સાત પગલાં આકાશમાં/૪૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૪૦

ધોળી ચાદર બિછાવેલ ખાટલામાં, મોંએ-માથે પાટા બાંધીને વસુધા સૂતી હતી. ખાટલા સામેની બારીમાંથી આકાશ દેખાતું હતું. જિંદગીમાં કેવા કેવા પડાવ આવ્યા? — તે વિચારતી હતી. સ્વરૂપે એક વાર વાત કરેલી તે યાદ આવી. આનંદગ્રામને જ પ્રતીક લઈ તેણે એક વાર મુક્તિનાં ક્રમિક પગથિયાં વિશે કહેલું : મોટા ભાગનું જીવન માણસ ઓરડાની ચાર દીવાલ વચ્ચે જ જીવતો હોય છે. ઓરડામાંથી આકાશ ક્વચિત જ દેખાય છે. ઓરડામાંથી જરા બહાર આવતાં, હોય છે વરંડો. ત્યાંથી આકાશની ઘણી વધુ ઝલક મળે છે. તેમાંથી નીકળતાં આવે આંગણું. ચારે બાજુ વાડ કે દીવાલથી રક્ષાયેલું, પણ માથા પર અનંત આકાશને ઝીલી રહેલું. તે પછી છે ફૂલઘર. એને બંધન છે, પણ માત્ર પ્રકૃતિનાં વૃક્ષોનું. એ પછી રેતીનો વિસ્તર્ણ પટ. પછી દરિયો…અતલ, અફાટ… દરિયો અંતિમ મુક્તિનું પ્રતીક છે?’ વસુધાએ પૂછેલું. ‘ના, દરિયાને પૃથ્વીની સીમા છે. એથી ઉપર છે આકાશ; એ મુક્ત છે, નિસ્તરંગ છે, નિઃસીમ છે. એ પોતે ભીંસાતું નથી કે બીજાને ભીંસ કરતું નથી, અવરોધ કરતું નથી; ઊડવાને અવકાશ આપે છે, જીવન આપે છે…અને જીવનનું સૌન્દર્ય પણ આપે છે.’ હૉસ્પિટલના પલંગમાં સૂતાં સૂતાં સ્વરૂપની વાતો યાદ આવવા લાગી. વસુધાને મનમાં થયું : હવે હું કયા પડાવે છું? અને હવે મારે શું કરવાનું છે? કોઈકની પાસેથી કંઈક જોઈતું હોય — એવો એક સમય હતો. હવે પોતાની ઝોળી ભરેલી છે. અંદર એક તૃપ્તિ છે. પોતાની રીતે જીવવું એટલે શું — એની હવે ખબર છે. આદિત્યે તેને સાગરપંખીની વાત કરી હતી. જોનાથન લિવિંગ્સ્ટન સીગલ. દરેક સાગરપંખી પોતાની મર્યાદાને જીવનની શરત માની લે છે. એ વગર જીવી જ નહીં શકાય, એમ સ્વીકારી લે છે. પણ એક પંખીએ એ મર્યાદા તોડી હતી. એમ કરતાં તે ઘવાયું, તિરસ્કૃત થયું, તૂટી પડ્યું, પણ ફરી ઊડ્યું અને છેવટે તેણે સીમાડા ભેદી નાખ્યા. પછી તે પાછું આવ્યું — બીજાઓને, ઊંચે કેમ ઊડવું તે શીખવવા.

*

અનેક ઘાવથી શરીર ક્ષતવિક્ષત થયેલું હતું પણ એની ચિંતા નહોતી. એના પર તો રૂઝ વળી જશે. ઊંડો ઘાવ હતો મિત્રાના મૃત્યુનો. ઘર છોડતાં નહોતી થઈ એટલી તકલીફ વસુધાને મિત્રાના જતાં થઈ. પણ આ કપરી પળોમાં આદિત્યે તેને સંભાળી લીધી. વસુધા અને સલીના એક રૂમમાં હતાં; એના-અલોપા બીજા રૂમમાં. તેમની અને બીજી ઘાયલ સ્ત્રીઓની શુશ્રૂષા માટે વિનોદ-અગ્નિવેશ આવી પહોંચ્યા હતા. સ્વરૂપને વાગ્યું હતું, પણ તેણે હૉસ્પિટલમાં રહેવાની જરૂર નહોતી. બીજાઓને તો થોડાક દિવસમાં સારું થઈ ગયું, પણ વસુધા અને સલીનાને હૉસ્પિટલમાં થોડા દિવસ રહેવું પડ્યું. વસુધા ત્યાં હતી ત્યારે ઘરનાં બધાં તેને મળવા આવ્યાં. બધાંને વસુધા પ્રત્યે માન વધ્યું હતું, પણ સૌથી વધુ ખુશ હતી સુનીલા. ‘છાપામાં મોરચાના ફોટા છપાયા હતા, તેમાં તમે ચોખ્ખાં દેખાતાં હતાં. તમને વાગ્યું જાણીને ચિંતા થઈ. પણ આઈ એમ વેરી પ્રાઉન્ડ ઑફ યુ…અને મા, અમે બધા જ સ૨ઘસમાં જોડાયેલાં હં કે! અને હડતાલમાં પણ. હું બૅન્કમાં નહોતી ગઈ. અને તમે માનશો? હર્ષભાઈ અને અશેષે પણ બીજે દિવસે અમારી સાથે બહાર બેસી સૂત્રો પોકારેલાં.’ અને વ્યોમેશ? તેણે શું કર્યું હતું? — વસુધાને વિચાર આવ્યો ને પસાર થઈ ગયો. બધાંની સામે તે સ્નિગ્ધ હસી રહી. પથારીમાં સૂતેલી તેની કાયા ક્ષીણ લાગતી હતી, પણ તેના મુખ પર દીપ્તિ હતી. કમલનું મન કહેવા માટે તલસી રહ્યું : ‘મા, તમે પાછાં ઘેર ચાલો ને! તમારા વગર ઘરમાં સારું નથી લાગતું.’ પણ વસુધાને જોયા પછી તેનાથી એ બોલાયું નહીં. એક પંખી હવે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું હતું. એને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવાનું શક્ય નહીં બને. નવાઈની વાત. બીજે દિવસે વ્યોમેશ મળવા આવ્યો. તેનું હૃદયપરિવર્તન થયું કે શું? વસુધાએ ઘર છોડ્યું પછી આ પહેલી વાર બંનેએ એકબીજાને જોયાં. વસુધાએ તેને જોઈને આવકારનું સ્મિત કર્યું, પણ વ્યોમેશના મોંની રેખાઓ હળવી થઈ નહીં. તે બેઠો પણ નહીં. ઊભો ઊભો થોડી વાર જોઈ રહ્યો. પછી આજુબાજુ નજ૨ નાખી. સલીનાને જોઈ. થોડી વાર ચૂપ રહ્યા પછી લુખ્ખા અવાજે બોલ્યો : ‘પોતાની ઇચ્છા પ્રમાણે ક૨વા જતાં શો સાર કાઢ્યો? સરખી રીતે ઘરમાં રહ્યાં હોત તો માથું ફૂટવાનો વારો ન આવત ને?’ અનુભવના બખ્તરથી રક્ષાયેલી હતી તોયે આ આઘાત જરા ઉઝરડો કરી ગયો. આટલું બધું બની ગયું તેનો આ જ સાર કાઢ્યો? માથું ફૂટ્યું તે દેખાયું, દીવાલો તૂટી તે દેખાયું નહીં? — વસુધાને કહેવાનું મન થયું, પણ કહ્યું નહીં. જે માણસ અજવાળું ન જોઈ શકે તેને આંગળી ચીંધી દીવો બતાવવાથી શો લાભ? પછી વળી બોલ્યો : ‘મેં કેટલું બધું વિચારી રાખેલું. રિટાયર થવાને હવે બહુ વાર નહોતી. પછી શું કરવું, કેમ રહેવું, બધી વ્યવસ્થા મેં મનમાં નક્કી કરી રાખી હતી. તેં મારાં બધાં ક્રમનો ભંગ કરી નાખ્યો.’ વસુધાએ કશો જવાબ દીધો નહીં. માત્ર એક હળવું સ્મિત તેના મુખ પર ફેલાઈ રહ્યું. સલીના એ જ રૂમમાં બીજા પલંગ પર સૂતી હતી. બધું સાંભળતી હતી. વ્યોમેશે તેની ત૨ફ બીજી વાર જોયું નહીં. બે-ચાર અમસ્તી વાતો કરી છેવટે નીકળતાં કહ્યું : ‘સારું. હવે તને કાંઈ થાય તો મને દોષ આપતી નહીં!’ એના જતાં જ સલીના બેઠી થઈ ગઈ. ‘એમના ક્રમનો તમે ભંગ કર્યો, એમ? અને તમારા આખા જીવનનો ક્રમ એમણે તોડી નાખ્યો હતો એનું શું?’ તે ઉશ્કેરાઈને બોલી : ‘અને પપ્પાજીનો દંભ તો જુઓ! વાંક તેમનો છે અને દોષી તમને ઠરાવે છે. આ પણ એક પ્રકારનો બળાત્કાર જ કહેવાય ને! એમણે લગ્નનું તો નક્કીયે કરી નાખ્યું છે. મને ખબર છે, એ બહેન ઘણી વા૨ ઘેર પણ આવી ગયાં. ઉપ૨થી કહે છે — તને કાંઈ થાય તો…કેમ જાણે, તમને જે વીત્યું છે, તે તેમના લીધે વીત્યું છે, એ જાણતા જ ન હોય!’ વસુધાના મનમાં કશો ઉદ્વેગ નહોતો. શાંતપણે કહ્યું : ‘દંભ કદાચ ન પણ હોય, ફક્ત અજ્ઞાત હશે.’ બીજી સ્ત્રી વિશે વધુ સાંભળવાનો રસ રહ્યો નહીં. એ પળે જ સમજાયું કે સંબંધની બધી જંજીરો તૂટી પડી છે. સમજાયું કે પોતાની ને વ્યોમેશની વચ્ચે જે કાંઈ હતું તે શરીરનું હતું, સામાજિક ફરજ અને શિષ્ટતાનું હતું. ઉપરથી નીચે સુધી બીડેલા બટનવાળા એ માણસને કોઈ ઊંડી, વિશાળ, હૃદયને તૃપ્ત કરનારી બાબતોની ક્યારેય જાણ જ નહોતી થઈ. આંખો મીંચીને વસુધા પડી રહી. વ્યોમેશનાં વજનદાર પગલાંનો અવાજ દૂર દૂર જતાં છેવટ લુપ્ત થઈ ગયો.

*

સલીનાના પગ પર ફરી નાનું ઑપરેશન કરવું પડ્યું. અચાનક જ ‘અ’ આવી ચડ્યો. તે હંમેશ આવી રીતે, અજાણતાં જ આવી ચડતો. અત્યાર સુધી આદિત્યે એકલાએ વસુધા અને સલીનાની પરિચર્યાનું કામ ઉપાડી લીધું હતું. જે ઝીણવટભરી કાળજી અને મૃદુતાથી તે બન્નેની શુશ્રૂષા કરતો, થાક્યા વગર કે સૂગાયા વગર નાનાં-મોટાં કામ કરી આપતો, દવા માટે ગમે તે સમયે ગમે તેટલે દૂર કંટાળ્યા વગર આંટા ખાતો, ક્યારે તેમને કઈ વસ્તુની જરૂર પડશે, હસાવીને ક્યારે તેમને હળવાં રાખવાં અને ક્યારે તેમને શાંતિમાં એકલાં રહેવા દેવાં — એ પારખવાની તેનામાં જે ઝીણી સૂઝ હતી તે જોઈ વસુધાને ખૂબ આશ્ચર્ય થતું. અત્યાર સુધી વસુધાએ જ પતિની, સંતાનોની, ફૈબાની સેવા કરી હતી. કોઈ પોતાનીયે આવી રીતે સેવા કરે, પોતાનું સઘળું ધ્યાન, સઘળો સમય તેને આપે, કશી અપેક્ષા કે બદલાની ઇચ્છા વિના, સંબંધના કર્તવ્યની કોઈ આણ વિના, કેવળ કોઈની વિકસિત મનુષ્યતામાંથી જ આવો આત્મીયતાનો પ્રવાહ વહે, એ વસુધાએ કદી જાણ્યું નહોતું. તેનું હૃદય મૂંગું મૂંગું આદિત્ય પ્રત્યે કૃતજ્ઞતાથી ઊભરાઈ રહ્યું. ‘અ’ આવતાં આદિત્યને શુશ્રૂષાના કામમાં સહાય મળી. સલીનાને જરા પણ ફરવું હોય તો તેને ટેકો આપવો પડતો, તેના પગને કાળજીથી ઊંચકીને ગોઠવવો પડતો. ‘અ’એ એ કામ આનંદથી ઉપાડી લીધું. વસુધાને ક્યારેક થતું — આદિત્ય, સ્વરૂપ, ‘અ’ બધા એકમેકથી કેટલા તો જુદા, અને છતાં કેવા સમાનપણે મુક્ત હતા! સ્વરૂપ જ્ઞાન અને ચિંતનનો માણસ હતો. અંદરથી ખૂબ શાંત, સ્વમાં સ્થિત, લગભગ અદૃશ્ય હોય તેવો. આદિત્ય કામ, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. અને આ બાહ્ય તરવરાટ હેઠળ એક પ્રેમાળ સમર્પિત હૃદય હતું. હિમાલયમાં રહીને તે હિમાલયના નિવાસીઓ સાથે એકરૂપ થઈ ગયો હતો. તેમની સેવામાં તેણે આખું જીવન આપી દીધું હતું. તેમનામાંની જ એક છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. તેમની જેમ તે રહેતો, તેમની જેમ જ ખાતો. તે સાદો, સરળ, પોતાની જાતની ખેવના કર્યા વગર બીજાનો વ્યથાનો બોજ ઉપાડી લેનાર માણસ હતો. વસુધાએ એક વાર પૂછેલું : ‘આદિત્ય, હિમાલયમાં તું શું કરે છે?’ આદિત્યે હસીને કહેલું : ‘બહુ સાદું કામ કરું છું. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવું છું.’ વસુધાને અચાનક મન થઈ આવ્યું — આદિત્યને કહેવાનું : ‘તને ખબર છે આદિત્ય, નાનપણમાં…’ કહેવા માટે હોઠ ફફડ્યા, પછી ચૂપ થઈ ગયા. જવા દો, એ બધું કહેવાથી શો ફાયદો? ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાંની વાત, પોતાના મનમાં એને માટે એક ખાસ ભાવ હતો એવું આદિત્ય જાણે, તેથી શો ફરક પડવાનો હતો?

*

‘અ’ આવ્યો ને હૉસ્પિટલના વાતાવરણમાં એક સુગંધ ફેલાઈ રહી. તે મૂળિયાં વિનાનો, હવામાં હવાની લહર બનીને વહેતો માણસ હતો. એને કોઈ પોતાનાં કે પારકાં લોકો નહોતાં, પોતાની પારકી ભૂમિ નહોતી. એને જોતાં જ સલીનાને થયું, સતયુગના સમયમાંથી કોઈ ઋષિકુમાર આવી ચડ્યો છે. ચહેરા પર એટલી નિર્મળતા! શરીરની બહાર જાણે તેની હસ્તી હોય એવી અપાર્થિવતા. ‘અ’ને ક્રાન્તિ સાથે કાંઈ લાગતું-વળગતું નહોતું, પણ સલીનાને તેની સાથે મઝા આવી. વસુધા એ જોઈને પ્રસન્ન થઈ. આ બધા દિવસો, તેના હૃદયમાં એક સવાલ ઝીણું ઝીણું સળગ્યા કરતો હતો : કૃષ્ણનનું શું થયું હશે? મોરચાના દિવસે સલીનાને કૃષ્ણનનો એક પત્ર મળ્યો હતો. ઘણા દિવસ પહેલાં લખાયેલો પત્ર લાંબી રખડપાટ પછી ચોળાયેલા રૂપમાં સલીનાના હાથમાં આવ્યો હતો. ટૂંકું લખાણ હતું : સલીના, મારી વાટ જોઈશ નહીં. મારો મહેલ તૂટી પડ્યો છે અને ઝૂંપડી પણ તૂટી પડી છે. ભાગ્યે ચુકાદો આપી દીધો છે. આ છેલ્લા જુહાર છે. આ જન્મમાં હવે કદાચ નહીં મળીએ. મારું હૃદય ખુલ્લું છે, મારાં બારણાં ખુલ્લાં છે. એમાં થઈને હળવાશથી બહાર નીકળી જા, સલીના! અને મારી વાટ જોઈશ નહીં. મારો સમય થઈ ગયો છે… મોરચા વખતે તો સમય નહોતો, પણ હૉસ્પિટલમાં પછીથી સલીનાએ વસુધાને એક વાર પત્ર વંચાવ્યો હતો. બસ. ત્યાર પછી એ વિશે આગળ કશી વાત નહોતી કરી. મોં પર વેદનાની છાયા કદી ફરકવા નહોતી દીધી. વસુધાનું મન ફક્ત અંદર અંદર કોરાયા કરતું. આ પત્ર તો ઘણો પહેલાંનો લખેલો છે. શૈલી પરથી તો કવિહૃદય લાગે છે. આવું એણે શાથી લખ્યું હશે? અત્યારે એ ક્યાં હશે? ‘અ’ આવતાં વસુધા આશ્વસ્ત થઈ. સલીના બહારથી ભલે બોલે નહીં, પણ તેના હૃદયમાં પીડાની ઘૂમરીઓ વળ ખાતી હશે. ‘અ’ તેને આનંદમાં લાવી શકશે. ‘અ’ નજીકમાં હોય ત્યારે કોઈ પોતાની પરિસ્થિતિથી તદ્દન આક્રાન્ત ન થઈ જઈ શકે; આ સામે જે દેખાય છે તે જગતથી ભિન્ન કોઈક જગત એવું ભાન થયા કરે. ‘અ’ આવ્યા પછી પહેલી વાર વસુધાએ સલીનાને હસતી જોઈ. અત્યારે તે ભોંય પર ઊંધો પડીને સૂતો હતો. સલીના નવાઈ પામીને બોલી : ‘આમ ઊંધો પડીને શું કરે છે, ‘અ’?’ ‘અ’ ઊંચું જોયા વિના બોલ્યો : ‘પૃથ્વી શ્વાસ લે છે તે જોઉં છું. ધીમેકથી જાણે તે હલતી હોય એવું લાગે છે. જાણે તે મારી અંદર શ્વાસ લે છે; કે પછી હું એની અંદર શ્વાસ લઉં છું? કાંઈ ખબર પડતી નથી.’ થોડી વાર તે એમ જ ભોંય-સરસું મોં રાખીને પડી રહ્યો; પછી તે બેઠો થયો ત્યારે તેના મોં પર ચમક હતી. ‘સલીના!’ ‘શું?’ ‘તને ખબર છે, કોઈ કોઈવાર મને એવું લાગે છે, જાણે દરિયો મારી અંદર ઘૂઘવે છે.’ સલીના વિસ્ફારિત નેત્રે એને જોઈ રહી. ‘અ’ બહુ જ સુંદર હસ્યો. ‘એવું લાગે છે, જાણે આકાશ મારી અંદર ઊતરી આવ્યું છે. સૂર્ય-ચંદ્ર-તારા મારી અંદર પ્રકાશે છે. વનસ્પતિ મારી અંદર ફૂટે છે. આખું જગત, બધાં પ્રાણીઓ, ખડકો, નદીઓ, જડ-ચેતન બધું મારી અંદર પ્રગટ થતું હોય એમ લાગે છે.’ સલીના મોટેથી હસી પડી હતી. ‘ ‘અ’, તું આખો વખત શું કરે છે? તારું શી રીતે ચાલે છે?’ ‘અ’એ તેના નાના સફેદ ઝોળામાંથી એક સામયિક કાઢ્યું. ‘આ જો,’ તેણે એક લેખ બતાવ્યો. શીર્ષક હતું : એકલા રહેવાનો આનંદ. આમ કોઈક કોઈક વાર લખું છું, લોકોને યોગાસન અને પ્રાણાયામ શીખવું છું. નિર્વાહ પૂરતું મળી રહે છે. મને બહુ પૈસા તો જોઈતા નથી! સલીના, તેં કદી વિચાર કર્યો છે કે જીવવા માટે કેટલી ઓછી વસ્તુઓની જરૂર પડે છે?’ ‘એ જૂની ફિલસૂફી છે.’ સલીના બોલી: ‘માણસ એવી રીતે જીવે તો કોઈ દિવસ પ્રગતિ થાય નહીં. જરૂરિયાતો વધે તો ઉત્પાદન વધે. તો જ નવી નવી વસ્તુઓની શોધ થાય. પણ એટલું ખરું કે વસ્તુઓ બધાંને જ મળવી જોઈએ. થોડાક લોકો મોટા ભાગની સંપત્તિ પચાવી પાડે અને બાકીના લોકો આખું જીવન ફાંફાં મારતા રહે — એ મને કબૂલ નથી. સંપત્તિ ૫૨ બધાંનો સમાન હક હોવો જોઈએ.’ અ હસ્યો. ‘તારી વાત સાચી છે સલીના. પણ મારી સંપત્તિ જુદી છે. મારા આનંદ માટે હું વસ્તુઓ પર આધાર રાખતો નથી. હું કાંઈ ન કરતો હોઉં, મારી પાસે કાંઈ ન હોય ત્યારેય હું સુખી જ હોઉં છું. હું જોતો હોઉં, સાંભળતો હોઉં, કામ કરતો હોઉં, ખાલી બેઠો હોઉં અને સુખ મારી સામે ઊભું રહીને હસે છે, આંખ પટપટાવે છે. મને ખબર છે, હું તેને પકડવા હાથ લંબાવું તો તે ભાગી જાય, પણ હું તો બેઠો રહું છું, એટલે પછી ધીમે ધીમે તે પોતાની મેળે જ મારી પાસે આવે છે…’ સલીના એનો પ્રકાશિત ચહેરો નીરખી રહી. પોતાની વિચારધારાથી તેની વાત સાવ જુદી હતી, છતાં તેમાં તથ્ય તો હતું જ. અને એ આકર્ષક હતું.

*

ફૂલઘરની એક સાંજ. વસુધા એકલી બેઠી હતી. હજી બીજું કોઈ આવ્યું નહોતું. સહસા યાદ આવી ગઈ ઘણા મહિના પહેલાંની એક સાંજ, જ્યારે પહેલી વાર તે અહીં બેઠી હતી અને ઘેરાતા અંધકારમાં એક સવાલ પૂછ્યો હતો. આજે તેને લાગ્યું કે અજવાળામાં એનો જવાબ પોતે જીવી રહી છે. આજે વિનોદ પૂછે કે બહેની, તારું બીજું નિવાસસ્થાન ક્યાં છે, તો એનો ઉત્તર હવે પોતે આપી શકે. એકલી એકલી તે હસી. તેના ચહેરા પર સંતોષનો ભાવ પથરાઈ રહ્યો. ‘આટલો બધો સંતોષ શાનો છે, વસુધા? જીવનમાં જે સુખની શોધ હતી તે મળ્યું?’ કોઈએ સ્નેહભર્યા અવાજે પૂછ્યું. પાછળ ફરીને, કોણ છે એ જોવાની જરૂર ન પડી. અવાજ પરથી જાણ્યું. આદિત્ય હતો. આવીને બાજુની ખુરશી પર બેઠો. ‘હું સુખ નહોતી શોધતી, આદિત્ય!’ ‘તો?’ ‘સાચા થવાનો અધિકાર શોધતી હતી.’ વસુધાએ કહ્યું અને તેણે ડૂબતા સૂર્યની લાલિમા પ૨ નજ૨ માંડી. ‘દુઃખ અને તકલીફનો મને વાંધો નહોતો, પણ’ — તેણે વાક્ય અધૂરું મૂક્યું. અને પછી આદિત્ય તરફ ફરી લાંબી વાર સુધી તેના તરફ જોઈ રહી. ‘શું જુએ છે, વસુધા?’ તારી આંખો. એ આંખોમાં એક આકાશ છે.’ આદિત્ય હસી પડ્યો. ‘એ આંખોમાં હિમાલય છે, પણ હિમાલયમાં પૃથ્વી ને આકાશ બન્ને એક થઈ જાય છે. હિમાલય બહુ ભવ્ય છે, વસુધા! સ્વરૂપે એક વાર સરસ કહેલું કે હિમાલય તે પૃથ્વીની આકાશને પામવાની ઝંખના છે…’ દૂરથી એના, વિનોદ ને અલોપા આવતાં દેખાયાં. સ્વરૂપ ને અગ્નિવેશ, આભા, જરૂલ, ગગનેન્દ્ર — બધાં એક પછી એક આવ્યાં. સૌથી છેલ્લે સલીના આવી, ઘોડીના ટેકે, ધીરે ધીરે ચાલતી. સૂરજ ડૂબ્યો અને એકાએક બધા અવાજો બંધ થઈ ગયા. ચારે તરફ શાંતિ પથરાઈ રહી. બધાં ચૂપ બેઠાં. દરેકના મનમાં મિત્રાની યાદ મીણબત્તીની જ્યોતિની જેમ ફરકતી હતી. અચાનક સલીનાના ગળામાંથી એક વિચિત્ર અવાજ નીકળ્યો. તે ઝડપથી ઊભી થઈ અને ખોડંગાતા પગે, ઘોડી લઈને મોટાં ડગલાં ભરતી ફૂલઘ૨માંથી બહાર નીકળી. તેનો અવાજ ચીસ જેવો બની ગયો : કૃષ્ણન, તું?’ અમે બધાં પણ ઊભાં થઈ ગયાં. અમને ખ્યાલ નહોતો અને ફૂલઘરની નજીકમાં એક માણસ આવી ઊભો હતો. મેલાંઘેલાં કપડાંમાં જેમતેમ વીંટાળી દીધેલો દેહ, ખૂબ વધી ગયેલાં દાઢીમૂછ, શામળો રંગ. ‘સલીના!’ તેના ગળામાંથી ઘૂંટાયેલો અવાજ આવ્યો. સલીનાની આંખમાંથી આંસુના રેલા ચાલ્યા. ‘કૃષ્ણ…કૃષ્ણ…’ કૃષ્ણન ફૂલઘ૨માં આવ્યો. યાતનાઓના બોજ નીચે શરીર ભાંગી ગયું હોય એમ તે ખુરશીમાં ધબ દઈને ઢગલો થઈ પડ્યો. ‘મને નકસલવાદી કહીને પકડી ગયા હતા. ખૂબ ત્રાસ વરતાવ્યો. મને તો એમ હતું કે આમાંથી હું બચીને બહાર નહીં નીકળી શકું. મેં એટલે તને પત્ર લખેલો. મળ્યો હતો?’ તેણે મેલાં કપડાંમાંથી બે હાથ બહાર કાઢીને બતાવ્યા. સલીના ચીસ પાડી ઊઠી. બેઉ હાથ ભયંકર રીતે સૂજેલા હતા, તેના પર ઠેકઠેકાણે લોહીના ચાંભા બાઝ્યા હતા. ‘કાલે રાતે મને બીજે લઈ જતા હતા. અધવચ્ચેથી હું ભાગી નીકળ્યો. પોલીસ મારી પાછળ હશે. કાવેરી પાસેથી તારી ભાળ મેળવી અહીં આવ્યો છું.’ ઝડપથી અમે બધાં ઘરમાં ગયાં. કૃષ્ણનને ગરમ ગરમ કૉફી પિવડાવી. ખવડાવ્યું. બે દિવસથી તે ભૂખ્યો હતો. સલીનાએ એને મદદ કરી ને કેટલાયે દિવસ પછી તે નાહ્યો. ગગનેન્દ્રનાં કપડાં એને આવી રહ્યાં. દાઢી કરી મોં પરના બધા વાળ કાઢી નાખ્યા. વસુધાએ જોયું. ચહેરો આકર્ષક નહોતો, પણ આંખોમાં એક પારદર્શકતા હતી. નખશિખ પ્રામાણિક અને કોઈક ઉદાત્ત ધ્યેયને વરેલા માણસનો હોય તેવો ચહેરો હતો. રાતે બધાં કૂંડાળું વળીને બેઠાં. કૃષ્ણને પોતે શું સહન કર્યું તેની વાત કરી. વચ્ચે વચ્ચે વિનોદી ટુચકા કહેવાની તેને આદત હતી. ‘એક સૈનિકનો પગ કપાયો. તેને લોહીની જરૂર હતી. તેના સાથીદારે કહ્યું : લોહી હું આપીશ. પણ ઑપરેશન વખતે તે લોહી આપવા ગયો નહીં. પછી મળ્યો ત્યારે પૂછ્યું : કેમ આવ્યો નહીં? પેલો કહે : ખાટલામાં માંકડ બહુ હતા. બધું લોહી ચૂસી ગયા. કેવી રીતે આવું?’ હાસ્યનાં મોજાં પર ઝિલાઈને પીડા ને યંત્રણાની વાતો હળવી બની ગઈ. ‘આપણે અહીં રહી નહીં શકીએ, જલદી ક્યાંક ભાગવું પડશે.’ કૃષ્ણને કહ્યું. ‘આપણી પાસે સમય નથી.’ ‘હિમાલયમાં ચાલો, ત્યાં તમને વાંધો નહીં આવે. હું હવે જવાનો જ છું. આપણે સાથે જઈએ.’ આદિત્યે કહ્યું. અમે હિમાલયના પહાડી લોકોમાં જ કામ કરવાનો વિચાર કરેલો.’ સલીના બોલી, અને તેનો અવાજ સહેજ ધ્રૂજી ગયો. ‘પણ હવે —’ તેણે પોતાના પગ તરફ નજર કરી. ‘હવે હું કેવી રીતે પહાડોમાં ચાલી શકીશ?’ કૃષ્ણનની આંખમાં અસીમ પ્રેમ છલકાયો. તેણે સલીનાનો હાથ હાથમાં લીધો. આંખોમાં આંખ પરોવી કહ્યું : ‘ચિંતા શું કરવા કરે છે? હું છું ને!’ સલીનાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એક પછી એક બધાં વિખરાયાં. છેલ્લે હું, સ્વરૂપ, આદિત્ય અને વસુધા રહ્યાં. મેં કહ્યું : ‘કાલે તો આદિત્ય જશે. ચાલો, છેલ્લે દરિયાને મળી આવીએ.’ કૃષ્ણપક્ષની રાત હતી. આકાશ તારાઓથી ગીચ ભરેલું હતું. સમુદ્રનાં મોજાંનો ધીરો ઘુઘવાટ શાંતિની ઝાલર જેવો લાગતો હતો. થોડી વાર અમે એ સંગીતને સાંભળતાં મૌન રહ્યાં. એક પંખી ક્યાંકથી આવ્યું ને દરિયા પરથી ઊડી ગયું. ‘સિંગલ!’… વસુધા ગણગણી. આદિત્યે એની સામે જોયું, કંઈક કહેવા એના હોઠ ફફડ્યા. વળી જરા ચુપ રહ્યો. પછી બોલ્યો : ‘વસુધા, મારે તને એક ખાસ વાત કહેવી હતી.’ વસુધાએ એક થડકારો અનુભવ્યો. અમારા કાન આદિત્ય પર મંડાયા. તેનો અવાજ સહેજ કંપ્યો. દક્ષિણમાં ઊગીને ઉપર આવેલા અગસ્ત્યના તેજસ્વી તારા પર તેણે આંખ માંડી. બોલ્યો : ‘વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદગ્રામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…’ વસુધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ‘હું?’ ‘મેં તારી બધી વાત સાંભળી છે. તારામાં ખૂબ શક્તિ છે…’ વસુધા મૂંઝાઈ ગઈ. ‘ઈશા ને સ્વરૂપને મેં વાત કરી હતી. તેમણે પણ કહ્યું કે તું ઇચ્છે, તું ધારે તો એ કરી શકે.’ વસુધાએ વિમાસણથી મારી સામે જોયું. મેં ધીરેથી ડોકું હલાવ્યું. સ્વરૂપે ધીમેથી કહ્યું : ‘મેં તમને પૃથ્વીના પ્રતીક તરીકે જોયાં છે. પૃથ્વીની શક્તિ અખૂટ છે. તેની સર્જનશીલતાનો કોઈ અંત નથી.’ વસુધા સાંભળી રહી. ‘પહાડી સ્ત્રીઓની સ્થિતિ ઘણી ખરાબ છે, વસુધા! ત્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધુ કામ કરે છે, કરીને તૂટી મરે છે. બદલામાં પૂરું ખાવાનુંય પામતાં નથી. તેમનામાં કોઈ વિશેષ આવડત નથી, શિક્ષણ નથી. છે માત્ર નિષ્કપટ હૃદય. લીલા હતી ત્યારે તેણે તેમને થોડું શીખવવા પ્રયત્ન કરેલો.’ ‘હતી?’ ‘તને ખબર નથી?’ આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું. ‘એ તો ઘણાં વર્ષોથી મૃત્યુ પામી છે. તને કોઈએ કહ્યું નથી?’ ‘તો ઘણાં વર્ષોથી તું એકલો જ છે?’ આદિત્ય હસ્યો : ‘હિમાલયમાં તમે એકલા હો તોયે એકલા નથી હોતા. અને જે લોકોની વચ્ચે હું રહું છું તે બધાં મારાં સ્વજનો જ છે. તને હિમાલયનો પરિચય નથી, વસુધા! એક વાર ત્યાં આવ અને જો…કે ત્યાં પૃથ્વી કેટલી ઉપ૨ ઊઠે છે, અને આકાશ કેટલું નીચે ઊતરી આવે છે!’ તેણે વસુધા ૫૨ નજ૨ માંડી. ‘મને તારામાં શ્રદ્ધા છે, વસુધા, ત્યાં કામ ક૨વાનું અઘરું જરૂ૨ છે, પણ આપણે કાંઈ કર્યાનો ભાર માથે ઊંચકવાનો નથી. લોકો જેને સેવા ને ત્યાગ કહે છે તે ખરેખર તો પ્રાપ્તિ અને આનંદ હોય છે, એની પાછળ પ્રેમ હોય ત્યારે.’ વસુધાએ રેતીથી મૂઠી ભરી અને પેલી આંગળીઓમાંથી સ૨વા દીધી. થોડીક પળોમાં આખું જીવન નજ૨ સામેથી પસાર થઈ ગયું. વ્યોમેશ સાથેનો છેલ્લો પ્રસંગ અને એના જેવા બીજા હજારો પ્રસંગો — બધું કાળના પ્રવાહમાં વહી ગયું હતું. હવે સામે હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર તારાઓથી ઝળકતું આકાશ. ‘ભલે, હું આવીશ.’ તેણે શાંત અવાજે કહ્યું.

*

સ્ટેશન પર અમે બધાં વિદાય આપવા ઊભાં હતાં. આનંદગ્રામને છોડી જતાં સૌનાં મન ભારે હતાં. ટ્રેનની બારીમાંથી સલીના, કૃષ્ણન, આદિત્ય, વસુધાએ હાથ હલાવ્યા. એન્જિને વ્હિસલ વગાડી અને ધુમાડાની ધજા ફરકાવી. એકાએક ત્રણ દિવસથી ચાલ્યો ગયેલો ‘અ’ દોડતો આવ્યો. ‘બધાં જાઓ છો?’ તેણે હાંફતા અવાજે કહ્યું : ‘સારું થયું ને હું આવી ગયો તે?’ તેણે સ્નેહભર્યું સ્મિત કરી હાથ ઊંચો કર્યો. હજી હમણાં જ ઊગેલા સૂર્યના પ્રકાશથી તેનું મોં ચમકી રહ્યું. બધાંને લાગ્યું, સૂર્ય તેની અંદર ઊગ્યો છે. ટ્રેનનાં પૈડાં ફર્યાં. મારી આંખો ભરાઈ આવી. વસુધા ને સલીના છેલ્લા કેટલાયે મહિનાઓથી મારા જીવનનો ભાગ બની ગયાં હતાં. એમને વિદાય આપતાં મારા હૃદયમાં શોક ફેલાયો. આનંદગ્રામ જાણે ખાલી થઈ ગયું. સ્વરૂપ મારી વ્યથા સમજ્યો. મારા ખભા ફરતો તેણે હાથ વીંટાળ્યો. કહ્યું : ‘આનંદગ્રામ વિધાતાએ રચેલું પૂર્ણનું એક ચિત્ર છે. પૂર્ણમાંથી પૂર્ણ જાય, પછી જે બાકી ૨હે તે પૂર્ણ જ છે.’

* * *