સાત પગલાં આકાશમાં/૩૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૬

વેરાન ધરતીમાં સુકાતા ગયેલા, પણ પોતાની કોઈક શક્તિથી ટકી રહેલા એક છોડને છેવટ કોઈ અદૃષ્ટ હાથોએ ઊંચકીને કાંપવાળી ફળદ્રુપ જમીનમાં વાવ્યો અને પછી વાટ જોઈ. એક રાત માટે આવેલી વસુધા સવારે જાગી ત્યારે એક અચંબો તેના ઉંબર પર રાહ જોઈને ઊભો હતો. પહેલાં વિનોદ સાથે તે અમને મળી ત્યારે અમારી સાથે મિત્રા નહોતી. આનંદગ્રામમાં વસુધાના આવવા વિશે ખબર પડતાં, તે સવારમાં ઉતાવળે પગલે આવી. વસુધા નામ તો ભૂતકાળની ગલીઓમાં પડઘાયું હતું! આવીને તે વસુધાને ઓળખવા મથતી હોય એમ જોઈ રહી. મેં ઓળખાણ કરાવી : ‘વસુધા, આ મિત્રા!’ વસુધા પણ મિત્રાનો ચહેરો ધ્યાનથી નીરખી રહી. પછી ઉત્તેજિત થઈને બોલી : ‘સુમિત્રા? સુમિત્રા તો નહીં?’ મિત્રા તેને ઉમળકાથી ભેટી પડી. ‘હા, સુમિત્રા જ… પણ હવે મિત્રા.’ ‘મને હતું જ કે કોઈક દિવસ આપણે મળી જઈશું.’ વસુધાના અવાજમાં આનંદ ઢોળાતો હતો. ‘મને પણ.’ મિત્રા ખરેખર ખૂબ ખુશ થઈ હતી. ખુશીના એ ધોધમાં, વચ્ચેનાં ન-મળ્યાનાં પચીસ વર્ષ પલકવારમાં ધોવાઈ ગયાં. નવા જીવનની શરૂઆત તો શુકનવંતી થઈ! — વસુધાને થયું. મિત્રાએ તેને પોતાની સાથે રહેવા આવવા આમંત્રણ આપ્યું અને વિનોદ દિલ્હીથી આવ્યો કે વસુધા આનંદગ્રામમાં રહેવા માટે આવી. અહીં આવતાં સહુથી પહેલો અનુભવ હળવાશનો થયો. બધા વાઘા જાણે ઉતારી દીધા. તાણ નહીં, તંગદિલી નહીં, સમયનું દબાણ નહીં. આખા વાતાવરણમાં એક પ્રકારની નિરાંતવી હવા. મન પર રોજિંદા ઘરેડિયા કામનો ભાર ન હોય એવું વસુધાએ જિંદગીમાં આ પહેલી વાર અનુભવ્યું. અંધકારના જળમાંથી ઉષાનું કમળ ધીરે ધીરે પ્રસ્ફુટિત થાય તેમ અહીં દિવસો ધીરે ધીરે, અવાજ કર્યા વિના ઊઘડતા. અહીંના જીવનની સાદગી જોઈ તેણે તાજગી અનુભવી. ઘેર તો ઊઠતાંવેંત કેટલી ધમાલ ને ઉતાવળ! બધાં કામ ઘડિયાળને કાંટે તોળાઈ રહેતાં. એકનો સમય આઘોપાછો થાય તો ‘ચેઇન રીઍક્શન’ની જેમ બધાંને એની પ્રતિક્રિયા નડતી. અશેષ-સુનીલા વચ્ચે ઘણી વાર ઊંચા સાદે વાતો થઈ જતી તેનું કારણ આ તાણ જ હશે. માણસ ઉતાવળમાં હોય ત્યારે તેની સાથે સૂર મેળવી શકાતો નથી. આનંદગ્રામમાં બધાંને કામ હોવા છતાં બધાંને પોતાનો લય હતો. સહેજે બધાંની સાથે આત્મીય સંબંધ બાંધી શકાય એવી અહીંની જીવનશૈલી હતી. અહીં બધાંનાં વ્યક્તિત્વ જુદાં હતાં, શક્તિઓ જુદી હતી, રુચિ જુદી હતી, પણ બધાં સમાનભાવે જીવતાં હતાં. અહીં ઊંડામાં ઊંડી સંવેદના પ્રગટ થવાની તક હતી. એ સ્વતંત્રતા હતી. એ પ્રેમ હતો. ઘરની વાત યાદ આવતાં વ્યોમેશ યાદ આવ્યો. તેને શું લાગ્યું હશે એની ખબર પડી નહીં. ગુસ્સો જ આવ્યો હશે. પણ હવે એ બાબત સાથે પોતાને સંબંધ ન હોય એવું લાગ્યું. સલીના યાદ આવી. સલીનાને પોતાની પાસે આવવું ગમશે. અને એ પોતાનું જુદું ઘર હોય તો જ બની શકે. મિત્રા સાથે થોડો વખત રહેવાનું બરાબર છે, પણ હંમેશ રહેવું હોય તો જુદું ઘર બનાવવું જોઈએ. પણ એ માટે પૈસા ક્યાંથી લાવવા? પોતાનો સઘળો શ્રમ ને સઘળી શક્તિ સમર્પીને જે ઘર સંભાળ્યું હતું, સ્નેહના સ્પર્શ વડે સજીવ બનાવ્યું હતું તે ઘર તો વ્યોમેશના એક વાક્યથી ‘પોતાનું’ મટી ગયું હતું. હવે એક નાનું ઘર બનાવવું જોઈએ, જે ‘પોતાનું’ હોય. અને રોજના નિર્વાહ માટે પણ વ્યવસ્થા કરવી પડશે તો! કમાવાના વિચારમાત્રથી તેને રોમાંચ થયો. કોઈ દિવસ જાતે રોટલો રળવાની પરિસ્થિતિમાં મુકાવું પડશે એવી કલ્પના તો કરી નહોતી…પણ હું શું કરીશ? મને કાંઈ આવડતું તો નથી! શરૂના થોડા દિવસ તો તે વિચારમાં ડૂબેલી રહી. પોતે જે કર્યું છે તે બરાબર કર્યું છે તેમ લાગતું હતું. તે વિશે અફસોસ નહોતો કે એક અણધારી પરિસ્થિતિમાં મુકાઈ જવા બદલ ચિંતા નહોતી. પણ રહી રહીને મનમાં સવાલ ઊઠતો : ‘એક બંધાયેલું ઘર વિખરાઈ ગયું. આ શું યોગ્ય થયું?’ ફૂલઘરમાં બેસીને તેણે કટકે કટકે કરીને પોતાની આખી વાત અમને કરી ત્યારે તે ફરી ઉદાસ થઈ ગઈ હતી. તેને એ પણ નવાઈ લાગી કે એક વખત પોતાના હૃદયમાંથી બધો શોક સરી પડ્યો હતો ને વળી મનમાં આ કંઈક ખટકવા કેમ લાગ્યું? તે આવી તેના ચાર-પાંચ દિવસ પછીની વાત. સ્વરૂપે તેને કહી રાખેલું કે તમને અનુકૂળ હોય ત્યારે મારા ફળબાગમાં આવજો. ત્યાં મારા એક હજાર મિત્રો તમને મળીને રાજી થશે. વસુધા પહેલાં તો સમજી જ નહીં કે એક માણસને આટલા બધા મિત્રો શી રીતે હોય! તે દિવસે તેનું મન સહેજ ઉદાસ હતું. એકલી ફરતી ફરતી તે ફળબાગ તરફ ગઈ. દૂરથી તેણે સ્વરૂપને જોયો. એક વૃક્ષને અઢેલીને તે બેઠો હતો. આંખો બીડેલી હતી. વૃક્ષ જેટલો જ તે શાંત અને સ્થિર લાગતો હતો, જાણે વૃક્ષનો જ એક અંશ હોય! વસુધા ધીમા પગલે તેની નજીક ગઈ. તેને વિક્ષેપ ન થાય તે રીતે. પણ તેનાં આંદોલનો સ્વરૂપને પહોંચ્યાં હોય, તેમ તે સમીપ પહોંચી કે સ્વરૂપે આંખો ઉઘાડી, અને વસુધા સામે એક મૃદુ સુંદર સ્મિત કર્યું. કોઈનુંયે માત્ર સ્મિત શું આટલી બધી શાતા ને આશ્વાસન આપનારું હોઈ શકે? તે તેની સામે ભોંય પર જ બેસી ગઈ. સ્વરૂપની આંતરબાહ્ય શાંતિ પાસે તેનું પોતાનું જીવન દરિદ્ર, વિફળતાઓથી ભરેલું લાગ્યું. પોતે ઘણું સહન કર્યું હતું, પણ એ સહન કરવામાં કશી મહત્તા તો નહોતી! અને એક રાતે આકસ્મિક જ જે એક ચમત્કારિક અનુભવ થયો હતો, અને જે અનુભવે તેને ઘર છોડવાની શક્તિ આપી હતી તે પણ હવે ઝાંખો પડવા લાગ્યો હતો. તેનું હૃદય અસ્થિર થઈ ઊઠ્યું. ‘હું સાચા માર્ગે છું? મને કહો, મેં જે કર્યું તે બરોબર કર્યું છે?’ તેની આંખમાં આંસુ આવ્યાં. સ્વરૂપ તેના સ્વભાવ મુજબ ઘણી વાર સુધી મૌન રહ્યો અને પછી તે બોલ્યો ત્યારે શબ્દો તેના હૃદયમાંથી આપમેળે ફૂટતા હોય તેમ બહાર આવ્યા : ‘જે માણસ પોતાની અંદર એકાકિતા સિદ્ધ કરે છે તેના જ સંબંધો સાચા બને છે, કારણ કે પછી એ સંબંધો પોતાને માટે કંઈક પામવા અર્થે નથી હોતા, સામેની વ્યક્તિ એમાં પછી પોતાની તૃપ્તિ માટેનું માધ્યમ નથી બનતી. એ સંબંધ સ્થૂળ સગાઈ અને સ્થૂળ અપેક્ષાઓ પારનો સંબંધ હોય છે. તેમાં પ્રેમ અને આદર હોય છે, આગ્રહ, જબરદસ્તી કે માગણી નથી હોતાં. અને એ માટે માણસ પોતાની અંદર શોધ કરે, પોતાનાં અત્યાર સુધીનાં કાર્યો-સંબંધો તપાસે, ફંફોળે, તેને વિશે પ્રશ્નો કરે, એ સારું જ છે. એથી ઉપરથી ક્યારેક બધું વિખરાઈ જતું, તૂટી-ફૂટી જતું લાગે તોપણ તેમાં કલ્યાણ જ હોય છે.’ તે સહેજ અટક્યો અને દૂર દેખાતી ટેકરીઓ તરફ નજર નાખી : ‘એક અનુભવ જીવનમાં બસ થઈ પડે એવું ન પણ બને, પણ તે રૂપાંતરની, વધુ શક્તિ આનંદ પ્રકાશ પૂર્ણતા તરફ જવાની શરૂઆત થઈ હોવાનો સંકેત તો આપે જ છે.’ ‘તમને લાગે છે, મારી ગતિ આનંદ ને પ્રકાશ તરફની છે? હું મારા ભૂતકાળથી શું એટલી અળગી થઈ શકું?’ સ્વરૂપે ડોકું હલાવ્યું. ‘શા માટે નહીં? માણસ ધુમ્મસમાંથી સૂર્યપ્રકાશમાં ન આવી શકે? તળેટીમાંથી શિખર પર આરોહણ ન કરી શકે?’ આ શબ્દો પાછળ રહેલી શ્રદ્ધાએ વસુધાના મન પર ઊંડી અસર કરી. પોતાની અંદર એકલતા સિદ્ધ કરવી — બહુ પ્રકાશિત શબ્દો હતા એ. કદાચ એ માણસ જ એવો પ્રેમ-સંબંધ રચી શકતો હશે, જેમાં પૂરી જવાબદારી હોય અને સાથે પૂરી સ્વતંત્રતા હોય. એકાએક થયેલા શોરબકોરથી તે જાગ્રત થઈ. છોકરાઓનું એક ટોળું આવ્યું હતું. વસુધાને સ્વરૂપે કહ્યું : ‘આવો, મારા મિત્રોની ઓળખ કરાવું.’ એ મિત્રો તે તેણે વાવેલી જામફળીનાં લીલાંછમ, ઘટાદાર પાનવાળાં ઝાડવાં. વસુધા તેની નજીક ગઈ કે પવનના એક સપાટાથી બધાં ઝાડવાં ડોલી ઊઠ્યાં. ‘તમે આવ્યાં તેથી તે બધાં રાજી થયાં છે.’ સ્વરૂપે કહ્યું. વસુધા તેના તરફ તાકી રહી. આ માણસ કયા પ્રદેશની ભાષા બોલે છે? જામફળી પર જામફળ આવવાને હજુ વાર હતી. પણ જાંબુના ઝાડ પર હજુ થોડાં જાંબુ હતાં. સ્વરૂપે છોકરાઓને પહેલાં જાંબુ ખવડાવ્યાં અને પછી જાંબુના ઠળિયામાંથી જાંબુ જ ઊગે અને જામફળનાં બીમાંથી જામફળ — તેમ સમજાવતાં જેનેટિક્સના સિદ્ધાંતો શીખવવા માંડ્યા. સ્વરૂપને બાળકો સાથે રહેવા દઈ વસુધા પાછી ફરી ત્યારે તેનું મન ફરી ચોખ્ખું બની ગયું હતું. ચાલતાં ચાલતાં યાદ આવ્યું. વિનોદે કહેલું : દરેક માણસનું તેના ઘર ઉપરાંત એક બીજું નિવાસસ્થાન હોય છે, જેમાં તે રહે છે. સ્વરૂપ શામાં રહેતો હશે? પોતાનામાં જ વળી — આપોઆપ જવાબ સ્ફુર્યો. એથી સ્તો તેનામાં આટલી શાંતિ, આટલી સ્થિરતા, આટલો વિસ્તાર છે. તે વૃક્ષ જેવો છે. ઊંડાં મૂળિયાં નાખેલો, નીચેથી ઉપર સુધી જીવંત, અજાણ્યાને પણ છાયા આપે તેવો. …અને હું શામાં રહું છું? એનો જવાબ હજી શોધવાનો હતો.

*

નવેસ૨થી વાવેલા છોડને પહેલું પાંદડું ત્યારે ફૂટ્યું જ્યારે વસુધાએ મિત્રાનું ગાલીચા બનાવવાનું કામ થોડા દિવસ જોયું અને પછી એને માટે નવી ડિઝાઇન બનાવી. ‘મિત્રા, આ ડિઝાઇન અને આ રંગો કેમ લાગે છે?’ મિત્રા જોઈને દિંગ થઈ ગઈ. ‘વાહ, આ તો ખૂબ સરસ છે! રંગપૂરણી પણ સુંદર છે. પહેલાં કદી ડિઝાઇન બનાવી છે? ચિત્રકળાનો અભ્યાસ કર્યો છે?’ વસુધા હસી પડી. ‘મેં તો ગાલીચા બનાવાતાં જ અહીં પહેલી વાર જોયા. અને ચિત્રકળા તો શું, મેં તો કોઈયે અભ્યાસ કર્યો નથી. પણ મને રંગો ગમે છે. કુદરતમાં કેટલા બધા રંગો છે એ વિશે મને હંમેશાં આશ્ચર્ય થયું છે.’ વિશ્વાસ ન બેસતો હોય એમ મિત્રાએ માથું હલાવ્યું. ધીમા અવાજે બબડી — આટલી બધી ટેલન્ટ, અને એને પ્રગટ કરવાની તક જ ન મળી? તે દિવસથી વસુધાએ મિત્રાના કામમાં થોડી થોડી મદદ કરવા માંડી. અગ્નિવેશની બેકરીમાં પણ તેને એટલો રસ પડ્યો કે થોડા વખતમાં ઘણું કામ સમજાઈ ગયું. અને અગ્નિવેશને દૂરની એક સંસ્થાએ પોતાને ત્યાં આવી બેકરી ઊભી કરવા બોલાવ્યો ત્યારે બેકરીની જવાબદારી વસુધાએ સંભાળી. જ્યારે પણ વખત મળે ત્યારે તે બીજાનાં કામમાં મદદ કરવા પ્રયત્નો કરતી. સ્ત્રીઓ પ્રત્યેના સમાજના વલણનું ભાષામાં ક્યાં કેમ પ્રતિબિંબ પડે છે તેના પર એના થોડું કામ કરતી હતી, તેમાં તો વસુધાને ખાસ મઝા આવી. ‘પતિ શબ્દ જુઓ જોઈએ’ તેણે એનાને કહ્યું. ‘પતિ શબ્દમાં જ માલિકીનો, અધિકા૨નો ભાવ છે, જેમ કે હળપતિ, ગૃહપતિ, રાષ્ટ્રપતિ; પણ પત્ની એટલે માત્ર કોઈની સ્ત્રી…પુરુષાર્થ શબ્દ પણ આ રીતે વિચારવો જોઈએ.’ ‘પણ તું કહેતી હતી કે તને કાંઈ આવડતું નથી! તને તો કેટલી બધી ખબર પડે છે!’ એનાએ પ્રશંસાપૂર્વક કહ્યું. ‘આ આનંદગ્રામની ભૂમિ જ એવી છે!’ જયાબહેન ત્યાં બેઠાં બેઠાં સાંભળતાં હતાં. તેમણે કહ્યું, ‘આજ સુધી બહાર ન દેખાયેલા, પણ અંદર રહેલા ગુણોને પ્રગટ કરવાની તે તક આપે છે!’ વસુધાએ નવું કામ શોધવાને બદલે આનંદગ્રામમાં ચાલતાં કામોમાં જ જોડાઈ જવાનું પસંદ કર્યું. અને પહેલી વાર તેના હાથમાં તેની કમાઈના પૈસા આવ્યા ત્યારે એક વિચિત્ર લાગણીથી તેનું હૃદય ભરાઈ ગયું. આ મારી મહેનતના પૈસા છે?… કેવી અજબ જેવી વાત! કામ તો આજ સુધી ખૂબ કર્યું હતું. આખી જિંદગી કર્યું હતું, પણ કમાણી કદી કરી નહોતી. અને આજે આ પૈસા માત્ર તેના હતા. એ કોઈ પાસેથી માગેલા નહોતા. એ ખર્ચવા વિશે કોઈને પૂછવાનું નહોતું. કોઈ એનો હિસાબ માગનાર નહોતું. તેણે આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અનુભવ કર્યો. વિફળતાની લાગણી ચાલી ગઈ. પોતામાંયે આવડત છે, પોતે કમાઈ શકે છે, આનંદગ્રામને ઉપયોગી થઈ શકે છે, એ ભાનથી આનંદ થયો. મનોમન વ્યોમેશનો આભાર માન્યો. એણે જે કર્યું તે ન કર્યું હોત, તો પોતાની અંદર આ શક્તિઓ છે એની ખબર ક્યારેય ન પડત. આ પૈસામાંથી સલીનાને આપીશ. કહીશ — તારા ક્રાન્તિના કામમાં વાપરજે. છોડને નવાં નવાં પાન ફૂટવા લાગ્યાં, અને એક દિવસ એને પુષ્પ પણ ફૂટ્યું, ત્યારે વસુધાએ કહ્યું : ‘અહીં કમળતળાવડી કેમ નથી? આવી સરસ વસાહતમાં કમળતળાવડી તો હોવી જ જોઈએ.’ અમને કોઈને તો આ વાત સૂઝેલી જ નહીં. તેનું સૂચન બધાંએ ઉત્સાહથી વધાવી લીધું. આભા, અલોપા, સ્વરૂપ, અગ્નિવેશ અને વસુધાએ મળી થોડા જ દિવસોમાં કમળતળાવડી બાંધી. અંદર કમળ વાવ્યાં. કાંઠા પર પથ્થરની બેઠક બનાવી. થોડા વખત પછી અહીં શ્વેત, નીલ, રક્તરંગી કમળો ખીલશે અને તેનાં મોટાં પાંદડાંથી પાણીની ઘણીખરી સપાટી ઢંકાઈ જશે. ઘેરથી બધાં અવારનવાર તેને મળવા આવતાં. માત્ર વ્યોમેશ એક્કે વાર આવ્યો નહીં. એક દિવસ કમલ એકલી આવી. કાગળમાં વીંટાળેલી કોઈક વસ્તુ વસુધાને આપી. ‘પપ્પાજીએ મોકલાવી છે.’ કુતૂહલ થયું. ખોલીને જોયું. એ જ પેલી સુખડની પેટી. અંદર મખમલથી મઢેલી. એમાં ઘરેણાં હતાં. પણ થોડાં. પિયરથી લાવેલી તે. સાસરેથી જે અપાયા હતાં તે બધાં વ્યોમેશે કાઢી લીધાં હતાં. પેલો હાર પણ નહોતો. પહેલાંનો વખત હોત તો ખૂબ માઠું લાગ્યું હોત. અત્યારે એટલું જ થયું : યાદ તો બરોબર રાખ્યું છે, કશી ભૂલ થઈ નથી. આ ઘરેણાં વડે મકાન બાંધી શકાય. પણ ના, આ તો સલીના માટે છે. તેને આપવાની વાત કરી છે. એક વાર એક વસ્તુ આપવાનું મન કર્યું એટલે એ આપી દીધી જ ગણાય.

*

— અને એક દિવસ દીપંક૨ આવ્યો. સૌથી નાનો દીકરો. થોડાંક વર્ષોથી અમેરિકા હતો. હર્ષે તેને પત્ર લખ્યો હતો. તરત ને તરત તેનાથી નહોતું અવાયું, પણ થોડા વખત પછી આવ્યો ખરો. વસુધાને ઉમળકાથી ભેટી પડ્યો. ‘અરે મા, તું તો જરા પણ બદલાઈ નથી. તને જોઈને કોઈ કહે જ નહીં કે તું અડધી શતાબ્દી ઓળંગી ગઈ છે.’ ‘અને તું કેટલો બદલાયેલો લાગે છે!’ વસુધાએ કૌતુક અનુભવ્યું. ગયો ત્યારે કેવો નાનો, પાતળો — કુમળો લાગતો હતો! હવે ઊંચો, પહોળો, ઘડાયેલો લાગે છે. કુમાશને બદલે હવે ચહેરા પર પક્વતા છે. તેની બોલચાલ, છટા, વસ્તુઓને જોવાની દૃષ્ટિ પણ કેટલાં બદલાઈ ગયાં હતાં! ‘મા, મને હર્ષભાઈએ પપ્પાને સમજાવવા બોલાવ્યો હતો, પણ મેં શું કર્યું, ખબર છે?’ ‘શું?’ ‘મેં તો ઊલટાના બેઉ ભાઈઓને જ સમજાવ્યા.’ ‘હર્ષ-અશેષને? શાના વિશે?’ ‘પપ્પા વિશે સ્તો.’ મેં કહ્યું : ‘અમેરિકામાં તો ગમે તેવી મોટી ઉંમરે, ગમે તેટલા લાંબા લગ્નજીવન પછીયે લોકો છૂટાં પડી જતાં હોય છે. સિત્તેર-પંચોતેરની ઉંમરે ફરી લગ્ન કરતાં હોય છે. ન ગમતા માણસ સાથે અનિચ્છાએ, બળજબરીથી રહેવાનો શો અર્થ છે?’ છેક એમ જ નથી, દીપુ!’ ‘મને ખબર છે, ખબર છે. આવી છૂટ હોય તો પુરુષો એનો લાભ લઈ સ્ત્રીઓને અસહાય સ્થિતિમાં મૂકી દે, એમ ને? પણ સ્ત્રીઓએ પુરુષ પર આટલાં અવલંબીને શું કામ જીવવું જોઈએ? એક વાર એક સંબંધ બંધાયો એટલે એ અફર જ છે, એમ કોણે કહ્યું? સમાજ પોતાના સાતત્ય માટે સંબંધના સાતત્યની માગણી કરે છે. સમાજનાં એ ધોરણોને પાળવા માટે લોકો પોતાની પ્રામાણિક મનોવૃત્તિને ઢાંકી દઈ આદર્શનો સ્વાંગ રચે છે. એટલે તો અહીં બધાંના જીવનમાં આટલો દંભ છે. અમેરિકામાં લોકો કંઈ નહીં તો ખુલ્લા ને પ્રામાણિક તો છે! એટલે મેં તો કહ્યું, ‘પપ્પાને જે કરવું હોય તે કરવા દો. મા દુઃખી ન થાય એટલું બસ છે. પપ્પા સાથે મેં વાત કરી. પણ મને એમનું કહેવું ગમ્યું નહીં, હં મા! કહે : એને બધું પોતાનું ધાર્યું કરવું હતું, એવું ઘરમાં કેમ ચાલે? જોયું ને મા, એમણે નિખાલસ થઈને કહ્યું હોત કે મને બીજી સ્ત્રીમાં રસ છે, તો મને વધુ ગમત.’ એને પોતાનું ધાર્યું કરવું છે… સ્વતંત્રતા અને સચ્ચાઈની પોતે વાત કરી તેનો વ્યોમેશે આ જ અર્થ કર્યો? — વસુધાને જરાક મનમાં લાગી આવ્યું. પણ પછી તે ખંખેરી નાખ્યું. જવા દો. દરેક માણસ પોતાની કક્ષા પ્રમાણે અર્થઘટન કરતો હોય છે, પોતાની મર્યાદા વડે બીજાને માપતો હોય છે. મેં તો હર્ષભાઈને કહ્યું કે અમેરિકામાં તો પચાસ-સાઠ વર્ષે લોકો ફરી ભણવા પણ જતા હોય છે. તેઓ છેલ્લી ઘડી સુધી જીવન જીવે છે, ‘રિઝાઇન’ નથી થઈ જતા. ત્યાં આ બધું બહુ સ્વાભાવિક છે! અહીં તો ભણવાની વાત આવે તો તરત પ્રશ્ન પૂછે : હવે ક્યાં કમાવું છે? જાણે ભણવાનું કમાવા માટે જ હોય. જ્ઞાન ખાતર જ્ઞાનનું કાંઈ મૂલ્ય જ નહીં!’ પછી અચાનક બોલ્યો : ‘ચાલ મા, અમેરિકા આવવું છે? તું આવે તો મને બહુ ગમે…’ સહેજ સંકોચાઈને બોલ્યો : મેં તો ભાઈને કહ્યું કે મા પણ ફરી લગ્ન કરે તો શો વાંધો છે?’ તે હસ્યો : ‘પણ અહીં બધાંને એ બહુ વિચિત્ર લાગે, નહીં? જાણે મોટી ઉંમરે સાથ-પ્રેમ-નિકટતા ઇચ્છવાં એ કોઈ દોષ હોય!’ દીકરો સમવયસ્કની જેમ વાત કરતો હતો. તેની પોતાને માટેની લાગણી જોઈ સારું લાગ્યું. દીપંક૨ જ આગળ બોલ્યો : ‘તું આવે તો મને ગમે, પણ કદાચ — તને ન ગમે. અહીં — આ —’ તેણે આનંદગ્રામનો સંકેત કર્યો. ‘આ ઘણું વધારે સરસ છે. અહીં જે આત્મીયતા ને સ્નેહભાવ છે, સાત્ત્વિક ને ઊંચી બાબતો માટેની ઝંખના છે તે ત્યાં નથી. ત્યાં બધાં પોતાનું જ સુખ શોધે છે અને એ પણ બહારનું. એ દૈહિકતાની ભૂમિ પર ઊભેલો, બૉડી-ઑરીએન્ટેડ સમાજ છે.’ દીપંકર થોડા દિવસ રહ્યો. વસુધાને લાગ્યું, ચારે દિશામાંથી સરવાણીઓ વહી આવીને તેને સિંચિત કરે છે. ઘર છોડ્યાનો નાનોઅમથો ડાઘ પણ હૃદય પર રહ્યો નહીં. વસુધાએ ના પાડી તોયે જતાં જતાં દીપંકર તેના માટે ઘણા પૈસા મૂકતો ગયો. ‘તને ઠીક પડે તેમ વાપરજે. જોઈએ તો કોઈને આપજે. એ તારા જ છે.’ આનંદગ્રામમાં વસુધા લીલા છોડની જેમ પાંગરવા લાગી. પહેલાં થતું — મારા જેવું વિચારનાર કોઈ હશે? હવે તેને બળ મળ્યું કે તેના માર્ગ પર તે એકલી નહોતી. તેનું મન પરંપરાથી બંધાયેલું નહોતું અને નવી બાબતોનો તે સહેલાઈથી સ્વીકાર કરી શકતી હતી. — એ જોઈને તેને પોતાને જ પોતા વિશે આશ્ચર્ય થતું હતું. જેમ કે કપડાંની વાત. આનંદગ્રામમાં સાંસ્કૃતિક કરતાં વૈજ્ઞાનિક અભિગમ વધુ હતો. કપડાં અહીં સાદાં, ઋતુ અનુસાર, કામની જરૂરિયાત અનુસાર ૫હે૨વામાં આવતાં. એના ઇંગ્લૅન્ડમાં હતી ત્યારે અંગ્રેજ સ્ત્રીઓ કહેતી : સાડી લાગે છે સરસ, પણ તમે લોકો મહેનતનું, ગતિનું કામ કરતાં હો ત્યારેય આ જ કપડાં પહેરો? શિયાળો-ઉનાળો, દિવસ-રાત તમે એક જ જાતનાં કપડાં પહેરો? પણ એના જયાબહેનનું મન ન દુભાય તેથી ત્યાં સાડી જ પહેરતી હતી. અહીં આવ્યા પછી તે બધી જાતના પોશાક પહેરવા લાગી — શર્ટ ને ટ્રાઉઝર્સ, મૅક્સી, મીડી કાંઈ પણ. જયાબહેન હવે એટલાં ખુલ્લાં થયાં હતાં કે એના તેમને પણ ગાઉન પહે૨વાનો આગ્રહ કરી શકતી અને જયાબહેનને એ ફાવ્યો પણ ખરો. મનમાં દલીલ કરી : પારસીઓ પહેરે જ છે ને! રસોડામાં તો સાડી પહેરવા પર પ્રતિબંધ જ હતો. સાડી ખસી જાય, છેડો સરકી જાય, કિનાર પગમાં ભરાય, પાલવ ઊડે — આ બધું રસોડામાં જોખમકારક ગણાય. ત્યાં તો આખો સીવેલો પોશાક જ પહેરાતો. માથે કપડું બાંધવામાં આવતું, જેથી વાળ ન ખરે. વસુધાને પહેલાં સંકોચ થયો. પણ મિત્રાના આગ્રહથી તેણે પંજાબી ડ્રેસ પહેર્યો. પગ ખૂબ છૂટા અને ગતિશીલ લાગ્યા. મિત્રાએ તાળીઓ પાડી. ‘હવે સંપૂર્ણ રૂપાંતર થયું!’ વસુધાને જરૂલ અને જયાબહેન સાથે પણ બહુ જ ફાવતું. એક તરફ જરૂલ, બીજી બાજુ જયાબહેન અને વચ્ચે પોતે બેઠી હોય ત્યારે જીવનના સાતત્યનો ખ્યાલ આવતો. જયાબહેનની કાળજી રાખતાં તેને તેની માતા યાદ આવતી. જયાબહેન માંદા પડ્યાં ત્યારે દિવસ-રાતનો ભેદ જોયા વિના તેણે તેમની ચાકરી કરી. પોતાની માની કશી સેવા તે કરી શકી નહોતી, તેનો મનમાં જે વસવસો રહ્યા કરતો હતો તે જયાબહેનની સેવા કરવાથી નીકળી ગયો. એક દિવસ મૃત્યુ શાંત પગલે આવ્યું. જયાબહેને આગળથી જ કહી દીધું હતું : ‘મને જીવ્યાનો પૂરો સંતોષ છે. માંદી પડું ત્યારે પરાણે જિવાડવાનો પ્રયત્ન કરતાં નહીં. છેલ્લી ઘડી સુધી સોય અને નળીઓથી મને બાંધતાં નહીં. આનંદથી મને વિદાય આપજો. હું જવા માટે પૂરેપૂરી તૈયાર છું.’ …તે દિવસે સાંજનો વખત હતો. જયાબહેને કહ્યું : ‘મને બહાર બેસાડો.’ એના ને વસુધાએ મળીને તેમને વરંડામાં બેસાડ્યાં. એનાએ પાછળ તકિયા ગોઠવ્યા. વસુધા એમને માટે ચા બનાવી લાવી. ચાનો કપ મોંએ માંડતાં તેમણે બંને તરફ એક માયાળુ સ્મિત કર્યું. માથું ઓશીકા પર ટેકવી તેમણે આકાશ ભણી જોયું. પશ્ચિમમાં સૂરજ ડૂબ્યો અને તે સાથે જ તેમણે આંખો મીંચી દીધી. એના સમજી ગઈ. વસુધા સામે જોઈ ધીમેથી કહ્યું : ‘વૉટ અ પોએટિક ડેથ!’ બધાં આવ્યાં. શોક નહીં. વિલાપ નહીં. ધાંધલધમાલ નહીં. મૌન, પ્રાર્થના અને શાંતિ. જયાબહેન પોતે જ થકી પોતાનું જીવન સફળ કર્યું હતું. તેમની ભસ્મ આનંદગ્રામનાં ખેતરોમાં વેરી દેવામાં આવી. તેમની ઇચ્છા અનુસાર, તેમના ગયા પછી તેમની રૂમ વસુધાને અપાઈ. વસુધા ઊંડી લાગણીઓથી હલી ઊઠી. ‘હવે આ મારું ઘર!’ તેણે પોતાને કહ્યું. વિનોદે તેને પેલું ઘોડેસવારનું ચિત્ર આપ્યું તે તેણે રૂમની દીવાલે ટાંગ્યું. પોતાનાં પુસ્તકો મંગાવ્યાં. નજીક ઊગેલા શંખેશ્વરની એક ડાળી સહેજ એવી રીતે વાળીને નમાવી કે તેનાં ફૂલ બારીમાં ઝૂલી રહે. નવા જીવનની આ સુંદરતા માટે અદૃષ્ટ ભણી કૃતજ્ઞતાથી તેનું હૃદય છલકાઈ રહ્યું.

*

થોડા દિવસ પછી કમળતળાવડીમાં પહેલી વાર કમળ ખીલ્યાં. તે દિવસે અમે એનો ઉત્સવ ઊજવ્યો. ઉજવણી પછી અમે ફૂલઘરમાં બેઠાં હતાં. બધાં પ્રસન્ન હતાં. વસુધાએ કહ્યું : ‘અહીં બેસતાં જે આનંદ થાય છે તેવો આનંદ તો કોઈ રાજાને એના સિંહાસન ૫૨ બેસતાંયે નહીં થતો હોય, ખરું કે નહીં, મિત્રા?’ ‘એ તો હમણાં કોઈ પ્રૉબ્લેમ નથી એટલે. કાલે કંઈક થાય તો બધો આનંદ ફરરર ક૨તો ઊડી જાય.’ સુશીલાએ કહ્યું. અહીં કદી પગ નહીં મૂકું — એમ કહીને તે ગઈ હતી, પણ ગાલીચા વેચવામાંથી થતી કમાણીના લોભથી તેણે ફરી અહીં આવવાનું શરૂ કર્યું હતું. તેને હંમેશા અવળી બાજુ જોવાની ટેવ હતી. મિત્રા તક ચૂકે એમ નહોતી. પૂછ્યું : ‘અરે સુશીલા, તારા ગળામાં મંગળસૂત્ર કેમ દેખાતું નથી?’ સુશીલાએ અનાયાસ ખાલી ગળા પર હાથ ફેરવ્યો. ૨ડમસ અવાજે બોલી : ‘ચાર દિવસ પહેલાં દાદર ઊતરતી હતી, અંધારું હતું, કોઈ ઝડપથી આંચકીને ભાગી ગયું.’ ‘અરરર, બહુ ખોટું થયું.’ મિત્રાએ સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું, ‘હવે તારા સૌભાગ્યનું શું થશે?’ ‘આ કંઠમુક્તિનું શ્રેય ચોરને આપવાને બદલે ક્રાન્તિને આપ્યું હોત તો?’ એના હસી. સુશીલા ચિડાઈને કંઈક બોલવા જતી હતી ત્યાં સ્વરૂપે હાથ સહેજ ઊંચો કરી એને અટકાવી, કંઈક સાંભળતો હોય એમ કાન માંડ્યા ને દૂર નજ૨ નોંધી. દૂરથી કોઈ સહેલાણી સ્વર ગાતો આવતો હોય એવું લાગ્યું. બધાં એકદમ ચૂપ થઈ ગયાં. સ્વર નજીક આવતો ગયો. ફૂલઘરમાં ગયો. ફૂલઘરમાં અંધારા જેવું થઈ ગયું હતું. પણ બહાર હજુ જરાતરા ઉજાસ હતો. કોઈ લહેરથી ગાતું ગાતું મસ્તીભરી ચાલે ચાલતું આવતું દેખાયું. ઊંચું શ૨ી૨, ખભે થેલો. જોડાનો લયબદ્ધ અવાજ, આવીને એક ધબ્બો સ્વરૂપને માર્યો. ‘કેમ કલ્યાણ-મિત્ર?’ મારી ઓળખાણ આપતાં સ્વરૂપ એમ કદી ન કહેતો કે મારાં પત્ની છે. હંમેશ કહેતો — અમે એકબીજાનાં કલ્યાણ-મિત્ર છીએ. તેની જ આ મજાક… સ્વરૂપ ચમકીને ઊભો થઈ ગયો. ‘અરે તું ક્યાંથી?’ ‘આકાશમાંથી. આટલો ચમકે છે શાનો?’ ‘વાહ, આખો હિમાલય આંખ આગળ આવીને ઊભો રહે તો માણસ ચોંકી ન જાય?’ બધાં અવાજ કરતાં ઊભાં થઈ ગયાં. ‘અરે, તું ક્યારે આવ્યો? કેમ ખબર આપી નહીં? અમે તને ખૂબ યાદ કરતાં હતાં…’ આનંદના શોરથી ફૂલઘર ગાજી ઊઠ્યું. વસુધાને થયું : સ્વરૂપનો કોઈ જૂનો ગોઠિયો હશે. અંધારામાં મોં બરાબર દેખાયું નહીં. ફૂલઘરમાંથી બધાં બહાર નીકળ્યાં. ‘ચાલો, રસોડામાં જવાનું છે ને? મારે ભાગે આજે શું કામ છે?’ આવનારે કહ્યું. ‘અરે, પણ જરા થાક તો ખા!’ સ્વરૂપે કહ્યું. ‘કેમ, મારે એ જ ખાવાનું છે? તારાં ફળફળાદિ સુકાઈ ગયાં છે?’ બધાં હસ્યાં. વસુધા બધાંથી સહેજ પાછળ ચાલતી હતી. એકાએક તે ઊભો રહ્યો અને પાછળ ફર્યો. વસુધા તરફ અછડતું જોઈને તેણે સ્વરૂપને ઉદ્દેશીને કહ્યું : ‘આનંદગ્રામમાં નવા સભ્યનો ઉમેરો થયો લાગે છે.’ વસુધા સહેજ નજીક આવતાં આથમતા અજવાળામાં એનો ચહેરો જોયો. દિગ્મૂઢ થઈને નીરખી રહ્યો. ‘આમને તો હું ઓળખું છું!’ વસુધાના આશ્ચર્યની અવધિ ન રહી. ‘આદિત્ય! તું? તમે?’ આદિત્ય મોટેથી હસી પડ્યો. ‘હા આદિત્ય જ. લો બોલો, માણસો કેટલાં વર્ષે, ક્યાંના ક્યાં મળી જાય છે?’ પછી વસુધા તરફ ફરીને કહ્યું : ‘મને “તું” કહીશ તો ચાલશે. કારણ કે હું પણ તને “તું” જ કહેવાનો છું. નાનપણની ઓળખાણ છે, તે કાંઈ અમથી?’ અને બધાંને ઉદ્દેશીને કહ્યું : ‘નાનપણમાં એક વાર મામાને ઘરે ગયો હતો ત્યારે આનું ઘર પડોશમાં હતું. હિમાલયની વાતો એને બહુ ગમતી. મને કોઈ દિવસ આશા નહોતી કે ફરી હું એને જોઈશ.’ અને પછી વસુધાને પૂછ્યું : ‘હિમાલય જોયો પછી ક્યારેય?’ વસુધાએ માથું હલાવ્યું. ‘ના, પણ હવે કદાચ જોઈશ!’ હવે હું ક્યાંય પણ જવા માટે, કશું પણ જોવા માટે મુક્ત છું…એમ કહેવું હતું. પણ આદિત્યને પોતાના જીવનની ક્યાં કશી ખબર હતી?

*

મોડી રાત સુધી વસુધાને ઊંઘ આવી નહીં. આ કેવો યોગાનુયોગ! બહુ પ્રયત્ન કરવા છતાં આંખ મીંચાઈ જ નહીં, ત્યારે ઊઠીને તે બહાર આવી. આકાશમાં ને પૃથ્વી પર શાંત ચાંદની પથરાઈને પડી હતી. હવા જરા વહેતી હતી. પાંદડાં સહેજસાજ ફરફરતાં હતાં. વસુધા ચાલતી ચાલતી કમળતળાવડીને કાંઠે જઈ ઊભી રહી. પથ્થરની બેઠક પર બેઠી, છેક નાનપણથી અત્યાર સુધીના જીવનને યાદ કરી રહી. ક્યાંથી ક્યાં આવી ગઈ હતી પોતે? એકાએક બેઠક પાસે ચાંદનીમાં એક પડછાયો દેખાયો. પછી આદિત્ય દેખાયો. કેમ અહીં એકલી છો, વસુધા?’ ઊંઘ નહોતી આવતી એટલે જરા બહાર નીકળી.’ વસુધાએ કહ્યું, ‘અને તું?’ ‘મને અડધી રાતે ઊઠીને આકાશ જોવાની આદત છે.’ આદિત્યે કહ્યું અને પછી જૂનો મિત્ર હોય એમ સહજભાવે વાતો કરવા માંડી. ‘હિમાલયમાં બરફનાં શિખરો પર ચંદ્રનું અજવાળું પડે ત્યારે બરફ એવો ઝગારા મારે! સૂરજના પ્રકાશમાં તો આંખો જ અંજાઈ જાય. ગોગલ્સ વિના એના તરફ જોઈએ તો આંખો દાઝે. પણ વહેલી સવારે સૂરજ ઊગે ત્યારે અદ્ભુત લીલા રચાય. પ્રકાશનો દેવતા એક પછી એક ઊંચા શિખર પર પગ માંડતો જાય અને એને પગલે શિખરો સોનાનાં થતાં આવે. એક વાર કાંચનજંઘાનો થોડો ઢોળાવ ઊગતા સૂર્યના પ્રકાશમાં જોયેલો. અહા, એટલું સુંદર! એટલું મોહક! મનમાં થયું : પેલા યક્ષની અલકાપરી આવી જ હશે. આપણું હૃદય કોઈક અદમ્ય આકર્ષણથી ખેંચાઈ ત્યાં દોડી જવા ઝંખે…ખરેખર, મનુષ્ય જન્મ ધરીને એક વાર તો હિમાલય જવું જ જોઈએ.’ વસુધા સાંભળી રહી. હિમાલયની વાતો આદિત્ય પાસેથી સાંભળવાનું એક વેળા કેટલું મન હતું? એનાએ એક વાર હસતાં હસતાં કહેલું : ‘આનંદગ્રામમાં બધાંની જ આશા ફળીભૂત થાય છે.’ કોઈક ગીત ગણગણતું આવ્યું. ‘તમે લોકો અહીં બેઠાં છો?’ અલોપા હતી. વસુધાએ ખસીને એને માટે જગ્યા કરી. ‘અલોપા, કોઈ સરસ ગીત ગા.’ અલોપાને ગાવા માટે બહુ આગ્રહ કરવો પડતો નહોતો. એણે ગાવા માંડ્યું. આદિત્યે તેમાં સૂર પુરાવ્યો. થોડી વારે મિત્રા આવી. મને કોઈના ગાવાનો અવાજ સંભળાયો એટલે હું બહાર નીકળી. અહીં તો મહેફિલ જામી છે ને શું?’ ‘આદિત્યનું આનંદગ્રામમાં હોવું તે જ મોટી મહેફિલ છે.’ અલોપાએ કહ્યું ને ગાવાનું ચાલુ રાખ્યું. હવે એમાં મિત્રા અને વસુધા પણ જોડાયાં. કમળતળાવડીનાં ચાંદનીમાં ચમકતા પાણી પરનાં સફેદ કમળો સૂરથી આંદોલિત થઈ રહ્યાં. છેવટ બધાં છૂટાં પડીને પોતપોતાની જગ્યાએ ચાલ્યાં ગયાં. છેલ્લે વસુધા ઊઠી. થયું : કમળજન્મનો ઉત્સવ આવો ઊજવાશે એવી તો ખબર નહોતી!

*

પણ સુશીલાની વાત છેક જ ખોટી નહોતી. સવારે હજી આંખોમાં ઊંઘ હતી કે બારણાં પર ધબાધબ અવાજ સંભળાયો : ‘મા! મા!’ વસુધા સફાળી જાગી. ઝટ ઊઠીને બારણું ઉઘાડ્યું. સલીના હતી. ‘મા!’ તે વ્યગ્રતાથી બોલી : ‘મા, બહુ ભયંકર વાત બની છે.’ વસુધાના હૃદયમાં ફાળ પડી. ‘શું બેટા, શું થયું છે?’