સાત પગલાં આકાશમાં/૩૧


૩૧

એક ઘટનાનો પ્રતિભાવ ઘણી રીતે આપી શકાય. સૂવાની નવી વ્યવસ્થા જોઈને વ્યોમેશ એમ પણ કહી શકે : ‘અરે વસુધા, તને આમ જુદી રૂમ જોઈતી હતી? મને કહ્યું હોત તો હું સુથારને બોલાવીને તને જોઈએ તેવા ફેરફાર કરાવત ને!’ અથવા કહે : ‘રાતે તું વાંચે એથી મને વિક્ષેપ થશે એમ માની તે આ ફેરફાર કર્યો? ઉંમર મોટી થતાં ઊંઘ ઓછી થઈ જાય, નહિ? તને રાતે વાંચવાનું મન થતું હશે એવો મને ખ્યાલ જ આવેલો નહિ. હું પણ ખરો મારામાં ડૂબેલો હોઉં છું! તારી જરૂરિયાતો તરફ તો મેં આજ સુધી ધ્યાન જ નહોતું આપ્યું. મને માફ કરજે…અને જો — એક મધુર ભાવથી ચહેરો સ્નિગ્ધ…‘અને જો, ક્યારેક રાતે એકલાં ડર લાગે તો — આપણા રૂમનાં બારણાં અંદરથી વાસેલાં નહિ હોય, સમજી ને?’ અથવા તે ચુપચાપ એક સરસ ટેબલ-લૅમ્પ કહ્યા વગર ત્યાં ગોઠવી દે અને પછી વસુધાને કેવું આશ્ચર્ય, કેવો આનંદ થાય છે, તે જોઈને હરખાય. તે પતિ હોવા સાથે પ્રેમી પણ હોત, તો આવું કેટલુંયે તેને સૂઝ્યું હોત. વસુધા માટે પ્રેમ ને કાળજી વ્યક્ત થતાં હોય એવું તો કેટલું બધું તે કરી શકે? પણ વસુધાને લાગતું હતું કે તે એવું કંઈ નહિ કરે. તે તો ગુસ્સો જ કરશે. ફક્ત એ ગુસ્સાની માત્રા કેટલી હશે, એનો તેને અંદાજ આવ્યો નહિ. એકાંતમાં રોષ ઠાલવશે કે બધાંની વચ્ચે? પણ કટાક્ષ ન કરે તો સારું. આજે સવારે તેણે કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષની વૃત્તિ તેના સ્વભાવમાં ઉમેરાયેલી નવી વસ્તુ હતી. અને આ ઉમેરો સુખદ નહોતો. માણસે રોજ રોજ પોતે હોય તેના કરતાં વધુ સારા થતાં જવું જોઈએ…વધુ ખુલ્લા, વધુ ઉદાર. જીવવાનો એક વધુ અર્થ અચાનક તેને સમજાયો — ગઈ કાલે જ્યાં હતાં ત્યાંથી એક ડગલું આજે ઉપર ચઢવું. કેવી નવી નવી લીલી કૂંપળો ફૂટતી હતી! નહિ તો આજ સુધી તો જરાક ખાલી સમય મળે કે ઘ૨કામનાં જ વિચાર આવતા, વ્યોમેશનો કોટ ડ્રાઇક્લિનિંગ માટે આપવાનો છે… બાર મહિનાના ભરવાના ઘઉં હવે આવી ગયા હશે. કેટલા જોઈશે? શામાં ભરીશ?… બાબુકાકા દેશમાં જવાના છે. તેમની સાથે થોડું ચોખ્ખું ઘી મગાવી લેવાય તો સારું. આખો દિવસ લગભગ આવા જ વિચારોથી મગજ ભરેલું રહેતું. કોઈક વાર સભાન પણ થઈ જતી. ફૈબા યાદ આવી જતાં. પોતે તો જીવનમાં કંઈક જુદું કરવાની ઇચ્છા રાખી હતી તોયે મગજ આસપાસ આ જાળું વણાઈ ગયું હતું. તો ફૈબા — જેમને આ સિવાયના બીજા કોઈ જીવનનો અણસાર નહોતો તે આખો વખત એની એ જ વાતો કરતાં રહે તેમાં શી નવાઈ? ઘરકામ નામની વસ્તુનો પ્રભાવ જ એવો છે. સ્ત્રીને તે પોતાની માયામાં ખૂબ વીંટી લે છે. એક વાર જે મનમાં ગમતા કવિઓની પંક્તિઓ ગુંજતી હતી, મહાપુરુષોનાં, નોંધપોથીમાં ઉતારી લીધેલાં સુવચનો ૨મતાં હતાં, સાહસિકોનાં જીવનચરિત્રોએ જગાડેલાં ઘટનાં ઘોડાં થનગનીને આભને પલાણવાનાં સપનાં જોતાં હતાં, તે મન હવે બાસમતી ચોખાના ભાવની, શારદામાસીને ઘેર સાદડીમાં જવાની, નોકરના ખાડા અને કોઠીમાં ખલાસ થવા આવેલા ગૅસની વાતોથી ભરેલું રહેતું હતું. વિલિયમ શેક્સપિયરને બદલે કોઈ વિલા શેક્સપિયર હોત તો તેણે લખ્યું હોત : વૉટ અ ફૉલ વૉઝ ધૅર, માઈ કન્ટ્રીવુમન! કોઈ મહાન સ્ત્રી — સાહિત્યકાર હશે? તેણે સ્ત્રીની બૌદ્ધિકતા અને વ્યક્તિત્વના આ હ્રાસનાં નાટક લખ્યાં હશે?

*

રૂમમાં જઈને તેણે કબાટ ઉઘાડ્યો. અંદરનું નાનું ખાનું બહાર ખેંચ્યું. મખમલથી મઢેલી એક સુખડની પેટીમાં ઘરેણાં હતાં. રાતે રૂમાલમાં વીંટેલાં ઘરેણાં તેણે પેટીમાં મૂક્યાં. બહુ નહોતાં. થોડાંક માએ આપેલાં હતાં. થોડાંક લગ્ન વખતે વ્યોમેશ તરફથી આવેલાં. પછી ખાસ નવાં લીધાં નહોતાં. અત્યારે સોનું મોંઘું છે; ત્રીસ વર્ષ પહેલાં પ્રમાણમાં સસ્તું હતું તોયે ખરીદ્યું નહોતું. એક વા૨ એક દુકાનમાં બહુ જ સુંદર વીંટી જોયેલી. લેવાનું મન કર્યું હતું. પણ વ્યોમેશે કહ્યું : ‘બે વીંટી તો તારી પાસે છે, નવી લેવાની શી જરૂર છે?’ વસુધાએ સહેજ લાડથી કહ્યું : ‘જરૂર નથી, પણ બસ, ગમે છે એટલે!’ વ્યોમેશે કહ્યું : ‘નકામો એવો ખર્ચ કરવાનો કાંઈ અર્થ?’ વસુધા સ્વાભિમાની હતી. આવો જવાબ મળે તો પછી બોલતી નહિ. વીંટીની વાત ફરી ક્યારેય ઉચ્ચારી નહિ. પણ એનો ચહેરો જોઈને વ્યોમેશને કંઈ લાગી આવ્યું હોય, કે પછી વીંટી જેવી નાની વસ્તુમાં ના પાડવા બદલ ચચણાટ થયો હોય, જે હોય તે, પણ એક દિવસ સોનાનો એક સરસ હાર લાવી વસુધાના હાથમાં મૂક્યો. વીંટી કરતાં ક્યાંય વધારે કીમતી. માન્યું હતું કે વસુધા રાજીરાજી થઈ જશે. પણ વસુધાનો ચહેરો આનંદથી ચમકી ઊઠ્યો નહિ. ‘કેમ ન ગમ્યો?’ તેણે પૂછ્યું. ‘ડિઝાઇન સારી નથી?’ ‘સરસ છે ને!’ વસુધાએ કહ્યું, પણ તેના મોં પર એક છાયા પથરાયેલી રહી. વ્યોમેશ એ છાયાનો અર્થ સમજ્યો નહિ, ‘સ્ત્રીઓનાં તો મન જ વિચિત્ર હોય છે!’ સ્વગત બબડ્યો. …એ પછી વસુધાએ કદી દાગીના માટે ઇચ્છા નહોતી કરી. બેઉ ભાઈઓનાં લગ્ન વખતે, કમલ-સુનીલા માટે વ્યોમેશને યોગ્ય લાગ્યું તેટલું સોનું ખરીદવામાં આવ્યું હતું. વ્યોમેશની એક નિશ્ચિત પ્રકૃતિ હતી. તેમાં વ્યવસ્થા, નિયમો, ચોકસાઈ, શિસ્તને જેટલું સ્થાન હતું તેટલું હૃદયના ભાવોમાં સાથીદારી, સ્નિગ્ધ સ્નેહથી બીજાની લાગણીઓમાં પ્રવેશ, બોલ્યા વગરની એક મૈત્રીભરી સમજ જેવી બાબતોને સ્થાન નહોતું. ક્યારેક, ઘરના કોઈક કામમાં તેનો સાથ ઇચ્છતી વસુધા એ વિશે વાત ઉપાડે તો તે કહી દેતો : ‘મને એ બધી ખટપટમાં ઊતરવાનું પસંદ નથી. મને એમાં શું કહે છે? એ તારું કામ છે, તને ઠીક લાગે તે કર.’ સાથે રહેતાં હતાં પણ સહભાગી થઈને જીવતાં નહોતાં. એક કુટુંબના ભાગરૂપ હતાં, પણ એકબીજાના ભાગરૂપ બની શકાયું નહિ.

*

વસુધાએ ઘરેણાં બધાં બહાર કાઢી, એક-એક કરીને જોયાં. હાર, બંગડીઓ, બૂટિયાં, વીંટી — પગનાં ઘરેણાં, હાથનાં, આંગળીનાં, નાકનાં, કાનનાં…સહેજ ઝાંખી પડેલી પણ શુદ્ધ સોનાની ઘટાદાર ચીજો, કોઈક વાર પહેરવાનું મન થતું. ફૈબા ટોકતાં : અમથું અમથું શું બધું પહેરીને ફરવાનું? પ્રસંગ હોય ત્યારે પહેરજે. પણ ક્યારેક લગ્નમાં જવાનું ત્યારે કંઈ જ પહેરવાની ઇચ્છા ન થાય — તેવુંયે બનતું. મનમાં તરંગ ઊઠતો : ઝગમગાટ કરતી એ બધી સ્ત્રીઓની વચ્ચે સાવ સાદા વેશે જાઉં તો?…પણ રિવાજ પ્રમાણે બધું પહેરવું પડે. નહિ તો ઘરનું ખરાબ લાગે… સ્ત્રીએ શા માટે આટલાં બધાં ઘરેણાં પહેરવાં જોઈએ? શોભા માટે? પોતાની પાસે પણ છે, એ બતાવવા માટે? આ સોનું મારું સ્ત્રીધન કહેવાય, મારી સલામતી…મારી મિલકત… પણ પોતાનાં ઘરેણાં હોવા છતાંય પોતાની ઇચ્છા પ્રમાણે પહે૨વાનું કે ન-પહેરવાનું તો બન્યું નહોતું. આજે ફૈબા નથી. હવે આ ઘરેણાં પર માત્ર મારો જ અધિકાર છે… મનમાં એક નવો જ તરંગ ઊઠ્યો. આ પેટી હવે પૂરેપૂરી મારા ન્યાયક્ષેત્રમાં — મારા જ્યુરિસ્ડિક્શનમાં કહેવાય? એના સંબંધમાં મને યોગ્ય લાગે તે કરી શકું? એ વિશે મને કોઈ કશું ન કહી શકે? બીજા કશા ખાતર નહિ, પણ પોતાનો એ અધિકાર અબાધિત છે, તેની પોતાને ખાતરી કરાવવા ખાતર પણ વસુધાને મન થયું — આમાંથી કોઈ વસ્તુ હું આપી દઉં તો? કોને આપવી? સલીના યાદ આવી. એ છોકરી તેને ગમવા લાગી હતી. અત્યાર સુધી તેને મન એ કમલની મૃત બહેનની દીકરી હતી. હવે એકાએક તેની સાથે નિકટનો સંબંધ બંધાયો હતો. આખા ઘરમાંથી માત્ર એક તેને જ પોતામાં ખરેખર રસ હતો. પછી જરા વિચાર કરતાં, કમલ અને સુનીલાને પણ કંઈક આપવાનું મન થયું. આપવાનોય એક આનંદ હોય છે. કશા કારણ કે હેતુ વગર માત્ર સહજ લાગણીથી આપવાનો આનંદ અનુભવવાનું તેને મન થયું. સલીના ને સુનીલા તો ઘેર નહોતાં. માત્ર કમલ હતી. બે બંગડી લઈને વસુધા તેના રૂમ તરફ ગઈ. કમલ ભરાવદાર શરીર ને ગોળ મોંવાળી હસમુખી યુવતી હતી. ચહેરા પર ભલાઈની નરમાશ હતી. વસુધાએ તેની સામે બંગડી ધરી. ‘જો તો કમલ, આનો ઘાટ કેવો છે?’ કમલ એકદમ બંગડી પર ઝૂકી ગઈ. ‘આ તો બહુ જ સરસ છે, મા! જૂના ઘાટ કેટલા સરસ હતા! હવે તો આવા ઘાટ ક્યાંય જોવા ન મળે.’ વસુધા તેના મોં ભણી જોઈ રહી હતી. કમલે માથું ઊંચું કરી તેની સામે સ્મિત કર્યું. વસુધા ક્ષણ એક ચૂપ રહી. પછી બોલી : ‘તને ગમે છે, તો તું રાખ કમલ!’ આંચકો લાગ્યો હોય તેમ કમલ જરા પાછળ હટી ગઈ. ‘હું?’ વસુધા હસી : ‘તને જ કહું છું તો!’ કમલ અવિશ્વાસથી તેની સામે તાકી રહી. ‘પણ પપ્પાજીને ખબર છે? તેમને આ ગમશે? આમ તમે મને આપી દો તે… વસુધાના મોં પરનું હાસ્ય લુપ્ત થઈ ગયું. ‘એમને એમાં ગમવા-ન ગમવાનું શું? બંગડી મારી છે. મારી ઇચ્છાથી હું તને આપું છું, કમલ, સાચે જ તને ગમતી હોય તો તું રાખ. તું લઈશ તો મને ગમશે.’ કમલે અચકાતાં અચકાતાં બંગડી લઈને પોતાના હાથમાં નાખી. સરસ શોભી ઊઠી. કમલના મોં પર કૃતજ્ઞતા અને આનંદનો ભાવ આવ્યો. વસુધા તેના ચહેરાને ધ્યાનથી જોઈ રહી. સાદો, ઝાઝા વિચારોથી ક્ષુબ્ધ થયા વગરનો ચહેરો. ફૈબાને આવી વહુ ગમી હોત, જેની દુનિયા તેમના દાયરામાં હોય. આ પ્રેમલગ્ન નહોતાં. હર્ષે તેને ક્યાંક જોયેલી. ગમી ગઈ હતી. માને વાત કરી. વસુધા જુદા જ કારણે રાજી થઈ. હર્ષે પોતે પસંદગી ન કરી હોત તો તેને છોકરી જોવા જવું પડત. કોઈક આશાભરી, ઉમંગભરી, છોકરીની ઉપરછલ્લી બાબતો વડે પરીક્ષા કરવી પડત. હા-ના પાડવી પડત. કોઈ વ્યક્તિને તેના ભવિષ્યની બાબતમાં પાસ-નાપાસ કરવા જેવડી મોટી બાબત શું પોતાની બનત? તેને તો છોકરીઓને આવી રીતે જોવાની વાત બહુ અરૂચતી લાગતી હતી. સજીકરીને બીજાની સમક્ષ પરીક્ષા આપવાની હોય એમ ઊભા રહેવું કોઈ કોઈ વાર તો નક્કી થતાં પહેલાં દસ-પંદર વાર આમ રજૂ થવું પડે, એ પરિસ્થિતિની કલ્પના કરતાંયે વસુધાને ખૂબ ખરાબ લાગતું. સંવેદનશીલ હોવાને કારણે બહુ જલદીથી તે બીજાઓની વેદના સાથે તાદાત્મ્ય અનુભવી શકતી. જાણે તે પોતે જ એ યુવતી છે, જેને એક પછી એક પછી એક યુવક સમક્ષ ૨જૂ ક૨વામાં આવે છે; જેને એક પછી એક પછી એક જણ નાપાસ કરે છે… એટલે જ હર્ષે પોતાની મેળે પસંદગી કરી એથી તે રાજી થઈ હતી. પણ અશેષનાં પ્રેમલગ્ન હતાં, તેમ તેણેય પ્રેમલગ્ન કર્યાં હોત તો પોતાને વધુ ગમ્યું હોત. યુવાવસ્થાનો પ્રબળ ઉત્કટ પ્રેમ…એ કેવો અદ્ભુત અનુભવ હશે? જેને માટે માણસ આખું જીવન ઓવારી દેવા તૈયાર થઈ જાય, એ રોમે રોમે તરસતી ઝંખના કેવી હશે? કમલના રૂમમાંથી બહાર આવીને તે ક્યાંય સુધી દિવાસ્વપ્નમાં ખોવાયેલા જેવી બેસી રહી. એકાએક ઘડિયાળ પ૨ નજ૨ જતાં ઊભી થઈ. હવે બધાંનો આવવાનો વખત થયો હતો. વ્યોમેશના આવતાં પહેલાં સલીના ને સુનીલાને જે આપવું હોય તે આપી દેવું સારું. સંઘર્ષ તો કદાચ થશે જ. પણ તે આપ્યાં પહેલાં થાય, તેના કરતાં પછી થાય તો સારું. પણ શી ખબર! કદાચ વિરોધ ન પણ કરે. કહે : રૂમમાં ફેરફાર કર્યો તે સારું કર્યું. કેટલા વખતથી બધું એકસરખું ગોઠવેલું હતું. ફેરફારથી જરા નવીનતા લાગે છે. પણ તને આ નાના રૂમમાં ફાવશે? અને ઘરેણાંની વાત જાણીને હસીને કહે : વાહ વસુધા, ઘરેણાંની માયા છૂટી તે તો બહુ રાજી થવાની વાત! સ્ત્રીને માટે ઘરેણાં તો બહુ મોટું બંધન! સુનીલાને પણ બંગડી જ આપીશ. અને સલીનાને? એની સામે ખુલ્લી પેટી ધરી દઈશ. કહીશ : સલીના, આમાંથી તને જે ગમે તે લઈ લે. કેટલી ખુશ થશે?

*

પણ બધાં લગભગ સાથે જ આવ્યાં, સલીના-સુનીલા સાથે એકાંતમાં વાત કરવાનો વખત રહ્યો નહિ. અને હવે વ્યોમેશની પ્રતિક્રિયાની પળે પળે રાહ જોવાની. સહસા તે ટટ્ટાર થઈ. વ્યોમેશનો કેટલી બધી બાબતોમાં ડર લાગતો હતો એ હવે સમજાતું જતું હતું. પણ હવે તો રોજ એનો સામે મોંએ ભેટો ક૨વો પડશે… વાળ ઝાટકીને પાણી ખંખેરે તેમ મનમાંથી ચિંતા ખંખેરી નાખી. નિર્ભય થયા વિના મને ચાલવાનું નથી તો! વ્યોમેશ તે દિવસે થોડુંક કામ લઈને આવ્યો હતો. બેઠકખંડમાં બેસીને જ તે કામ કરતો રહ્યો. રૂમમાં જવાનું બન્યું નહિ. વસુધાએ મનને ટપાર્યું… આમ જાણે સજા થવાની હોય એમ કેમ રાહ જુએ છે? જમવાના ટેબલ પર બધાં સાથે બેઠાં. જમતાં જમતાં વ્યોમેશે કહ્યું : ‘છાપામાં નોંધ આપી આવ્યો છું, કાલે ફૈબાની સાદડી રાખી છે ચારથી છ વચ્ચે.’ વસુધા ચોંકીને બોલી : ’સાદડી?’ સુનીલા પણ ચોંકીને બોલી : ‘આવતી કાલે?’ વ્યોમેશે બન્નેની સામે જોયું : ‘કેમ?’ ‘મને વાત પણ કરી નહિ?’ વસુધાએ કહ્યું. ‘એમાં તને શું કહેવાનું? કાલે રવિવાર છે, એટલે અનુકૂળ રહેશે.’ ‘કાલે સાડા ચારથી સાત મારે નાટકના રિહર્સલમાં જવાનું છે.’ સુનીલા નીચી નજર રાખીને ધીમા અવાજે બોલી. ‘તો રિહર્સલમાં નહિ જવાનું. એમાં શું?’ વ્યોમેશ બોલ્યો. વસુધાએ પોતાની અંદર એક મોટું યુદ્ધ અનુભવ્યું. બોલ વસુધા, બોલ, તારે સાચા થઈને રહેવું છે. સાચા થવાનું સહેલું નથી. પ્રેમના પંથની જેમ એ પણ પાવકની જ્વાળા છે. પસંદગી કરી લે વસુધા, તને શાંતિ જોઈએ છે કે સચ્ચાઈ? તે ઝડપથી બોલી : ‘સાદડી રાખવાનું જરૂરી છે?’ ‘એટલે?’ વ્યોમેશ જમવાનું અટકાવીને તેની સામે તાકી રહ્યો. ‘એમાં જમતાં જમતાં અટકી શું ગયા?’ વસુધાએ હસીને હવાને હળવી કરવાનો પ્રયત્ન કર્યો. ‘આ તો અમસ્તી નાની વાત હતી. મને થયું કે સાદડી રાખવાની કોઈ જરૂર નથી. ફૈબા પાકી ઉંમરે ગયાં છે. એમનો શોક કોઈનેય હોય તો તમને હોય. મળવા આવનારાંને તો કાંઈ ઊંડું દુઃખ હોવાનું નથી. ખાલી દેખાવ ખાતર આવીને બે ઔપચારિક શબ્દો ઉચ્ચારશે. એવું બધું શું કરવા કરવું જોઈએ?’ મને તો બ્રાહ્મણ જમાડવાની ઇચ્છા છે. એ માટે પણ આવતા રવિવારનું નક્કી કરી રાખ્યું છે. આમેય ત્યારે બાર દિવસ થાય છે. તે દિવસે પચાસ બ્રાહ્મણો જમશે આપણે ત્યાં.’ સુનીલાએ વસુધાની સામે જોયું. એની આંખોમાં યાચના હતી. હર્ષ અને અશેષે પણ વસુધાની સામે જોયું. ‘મને ખબર છે, હવે કોઈ બ્રાહ્મણો જમાડતું નથી. પણ મારી ઇચ્છા છે. ફૈબાનું મારા પર ઋણ હતું. એમના આત્માને શાંતિ થશે.’ ફરી વ્યોમેશ બોલ્યો. ફૈબાએ તો પરણીને જૈન ધર્મ અપનાવેલો. તે કાંઈ એમાં માનતાં નહોતાં.’ વસુધાએ કહ્યું. વ્યોમેશ સહેજ ધૂંધવાયો. ‘સારું, નહિ માનતાં હોય. પણ મારે કરવું છે, બસ?’ વસુધાએ ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું : ‘હું પણ એમાં નથી માનતી.’ વ્યોમેશની આંખોમાં ગુસ્સો તરી આવ્યો. ‘તું માને છે કે નહિ એવો કોઈ સવાલ જ ઊભો થતો નથી. હું માનું છું એટલું બસ છે.’ ‘આવતા રવિવારે તો અમારા નાટકના બે ‘શો’ છે…’ સુનીલા ગભરાયેલા અવાજે બોલી. ‘તમે બધાંએ ધાર્યું છે શું?’ વ્યોમેશે ટેબલ પર હાથ પછાડ્યો. ‘નાટક હોય તો સારું પાત્ર બીજાને આપી દેજે. એ ઘરનાં ફૈબા હતાં. એમનાં મૃત્યુની કાંઈ અદબ હોય કે નહિ?’ વાતાવરણ જરા તંગ થઈ ગયું. સલીના જમવાનું પૂરું કરી થાળી લઈને ચાલી ગઈ. તેની પાછળ કમલ પણ કંઈક બોલતી રસોડામાં ગઈ. સુનીલાએ અશેષ સામે જોયું. અશેષ હિંમત કરીને બોલ્યો : ‘પણ પપ્પાજી…’ ‘કેમ, તું પણ એમાં નથી માનતો એમ તારે કહેવું છે?’ વ્યોમેશ વચ્ચે જ બોલ્યો. ‘બહુ સારું, ભલે તમે કોઈ ન માનતાં હો. હું માનું છું. આ ઘરમાં હું ઇચ્છીશ એમ થશે.’ વાત નાની હતી, પણ જીદ અને અહંકારમાં ખેંચાઈને નિષ્કારણ મોટી બની ગઈ. બધાં ચુપચાપ જમવાનું પૂરું કરી ઊભાં થઈ ગયાં. વ્યોમેશ બેઠકખંડમાં ગયો. હવામાં એક ભાર વ્યાપી રહ્યો. વસુધા કશોક નિર્ણય કરીને વ્યોમેશ પાસે ગઈ. મક્કમ પણ ધીમા, વ્યોમેશને સમજાવતી હોય એવા સ્વરે બોલી : ‘તે દિવસે તો તમે કહેતા હતા કે માણસે પહેલાં બીજાનો ખ્યાલ કરવો જોઈએ. તો તમે સુનીલાનો ખ્યાલ કેમ નથી કરતા? રિહર્સલ માટે હવે અત્યારે એ ન જાય, નાટકમાં ભાગ લેવાની હવે ના પાડે, તો આ છેલ્લી ઘડીએ બધાંને તકલીફ ન પડે?’ ‘મૃત્યુ કરતાં નાટક વધારે મહત્ત્વનું છે?’ વ્યોમેશ તીક્ષ્ણ અવાજે બોલ્યો. ‘તે દિવસે તમને મૃત્યુ કરતાં પાર્ટી વધારે મહત્ત્વની લાગી હતી અને ફૈબા તો તમારાં હતાં. સુનીલાએ તો એમને ખાસ જોયાં પણ નથી.’ ‘ચૂપ કર.’ વ્યોમેશ ગરજી ઊઠ્યો. વસુધા ભયભીત થઈ નહિ. સ્વાભાવિક રીતે બોલી : ‘હું કંઈ…’ ‘મેં કહ્યું ને — ચૂપ કર!’ વ્યોમેશના મગજમાં ગુસ્સાની જ્વાળા ભડકી ઊઠી. ‘મારે કોઈની દલીલ નથી સાંભળવી. આ ઘરનો અધિપતિ હું છું. હું કહીશ તેમ બધું થશે.’ વસુધાએ મૂંગા થઈ જઈ વિસ્મયથી એક નજર તેના તરફ નાખી. પછી તે નવા બનાવેલા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે હૃદયને સ્વસ્થ કર્યું. આ ખોટું છે, ખોટું છે. ફૈબા ગામ ગયાં પછી તેમને પૈસા મોકલ્યા છે, પણ કદી યાદ કર્યાં નથી. જાતે થઈને કાગળ લખવાનીયે મહેનત લીધી નથી, ગામડે જઈ એક વાર પણ ખબર કાઢી નથી, જીવતેજીવ એમને માટે કંઈ જ કર્યું નથી. અને હવે આ બધું… આ કોને દેખાડવા ખાતર? કે પછી ખાલી જીદ જ છે? ઠીક…’ એમને જેમ કરવું હોય તેમ કરે. પણ સુનીલાને તો હું કહીશ કે તું તારે રિહર્સલમાં અને ‘શો’ વખતે જજે… બારણા પર મૃદુ અવાજ થયો. ધીમા પગલે સલીના અંદર આવી. વસુધા એકદમ રાજી થઈ ગઈ. ‘આવ સલીના, આજે આખો દિવસ મેં તારી વાટ જોઈ હતી. આ જો તો, આમાંથી તને કાંઈ ગમશે?’ તેણે ઘરેણાંની પેટી તેની સામે ધરી, અને વ્યોમેશ ખરીદી લાવેલો તે પેલો કલાત્મક નકશીવાળો સોનાનો હાર તેણે સલીનાને ગળે લગાડી જોયો. ‘આ ગમે છે?’ એ પળે ધબધબ કરતો વાવાઝોડાની જેમ વ્યોમેશ બારણામાં આવીને ઊભો રહ્યો. ‘વસુધા,’ તે ફાટી જતા અવાજે બોલ્યો. ‘આ બધું શું ધતિંગ તેં માંડ્યું છે?’