સાત પગલાં આકાશમાં/૩૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૦

બીજે દિવસે હંમેશ કરતાં સહેજ વહેલી આંખ ઊઘડી ગઈ. તેણે બાજુમાં જોયું. વ્યોમેશ ગાઢ ઊંઘમાં હતો. તે ધ્યાનથી ચહેરા ભણી ઘડીક જોઈ રહી. ઊંઘમાં એ ચહેરો ઓછો સખત લાગતો હતો. ‘એવું બની શકે કે પોતાના સખતાઈભર્યા, બાંધેલા વિચારો અને આ ઘરમાં પોતે જ અધિપતિ છે એવા ખ્યાલની હેઠળ તેણે પણ કંઈક ગુમાવ્યું હોય! મૃદુતાની ક્ષણો, ઝરણાની જેમ ઊછળી ઊભરાઈ રહેતો પ્રેમાળ હૃદયનો ઉલ્લાસ અને પોતાના સાથીદારને પોતે સમજે છે, એવી જાણમાંથી નીપજતો વિશ્વાસ — આ બધું તેણે કદાચ ગુમાવ્યું હોય અને તેનું અજાગ્રત મન તેથી વ્યથિત હોય, એમ બને ખરું? તે તો અધીર, જલદીથી ગુસ્સે થઈ જનારો, સામા માણસના દૃષ્ટિબિંદુને સમજવાની વિશાળતા ને સહિષ્ણુતા વગરનો માણસ હતો…એને શું ખબર હશે કે પોતે જીવનમાં જે મેળવ્યું છે તેના કરતાં વધારે મૂલ્યવાન કંઈક ગુમાવ્યું છે? અને એ મૂલ્યવાન બાબત તેની સાવ નજીકના સંબંધમાં જ રહેલી હતી? તે ઊઠીને બહાર ગઈ. હંમેશની જેમ દૂધ લાવીને ચા બનાવી અને પછી વ્યોમેશ પાસે મૂકી, પણ હંમેશની જેમ થોડી વાર બેઠી નહિ. રોજ સવારે બારીમાંથી પરોઢ જોતાં થતું — અત્યારે ફરવા જવાની કેવી મઝા આવે! પણ આજ સુધી એમ જવાનું કદી બન્યું નહોતું. હમણાં સુધી તો કામ જ બહુ રહેતું; અને કમલ-સુનીલા આવ્યાં પછી પણ થતું : એમ સવા૨માં ફ૨વા નીકળી પડું તો વ્યોમેશને કેવું લાગે? તે ધીરે રહીને બહાર નીકળી. ચંપલ પહેર્યાં. વ્યોમેશ બાથરૂમમાં હતો. તે દાદર ઊતરવા જતી હતી, ત્યાં પાછળથી કોઈ હળવેથી તેની સાડીના છેડાને અડ્યું. ચમકીને તેણે પાછળ જોયું. સલીના હતી. તેના ચહેરા પર ઉજ્જ્વલ હાસ્ય હતું. : ‘ફરવા જાઓ છો, મા?’ વસુધાએ મલકીને હા પાડી. ‘હું આવું?’ તેણે ઉત્સાહથી પૂછ્યું. ‘કમલને કહી આવ, પછી ચાલ.’ કમલ ઊઠી ગઈ હતી. સલીના તેને કહીને ઝડપથી આવી. દાદર ઊતરતાં બોલી : ‘સવારમાં ફરવા જવાની કેવી મઝા આવે! મને હંમેશાં બહુ મન થતું. પણ માસી કહે : એકલાં ન જવાય. હવે આપણે રોજ જઈશું ને?’ વસુધા હસી. કાંઈ બોલી નહિ. હવે રોજ પોતાના દિવસો નવીનતાથી ભરેલા હશે. અને એમાં શાંતિ હશે કે સંઘર્ષ હશે તેની પોતાને ખબર નથી. ફરીને ઘેર ગયા પછી વ્યોમેશ શું કહેશે તેની ખબર નથી. આકાશમાં અત્યંત મૃદુ નીલ ઉજાસ ઊઘડ્યો હતો. રસ્તાઓ પર અવરજવર ઓછી હતી. અનાયાસ જ તેના પગ બાગ તરફ વળ્યા. ઘણાં વર્ષોથી તે અહીં આવી નહોતી. બાગ એ જ હતો. વૃક્ષો એ જ હતાં. થોડાંકને તેણે ઓળખ્યાં પણ ખરાં. જૂના મિત્રો ફરી મળવાથી થાય તેવો આનંદ થયો. એક-બે આંટા મારી તે બન્ને પણ એક બાંકડા પર બેઠાં. હજી સૂરજ ઊગ્યો નહોતો. આખું વાતાવરણ તાજગીમાં ઝબકોળાઈ રહ્યું હતું. વૃક્ષનાં પાન ધીમે ફરફરતાં હતાં. બન્ને પ્રસન્નતામાં નહાતાં થોડી વાર ચુપચાપ બેસી રહ્યાં. પછી એકાએક સલીના બોલી : ‘મા, એક વાત પૂછું?’ ‘શું?’ ‘તમે નિવૃત્ત થવાની વાત કરી હતી. નિવૃત્ત થવું એટલે શું? માણસ જીવનમાંથી નિવૃત્ત શી રીતે થઈ શકે?’ વસુધા ચમકી ગઈ. દીકરાઓએ કે તેમની વહુઓએ તો આવું કશું પૂછ્યું નહોતું. અને હજુ થોડા વખત પહેલાં જ ઘરમાં આવેલી, કમલની બહેનની આ દીકરીને પોતામાં રસ હતો? ‘મારે માટે એનો સાદો અર્થ છે : સ્ત્રી પરણીને આવે છે તે પળથી ખોટા શિષ્ટાચારો અને નકામા વ્યવહારો, ઘરકામનું વળગણ અને કૌટુંબિક ફરજોની જંજાળ — એ બધાં હેઠળ દબાઈને જીવતી હોય છે. નિવૃત્ત થવું એટલે એમાંથી ખસી જવું. હૃદયથી સાદા, પ્રામાણિક, નિખાલસ થવું. બીજાઓનાં દબાણ ને બીજાઓની અપેક્ષા પ્રમાણે નહિ, પણ પોતાની સમજ પ્રમાણે જીવવું; પોતાનો સમય પોતાને રૂચે તે પ્રમાણે વા૫૨વો, પોતાના શરીર પર…’ બોલતાં તે અટકી ગઈ. સલીના અઢાર વર્ષની હતી; શરીરની વાત તે સરખી સમજે કે ન સમજે… ‘એટલે કે પોતાની રીતે જીવવું. પણ આપણી આસપાસનાં લોકો આપણને એમ જીવવા દે ખરાં? આપણી એટલી સ્વતંત્રતા ભલેને ગમે તેટલા ઊંચા વિચારોવાળી હોય, તેમને પોસાય ખરી?’ વસુધા આશ્ચર્યથી સાંભળી રહી. છોકરીએ પોતાના મનની વાત કરી હતી. તેને પણ આવા વિચાર આવતા હશે? તે પણ પ્રચલિત પરંપરા ને માન્યતાને પ્રશ્નોનો દીવો લઈ ફંફોસનારી છોકરી હતી? સલીના જ ફરી બોલી : ‘સારું મા, નિવૃત્ત થઈને તમે શું કરશો?’ વસુધાને સારું લાગ્યું. પોતાના જેવી, પચાસ વર્ષની વયે પહોંચેલી સ્ત્રીમાં આટલી તરુણ કન્યાને રસ હતો, તેમાં છોકરીનાયે હૃદયની સચેતનતા દેખાઈ. બોલી : ‘નાની હતી ત્યારે વૃક્ષો સાથે, ફૂલો સાથે, આકાશ સાથે બહુ દોસ્તી હતી. આ બત્રીસ વર્ષના લગ્નજીવનમાં એ દોસ્તી ભૂંસાઈ ગઈ હતી.’ તે હસી : ‘હવે ફરી એ તાજી કરીશ. એ બધાંને મળીશ. કઈ તિથિએ કેટલા વાગ્યે ચંદ્ર આકાશના કયા ભાગમાં હશે, કયા વૃક્ષનાં પાન ક્યારે ખરવા માંડશે ને કયું વૃક્ષ ક્યારે બધાં પાન ખેરવીને સાવ નિરાવરણ થઈ જશે, સુક્કી કાળી ડાળીઓ પર શીમળાનું પહેલું ફૂલ ક્યારે ખીલશે…એ નીરખીશ…’ સલીના સાંભળી રહી. પછી બોલી : ‘એથી શું થાય?’ વસુધાએ આગળથી વિચાર કરી રાખ્યો નહોતો. પણ તેને જવાબ સૂઝી આવ્યો. ‘પ્રકૃતિ સુંદર છે. આપણે લાંબો સમય આત્મીય ભાવે તેની સામે નીરખી રહીએ છીએ ત્યારે તેની સુંદરતાનો એક અંશ આપણી અંદર પ્રવેશે છે.’ થોડી વાર બન્ને અબોલ મૈત્રીભાવમાં ચૂપ થઈને બેસી રહ્યાં. સૂરજ ઊગ્યો અને પલકવારમાં, જાણે કૂદકો મારીને પૃથ્વીને નિહાળવા ઉપર આવ્યો. બન્નેનું હૃદય સૂર્ય પ્રત્યે અહોભાવથી છલકાઈ રહ્યું. તેઓ ઘેર પહોંચ્યાં ત્યારે વ્યોમેશ નાહવા ગયો હતો. વસુધાને જોતાંવેંત કમલે કહ્યું : ‘પપ્પાજી તમારે માટે પૂછતા હતા.’ ‘તેં શું કહ્યું?’ ‘કહ્યું કે તમે ને સલીના ફરવા ગયાં છો.’ ‘પછી?’ ‘પછી તે કાંઈ બોલ્યા નહિ.’ વ્યોમેશ નારાજ થયો હશે? રાજી તો નહિ જ થયો હોય, એ તો વસુધાને આટલાં વર્ષોના અનુભવથી ખબર હતી. કંઈ ટીકા કરશે? કશું અણિયાળું બોલશે? વસુધાને નવાઈ લાગી કે રોજ આવી કલ્પનાઓથી સહેજ ફડકી જતું હૃદય આજે શાંત હતું. માણસ એક દૃઢ નિશ્ચય કરે ત્યારે એ નિશ્ચયમાંથી જ કદાચ તેને બળ મળી રહેતું હશે…તેણે વિચાર્યું. વ્યોમેશની સામે જવાનું તેણે ટાળ્યું નહિ. તે જમવા બેઠો ત્યારે પીરસવા પોતે જ ગઈ. જરા આગ્રહ કરીને પીરસ્યું. તેને પોતાને જ બધું નવું નવું લાગતું હતું. જાણે પૂઠું એનું એ હોય પણ એની વચ્ચેનું પુસ્તક બદલાઈ ગયું હોય. જમતાં જમતાં વ્યોમેશ કશું બોલ્યો નહિ. પણ કપડાં પહેરીને ઑફિસે જવા નીકળતાં અછડતું સામે જોઈને બોલ્યો : ‘સાંજે આવું ત્યારે તો ઘેર હશો ને? કે સાંજે પણ ફરવા જવાનો કાર્યક્રમ છે?’ વસુધા ધક્કો લાગ્યો હોય એમ સહેજ હલમલી ગઈ. તેણે ગુસ્સાની કે નારાજીની અપેક્ષા રાખી હતી, પણ આવો કટાક્ષ? ફરવા જવા જેવી સાદી બાબત પર કટાક્ષ? પણ એ સાદી બાબત કદાચ નહોતી. એ માત્ર ફરવા જવાની વાત નહોતી. પોતાની સેવામાં હોવું જોઈએ, ત્યારે તે બહાર ચાલી ગઈ હતી. એ ઊંઘતો હતો ને ચાલી ગઈ હતી. એનાથી અલગપણે, પોતાનો કાર્યક્રમ પોતે કરીને ચાલી ગઈ હતી. કટાક્ષ એની પર હતો, એ સમજાતાં વસુધાને સહેજ હસવું આવી ગયું. વ્યોમેશ ચિડાયો. ‘હું તને પૂછું છું ને તું જવાબ આપવાને બદલે હસે છે?’ કોને ખબર ક્યાંથી, ઉદ્ગારો મોંએ આવી ગયાં. ‘તમે પણ જરા હસો ને! તો હળવા થશો.’ વ્યોમેશ તેની ફાઈલ લેતો હતો, તે સહસા અટકીને વસુધા સામે તાકી રહ્યો. આ વસુધા બોલે છે? આ વસુધા જ છે? પછી આગળ કાંઈ બોલ્યા વિના તે ચાલ્યો ગયો. જતી વખતે પગ પછાડતો ગયો હોય એમ વસુધાને લાગ્યું. તેને વ્યોમેશ વિશે નવાઈ ન લાગી. પોતાના વિશે લાગી. વ્યોમેશના પ્રતિભાવની તેના મન પર અસર થઈ ન હતી. તેનું હૃદય સ્વસ્થ રહ્યું હતું.

*

હવે સહુથી મોટી જરૂ૨ હતી પોતાને માટે એક અલાયદી જગ્યા હોય તેની, જ્યાં તે એકલી બેસી શકે, રાતે બારીમાંથી ચંદ્રની ગતિ જોઈ શકે. ઊંઘ ન આવે તો, વ્યોમેશને વિક્ષેપ પહોંચાડ્યા વિના બત્તી કરીને વાંચી શકે. યોગાસનો કરવાની ઇચ્છા હતી, તે થઈ શકે. રાતે હવે જુદાં સૂવાનું જરૂરી હતું. પોતાને હવે જે રીતે જીવવું હતું, તેમાં આ પ્રાથમિક જરૂરિયાત હતી. સ્ટોર રૂમ સાવ જ નાનો નહોતો. એક મોટી બારી પણ હતી, જે સાધારણ રીતે બંધ રાખવામાં આવતી. વસુધાએ કમલને બોલાવી સ્ટોર રૂમનો સામાન ક્યાં ફે૨વવો તેની ચર્ચા કરી. કમલ નવાઈ પામી રહી ‘પણ મા−’ તેને પૂછવું હતું કે તમે આવું કરો છો તે પપ્પાજીને ગમશે? પણ એનો નાજુક અર્થ સમજતાં તે પૂછતાં અટકી ગઈ. મનમાં થયું : માને ને પપ્પાજીને મોટો ઝઘડો થયો હશે? અમુક સામાન રસોડામાં જગ્યા કરીને ખસેડવામાં આવ્યો. થોડોક અગાસીના ખૂણામાં તાડપત્રીથી ઢાંકીને મૂકી શકાશે. થોડીક બૅગો કબાટ ૫૨, થોડુંક માળિયામાં. થોડીક વસ્તુઓ ખૂણામાં રહે તોય વાંધો નથી. સામાન ખસેડવામાં નાનો રૂમ મોટો લાગવા માંડ્યો. વસુધાએ બારી ઉઘાડી નાખી. બહારથી હવા ને અજવાળાનું એક પૂર અંદર ધસી આવ્યું અને રૂમ તેનાથી છલકાઈ ગયો. બે પલંગમાંથી એક પલંગ વસુધાએ ત્યાં મુકાવડાવ્યો. બાજુએ નાનું ટેબલ. હવે એક ટેબલ-લૅમ્પ લઈ આવીશ. હવે મને વાંચવાની ફુરસદ મળશે. છેવટે કમલ બોલી તો પડી જ : ‘મા, આ બધો ફેરફાર પપ્પાજીને ગમશે? તે નારાજ નહિ થાય?’ ઠીક. તો કમલને મન પણ વ્યોમેશ નારાજ થશે કે નહિ, તેનું મહત્ત્વ વધારે હતું. તે પણ માનતી હતી કે ઘ૨માં સર્વોચ્ચ સ્થાન તો પુરુષનું જ હોય. વસુધાએ કશો જવાબ આપ્યો નહિ. સહેજ હસી લીધું માત્ર. કપડાં વગેરે ભલે પેલા રૂમમાં કબાટમાં રહ્યાં. ત્યાં કાંઈ સાવ જવું જ નથી એવું થોડું છે? પણ પોતાને હવે લાંબા કલાકો એકાંત જોઈએ છે, પોતે હવે શું કરવું, તે શોધવા એકાંત જોઈએ છે. પચાસ વર્ષે જીવનની સક્રિયતાનો અંત આવી ગયો એવું નથી લાગતું, કંઈક નવું કરવાની ઘડી આવી છે એવું લાગે છે. એ ઘડી રળિયામણી છે. આ બધું કોણ સમજશે? કદાચ સલીના સમજશે. લાંબા ઉદાસ ચહેરાવાળી એ છોકરી કમલની બહેનની દીકરી હતી. અત્યાર સુધી નાની પાસે રહેતી હતી. તેની મા, તે નાની હતી ત્યારે જ મરણ પામી હતી. જોકે તેને ખબર હતી કે માને મારી નાખવામાં આવી હતી. સાસરાના ઘરમાં ઘણા અનાચાર ચાલતા. સલીનાની માથી એ સહન ન થયું. બાપને ઘેર આવતી રહી. ત્યારે સલીના પેટમાં હતી. માબાપને આબરૂનો ભય લાગ્યો. પેટમાં બાળક છે, તે પોતાનું નથી — એમ જમાઈ કહેશે તો? એવો ભય લાગ્યો. છોકરીએ ઘણું કહ્યું કે મારે સાસરે નથી જવું, મને ત્યાં ન મોકલો, પણ માબાપે તેને સમજાવી : દીકરી તો સાસરે જ શોભે’ કહીને તેને પાછા જવા દબાણ કર્યું. સલીનાના જન્મ પછી થોડો સમય લાગ્યું કે બધી તકલીફ દૂર થઈ ગઈ છે. પણ થોડો સમય જતાં વળી એ જ અજુગતી માગણીઓ ને દબાણો. તેની ‘ના’ અને તેને કારણે મારપીટ, અને સલીનાની ઉંમર અઢી-ત્રણ વર્ષની હતી ત્યારે તે કૂવે પડવાથી મરણ પામી. તે જાતે પડી કે કોઈએ ધક્કો મારી દીધો, તેની ધક્કો મારનાર ને મરનાર સિવાય કોઈને ખબર પડી નહિ. દીકરી મૃત્યુ પામી, ત્યારે છેક માબાપની આંખો ઊઘડી. સલીનાને પોતાને ઘેર લઈ આવ્યાં. સલીના નામ તો પછી પડ્યું. પહેલાં સરલા નામ હતું. અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરાવતી વખતે સરલાના નામ પાછળ પિતાનું નામ જોડાયું ત્યારે તેણે તેનો સખત વિરોધ કર્યો. તેણે પણ મોટાં થયે બધું જાણ્યું હતું. ‘મારી માની હત્યા કરનાર માણસનું નામ હું મારા નામ સાથે નહિ જોડું.’ બધાં ચકિત થઈ ગયાં હતાં. ઘણા પુરુષોએ પોતાની પત્નીઓની હત્યા કરી હોય છે; પણ તેમનાં સંતાનોએ તેમનું નામ પોતાની સાથે જોડવાનો ઇનકાર કર્યો હોય એવું ક્યારેય સાંભળ્યું નહોતું. બેટા, આવું ક્યાંય જોયું કે સાંભળ્યું નથી. ગમે તેમ પણ એ બાપ તો છે જ ને! એનું નામ તો પાછળ લગાડવું પડે.’ સરલા કેમે કરી કબૂલ ન થઈ. બાપ કોઈ વાર અવળા માર્ગે ગયેલા પુત્રને ‘ડિસ-ઓન’ કરે છે; અહીં દીકરીએ બાપને ‘ડિસ-ઓન’ કર્યો. એ પછી તેણે નામ પણ બદલી નાખ્યું, પડોશમાં રહેતી એક છોકરીના નામ પરથી પોતાનું નામ સલીના રાખ્યું. પાછળ માનું નામ જોડ્યું… નાની સાથે રહીને જ તે ભણી. અને હવે નાનીનું મૃત્યુ થતાં તે માસી પાસે રહેવા આવી હતી. કૉલેજમાં ભણતી હતી. હમણાં લાંબું વૅકેશન હતું. એકાએક વસુધાને વિચાર આવ્યો. ‘કમલ, સલીના માટે શું વિચાર્યું છે?’ કમલ જરા સંકોચાઈ ગઈ. તેની ઇચ્છા સલીનાને પોતાની પાસે રાખવાની હતી, પણ મા ને પપ્પાજી સંમતિ આપશે કે નહિ, તેનો ભય હતો. તે બોલી નહિ. વસુધાએ તેની સામે માયાળુ સ્મિત કર્યું. ‘સલીના અહીં જ રહીને ભણે તો તને કેમ લાગે છે?’ કમલના ચહેરા પર આનંદ ઝળકી ઊઠ્યો. ‘ખરેખર મા, તમે એવું ઇચ્છો ખરાં કે તે અહીં રહીને ભણે’ વસુધાની આંખોમાં સ્નેહ હતો. ‘જરૂ૨, તેને જો ગમે તો.’ ‘તેને તો ગમે જ મા, તેને જવા માટે મામાના ઘર સિવાય બીજું કોઈ ઘર પણ ક્યાં છે? અને ત્યાં મામી પાસે રહેવા કરતાં તો મારી પાસે ૨હે તે જ સારું ને!’ અને એકાએક તેના ચહેરા પર ભય ને અવિશ્વાસના ભાવ તરી આવ્યા. ‘પણ મા, પપ્પાજી — એમને તો પૂછવું પડશે ને? એ ના પાડશે તો?’ વસુધાનો ચહેરો જરા તંગ થઈ ગયો. ‘બધી વાતો શું તેમને પૂછીને જ કરવી જોઈએ, કમલ?’ ‘પણ−’ કમલના અવાજમાં મૂંઝવણ હતી. ‘પણ ધારો કે — ધારો કે તે ના પાડે, તેમને આ વાત પસંદ ન હોય તો?’ ‘તોપણ સલીના અહીં રહેશે…’ વસુધાએ છેવટનો નિર્ણય ઉચ્ચારતી હોય તેમ કહ્યું. અને પછી કમલની જેમ તે પણ, વ્યોમેશને સાંજે બધા ફે૨ફા૨ની ખબર પડશે ત્યારે શું થશે તેની રાહ જોઈ રહી.