સાત પગલાં આકાશમાં/૩૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૨

‘આ શું ધતિંગ માંડ્યું છે?’ વ્યોમેશે ફરી વાર એ જ ઉગ્રતાથી પૂછ્યું. સલીના અનાયાસ આગળ સરી વસુધાની નજીક આવી ઊભી રહી, જાણે એનું રક્ષણ કરવા માગતી હોય! હાર તેના હાથમાં હતો. વ્યોમેશે સહેજ આગળ વધી રુક્ષતાથી સલીનાના હાથમાંથી હાર લઈ લીધો. ‘હાર તારી પાસે ક્યાંથી આવ્યો?’ તેણે અવાજને જરા કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો, પણ તેનો ગુસ્સો ને અવિશ્વાસ અછતા ન રહ્યા. સલીનાને એની ઉદાસ આંખો વ્યોમેશ પર ઠેરવી. એ બે મોટી આંખોમાં એટલી બધી વ્યથા છલકાઈ આવી! પણ વ્યોમેશની નજર હાર પર હતી. વસુધા ઉતાવળે બોલી : ‘સલીના, બેટા, તું જરા બહાર જઈશ?’ સલીના અસમંજસમાં જરા વાર ઊભી રહી. વસુધાએ એની સામે ડોકું હલાવી ફરી બહાર જવાનો ઇશારો કર્યો. સલીનાએ અનિચ્છાએ પગ ઉપાડ્યા. બારણામાંથી ખસીને વ્યોમેશે તેને જગ્યા આપી. જતાં જતાં સલીના જરા અટકી : ‘મારું કંઈ કામ હોય તો બોલાવજો, મા!’ અને પછી તે ચાલી ગઈ. હવે વ્યોમેશ હતો, અને સામે તે હતી. એકલી. બત્રીસ વર્ષ સુધી તે આ માણસની સાથોસાથ જીવી હતી, તોપણ અત્યારે તેની સામે તે એકલી હતી. અને વ્યોમેશ એક અજાણ્યા માણસની જેમ ભયાવહ રીતે તેની સામે ઊભો હતો, તેની પાસેથી જવાબ માગતો હતો. સૌથી પહેલાં તેને શાંત કરવો જોઈએ. ‘આટલા બધા આકળા શું કરવા થાઓ છો?’ વસુધાએ નરમ અવાજે કહ્યું : ‘બેસો, જરા શાંતિથી બેસો ને!’ તેણે ખસીને પલંગ પર વ્યોમેશ માટે જગ્યા કરી. વ્યોમેશ એક ક્ષણ ગૂંચવાઈને ઊભો રહ્યો. પછી બેઠો. હાર પેટીમાં મૂક્યો. ‘આ હાર સલીના પાસે ક્યાંથી આવ્યો?’ તેણે ફરી પૂછ્યું. ‘અને રૂમમાં બધા ફે૨ફા૨, કોણે તેં કરાવ્યા?’ તેના અવાજની ઉગ્રતા જરા ઓછી થઈ, પણ તેનું મોં ખૂબ તંગ હતું. ‘એની વાત પછી કરીશ. પહેલાં આપણે સાદડી વિશે વાત કરી લઈએ!’ આ વસુધા જ છે? વ્યોમેશ અચંબાથી અવાક થઈ ગયો. આવી રીતે તો તે કદી બોલી નથી. આમ સાવ પોતાના પગ પર ઊભેલો માણસ બોલે એવા આત્મવિશ્વાસથી, નિર્ભયતાથી, સમાનભાવે, આંખ સામે સીધી આંખ માંડીને… આ બધું શું છે? વસુધા મનમાં સહેજ મલકી. જગતમાં સૌથી નિકટનો કહેવાય, એવા સંબંધ વડે તે વ્યોમેશ સાથે વર્ષોનાં વર્ષો સંકળાયેલી રહી હતી. છતાં વસુધાના હૃદયમાં ક્યારે ઘાવ થાય છે અને ક્યાંથી આંસુ ઝરે છે એ તેણે કદી જાણ્યું નહોતું. વસુધાને માટે આ જીવનની મહાન પળ છે. સલામતી માટે પહેરેલાં સેંકડો મહોરાં ને સહસ્ર બખ્તર તે એકી વેળા ઉતારી નાખવા માગે છે. જોવા માગે છે : પોતાની જાતને વફાદાર થઈને જીવવા જઈએ તો શું થાય? પોતાનું શું થાય? સંબંધોનું શું થાય! લાંબા સમય સુધી આ પળની વાટ જોઈ છે. સત્યના સળગતા પથ પર પ્રથમ પગલું માંડવાની આ ઘડી છે. અને બત્રીસ વર્ષ સુધી કાચના પાત્રની જેમ નાજુકાઈથી સાચવેલો, પંપાળેલો સંબંધ પોતાના સાચા થવાની પહેલી ક્ષણોને પૂછતો હતો : આ શું ધતિંગ માંડ્યું છે? એને ફરી હસવું આવી ગયું. ‘હું પ્રશ્ન પૂછું છું તેમાં હસવા જેવું શું છે?’ વ્યોમેશ ફરી ચિડાયો : ‘પૂછું છું કે, રૂમમાં આ બધા ફેરફાર તેં કોને પૂછીને કર્યા?’ વસુધાનું હાસ્ય વિલાઈ ગયું. હતાશ થઈને તે જોઈ રહી. કોઈ દિવસ શું તમારી સાથે હું સમાનભાવે વાત કરી જ ન શકું? મારો ને તમારો સંબંધ શું અધિપતિ અને આજ્ઞા ઝીલનારનો જ સંબંધ છે? ગંભી૨ થઈને બોલી : ‘જરા બેસોને, મારે તમને ઘણા વખતથી એક વાત કહેવી હતી. મારા મનમાં વર્ષોથી એક વિચા૨ ૨મે છે કે એક સ્ત્રી — પરણેલી, પતિ ને બાળકોવાળી સાદી સ્ત્રી — એટલે કે એક ગૃહિણી જો કોઈ દિવસ એમ નક્કી કરે, કે આપણે અત્યાર સુધી ખોટું જીવન જીવતાં આવ્યાં છીએ, અને હવે એ પ્રમાણે નથી જીવવું…ધારો કે તે એવું નક્કી કરે, તો પછી તે એને વ્યવહારમાં ઉતારી શકે કે નહિ?’ તેણે બને એટલી મૃદુ રીતે પોતાની વાત સમજાવવા કોશિશ કરી. ‘જુઓ ને, આપણે રોજના જીવનમાં કેટલું ખોટું કરતાં હોઈએ છીએ? મનમાં દુઃખ હોય પણ બહાર આનંદનો ડોળ કરતાં હોઈએ છીએ. કોઈને રાજી રાખવા મીઠું બોલતાં હોઈએ છીએ. સારું લગાડવા માટે ખોટો આગ્રહ કરતાં હોઈએ છીએ, મનમાં અણગમો હોય પણ ઉપરથી આવકાર આપતાં હોઈએ છીએ…એટલે કે મનમાં “જુદું” હોય ને બહાર કંઈક જુદું દેખાડતાં હોઈએ છીએ. મને એમ થયું કે, આ દંભ ને આડંબર છોડી આપણે જેવાં હોઈએ તેવાં બની રહેવું જોઈએ.’ ‘એટલે કે મનમાં આવે તે તડ ને ફડ બોલી નાખવું, બીજા માણસને શું લાગશે એની પરવા ન કરવી, એમ ને? એ સ્વાર્થ છે.’ ‘પણ એ સચ્ચાઈ છે,’ વસુધા ઉતાવળે બોલી. વ્યોમેશે આટલી પણ વાત તેની સાથે કરી તેથી તેને આશાનું એક કિરણ દેખાયું હતું. ‘માણસ સાચો હોય તો જ તે તેના સંબંધોમાં પ્રામાણિક થઈને જીવી શકે. આપણી સામે એક કેવું મોટું ઉદાહરણ છે!’ ‘કોનું?’ ‘ગાંધીજીનું.’ વસુધા ઉત્સાહથી બોલી. ‘એમણે કોઈ દિવસ ડોળ કે દંભ નહોતા કર્યા. તેમને જ્યારે જે સાચું લાગ્યું તે ખુલ્લી રીતે, ભય વિના, ટીકાની પરવા વિના કહ્યું હતું, તે પ્રમાણે પોતે કર્યું હતું. તે સમાજનાં ધોરણો પ્રમાણે નહિ, પોતાનો અંતરાત્મા કહે તેમ જીવ્યા હતા.’ ‘તું કાંઈ ગાંધી નથી.’ વ્યોમેશના અવાજમાં કટાક્ષ હતો. ‘મારે ગાંધી થવુંયે નથી.’ ‘તું થઈ શકે એમ પણ નથી.’ ખરું પૂછો તો, ગાંધી થવાની જરૂર જ નથી. એમના જેવા થવાનો પ્રયત્ન ક૨વો એ તો ગાંધીજીની વાતથી સાવ ઊલટી બાબત થઈ. હું તો ફક્ત પોતે જે હોઈએ તે થઈને રહેવાની વાત કરું છું.’ ‘આટલું બધું ડહાપણ તારામાં કોણે રેડ્યું?’ વ્યોમેશ વચ્ચે જ બોલ્યો. અને આ બધી બાબતને મેં પૂછ્યું તેની સાથે શો સંબંધ છે?’ તેનો અવાજ ફરી સખત થઈ ગયો. વ્યોમેશને સમજાવીને પોતાની નવી પરિસ્થિતિની વાત કરવાની બધી સંભાવનાનો અંત આવી ગયો. ધીમા અવાજે બોલી : ‘રૂમમાં ફેરફાર એટલા માટે કર્યો કે રાતે વાંચવા માટે, વિચાર કરવા માટે મને એકાંત જોઈએ છે, અને…’ અને બીજું મને શું શું જોઈએ છે, અથવા શું નથી જોઈતું તે કહું? એકવાર બધાં આવરણો હટાવી હું મારા હૃદયમાં જે છે તે તમને દેખાડું? તમે એ સહી શકશો? હું સાચું બોલવા તૈયાર છું, પણ સાચું સાંભળવાની તમારી તૈયારી છે? ‘બહુ સારું. અને સાદડીની શી વાત છે? મેં છાપામાં નોંધ આપી દીધી છે.’ ‘એ જ તો હું કહેતી હતી ને?’ વસુધાને સહેજ થાક લાગ્યો. માથું ભારે થઈ જતું લાગ્યું. પણ હવે કહ્યા વગર ઉપાય નથી. ‘એ જ હું કહેવા માગતી હતી. બે વાત છે : એક તો એમ કે સાદડીમાં બધી સ્ત્રીઓ ધોળાં કપડાં પહેરી હૃદયમાં લાગણીના એક પણ બિંદુ વિના, ખાલી ખાલી અને ખોટેખોટો શોક પ્રગટ કરવા આવશે; અને મારે એમાં મુખ્ય વ્યક્તિ તરીકે બેસવું પડશે. મને એ બધું એટલું તો ઉપરછલ્લું લાગે છે! અને ધોળાં કપડાં પહેરવાં તો મને જરા પણ નથી ગમતાં.’ તે આર્જવથી બોલી : ‘મને ખરેખર જ ધોળાં કપડાં પહેરવાનું નથી ગમતું, તો પછી મારે શા માટે એ પહેરવાં જોઈએ?’ તેને તો રંગ વિશે ઘણું વધારે કહેવાનું મન હતું…મને રંગો ગમે છે, રંગો તો કુદરતી ઘટના છે. સુંદર ને રંગીન ઘટના છે. તેને સામાજિક સંદર્ભોમાં બાંધી દઈ, અમુક પ્રસંગે અમુક રંગ પહેરાય ને અમુક ન પહેરાય — એવી કૃત્રિમતા શા માટે ઊભી કરવી જોઈએ? પ્રકૃતિમાં તો રંગો કેટલી સહજ રીતે પ્રગટ થતા હોય છે! પણ આ બધું વ્યોમેશને કહેવાનો કંઈ અર્થ નથી. આજ સુધી તે ક્યારેય પોતાનાં સંવેદનોમાં સહભાગી બન્યો નથી. એને એવી ફુરસદ પણ નથી. ‘બીજી વાત એમ કે —’ વસુધા સહેજ અચકાઈ, પણ હવે ખોટું બોલવાના દિવસો વીતી ગયા છે. હવે ગમે તેવું આકરું લાગે તોય સાચું જ કહેવું જોઈએ, નહિ તો પહેલું પગલું જ અવળું પડશે… ‘બીજી વાત એમ કે મને પોતાને પણ ફૈબાના મૃત્યુનું દુઃખ નથી. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું, પણ મારા મનમાં શોકનો ભાવ નથી. મને ફૈબા માટે પ્રેમ નહોતો. ના, નહોતો જ.’ તે જરા ઉશ્કેરાઈ. ‘હું સાવ સાચું જ કહીશ. તેમને માટે થઈને હું મારી માને છેલ્લે મળી ન શકી એનો મને હંમેશાં ડંખ રહ્યો છે. મને ફૈબા માટે દુર્ભાવ નથી, પણ તેમણે કોઈ દિવસ મને સ્નેહ નહોતો કર્યો, કોઈ દિવસ મારી લાગણીને માન નહોતું આપ્યું.’ તેનો અવાજ ઊંચો ચડવા લાગ્યો. ‘મારી ઇચ્છા હોય કે ન હોય, મારે તેમનું કહ્યું હમેશાં માનવું પડતું. તેમણે સર્વસ્વ તમને આપ્યું હતું. પણ તમારે તો તેમને માટે કશું નહોતું કરવું પડતું. મારે જ એમની બધી સારસંભાળ રાખવી પડતી. એમણે મને પ્રેમ કર્યો હોત તો, હું પણ એમને મારું હૃદય આપત. પણ એમને તો મારી કાંઈ પડી જ નહોતી. એ તો મને એક કામ કરનાર પ્રાણી માનતાં, મને હમેશાં શંકાથી જ જોતાં…’ ‘ચૂપ રહે, વસુધા!’ ‘ના, હું બોલીશ. આખી જિંદગી હું ચૂપ રહી છું, પણ હવે હું ચૂપ નહિ રહું.’ ‘તો મારી સાથે લડીશ, એમ?’ થાક. અંગેઅંગે ખૂબ થાક ઊભરાઈ આવ્યો. પણ છૂટકો નથી… ‘હું તમારી સાથે કાંઈ લડવા નથી માગતી. હું માત્ર મારા હૃદયમાં જે છે તે કહું છું. મારે હવે ડોળ ને દેખાવ નથી કરવાં. જે દુઃખ મને નથી થયું તેને માટે શોકનો દરબાર નથી ભરવો.’ આટલું બધું બોલીને તે થાકી ગઈ. તેના હજુ પણ કુમાશ જાળવી રહેલા ચહેરા પર ક્લાન્તિની છાયા ઊતરી આવી. એકાએક થયું — પોતાનું શરીર સાવ જીર્ણ થઈ ગયું છે, ઘસાઈ ગયું છે. પોતાનું મન ઘસાઈ ગયું છે. હૃદય ઘસાઈ ગયું છે. ‘બસ, પૂરું થઈ ગયું કહેવાનું?’ વસુધાએ નિઃશ્વાસ મૂક્યો. ઓહ, તમારે માટે મેં વરસોનાં વરસો મારી વાણી રૂંધી રાખી, એક પણ વાર હૃદયની વાત હોઠે આણી નહિ. અને આ પહેલી વાર મેં મારાં અંદરનાં કમાડ ખોલ્યાં છે, ત્યારે તમને એમાં ડોકિયું કરવા જેટલોય સમય નથી? ‘તારું કહેવાનું પૂરું થયું હોય તો હવે મારી વાત સાંભળી લે.’ વ્યોમેશના અવાજમાં કડકાઈ હતી. ‘આ ખાલી આદર્શવેડા, પુસ્તકવેડા છે. મને એમાં ૨સ નથી. અને બીજું — ઘરમાં રહેવું હોય તો ઘરની ફરજો બજાવવી પડશે. મને આ ગમતું નથી ને તે ગમતું નથી — એ બધું નહિ ચાલે.’ વસુધાનું હૃદય ચીસ પાડી ઊઠ્યું : પણ ફૈબા તો હમેશાં કહેતાં કે વ્યોમેશને આ ગમે છે ને આ નથી ગમતું. અને એ રીતે જ તો ઘર ચાલ્યું છે. આજ સુધી તમને શું ગમે છે ને શું નહિ તે પ્રમાણે તો બધું ચાલ્યું છે… વ્યોમેશ ઊભો થયો. બારણાં તરફ વળતાં વળી વસુધા તરફ ફર્યો. ‘આ ઘરેણાંની પેટી અહીં કેમ છે?’ તેણે પેટી લઈ લીધી અને પછી આગળ કાંઈ બોલ્યા વિના ચાલ્યો ગયો. વસુધાને લાગ્યું, જાણે કોઈ પોતાના હૃદયને વજનદાર પગ નીચે કચડતું ચાલ્યું ગયું. ‘ઘરમાં રહેવું હોય તો’ — શબ્દો તીરની અણીની જેમ વીંધવા લાગ્યા. અંધારામાં, એકલી, વીંધાયેલી પંખીની જેમ તે તરફડતી પડી રહી. મોડી રાતે છેક આંખ મળી. સહેજ એવો ભાસ થયો કે ખુલ્લા બારણાંમાંથી કોઈ અવાજ કર્યા વિના આવ્યું અને કાળજીથી ચાદર ઓઢાડી બારણાં હળવેથી બંધ કરી ચાલ્યું ગયું. બીજે દિવસે આંખ ખૂલી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. માથું ભારે લાગતું હતું. શરીર કળતું હતું પણ તે ઝટપટ ઊઠીને રસોડામાં ગઈ. દૂધ-કેન્દ્ર પર દૂધ ખલાસ થઈ ગયું હશે તો? પણ જોયું તો ચૂલા પર દૂધની તપેલી પડી હતી. કોણ લઈ આવ્યું હશે? તેણે બહા૨ જ૨ા ડોકિયું કર્યું. વ્યોમેશ હંમેશની જેમ ચા પીતો હતો. કોણે તેને ચા બનાવી આપી? કે તેણે જાતે બનાવી લીધી? દૂધ પણ તે જ લઈ આવ્યો હશે? રાતની ચર્ચા પછી તેના મનમાં કાંઈ જુદા વિચાર આવ્યા હશે? તેણે બારણામાં ઊભેલી જોઈ વ્યોમેશે તેના તરફ નજ૨ ઊંચકીને જોયું. પછી ફરી છાપામાં નજર ડુબાડી દીધી. કશું બોલ્યો નહિ. ચહેરા પર કોઈ ભાવ પ્રગટ થયા નહિ. ચા પીવા પોતાને બોલાવે તેવો અણસાર દેખાયો નહિ. તેણે જાતે ચા બનાવી હોય તો પોતાને એકને માટે જ બનાવી હશે કે મારા માટે પણ બનાવી હશે? ક્ષણવાર તે ઊભી રહી, પણ વ્યોમેશે ફરી વાર તેની તરફ જોયું નહિ. રોષ હતો? કે ઉપેક્ષા હતી? શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નહોતી લાગતી. પાછાં જઈને સૂઈ જવાનું મન થયું. અચાનક મુખ્ય બારણા પાસે કંઈક અવાજ થયો અને પછી નીચેથી સરરર કરતું છાપું સરી આવ્યું. વસુધાએ જલદી જઈને બારણું ઉઘાડ્યું. છાપાવાળો દાદર ઊતરતાં અટકીને ઊભો રહ્યો. વસુધાને ઉદ્દેશીને બોલ્યો : ‘આજે પહેલો દિવસ હતો એટલે મોડું થયું, કાલથી બન્ને સાથે આપી જઈશ.’ વસુધાને યાદ આવ્યું, ગઈ કાલે તેણે છાપાવાળાને હવેથી રોજ સવારે ‘પ્રવાસી’ દૈનિક આપી જવાનું કહ્યું હતું. અત્યાર સુધી ઘરમાં ફક્ત ‘ટાઇમ્સ’ આવતું. છાપા સંબંધમાં વસુધાને એક વાર ખૂબ માઠું લાગેલું. એક વાર ઇટાલીથી ઊપડેલા એક વિમાનને હવાઈ ચાંચિયાએ ફરજિયાત બીજે ઉતરાણ કરાવીને બાનમાં રાખેલું અને પોતાની માગણીઓ પૂરી કરવામાં ન આવે તો ઉતારુઓ સહિત વિમાન ઉડાવી દેવાની ધમકી આપેલી. ધમકીની મુદત રાતના બાર વાગ્યે પૂરી થતી હતી. વસુધાની આખી રાત બહુ અજંપામાં વીતી. નિર્દોષ ઉતારુઓ બિચારાં કેવા ફફડતાં હશે? સવારે જરા આંખ મળી ત્યારે છાપું આવી ગયું હતું. વ્યોમેશ ખૂબ તલ્લીનતાથી વાંચતો હતો. ઊઠતાંવેંત તે એકદમ વ્યોમેશ પાસે ધસી ગઈ. ઉત્સુકતાથી પૂછ્યું : ‘શું થયું પેલા વિમાનનું?’ વ્યોમેશ સામે જોયા વગર જ કહ્યું : ‘હમણાં તને આપું છું છાપું, વાંચજે ને બધું!’ તેણે સાવ સ્વાભાવિકપણે કહ્યું હતું, પણ વસુધાને બહુ ખરાબ લાગેલું. પોતાના મનમાં આટલી વ્યગ્રતા છે, રાત આખી સરખી ઊંઘ નથી આવી. અને આ માણસ, તેની પડખે સૂતેલો, તેના શરીર પર માલિકી ધરાવતો માણસ તેના હૃદયથી કેટલો દૂર, ઓહ કેટલો દૂર હતો! બહુ દિવસ સુધી આ ઘટનાનો કાંટો મનમાં વાગ્યા કરેલો. પછી પેલી જ્વલંત ઇચ્છાની જોડે નાની નાની ઇચ્છાઓ વણી હતી તેમાં એક આ ઇચ્છા પણ ગૂંથી દીધી; કોઈક વાર હું નિરાંતે સવારના ચા પીતાં પીતાં છાપું વાંચીશ. છાપામાં જાહેરખબરો આવે. વીમા કંપનીની કે બૅન્કની — ભવિષ્યની યોજનાઓ. તેમાં સુખી ઘરનું ચિત્ર છાપેલું હોય. એક પ્રૌઢ ચશ્માંવાળો માણસ સોફામાં બેસી છાપું વાંચતો હોય. સ્ત્રી સામે ચાનો પ્યાલો લઈને ઊભી હોય, કે પછી નીચે ભોંય પર બેઠી હોય; ભરતગૂંથણ કરતી હોય. સ્ત્રી સોફામાં બેસી ચા પીતાં છાપું વાંચતી હોય એવું તો ચિત્ર ક્યાંય જોયું નથી. કોઈક દિવસ એવી રીતે વાંચીશ…હર્ષને કહીશ : ફોટો પાડને દીકરા! તેથી જ આગલા દિવસે છાપાવાળાને ‘ટાઇમ્સ’ની સાથે ગુજરાતી ‘પ્રવાસી’ પણ સવારે આપી જવા કહેલું. છાપું લઈને તે પોતાની રૂમમાં ગઈ. હા. હવે આ જ પોતાની રૂમ હતી. પલંગ પર સહેજ આડી પડીને છાપું વાંચવા લાગી…કાલથી અહીં એક ખુરશી મુકાવીશ. આમ વાંચવાનું ફાવતું નથી. આમ પણ, હવે આ રૂમ જરા વધુ વ્યવસ્થિત કરવો જોઈએ. થોડાંક મથાળાં માંડ વાંચ્યાં, ત્યાં આંખો ભારે થવા માંડી. જોયા વગર જ, બારણામાં કોઈની વજનદાર હાજરીનો અણસાર અનુભવાયો. તે સમજી ગઈ. મનથી સહેજ તૈયાર થાય ન થાય ત્યાં કઠોર અવાજ સંભળાયો. ‘કોને પૂછીને છાપું બંધાવ્યું? બે છાપાંના બિલ પછી કોણ તું ભરવાની છે?’ નર્યા આશ્ચર્યથી વસુધાએ તેની સામે જોયું. વધારાના એક છાપાના મહિને રૂ. ૨૦–૨૫ ખર્ચી ન શકાય એવી સ્થિતિ તો નથી ઘરની! વ્યોમેશ ઊભો રહ્યો નહિ. બોલીને ચાલ્યો ગયો. વસુધાને લાગ્યું : સામે મોંએ જાણે કોઈએ ઘા કર્યો છે. તમારે માટે મેં લગભગ મારું જીવન આપી દીધું. અને તમે —? માત્ર ૨૦–૨૫ રૂપિયા ખાતર? ના, પૈસા ખાતર નથી. આ ગુસ્સો કેવળ છાપા માટે નથી જ નથી. વેદનાથી હૃદય વલોવાઈ જવા લાગ્યું. હું સાવ તમને અનુકૂળ થઈને રહું તો જ તમને ખપે? આજે ત્રણ દાયકા પછી પણ સંબંધ સાવ આવો કાચો જ રહ્યો છે? આંખો ખૂબ બળવા લાગી. શરીર શિથિલ થઈ ગયાં. છાપું પડતું મૂકી માથે ઓઢી તે સૂઈ ગઈ. આટલું બધું અપમાન? ના, આ વિશે વાત કરવી પડશે. એની જેમ ગુસ્સો નહિ કરું. શાંતિથી પૂછીશ — મારે માટે શું હું એક છાપું પણ ન મંગાવી શકું? કોઈક દિવસ જો કહ્યું હોત : લે વસુધા, છાપું જોવું છે? તું જોઈ લે, પછી મને આપજે, ત્યાં સુધીમાં હું દાઢી કરી લઉં. અથવા — ‘બેસ ને વસુધા, ખુરશી લાવીને પાસે બેસ ને! જો તો, ચૂંટણીનાં કેવાં અણધાર્યાં પરિણામ આવ્યાં!’ અને પોતે છાપા પ૨ નજ૨ નાખતાં નાખતાં પૂછે : ‘એમ? કૉંગ્રેસને બે જ બેઠક મળી?’ વ્યોમેશથી આવી રીતે વર્તવાનું કેમ બનતું જ નથી? એ તેના સ્વભાવની માત્ર વ્યક્તિગત ઊણપ છે કે એ પુરુષનો જાતિગત સ્વભાવ છે? સ્ત્રીઓ પણ — ઘરમાં શાંતિ રહેતી હોય તો, એ લોકોનું મન રાજી રહેતું હોય તો, ભલે ને થોડું જતું કરીએ, એમાં આપણું શું બગડી જવાનું છે? — એમ કહી કહીને, હંમેશાં નમતું આપતાં રહીને પુરુષના એ સ્વભાવને જ વધુ પુષ્ટ કરે છે. આમાં અમારોયે વાંક હશે. અમે જ એ લોકોને અમારી દીનતા ને હીનતાથી ટેવાવા દીધા છે, એટલે જ તો એમને અમારે માટે એક સમકક્ષ મિત્ર માટે હોય એવા આદર ને માન નથી હોતાં. કે પછી આ બધું, તેઓ કમાય છે એટલા માટે છે? પૈસા એ સત્તા છે અને એ સત્તાનો દોર તેમના હાથમાં છે. આંખોમાં અંધારા-અજવાળાં સંતાકૂકડી રમવા લાગ્યાં. નાહવા માટે કપડાં મૂકવાનાં છે…આછું-આછું યાદ હતું. બૂમ પાડશે એટલે ઊઠીશ…પણ આજે તો રવિવાર છે. ઑફિસે જવાનું નથી…આજે સાંજે સાદડી પણ છે…વિચાર કરતાં પાછું મન તંદ્રામાં સરી પડ્યું. નાહવા માટે કપડાં મૂકવા કોઈએ તેને બોલાવી નહિ. કેટલો સમય વીતી ગયો તેની સરત રહી નહિ. છેવટે કોઈએ આવી જરા ચાદર ઊંચી કરી. અંદરથી જાણે વરાળ નીકળી. ગભરાઈને કમલ બોલી : ‘ઓ મા, તમારું શરીર તો ખૂબ ધગે છે!’ વસુધા ચમકીને બેઠી થઈ. લાલ આંખો. વિખરાયેલો ચહેરો. બારી બહારનું તપેલું આકાશ જોઈને પૂછ્યું : ‘કેટલા વાગ્યા?’ ‘અગિયાર વાગી ગયા છે. તમે ચા પીશો? સવારની ચા પણ નથી પીધી તમે.’ ‘ઓહ, પોતાને ખ્યાલ જ ન રહ્યો. વ્યોમેશે નાહી લીધું. મને બોલાવી નહિ?’ ‘પપ્પાજી?’ ‘એ તો નાહીને જમીને બહાર ગયા છે.’ વસુધાની આંખમાં આંસુ ભરાયાં. એને ખાળીને બોલી : ‘ના, ચાની કાંઈ જરૂર નથી. હું જરા સૂતી છું. તમે લોકો બધાં જમી લેજો.’ ‘અને તમે?’ ‘પછી જોઈશ.’ કમલ ચાલી ગઈ. ડબ્બા-ડૂબલીઓના પરચૂરણ સામાનથી ભરેલી રૂમમાં કોઈક વિચિત્ર ખાલીપો પથરાઈ રહ્યો. વસુધા પાછી ચાદર ઓઢીને સૂઈ ગઈ. ફરી જાગી ત્યારે ખાસ્સી બપોર થઈ ગઈ હતી. બાજુમાં જોયું. સલીના બેઠી હતી. વસુધાને જાગેલી જોઈ જરા હસીને બોલી : ‘તમે જાગો તેની ક્યારની રાહ જોતી હતી. કેમ છે હવે?’ તેણે કપાળ પર હાથ મૂક્યો. ‘તાવ તો ખૂબ છે. માથું પણ દુખતું હશે. સવારની ચા નથી પીધી, માસી કહેતાં હતાં. હવે થોડી ચા પીઓ, પછી મગનું પાણી પીજો. મેં બનાવ્યું છે. પીવાની ના પાડશો એ નહિ ચાલે.’ તે ઊઠીને રસોડામાં ગઈ અને થોડી જ વારમાં ચા અને મગનું પાણી બન્ને લઈને આવી. ‘સલીના, પપ્પાજી શું કરે છે?’ એ ને અશેષભાઈ ને બધાં મળીને જરા સામાન ફેરવે છે. ચાર વાગ્યે લોકો આવશે, તેમના બેસવા માટે વ્યવસ્થા કરવાની છે.’ ઘરની ફરજ… બજાવવી જોઈશે… જોર કરીને વસુધા બેઠી થવા ગઈ, પણ સલીનાએ તેને પકડીને સુવાડી દીધી. ‘હં, હં, આ શું કરો છો?’ ‘જરા બહાર જાઉં, બધાં આવશે હમણાં.’ સલીનાએ દૃઢતાથી તેને પકડીને સુવાડી દીધી. ‘એવી કશી જરૂર નથી. શરીરમાં કેટલો તાવ છે ખબર છે?’ પછી તેની પાછળ તકિયા ગોઠવી અડધી બેસાડીને સલીનાએ હળવે હળવે તેને ચા પિવડાવી. થોડી વાર પછી મગનું પાણી પિવડાવ્યું. માથું દુખતું હતું તે માટે ગોળી આપી. વ્યોમેશ એક્કે વાર ખબર કાઢવા આવ્યો નથી? આટલો બધો ગુસ્સો શા ખાતર? ‘ડૉક્ટરને બોલાવવા છે, મા? કંઈ તકલીફ થાય છે?’ સલીનાએ ખૂબ સ્નેહથી પૂછ્યું. વસુધાની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. બીજી ત૨ફ મોં કરી આંખો હળવેથી લૂછી નાખી. સુનીલા આવી. સરસ કપડાં પહેરી તૈયાર થઈ હતી. ‘રિહર્સલમાં જાઉં છું, મા… બધાં મારી વાટ જોતાં હશે. મારું પાત્ર મુખ્ય છે.’ ‘કશો વાંધો નથી. તું તારે જા —’ વસુધા એટલું બોલતાંયે સાવ થાકી ગઈ હોય એમ શિથિલ થઈને પડી. વ્યોમેશને નહિ ગમે. ઘરની ફરજ…પણ સુનીલાની એના ગ્રૂપ પ્રત્યેય ફરજ હતી તો! ‘ચાર વાગે તે પહેલાં મને કહેજે. બધાં આવવા માંડે તે પહેલાં ત્યાં બેસવું પડશે ને! જરા સરખાં થવું પડશે…કપડાં બદલવાં પડશે.’ સલીના હસી. તેણે વસુધાને ફરી ચાદર ઓઢાળી દીધી. વસુધા પડખું ફેરવીને સૂઈ ગઈ.

*

તંદ્રામાં કોઈક હલાવતું હોય એવું લાગ્યું. આંખ પર બહુ ભાર હતો. ઉઘાડવાનો પ્રયત્ન કરવા છતાં આંખ ઊઘડતી નહોતી. ‘થોડી કાંજી પી લો મા, પછી ઊંઘી જજો. નહિ તો બહુ નબળાઈ લાગશે.’ ઘેરાયેલી આંખો ઊઘડી. ‘ચાર વાગી ગયા, સલીના?’ સલીના હસી. ‘અત્યારે રાતના આઠ વાગ્યા છે, મા!’ ‘અરે! હું આટલું બધું ઊંઘી?’ વસુધાએ બેઠા થવાનો પ્રયત્ન કર્યો, પણ થવાયું નહિ. ‘બધાં આવી ગયાં?’ ‘બધું ક્યારનું પતી ગયું. ચિંતા ન કરો. તમે કાંજી પી લો.’ કાંજી પિવડાવી. રૂમાલથી મોં સાફ કર્યું. સલીના ચાદર ઊંચકીને ખંખેરી પછી પથારી કરવા જતી હતી ત્યાં વ્યોમેશ આવ્યો. આવીને વસુધાના હાથ ૫૨ જરા હાથ લગાડ્યો. પછી કટુતાથી બોલ્યો : ‘સાદડીમાં બેસવું ન પડે એટલા માટે થઈને માંદી પડી ગઈ? આ જ તારું સાચા થવાપણું?’