સાત પગલાં આકાશમાં/૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આ ઝાકઝમાળભરી નગરીના રંગીન દીવા ધીરે ધીરે, એક પછી એક હોલવાવા લાગ્યા અને વસુધા હતાશ થઈને જોતી રહી. સ્પર્શમાંથી ધીમે ધીમે બધી ઉત્તેજનાઓ ખરી પડવા લાગી હતી. મોસમના વરસાદની પહેલી સાંજે તેને ભાન થયું કે વ્યોમેશને પોતાની પાસેથી જે જોઈએ છે, અને પોતાને તેની પાસેથી જે જોઈએ છે તે બે વચ્ચે અંતર છે. વ્યોમેશને જે જોઈએ છે તે પોતે આપવું પડશે. પોતાને જે જોઈએ છે તે સૂક્ષ્મ અને નાજુક છે. એ માગી નહિ શકાય. વ્યોમેશ પાસે કદાચ એ હોય પણ નહિ. તે સાંજે વસુધાનો હાથ હાથમાં લઈ તે જરા વાર ચુપ થઈ પાસે બેઠો હોત, અથવા ખભે હાથ મૂકી સ્નેહથી પૂછ્યું હોત : ‘અહીં શું જુએ છે, વસુધા?’ તો વસુધાને લાગત કે શરીર સિવાયની બીજી કોઈ ભૂમિકા પર પણ અમે સાથે છીએ. તો આત્મીયતાની એક હળવી લહેરે તેનાં કમાડ ખોલી દીધાં હોત, અને પછી કદાચ તેણે લગ્નના દિવસની વાત કરી હોત. ‘ખબર છે, મારે પરણવાની ના પાડવી હતી, પણ બોલવાની હિંમત ન ચાલી. હું જરા બીકણ છું…’ અને જવાબમાં : ‘કોઈ વા૨ બીકણ થવામાંય લાભ હોય છે. તું તે વખતે બહુ હિંમતવાન બની ગઈ હોત તો હું તને ગુમાવી જ બેસત ને!’ — એવું કંઈક વ્યોમેશે કહ્યું હોત તો વસુધાને લાગત કે પોતાનું પોતાને ખાતર કંઈક મૂલ્ય છે. પણ વ્યોમેશના પ્રેમને તો એક જ પાસું હતું — ઇચ્છાનું પાસું. ‘હું બહારથી આવું ત્યારે તું ઘરમાં હાજર હોવી જોઈએ… હું તને ઇચ્છું ત્યારે તું મને મળવી જોઈએ…’ શરૂ શરૂમાં વ્યોમેશના સાન્નિધ્યની ક્ષણો એક અપૂર્વ ઉત્કટતાથી રસાયેલી લાગતી. શરીરનો આનંદ ને હૃદયનો આનંદ, પોતાનો આનંદ ને વ્યોમેશનો આનંદ એવા ભેદ નહોતા. તેને તો લાગતું કે શરીરોની આ તન્મયતાપૂર્ણ તીવ્ર માધુર્યથી ભરેલી ગૂંથણીનો આનંદ બન્નેનો સમાન ને સહિયારો આનંદ છે. બન્નેની સમાન જરૂરિયાત છે. પણ જલદીથી સમજાઈ ગયું કે પોતાની જુદી જરૂરિયાત હતી, પોતાના સ્નેહના બીજા આવિર્ભાવો હતા. પણ વ્યોમેશના પ્રેમને તો એક જ રંગ હતો : ઇચ્છાનો ઘેઘૂર રંગ. વસુધા પાસે આવીને ઊભી રહે, વાળમાં આંગળીથી ૨મત કરે કે થાક લાગ્યો છે, ચાલો સૂઈ જઈએ — એમ કહે, બધાંનો વ્યોમેશને મન એક જ સંકેત હતો. તેથી આગળ તેનો સંબંધ વિસ્તરતો નહોતો. વસુધાને એક્કે વાર તેણે પૂછ્યું નહોતું : ‘તને શું ગમે છે? તને શામાં રસ છે? અહીં તને કાંઈ તકલીફ તો નથી ને! તારા મનમાં જે વિચાર ચાલતા હોય તે મને નિખાલસતાથી કહેજે, હોં!’ વસુધાના મનમાં બુદ્ધિપૂર્વકની કોઈ વિચાર-પ્રક્રિયા ચાલતી હોય તે વાતનો તેની પાસે સ્વીકાર જ નહોતો. વસુધા પિયરથી ઘણી ચોપડીઓ લઈ આવી હતી, પણ વ્યોમેશને એની ખબર નહોતી. લગ્ન વખતે દીકરીને કપડાં, ઘરેણાં, ઘરનો વિવિધ સામાન અપાય છે. કરિયાવરમાં પુસ્તકો કેમ નહિ અપાતાં હોય? સોનું ને કપડાં ને વાસણો આપણને કશું શીખવતાં નથી કે ઉદાસ પળોમાં કશું આશ્વાસન આપી શકતાં નથી. પુસ્તકો તો કેટલું બધું આપે છે! જ્ઞાનનો અદ્ભુત ખજાનો ખોલી આપે છે. પણ કોઈ માબાપે કરિયાવરમાં પુસ્તકો આપ્યાં નથી. કોઈ વરપક્ષે દહેજમાં પુસ્તકો માંગ્યાં નથી… અને એ બરોબર જ છે. લગ્નનો અર્થ છે માત્ર શ૨ી૨નું જોડાણ. એમાં શરીરના ઉપયોગની, શરીરનાં સુખસગવડની, શરીરની શોભાની જ વસ્તુઓ વિશે વિચા૨વામાં આવે છે… વસુધાને આવા વિચાર આવતા અને તે વિમાસતી : આ બધું મારા મનમાં ક્યાંથી ઊગે છે? છોકરીઓએ તો પરણીને પતિની સંભાળ લેવાની હોય, કુશળતાથી ઘર ચલાવવાનું હોય… આવા વિચારો બધાંને આવતાં હશે કે મને એકલીને જ? વસુધા ચોપડી ઉઘાડીને બેસે તે ફૈબાને ગમતું નહીં. કહેતાં : ‘બૈરાં માણસને આટલું બધું વાંચવાનું શું? મને તો સ્ત્રીઓનાં આ ભણતર બહુ વધી ગયાં છે તે જ પસંદ નથી. હવે તો નોકરીયે કરે છે. ઘરમાં શું દુઃખ છે? અત્યારે છૂટાછેડા કેટલા વધી ગયા છે? અમારા વખતમાં તો એક વાર પરણ્યાં તે આખી જિંદગી નિભાવી લેવાતું. ભગવાને જે આપ્યું તેમાં સુખ માનીને રહેવાનું વળી…’ વસુધાના હોઠ સુધી શબ્દો આવી જતા : ‘પણ ફૈબા, ફુઆ તો તેમનાં પહેલાં પત્ની ગુજરી ગયાં પછી મહિનામાં જ તમને ફરી પરણ્યા હતા. તેમણે કેમ, ભગવાને પત્નીને લઈ લીધી તો તે સ્થિતિમાં સુખ ન માન્યું? — અને ફૈબા, તમે વિધવા થયાં તો કેમ પાછાં પિયર આવીને રહ્યાં?’ તે મહેણું મારવા નહોતી માગતી, ફૈબાના કથનમાં કેટલી વિસંગતિ હતી તે દર્શાવવા માગતી હતી. પણ હંમેશ મુજબ તે ચુપ જ રહેતી. ફૈબા કહેતાં : ‘બૈરાંને વળી બહુ ભણીને શું કામ? કાગળ લખતાં ને થોડા હિસાબ-કિતાબ આવડે એટલે બસ. એને ક્યાં દુનિયાનું રાજ કરવા જવું છે?’ પછી સ્વગત જાણે બોલતાં : ‘ઘરનું આ રાજ્ય તો છે તેની પાસે. આ રાજ્ય તમારી પાસેયે હતું એક વાર, તે શાથી છીનવાઈ ગયું, ફૈબા? વિધવા થતાં તમે એ રાજ્ય છોડી પિયર કેમ આવીને રહ્યાં?… અને આ રાજ્યની હું રાણી છું, ફૈબા! કે રાજાની ડાહીડમરી પત્ની, જેને શીખવવામાં આવ્યું કે કમ ખાના ઔર ગમ ખાના, સહન કરી લેવું, ન ગમે તો ચલાવી લેવું, મનમાં લાગે તે બોલી નાંખવું નહિ, ગમે તે રીતે સાસરિયાને રાજી રાખવાં… તમે લોકો મને રાજી રાખવાની રજમાત્ર પણ પરવા ન કરતાં હો તો મારે તમને શા માટે રાજી રાખવાં? સ્ત્રી વિશે સાંકડા ને રૂઢ વિચારોવાળાં આ ફૈબાને મારે શા માટે રાજી રાખવાં જોઈએ? જેણે મારા હૃદયની એક પણ વાત કદી પૂછી નથી કે મારા વિચારોની હસ્તી જાણી નથી એને શા માટે રાતોની રાતોએ મારું શ૨ી૨ મારે સોંપી દેવું જોઈએ? ફૈબા, તમે કહો છો — ઘરમાં શું દુઃખ છે? સાચી વાત છે. મને બે ટંક ખાવાનું મળે છે. વ્યોમેશ કાંઈ મારપીટ કરતો નથી. દર મહિને ઘરખર્ચના પૈસા આપે છે. દારૂ નથી પીતો. સિગારેટ નથી પીતો. પ્રશ્નો નથી પૂછતો. હૃદયનાં દ્વાર નથી ખોલતો… પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ સોનાના પાંજરામાં — અને એ પાંજરું પાછું મોટા મહેલમાં છે — મઝા કરે છે, મરચાં ખાય છે, બોલે છે. બોલાવેલું બધું બોલે છે, ન બોલવાનું નથી બોલતો. એને શું દુઃખ છે? પણ દુઃખ છે, ફૈબા! એને પાંખો છે એ દુઃખ છે, બહાર ક્યાંક આકાશ છે અને આકાશમાં ઊડી શકાય છે એવું એ જાણે છે — તે દુઃખ છે. ફૈબા, જાણવું એ દુઃખ છે એ તમે સમજો છો? લગ્ન પહેલાં વસુધા આનંદી-સ્ફૂર્તિલી છોકરી હતી. તેના પગમાં જાણે પવન પૂરેલો હતો. ઊડાઊડ કરતી તે ઘડીક વારમાં આખા ઘરનું કામ કરી નાખતી. તેની મા ગર્વથી કહેતી : ‘દીકરી મારી બહુ કામગરી છે. સાસરાનું ઘર ગમે તેટલું વસ્તારી હોય, તકલીફ નહિ પડે. પચીસ-ત્રીસ માણસોની રસોઈ ફટાફટ કરી નાંખશે. જોજો ને, સાસુ તો આવી કામગરી વહુ પર ખુશ થઈ જશે.’ ફૈબા, હું રાજાની પત્ની છું કે માત્ર એક કામ કરવાવાળી? લગ્ન પછી થોડો વખત લાગેલું કે દિવસનો પ્રદેશ ફૈબાની કટકટથી છો ઉઝરડાય, રાતની ભૂમિ તો સ્વર્ગની ભૂમિ છે! પણ હવે લાગે છે કે દિવસ હોય કે રાત, રેતભૂમિ હોય કે સ્વર્ગભૂમિ, તેની આસપાસ કાંટાની વાડ છે, પૂછ્યા વિના એ વાડની પાર ડગલું પણ માંડી શકાય નહિ. પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં એવું તો કવિએ વર્ણાનુપ્રાસની શોભા માટે કહ્યું હશે. સ્ત્રી માટે તો પરણવું પ્રતિબંધોના પ્રદેશમાં પગલાં માંડવાં. વ્યોમેશના જીવનમાં તો પરણવાથી કાંઈ ફરક પડ્યો નથી. અને પોતાનું તો કેટલું બધું બદલાઈ ગયું? જાણે પોતે પોતે જ રહી નહિ. વસુધા એટલે માત્ર વ્યોમેશની પત્ની. એ સિવાય કશું જ નહિ, કશું જ નહિ. પહેલાં પગમાં પવન હતો, હોઠ પર ગીત હતું. અને હવે? એક વાર રેડિયો ૫૨ કોઈક સરસ ગીત આવેલું. વસુધાએ અનાયાસ જ ઠેકો દીધો ને સાથે ગાવા માંડ્યું. તરત ફૈબાએ કઠોરતાથી સામે જોયું. વસુધા સંકોચાઈ ગઈ. પરણ્યા પછી કાંઈ પગનો ઠેકો દઈ આમ ગાવા મંડાય? એક વાર જરા લહેરથી ચાલતી હતી. ફૈબાએ ટકોર કરી : ‘આમ નાચતી હો એમ કેમ ચાલે છે?’ બહેનને પત્ર લખતી હતી ત્યારે કહેલું : ‘આમ અઠવાડિયે ને અઠવાડિયે પત્ર શું લખવાના?’ પછી ધીમા અવાજે ગણગણેલાં… નકામા ટપાલના ખર્ચા! વસુધાને બહુ જ નવાઈ લાગી. પરણવું — એમાં એવું શું છે કે પોતાને આમ એક-એક વસ્તુમાં પાછાં પડવાનું? વ્યોમેશ તો તેને જે ગમે તે કરે છે; હંમેશા કરતો હતો તે કરે છે. પરણવાને લીધે, તેને ન ગમતું કરવાની ફરજ નથી પડતી. તો શા માટે પોતાની સ્વાભાવિકતાને આમ ડગલે ને પગલે હણવાની? બધી સ્ત્રીઓની લગ્ન થતાં આ જ સ્થિતિ થતી હશે? અને છતાં કોઈએ વિરોધનો નાનકડો સૂર પણ કાઢ્યો નથી? શાકભાજીનો હિસાબ લખતી. ફૈબા ઘણી વાર જોતાં. ‘જરા કરકસર કરતાં શીખ. આમ આટલા બધા પૈસા વાપરી ન નંખાય. એક દિવસ વ્યોમેશ ગાલીચો લઈ આવ્યો. સરસ રંગોવાળો, મુલાયમ, મોંઘો ગાલીચો. ફૈબાએ ગાલીચાનાં કેટલાંયે વખાણ કર્યાં. ‘અમારા વ્યોમેશનો હાથ બહુ છૂટો…’ તેમણે અભિમાનપૂર્વક કહ્યું. પણ મને તો તમે ચાર-આઠ આના માટે ટોકો છો! વસુધાના હોઠ સુધી શબ્દો આવી ગયા. શબ્દો બહાર નીકળ્યા હોત ને ફૈબાના કાન સુધી પહોંચ્યા હોત તો ફૈબા કહેત : લે, એ તો કમાય છે. એ તો પુરુષ છે; ને તું તો વહુ છો! વસુધાને મલાઈ નાખેલી કૉફી ભાવતી. તેના પિયરમાં સ્થિતિ સાધારણ હતી છતાં મા ઘણી વાર કૉફી બનાવી તેમાં મલાઈ નાખી વસુધાને બોલાવતી, વસુધાને પિવડાવીને રાજી થતી. અહીં આવ્યા પછી વસુધા પોતાને શું ભાવે છે ને શું નહીં તે ભૂલવા લાગી હતી. પણ એક દિવસ મલાઈ જોતાં યાદ આવી ગયું. કૉફી બનાવીને મલાઈ નાખવા જતી હતી કે ફૈબા આવ્યાં, ચોંકીને બોલ્યાં : ‘આટલી બધી મલાઈ શામાં નાખે છે?’ ‘કૉફીમાં.’ વસુધાએ કહ્યું. ‘આટલી બધી મલાઈ નાખીને તું કૉફી પીએ છે?’ ફૈબાએ એવી રીતે કહ્યું, જાણે આવી રીતે કૉફી પીવી તે ઘોર અપરાધ હોય! ફૈબાનું આ ટોકવું આખોય દિવસ ચાલ્યા કરતું. દિવસે તેમના સુક્કા શબ્દો અને સ્નેહહીન નજ૨નો રણ-વિસ્તાર, રાતે વાસનાનો ચીકણો અંધકાર. શરીર ફરતા વીંટળાયેલા વ્યોમેશના હાથ ઊંચકીને દૂર કરી દેવાનું તેને મન થતું. તમે કેવળ શ૨ી૨ને જ જાણો છો અને શરીરને જ માણો છો, એથી મને બહુ જ માઠું લાગે છે, કારણ કે હું માત્ર શરીર નથી, હું હૃદય પણ છું. મારે વિચારો પણ છે. પણ વ્યોમેશ તો બહુ જલદીથી ઊંઘમાં સરી પડે છે. બાજુમાં વસુધા જાગતી ૨હે છે. અનાદરનાં આંસુથી તેના ગાલ ભીંજાય છે. ‘તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે, પણ હું એ સ્વીકારી શકતી નથી.’ ન ઉચ્ચારાયેલા શબ્દો અંદર ગૂંગળાય છે ને મનને તેની ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. રોજેરોજ એ જ ઘટમાળ… સવારે વહેલા ઊઠવું, ઘરની સામે દૂધનું કેન્દ્ર હતું ત્યાં દૂધ લઈ આવવું, પાણીનાં માટલાં ધોઈને પાણી ભરવું, વ્યોમેશ માટે ચા બનાવવી, ફૈબા માટે ઉકાળો, દાળ-ચોખા વીણવાનાં-ધોવાનાં, વ્યોમેશને દાઢી માટે ગરમ પાણી. ‘નાહવાનું પાણી કાઢ્યું, વસુધા? અને આજે ગ્રીન નહીં, બ્રાઉન શર્ટ આપજે…’ ‘આપું હોં!’ ‘મારો મેલો રૂમાલ ધોવા નાંખી બીજો રૂમાલ બૅગમાં મૂક્યો?’ ‘હમણાં મૂકી દઉં છું.’ જલદી જલદી રોટલી કરવાની (ચટણી વગર વ્યોમેશને ખાવાનું ગળે ઊતરતું એમ નહીં, પણ ચટણી હોય તો એને ખાવાની મઝા આવે છે), વ્યોમેશને બપોરે ખાવા માટે ડબ્બામાં નાસ્તો (વ્યોમેશ બહારનું ખાતો નથી. અને નાસ્તો રોજ જુદો જુદો હોય તો જ ભાવે ને!), હવાઈ ગયેલા ખાખરા ફરી ગરમ કરી ફૈબાને આપવાના, સાથે ઉકાળો આપવાનો, મેથીનો મસાલો પણ! … ફર્નિચરની ઝાડઝૂપટ, નાહવાનું, સાબુના ગરમ પાણીમાં કપડાં બોળવાનાં, વચ્ચે પોતે ક્યારે દૂધ પી લીધું તે યાદ પણ નથી રહેતું… આવડા મોટા ઘરની સફાઈ, બારણે અનેક વાર વાગતી ઘંટડીનો જવાબ, કદીક સ્ટવ બરોબર ચાલતો ન હોય, ક્યારેક કામવાળી બાઈએ ખાડો કર્યો હોય એટલે વાસણ માંજવાનાં હોય, કપડાં ધોવાનાં હોય, દાળ પીસીને ક્યારેક હાથ દુખતા હોય, ક્યારેક ધોબીનો હિસાબ, ક્યારેક સડી ગયેલા કઠોળની સફાઈ, આખા વરસ માટે ભરવાના ઘઉંની સફાઈ, ક્યારેક બૅંકનું કામ… ‘તું અભણ થોડી છો, વસુધા? તારે તો મારા કામમાં પૂરી મદદ કરવી જોઈએ.’ કામ ક૨વાનો વાંધો નથી. આનંદથી, ૨મતાં રમતાં કામ તો કર્યું હોત, પણ કોઈક દિવસ વ્યોમેશ સાંજે ઑફિસેથી આવીને રસોડામાં જો બેસે! કદીક કહે : ‘લાવ વસુધા, શાક સમારી આપું?’ અથવા ‘રહેવા દે, ઊભી ન થતી. મને કહે, શું જોઈએ છે? હું આપું!’ આટલાં નાનકડાં વાક્યો જો બોલે! તો પતિ એ સાથી પણ છે એવો ભાવ થાય. ક્યારેક જો કહે : ‘થાકી ગઈ છો? બેસ તું, હું ચા બનાવી લાવું!’ તો તેના પ્રેમનો સ્પર્શ અનુભવાય. પણ વ્યોમેશને પોતાને માટે વસુધા જોઈએ છે. વસુધા માટે વસુધા તરફ ધ્યાન આપવાની એને ફુરસદ નથી. શરૂમાં તે સીધો ઘેર આવતો ને વસુધાને પણ તેની રાહ જોઈ રહેવાનું ગમતું. એક-બે વા૨ મોડો આવ્યો તો લાડથી ફરિયાદ કરેલી, વ્યોમેશે ખુલાસો કરેલો. પણ પછી એક વાર તે મોડો આવ્યો, ને વસુધાએ પૂછ્યું : ‘કેમ મોડું થયું? ક્યાં ગયા હતા?’ તો વ્યોમેશ તરડાઈને બોલ્યો : ‘હું ક્યાં ક્યાં જાઉં છું એનો શું મારે તને હિસાબ આપવાનો છે?’ ફૈબાને પણ વસુધા જોઈએ છે, ઘરનાં કામ કરવા માટે. વસુધાને શું જોઈએ છે તેવો તો ફૈબાને કદી પ્રશ્ન જ થતો નથી અને ઘરનું કામ પણ વસુધા પોતાની સમજ પ્રમાણે કરે તે એમને ખપતું નથી. રસ્તા પર એક નાનકડી લટાર, માની એક ઊડતી મુલાકાત, વાંચવા માટે પોતાનો સમય, એ કશું ફૈબાને કબૂલ ન હોય તે વસુધાથી કરી શકાય નહિ. કોઈ દિવસ કંઈ જ કામ ન હોય તો પછી ફૈબા વાતો કરે છે. રાતે સંવેદનારહિત આલિંગનોની ભીંસ; દિવસે હેતુહીન વાતોની ભીંસ… ‘સાંભળ્યું તેં? સવિતામાસીના દીકરાનું સગપણ પેલી કુસુમ સાથે કર્યું. એ કુસુમનું સગપણ તો એક વાર તૂટી ગયું હતું. માધવલાલનો દીકરો પ્રવીણ નહિ? ઓળખે ને તું? જાનમાં આવેલો. એની સાથે કુસુમનું સગપણ થયું હતું. પણ પછી શી ખબર શું થયું, સગપણ તૂટી ગયું.’ શબ્દોની ચક્કી અંતહીન ફર્યા કરતી. ઘરઘર કરતો સમય એમાં પીસાતો રહેતો. શ્રોતા જોઈએ છે. ફૈબાને શ્રોતા જોઈએ છે. વ્યોમેશને શ્રોતા જોઈએ છે. પોતે સાંભળવાનું છે, બોલવાનું નથી. માએ કહ્યું છે, ઘરની શાંતિ જાળવી રાખજે. ફૈબા હજારો નકામા શબ્દો ઉચ્ચારે તેથી ઘરની શાંતિનો ભંગ થતો નથી. પોતે બે વાક્યો ઉચ્ચારે, પોતાના મનમાં ચાલતા વિચારોમાંથી એકાદ-બે વિચાર પ્રકટ કરે તો ઘરની શાંતિ પત્તાનાં મહેલની જેમ તૂટી પડે. તો પછી હજારો ઘરોમાં આ જે શાંતિ હોય છે, તે ખરેખર શાંતિ છે કે અશાંતિનો મુખવટો? સ્ત્રી શા માટે લગ્ન કરે છે? પોતે શા માટે લગ્ન કર્યાં હતાં? વસુધાને થયું — આ પહેલાં આવો સવાલ તો તેણે પોતાની જાતને પૂછ્યો જ નહોતો. બધાં જ પરણે છે. બધી જ છોકરીઓ ભણે છે, ભણીને રાહ જુએ છે, પરણી જાય છે. કોઈ પૂછતું નથી કે શા માટે? સ્ત્રીઓને ગળથૂથીમાંથી જ માન્યતા પાવામાં આવી છે કે લગ્ન એ જ એમના જીવનનું ગંતવ્ય છે. લગ્ન મોડાં થાય કે ન થાય તો ચિંતા ને વ્યગ્રતાનો પાર રહેતો નથી. જીવન જાણે દિશાહીન બની જાય છે. બહુ મુશ્કેલીએ, સ્વીકારી શકાય એવાં વ૨-ઘર મળે તો લાગે છે કે બસ, બધી તકલીફોનો અંત આવી ગયો. પછી ગમે તે શરત હોય તોયે કબૂલી લેવાય છે. માથે ઓઢવું પડશે, ભલે. નોકરી ક૨વા નહિ જવાય, ભલે. આટલો દાગીનો કરવો પડશે, ભલે. બધું કબૂલવું પડે છે. ક્યાંક મળેલું ઘ૨ હાથમાંથી સરી ન જાય. સરી જાય તો અમે માબાપને બોજો થઈ પડીએ. શા માટે? શા માટે? લગ્ન કરીને અમને શું મળે છે? પ્રેમ? ઘર? સલામતી? સ્ત્રીને પ્રેમ જોઈએ છે. પણ ઘેઘૂર આંખોનો લાલ રંગ, તે શું પ્રેમનો જ રંગ છે? સ્ત્રીને ઘર જોઈએ છે. પણ એ તેનું ઘર બને છે? પુરુષ ગુસ્સે થાય તો કહે છે : ‘મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે ચાલી જા.’ પુરુષ રાજી થાય તો કહે છે: ‘તેં મારું ઘર દીપાવ્યું.’ ઘર પુરુષનું રહે છે. સ્ત્રી એનું ઘર ઉજાળે છે. સ્ત્રી માત્ર ઘર જ ઉજાળી શકે છે. એથી વધુ કાંઈ તે ઉજાળે એવું તેની પાસેથી અપેક્ષિત નથી. સ્ત્રીને રક્ષણ જોઈએ છે. રક્ષણ આપતી દીવાલ તેની આસપાસ ઊભી થાય છે. એ દીવાલને બારી નથી હોતી. એમાંથી આકાશ દેખાતું નથી.

*

વસુધા પોતાના વિચારોથી થાકી જાય છે. ફૈબાની વાતોથી થાકી જાય છે. રાતથી થાકી જાય છે. અંધકારથી થાકી જાય છે. હું થાકી ગઈ છું, હું ખૂબ થાકી જાઉં છું… વસુધા દીવાલોને કહે છે, દીવાલોની પેલી મેર રહેલા આકાશને કહે છે.

*

થોડો વખત મળતો હતો. રસ ખાતર પડોશનાં લલિતાબહેનની ઇલાને ભણાવવાનું શરૂ કર્યું. પણ સળંગ બેસાતું નહોતું. વારે વારે બારણાની ઘંટડી વાગે, તો ઊઠવું પડતું. ક્યારેક સગાંઓ મળવા આવતાં, એમના માટે ચા-નાસ્તો બનાવવાં પડતાં. ક્યારેક ફૈબા અમસ્તાં જ કામ કાઢી બેસે. ક્યારેક કોઈની ખબર કાઢવા જવું જ પડે એમ હોય. એક વાર તે ભણાવતી હતી ને અચાનક વ્યોમેશ એક મિત્ર સાથે ઘેર આવ્યો. ઑફિસમાં કોઈનું મૃત્યુ થવાથી રજા પડી હતી. ભણાવવાનું થોડું જ બાકી હતું. પણ વ્યોમેશ નારાજ થયો. ‘હું આવું ને તારાથી ચા પણ બનાવીને તરત આપી ન શકાય?’ ‘ભણાવીને બનાવવાની જ હતી…’ વસુધાએ ધીમેથી કહ્યું. ‘ભણાવવાનું તો ક્યારેય પૂરું થાય. મારે ત્યાં સુધી ચાની રાહ જોઈને બેસવું? નથી કરવું ટ્યૂશન આવું. કાલથી ના પાડી દેજે. પહેલાં ઘર, પછી બધું. એ ચાળીસ-પચાસ રૂપિયા માટે ઘર અવ્યવસ્થિત થઈ જાય તે ન પાલવે.’ ‘ભણાવવાને બદલે ભરત-ગૂંથણ પણ કરી શકાય — વખત ન જતો હોય તો!’ ફૈબાએ કહ્યું : ‘કોઈની પાબંદી તો નહિ!’ અને પછી જરા મરક્યાં. ‘આમેય, આવી ફુરસદ હવે કેટલો વખત મળવાની છે? કાલે સવારે ઉવાં ઉવાંથી ઘ૨ ભરાઈ જશે, પછી ઘડીનીય નિરાંત મળવાની નથી, જોજે ને તું!’ વસુધા ગભરાઈ ગઈ. હજી તો પોતે જ નાની છોકરી છે! ગઈ કાલ સુધી માના આંગણામાં પોતે સરગવાના ઝાડ ફરતી ફુદરડી ફરતી હતી, હજી તો મારા હાથમાં ચંપાનાં ફૂલની સુગંધ છે — પણ ત્યાં જ એ સમય આવી ગયો.

*

૨૦મા વર્ષે તે હર્ષની મા બની. ૨૨મા વર્ષે અશેષની, ૨૫મા વર્ષે દીપંકરની.