સાત પગલાં આકાશમાં/૬


પુરુષની વાત જવા દો, કોઈ સ્ત્રીને પણ, તેણે જો ગર્ભધારણ કર્યો ન હોય તો, કદી ખ્યાલ ન આવે કે સગર્ભાવસ્થા એટલે શું, પ્રત્યેક ક્ષણે વધતા જતા વજનની, સતત બદલાયે જતા શરીરના આકારની, સતત પ્રતીક્ષાની અવસ્થા એટલે શું! ફક્ત બહારનો આકાર જ નથી બદલાતો, અંદર પણ જાતજાતની પ્રક્રિયાઓ થઈ રહી છે. કશા પર પોતાનો કાબૂ નથી. પરણી નહોતી ત્યાં સુધી પોતાનું શરીર પોતાનું હતું. પછી વ્યોમેશની ઇચ્છાઓ અધિકારપૂર્વક તેના ૫૨ છવાઈ જવા લાગી… અને હવે અંદર એક અસ્તિત્વ છે. અદૃષ્ટ છે પણ ઉવેખી શકાય તેવું નથી. શરીરનો એક ભાગ ફૂલતો જાય છે, ફૂલતો જ જાય છે. હલનચલનની અત્યાર સુધી સહજ માની લીધેલી સ્વતંત્રતા ધીરે ધીરે છીનવાતી જાય છે. એક પછી એક પ્રતિબંધોમાં ગતિ જકડાય છે. હવે દોડાય તો નહિ, બહુ ઝડપથી ચલાય પણ નહિ. આંચકા લાગે એવા વાહનમાં બેસાય નહિ. સ્ટૂલ પર ચડી અભરાઈએથી ડબ્બા ઉતારાય નહિ. ગઈ કાલ સુધી હજી હું સરગવા ફરતી ફેરફુદરડી ફરતી હતી, આજે મારા પગે સોજા છે. ડૉક્ટરે મીઠું ઓછું ખાવાનું કહ્યું છે. ઊબકા આવે છે, ઊલટી થાય છે. વિચાર આવે છે : આ બીજ પુરુષનું છે, પોતે તો છે માત્ર સંવર્ધક, છતાં પુરુષની શારીરિક જવાબદારી બાળક માટે કશી નથી. જે કાંઈ બધું બને છે તે પોતાના જ શ૨ી૨માં, તો પણ આ અવસ્થામાં મારે ક્યારે મુકાવું, એની પસંદગી કરવાની તક મને આપવામાં આવી નથી. બાળકો નથી ગમતાં એમ નહિ, પણ એ સંબંધમાં મારે કશું કહેવાનું હોય, એ કોઈ સ્વીકારતું નથી. લગ્ન કર્યાં એટલે થોડા વખતમાં બાળક થવું જ જોઈએ એવી અપેક્ષા શા માટે રખાય છે? વસુધાને ખબર હતી. સગાંઓ મળવા આવતાં, ફૈબા સાથે વાત કરતાં આડકતરું પૂછી લેતાં. કોઈ વળી ધૃષ્ટતાથી વસુધાને જ સીધું પૂછતાં : ‘કેમ, સારા સમાચાર ક્યારે આપો છો?’ વસુધા મોં ફેરવી લેતી. પૂછનારને લાગતું કે એ લજ્જા છે. પણ એ લજ્જા નહોતી. ઉપેક્ષા પણ નહોતી. એ પ્રશ્ન હતો, જે પૂછી શકાતો નહોતો. શા માટે મારું જીવન આટલી બધી આંકેલી લીટી પર ચાલવું જોઈએ? પણ બધાં રાજી હતાં. જાણે એક કર્તવ્ય હતું, જે વસુધાએ બરોબર બજાવ્યું હતું. દિવસો વીતતા ગયા તેમ અંદર સળવળાટ વધતો ગયો. પાંજરામાં પૂરેલું પંખી ફફડાટ કરે એમ અંદર કંઈક ફફડ્યા કરતું. ઘણી વાર બીજું બધું ભૂલીને વસુધા એના વિશે જ વિચાર્યા કરતી. એને અંદર શું થતું હશે? અંદરના નિબિડ તરલ ઉષ્માભર્યા અંધકારમાં એને સુખ-નિરાંત અનુભવાતાં હશે કે આ બધો એનો બહાર આવવા માટેનો તરફડાટ હશે? પછી નિરાંત વિસ્મયથી વિચારતી. પોતે જન્મ આપશે, પણ કેવા જીવને જન્મ આપશે તેની રજમાત્ર જાણ નથી. દૂર દૂરના કોઈ પૂર્વજનો અણસાર એનામાં ઊતરશે? એનો રંગ કાળો હશે કે ગોરો? આંખ-કાન નાક કેવાં હશે? કોઈ અંગ ખોડવાળું તો નહિ હોય? એનો સ્વભાવ કેવો હશે? માનવવંશને ચાલુ રાખવાની પ્રકૃતિની રમતની પોતે અંધ ભાગીદાર હતી. બધાં હોય છે. પુરુષ ને સ્ત્રી બન્ને. પણ પુરુષનું કાર્ય જરા સરખું હોય છે. અને પોતાના દિવસ, રાત, અઠવાડિયાં, મહિનાઓ, વર્ષો એને જ માટે. અને પછી એક પ્રશ્ન નહોતો પૂછવો તોયે મન પૂછતું : ‘એ છોકરો હશે કે છોકરી?’ ફૈબા ઘણી વા૨ કહેતાં : ‘છોકરો જ આવશે, જોજે ને! હું શરીરના આકાર ઉપરથી કહી શકું છું. આજ સુધી મારું કહેલું ક્યારેય ખોટું નથી પડ્યું.’ બાહ્યાકાર પરથી બાળકની જાતિ જાણી શકાય એવું વસુધાએ કદી સાંભળ્યું નહોતું. પણ અહીં ત્રણ-ચાર સ્ત્રીઓ ફૈબાને પૂછવા આવેલી અને દરેક વખતે ફૈબાની આગાહી સાચી પડી હતી. ફૈબામાં કદાચ કોઈ અંતદૃષ્ટિ હશે? તેને હસવું આવતું. મારા હૃદયમાં શું છે તે જોવા માટે ફૈબા પાસે દૃષ્ટિ નથી, પણ મારા ઉદરમાં શું છે, એ તે જાણી શકે છે. ખરેખર જાણી શકે છે? કે પછી આ તેમની અપેક્ષા ને ઇચ્છા છે? અંગ્રેજીમાં જેને ‘વિશફુલ થિન્કિંગ’ કહીએ તેવું તો આ નથી ને? બધાં જ લોકો એમ ઇચ્છે છે કે દીકરો જન્મે તો સારું. પોતાને શું ગમે? પણ પોતાને તો બાળક હોય એ વાત જ હજુ એટલી વિસ્મયભરી લાગતી હતી કે એ શું હોય તો ગમે, એ વિચાર તે કરી શકતી નહોતી. દિવસો વીતતા ગયા તેમ મૂંઝવણ વધવા લાગી. શરીરના કઢંગા દેખાવથી બહાર નીકળતાં સંકોચ થતો. ઊઠતાં-બેસતાં શરીરને ગોઠવવું પડતું. ભોંય પરથી ઊભા થતાં બે હાથનો ટેકો દેવો પડતો. કોઈક મૈત્રીભર્યા હૃદયની નિકટતા માટે તે ઝંખતી. ક્યાંક વાંચેલું કે આ ગાળામાં સ્ત્રીના બેડોળ દેખાવથી પતિનું મન જરા ઊઠી જાય છે. વ્યોમેશની પણ એવી લાગણી હશે? વ્યોમેશને પોતાને માટે લાગણી છે કે નહિ એ વાતની જ સમજ નથી પડતી. તે દવા લાવી આપે છે પણ પાસે બેસતો નથી. સમાચાર પૂછે છે પણ ડૉક્ટરને ત્યાં સાથે આવતો નથી. શું કરવું જોઈએ ને શું નહિ, તેની સૂચના આપે છે, પણ પીઠ પર હાથ ફેરવી ક્યારેય કહ્યું નથી : ‘વસુધા, ગભરાઈશ નહિ હો! બધું સરખું થઈ રહેશે. હું તારી સાથે છું પછી તારે શી ચિંતા?’ પોતાના મનમાં જે ચાલતું હતું, શરીરમાં જે ચાલતું હતું તેની બારીક વાતો કોઈને કહેવા તેનું હૃદય ઝંખતું. કંઈક મૂંઝવણ થયા કરતી હતી. ભય પણ લાગતો હતો. પ્રસૂતિની પીડા વિશે સાંભળ્યું છે. વ્યોમેશની માસીની દીકરી તરલાની ખબર કાઢવા મેટરનિટી હૉસ્પિટલમાં ગયેલી ત્યારે ચીસો સાંભળેલી. શરીરનાં અંગ-અંગને શારડીથી વીંધીને બહાર આવતી ચીસો. વૉર્ડરબાઈ બોલી હતી : ‘માણસમાંથી માણસ જન્માવવો કાંઈ સહેલો છે?’ વસુધા થીજી ગઈ હતી. એ ચીસો પાછળની વેદનાની કલ્પના કરતાં તેનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. પોતાને પણ વેદનાની એ જ કાળી આગમાંથી પસાર થવું પડશે? પીડાનો આ અગ્નિમય પંથ પોતે એકલીએ … એકલીએ જ કાપવાનો છે? … કંઈ નહિ, મા એના ખોળામાં મને સંભાળી લેશે.

*

માને ઘેર જવાનું ખૂબ મન થતું. ફૈબા અવારનવાર બોલતાં : સાતમો મહિનો બેસે એટલે પિયર જજે. વસુધાને માઠું લાગતું. પાંચમા મહિને, છઠે મહિને ન જઈ શકું? આ મારી સમસ્યા છે, મારી જરૂરિયાત છે. પણ મારે પિયર ક્યારે જવું તે વિશે મારાથી કંઈ બોલી શકાય નહિ? હા, પણ પોતે વહેલી જાય તો રસોઈ ને ઘરના કામનું શું થાય? પોતે ને પોતે જ દલીલ કરતી : તો મોડી જઈશ તોયે એ પ્રશ્ન તો આવશે જ. ત્યારે જો ફૈબા ઘર સંભાળવાનાં હોય તો બે મહિના વધુ ન સંભાળી શકે? ઓહ — લોકો બધું આટલી યાંત્રિક રીતે કેમ વિચારે છે કે પિયર અમુક વખતે જ જવાય? મારા હૃદયમાં ઘુઘવાટ ચાલે છે તે સાંભળવા કેમ કોઈને કાન નથી? મા પણ એમ જ માનતી હતી. સાત મહિના થયા પછી જ તેનો કાગળ આવેલો. ‘હવે વસુધાને મોકલો છો ને!’ બિચારી મા! મને જન્મ આપ્યો છે, પણ મને તેની પાસે બોલાવવા માટે હવે બીજાની રજા લેવી પડે છે. સગી દીકરીને આટલી પરાઈ કરી મૂકતા આ રિવાજો કોણે ઘડ્યા હશે? કાગળ આવ્યો તે દિવસે ફૈબા ને વ્યોમેશ વચ્ચે વાત થઈ. વસુધા વ્યોમેશના ખમીસને બટન ટાંકતી હતી. ફૈબાએ કહ્યું : ‘આઠમો મહિનો શરૂ થયો વ્યોમેશ, હવે વસુધાને મોકલવી જોઈએ.’ વ્યોમેશ ક્રૉસવર્ડ પઝલ ભરતો હતો. ઊંચું જોયા વિના જ બોલ્યો : ‘ફૈબા, વસુધાને પિયર મોકલવી જ શા માટે જોઈએ? મારી જરા પણ ઇચ્છા નથી…’ વસુધાના હાથમાં ખચ કરતી સોય ઘૂસી ગઈ. લોહીનું એક ટીપું આંગળી પર તગતગી રહ્યું. ‘આ મોટા શહેરમાં ડૉક્ટરની કેટલી સગવડ હોય! વળી ડૉક્ટર જ્યોતિબહેન ઘરનાં જેવાં છે. તેમના દવાખાનામાં બધું થાય તો આપણને કંઈ ચિંતા નહીં. ત્યાં દૂર કંઈ થયું તો આપણે અહીંથી છેક દોડાદોડી કરવી પડે.’ ‘પણ … રિવાજ તો એવો છે. બીજાઓ શું કહેશે?’ ‘હું ના કહું છું ને ફૈબા, તમે ન હોત તો વળી જુદી વાત હતી. પણ તમે છો પછી શી ચિંતા? બીજા ભલેને ગમે તે કહે …’ વસુધાએ નજ૨ ઊંચી કરીને વ્યોમેશ સામે જોયું. પછી ફૈબા સામે. બેમાંથી એક્કેની નજ૨ તેના પર નહોતી. તેની આંખને ખૂણે એક બુંદ ચળક્યું. તમે લોકો બીજાઓનો વિચાર કરો છો, રિવાજોનો વિચાર કરો છો, દોડાદોડી કરવી પડે તેનો વિચાર કરો છો … ફક્ત મારા મનનો વિચાર કરતાં નથી. પોતે કદાચ આગ્રહ રાખે : ના, મારે પિયર જવું જ છે. તે બેમાંથી એક્કેને ન ગમે. વ્યોમેશ એને લાગણીવેડા ગણી કાઢે. ‘તને શી સમજ પડે?’ એમ કહે. અને ફૈબા કહે : અમે તારું જોવાવાળાં બેઠાં છીએ, પછી તારે શી ચિંતા?

*

આખા શરીરના તાણાવાણા પીંખી નાખીને આખરે એક નવો જીવ બહાર આવ્યો. પ્રસૂતિની અસહ્ય ને અનિવાર્ય પીડામાંથી છુટકારો થયો કે સાવ જુદી જ લાગણીઓથી મન ભરાઈ ગયું. પહેલી વાર બાળકને છાતીએ લીધું ત્યારે વસુધાને એક અપૂર્વ આનંદનો અનુભવ થયો. આ કોમળ નવજન્મા દેહને પોતાની સાથે વળગાળવાનો આનંદ શરીરનો આનંદ હતો, છતાં સપાટી પરનો નહોતો. અંતરનો હતો, ઊંડો હતો. સાંગોપાંગ એક અલગ અસ્તિત્વ હતું, છતાં પોતાની સાથે એકરૂપ હતું. પોતે જ તેનું સર્વસ્વ હતી. પોતે કોણ છે તેની કશી સંજ્ઞા નહોતી. એને માટે પોતે માત્ર મા જ. નામહીન, રૂપહીન, ગોત્રહીન માત્ર મા. શરીરને શરીરની ઓળખ હતી. જે ઝડપથી હર્ષ તેની છાતીમાં માથું ઘુસાડી દેતો એ જોઈ તેને હસવું આવતું. નાનકડા પગ ને નાનકડા હાથ, ટચૂકડી આંગળી, કાળી કાળી આંખો. એમાં તેજનું એક ટપકું. વસુધાની નવાઈનો અંત નહોતો. સુખનો અંત નહોતો. બીજું બધું ભુલાઈ ગયું, પુસ્તકો, અગાસી, વ્યોમેશની યાંત્રિકતા, ફૈબાની ફરિયાદો — બધું પાછળ ધકેલાઈ ગયું. દુનિયાની ને તેની વચ્ચે હવે આ એક બાળક હતું. સૌથી વહાલું. અંદરથી આનંદનો એક ફુવારો ઊછળવા લાગ્યો. પોતાનું દૂધ પિવડાવતાં, બાળકમાં શક્તિ વહાવી રહી હોય એમ લાગતું. આ ઘટના તો પોતાના જીવનનો એક સીમાસ્તંભ. હવે પોતે પહેલાં હતી તે રહી શકે નહિ. શરીર, મન, આત્મા બધાં પર નાની નાની પગલીઓનાં નિશાન અંકાઈ ગયાં. ભલે કારમી પીડા હતી પણ તેમાં અનિર્વચનીય આનંદ પણ હતો. વ્યોમેશ આ કદી ન જાણી શકે. પુરુષ આ આનંદ કદી ન જાણી શકે. આ બાળક મારું છે. તેનું રુદન પોતાનાં અંગોમાં વહે છે. તેનું હાસ્ય પોતાની આંખોમાં ઝિલાય છે. પોતે તેને ઘડે છે, તે પોતાને ઘડે છે. વસુધાના હૃદયમાં ભરતી આવી. સુખથી તેણે આંખો મીંચી.

*

પણ દુનિયામાં કશું જ સ્થાયી નથી. સુંદર ઘડીઓ પણ પસાર થઈ જાય છે. સવા મહિનો પલકવારમાં પસાર થઈ ગયો. ફરી કામની ધૂળિયા ગલીમાં તેને પાછા આવવું પડ્યું. માને ત્યાં ગઈ હોત તોયે આવવું પડત. પોતાની ને બાળકની સોનેરી સૂર્યોદયી સૃષ્ટિમાંથી ફરી આ અંધારા રસોડામાં આંખો ઉઘાડવી પડત. એમાંથી કોઈ છુટકારો નહોતો. મા બનવાથી કોઈ ‘કન્સેશન’ મળ્યાં નહોતાં. ઊલટાનાં રોજિંદાં કામો ખૂબ વધી ગયાં હતાં. નાના બાળકનું કેટલું બધું કામ! શરૂઆતમાં એક બાઈ હતી. તેલ ચોળી તે હર્ષને નવડાવતી, તેનાં કપડાં ધોતી. પણ થોડા વખત પછી તે ગઈ અને બધું કામ વસુધા ૫૨ આવ્યું. ગમે તે કામ કરતી હોય, હર્ષ ૨ડે એટલે બધું પડતું મૂકી દોડવું પડતું : હાથ ફેરવીને જોવું પડતું : ભીનું તો નથી કર્યું ને! નાક પાસે લાવીને સૂંઘવું પડતું : છી કર્યું છે? થોડી થોડી વારે બાળોતિયાં બદલવાનાં. ગોદડીઓ તડકે નાંખવાની. દૂધ પાવાનું. પછી બાટલી આવી, એની સાથે બ્રશ. ગરમ પાણીથી બરોબર બાટલી સાફ કરવાની. દૂધ વાવડિંગ નાખીને ઉકાળવાનું. વાયુ ન થઈ જાય. શરૂમાં તો કેટલીયે વાર હર્ષના મોંમાંથી દૂધ પાછું આવતું. ઊલટી થઈ કે શું — સમજીને ગભરાતી. પછી માની લીધું કે આવું તો થાય. ક્યારેક હર્ષ ખૂબ રડતો. કારણ જડતું નહિ. છાનો રાખવા મહેનત કરે પણ છાનો જ રહે નહિ, ત્યારે મનમાં ઊંડે બહુ સંતાપ થતો. બધોય વખત અંદરની એક દૃષ્ટિ વ્યોમેશ ભણી નજર માંડી રહેતી. કોઈક વાર જો થોડીક મદદ કરાવે ને! પણ તે તો તેની ચર્ચામાં ગૂંથાયેલો રહેતો. નવી પરિસ્થિતિથી તેનું કામ વધ્યું નહોતું. તેની માગણીઓ ઘટી નહોતી. સવારે વ્યોમેશ માટે દૂધ તૈયાર કરતી હોય ને હર્ષ જોરથી રડે ત્યારે મુશ્કેલી થતી. વસુધા હર્ષ પાસે દોડી જતી. દૂધને મોડું થતું. વ્યોમેશ ખુરશીમાં બેઠો બેઠો જ પૂછતો : ‘કેમ દૂધનું મોડું થયું?’ વ્યોમેશને બધું સમયસર જોઈએ. વસુધા અપરાધનો ભાવ અનુભવતી. ક્યારેક સ્ટવ પર દૂધ ગરમ કરતી હોય ને હર્ષ પાસે જાય તો દૂધ ઊભરાઈ જાય. ત્યારે ફૈબાની નજર વાંકી થતી. પછી તેણે એવે વખતે હર્ષ ૨ડે તો સ્ટવ ઓલવીને જવાનું નક્કી કર્યું. પછી વળી સ્ટવ પેટાવતાં વાર લાગતી, ત્યાં સુધીમાં અડધું ગરમ થયેલું દૂધ પાછું ઠરી ગયું હોય. કોઈ વાર સ્ટવ સરખો ચાલતો ન હોય, પિન વારંવાર મારવી પડતી હોય, રસોઈનું મોડું થતું હોય એવે વખતે જ હર્ષની રડારોળ ચાલે, ત્યારે તે ખૂબ ત્રાસી જતી. વ્યોમેશ સાંજે ઑફિસેથી આવી ચા પીને હર્ષને હુલાવતો-ફુલાવતો, ઊંચે ઉછાળતો, ગાલ-નાક ખેંચતો, પણ એ રડે તો તરત બૂમ મારતો : ‘વસુધા, આને લે તો. જોને, મારાં કપડાં બગાડ્યાં.’ વસુધા ક્યારેક ભાખરીનો લોટ બાંધતી હોય ને બૂમ પડે. હાથ ધોઈને જાય ને બાળોતિયું બદલી પાછી આવે ત્યારે લોટ સુકાઈ ગયો હોય. નાની નાની નગણ્ય વાતો. એકાદ વાર વ્યોમેશ બાળોતિયું ન બદલી શકે? હું ખૂબ કામમાં હોઉં — એટલું એ સમજી ન શકે? હર્ષને અડધી રાતે જાગી જઈને રડવાની ટેવ હતી. રાતની શાંતિમાં એના રડવાનો અવાજ બહુ મોટો લાગતો. વ્યોમેશ-વસુધા બન્ને જાગી જતાં. ઘણા પ્રયત્નેય હર્ષ છાનો ન રહે ત્યારે વ્યોમેશ ગુસ્સે થઈ જતો. ‘લઈ જા એને બહાર’ તે બરાડતો. વસુધા બાળકને લઈને બહારના રૂમમાં જતી. વ્યોમેશની ઊંઘ ન બગડવી જોઈએ. વ્યોમેશનું બધું સચવાવું જોઈએ. પોતાનું ગમે તે થાય! ઝીણા ઝીણા, ન દેખાતા પણ વાગ્યા કરતા કાંટાની આ ભૂમિમાં ગુલાબના ફૂલ જેવી રંગીન કોમળ ક્ષણો ઊગતી — હર્ષ લહે૨માં હોય ત્યારે ત્યારે દુનિયામાં બે જણ રહેતાં — તે અને હર્ષ. હર્ષ કિલકારી કરતો હાથપગ ઉછાળતો હોય, વસુધાની આંગળી ખેંચતો હોય, પોતે તેના હોઠ પર આંગળી મૂકી બુચકારે ત્યારે મધુર સ્મિત આપતો હોય, કોઈ વાર એકલો પડ્યો પડ્યો જ હસતો હોય — એવી ક્ષણોએ વસુધાને પરમ આનંદની અનુભૂતિ થતી. બીજું બધું ભૂલીને તે હર્ષ સાથે એકાકાર થઈ જતી. રોજના જીવનમાં આ તેની સુંદરતમ ઘડીઓ રહેતી. પોતાનું આખું શરીર, આખું મન, આખો સમય રોકી લેતા આ કારોબારમાં, કોઈક વાર તેને વ્યોમેશનો વિચાર આવતો. બાળકના જન્મ પછી પતિ-પત્નીમાં વધુ નિકટતા આવતી હશે કે વધુ દૂરતા? વ્યોમેશમાં તો કાંઈ ફરક પડ્યો નહોતો. તે એ જ રીતે ઊઠતો. સવારના બે કપ ચા, છાપું, દાઢી, નહાવાનું હજી એ જ રીતે — વસુધા, મારું સફેદ શર્ટ ધોબીને ત્યાંથી આવી ગયું છે? સાંજે પણ એ જ. આવતો, ચા પીતો, હર્ષની સાથે થોડી વા૨ ૨મતો. તેના વિશે પૂછપરછ કરતો. તેને માટે કોઈ વા૨ ૨મકડાં લઈ આવતો. હવે ચા પીએ ત્યારે વસુધાએ સામે બેસવું જ જોઈએ એવો આગ્રહ નહોતો રાખતો. ક્યારેક બહાર જતો. ઘણી વાર ઑફિસેથી બારોબાર ચાલ્યો જતો. મોડો આવતો. ક્યારેક મિત્રો આવતા અને ભારતના નવા જાહેર થયેલા બંધારણની ચર્ચા કરતા. ક્યારેક પત્રો લખતો. કદીક ફાઈલો જોવાની હોય. બીજું કાંઈ કરવાનું ન હોય તો પઝલ ઉકેલતો. વસુધાનું આખું વિશ્વ બદલાઈ ગયું હતું. વ્યોમેશના ક્રમમાં ખાસ કોઈ જ ફરક નહોતો પડ્યો. એને એમ લાગતું હશે કે હવે હું એના તરફ પહેલાં જેવું ધ્યાન નથી આપતી? વસુધા સભાન થઈ જતી, હર્ષને ઘડીક બાજુએ મૂકી દોડતી, દાઢી માટે ગરમ પાણી ને વાટકી આપી આવતી. બાથરૂમમાં કપડાં મૂકતી. ગરમ રોટલી જમાડતી. હર્ષ ૨ડતો હોય તો તેને રડવા દઈને વ્યોમેશનો રૂમાલ શોધી આપતી. તેનો ડબ્બો ભરતી. તેના મન પર સતત એક દબાણ રહ્યા કરતું. વ્યોમેશ ઑફિસે જાય પછી ધૂળની ડમરી હેઠી બેસતી. ત્યાં સુંધીમાં તો ફૈબા પણ તેમની સવારની ધર્મક્રિયાઓ પતાવી, દેરાસર જઈને પાછાં આવી જતાં. પછી તે પણ થોડીક મદદ કરતાં. વસુધાને કોઈક વાર કહેવાનું મન થતું : ફૈબા, તમે તમારો દેરાસર જવાનો સમય જરા બદલી ન શકો? સવા૨માં હું બહુ અટવાઈ જાઉં છું. કોઈ વાર મન થતું — વ્યોમેશ પણ જો કહે : વસુધા, હર્ષને લીધે તારું કામ બહુ વધી પડ્યું છે. સવારે રસોઈ ને નાસ્તો બન્ને બનાવતાં તને તકલીફ પડતી હશે. ચાલ હું જરા મદદ કરાવું! ઓહ — એ તો કેટલી અકલ્પ્ય — અશક્ય ઇચ્છા! એક દિવસ નોકર આવ્યો નહોતો. સાંજે મહેમાનો ખૂબ આવી ગયેલા. ઢગલોએક વાસણ માંજવાનાં હતાં. મહેમાનો માટે પૌંઆ તળવા જતાં ગરમ તેલના છાંટા હાથ પર ઠીક ઠીક ઊડ્યા હતા. હર્ષ પણ તે દિવસે બહુ રડેલો. વસુધાનું મન ખૂબ અશાંત હતું. દુખતા હાથે વાસણ માંજતાં અચાનક તે સચેત થઈ ગઈ. ઘરમાં આટલી બધી ચુપકીદી કેમ? જઈને જોઈ આવી. હર્ષ ઊંઘી ગયો હતો. ફૈબા તેમની રૂમમાં હતાં. વ્યોમેશ આરામખુરશીમાં પગ લાંબા કરી આંખ મીંચી પડ્યો હતો. વસુધાનું હૃદય ઊભરાયું. વાસણ પડતાં મૂકી તેણે ઝડપથી હાથ-મોં ધોઈ કામકાજથી મેલી થયેલી સાડી બદલી, વાળ ઓળ્યા. જરા તાજગી લાગી. ધીમા પગલે તે વ્યોમેશ પાસે જઈને ઊભી રહી. એને મારી નિકટતાની ઝંખના હશે… હર્ષના આવતાં તેણે મને ગુમાવી એવું લાગતું હશે? મૃદુતાથી તેણે વ્યોમેશના વાળમાં આંગળીઓ પરોવી. વ્યોમેશ સ્પર્શથી સફાળો જાગી ગયો. માથું હલાવી હાથનો ઝટકો માર્યો. ‘શું છે? શું છે?’ ડોક ફેરવતા પાછળ વસુધાને જોઈ. ‘અચ્છા, તું છે? મને એમ કે વાળમાં આ શું પડ્યું? વાસણ માંજવાનું પતી ગયું? મને તો ઊંઘ આવે છે.’ તેણે બગાસું ખાધું અને ઊભો થયો. ‘હું સૂઈ જાઉં છું હો?’ બોલીને તે રૂમમાં ચાલી ગયો. વ્યોમેશે ઝાટકો માર્યો તેથી વસુધાના દાઝેલા હાથ પર વધુ ચચરાટી થઈ હતી. વસુધા ક્ષણેક તેના પર ફૂંક મારતી ઊભી રહી. પછી બાકી રહેલાં વાસણ માંજવા પાછી રસોડામાં ગઈ.