સાત પગલાં આકાશમાં/૩૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૫

બહુ ઊંચાઈએથી ધબાક કરીને નીચે પડતાં પહેલાં તો મૂર્છા જ આવી ગઈ. પછી પીડા ને રોષની જ્વાળાઓમાં મન સળગી ઊઠ્યું. બદલો લેવાનું મન થયું. આટલાં વર્ષ પછી આમ જાકારો? આગળપાછળના કોઈ ખુલાસા વિના બસ સીધી આ છેવટની વાત? હજુ હમણાં તો પોતે એના પ્રેમમાં આશ્વસ્તતા શોધતી હતી. અને એણે આ કેવડો મોટો આઘાત કર્યો? ઘણા વખતથી એણે આ વિચાર્યું હશે? કારણ શું? એને હું ગમતી નહીં હોઉં? એ બીજી કોઈ સ્ત્રીના પ્રેમમાં હશે? ક્યારથી? મગજ ચકરાઈ ગયું. શું કરવું તેની સૂઝ પડી નહીં. લડું? રડું? હું ક્યાં જાઉં? આ ગૌરવભંગ સાથે કેમ કરીને જીવું? બહુ જ નિઃસહાયતા લાગી. મનાવું? સમજાવું? હા પાડી દઉં? એક કલ્પનાતીત પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોતામાં એને પહોંચી વળવાનું સામર્થ્ય છે? મારે શું કરવું જોઈએ? ઓહ — હું કેટલી એકલી છું! આંખમાં આંસુ આવ્યાં. હું શું કરું? શું કરું? મોડે સુધી મગજમાં ઘમસાણ મચી રહ્યું… પછી રાતે એક ચમત્કાર થયો. સવારે તે ઊઠી ત્યારે તે બદલાયેલી હતી. બધું બહુ હળવું લાગતું હતું. અતિ ચુસ્તપણે પહેરેલાં, શરીરના બધા ભાગોને જકડી રાખતાં, ચામડી સાથે સતત ઘસાયા કરતાં કપડાં એકદમ સરી પડ્યાં હોય અને શરીર હવાના સરોવરમાં સેલારા મારતું હોય એવું લાગ્યું. ગુસ્સો તો ક્યાંય દૂર રહી ગયો. દુઃખ પણ બધું સુકાઈને ખરી પડ્યું. વ્યોમેશે આ લાંબાં વર્ષોમાં જે કાંઈ કર્યું હતું અને ગઈ રાતે જે કાંઈ કહ્યું હતું — કશાનો ઉઝરડો હૃદય પર રહ્યો નહીં. રાતોરાત જૂના મનના સ્થાને કોઈક નવું, ભૂતકાળના અનુભવથી મુક્ત, દુઃખના આંકા-ઘસરકા વિનાનું ચોખ્ખું મન આવી ગયું હતું. આ શું થયું? ગઈ કાલ સુધી તો સવાર પડે ત્યારે સાંજે શું થશે તેની ચિંતા થતી, ને સાંજ પડે ત્યારે કાલની સવાર કેવી ઊગશે એની ફિકરથી મન ઘેરાઈ રહેતું. અને એકાએક એ બધું મનમાંથી નીકળી ગયું. જાણે આ કાંઠે બધા તાપ-સંતાપનું પોટલું મૂકી, તે સામે કાંઠે ચાલી ગઈ. દિવસ આખો શાંતિથી પસાર કર્યો. સાંજે રોજના સમયે વ્યોમેશ ઘેર આવ્યો નહીં. વસુધાએ હર્ષ, અશેષ, કમલ — બધાંને પોતાના રૂમમાં બોલાવ્યાં. ધીમા શાંત અવાજે આખી વાત કરી. તેને નવાઈ લાગતી હતી કે પોતાની અંદર કશી અસ્વસ્થતા, ઉત્તેજના નહોતી. અંદર કાંઈ હતું જ નહીં, માત્ર અવકાશ હતો. ‘પણ કારણ શું?’ અશેષ ગુસ્સે થઈને બોલ્યો. ‘આટલાં વર્ષ પછી છૂટા થવાનું? આવું કોઈએ સાંભળ્યું છે કદી?’ ‘પશ્ચિમના દેશોમાં સાંભળ્યું છે.’ સલીના બોલી. ‘આ પશ્ચિમ નથી, ભારત છે.’ ‘મનુષ્ય-સ્વભાવ બધે સરખો હોય છે.’ ‘તું કોઈ દબાણ નીચે આવી જઈને હા ન પાડી દેતી, માં!’ હર્ષના અવાજમાં વિનંતી હતી. ‘અમે બધાં જ તારા પક્ષે છીએ. અમે પપ્પાને સમજાવીશું. નહીં માને તો તેમની સામે લડી લઈશું, સત્યાગ્રહ કરીશું. આ તે કાંઈ તેમની રીત છે?’ ‘હું આજે જ દીપંકરને અમેરિકાથી આવી જવા તાર કરું છું. તે પપ્પાને પહોંચી વળશે. એમનો લાડકો હતો ને!’ અશેષે કહ્યું. વસુધા સાંભળી રહી. તેને થયું : વ્યોમેશના બધા જ સંબંધો કાચા હતા. પોતાની સાથેનો અને દીકરાઓ સાથેનો પણ. કમલ ને સુનીલા સાથે તો માત્ર કામ ચીંધવા પૂરતો જ સંબંધ હતો. એક જ મકાનમાં રહેતાં હતાં, એક ટેબલ ૫૨ જમતાં હતાં, સગપણથી જોડાયેલાં હતાં પણ પરસ્પર સંબંધિત નહોતાં. વ્યોમેશે કોઈ દિવસ કમલને શું જોઈતું હશે કે સુનીલાની શું આકાંક્ષાઓ હશે, એ જાણવાનો રસ નહોતો દર્શાવ્યો. એને એવો વિચાર પણ નહીં આવ્યો હોય. વસુધાને માટે જ નહોતો કર્યો, તો એ બેને માટે તો ક્યાંથી કરે? અને સલીના માટે તો એના મનમાં જગ્યા જ ક્યાંથી હોય? તેની સંબંધાવાની ક્ષમતા કેટલી ઓછી હતી! — વસુધાએ વિચાર્યું. ‘મા, તું જરા પણ ફિકર કરીશ નહીં. પપ્પાનો સ્વભાવ જાણી, અમે નકામો ઘરમાં ક્લેશ થાય માની બહુ વાતો કે દલીલો કરવાથી દૂર રહ્યાં છીએ, પણ આવી બાબતમાં અમે ચૂપ નહીં રહીએ. આ તો હદ કહેવાય. ત્રેપન વર્ષની ઉંમરે કોઈ છૂટાછેડા માગે એ વાત જ કેટલી બેહૂદી છે?’ ‘તો શું એમને આ ઉંમરે હવે મા ગમતાં નથી, એટલે ફરી લગ્ન કરવાં છે?’ કમલે પૂછ્યું. ‘અરે હા, એક વાત મેં કોઈને કહી નહોતી તે યાદ આવે છે.’ સુનીલા બોલી. ‘એક વાર હું એક નાટકના રિહર્સલમાંથી ઘેર આવતી હતી ત્યારે મેં એમને એક રેસ્ટોરાં પાસે ઊભેલા જોયા હતા. સાથે એક સ્ત્રી હતી.’ ‘પછી? પછી?’ અશેષ અધીરતાથી બોલ્યો. ‘પછી તેમણે એક ટૅક્સી બોલાવી ને બન્ને અંદર બેઠાં. મેં એમને જોયાં છે એવો ખ્યાલ ન આવે માટે હું જરા બાજુએ થઈ ગઈ હતી. પછી ટૅક્સી ચાલી ગઈ. મને થયું, હશે કોઈ ઑફિસની પરિચિત બાઈ. એમ ખાલી બે જણને સાથે જોવાથી કશું અનુમાન થોડું જ કરાય? પછી તો હું એ વાત ભૂલી પણ ગઈ હતી. આજે યાદ આવી.’ એ બન્ને બહુ નિકટતાથી વાત કરતાં હતાં?’ હર્ષે પૂછ્યું. ‘એવું મને બહુ ધ્યાન નથી.’ સુનીલાએ નિખાલસતાથી કહ્યું. થોડી વાર બધાં ચૂપ રહ્યાં. ‘ત્રેપન વર્ષે છૂટાછેડા?’ હર્ષ ફરી બોલ્યો ને માથું ધુણાવ્યું. ‘ના ના, આ કાંઈ સહી શકાય એવી વાત નથી. આવું તે વળી ક્યાંય જોયું છે?’ ‘હા પશ્ચિમના દેશોમાં…’ સલીના ફરી બોલી. બધાંને હસવું આવી ગયું. વાતાવરણ જરા હળવું થયું. ‘એ મજાક તો નહોતી ને, તને ખાતરી છે?’ હર્ષે વસુધાને પૂછ્યું. ‘કાલે એપ્રિલની પહેલી તારીખ હતી?’ તેનાથી મનાતું નહોતું કે આવું ખરેખર બની શકે! ‘પપ્પા આવે એટલે વાત. આપણે અત્યારે ને અત્યારે બધી વાતનો ફેંસલો કરીશું.’ ‘તમે બધાંએ જે કહેવું હતું તે કહી લીધું હોય, તો હવે હું કહું તે સાંભળશો?’ વસુધા બોલી. તેને રહી રહીને પોતાના વિશે આશ્ચર્ય થયા જ કરતું હતું. મને દુઃખ કેમ નથી થતું? હું ભાંગી કેમ નથી પડી? આ બીજી સ્ત્રીની વાત સાચી હોય — તો મારું હૃદય સળગી કેમ નથી ઊઠતું? બધાં ચૂપ થઈ ગયાં. વસુધા ધીમા પણ તદ્દન સ્પષ્ટ ને દૃઢ અવાજે બોલી : ‘તમે મારી આટલી ચિંતા કરો છો તેથી મને સારું લાગે છે; પણ મેં નિર્ણય કરી લીધો છે. એમને છૂટાછેડા જોઈતા હશે તો હું આપીશ.’ બધાં એકદમ ગણગણાટ કરી ઊઠ્યાં. ‘શું મા તું પણ…’ અશેષ ઠપકાના સૂરે બોલ્યો. વસુધાએ હાથ સહેજ ઊંચો કરી તેને આગળ બોલતો અટકાવ્યો. ‘એમણે માગણી કરી તે પળથી નહીં, પણ ત્યાર પછીની કોઈ એક પળથી હું એ માટે પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છું.’ તેના બોલવામાં લેશમાત્ર આવેગ નહોતો. ‘તમને બધાંને લાગે છે કે એમણે મારો આ દ્રોહ કર્યો કહેવાય. પણ મને એવું નથી લાગતું. કોને ખબર એમના માટે પણ આ કદાચ, સાચા થવાની શરૂઆત હોય!’ વસુધાની આંખમાં એક ચમકાર આવ્યો. ‘તમે બધાં મારે પક્ષેથી જ વિચારો કરો છો. તમારી આ લાગણીથી મને આનંદ થાય છે. પણ જરા એમના ખૂણેથી વિચાર કરી જુઓ. આ કહેતાં પહેલાં તેમને પણ ઘણી મથામણમાંથી પસાર થવું પડ્યું હશે. તેમને એવી કોઈક વસ્તુની જરૂર હશે, જે મારામાંથી તેમને કદાચ મળતી નહીં હોય. તેમને મારે વિશે ખૂબ અસંતોષ હશે. મારું સાથે હોવું તેમને માટે કદાચ સહ્ય નહીં રહ્યું હોય. આપણે ત્યાં મોટા ભાગના લોકો એમ માને છે કે ગમે તેમ કરીને સંબંધ ટકાવી રાખવો, પડ્યું પાનું નિભાવી લેવું — તે આદર્શ છે. હું પણ પહેલાં એમ જ માનતી હતી. પણ હવે મને એવું નથી લાગતું. હું છૂટાછેડા આપવાની ના પાડી શકું અને અમે આખી જિંદગી એકબીજાને ત્રાસ આપતાં સાથે જીવીએ એમ બને. વધારામાં તેમને જો કોઈ સાથે સંબંધ હોય તો તે ખાનગી રાખવો પડે, એથી એમને પણ તકલીફ તો થાય જ ને! દરેક માણસને સાચા થવું ગમતું હોય છે. એને બદલે કશું ગુપ્ત રાખવું પડે, જૂઠાણા વડે ઢાંકવું પડે, ઘરના લોકોના ઉપાલંભ સામે રીઢા થઈ જવું પડે, જાતજાતની પરિસ્થિતિઓને સાંભળતાં સતત સાવચેત રહેવું પડે…હું છૂટાછેડાની ના પાડી, એમને આવું બધું કરવાની ફરજ પાડું — એ જુલમ ન કહેવાય?’ ‘પણ મા, એ પોતાના જ સુખનો વિચાર કરે છે. એમણે તારો વિચાર કર્યો જ નથી!’ અશેષે કહ્યું. ‘કર્યો હશે દીકરા, એટલે તો આટલા વખત સુધી તે બોલ્યા નહીં. એમણે જોયું કે તમે બધાં છો —’ તે હસી. ‘આ ઉંમરે હું પરિપક્વ ને સ્વાધીન ન કહેવાઉં? જિંદગી આખી તેમનો આશ્રય મળે તો જ હું જીવી શકું?’ ‘મને આ મંજૂર નથી.’ હર્ષે કહ્યું. ‘મને પણ નથી.’ અશેષ બોલ્યો. વસુધાએ સંતાનો પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવી. ‘સાંભળો, એમને મુક્ત કરવાથી હું પણ મુક્ત થઈ શકું — એમ પણ બને. ન બને શું?’ હર્ષ ને અશેષ તેની સામે તાકી રહ્યા. “આજ સુધી હું એમને અનુલક્ષીને, એમના સંબંધમાં, એમના અનુસંધાને જ જીવી છું. એમને માટે ચા બનાવવી, એમના માટે પાણી કાઢવું, એમને ભાવતું રાંધવું, એમની રાહ જોવી, એમને અગવડ ન પડે તેની કાળજી રાખવી — એની સામે જ મારી નજર હંમેશા મંડાયેલી રહી છે. મને લાગે છે, હવે મારે એવું નહિ કરવાનું હોય તો મને ગમશે. હવે મને એકલાં હોવું ગમશે. જિંદગીનો અંત આવે ત્યારે તો સંબંધો પૂરા થાય જ છે ને? આ સંબંધ થોડોક વહેલો પૂરો થયો — એમાં આટલા વ્યગ્ર થવાની શી જરૂ૨ છે?’ તેના મોં પર નિશ્ચયાત્મકતાનું તેજ હતું. આ પછી શું બોલવું તે કોઈને સૂઝ્યું નહીં. ઘણી વાર સુધી બધાં બોલ્યા વગર બેસી રહ્યાં. છેવટ અશેષ બોલ્યો : ‘જોકે મને આ બધું ગમતું નથી, પણ તેં આટલું બધું નક્કી કર્યું છે તો —’ ‘તું રહીશ તો અમારી સાથે જ ને?’ હર્ષે કહ્યું. ‘અમે થોડા વખતમાં જુદો ફ્લૅટ લેવાના છીએ. તમે અમારી સાથે રહેજો.’ સુનીલાએ કહ્યું. ‘અને પૈસાની ચિંતા તો જરા પણ કરતી જ નહીં!’ હર્ષે કહ્યું. મનમાં કહ્યું : પપ્પા સાથે હું પણ રહેવાનો નથી તો! …બધાના ગયા પછી કમલ એકલી વસુધા પાસે આવી. બહુ નજીક આવીને બેઠી. ધીરા અવાજે કહ્યું : ‘બીજાઓને ભલે ન સમજાય, પણ મને તમારી વાત સમજાય છે હં, મા! તમે આ રૂમમાં પલંગ ખસેડાવ્યો ત્યારે જ મને હતું કે કાંઈક બનશે.’ અને અવાજને હજુ વધારે ધીરો કરીને બોલી : ‘આ એક બાબતમાં, ધે હાર્ટલી રિસ્પેક્ટ અવર ડિઝાયર ઓર લૅંક ઑફ ઈટ.’ વસુધાએ કમલ સામે એક સમજણભરેલું સ્મિત કર્યું. સહસા કમલને થયું — પચાસ વર્ષેય માનો ચહેરો આકર્ષક લાગે છે!

*

વસુધાએ મનમાં વિચારી લીધું હતું : આગળનો માર્ગ નક્કી કરતાં પહેલાં થોડા દિવસ વિનોદને ત્યાં રહેવાનું. જરૂરી થોડી ચીજવસ્તુઓ અને બે-ચાર કપડાં એક બૅગમાં ભરીને તે નીકળી. સલીનાને સાથે જવું હતું, પણ વસુધાએ કહ્યું : ‘ત્યાં થોડા જ દિવસ છું. પછી શું કરવું, તે જોઉં છું. બધું ગોઠવાય પછી તું આવજે.’ હર્ષ-અશેષે કહ્યું : ‘અમે તને વિનોદમામાને ઘેર મૂકી જઈએ, પણ વસુધાએ ના પાડી.’ વિદાય આપતાં દીકરાઓને ગળે ડૂમો ભરાયો, પણ વસુધાએ તેમને ખભો થાબડી સ્વસ્થ કર્યા અને ‘તમે જુદું ઘર કરો, પછી જોઈશું.’ — કહીને તે ટૅક્સી કરીને વિનોદને ઘરે ગઈ. બૅગ સાથે બહેનને આવેલી જોઈ વિનોદ તો સ્તંભિત જ થઈ ગયો. વસુધાએ બધી વાત કરી. વિનોદના મોં પર પ્રશંસાના ભાવ આવ્યા : ‘તેં બરોબર જ કર્યું છે વસુધા. તારે અહીં જેટલું રહેવું હોય તેટલું નિશ્ચિંત થઈને રહેજે, અને જરાયે નિરુત્સાહ થતી નહીં. જીવન એ કાંઈ જેમતેમ, જે-તે સંબંધમાં, જેવી-તેવી રીતે પૂરું કરી નાખવાની બાબત થોડી જ છે? એનું તો એક સુંદર કલાકૃતિની જેમ આપણે સર્જન કરવું જોઈએ, ભલેને સંજોગો ગમે તેવા હોય!’ વસુધા નિરાંતે પગ લંબાવીને બેઠી. વિનોદે હૃદયપૂર્વક તેને આવકારી હતી. અહીં થોડા દિવસ તો સુખેથી રહી શકાશે. અચાનક યાદ આવતાં વિનોદ બોલ્યો : ‘પણ વસુધા, તું તો કેવી ગભરુ ને નરમ હતી! આવડો મોટો નિર્ણય ક૨વાની શક્તિ ને હિંમત તારામાં ક્યાંથી આવ્યાં?’ ‘એનું એક રહસ્ય છે.’ વસુધા સ્મિત કરતાં બોલી. મને કહી શકાય તેમ હોય તો કહે. હું જાણવા આતુર છું.’ વિનોદે કહ્યું. વસુધા સહેજ વાર શાંત રહી. પછી બોલી : ‘તે રાતે વ્યોમેશે વાત કરી ત્યારે થોડીક વાર તો મને મારું જીવન અંધારા કૂવામાં ગરક થઈ જતું લાગ્યું. આવું બને જ શી રીતે? મેં વારંવાર પ્રશ્ન ઘૂંટ્યા કર્યો. મારા રૂમમાં એકલી જઈને હું બેઠી ત્યારે મને થયું કે આજે રાતે હું ઊંઘી જાઉં ને સવારે મારી આંખ જ ન ઊઘડે તો કેવું સારું! હું શી રીતે પરિસ્થિતિનો સામનો કરીશ? કયા મોંએ બધાંની સામે ઊભી રહીશ?’ ‘મારું મન તરફડાટ કરવા લાગ્યું. આટલાં બધાં વર્ષ સુખદુઃખમાં મેં સાથ આપ્યો તેનો આ બદલો? મન ચીસ પાડી ઊઠ્યું. વિદ્રોહ ને કડવાશથી ભરાઈ ગયું, વેર વાળવાનાયે વિચાર આવ્યા.’ ‘ઊંઘ તો આવે જ ક્યાંથી? મારી નાનકડી રૂમમાં આંટા માર્યા. પાણી પીધું, બારી પાસે ઊભી રહી. બારીની બહાર જોયું. તેં મારો એ રૂમ જોયો છે, ભાઈ? એને મોટી બારી છે. આખી બારી ઉઘાડી નાખી. અંદર ધસમસાટ કરતું ચાંદનીનું પૂર ફેલાઈ આવ્યું. આકાશમાં જોયું. ચંદ્ર હસતો હોય એમ લાગ્યું. મેં જોયા કર્યું. ચંદ્ર ધીમે ધીમે ખસતો હતો. બારીમાં પહેલાં દેખાતા હતા તે તારા પશ્ચિમ તરફ સરી ગયા હતા ને હવે બીજા તારાઓ મધ્યાકાશમાં આવ્યા હતા. મેં જોયા જ કર્યું. ધીમે ધીમે મારો આવેગ શમી જવા લાગ્યો. ઉશ્કેરાટ ઓછો થયો. વિચારો શાંત થયા. વેરની ભાવના મનમાંથી સરી ગઈ. મન વિચાર વગરનું થવા લાગ્યું. ચંદ્રનો સૌમ્ય મોહક તેજપિંડ, પારદર્શક સફેદ રંગના વાદળ, તારાઓનો શ્વેત ચમકા૨, એ બધાંને સમાવી રહેલું ગહન શ્યામ આકાશ, બધું જોતાં જોતાં મન સાવ વિચારહીન થઈ ગયું. અંદર કોઈ વિક્ષેપ રહ્યો નહીં, કોઈ ઘર્ષણ રહ્યું નહીં. મારી ને આકાશની વચ્ચે, અફાટ અગાધ સુંદરતા ને મારી વચ્ચે કોઈ ભેદ રહ્યો નહીં. હું જ આકાશ બની ગઈ હોઉં એવું લાગ્યું. એક નિસ્તરંગ, નિઃશબ્દ સંપૂર્ણ સુંદર આકાશ. અને તે જ મારું મન. તે જ ચંદ્ર અને તે જ તેનો મધુર શીળો પ્રકાશ. ‘તે વખતે મને સમજાયું — દુઃખ આવી પડતાં જે મન કડવાશની લાગણી ઘૂંટે છે તે નિર્બળ છે. ક્ષુદ્ર મન જ વેર લેવાની ઇચ્છા રાખે છે. મારી અંદર ચાલતા ઝઘડાનો અંત આવી ગયો. મેં વિચાર પણ નહોતો કર્યો ને અંદરથી એક નિર્ણય ઊપસ્યો કે વ્યોમેશને મારે મુક્ત કરવા જોઈએ. મને થયું — ભૂતકાળના એક અધૂરા ખોટા કાચા સંબંધનો અહીં અંત આવે છે. કદાચ એ પ્રમાણે જ નિર્માણ છે. તો ભલે એમ થાય. કશાને વળગવું, એને માટે સળગવું, એ માટે ઝાવાં મારવાં, હાથ ફેલાવવા, રુદન કરવું બધું મિથ્યા છે. વાદળ હોય, વરસાદ હોય, અમાસ હોય, સૂર્ય હોય, ગ્રહણ હોય — આકાશ નિષ્પલક નેત્રે બધું જોયા કરે છે. હું પણ બધું નિષ્પલક નેત્રે જોઉં છું. કંઈ દુઃખ નથી, કોઈ પીડા નથી. પકડી રાખવું તે પીડા છે. સત્યને સત્ય તરીકે જોવામાં વેદનાનો અંત છે…’ વિનોદ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. વસુધાએ આંખો બંધ કરી — જાણે ફરી વાર એ અનુભવને જીવતી હોય! ‘પછી હું ઊંઘી ગઈ. સવારે ઊઠી ત્યારે મન સ્વચ્છ ને સ્પષ્ટ હતું. હિંમત એકઠી કરવાની, જોર કરીને નિર્ણય પર પહોંચવાની જરૂર જ ન રહી. બધું જાણે આપમેળે બની આવ્યું.’ તે હસી. ‘એ અનુભવ હું કદી ભૂલીશ નહીં. એણે મારો માર્ગ બહુ સ્પષ્ટ કરી આપ્યો.’ વિનોદ અભિભૂત થઈ ગયો. તેને તો વારે વારે આંસુથી ભરાઈ જતી આંખોવાળી વસુધાનો પરિચય હતો. એની ભીતરમાં આવી અદ્ભુત શક્તિ પડેલી હશે તેનો કોને ખ્યાલ જ હતો!

*

થોડા દિવસોમાં વસુધાનું મન પાછું ધરતી પર આવી ગયું. પણ આકાશનો જે સંસ્પર્શ તે પામી હતી, તે તેની અંદર બળ બનીને સ્થિર થયો હતો. વિનોદે તેને આનંદગ્રામની વાત કરી અને એક વાર રેસ્ટોરાંમાં ભેટો થઈ જતાં અમારા બધાં સાથે તેની ઓળખાણ પણ તેણે કરાવી. એ પછી એક વાર અમે રસ્તામાં મળી ગયાં ત્યારે તેણે પૂછેલું : ‘તમે લોકો રહો છો, ત્યાં હું આવી શકું?’ પણ તેનું આવવાનું જરા વિચિત્ર રીતે બન્યું. વિનોદને ત્યાં તે આવી પછી આઠેક દિવસે વિનોદના એક મિત્રનો અચાનક તાર આવ્યો. એક જરૂરી કામે તેણે વિનોદને તરત દિલ્હી બોલાવ્યો હતો. મોડી સાંજનું વિમાન હતું. વસુધાએ કહ્યું : ‘ચાલ, હું મૂકવા આવું.’ તેને બહાર જવાની આ મુક્તિ બહુ સારી લાગતી હતી. ઘેર હતી ત્યારે તો ક્યાંય પણ જવું હોય તો વિચાર કરવો પડતો, ગોઠવણ કરવી પડતી, ઘરમાં સૂચના આપવી પડતી. અને હવે વિચાર આવે કે તે બહાર જઈ શકતી. આ તેને સુખદ લાગતું હતું. વિમાનમથકે વિનોદને મૂકી આવ્યા પછી તે જરા દૂર ફરવા નીકળી ગઈ. ધીરે ધીરે બધું જોતાં તે ધાર્યા કરતાં વધુ દૂર ચાલી ગઈ. સૂર્ય આથમી ગયો હતો અને એકાએક જાણે દુનિયાનો કોલાહલ વિરામ પામી ગયો હોય એવી નિઃસ્તબ્ધતા અંધારાની છાયા ઓઢીને પૃથ્વી પર ઊતરી પડી. ફરી એક વાર શીતલ અસીમ શાંતિનો અનુભવ થયો. એક નાની ટેકરી પર બેસી તેણે પોતાના અસ્તિત્વને વિસ્તરતું જોયા કર્યું. ઘણી વાર પછી તે ઊઠી ત્યારે અંધારું થઈ ગયું હતું. ફરી તે પૃથ્વી પરના જીવન સાથે સંપર્કમાં આવી. ઘેર જવા માટે તેણે વાહનની શોધ કરવા માંડી, પણ એ રસ્તેથી કોઈ વાહનો પસાર થતાં નહોતાં. તે ઝડપથી ચાલવા લાગી. સહસા તેને યાદ આવ્યું કે આનંદગ્રામ આટલામાં જ છે. તે ઉતાવળે ચાલતી ત્યાં પહોંચી ત્યારે તો રાત પડી ગઈ હતી. આવા સમયે ત્યાં જતાં તેને જરા સંકોચ થયો. અમારાં બધાંનો તેને બહુ પરિચય તો નહોતો જ, છતાં ઉપાય નહોતો. આનંદગ્રામ શોધી કાઢીને તે અંદર આવી. અનાયાસ તેણે મારી જ રૂમ પર ટકોરા માર્યા, અને મેં દ્વાર ઉઘાડ્યાં ત્યારે તે કંપતા અવાજે બોલી : ‘આજની રાત હું અહીં રહું, ઈશા?’