સાત પગલાં આકાશમાં/૮


દીપંકર છએક મહિનાનો થયા પછી વસુધા ત્રણે બાળકોને લઈને, ઘરથી જરા દૂર એક જાહેર બાગ હતો ત્યાં ફરવા જવા લાગી. વ્યોમેશ આવે તે પહેલાં તે અડધીપડધી રસોઈ કરી લેતી અને બાળકોને લઈને નીકળી જતી. ઘરની બહાર નીકળતાં જ ખુલ્લી હવા તેને ચિરપરિચિત સખીની જેમ ભેટી પડતી. હર્ષ ને અશેષ બાગમાં બીજા છોકરાઓ સાથે ૨મતા. વસુધા દીપંક૨ની બાબાગાડી પાસે મૂકી એક બાંકડા પર બેસતી. બાગમાં ઘણાં લોકો આવતાં. તેમની અવરજવ૨, વાતોનો ઘોંઘાટ, ૨મતાં બાળકોનો કોલાહલ — એ બધાંની વચ્ચે પણ વસુધાને શાંતિ લાગતી. સમય થોડો મળતો, ઝટપટ પાછા જઈ બાકીની ૨સોઈ પૂરી કરવાનું કામ માથા પર લટકતું રહેતું. એમ છતાં આ થોડીક ક્ષણો તેના મનને હળવું કરી દેતી. બાળકોનો આભાર, કે એમને લઈને પોતે બાગમાં આવી શકે છે. બાળકો ન હોય તો વ્યોમેશને ચા આપીને પોતે શાક લેવા જઈ શકે. પણ બાગમાં ફરવા થોડી જ જઈ શકે? વ્યોમેશ તો કામ પરથી આવ્યો હોય, થાક્યો હોય! એને આવીને એની પ્રિય આરામખુરશીમાં બેસી લાંબા પગ કરી ચા પીતાં પીતાં સવારનું બાકી રહેલું છાપું વાંચવાનું ગમતું. એટલે એને કાંઈ સાથે ફરવા આવવાનું કહેવાય નહીં. ફૈબાને અને ફ૨વાને તો સ્નાનસૂતકનોય સંબંધ નહિ. વસુધાને પોતાને એકલાં ફરવા જવાનો કોઈ વાંધો નહોતો, પણ ઘરની યુવાન વહુ એકલી બાગમાં ફરવા જાય એ વિચાર જ કેવો લાગે? એક દિવસ તે બાંકડા પર બેઠી હતી, ત્યાં તેનું ધ્યાન ગયું. તેની બાજુમાં એક સરસ, ચંચળ લાગતી છોકરી આવીને બેઠી હતી, તેના ભણી જોઈ રહી હતી. વસુધાએ જરાક મુખ મલકાવ્યું. છોકરી પણ હસી. હાસ્ય વડે જાણે એક સંબંધ શરૂ કરવાની રાહ જોતી હોય તેમ તે બોલી : ‘રોજ આવો છો?’ ‘લગભગ,’ વસુધાએ કહ્યું. ‘આ દીકરો તમારો છે?’ તેણે બાબાગાડી તરફ ઇશારો કર્યો. વસુધાએ ડોકું ધુણાવ્યું. ‘પેલા બે પણ મારા છે.’ તેણે હર્ષ અને અશેષ તરફ નજ૨ કરી. ‘બાપ રે! ત્રણ બાળકો?’ છોકરી ચિકત થઈને બોલી. ‘પણ તમે તો હજી સાવ નાનાં લાગો છો.’ મને છવ્વીસમું ચાલે છે.’ ‘બહુ વહેલાં લગ્ન થયાં હશે.’ ‘અઢાર વરસે લગ્ન થયાં. વીસમે વર્ષે પહેલા દીકરાનો જન્મ થયો.’ છોકરીએ નિરાશાથી માથું હલાવ્યું. તેના સહેજસાજ કથ્થઈ રંગના પાતળા વાળ હવામાં ફરફરી ઊઠ્યા. ‘તો તો તમે ઝાંઝું ભણ્યાં નહિ હો. તમારું મોં જોઈને મને લાગ્યું કે તમે ઘણું ભણ્યાં હશો.’ છોકરી બોલકી હતી. વસુધા જાઉં જાઉં કરતી વળી જરા બેસી પડી. બોલી : ‘ઇન્ટર ભણતી હતી. લગ્ન થયા પછી કૉલેજ છોડી દીધી.’ ‘લો, આ જ વાત છે ને!’ છોકરી આવેગથી બોલી : છોકરીઓ તો જાણે લગ્ન કરવા માટે જ ભણતી હોય, એમ લગ્ન નક્કી થતાંવેંત ભણવાનું માંડી વાળે છે. ખરું પૂછો તો છોકરીઓએ તો વધારે ભણવું જ જોઈએ. મને તો લાગે છે કે છોકરાઓ હજી ન ભણે તો ચાલે પણ છોકરીઓએ તો ભણવું જ જોઈએ.’ વસુધાને વાતો ક૨વાની મઝા આવી. ‘આવી વાત તો તમારા મોંએથી જ સાંભળી. શાથી એમ કહો છો?’ ‘જુઓ, તમને સમજાવું.’ છોકરી ઠાવકા સૂરે બોલી : ‘છોકરાઓ તો ગમે ત્યાં, ગમે તે કરીને રહી શકે. સ્ત્રી પર કેટલીક કુદરતી મર્યાદાઓ છે. એ મર્યાદાની પૂર્તિ કરવા તેણે બીજી શક્તિઓ વધારે વિકસાવવી જ જોઈએ. નહિ તો મૂળથી જ કેટલાક અવરોધો, ઉપરથી જે શક્યતાઓ હોય તે પણ ઊઘડે નહિ — પછી એનું જીવન કેવું સાવ દરિદ્ર ને બંધિયાર થઈ જાય!’ અમારાં ફૈબા તો કહે છે : ‘છોકરીઓએ ઝાઝું ભણીને શું કરવું છે?’ ‘હું શરત મારીને કહું કે તમારાં ફૈબા ભણ્યાં નહિ હોય. માણસ પાસે જે વસ્તુ ન હોય તેનું મૂલ્ય તેને ન સમજાય. કોઈ માણસને હીરો શું તે ખબર જ ન હોય તો તે હીરાને મેળવવાની ઇચ્છા કેવી રીતે કરી શકે? અને વળી છોકરીઓ બહુ ભણે તો તેમની બુદ્ધિ બહુ ખીલે. અહા, સ્ત્રી બહુ બુદ્ધિશાળી હોય તો એ બધાંને કેટલી તકલીફ થાય?’ ‘તમે ભણો છો?’ છોકરીનું મોં પડી ગયું. ‘હું એમ.એ. કરું છું.’ ‘તો?’ ‘મારે ભણવું છે. મારાં મા-બાપની ઇચ્છા નથી.’ ‘કેમ?’ ‘કહે છે કે બી.એ. તો ભણી લીધું, હવે પરણી જા એટલે અમારે માથેથી ચિંતા ઊતરે. અને તારું થાય તો પછી બહેનોનુંયે થાય ને!’ ‘તો પરણી જાઓ ને! શો વાંધો છે? એમ.એ. કરો છો, એટલે બાવીસેક વર્ષ તો થયાં જ હશે ને?’ છોકરી ચિડાઈ. ‘બધા લોકો એમ કહે છે. જાણે ભણવું ને પછી પરણવું — એવો કોઈ ક્રમ ભગવાને અફ૨૫ણે આંકી આપ્યો હોય!’ ‘તો બીજો કોઈ ક્રમ હોય છે? ધારો કે ભણીને થોડોક વખત નોકરી કરો અને તે પછી પરણો. એમાં બહુ ફરક પડે છે?’ છોકરીએ મોં ફુલાવ્યું. ‘તમે નહિ સમજો. તમે બધાં એક ધરેડમાં જીવનારાં લોકો છો’ — તેણે મોં ફે૨વી લીધું. જવાનો વખત થઈ ગયો હતો. હવે જરા પણ વધારે રોકાવાનું પોસાય તેમ નહોતું. પણ છોકરીને આવા મૂડમાં મૂકીને જવાનું વસુધાને ગમ્યું નહિ. તેણે ઊભાં થઈને પ્રેમથી છોકરીને ખભે હાથ મૂક્યો, પણ છોકરીએ તેની સામે જોયું નહિ. ‘હું તો તમને જરા ચીડવતી હતી. બાકી હું પણ માનું છું કે —’ છોકરી ઝડપથી તેની ત૨ફ ફરી. ‘શું માનો છો તમે?’ વસુધા સહેજ અચકાઈ. પછી બોલી : ‘એમ કે — દરેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર હોવો જોઈએ. કોઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ, જ્યાં સહુ સમાનપણે પોતાની શક્તિઓનો, પોતાના રસનો વિકાસ કરી શકે. એક બહેનના સુખ માટે બીજી બહેને, માબાપની નિરાંત માટે સંતાનોએ, પતિની સગવડ માટે પત્નીએ ભોગ આપવો ન પડે. ખરું પૂછો તો, એકને માટે બીજાએ ભોગ આપવાની વાત જ મને ગમતી નથી. કોઈ મહાન હેતુ માટે સ્વેચ્છાએ માણસ ત્યાગ કરે તે જુદી વાત છે, પણ કૌટુંબિક સંબંધોની રચના એવી હોય કે એક માટે બીજાએ કારણ વગર સહન કરવું પડે, તે કાંઈ બરોબર નથી. બધાંને જ સુખભેર જીવવા મળવું જોઈએ, ખરું કે નહિ?’ છોકરી ઊભી થઈ ગઈ. ‘વાહ, તમે ખરેખર આમ વિચારો છો? બધા લોકો વિચારે એનાથી જુદું તમે વિચારી શકો છો? તમે એમ જીવી શકો છો?’ વસુધા હસી. ‘તમારી સાથે વાત કરવાનું ગમે છે પણ મારો જવાનો વખત થઈ ગયો છે. ફરી મળીશું.’ તેણે પગ ઉપાડ્યા. ‘જરા વાર બેસો ને!’ છોકરીએ અનુનયથી કહ્યું. વસુધાએ ડોકું ધુણાવ્યું. ‘બહુ મોડું થઈ જાય.’ ‘તમે ઘડિયાળથી આટલાં બધાં બંધાયેલા કેમ છો? ઘડિયાળ આપણી શોધ છે કે આપણે ઘડિયાળની શોધ છીએ?’ ‘આ ઘડિયાળનું બંધન નથી.’ ‘તો?’ વસુધાએ જવાબ આપ્યો નહિ. વ્યોમેશ તો આવ્યો હોય કે નયે આવ્યો હોય! તે હવે ઘણી વાર ઑફિસમાંથી સીધો બહાર ચાલ્યો જતો. પણ વસુધાએ તો સમયસ૨ ઘેર પહોંચી જવું જોઈએ. તેણે હર્ષ અને અશેષને પાસે લીધા અને બાબાગાડી તરફ ચાલી. ‘કાલે આવશો?’ ‘બનતાં સુધી તો આવીશ.’ ‘બનતાં સુધી નહિ, ચોક્કસ આવજો.’ છોકરીએ આગ્રહ કર્યો. ભલે ચોક્કસ આવીશ. તમારું નામ શું?’ ‘સુમિત્રા. પણ જરૂર આવજો હોં, હું તમારી રાહ જોઈશ.’ પાછા વળતાં વસુધાના હોઠ પર ગીત હતું, પગલાંમાં લય હતો. કોઈકની સાથે વાતો કરવાથી આટલું બધું સારું લાગી શકે, એ વાત તે ઘણા વખતથી ભૂલી ગઈ હતી. પણ બીજે દિવસે અચાનક જ તરલા ને એનો પતિ એમની ચારેય દીકરીઓને લઈને મળવા આવ્યાં. સૌથી નાનીના જન્મ પછી આ પહેલી વાર આવ્યાં, એટલે વ્યોમેશના આવતાં સુધી રોકાયાં. વ્યોમેશને તરલાના પતિ સાથે ગપ્પાં મારવાની મઝા આવતી. તેણે તેમને જમવા રોકાઈ જવા આગ્રહ કર્યો. એ માટે વસુધાને પૂછી જોવાની તેને જરૂર ન લાગી. રસોઈ કરતાં કેટલીયે વાર વસુધાનું મન ઊડીને બાગમાં જઈ આવ્યું. સુમિત્રા મોં ફુલાવીને બેઠી હશે એવી કલ્પના કરી તેને હસવાનું મન થયું પણ તેનાથી હસાયું નહિ. તે થોડીક ખોવાયેલી રહી. તરલાએ કહ્યું પણ ખરું કે આજે તમે કંઈ મઝામાં લાગતાં નથી. પણ કોઈ ઉપાય હતો નહિ. બીજે દિવસે ગમે એમ કરીને જઈશ જ એમ વિચાર્યું, પણ તે દિવસે ફૈબાને વાંસામાં દુખતું હતું. તેમને બામ ચોળી આપવામાં ને ગરમ પાણીની કોથળી કરવામાં સાંજ વીતી ગઈ. પછી તો બહુ મોડું થઈ ગયું હતું. ત્રીજે દિવસે છેક તે જઈ શકી. ઉતાવળે પગલે તે બાગમાં પહોંચી. સુમિત્રા વખતે નયે હોય. બે દિવસ જઈ ન શકી તેથી નારાજ હોય. ઝાડ નીચેના, તે બેઠી હતી તે બાંકડા પર જોયું. કોઈ હતું નહિ. ઝાડ પાછળનું આકાશ લાલ હતું. વૃક્ષોની છાયા અને માણસોના પડછાયાં એકમેકમાં ભળી જતાં હતાં. ચારે બાજુ લોકો ફરતાં હતાં, હસતાં હતાં. છોકરાંઓ ૨મતાં હતાં. ટોળાની આરપાર તેણે સુમિત્રાને શોધી, દેખાઈ નહિ. તેની આંખોમાં થાક ઊભરાઈ આવ્યો. હર્ષ, અશેષને ૨મવા મોકલી તે આંખો મીંચીને બાંકડા પર બેઠી. કોઈકે પાછળથી આંખો પર હાથ મૂક્યો. વસુધાનું હૃદય પ્રસન્ન થઈ ગયું. ‘સુમિત્રા!’ સુમિત્રા આગળ આવીને હસી. ‘મારે તમારી સાથે ખરેખર તો બોલવું જ ન જોઈએ. જે માણસને પોતાના વચનની કિંમત ન હોય તેની સાથે વાત ક૨વાથી શો ફાયદો?’ ‘મેં વચન નહોતું આપ્યું.’ વસુધાએ કહ્યું : ‘મેં માત્ર આવીશ — એટલું જ કહ્યું હતું.’ આપણે જે શબ્દો બોલીએ તે વચન જ કહેવાય. મન વગર કે અડધા મનથી બોલાયેલા શબ્દોને હું જૂઠાણું જ ગણું છું.’ ન પાળી શકાયેલાં બધાં વચન જૂઠાણાં નથી હોતાં, સુમિત્રા!’ વસુધાએ ધીમા સ્વરે કહ્યું : ‘ઘણી વાર એ લાચારી પણ હોય છે.’ સુમિત્રાનો અવાજ મૃદુ થઈ ગયો : ‘મને માફ કરજો, હું સમજું છું. પરણેલી સ્ત્રી ઇચ્છા થાય ત્યારે બાગમાં ન જઈ શકે, મળીશ — કહ્યું હોય, પણ મળી ન શકે.’ એના કહેવામાં કટાક્ષ હતો? વસુધાએ એની આંખોમાં ઊંડેથી જોયું. એ સ્નિગ્ધ સુંદર ચહેરાની બે કાળી કીકીના ઊંડાણમાં માત્ર દુઃખ હતું. ‘મને ખબર છે.’ તેણે ફરી કહ્યું. ‘સ્ત્રી પરણે એટલે કેવી તો આખી બદલાઈ જતી હોય છે. તેનું ઘર બદલાય છે, તેનું નામ બદલાય છે, તેનાં સપનાં બદલાય છે. પતિનો ધર્મ તેનો ધર્મ બને છે. તેનો સમય તેનો રહેતો નથી. તેની જાત તેની રહેતી નથી. સ્ત્રી બીજી વાર પરણે તો લોકો કહે છે : એક ભવમાં બે ભવ કર્યા. પણ મને લાગે છે કે સ્ત્રી પરણે ત્યારે જ તેના બે ભવ થઈ જતા હોય છે. પુરુષ પોતાનું જે હોય તે બધું લઈને લગ્ન નામના પ્રદેશમાં પ્રવેશ કરે છે; સ્ત્રી પોતાનું જે હોય તે બધું છોડીને…’ હું માનતી હતી કે આવા વિચાર મને એકલીને જ આવે છે, પણ તમેયે મારી કેડી પર જ ચાલો છો. મારી વેદના તમારા કંઠેથી વાચા બનીને ફૂટે છે… વસુધા વિચારી રહી. તેણે સુમિત્રાના હાથ ૫૨ હાથ મૂક્યો. મૃદુપણે કહ્યું : ‘તમે ખૂબ અકળાયેલાં લાગો છો.’ ‘અકળાવું નહિ તો શું કરું?’ સુમિત્રાના શબ્દો ભભૂકી ઊઠ્યા. ‘સાપનો ભારો — જેવા ગંદા શબ્દો આપણે માટે કોણે વાપર્યા છે? હું બોજ હોઉં એમ મારાં માબાપ મને લગ્ન માટે રોજ આગ્રહ કર્યા કરે છે… તારું થાય તો નાની બહેનો માટે પછી રસ્તો ખુલ્લો થાય… મારી બહેનો માટે મને લાગણી નથી એવું કાંઈ નથી. પણ એમને ખાતર મારે ઇચ્છા વિરુદ્ધ પરણી જવું — એ ક્યાંનો ન્યાય?’ ‘તમે લગ્ન કરવા જ નથી માગતાં?’ ‘એવું નથી.’ સુમિત્રા જરા શાંત પડી. ‘પ્રેમ અને ઉષ્માની જરૂ૨ કયા માનવહૃદયને ન હોય? હું પરણીશ — પણ મને ગમતો માણસ મળશે તો જ અને ત્યારે જ.’ ‘તમને કેવો માણસ ગમે?’ ‘એવો માણસ, જે મને અખંડ રહેવા દે. તમે ટાગોરનું પેલું ગીત વાંચ્યું છે? તું જેવી છો તેવી બસ આવ ચાલી. મેઘાણીએ અનુવાદ કર્યો છે. વાંચ્યું છે? એ જેવી છે — માં આંખોના કાજળની કે કેશની વિખરાયેલી લટોની વાતમાત્ર નથી. ખરેખર તો એ વ્યક્તિની સમગ્રતાની વાત છે.’ તે જરા અટકી. ‘તમને કંટાળો આવે છે? હું બહુ બોલું છું એમ લાગે છે?’ વસુધા ઉત્સુકતાથી બોલી : ‘ના, ના, મને બહુ જ ગમે છે. આવી તથ્યવાળી વાતો ક૨વા તો મારું મન ઝંખે છે. તમને કેવો માણસ ગમે એની તમે વાત કરતાં હતાં…’ ‘હા. મને એવો માણસ ગમે, જે સ્વામી નહિ મિત્ર બની શકે, જે મારા હાથમાં હાથ પરોવી ચાલી શકે. પણ તમને લાગે છે — કોઈ પુરુષ આવો હોઈ શકે? ચોવીસે કલાક પોતાની સેવા કરનાર સ્ત્રીને બદલે, પોતે જેની સાથે સમાન આદરથી વર્તવું પડે એવી સ્ત્રીને પરણવા કોઈ પુરુષ તૈયાર થાય ખરો? અરે, તમને ગમ્મતની એક વાત કહું. તે દિવસે આપણે મળ્યાં ને, તેના બે દિવસ પહેલાં જ એક છોકરો મને જોવા આવેલો. મારી મા આવું બધું ગોઠવ્યા કરે છે. છોકરો કોઈ કંપનીમાં જુનિયર ઍક્ઝિક્યુટિવ હતો. લાંબો-પહોળો, ઊંચો, ટૂંકમાં કહીએ તો દર્શનીય. મારી માને તો ગમી ગયો. મને અંદર બોલાવીને ગુસપુસ કહે : એ હા પાડે તો મહેરબાની કરીને તું ના ન પાડતી. જોયું ને? એ ના પાડે તો તમે સમસમીને બેસી રહેવાનાં. પણ હું ના પાડું તો કેટલોય ઠપકો સાંભળવો પડે. એ વખતે એની આંખોમાં આજીજીનો જે ભાવ હતો! મને થયું : છોકરીની મા છે એટલે આટલી બધી લાચારી! એ ભાવ જોઈને મને દયા લગભગ આવી જ જાત! પણ કહે છે ને — બીવેર ઑફ પિટિ…ખોટા સ્થળે, ખોટી પળોએ દયાળુ થવાથી ખોટ જ ખાવી પડે. ‘હું તો છોકરાના મોં પરના ભાવમાં જરા સ્વીકૃતિનો અણસાર કળાયો હશે, એટલે બીજાં બધાં ત્યાંથી ઊઠી ગયાં. કહે : તમે જરા વાત કરો, અમે હમણાં આવીએ છીએ. ‘અમે એકલાં પડ્યાં. છોકરો મારી સામે જોઈને હસ્યો. એનું હાસ્ય મને ગમ્યું. પછી એ જ ચીલાચાલુ પ્રશ્ન એણે પૂછ્યો : તમને શાનો શોખ છે? મેં કહ્યું : ખૂબ ભણવાનો, ખૂબ વાંચવાનો. એ પછીનો પ્રશ્ન શો હતો, ખબર છે? કહે : તો પછી તમને રસોઈ કરતાં આવડે છે? રસોઈ કરવાનું ગમે છે? તમે સમજ્યાંને? તો પછી — એટલે કે ભણવાનો શોખ છે ‘તો પછી’ રસોઈ ક૨વાનું ગમશે? મેં તો ત્યારે જ નક્કી કરી નાખ્યું કે છોકરો ગમે તેટલો સારો હોય, તોય મારા ખપનો નથી. રસોઈની આવડત તે જ સ્ત્રીનું સૌથી મુખ્ય ક્વૉલિફિકેશન જેને મન હોય, તે સહજીવનનો મહિમા શું સમજે? ‘પણ ગમ્મતની વાત તો હવે આવે છે. કહે : તમારું નામ સુમિત્રા, નહિ? મેં ડોકું ધુણાવ્યું. તે કહે : મારા મોટાભાઈની દીકરીનું નામ પણ સુમિત્રા છે. તમારું નામ આપણે બદલી નાખીશું. બીજું કાંઈક સરસ નામ રાખીશું. એની ધૃષ્ટતા તો જુઓ! મને તે કબૂલ છે એમ માનીને એણે તો વાત કરવા માંડી. પણ હુંયે કાંઈ ઓછી નથી! મેં કહ્યું, તમારું નામ શૈલેશ ને? મારી કૉલેજમાં એક શૈલેશ હતો. છોકરીઓની બહુ છેડતી કરવા માટે અને વિદ્યાર્થી-સંઘનાં નાણાંનો ગોટાળો ક૨વા માટે તે બહુ બદનામ થયેલો. મને શૈલેશ નામ ૫૨ સખત ચીડ છે. તમારું નામ પણ આપણે બદલી નાખીશું. અહાહા, એનો ચહેરો ત્યારે જોયો હોય તો!’ સુમિત્રા મોં દાબીને હસી. ‘એ તો આભો જ થઈ ગયો. કહે : પુરુષનું નામ તે કદી બદલાતું હશે? આ નામ સાથે હું ૨૭ વર્ષ જીવ્યો છું. એ કેમ બદલાય? મેં એને કહ્યું નહિ પણ મનોમન મને થયું — તો અમે અમારાં નામ સાથે જાણે જીવ્યાં નહિ હોઈએ, એમની સાથે ૨મકડે ૨મ્યાં હોઈશું નહિ? બોલતાં બોલતાં એનો કંઠસ્વર પાછો તીખો ગઈ ગયો. ‘એ લોકો માને છે કે પોતે પરણે એટલે સ્ત્રીના વ્યક્તિત્વના કોઈ પણ અંશ સાથે કાંઈ પણ ચેડાં ક૨વાની છૂટ મળી જાય છે. એ લોકો તો ફાવે તે કરે, અને આપણી નાની સરખી વાતને એવી રીતે જુએ જાણે તે કોઈ બળવાનું જાહેરનામું હોય!’ વસુધા ખડખડાટ હસી પડી. ‘મને યાદ છે, મારાં એક કાકીનું નામ લીલા હતું. પછી નાના કાકા પરણ્યા. તેમનાં પત્નીનું નામ પણ લીલા હતું, તો એનું નીલા કરી નાંખ્યું. મારાં નાનાં કાકીને એ જરાયે ગમતું નહિ. અમે છોકરાંઓ ઘણી વાર ટીખળમાં તેમને પૂછતાં : નાનાં કાકી, તમારું નામ શું? તો ઉશ્કેરાઈને કહેતાં : લીલા, મારું નામ લીલા જ છે. પણ ઘરનાં બધાંને એમની આ નાપસંદગીની કાંઈ પડી નહોતી. તેઓ તો તેમને નીલા કહીને જ બોલાવતાં.’ ‘સ્ત્રીની નાપસંદગીની સાસરામાં કોને પડી હોય છે? મારાં એક માસીનું નામ વિમલા હતું. પરણ્યાં એટલે માસાએ તેમનું નામ વિનોદિની કરી નાંખ્યું. કહે : મને વિમલા પસંદ નથી. કેમ ભાઈ, તમને પસંદ તે હીરોમોતી અને અમને પસંદ તે ગારો-માટી?’ વસુધા હસી. ‘પણ માસીએ એ નામ સ્વીકારી લીધું ને? બધી સ્ત્રીઓ સ્વીકારી લેતી હોય છે.’ ‘પણ હું નથી સ્વીકારવાની.’ સુમિત્રાના અવાજમાં દૃઢતા હતી. ‘મારી મા ને બાપા તો શું ખુશ! છોકરો બહુ સારું કમાય છે. દેખાવે પણ સારો છે. કુટુંબ પણ સારું છે. આથી વધુ તને જોઈએ જ શું?’ વસુધા સુમિત્રા ભણી સ્થિરતાથી જોઈ રહી, એના અંતરમાં કંઈક ફંફોસી રહી. પછી સહૃદયતાથી બોલી : ‘એમના આગ્રહ સામે ટકી રહેવાનું તમને મુશ્કેલ લાગે છે?’ સુમિત્રા ઢીલી થઈ ગઈ. ‘એમને મારે માટે લાગણી છે, એના જો૨ ૫૨ તેઓ એમની ઇચ્છા મારી પાસે કબૂલાવવા ઇચ્છે છે. કહે છે : બહુ ચપચપ કરવા જઈશ તો કુંવારી રહી જઈશ. કુંવારા રહેવાનો મને વાંધો નથી, પણ નાની બહેનોની મુશ્કેલી છે. મા કહે છે : બધા પૂછશે કે મોટીનું હજી સુધી કેમ કાંઈ નથી કર્યું? એમને થશે કે ચોક્કસ કાંઈ વાંધો હશે. કેમ જાણે સ્ત્રી પરણવા ખાતર ઘણું જતું કરી શકે, પણ પોતાની દૃઢ માન્યતા કે સિદ્ધાંત ખાતર કાંઈ જતું કરી શકતી જ ન હોય!’ તે વસુધા ભણી તાકી રહી. ‘તમને એમ લાગે છે ને કે હું બહુ જોરદાર વ્યક્તિ છું! હું વાતો કરું છું, પણ મનથી કોઈ વાર ઢીલી થઈ જાઉં છું. મને લાગે છે કે કોઈક વાર હું થાકીને કહી દઈશ કે સારું, તો પછી તમને ઠીક લાગે તેવા માણસ સાથે પરણાવી દો. પતાવી દો — તમારે તો છેવટે પતાવવાનું જ છે ને?’ ‘હં-હં’ વસુધાએ તેનો હાથ પકડી લીધો. ‘એવું કરતાં નહિ કદી. આપણે તમારે માટે કોઈ સરસ જણ શોધી કાઢીશું. ક્યાંક કોઈ એવો જુવાન હશે જેને આજ્ઞાંકિત ઢીંગલીની નહિ, પણ મોંઘામૂલા મિત્રની શોધ હોય. જે સત્તા ચલાવવામાં નહિ, સાથે જીવવામાં માનતો હોય. ભાંગી ન પડતાં. હું તમને મદદ કરીશ.’ સુમિત્રાએ ભાવથી તેની સામે જોયું. ‘મારી કોઈ બહેનપણી સાથે હું આવી વાતો કરી શકતી નથી. એ બધાં ગતાનુગતિક છે. એમને થાય છે, હું સાવ વિચિત્ર વાતો કરું છું! પણ તમે મને સમજો છો. હું તમારે ત્યાં કોઈ વાર આવું? તમે ક્યાં રહો છો?’ વસુધાએ સ૨નામું આપ્યું. પણ વસુધાને ખબર નહોતી કે એક સ્થળે એક વ્યક્તિ સમક્ષ બોલાયેલા શબ્દો ગમે તેટલા સાચા, મૂલ્યવાન હોય, બીજે કોઈ સ્થળે બીજા કોઈ માણસ સમક્ષ એ શબ્દોનો કશો અર્થ ન રહે, એમ બને. આ પછી બેત્રણ વાર વસુધા ને સુમિત્રા મળ્યાં હતાં. છેલ્લે મળ્યા પછી ત્રણ દિવસ સુમિત્રા દેખાઈ નહિ, ત્યારે વસુધાને ચિંતા થઈ. રાતે બધું કામ પતાવીને સૂવા જતાં તે વિચાર કરતી હતી કે સુમિત્રા પર કોઈ દબાણ તો નહિ આવ્યું હોય ને! ત્યાં જ બારણાં પર ટકોરા પડ્યા. વસુધાએ સફાળા જઈને બારણું ઉઘાડ્યું. ઉંબર પર સુમિત્રા હતી. તેના હાથમાં બેંગ હતી. ઘરથી ભાગી આવી છું — તેણે ઉલ્લાસ ને શક્તિથી ચમકતી આંખો સાથે કહ્યું. વસુધાનું હૃદય એક થડકાર ચૂકી ગયું. તેણે અંદરના ઓરડા તરફ જોયું. વ્યોમેશ ઊંઘી ગયો હશે કે જાગતો હશે? એ શું કહેશે? અંદર કાંઈ સંચાર નહોતો. ‘આવો, અંદર આવો.’ તેણે સુમિત્રાના હાથમાંથી બૅગ લેતાં કહ્યું.