સાત પગલાં આકાશમાં/૫
રાત ઠીક ઠીક વીતી હતી, પણ દીર્ઘ સહજીવનનાં હજી તો શરૂનાં પાનાં જ ઊઘડ્યાં હતાં. આટલી વાત કરતાં વસુધા થાકી ગઈ હતી. જૂના દિવસોની વેદના તે ફરી જીવવા લાગી હતી. અમે એને ઘરમાં જઈને સૂઈ જવાનો આગ્રહ કર્યો. તેણે આનાકાની કરી નહિ. જરા વાર ચૂપ બેસી તે દરિયા ભણી જોઈ રહી, પછી ધીરેથી ઊઠી અને નિવાસ તરફ ચાલી. વૃક્ષો પર, મકાનોનાં છાપરાં ૫૨, ફૂલઘરથી મકાન તરફ જતી રેતી ને પથ્થરની પગવાટ ૫૨ શુક્લ એકાદશીનો ચંદ્ર ચાંદની વરસાવી રહ્યો હતો અને એને કારણે એ પગવાટ તેજની કેડી જેવી લાગતી હતી. નમેલા ખભાવાળી વસુધાની દેહાકૃતિને અમે, તેજની કેડી પરથી ધીમે ધીમે ચાલીને મકાનમાં અદશ્ય થતી જોઈ રહ્યાં. મિત્રાએ ઊંડો શ્વાસ લીધો. ‘તારું શું માનવું છે, ઈશા? વ્યોમેશે મૃત્યુના સમાચાર પાર્ટીમાં જાહેર ન કર્યા એ ખોટું કર્યું?’ ‘ઘણા લોકો મોજ-આનંદ કરતાં હોય ત્યારે એમાં ભંગ પાડવો એના કરતાં પોતાનું દુઃખ પોતાના અંતરમાં સમાવી લેવું — એ વધારે સારું નથી?’ એનાએ કહ્યું. ‘મને લાગે છે કે સમાચાર જાહેર કરવા કે ન કરવા — એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે વ્યોમેશને ફૈબાના મૃત્યુથી દુઃખ થયેલું કે નહિ?’ મેં કહ્યું. છેવટ જુઓ તો, દૂરના કોઈ નાના ગામમાં વૃદ્ધ ફૈબાનું મૃત્યુ થાય, એથી વ્યોમેશના જીવનની કોઈ કાંકરી ખરતી નથી. પોતાના જીવનક્રમને વેરવિખેર કરી નાખે તેવા મૃત્યુનું જ માણસને દુઃખ થતું હોય છે. બીજા મૃત્યુનું દુઃખ તો બે આંસુ ને શોકનાં ચાર વાક્યોમાં સમાપ્ત થઈ જતું હોય છે.’ ‘આપણે માની લઈએ કે વ્યોમેશને દુઃખ નહોતું થયું અથવા ક્ષણવાર જ થયું હતું અને એની એ ક્ષણ બારણા બહાર જ રહી ગઈ હતી. જે દુઃખ હૃદયમાં ન હોય તેને માટે શોક કરવો એ દંભ કહેવાય. વ્યોમેશને દંભ કરવો ન ગમતો હોય, તો એ એની સચ્ચાઈ નથી?’ અલોપાએ કહ્યું. ‘જેના જીવનની કિંમત ન હોય એના મૃત્યુ પર માણસને શોક ન થાય તે સમજાય તેવી વાત છે. અને તો પછી બીજાના આનંદની કાળજી કરીને પોતાના દુઃખને દબાવી રાખ્યું એમ કહેવાનો કોઈ અર્થ નથી. એ બીજા પ્રકારનો દંભ છે.’ મેં કહ્યું. ‘થોભો, મને એક બીજો જ મુદ્દો સૂઝે છે.’ એનાએ એકદમ ઉત્તેજિત અવાજે કહ્યું. અમે બધાંએ તેના તરફ નજ૨ માંડી. ‘આપણા એક મહાન નેતા કામમાં પરોવાયેલા હતા ત્યારે તેમને તેમનાં પત્નીના મૃત્યુનો તાર મળ્યો હતો. તાર વાંચી એને ખિસ્સામાં મૂકી એમણે કામ ચાલુ રાખ્યું હતું. કશી પ્રતિક્રિયા વ્યક્ત કરી નહોતી. એમને દુઃખ થયેલું કે નહિ, તે સવાલ નથી. સવાલ એ છે કે એમની જગ્યાએ કોઈ સ્ત્રી હોત તો પતિના મૃત્યુનો તાર એણે આમ શાંતિથી પર્સમાં મૂકી દઈ પોતાનું કામ ચાલુ રાખ્યું હોત? આવી પાર્ટી ધારો કે કોઈ સ્ત્રીએ પોતાની સખીઓ માટે ગોઠવી હોય ને અચાનક પતિનું મૃત્યુ થવાનો તાર આવે તો શું તે એ તાર બાજુ પર મૂકી પાર્ટીની મઝામાં સામેલ થઈ જઈ શકે?’ અમે બધાં જરા ખળભળી ગયાં. ‘સ્ત્રી એવું કરે તો તો સમાજ એના પર તૂટી જ પડે. લોકો એને માટે કેવું કેવું બોલે એની હું કલ્પના પણ કરી શકતી નથી.’ અલોપાએ કહ્યું. ‘એનો અર્થ એ કે સમાજનાં ધોરણો પુરુષ માટે જુદાં છે અને સ્ત્રી માટે જુદાં છે.’ મેં કહ્યું. ‘એનો અર્થ એ કે પત્ની માટે પતિનું મૃત્યુ મહત્ત્વની ઘટના છે, પતિ માટે પત્નીના મૃત્યુનું એટલું મહત્ત્વ નથી.’ મિત્રાએ જરા ઊંચા સ્વરે કહ્યું. ‘કારણ કે પત્ની મૃત્યુ પામે તો પતિ ફટાક દઈને બીજી સ્ત્રી પરણી શકે છે… અને એટલે સ્ત્રીનું સમાજમાં મૂલ્ય ઓછું છે. તેની લાગણીઓનું મૂલ્ય ઓછું છે, તેના જીવનનું મૂલ્ય ઓછું જ છે.’ એનાના અવાજમાં રોષ હતો. ‘આપણે વસુધાની વાત પૂરી સાંભળી નથી.’ મિત્રા બોલી. ‘આ પાર્ટીની ઘટના તો કદાચ છેલ્લો ઘાવ હશે. એણે નાની નાની બાબતોમાં પણ પોતાની ઇચ્છાઓને હણાતી જોઈ છે. વ્યોમેશ આવી મોટી બાબતમાં પણ સ્વૈરપણે વર્તી શકે છે એ જોઈને એને પોતાને થયેલા અન્યાયોનું વધુ તીવ્રતાથી ભાન થયું હોય એમ બને.’ ‘એ ખરી વાત છે.’ અલોપા ગણગણી. ‘પુરુષ હંમેશા પોતાની ઇચ્છા પ્રમાણે વર્તતો હોય છે. સ્ત્રીએ, ખાસ કરીને તે નવી વહુ બનીને આવે ત્યારે, પોતાની ઇચ્છા જેવી કોઈ ચીજ હોય એ વાત જ ભૂલી જવી પડે છે. અને પછી ધીરે ધીરે એને એની આદત પડી જાય છે.’ ‘મને નવાઈ લાગે છે કે સ્ત્રી આ બધું મંજૂર કેમ રાખે છે? તે વિરોધ કેમ નથી કરતી? તે આ અન્યાયનો જવાબ કેમ નથી માગતી?’ એનાનો સાદ તીખો હતો. ‘આપણે આ બધું પડકારવું જોઈએ, આપણે તેમને સામે મોંએ પ્રશ્નો પૂછવા જોઈએ, તેમની પાસેથી જવાબ માગવો જોઈએ… દ્રૌપદીએ ભરી સભામાં વિદ્વાનો ને વડીલો પાસેથી માગેલો એમ…’ મિત્રા બોલી. ‘પણ જે લોકો પોતે જ અન્યાયના સર્જકો છે તેઓ શું ન્યાયપૂર્ણ જવાબ આપી શકશે?’ મેં કહ્યું : ‘જેમણે પોતે જ બીજાનું ગળું ઘોંટી દીધું છે તેઓ સ્વતંત્રતા માટેનો તેમનો પોકાર સાંભળી શકશે? પોતાની સત્તા સરી જવાના ભયથી તેઓ વધુ આક્રમક નહિ બની ઊઠે?’ ફૂલઘરમાં ક્યાંય સુધી મૌન છવાઈ ગયું. ઘણી વારે મિત્રા વિચારમાં જ હોય તેમ ઊભી થઈ. તેના ખભા ટટ્ટાર થયા. તેના અવાજમાં એક તેજ ઝલમલી ઊઠ્યું : ‘આપણે જવાબ માગીશું. એમને એ આપવો પડશે.’ એના ને અલોપા પણ ઊઠ્યાં અને વિદાયના સંકેતમાં સહેજ માથું હલાવી, બોલ્યા વિના ફૂલઘરમાંથી બહાર નીકળી નિવાસ તરફ ચાલવા લાગ્યાં. થોડી વાર પછી મિત્રા પણ ગઈ. … પગ લાંબા કરીને હું ફૂલઘરના મંડપ હેઠળ એકલી બેઠી. દરિયાનો ઘુઘવાટ દૂર ચાલ્યો ગયો હતો. પવન ચૂપ હતો. અંધકારમાં કોઈ સંચાર નહોતો. મારે વસુધા વિશે વિચાર કરવો હતો. અને વ્યોમેશ વિશે. અને પેલી મેઘભીની સાંજ વિશે… પુરુષ આ સાંભળીને શું કહેશે? ઘણુંખરું તો કહેશે : વાતાવરણમાં એક નશો હોય, ભીના આહ્લાદથી સમય છલકાતો હોય, દેહ યુવાન હોય ત્યારે અમારા ભાવ ઘેઘૂર બની જાય તે સ્વાભાવિક નથી? વસુધાને એમાં આટલું લાગી આવવાની શી જરૂર હતી? એ એવી ઊર્મિ ન અનુભવી શકે, એમાં એનો જ કંઈક વાંક હોવો જોઈએ. અને પછી ‘ફ્રિજિડ’ કે એવો કોઈ શબ્દ ઉચ્ચારશે. મનમાં કદાચ એમ પણ કહે : તો પછી પત્નીઓ શાને માટે હોય છે? વસુધાની વાત પુરુષો કદી સમજશે ખરા? પોતાની સગવડ માટે, પોતાની ઊર્મિ માટે પત્નીનો સાથ શોધનારા વ્યોમેશને ક્યારેય એવો ખ્યાલ આવશે કે વસુધાને પણ અનુકૂળ, પ્રતિકૂળ જેવું કંઈ હતું, એને પોતાનાં જુદાં રસ-રુચિ હતાં અને તેમાં પોતે એને કદી સાથ નહોતો આપ્યો? વ્યોમેશની સ્વતંત્ર, વ્યોમેશથી ભિન્ન ઇચ્છા ધરાવવાની, એની પૂર્તિ શોધવાની વસુધાને છૂટ હતી ખરી? મારું મન ઉદાસ થઈ ગયું. બધી સ્ત્રીઓ પરણીને સાસરે જાય છે. ત્યાં જઈને પોતાનું આગવાપણું ભૂલી જાય છે. શ્વશુરગૃહના અણલખ્યા નિયમોને આધીન થઈને રહે છે. શ્વશુરગૃહ મંજૂરી આપે તેટલી જ તેની કલા તેની રહે છે, તેટલી જ અભિવ્યક્તિને અવસર મળે છે. બાકીનું બધું ઘરની શાંતિ નામની દેવીને ચરણે ભોગમાં ધરી દેવાય છે. બધી સ્ત્રીઓ રૂઢિએ નક્કી કરી આપેલું, સમાજે આંકેલી સીમાઓમાં જીવન જીવે છે, અને પોતાની આ સ્થિતિની તેમનામાંના મોટા ભાગને જાણ પણ નથી હોતી. ઘરનાં ઝીણાં ઝીણાં નકામાં કામોને આટલું મહત્ત્વ આપતાં, અને વહુ નામની વ્યક્તિને ખીલી ઊઠવા જરા જેટલીયે હવા ન આપતા પતિગૃહમાં રહીને તારામાં આ સભાનતા ક્યાંથી આવી વસુધા? પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાનાં મૂલ્યો ને પોતાની સચ્ચાઈ પ્રમાણે જીવવા જેવડી મોટી વાત તું શી રીતે કરી શકે? સ્વતંત્રતાનું મૂલ્ય બહુ આકરું છે તેની તને ખબર છે ને, વસુધા? — પણ હતાશ ન થઈશ વસુધા, અમે તારી પડખે ઊભાં રહીશું. તારી વેદનાને અમે વાચા આપીશું. તારી સમસ્યા આખા સ્ત્રી-સમાજની સમસ્યા છે. આપણે સાથે મળીને એક મશાલ પેટાવીશું. અમારો આ સહનિવાસ એને માટે તો છે! અમારું આ સાથે મળીને રહેવું — બધી બાજુએથી સુંદર આ નાનકડાં, ઘરમાંથી ફૂલ ફૂટ્યાં હોય એવાં મકાનો, એની પાછળ લીલું ઘાસ અને પીળાં ફૂલોથી શોભતાં ટેકરીઓના ઢોળાવો, સ્નેહ અને મૈત્રીના સ્વરોથી ગુંજતી હવા, વહેલી સવારની હવામાં કંપતાં પારિજાતનાં ફૂલ, અનંત સમયને પોતાની છાતી ૫૨ ઝુલાવતો દરિયો અને વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી દેખાતું નકશીભર્યું આકાશ. અનેક સુંદરતાથી સજેલો અમારો આ સહિનવાસ માત્ર એક કલાકારનું સપનું નથી. સમાજે પૂર્વ-નિર્ધારિત કરી રાખેલી કામ અને નામની ભૂમિકામાંથી નીકળી જઈ પોતાના સંબંધની, પોતાના જીવનકાર્યની, પોતાની અસ્મિતાની શોધ કરવા માગતી વ્યક્તિઓનો, એ શોધ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ છે, જ્યાં બધાં જ સમાન હોય, બધાંને સમાનપણે મહોરવાનો અવકાશ મળી રહેતો હોય, કોઈ દબાણ હેઠળ નહિ, ફરજના ભાનથી નહિ, ગુમાવવાના ભયથી નહિ, હૃદયના અવાજને રૂંધીને નહિ — — સહજ આનંદથી વિશાળ બનેલા પ્રેમ વડે, મુક્ત રહીને સંબંધોમાં શી રીતે જીવી શકાય તે અમારી શોધ છે. વસુધા જેને આકાશ કહે છે તે કદાચ આ જ હશે : સંબંધોમાં, જીવનરીતિમાં એટલી મોકળાશ હોવી, જેથી વ્યક્તિ પોતાના સત્યને શોધી શકે, ઉપાસી શકે. ભોગ આપવો, સહન કરી લેવું — એ અમારા આદર્શો નથી. એ વાત સાચી છે કે કોઈક મહાન હેતુ માટે ભોગ આપવો પડે છે. ગાંધીએ ભારત માટે જીવનનો ભોગ આપ્યો હતો. પણ ભોગ શબ્દ તો આપણે વાપરીએ છીએ. ગાંધી માટે તો એ પોતાની ભીતરની જ્વલંત ઇચ્છામાંથી નીપજેલો એકમાત્ર જીવનમાર્ગ હતો. ત્યાં ભોગ આપ્યાની સભાનતા નહોતી. સહન કર્યાનું શલ્ય નહોતું, કારણ કે જેને માટે તેમણે ભોગ આપ્યો તે ભારતદેશ સાથે તેમનું હૃદય એકરૂપ બનેલું હતું. ભારતનું જે શ્રેય હતું, સમસ્ત દેશબાંધવોનું જે શ્રેય હતું, તે તેમનું પોતાનું જ શ્રેય હતું. અરવિંદે સ્વેચ્છાએ પોતાની જાતને એક નાનકડા ઓરડામાં પૂરી રાખી, એ બંદીખાનું નહોતું, એ તો એક દીપ્તિમય ઊર્ધ્વ અવસ્થા હતી, જેમાં સ્કૂલ સરહદો તોડી નાખવામાં આવી હતી, અને એક વિશાળ ચેતના સાથે સમગ્ર અસ્તિત્વનું જોડાણ થયું હતું. પણ દુનિયાના કરોડો ગરીબ કચડાયેલા – દુણાયેલા લોકો — જેઓ કમરતોડ મહેનત કરે છે, અને જેમની મહેનતના ફળનો મોટો ભાગ બીજા લોકો તાણી જાય છે, તેમને આપણે શું કહી શકીએ કે દુઃખ સહી લેવું, બીજાઓને માટે ભોગ આપવો — તેમાં ગૌરવ છે? કાટથી ખવાયેલા પતરાના ટુકડા, કપડા ને પ્લાસ્ટિકના ફાટેલા ગાભા, જૂની પસ્તી ને તૂટેલી તાડપત્રી વડે બનાવેલી, ઘરના નામને શરમાવે એવી ઘોલકીઓમાં જે લોકો રહે છે, જેમને નાહવા માટે એકાંત નથી, શૌચ માટે સંડાસ નથી, ખાવા માટે પૂરતું અન્ન નથી, જેમનાં બાળકો ઉકરડામાંથી કાગળિયાં ને ટુકડા વીણે છે, જેમના ઘરની આસપાસ બારે માસ ગંદા પાણીની નીક વહેતી હોય છે, મચ્છરનો ગણગણાટ, બીડીના ધુમાડા, વિધવિધ દુર્ગંધથી સડેલી હવા વચ્ચે જેઓ શ્વાસ લે છે, જેમના પર મારપીટ થાય છે, કેસ ચલાવ્યા વગર જેમને વરસો સુધી કેદખાનામાં ગોંધી દેવામાં આવે છે, જેમની સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે, જેમનાં ઝૂંપડાંને આગ લગાડાય છે, ચીસો ને કિકિયારીઓ પાડી બહાર દોડી આવતાં ભયવિહ્વળ બાળકોને લાકડીના ગોદા મારી જ્વાળામાં પાછાં ધકેલી દેવાય છે — આ હજારો, લાખો, કરોડો લોકોને શું આપણે એમ કહીશું કે ભોગ આપવો, સહી લેવું તે વધારે ઊંચી બાબત છે? પણ સદીઓથી ઊતરતા સ્થાને રાખવામાં આવેલી, અન્યાય અને અત્યાચારોનો ભોગ બનતી આવેલી, જેની બુદ્ધિ અને શક્તિ ઉપર રૂપ અને સુંદરતાનું ઢાંકણ દેવામાં આવ્યું છે, રક્ષણની સુશોભિત દીવાલો વચ્ચે જેની સ્વાધીનતાને બંદી બનાવવામાં આવી છે… અને આ બધું તે વિદ્રોહ કર્યા વગર સ્વીકારી લે તે માટે જેને ગૌરવના ઠાલા શબ્દોથી મઢવામાં આવી છે તે સમગ્ર સ્ત્રીજાતિને તો હંમેશા કહેવામાં આવે છે કે સહનશીલતા ને ત્યાગની મૂર્તિ થવું એ જ નારીત્વની ચરમ સાર્થકતા છે, પોતાના અસ્તિત્વની સ્વતંત્ર જાળવણીને બદલે પતિ સાથે એકરૂપ થઈ રહેવામાં તેનું કલ્યાણ છે … હું ક્યાંય સુધી વસુધાના વિચારમાં ડૂબેલી રહી. સમયનો ખ્યાલ રહ્યો નહિ. અચાનક ખભા પર કોઈના હાથનો સ્પર્શ અનુભવ્યો. હું ચોંકી ગઈ. પાછળ ફરીને જોયું તો સ્વરૂપ. મોંમાંથી હર્ષનો ઉદ્ગાર સરી પડ્યો. ‘ક્યારે આવ્યો?’ ‘ક્યારનોય આવ્યો છું.’ તેણે સ્નિગ્ધ કંઠે કહ્યું. ‘પણ તમે બધાં ખૂબ તલ્લીનતાથી વાતો કરતાં હતાં એટલે ભંગ ન પાડ્યો.’ પછી કહે : ‘પણ એ બધાં સૂવા ગયાં ત્યાર પછીયે તું તો ક્યારની એકલી બેઠી છે. શું કરતી હતી?’ ‘તું ક્યારનો આવ્યો છે, તો તું શું કરતો હતો?’ સ્વરૂપ હસ્યો. ‘તમારા લોકો માટે વટાણાનો સૂપ બનાવતો હતો.’ ‘એમ? પણ પેલાં લોકોએ ખાધું? મને તો ખાવાની વાત યાદ જ રહી નહોતી.’ ‘એ લોકો તારી વાટ જોવા માગતાં હતાં.’ પણ મેં કહ્યું : ‘તમે બધાં ખાઈ લો, એને એકલાં બેસી વિચાર કરવો છે, બેસવા દો. અંધારામાં ને એકાંતમાં એની વિચારશક્તિ બહુ ખીલે છે.’ તે હસ્યો. ‘અને તું? તેં ખાધું કે નહિ?’ તેણે જવાબ આપ્યો નહિ. મારા ખભા પર હળવેથી હાથ ફેરવતાં કહ્યું : ‘બહુ વિચાર કર્યા? વસુધાની વાતથી બહુ દુઃખ થયું? હજી એકલાં બેસવું છે? પણ થાકી જઈશ.’ મને યાદ આવી ગઈ હજી હમણાં જ સાંભળેલી વાત. ઘણાં ઘણાં વર્ષો પહેલાં કોઈક ઊંચા મકાનના ત્રીજા માળની અગાસીમાં મેઘાચ્છાદિત સાંજે ચંદ્ર-શુક્રનો સંગમ જોઈ રહેલી એક તરુણીને ખભે આમ જ હાથ મુકાયો હતો અને તેને પછી ખુલ્લી અગાસીમાંથી બંધ ઓરડીમાં લઈ જવામાં આવી હતી. સ્વરૂપ સામે જોઈ, હું સ્નેહભર્યું હળવું સ્મિત કરી રહી. ‘કેમ હસે છે?’ ‘તું કહે, હું કેમ હસતી હોઈશ?’ ‘મારી કોઈ મૂર્ખામીભરી વાત યાદ આવી હશે…’ અમે બન્ને હસ્યાં. મેં કહ્યું : ‘દરિયા પર જવાનું મન થાય છે. આવીશ?’ ‘ચાલ,’ તેણે કહ્યું અને પછી મને શાલ ઓઢાડી. ‘સહેજ ઠંડી જેવું લાગે છે ને, એટલે તારે માટે લેતો આવેલો.’ મારું હૃદય ભીનું થઈ ગયું. એકબીજાનો હાથ પકડી અમે દરિયાને મળીને પાછાં ઘર તરફ ચાલ્યાં ત્યારે પણ મારા મનમાં વસુધાના જ વિચાર રમતા હતા. હજુ તેની લાંબી કથા સાંભળવાની બાકી હતી. એક વેળાની આટલી ભીરુ છોકરી આમ ફૂલઘરમાં એકલી શી રીતે આવી શકી?