને તમે દીકરાની જેમ ઉછેર્યો છે, જેને માટે તમે ભોગ આપ્યો છે અને હવે જે ભોગના બદલામાં તમને એક રાજ્ય જોઈએ છે… માણસ બીજાને માટે ત્યાગ કરે, તેને પછી તેનું વળતર જોઈતું હોય છે; પૈસાના રૂપમાં જ નહિ, વર્ચસ્વના રૂપમાં — અધિકારના રૂપમાં… સાંભળો ફૈબા, તમે પણ ક્યાંક ઊંડે ઘવાયાં હશો, વંચિત થયાં હશો. જીવનમાં જેને શાંતિ, સંતૃપ્તિ ન મળ્યાં હોય એ જ બીજાને દુઃખી કરવામાં આટલો રાજીપો અનુભવી શકે. ચાલો ફૈબા, આપણે જરા નજીક બેસીએ, હૃદય ખોલીને વાતો કરીએ. મને કહો, તમારા એવા કયા આઘાતો આવ્યા છે કે મારા જેવી નાની અજાણી છોકરી પ્રત્યે તમે આટલાં કઠોર બની રહ્યાં છો? શંકા ને ભયનું તમારામાં વિષ કોણે ભર્યું? સ્નેહ કરવાને બદલે સત્તા ચલાવવાની વૃત્તિ તમારામાં કોણે પ્રેરી? પણ આ બધું હું તમને કહી શકતી નથી કારણ કે તમે સાસુના સ્થાને છો અને હું વહુ છું. પરંપરાથી આપણો અવિશ્વાસ અને ઈર્ષ્યાનો, આદેશ અને આજ્ઞાંકિતાનો રહ્યો છે. માણસના સંબંધો નામ વડે જકડાયેલા હોય છે. નામમાંથી નીકળી જઈ એકબીજા સાથે સંબંધાવાનું તેને માટે મુશ્કેલ છે.

*

વસુધા મનોમન ફૈબા સાથે વાત કરતી, પણ પ્રગટપણે એવું બોલવાની એનામાં હિંમત નહોતી. વ્યોમેશને પણ તેણે કંઈ કહ્યું નહોતું. ખરું પૂછો તો વ્યોમેશનો વધુ પરિચય પણ તેને ફૈબા દ્વારા જ થયો છે. વ્યોમેશ નાનો હતો ત્યારે કેમ હસતો ને કેવી રીતે રડતો, ત્યારથી માંડી આજે તેને શું પસંદ છે, શાનાથી તે નારાજ થાય છે, કઈ બાબતે ગુસ્સાથી ઊકળી ઊઠે છે, નિશાળમાં તેણે કેવાં પરાક્રમો કર્યાં હતાં અને નોકરીમાં તે કેટલી ઝડપથી આગળ વધ્યો છે એ બધું તે વસુધાને રસભર કહેતાં. તેમનાં જીવનનું કેન્દ્ર વ્યોમેશ હતો. ઘરનું કેન્દ્ર પણ વ્યોમેશ હતો. શા માટે ઘરના કેન્દ્રસ્થાને કોઈ એક વ્યક્તિ હોવી જોઈએ? આ ઘર તેણે ઊભું કર્યું છે એટલે? પણ ફૈબા ન હોત તો આ ઘર સચવાયું ન હોત. છતાં ઘરનો અધિપતિ વ્યોમેશ છે, ફૈબા વ્યોમેશને અનુકૂળ થઈને જીવે છે : ‘વસુધા, તું મગની દાળ બનાવે છે, પણ વ્યોમેશને એ ભાવતી નથી…’ ‘વસુધા, શાકમાં કારેલાં ન લાવતી, વ્યોમેશ કારેલાં નથી ખાતો.’ વસુધા પૂછતી : ‘ફૈબા, તમનેય કારેલાનું શાક નથી ભાવતું?’ ફૈબા કહે : ‘લે, મને તો બહુ ભાવે, પણ વ્યોમેશ ખાય નહિ એટલે પછી હું બનાવતી નહિ. આ ઘરમાં વર્ષોથી કારેલાનું શાક બન્યું નથી.’ વસ્તુના ભોગવટામાં આનંદ છે, તેમ તેનો ત્યાગ કરવામાંયે એક પ્રકારનો સંતોષ હોય છે. વ્યોમેશને ફૈબાના આવા નાના-મોટા ત્યાગની ખબર હશે? અને —  વસુધા અચકાઈ. પછી મનમાં જ હસી. માણસને વિચાર પ્રકટ કરવાની બધી વાર છૂટ નથી હોતી, પણ વિચાર કરવાની તો છૂટ હોય છે! તેણે વિચાર પરની લગામ છૂટી મૂકી. સામે પ્રશ્ન આવીને ઊભો : વ્યોમેશે ફૈબા ખાતર કંઈ ભાવતું કે ગમતું જતું કર્યું હશે? પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા ન ખાવાનાં વ્રત લેતો હશે? …શરૂમાં પાછાં ઘેર જવાનું મન થતું. રાહ જોતી. કદાચ ફૈબા કે વ્યોમેશ કહેશે : ઘર યાદ આવે છે? થોડા દિવસ જઈ આવ પિયર. આટલાં વર્ષની માયા. મન ખેંચાતું હશે ને! પણ પરણ્યા પછી પિયર માટે ખેંચાણ હોય એ ખાનદાન વહુનો ગુણ નથી ગણાતો. વ્યોમેશને માટે ફૈબા આટલું કરે છે, મારા મનની કોઈકેય ઇચ્છા તેમણે જાણી હોત! એને સંતોષવા નાનોસ૨ખોયે જો પ્રયત્ન કર્યો હોત! એક દિવસ સવારે છાપાં-સામયિકો પરની ધૂળ ઝાપટતાં એકદમ શું સૂઝ્યું તે ‘નવનીત’ માસિકનો એક જૂનો અંક લઈને વાંચવા બેસી ગઈ. સૂર્યમાળમાં દસમો ગ્રહ છે કે નહિ, તેનો લેખ હતો. તે રસથી વાંચતી હતી ત્યાં ફૈબા આવ્યાં. ‘વસુધા!’ તેમનો અવાજ એટલો સખ્ત અને તીક્ષ્ણ હતો કે વસુધા ગભરાઈને ઊભી થઈ ગઈ. ‘સવારના પહોરમાં વાંચવા બેઠી છે? કાંઈ ખબર પડે છે કે નહિ? આ તે કાંઈ વાંચવાનો વખત છે?’ વસુધા ચુપચાપ ચાલવા લાગી. વચ્ચે બેઠકખંડમાં જરા ડોકિયું કર્યું. વ્યોમેશ છાપું વાંચતો હતો. એ તેનો હંમેશનો ક્રમ હતો. કીટલીમાં બે કપ ચા ભરીને ધીરે ધીરે પીતાં તે છાપું વાંચતો. અડધો-પોણો કલાક એમાં જતો પછી ઝડપથી દાઢી કરી, નહાઈ, જમીને ઑફિસે જતો. ‘આ તે કાંઈ વાંચવાનો વખત છે?’ — શબ્દો તેના કાનમાં અથડાયા કર્યા. ખરી વાત છે. કયા કામ માટે કયો વખત છે તે નક્કી કરનાર પોતે વળી કોણ? એ તો ફૈબાનો જ અધિકાર. વ્યોમેશને ફૈબાએ કદી આવું કહ્યું હશે? તે તો પોતાને જ્યારે જે ઇચ્છા થાય તે કરે છે! વ્યોમેશે પણ એક વાર બરોબર આમ જ કહ્યું હતું : ‘આ તે કાંઈ અગાસીમાં બેસવાનો સમય છે?’ બાળકો નહોતાં થયાં ત્યાં સુધી વસુધાનો એક ક્રમ બંધાઈ ગયો હતો. રોજ સાંજે હાથમોં ધોઈ વ્યવસ્થિત થઈ વ્યોમેશની રાહ જોતી બાલ્કનીમાં ઊભી રહેતી. ફૈબાની આખા દિવસની ઝીણી ઝીણી વાતોની અણીથી વીંધાયા કરતું તેનું હૃદય વ્યોમેશને મળવા, તેની વાતો સાંભળવા, તેને સ્પર્શવા ઉત્સુક રહેતું. વ્યોમેશ આવે કે તેના હાથમાંથી વસ્તુઓ તે લઈ લેતી, જલદી ચા બનાવીને લઈ આવતી, વ્યોમેશની વાતો સાંભળતી, હસતી. પછી વ્યોમેશ ટપાલ આવી હોય તો જોતો, બાકી રહેલું છાપું પૂરું કરતો, કોઈ સામયિક ઉથલાવતો. વસુધા રસોઈ બનાવતી. રાતે બધું પરવારીને અધીર પગલે રૂમમાં જતી. વ્યોમેશના સાન્નિધ્યમાં ફૈબાની કચકચ ભૂલી જતી. વ્યોમેશના આલિંગનમાં તેના યુવા શરીરને એક અદ્ભુત સુખનો અનુભવ થતો. તેની આમંત્રણ આપતી નજ૨માં વસુધાને પોતાની સાર્થકતા અનુભવાતી. એ તૃપ્તિ શરીરની હતી કે મનની તેની ખબર પડતી નહિ. આનંદમાં બધું એકરૂપ થઈ જતું. સાંજે કોઈ વાર વ્યોમેશ આવીને કહે : ‘આજે તો ઑફિસના કામમાં મન જ લાગતું નહોતું — ક્યારે ઘેર આવું તેમ થતું હતું. ઘેર આવી તારું હસતું મોં જોઉં તો બસ, દુનિયામાં મને બીજા કશાની જરૂ૨ નથી.’ સાંભળીને વસુધા આખી ઓગળી જતી. એક ઝાકઝમાળભરી નગરીમાં પોતે આવી ગઈ છે તેમ લાગતું. ફૈબાને ભૂલી જતી. પિયરને ભૂલી જતી. ચારે તરફ રંગીન દીવા પ્રકાશી રહેતા. એક દિવસ દીવા પર રાખોડી-ધુમ્મસ છવાઈ ગયું. અષાઢનો મહિનો હતો. ફૈબા બહાર ગયાં હતાં. આખું આકાશ શ્યામ સજલ વાદળથી ઘેરાયેલું હતું. હવામાં ભીનાશ હતી, માટીની સુગંધ હતી. વસુધા અગાસીમાં ગઈ અને ત્યાં જ બેસી પડી. પશ્ચિમમાં થોડાં વાદળ સર્યાં અને મેઘના કાળા પડદા પાછળથી ચંદ્રની બીજલેખા ચમકી ઊઠી. બીજના વળાંક વચ્ચે શુક્રનો તારો એવી રીતે આવી રહેલો હતો, જાણે તે ચંદ્રના પારણામાં સૂતો હોય. વસુધાને અગાસીમાં બેસીને પોતે કેવી તાજગી મેળવતી તે યાદ આવ્યું. અચાનક કોઈનો હાથ ખભે મુકાયો. તે ચોંકી ગઈ. પાછળ જોયું તો વ્યોમેશ. ‘આ તે કાંઈ અગાસીમાં બેસવાનો સમય છે?’ તેના અવાજમાં સ્નેહ હતો કે નારાજી? ‘હું ક્યારનોય આવી ગયો છું. તું અહીં શું કરે છે? તને ખબર નથી કે હું બહારથી આવું ત્યારે મારે તને બારણામાં ઊભેલી જોવી હોય છે?’ પણ આજે, અત્યારે મને અહીં બેસવાનું બહુ જ મન છે… એવું કંઈક કહેવા વસુધાના હોઠ ફફડ્યા, પણ તે બોલે તે પહેલાં વ્યોમેશે કહ્યું : ‘વરસાદ આવશે, ચાલ અંદર.’ તેણે વસુધા ફરતા હાથ વીંટાળ્યા. વસુધાને ખબર ન પડી કે પોતે જાતે ચાલે છે કે વ્યોમેશ તેને ચલાવી લઈ જાય છે. ‘મોસમનો પહેલો વરસાદ છે, નહિ?’ વ્યોમેશે વસુધાને વધુ નજીક લીધી. વસુધાનું શરીર તંગ થઈ ગયું. ‘ના… ના…’ વ્યોમેશે તેનો સુરેખ ચહેરો હડપચીથી ઊંચો કર્યો. ‘ઠંડી લાગે છે?’ તેણે આલિંગનને વધુ ગાઢ બનાવ્યું. પહેલી વાર વસુધાને એ ભીંસમાંથી નીકળી જવાનું મન થયું અને પોતાની અનિચ્છાનો વ્યોમેશમાં કશો પડઘો પડ્યો નહિ, એની એને જાણ સુધ્ધાં થઈ નહીં, તેથી તેને માઠું પણ લાગ્યું. ચુપચાપ તેણે સમર્પણ કરી દીધું. ક્યાંક ઊંડે તેને થયું : આવું માઠું હવે વારંવાર લાગવાનું છે.